Nitu - 81 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 81

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 81

નિતુ : ૮૧(વાસ્તવ) 


નિતુને ઓફિસમાં ના જોઈ વિદ્યાને રોષ ભરાતો હતો. પોતાની કેબિનમાં બેઠા બેઠા હાથમાં પેન રાખી એની થ્રસ્ટ ટોબને વારંવાર દબાવી ખોલબંધ કરતી, તે સતત તેના વિશે વિચારતી હતી, "એવું તે શું કામ આવી ગયું કે હજુ સુધી નિતુ ઓફિસ નથી પહોંચી?" 


તેણે ફોન લઈ કૃતિનો નંબર જોયો પરંતુ ડાયલ ના કર્યો. મનમાં કંઈક વિચાર સ્ફૂર્યો અને તે બહાર આવી કરુણાના ટેબલ સામે ઉભી રહી. કરુણા તેની સામે જોઈ ઉભી થઈ ગઈ અને બોલી, "યસ મેમ."

"નીતિકા ક્યાં ગઈ છે?"

"ખબર નહિ. આજે મારી સાથે નથી આવી."

"ઓકે... કન્ટિન્યુ."

કેબિનમાં પાછી આવી તેણે ફોન કાઢ્યો અને કૃતિને ફોન કર્યો. વિદ્યાનો ફોન છે એમ જોઈ એણે ઉંચકતાની સાથે ઘૃણાસ્પદ સ્વરે જવાબ આપ્યો, "હેલો."

આ રીતે તેનો જવાબ સાંભળી વિદ્યાએ ધીમેથી કહ્યું, "કૃતિ, હું વિદ્યા બોલું છું."

"બોલો." જાણે પરાણે તે જવાબ આપતી હોય એમ બોલી.

"નીતિકા આજે ઓફિસ નથી આવી!"

"નથી આવી? ઘરેથી તો નીકળી ગઈ છે." ચિંતાસહ તેણે કહ્યું.

"હા... એ જ હું તને પૂછું છું. ઈઝ એવરીથીંગ ઓકેના?"

કૃતિ વિચારવા લાગી, "ઘરેથી નીકળી ગઈ છે, પણ ઓફિસ નથી પહોંચી! તો ક્યાં ગઈ હશે? ક્યાંક નિકુંજને શોધવા બંને નહીં ગઈ હોયને?"

"હેલો..." થોડીવાર કૃતિનો અવાજ ના સંભળાયો તો વિદ્યાએ કહ્યું.

"હા... મને યાદ આવ્યું. તેને કોઈ કામથી જવાનું હતું. એટલે કદાચ મોડી પહોંચે."

"ઠીક છે." કહેતા વિદ્યાએ ફોન રાખી દીધો.

નિકુંજ અંગેની વધારેની માહિતી મેળવવામાં તે લંચના સમયે ઓફિસ પહોંચી. મોટાભાગનો સ્ટાફ લંચ માટે જતો રહ્યો હતો અને ઓફિસમાં કોઈ કોઈ વ્યક્તિ જ બેઠી હતી. એવે સમયે વિદ્યા બહાર જઈ રહી હતી અને કોરિડોરમાં નિતુ તેને સામી મળી.

તેને જોતાં જ વિદ્યા બોલી, "નિતુ, ક્યાં હતી સવારની? કેમ લેટ આવી?"

"મારે થોડું કામ આવી ગયું હતું એટલે લેટ થયું."

"શું કામ હતું? તે મને કહ્યું હોત તો હું તારું કામ કરાવી દેત."

તે મનમાં હસીને વિચારવા લાગી, "તમે મારા માટે નિકુંજની શોધખોળ થોડી કરાવેત!"

વિદ્યાએ તેનું બાવડું અડકી કહ્યું, "નિતુ!... ક્યાં ખોવાય ગઈ?"

"એની કોઈ જરૂર નથી. મારું કામ ઓલમોસ્ટ પતી ગયું છે."

"નિતુ, ખોટો સમય ના બગાડ. તને ખબર છેને શાહ હવે માત્ર છ દિવસ આવવાના છે. તેની સાથે રહીને શક્ય તેટલું કામ શીખી લે જેથી અટવાવું ના પડે."

"હા. હું જોઈ લઈશ." કહેતી તે શાહની કેબીન તરફ ચાલી ગઈ.

"નિતુ...." વિદ્યા પાછળ ફરી હળવેથી બોલી, પરંતુ કશું કહ્યા વિના તે જતી રહી.

