Accessible shopping in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | ઍક્સેસિબલ શોપિંગ

Featured Books
Categories
Share

ઍક્સેસિબલ શોપિંગ

પહેલા પણ વાત કરી તેમ ટેક્નોલોજીનો સતત વિકાસ થઇ રહ્યો છે. ત્યારે વ્યક્તિ પણ વસ્તુની ખરીદી કરવા માટે હવે બહાર જવાનું ટાળે છે. ખાસ કરીને વર્ષ 2020 અને 2021માં કોરોનાકાળમાં લોકોને દરેક વયસ્તુ ઘરે બેઠા મંગાવવાની આદત પડી ગઈ હતી. એટલું જ નહીં, ઘર નજીકના સ્ટોર કે મોલ કરતા વસ્તુ ઓનલાઇન વધારે સસ્તી મળી રહી છે. તે ઉપરાંત તેની રિટર્ન પોલિસી પણ ઘર નજીકના સ્ટોર અને મોલ કરતા વધારે સારી છે. ભારતની વાત કરીએ તો ઘરમાં જરૂરી કરિયાણું હોય કે પછી કપડાં વ્યક્તિ ઘર નજીકથી જ ખરીદવાનું પસંદ કરતા હતા. પરંતુ મોલ પ્રથા ચલણમાં આવી અને પછી સ્થાનિક દુકાનો કરતા મોલમાં બધું સસ્તું મળતું થયું. જેથી વ્યક્તિ મોલમાં ખરીદી કરતો થયો. મોલના સંચાલકો વિવિધ કંપની સાથે મોટી ડીલ કરતા હોવાથી તેમને વસ્તુ સ્થાનિક દુકાનના સંચાલક કરતા વધારે સસ્તી મળવા લાગી. જેનો લાભ મોલ સંચાલકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતો થયો અને ગ્રાહક સ્થાનિક વેપારીઓને છોડીને મોલ તરફ ભાગવા લાગ્યો.પરંતુ હાલના ટેક્નોલોજીના યુગમાં બધું જ ખરે બેઠા મેળવી શકાય છે. એટલું જ નહીં, ટેક્નોલોજીના યુગમાં ઘરે બેઠા બેઠા કપડાં, ચશ્મા પહેરીને કેવા લેશે તે પણ જોઈ શકાય છે. તે ઉપરાંત ઘરમાં રંગ કરાવવો હોય તો કયો રંગ ઘરમાં સારો લાગશે તે ચકાસવા માટે પહેલા રંગ લાવી ઘરની દીવાલ પર કરીને જોવો પડતો હતો. પરંતુ હવે તે પણ વ્યક્તિ તેના મોબાઈલ ફોનમાં જોઈ શકે છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુની ખરીદી કરવી હોય તો દુકાનમાં તેની જુદી જુદી બ્રાન્ડ અને તેના કન્ફીગ્રેશન જોવા તેમજ સમજવા માટે જવું પડતું હતું. જયારે આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિ દરેક બ્રાન્ડ અને તેના ઇલેક્ટ્રોનિક ડિવાઇઝને કમ્પૅર કરીને પોતાની માટે જે યોગ્ય જે તેની ખરીદી કરી શકે છે. તેની માટે તને કોઈ સ્ટોરમાં જવાની જરૂર રહેતી નથી.

મોલ બાદ આવેલું ઓનલાઇન ક્લચર ટેક્નોલોજીની દેન છે. જેના કારણે સ્થાનિક વેપારીઓના વેપાર પર ગંભીર અસર પડી છે. જોકે, હવે સ્થાનિક વેપારીઓ પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ ફેબસાઇટ પર વેપાર કરતા થયા છે. ત્યારે યૂઝર્સ માટે ઈ-કોમર્સ વેબસાઈટ અને એપ્લીકેશનના કારણે શોપિંગ પણ એક્સેસિબલ બની ગઈ છે. વ્યક્તિ કોઈ પણ વસ્તુની ખરીદી ઓનલાઇન કરી શકે જે સીધી જ તેના ઘરે તેના સમયે મળી જાય છે. વસ્તુ મળ્યા બાદ જો તે પસંદ ન પડે તો તેને પરત કરવા માટે પણ વ્યક્તિએ દુકાન સુધી જવાની જરૂર રહેતી નથી. માત્ર એપ્લિકેશન કે વેબસાઈટ પર એક રેઈકવેસ્ટ નાખવાથી વસ્તુ પરત લેવા માટે વ્યક્તિ યૂઝરના ઘરે તેના સમય આવતા હોય છે. તેનો પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ હોતો નથી. પરંતુ આ ઇઝી ઍક્સેસિબલ શોપિંગ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે.

