દેવા
-રાકેશ ઠક્કર
એમ લાગે છે કે શાહિદ કપૂર તેની રીમેક ફિલ્મ ‘જર્સી’ ની નિષ્ફળતાને ભૂલી ગયો હતો એટલે 2013 ની મલયાલમ ફિલ્મ ‘મુંબઇ પુલિસ’ ની હિન્દી રીમેક ‘દેવા’ કરી છે. વળી ‘દેવા’ ના નિર્દેશકનું આ રીમેક નહીં અલગ ફિલ્મ હોવાનું જૂઠાણું હવે પકડાઈ ગયું છે. ‘દેવા’ ટ્રેલર પરથી શાહિદની ‘કબીર સિંહ’ જેવી લાગતી હતી અને સારી કમાણીની શક્યતા વ્યક્ત થઈ હતી. ફિલ્મ રજૂ થતાની સાથે જ ખ્યાલ આવી ગયો કે ‘મુંબઇ પુલિસ’ ના નિર્દેશક રોશન એન્ડ્રુઝ પોતાની પહેલી હિન્દી ફિલ્મથી મુંબઈના દર્શકોને ખુશ કરી શક્યા નથી. આવી કામચલાઉ રીમેક ફિલ્મોને દર્શકોએ ક્યારનુંય ભાવ આપવાનું બંધ કરી દીધું છે.
બધા જ જાણે છે કે શાહિદની કારકિર્દીને ‘અર્જુન રેડ્ડી’ ની હિન્દી રીમેક ‘કબીર સિંહ’ થી જ વેગ મળ્યો હતો. હવે ‘દેવા’ માં એ ઈમેજને જ વટાવવાનો એણે નિષ્ફળ પ્રયાસ કર્યો છે. શાહિદ હજુ એ પાત્રના હેંગઓવરમાં દેખાય છે. શાહિદના પાત્રનું નામ ‘દેવ’ છે પણ ફિલ્મનું નામ ‘દેવા’ કેમ રાખ્યું હશે એવો પ્રશ્ન પહેલો થાય છે. કદાચ એમાં ‘દેવ એ’ અને ‘દેવ બી’ ની વાત થઈ છે.
વાર્તા મૂળ મલયાલમ ફિલ્મ ‘મુંબઇ પુલિસ’ ની જ લેવામાં આવી છે પણ છ લેખકોની મદદથી એને વધારે ફેલાવવામાં આવી છે. ફિલ્મનો અંત મૂળ ફિલ્મથી બદલવામાં આવ્યો છે. એ માટે એમ કહેવામાં આવ્યું છે કે શાહિદ પૃથ્વીરાજની જેમ પોતાના પાત્રમાં પ્રયોગ કરવાની હિંમત કરી શક્યો નહીં હોય. અલબત્ત જેમણે ‘મુંબઇ પુલિસ’ જોઈ નથી એમના માટે ક્લાઇમેક્સ ફિલ્મનું સૌથી મોટું જમા પાસું બની રહે છે.
‘મુંબઇ પુલિસ’ માં હીરો પૃથ્વીરાજ સુકુમારનની સાથે કોઈ હીરોઈન ન હતી. નિર્દેશક રોશનને એમ લાગ્યું હશે કે હિન્દી ફિલ્મોમાં હીરોઈન જરૂરી છે એટલે પત્રકારની એક ભૂમિકામાં પૂજા હેગડેને રાખી છે. ફિલ્મમાં એનું પત્રકાર તરીકે કોઈ યોગદાન હોતું નથી. ફિલ્મમાં શાહિદ અને પૂજાની પ્રેમકહાની જરૂર વગરની જ લાગે છે. બંનેના પ્રેમનો ટ્રેક પણ અધૂરો લાગે છે. પૂજાએ આજ સુધી જે ફિલ્મ કરી છે એનો બેડો ગરક જ થયો છે. પછી એ ‘ભાઇજાન’ સલમાન ખાન સાથેની કેમ ના હોય!
‘દેવા’ ને એક્શનથી ભરપૂર બનાવવા ‘એનિમલ’ ના સ્ટંટ ડાયરેક્ટર લેવામાં આવ્યા હતા. તે શાહિદને એકપણ સિગ્નેચર એક્શન સ્ટાઈલ આપી શક્યા નથી. મલયાલમની જેમ ફિલ્મનું નામ ‘મુંબઇ પુલિસ’ રાખ્યું હોત તો પહેલેથી જ એ રીમેક હોવાની છાપ નુકસાન કરી શકે એમ હતી. ‘દેવા’ માં મૂળ લેખક બોબી સંજયનું નામ છે. ફિલ્મનું નામ બદલ્યું પણ અસલ મુંબઇને બતાવવામાં નિર્દેશક સફળ થયા નથી. એમાં નાચગાન સાથે રાજકીય બાબત જોડવા છતાં અલગ સાબિત કરી શક્યા નથી.
ફિલ્મની વાર્તા સસ્પેન્સથી ભરપૂર છે પણ દર્શકોને સ્પર્શી શકતી નથી. એમાં એક મુખ્ય કારણ ભાવનાત્મક દ્રશ્યોમાં પાત્રોના ચહેરા પર ખાસ કોઈ ભાવ જોવા મળતા નથી. ટ્રેલર પરથી એમ લાગતું હતું કે આ માસ મસાલા ફિલ્મ જોવાની મજા આવશે. પણ સંપૂર્ણ મનોરંજન આપવાનો વાયદો ફિલ્મ પૂરી કરતી નથી.
શાહિદ કપૂરનું કામ સારું છે. તેણે નવું કશું કરવાનું ન હતું પણ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. શાહિદ આ અગાઉ આવી જ આક્રમક અને સનકી પ્રકારની ભૂમિકા કરી ચૂક્યો છે. એટલે એની આ ભૂમિકાથી દર્શકો ચોંકી શક્યા નથી. ઇન્ટરવલ પછી શાહિદ પહેલાંથી અલગ શાંત રૂપમાં છે. શાહિદે હવે સ્ક્રીપ્ટની પસંદગીમાં શાંતિથી ધ્યાન આપવાની જરૂર છે. આગળની કારકિર્દી માટે રીમેક પસંદ કરવાને બદલે અસલ વિષય પરની ફિલ્મ કરવી જોઈએ. કેમકે છેલ્લા 10 વર્ષમાં માત્ર બે હિટ ફિલ્મ આપી શક્યો છે. અને એમાંથી ‘જર્સી’ ને બાદ કરીએ તો બધી જ ફિલ્મોએ ‘દેવા' (2025) થી સારું ઓપનિંગ મેળવ્યું હતું.
ફિલ્મમાં એક જ ટાઇટલ ગીત હોવા છતાં અઢી કલાકથી વધુ લાંબી છે. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. વાર્તા એવી છે કે બે કલાકમાં ક્લાઇમેક્સ આવી શકે એમ હતો. ફિલ્મમાં ભૂલવાની બીમારીનો એંગલ દિલચસ્પ લાગે છે પણ એને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો નથી. ખાસ એવું કશું વિશેષ નથી કે જોઈ જ લેવી જોઈએ. જો સમય હોય તો જ જોવા જેવી છે બાકી OTT પર આવે ત્યાં સુધી રાહ જોવામાં વાંધો નથી. કેમકે કેટલાક દ્રશ્યો અને સંવાદને કારણે પરિવાર સાથે જોતાં પહેલાં વિચાર કરવો પડે એમ છે.