સનત્કુમાર બોલ્યા, “દશ અંગોમાં ન્યાસ કર્યા પછી ધ્યાન ધરવું.
अयोध्यानगरे रत्नचित्रसौवर्णमण्डपे।
मन्दारपुष्पैराबद्धविताने तोरणान्विते।।
सिन्हासनसमासीनं पुष्पकोपरि राघवम्।
रक्षोमिर्हरिभिर्देवै: सुविमानगतै: शुभै:।।
संस्तूयमानं मुनिभि: प्रह्वैश्व परिसेवितम्।
सीतालन्कृतवामाङ्गं लक्ष्मणेनोपशोभितम्।।
श्यामं प्रसन्नवदनं सर्वाभरणभूषितं।
‘દિવ્ય અયોધ્યાનગરમાં રત્નોથી ચિત્રિત એક સુવર્ણમય મંડપ છે, જેમાં મંદારનાં પુષ્પોથી ચંદરવો બનાવવામાં આવ્યો છે, તેમાં તોરણ લાગેલાં છે, તેની અંદર પુષ્પક વિમાનમાં એક દિવ્ય સિંહાસન ઉપર રાઘવેન્દ્ર શ્રીરામ બેઠેલા છે. તે સુંદર વિમાનમાં એકત્ર થઈને શુભસ્વરૂપ દેવતા, વાંદરા, રાક્ષસ અને વિનીત મહર્ષિગણ ભગવાનની સ્તુતિ અને પરિચર્યા કરે છે. શ્રી રાઘવેન્દ્રના વામભાગમાં ભગવતી સીતા વિરાજમાન થઈને તે વામાંગની શોભા વધારી રહ્યાં છે. ભગવાનનો જમણો હાથ લક્ષ્મણજીથી સુશોભિત છે, શ્રીરઘુનાથજીની કાંતિ શ્યામ છે, તેમનું મુખ પ્રસન્ન છે તથા તેઓ સમસ્ત આભૂષણોથી વિભૂષિત છે.’
આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસકે એકાગ્રચિત્ત થઈને દશ લાખ જપ કરવા. કમળનાં પુષ્પોથી દશાંશ હોમ અને પૂજન ષડક્ષરમંત્ર સમાન છે. ‘રામાય ધનુષ્પાણયે સ્વાહા’-આ દશાક્ષર મંત્ર છે. આના બ્રહ્મા ઋષિ છે, વિરાટ છંદ છે તથા રાક્ષસમર્દન શ્રીરામચંદ્રજી દેવતા છે. મંત્રનો આદિ અક્ષર ‘રા’ બીજ છે અને સ્વાહા શક્તિ છે. બીજથી ષડંગન્યાસ કરવા. વર્ણનો ન્યાસ, ધ્યાન, પુરશ્ચરણ તથા પૂજન આદિ કાર્ય દશાક્ષર મંત્ર માટે પ્રથમ બતાવ્યા અનુસાર કરવા.
સાધકે જપમાં ધનુષ બાણ ધારણ કરનારા ભગવાન શ્રીરામચંદ્રનું ધ્યાન કરવું જોઈએ. તાર (ૐ) પછી ‘નમો ભગવતે રામચંદ્રાય’ અથવા ‘રામભદ્રાય’ આ બે પ્રકારના દ્વાદશ અક્ષર મંત્ર છે. એમનાં ઋષિ અને ધ્યાન આદિ પૂર્વવત છે. ષડંગન્યાસમાં શ્રીપૂર્વક જયપૂર્વક તથા જયજયપૂર્વક ‘રામ’ નામ હોવું જોઈએ. ( ‘શ્રીરામ’ હૃદયાય નમ:, ‘શ્રીરામ’ શિરસે સ્વાહા, ‘જય રામ’ શિખાયૈ વષટ્, ‘જય રામ’ કવચાય હુમ્, ‘જય જય રામ’ નેત્રાભ્યાં વૌષટ્, ‘જય જય રામ’ અસ્ત્રાય ફટ્.)
‘શ્રીરામ જયરામ જય જય રામ’ તેર અક્ષરનો મંત્ર છે. આના બ્રહ્મા ઋષિ, વિરાટ છંદ તથા પાપ રાશીનો નાશ કરનારા ભગવાન શ્રીરામ દેવતા છે. આના ત્રણ પદોની બબ્બે આવૃત્તિ કરીને ષડંગન્યાસ કરવા. ધ્યાનપૂજન દશાક્ષર મંત્ર સમાન કરવા.