કોઈ પણ એપ્લિકેશન કે વેસબાઈટ પર વસ્તુની ખરીદી કરવાનો વિચાર વ્યક્તિને આવે એટલે તે તેના ભાવ અને વસ્તુના ફીચરની ચકાસણી કરે છે. તેની સાથે જ વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે વસ્તુની જાહેરાત શરૂ થઇ જતી હોય છે. એટલું જ નહીં, કેટલીક વખત આ લોભામણી જાહેરાતોના કારણે વ્યક્તિને ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો થકી જ હેકર્સ અથવા તો ઠગ ભગતો દ્વારા ફિશિંગ કરવામાં આવતું હોય છે. જેમાં વ્યક્તિ ફસાઈ જાય તો તેના બેન્ક એકાઉન્ટ પણ ખાલી થઇ જતા હોય છે. વ્યક્તિ માટે શોપિંગ જેટલી ઇઝી અને ઍક્સેસિબલ બની છે તેટલી જ મુશ્ક્લીઓ વધી છે. તેની સાથે સાથે વ્યક્તિના મોબાઈલ સહિતના સ્માર્ટ ડિવાઈઝ પણ વ્યક્તિની નિગરાની કરતા હોય છે. વ્યક્તિ અન્ય સાથે કોઈ વસ્તુ ખરીદવાની વાત કરે તો તેના આધારે વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય કે પછી કોઈ સર્ચ એન્જીન તેની જ જાહેરાત આગળ આવતી હોય છે. જેથી કેટલીક વખત ખરીદી ન કરવી હોય તો પણ વ્યક્તિ લોભાઈને ખરીદી કરી લેતો હોય છે. જે ઍક્સેસિબકલ શોપિંગનો સૌથી મોટું નુકશાન માનવામાં આવે છે. હવે, રિલાયન્સ, ડિ-માર્ટ જેવી મોટી કંપનીઓ દ્વારા પણ ઍક્સેસિબલ શોપિંગના નામે પોતાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવી દેવામાં આવી છે. જેના થકી વ્યક્તિ ઘરે બેઠા ગ્રોસરી હોય કે પછી મોબાઈલ ફોન હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનીક ડિવાઈઝ તમામની ખરીદી કરી શકે છે. એટલું જ નહીં તે વસ્તુ વ્યક્તિ ઘરે બેઠા મંગાવી પણ શકે છે. જેની માટે વ્યક્તિના સમય અને રૂપિયાની બચત સને વાહનના ઇંધણની પણ બચત થાય છે.

એવું કહેવાય છેને કે, કોઈ પણ ટેક્નોલોજીના બે પાસ હોય છે એક ખરાબ અને એક સારો. આ લેખમાં અમે ઓનલાઇન એટલે કે ઍક્સેસિબલ શોપિંગના ફાયદા અને ગેરફાયદા બન્ને બતાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. તો આવો પહેલા ઓનલાઇન શોપિંગના ફાયદા જાણવાનો પ્રયાસ કરીએ.

