Nitu - 80 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 80

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 80

નિતુ : ૮૦(વાસ્તવ) 

નિતુ સોસાયટીના નાકા તરફ ચાલવા લાગી. ગેટ પર બેઠેલા આધેડ ઉંમરના ચોકીદાર પાસે જઈને નિતુ ઉભી રહી. કરુણા રીક્ષામાં બેઠી અને રીક્ષા તેની પાછળ આવીને ઉભી રહી.


"કાકા"

"હા. બેટા?" પ્લાસ્ટિકની કુરશી પર બેઠેલા ચોકીદારે કહ્યું.

"આ સામે પેલું મકાન દેખાય છેને!"

"હાં... નિકુંજભાઈનું છે."

"એ કઈ જગ્યાએ કામ કરે છે?"

"એ કામ નથી કરતાં. એનું તો પોતાનું પેલું આવેને, ચા ને કોફી ને નાસ્તો ને એ વાળું. એવું રેસ્ટોરન્ટ છે."

"એટલે એ... કાફેટેરિયા ચલાવે છે?"

"હા... ઈ જ. આપણું ઘોડદોડ રોડ પર નથી... પેલું ... શું નામ છે?" યાદ કરી તે આગળ બોલ્યા, "વી.એમ... એ એનું છે."

"હમ... થેન્ક યુ અંકલ." કહેતી તે રીક્ષામાં બેસી ગઈ. રસ્તામાં કરુણાએ એને પૂછ્યું, "શું થયું? શું વાત કરતી હતી એની સાથે?"

નિતુ બોલી, "એ કાકાએ કહ્યું, કે ઘોડદોડ રોડ પર વી.એમ. કાફે છે, એ નિકુંજનું છે."

"એક મિનિટ, યુ મીન... વી.એમ. કાફેટેરિયા!"

"હા... શું થયું? એમાં આટલા આશ્વર્યની શી વાત છે?"

"યાર નિતુ... આ એ જ કાફે છે જ્યાં હું નિકુંજના ફ્રેન્ડ મિહિરને મળવા માટે ગઈ હતી. એ વખતે તો મિહિરે મને કહ્યું હતું કે એ કાફે એનું છે."

"હા, પણ મિહિરે તો ના કહી હતીને કે એને નિકુંજ વિશે કોઈ જાણકારી નથી."

કરુણા બોલી, "હમ.. અને એમ ભી કહ્યું હતું, કે એની પાસે નિકુંજનો ફોન નંબર પણ નથી અને અત્યારે ક્યાં છે એની ખબર નથી."

"આનો અર્થ છે કે મિહિર તે દિવસે જૂઠું બોલ્યો હતો. નિકુંજે અત્યારે કોઈ જાતની વાત કરવાની ના કહી દીધી. પણ એ વિદ્યાને મેસેજ કરે છે."

"કંઈક ગડબડ છે નીતિકા. આ લોકો આપણાથી કંઈક છુપાવી રહ્યાં છે."

"જાણવું જરૂરી છે. આ લોકો આપણાથી શું છુપાવી રહ્યા છે. વિદ્યાનું નામ પડતા એના મોઢા સિવાઈ જાય છે. વિદ્યાનો ડર છે કે કોઈ બીજું કારણ છે!"

કરુણાએ ચિન્તા વ્યક્ત કરતા કહ્યું, "તને શું લાગે છે નીતિકા? આ લોકો વાત કરવા તૈય્યાર કેમ નથી થતાં?"

"લેટ્સ સી! એ પણ જાણવું પડશે."

સવારે ઓફિસને બદલે નિતુ સીધી જ ઘોડદોડ રોડ પર પહોંચી અને શાહને ફોન કરી જણાવી દીધું કે પર્સનલ કામ છે એટલે લેટ થશે. વી.એમ. કાફેટેરિયાની બહાર કોઈ ના જુએ એમ સંતાઈને તે ઉભી રહી. ઘડિયારમાં જોતી તે કાફેની સામે નજર રાખતી હતી. અંદર અવર જવર કરનાર દરેકને તે ધ્યાન પૂર્વક નિહાળતી. લગભગ અડધી કલાકની પ્રતીક્ષા પછી તેને પોતાની રાહ સફળ થતી નજરે ચડી. એક ગાડીમાંથી નિકુંજ ઉતાર્યો અને ગાડી બાજુના પાર્કિંગમાં ગઈ.

નિકુંજના હાથમાં એક બેગ હતી અને તે અંદર જઈ રહ્યો હતો. ગાડી પાર્ક કરીને એનો ફ્રેન્ડ મિહિર તેની પાછળ જવા લાગ્યો. નીતિકાએ આજુ બાજુ નજર કરતા કોઈ ના દેખે એમ તેઓના ફોટા પોતાના ફોનમાં કેદ કર્યા અને ફોટા કરુણાને સેન્ડ કર્યા.

ફોટા જોઈ તેણે ફોન કરી જવાબ આપ્યો, "આ તો મિહિર છે. નિકુંજ અને મિહિર બંને સાથે છે?"

"હા. હું એ જાણવા માટે જ અહીં આવી છું."

"એટલે એ વાત તો ચોક્કસ છે કે મિહિરે તે દિવસે મને જે કંઈ કહ્યું હતું એ બધું જ ખોટું હતું."

"એની તો જાણ થઈ જ જશે. એનો એક વર્કર બહાર છે. હું એની સાથે વાત કરીને તને બાકીની ડિટેઇલ આપું છું."