‘ૐ નમો ભગવતે રામાય મહાપુરુષાય નમ:’ આ અઢાર અક્ષરોનો મંત્ર છે. આના વિશ્વામિત્ર ઋષિ, ધૃતિ છંદ, શ્રીરામ દેવતા, ૐ બીજ અને નમ: શક્તિ છે. મંત્રના એક, બે, ચાર, ત્રણ, છ અને બે અક્ષરોવાળા પદો દ્વારા એકાગ્રચિત્ત થઈને ષડંગન્યાસ કરવો. ષડંગન્યાસ બાદ ધ્યાન ધરવું.
निशाणभेरीपटहशङ्खतुर्यादिनि:स्वनै:।।
प्रवृत्तनृत्ये परितो जयमङ्गलभाषिते।
चन्दनागुरुकस्तूरिकर्पूरादि सुवासिते।।
सिन्हासने समासीनं पुष्पकोपरि राघवम्।
सौमित्रिसीतासहितं जटामुकुटशोभितम्।।
चापबाणधरं श्यामं ससुग्रीवविभीषणम्।
हत्वा रावणमायान्तं कृतत्रैलोक्यरक्षणम्।।
‘ભગવાન રાઘવેન્દ્ર રાવણને મારીને ત્રૈલોક્યની રક્ષા કરીને પાછા ફરી રહ્યા છે. તેઓ સીતા અને લક્ષ્મણની સાથે પુષ્પક વિમાનમાં સિંહાસન પર બેઠેલા છે, તેમનું મસ્તક જટાઓના મુકુટથી શોભે છે, ધનુષબાણ ધારણ કરેલા તેમનો વર્ણ શ્યામ છે, તેમની સાથે સુગ્રીવ અને વિભીષણ છે. તેમના વિજયના ઉપલક્ષમાં નિશાન, ભેરી, પટહ, શંખ અને તુરી આદિના ધ્વનિની સાથે સાથે નૃત્યનો આરંભ થઇ ગયો છે. ચારે બાજુ જય-જયકાર તથા મંગલપાઠ થઇ રહ્યો છે. ચંદન, અગુરુ, કસ્તુરી અને કપૂર આદિની મધુર ગંધ ફેલાઈ રહેલ છે.
આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રના ઉપાસકે મંત્રની અક્ષર સંખ્યા અનુસાર અઢાર લાખ જપ કરવા અને ઘૃતમિશ્રિત ખીરની દશાંશ આહુતિ આપીને પૂર્વવત પૂજન કરવું.
ॐ रां श्रीं रामभद्र महेश्वास रघुवीर नृपोत्तम।
दशास्यान्तक मां रक्ष देहि मे परमां श्रियम्।।
આ પાંત્રીસ અક્ષરોનો મંત્ર છે, બીજાક્ષરોથી રહિત થતાં બત્રીસ અક્ષરોનો મંત્ર થાય છે. આ અભીષ્ટ ફળને આપનાર છે. આના વિશ્વામિત્ર ઋષિ, અનુષ્ટુપ છંદ, રામચંદ્ર દેવતા, રાં બીજ અને શ્રીં શક્તિ છે. મંત્રના ચાર પાદોના આદિમાં ત્રણે બીજ લગાડીને તે પાદ અને સંપૂર્ણ મંત્ર દ્વારા સાધકે પંચાંગન્યાસ કરીને મંત્રના એક એક અક્ષરનો ક્રમશ: સમસ્ત અંગોમાં ન્યાસ કરવો. એનાં ધ્યાન અને પૂજન આદિ સર્વ કાર્ય પૂર્વવત કરવાં. આ મંત્રનું પુરુશ્ચરણ ત્રણ લાખનું છે. આમાં ખીરથી હવન કરવાનું વિધાન છે. પીતવર્ણવાળા શ્રીરામનું ધ્યાન કરીને એકાગ્રચિત્ત થઈને એક લાખ જપ કરવા. પછી કમળનાં ફૂલોથી દશાંશ હવન કરીને મનુષ્ય વિપુલ ધન મેળવે છે.