- ઓનલાઈન ખરીદીની સગવડ : ગ્રાહકો તેમના પોતાના ઘર અથવા કામના સ્થળે આરામથી વસ્તુઓ જોઈ અને ખરીદી શકે છે. ઈન્ટરનેટ દ્વારા ગ્રાહક માટે શોપિંગ સરળ અને અનુકૂળ બનાવવામાં આવે છે. એટલું જ નહીં ગમે ત્યારે ડિલિવરી મેળવ્યા પહેલા અને તે પછી પણ તે રદ કરી શકાય છે. ઓનલાઇન ખરીદ માટે સૌથી મહત્વના કેટલાક કારણો અહીં દર્શાવવામાં આવ્યા છે. જેમાં સમય અને પ્રયત્નો બચાવે છે, ઘરે બેઠા ખરીદી કરવાની સુવિધા, ઉત્પાદનોની વિશાળ શ્રેણી, સારું ડિસ્કાઉન્ટ તેમજ નીચા ભાવ, ઉત્પાદનની વિગતવાર માહિતી અને વિવિધ મોડલ/બ્રાંડ્સની સરખામણી કરી શકાયનો સમાવેશ થાય છે.

- કોઈ દબાણ વિના ખરીદી : સામાન્ય રીતે, ભૌતિક સ્ટોર્સમાં, વેચાણ પ્રતિનિધિઓ ખરીદદારોને ઉત્પાદન ખરીદવા માટે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. તેમજ લોભામણી જાહેરાતથી ગ્રાહક પર એક પ્રકારનું દબાણ લાવવામાં આવે છે. જ્યારે ઓનલાઈન સ્ટોર્સમાં ગ્રાહકો પર કોઈપણ રીતે દબાણ કરવામાં આવતું નથી.

- સમયનો બચાવ : ગ્રાહકોએ તેમના દ્વારા ખરીદેલ ઉત્પાદનો માટે ચૂકવણી કરવા માટે કેશ કાઉન્ટરની લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. પરંતુ ઓનલાઇન શોપિંગ માટે પેમેન્ટ કરવા માટે કોઈ લાઈન હોતી નથી. વ્યક્તિ પોતાના ઘર અથવા કાર્યસ્થળથી ખરીદી કરી શકે છે અને મુસાફરીમાં સમય પસાર કરવો પડતો નથી. ગ્રાહકો મુખ્ય શબ્દો દાખલ કરીને અથવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને તેમના દ્વારા જરૂરી ઉત્પાદનો શોધી શકે છે.

- સરખામણી : વિવિધ રુચિઓ અને જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ તેમના દ્વારા ઓફર કરાયેલ ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી પ્રદર્શિત કરે છે. આનાથી ખરીદદારોને ડિસ્પ્લે પરના ઉત્પાદનોની પૂર્ણાહુતિ, સુવિધાઓ અને કિંમતની સરખામણી કર્યા પછી વિવિધ મોડલ્સમાંથી પસંદ કરવાની તક મળે છે. કેટલીકવાર કિંમતની સરખામણીઓ ઑનલાઇન પણ ઉપલબ્ધ હોય છે.

- ઑનલાઇન દુકાન : મોલ 365 x 24 x 7 ખુલ્લો રહે છે. તેથી, વિક્રેતા અને ખરીદદારો જ્યાં પણ હોય ત્યાં સમયનો કોઈ બાધ રહેતો નથી. ભૌતિક ખરીદી સમયે ગ્રાહકે દુકાનનો સમય ધ્યાનમાં રાખવો પડે છે. તે કેટલા વાગે ખુલે છે, કેટલા વાગે બંધ થાય છે સહિતનું ધ્યાન રાખવું પડે છે. પરંતુ ઓનલાઇન દુકાન કે મોલમાં સમયનો કોઈ બાધ હોતો નથી. વ્યક્તિ પોતાના ફુરસદના સમયે ખરીદી કરી શકે છે, ભલે પછી તે મધ્ય રાત્રિનો સમય કેમ ન હોય.

- ઑનલાઇન ટ્રેકિંગ : ઓનલાઈન શોપિંગ કાર્ય બાદ ગ્રાહકો ઓર્ડરની સ્થિતિને ટ્રેક કરી શકે છે અને શિપિંગની ડિલિવરી સ્થિતિ ટ્રેકિંગ પણ ઉપલબ્ધ છે.