મિહિર એક કસ્ટમરનો ઓર્ડર કિચનમાં આપી પરત કાઉન્ટર પર આવ્યો ત્યારે નિકુંજ ન્યુઝ ચેનલ જોતો ત્યાંજ બેઠેલો હતો. તેને વિચાર કરતો જોઈ તે બોલ્યો, "નિકુંજ! તું હજુ અહીં જ છે?"

"હમ્મ"

"તું રોજ કરતા લેટ છે. મને લાગે છે કે હવે તારે ઘરે જતું રહેવું જોઈએ."

"મિહિર, આજે મને વહેલાં ઘરે જવાનો કોઈ મૂડ નથી."

"તને કોઈ જોઈ જશે. ખબર નહિ આખા દિવસમાં કોણ કોણ અહીં આવશે!"

"તને યાદ છેને, સવારે નીતિકા મારા વિશે ઇન્ફોર્મેશન લેવા માટે આવી હતી."

"હા, તો?"

"એ માહિતગાર છે કે હું કાફેમાં વધારે સમય નથી રોકાતો. એટલે આજે વધારે રોકાઇશ."

"યુ મીન..."

"હા. આપણા વર્કરે એને જણાવી દીધું છે કે હું થોડો સમય રહું છું. એ સાંજે મને મળવા મારા ઘર સુધી આવશે."

"એટલે આજે તું અહીં જ રોકવાનો છે?"

"હા... મારી પાસે બીજો કોઈ ઓપશન નથી."

તેના ખભા પર હાથ મૂકતા મિહિરે કહ્યું, "યાર ક્યાં સુધી તું આમ વિદ્યાથી ભાગતો ફરીશ? વિદ્યાને ખબર પડશે કે તું અહીં... આ જ સિટીમાં છે... તો એનું પરિણામ શું આવશે એ ખબર છેને તને!"

"એટલે જ હું કોઈપણ ભોગે વિદ્યા સામે જવા નથી માંગતો. હું વિદ્યાને ખબર જ નહિ પડવા દઉં કે હું આ જ સિટીમાં છું."

મિહિરે પૂછ્યું, "નીતિકા અને કરુણાને તું કઈ રીતે શાંત કરાવીશ? એણે ક્યાંક વિદ્યાને જાણ કરી દીધી તો? એ બંને વિદ્યા વિશે કશું નથી જાણતી."

"હું એને કશું કહીશ જ નહિ. એ બંનેને જે કરવું હોય તે કરે, પણ હું એની વાત માનીને વિદ્યા સામે ક્યારેય નહિ જાઉં."

વિચાર કરતા મિહિરે કહ્યું, "જો, ખોટું લગાડવાની વાત નથી. છતાં મને એવું લાગે છે, કે તારે એક વખત તારા પેરેન્ટ્સને બધી જાણ કરી દેવી જોઈએ."

"તું મારા પેરેન્ટ્સને ઓળખે છે. તને બધી ખબર છે. એ હા કહેશે કે કેમ? એ અંગે હું સ્પષ્ટ નથી."

"નિકુંજ, આટલું બધું થઈ ગયું અને હવે..."

તેને અટકાવતા નિકુંજે કહ્યું, "રહેવા દે મિહિર. મારે અત્યારે કોઈ વાત નથી કરવી."

મિહિર ચૂપ થઈ ગયો અને ઉભો થતા બોલ્યો, "ગુડ... કંઈ આપું તને?"

"ના. હું એ બંનેથી શાંતિ લેવા માટે બેઠો છું. મને શાંતિ આપ." હસતા નિકુંજે કહ્યું. એની વાત પર હસીને, "ઠીક છે." કહેતો મિહિર જતો રહ્યો.

સાંજનો સમય થયો અને નીતિકા અને કરુણા ફટાફટ બહાર આવી. વિદ્યા ઉપરથી બંનેને એકસાથે ઉતાવળમાં જતા જોઈ રહી હતી. બંને ગેટની બહાર આવી કે પેલો રીક્ષાવાળો રીક્ષા લઈને ત્યાં આવી પહોંચ્યો. બંને અંદર બેસી ગઈ. મીટર ડાઉન કરતા પાછળ ફરી તે બોલ્યો, "તો બોલો, આજે ક્યાં જવાનું છે?"

"ઘોડદોડ રોડ પર." નીતિકાએ કહ્યું.