‘ૐ હ્રીં શ્રીં શ્રીં દાશરથાય નમ:’ આ અગિયાર અક્ષરોનો મંત્ર છે. એના ઋષિ આદિ તથા પૂજન વગેરે અગાઉ જણાવ્યા પ્રમાણે છે. ‘त्रैलोक्यनाथाय नम:’ આ આઠ અક્ષરોનો મંત્ર છે, એનાં પણ ન્યાસ, ધ્યાન, પૂજન આદિ સર્વ કાર્ય પૂર્વવત છે. ‘રામાય નમ:’ આ પંચાક્ષર મંત્ર છે. આના ઋષિ, ધ્યાન અને પૂજન આદિ સર્વ કાર્ય ષડક્ષર મંત્રની જેમ જ થાય છે.
‘રામચંદ્રાય સ્વાહા’, ‘રામભદ્રાય સ્વાહા’- આ બે મંત્રોના ઋષિ અને પૂજન આદિ પૂર્વવત છે. અગ્નિ (ર્) શેષ (આ) થી યુક્ત હોય અને તેનું મસ્તક ચંદ્ર (અનુસ્વાર) થી વિભૂષિત હોય તો તે રઘુનાથજી નો એકાક્ષર મંત્ર ‘રાં’ છે. જે દ્વિતીય કલ્પવૃક્ષના સમાન છે. આના બ્રહ્મા ઋષિ, ગાયત્રી છંદ અને શ્રીરામ દેવતા છે. છ દીર્ઘ સ્વરોથી યુક્ત મંત્ર દ્વારા ષડંગનાં કરવા.
‘સરયૂના તટ પ મંદાર (કલ્પવૃક્ષ)નો નીચે એક વેદી બનેલી છે અને તેની ઉપર એક કમળનું આસન પાથરેલું છે. તેના ઉપર શ્યામ વર્ણવાળા ભગવાન શ્રીરામ વિરાસનથી બેઠેલા છે, તેમનો જમણો હાથ જ્ઞાનમુદ્રાથી સુશોભિત છે. તેમણે પોતાની ડાબી સાથળ પર ડાબો હાથ મૂકેલો છે. તેમની ડાબી બાજુ સીતા તથા જમણી બાજુ લક્ષ્મણ છે. ભગવાન શ્રીરામનું તેજ કામદેવથી પણ અધિક સુંદર છે. તેઓ સુંદર સ્ફટિક સમાન નિર્મળ તથા અદ્વિતીય આત્માનો ધ્યાન દ્વારા સાક્ષાત્કાર કરી રહ્યા છે. આવા પરમાત્મા શ્રીરામનું કેવલ મોક્ષની ઈચ્છાથી ચિંતન કરવું અને છ લાખ મંત્રનો જપ કરવો.’
આનાં હોમ અને નિત્યપૂજન આદિ સર્વ કાર્ય ષડક્ષર મંત્રની જેમ જ છે. વહ્ની (ર્) શેષ (આ)ના આસન પર વિરાજમાન હોય ને તેના પછી ભાન્ત (મ) હોય તો કેવલ બે અક્ષરનો મંત્ર ‘રામ’ થાય. આના ઋષિ, ધ્યાન અને પૂજન આદિ સર્વ કાર્ય એકાક્ષર મંત્રના જેવાં જ જાણવાં જોઈએ. તાર (ૐ), માયા (હ્રીં), રમા (શ્રીં), અનંગ (કલીં), અસ્ત્ર (ફટ્) તથા સ્વ બીજ (રાં)ની સાથે પૃથક પૃથક જોડાયેલો દ્વયક્ષર મંત્ર ‘રામ’ છે. છ ભેદોથી યુક્ત ત્ર્યક્ષર મંત્રરાજ થાય છે. આ સંપૂર્ણ અભીષ્ટ પદાર્થોની આપનારો છે. દ્વયક્ષર મંત્રના અંતમાં ‘ચંદ્ર’ અને ‘ભદ્ર’ શબ્દ ઉમેરવામાં આવે તો બે પ્રકારનો ચતુરક્ષર મંત્ર થાય છે. આ સર્વના ઋષિ, ધ્યાન અને પૂજન આદિ એકાક્ષર મંત્રમાં જણાવ્યા અનુસાર છે. તાર (ૐ), ચતુર્થ્યાંત રામ શબ્દ (રામાય), વર્મ (હું), અસ્ત્ર (ફટ્), વહ્નીવલ્લભા (સ્વાહા)- થી મંત્ર બને છે ‘ૐ રામાય હું ફટ્ સ્વાહા’ આ આઠ અક્ષરનો મહામંત્ર છે. આના ઋષિ અને પૂજન આદિ ષડક્ષર મંત્રના સમાન છે.