- પૈસાની બચત : ગ્રાહકોને ઓનલાઈન ખરીદી કરવા આકર્ષવા માટે, ઈ-ટેલર્સ અને માર્કેટર્સ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જાળવણી, રિયલ-એસ્ટેટ ખર્ચને દૂર કરવાને કારણે, રિટેલરો ઓનલાઈન દ્વારા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. કેટલીકવાર, મોટી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ સ્ટોર સરખામણી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

આ હતા ઓનલાઇન શોપિંગના ફાયદા પરંતુ હવે, આપણે ઓનલાઇન શોપિંગના ગેરફાયદા જાણવાનો એક પ્રયાસ કરીશું. ઓનલાઇન શોપિંગના કુલ 7 મુખ્ય ગેરફાયદા છે. જેમાં છેતરપિંડી, ડિલિવરીમાં વિલંબ, ઉત્પાદનને સ્પર્શ ન કરી શકવું, ભાવ બાબતે સોદો ન કરી શકાય, છુપાયેલા ખર્ચ અને શિપિંગ શુલ્ક, ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ અને ઉત્પાદન પરત કરવુંનો સમાવેશ થાય છે.

- ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી : ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી એ સૌથી મોટો ગેરલાભ છે. ઘણા લોકો સારી અને લોભામણી ઓફરો દ્વારા આકર્ષાય છે. જે ખૂબ સારી લાગે છે પરંતુ નકલી ઓનલાઈન શોપિંગ પોર્ટલ વેબસાઈટ પર કેટલાક શ્રેષ્ઠ ઉત્પાદનો દર્શાવે છે અને ગ્રાહકોને ઉત્પાદન ખરીદવા આકર્ષિત કરે છે. સામાન્ય રીતે, જે વેબસાઇટ્સ અસલી લેખને બદલે નકલી ઉત્પાદનો વેચે છે, તે ડિલિવરી પર રોકડ સ્વીકારતી નથી અને ગ્રાહકોને ઑનલાઇન ચુકવણી કરવા વિનંતી કરે છે. પરંતુ, અંતે, ગ્રાહકોને કાં તો નકલી ઉત્પાદન મળે છે અથવા કશું મળતું જ નથી. સાયબર ક્રાઈમના ઘણા કિસ્સાઓ છે જેમાં ગ્રાહકોના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતોનો ખોટો વ્યવહાર કરવા માટે દુરુપયોગ કરવામાં આવે છે.

- ડિલિવરીમાં વિલંબ : ઑફલાઇન શોપિંગના કિસ્સામાં, તમે ત્યાં અને ત્યાં ઉત્પાદન મેળવી શકો છો. પરંતુ, ઓનલાઈન શોપિંગમાં એવું થતું નથી. પરંતુ ઓફલાઈન શોપિંગમાં સમય વધારે લાગે છે. જયારે ઓનલાઈન ખરીદીમાં ભાગ્યે જ 10-15 મિનિટનો સમય લાગતો હોવા છતાં, તે તમારા હાથમાં પહોંચે ત્યાં સુધીમાં 4-5 દિવસથી વધુ સમય લાગતો હોય છે. ક્યારેક ક્યારેક તો તે વસ્તુ પહોંચતા 10 દિવસ જેટલો સમય પણ લાગતો હોય છે.

- સ્પર્શી ન શકવું : ઑનલાઇન શોપિંગનો દુઃખદ ભાગ એ છે કે, તમે ઉત્પાદનને સ્પર્શ કરી શકતા નથી અને અનુભવી શકતા નથી. તમે ફક્ત છબી જોઈ શકો છો અને વર્ણન વાંચી શકો છો અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ઓગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગથી વસ્તુ કેવી લાગશે તે ચકાશી શકો છો. આ પ્રકારની ઓનલાઇન શોપિંગ એવા લોકો માટે યોગ્ય નથી કે જેઓ ઉત્પાદનને અજમાવીને અથવા તેને સ્પર્શ કરીને જ ખરીદવા ઈચ્છે છે.