કરુણાએ પૂછ્યું, "એક મિનિટ. ત્યાં શું કામ? નિકુંજ તો ઘરે જતો રહ્યો હશે. તે વધારે સમય કાફે પર નથી રોકાતો ને!"

"હા. પણ સવારે હું ત્યાં ગઈ ત્યારે વર્કરે મારી સાથે વાત કરતા કરતાં બે ત્રણ વખત ઉપર જોયું. મેં પણ જોયું તો ખબર પડી કે એના એન્ટ્રન્સ પર કેમેરો છે. તે વર્કર મારા પર શક કરી રહ્યો હતો. એણે નિકુંજને જરૂર જાણ કરી દીધી હશે અને નિકુંજ આપણને ભરમાવા માટે આજે ઘરે નહિ ગયો હોય."

"અને જો એ ત્યાં નહિ હોય તો?"

"હશેજ." નિતુએ ખાતરી પૂર્વક જવાબ આપ્યો.

"અને છતાંય ના હોય તો?"

"તો પછી એના ઘરે જઈશું. પહેલા એના કાફેમાં જઈને ચેક તો કરી લઈએ."

ચાલકે નિતુનાં વખાણ કરતાં કહ્યું, "મેડમ મગજવાળા તો છે, હો!"

કરુણા મોં ચડાવી બોલી, "તમે તમારું કામ કરોને ભાઈ."

તે મોં મચકોડતા બબડ્યો, "સારું ભૈ, મારે શું? મારે તો રૂપિયા સાથે મતલબ છે." કહીને તેણે આગળ ફરી, સીટની બાજુમાં રહેલ સ્ટાર્ટરનો દાંડિયો ખેંચી રીક્ષા શરુ કરી અને ફરી બોલ્યો, "એકઝેક્ટલી ક્યાં જવાનું છે મેડમ?"

"ઘોડદોડ રોડ પર લઈલે." નીતિકાએ કહ્યું. કરુણા આશ્વર્ય સાથે તેના તરફ જોવા લાગી. નિતુએ પંજો બતાવી તેને શાંત રહેવા કહ્યું. રિક્ષામાં ચાલી રહેલી આ ગતિવિધી અને જઈ રહેલી રિક્ષાને વિદ્યા ધ્યાનથી જોતી હતી. પાછળથી એક પિયૂન આવ્યો અને "મેડમ..." કહી તેને સાદ કર્યો. વિદ્યાએ કડકાઈથી કહ્યું, "અત્યારે નહિ. તું જા." અને "ઠીક છે." કહેતો તે જતો રહ્યો.

"કોઈ વાત છે જે નિતુ આજકાલ છૂપાવી રહી છે. આખરે એ કરવા શું માંગે છે એ? શું ચાલી રહ્યું છે એના મનમાં?" વિચારતી તે પોતાના ટેબલ પર બેઠી અને લેપટોપ ખોલી મેઈન ગેટ પર રહેલા કેમેરામાંથી નિતુ અને કરુણા જે રીક્ષામાં બેઠેલી એનો ફૂટેજ લઈ ઝૂમ કરી, તેનો નમ્બર નોટ કર્યો. તેણે પિયૂનને બોલાવ્યો અને નમ્બર લખેલ કાગળ એના હાથમાં આપતા કહ્યું, "આ નંબરની રીક્ષા કાલે આપણી ઓફિસ સામે આવે એટલે એને રોકજે." "જી મેડમ!" કહી તે કાગળ પરનો નમ્બર જોતો ચાલતો થયો.

નિતુ પોતાના સુધી ના પહોંચે એટલે નિકુંજે કાફેમાં રહેવાનો જ વિચાર કર્યો. પરંતુ નિતુએ નિકુંજના આ વિચારને પામી લીધો અને તેને મળવા કાફે સુધી પહોંચી ગઈ. નિકુંજ શાંતિથી ન્યુઝ જોઈ રહ્યો હતો. એવામાં એક વેઈટરે ત્યાં આવી તેને કહ્યું, "સર! આપને મળવા માટે કોઈ આવ્યું છે."

નિકુંજે પાછળ ફરીને જોયું તો નિતુ અને કરુણા બંને ઉભા હતા. "તમે બંને?"

નિતુએ કરુણાને કહ્યું, "મેં કહ્યું હતુને, અહીં જ હશે." બંને તેની પાસે ગઈ. અચંબાથી નિકુંજે પૂછ્યું, "તમને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું?"