"ટેક કેર નીતિકા."

"હા." ફોન રાખી તે કાફેની એકબાજુ ટેમ્પો રોકી, તેમાંથી સામાન ઉતારતા કાફેના એક વર્કર પાસે પહોંચી. ટેમ્પો વાળો સમાન ઉતારી રહ્યો હતો અને તે વર્કર હાથમાં એક લિસ્ટ રાખી બધો સામાન ચેક કરી રહ્યો હતો.

"સાંભળો..." નીતિકાએ તેની પાસે જઈ કહ્યું.

વર્કરે તેની સામે જોયું, અને ફરી આવેલાં સામાનની લિસ્ટ ચેક કરતા બોલ્યો, "જી, બોલો."

"તમે આ કાફેમાં કામ કરો છો?"

"હા."

"તો તમે નિકુંજભાઈ અને મિહિરભાઈને તો ઓળખતા જ હશોને?"

વર્કરથી હસી જવાયુ. તે બોલ્યો, "કેવી વાત કરો છો! આ કાફેના માલિક છે બંને. એને હું ના ઓળખું એવું બને?"

"તમારો કહેવાનો અર્થ છે કે બંને..."

હકારમાં માથું હલાવતા તે બોલ્યો, "હમ... બંને પાર્ટનર છે અને સાથે મળીને આ કાફે ચલાવે છે."

"પણ નિકુંજભાઈ અહીં આવે છે? આઈ મીન, એ રોજે આવે છે?"

"ના ક્યારેક આવે છે. અઠવાડીયામાં એકાદ- બે વાર... કેમ શું થયું?"

"બસ એમ જ હું પૂછતી હતી." તેણે આગળ ઉમેર્યું, "અચ્છા, એ આખો દિવસ આવે છે?"

શકની નજરથી વર્કરે તેની સામે જોયું અને બોલ્યો, "ના. થોડા ટાઈમ માટે. પછી જતા રહે છે." તેને શક કરતો જોઈ નિતુ કૃત્રિમ રીતે એક જુઠ્ઠી મુસ્કાન વેરતી ચાલવા લાગી. તે થોડીવાર તેની સામે તાકી રહ્યો. સામાનનું લિસ્ટ ટેમ્પવાળાને આપી તે અંદર ગયો. સવારનો સમય હતો, કાફેમાં સાફ સફાઈ થઈ રહી હતી અને કોઈ કસ્ટમર  નહોતું. નિકુંજ કાઉન્ટર સામે ઉભો રહીને કોફી પીય રહ્યો હતો.

"સર." ત્યાં આવી તે બોલ્યો.

"હા."

"કોઈ છોકરી આવી હતી. તમારા વિશે પુછપરછ કરતી હતી."

"મારા વિશે?"

"હા."

"કોણ હતી?"

"ખબર નહિ સર. મેં એને પેલા ક્યારેય નથી જોઈ."

કોફીનો કપ સાઈડ પર રાખી તેણે ટેબલ પર રહેલા કમ્પ્યુટરમાંથી કેમેરા ખોલ્યા. કાફેના એન્ટ્રન્સ પાસે રહેલાં કેમેરામાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. નિકુંજ તેને જોતાં જ સમજી ગયો કે એને આ કાફે કોનું છે એ ખબર પડી ગઈ છે. વર્કરે નિતુને જોતા જ કહ્યું, "સર આ જ હતી. બહુ પડપૂછ કરતી હતી."

"શું શું પૂછ્યું એણે?"

વર્કર વિગતવાર એક પછી એક બધું કહેવા લાગ્યો, "હું તમને ઓળખું છું કે નહિ? તમે રોજે આવો છો? કેટલો ટાઈમ આવો છો? એવું બધું પૂછતી હતી."

એટલામાં મિહિર ત્યાં આવી ચડ્યો અને વર્કરને કહ્યું, "સામાન બધો આવી ગયો?"

"હા, સર."

"ઠીક છે. તું એને સ્ટોર રૂમમાં રખવી દે... અમે જોઈ લઈશું."

"ઓકે." કહી તે વર્કર ચાલ્યો ગયો.

મિહિરે વાત આગળ વધારતા મોનિટર તરફ જોઈ નિકુંજને પૂછ્યું, "શું થયું? કોણ છે આ છોકરી?"

નિકુંજે કહ્યું, "નીતિકા નામ છે. વિદ્યાની ઓફિસમાં કામ કરે છે. સાંજે મારા ઘર સુધી પહોંચી ગયેલી. કહેતી હતી, કે વિદ્યા વિશે જાણવું છે. કરુણા પણ તેની સાથે આવેલી."

યાદ કરતાં મિહિરે કહ્યું, "એ તો એ જ ને, જે અહીં આવી હતી અને તારા વિશે વાત કરતી હતી?"

"હા. અત્યારે મારું ટાઈમ ટેબલ જાણીને ગઈ છે. જિદ્દી છોકરી છે, બીજીવાર જરૂર આવશે."

"વિદ્યાને આ બધી ખબર છે?"

"ના. વિદ્યાથી સંતાઈને મારી પાસે આવે છે. આજે સાંજે મારા ઘરે જરૂર આવશે."

પોતાના નેણ ઊંચા કરતાં નિસાસો નાખી તે બોલ્યો, "તો... શું વિચાર્યું તે. શું કરીશ?"