-  ભાવ બાબતે સોદો ન કરી શકાય : ભારતીયો સોદાબાજી કરવામાં માહિર હોય છે. તેમાં પણ ખાસ કિરણે મહિલાઓ સોદાબાજીમાં વધારે માહેર હોય છે. માત્ર ઑફલાઇન શોપિંગના કિસ્સામાં જ સોદા કરી શકાય છે. ઓનલાઈન શોપિંગના કિસ્સામાં નહીં. ઓનલાઈન શોપિંગમાં તમને કેશબેક, ડિસ્કાઉન્ટ અને કૂપન મળે છે, પરંતુ આ સોદાબાજી જેવું નથી. પણ સાચી વાત તો એ છે કે કોઈ વ્યક્તિ સોદાબાજીમાં માહેર હોય તો તે ઓફલાઈન શોપિંગમાં ઓનલાઇન કરતા વધારે સારી ડીલ મેળવી વધારે બચત કરી શકે છે.

- છુપાયેલા ખર્ચ અને શિપિંગ શુલ્ક : જ્યારે વ્યક્તિ પહેલીવાર પોર્ટલ પર ઉત્પાદન જુએ છે ત્યારે તે સામાન્ય રીતે સસ્તું લાગે છે. પરંતુ જ્યારે ચુકવણી માટે આગળ વધે છે ત્યારે શિપિંગ ચાર્જ, ટેક્સ અને પેકિંગ ચાર્જ જેવા વધારાના શુલ્ક ઉમેરવામાં આવે છે. આ શુલ્ક સ્થાનિક સ્ટોરની સરખામણીમાં ઉત્પાદનને મોંઘા બનાવશે. જો તમે ચોક્કસ રકમ કરતાં વધુ ખરીદી કરો છો તો કેટલાક પોર્ટલ મફત શિપિંગ ઓફર કરે છે. કેટલીકવાર ફક્ત મફત શિપિંગનો લાભ લેવા માટે, તમે તમારી જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરો છો.

- ક્રિયાપ્રતિક્રિયાનો અભાવ : ઑફલાઇન શોપિંગના કિસ્સામાં, વેચાણ સહાયકો ગ્રાહકો પર વ્યક્તિગત ધ્યાન આપે છે અને ઉત્પાદનની સંપૂર્ણ વિગતો આપે છે. જો ગ્રાહક પાસે કોઈ પ્રશ્નો હોય, તો ત્યાં જ પૂછી તેના સંતોષકર્ક જવાબ પણ મેળવી શકાય છે. પરંતુ, ઓનલાઈન શોપિંગના કિસ્સામાં આવું થતું નથી. ગ્રાહક ફક્ત ચિત્ર જોઈ શકે છે અને વર્ણન વાંચી શકો છે. કેટલાક પોર્ટલ પર અન્ય ખરીદદારોની પ્રતિક્રિયા હોય છે એટલું જ નહીં કેટલાક પોર્ટલ દ્વારા ગ્રાહકોના સામાન્ય પ્રશ્નોના જવાબો પહેલાથી જ આપી દેવામાં આવ્યા હોય છે. તેમ છતાં કેટલીક વખત સંતોષકારક જવાબ મળતા નથી અને આખરે ખોટી વસ્તુની ખરીદી થઇ જાય છે.

- ઉત્પાદન પરત કરવું : જો ગ્રાહકને ઓનલાઇન મંગાવેલી વસ્તુ પસંદ ન હોય તો તે પરત કરવાનો વિકલ્પ છે. પરંતુ ફરીથી, તે એક મોટો માથાનો દુખાવો છે. વળતર નીતિ એક કંપનીથી બીજી કંપનીમાં અલગ છે. કેટલાક ઓનલાઈન શોપિંગ પોર્ટલના કિસ્સામાં, ગ્રાહકોએ ઉત્પાદન પરત કરવાનો ખર્ચ ઉઠાવવો પડે છે. જો તમે ઉત્પાદન પરત કરો છો, તો તમને શિપિંગ શુલ્ક ચૂકવવામાં આવશે નહીં જે તમે અગાઉ ચૂકવ્યા હતા. જો તમે લિપસ્ટિક જેવા સૌંદર્ય પ્રસાધનોની ખરીદી કરી રહ્યાં છો, તો તે પરત કરી શકાશે નહીં. આવા અનેક નિયમો ઓનલાઇન શોપિંગ પોર્ટલ દ્વારા બનાવવામાં આવ્યા હોય છે. પરંતુ તે ગ્રાહકને ખરીદી સમયે બતાવવામાં આવતા નથી. જેના કારણે ગ્રાહકે ભોગવવાનો વારો પણ આવતો હોય છે.

2020માં થયેલા એક સર્વેના આંકડા અનુસાર વિશ્વમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં ભારત ચીન બાદ બીજા ક્રમે છે. ત્યારે ભારતમાં ઓનલાઇન શોપિંગની વાત કરીએ તો જુદા જુદા સંશોધનના આંકડા પ્રમાણે 2020ની સરખામણીએ 2025માં ઓનલાઇન શોપિંગનો આંક ઘણો વધારે હશે તે નક્કી છે. (ટેબલ 1.1)

ઈ-કોમર્સ વેબસાઈટ માટે ભારતમાં 2020 અને 2025ની સરખામણી

પ્રકાર                                                                    2020  2025

ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (બિલિયન યુએસ ડોલરમાં)                     0.1   5.3

સરનામું બજાર કદ (બિલિયન યુએસ ડોલરમાં)                         49    77

સરનામું કરી શકાય તેવા પરિવારોની સંખ્યા (લાખોમાં)               20    26

ઓનલાઈન ઉપભોજ્ય વસ્તુઓમાં સરેરાશ બજાર પ્રવેશ (ટકામાં)    7     12.5

ભારતમાં ઓનલાઈન રિટેલ ખર્ચ 2030 સુધીમાં લગભગ છ ગણો વધીને USD 300 બિલિયન થવાની ધારણા છે. જેમાં ડિજીટલ પ્રભાવિત દુકાનદારો અને ઓનલાઈન શોપર્સની સંખ્યામાં વધારો થશે. એક રિપોર્ટ અનુસાર, તાજેતરના વર્ષોમાં ડિજિટલી-પ્રભાવિત દુકાનદારોની સંખ્યા ઝડપથી વધી છે. જે 260 મિલિયનથી 280 મિલિયન સુધી પહોંચી છે અને 2021માં 210 મિલિયનથી વધીને 230 મિલિયન થઈ છે.આગામી દાયકામાં આ સંખ્યામાં 2.5 ગણો વધારો થશે, તેની સાથે ઓનલાઈન રિટેલ ખર્ચમાં લગભગ છ ગણો વધારો થશે. કોરોનના કારણે 3-4 વર્ષમાં ઓનલાઈન શોપર અને ખર્ચ વૃદ્ધિને વધુ વેગ મળ્યો છે.

તો બીજી તરફ , એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, લગભગ 62 ટકા ભારતીયોએ તહેવારોની સિઝનમાં ઓનલાઈન શોપિંગ સ્કેમનો સામનો કરવો પડ્યો છે. સાયબર સલામતીમાં વૈશ્વિક અગ્રણી નોર્ટનલાઈફલોક વતી ધ હેરિસ પોલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ તારણો સામે આવ્યા છે. આ અહેવાલ 18+ વર્ષની વયના ભારતીય પુખ્ત વયના લોકોના ઓનલાઈન સર્વેક્ષણ પર આધારિત હતો. જે 15 ઓગસ્ટ, 2022 અને સપ્ટેમ્બર 1, 2022 ની વચ્ચે સર્વે કરી તૈયાર કરવામાં આવ્યો હતો.

બોટમ લાઈન : ઓનલાઇન શોપિંગ વ્યક્તિ માટે વ્યક્તિ માટે ઍક્સેસિબલ શોપિંગ બન્યું છે. પરંતુ તેના ફાયદા સાથે તેના અનેક ગેરફાયદા પણ છે. ગ્રાહકને ઓનલાઇન શોપિંગથી અનેક ફાયદા પણ થાય છે તો તેની ગેરફાયદા પણ છે. એટલું જ નહીં ઓનલાઇન શોપિંગ દરમિયાન અજ્ઞાનતાના કારણે લોકોને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેની સાથે સાથે લોકોની અજ્ઞાનતાનો લાભ ઠગ ભગતો પણ ઉઠાવતા હોય છે.