'ॐ नम: ब्रह्मण्यसेव्याय रामायाकुण्ठतेजसे। उत्तमश्लोक धुर्याय न्यस्त दण्डार्पिताघ्रये'
તેત્રીસ અક્ષરોનો મંત્ર કહેવામાં આવ્યો છે. આના ઋષિ શુક્ર, છંદ અનુષ્ટુપ અને શ્રીરામ દેવતા છે. આ મંત્રના ચારેય પાદ તથા સંપૂર્ણ મંત્રથી પંચાંગન્યાસ કરવા જોઈએ, બાકીનાં સર્વ કાર્ય ષડક્ષર મંત્રની જેમ કરવાં. જે સાધક મંત્ર સિદ્ધ કરી લે છે, તેને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે તેનાં સર્વ પાપોનો નાશ થઇ જાય છે.
‘दाशरथाय विद्महे। सीता वल्लभाय धीमहि। तन्नो राम: प्रचोदयात्। ‘ આ રામ ગાયત્રી છે, જે સર્વ મનોવાંછિત ફળ આપનારી છે.
પદ્મા (શ્રીં) ચતુર્થી વિભક્તિ અંતવાળો સીતા શબ્દ (સીતાયૈ) અને અંતમાં ઠદ્વય (સ્વાહા)- આ ‘શ્રીં સીતાયૈ સ્વાહા’ ષડક્ષર સીતામંત્ર છે. આના વાલ્મીકિ ઋષિ, ગાયત્રી છંદ, ભગવતી સીતા દેવતા, શ્રીં બીજ તથા સ્વાહા શક્તિ છે. છ દીર્ઘ સ્વરોથી યુક્ત બીજાક્ષર દ્વારા ષડંગન્યાસ કરવા.
ततो ध्यायेन्महादेवीं सीतां त्रैलोक्यपूजिताम्।
तप्तहाटकवर्णाभां पद्मयुग्मं करद्वये।।
सद्रत्नभूषणस्फूर्जद् दिव्यदेहां शुभात्मिकाम्।
नानावस्त्रां शशिमुखीं पद्माक्षीं मुदितान्तराम्।।
पश्यन्तीं राघवं पुण्यं शय्यायां षडगुणेश्वरीं।
તે પછી ત્રિભુવનમાં પૂજાયેલાં મહાદેવી સીતાનું ધ્યાન કરવું. તપાવેલા સુવર્ણ સમાન તેમની કાંતિ છે. બંને હાથોમાં બે કમળપુષ્પ શોભા પામી રહ્યાં છે. તેમનું શરીર ઉત્તમ રત્નમય આભૂષણોથી પ્રકાશિત થઇ રહ્યું છે. તે મંગલમય સીતા ભાતભાતનાં વસ્ત્રથી સુશોભિત છે, તેમનું મુખ ચંદ્રમાને લજ્જિત કરી રહ્યું છે. નેત્રો કામનો શોભા ધારણ કરે છે. અંત:કરણ આનંદથી ઉલ્લાસિત છે. તેઓ ઐશ્વર્ય આદિ છ ગુણોનાં અધીશ્વરી છે અને શય્યા પર પોતાના પ્રાણવલ્લભ પુણ્યમય શ્રીરાઘવેન્દ્રને અનુરાગપૂર્ણ દૃષ્ટિથી નીરખી રહ્યાં છે.
આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રના ઉપાસકે છ લાખ મંત્રોનો જપ કરવો અને ખીલેલાં કમળો દ્વારા દશાંશ આહુતિ આપવી. પૂર્વોક્ત પીઠ પર તેમની પૂજા કરવી જોઈએ. મૂળમંત્રથી મૂર્તિ નિર્માણ કરીને તેમાં સીતાજીની આવાહન અને સ્થાપન કરવું. પછી વિધિવત પૂજન કરીને તેમના દક્ષિણ ભાગમાં ભગવાન શ્રીરામચંદ્રની અર્ચના કરવી. તત્પશ્ચાત અગ્રભાગમાં હનુમાનજીની અને પૃષ્ઠભાગમાં લક્ષ્મણજીની પૂજા કરવી . પછી છ ખૂણાઓમાં હૃદયાદિ અંગોનું પૂજન કરવું. પછી આઠ દળોમાં મુખ્યમંત્રીઓનું તેમના બાહ્ય ભાગમાં વજ્ર આદિ આયુધોનું પૂજન કરવું, જેથી મનુષ્ય સર્વ સિદ્ધિઓનો સ્વામી બને છે. શ્રીસીતાની આરાધનાથી મનુષ્ય સૌભાગ્ય, પુત્રપૌત્ર, પરમસુખ, ધનધાન્ય તથા મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
ઇન્દુ (અનુસ્વાર) યુક્ત શુક્ર (લ) તથા लक्ष्मणाय नम: આ ‘लं लक्ष्मणाय नम:’ સાત અક્ષરોનો મંત્ર છે. આના અગસ્ત્ય ઋષિ, ગાયત્રી છંદ, મહાવીર લક્ષ્મણ દેવતા, ‘લં’ બીજ અને ‘નમ:’ શક્તિ છે. છ દીર્ઘ સ્વરોથી યુક્ત બીજ દ્વારા ષડંગન્યાસ કરવા. તે પછી ધ્યાન કરવું.
द्विभुजं स्वर्णरुचिरतनुं पद्मनिभेक्षणम्।
धनुर्बाणकरं रामं सेवासंसक्तमानसम्।।
‘જેમને બે ભુજાઓ છે; જેમના અંગની કાંતિ સુવર્ણ સમાન સુંદર છે, નેત્ર કમળદળ જેવાં છે, હાથમાં ધનુષબાણ ધારણ કરેલાં છે તથા શ્રીરામચંદ્રજીની સેવામાં જેનું મન સદા લાગેલું રહે છે. (તે લક્ષ્મણની હું આરાધના કરું છું.)’
આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રના ઉપાસકે સાત લાખ જપ કરવા અને મધ નાખેલ ખીરથી આહુતિ આપીને શ્રીરામ પીઠ પર શ્રીલક્ષ્મણજીનું પૂજન કરવું. શ્રીરામજીની પેઠે જ લક્ષ્મણજીનું પૂજન કરાય છે. જો શ્રીરામચંદ્રજીના પૂજનનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો લક્ષ્મણજીનું યત્નપૂર્વક આદર સહિત પૂજન કરવું જોઈએ. શ્રીરામચંદ્રજીના ઘણા ભિન્ન ભિન્ન મંત્રો છે, જે સિદ્ધિ આપનારા છે. તેથી મંત્રના સાધકોએ સદા શ્રીલક્ષ્મણજીની શુભ આરાધના કરવી જોઈએ. મુક્તિની ઈચ્છાવાળા મનુષ્યે એકાગ્રચિત્ત થઈને આળસ છોડી લક્ષ્મણજીના મંત્રનો એક હજાર આઠ અથવા એકસો આઠ વાર જપ કરવો જોઈએ. જે નિત્ય એકાંતમાં બેસીને લક્ષ્મણજીના મંત્રનો જપ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઇ જાય છે અને સર્વ કામનાઓ પૂર્ણ કરી લે છે. આ લક્ષ્મણમંત્ર જયપ્રધાન છે, રાજ્યપ્રાપ્તિનું એકમાત્ર સાધન છે.
નિદ્રા (ભ), ચંદ્ર (અનુસ્વાર) થી યુક્ત હોય અને તેના પછી ‘ભરતાય નમ:’ આ બે પદો હોય તો સાત અક્ષરનો મંત્ર થાય છે. આ ‘ભં ભરતાય નમ:’ મંત્રના ઋષિ અને પૂજન પૂર્વવત છે. બક (શ), ઇન્દુ (અનુસ્વાર) થી યુક્ત હોય અને તેના પછી ચતુર્થી વિભક્તિના અંતવાળો શત્રુઘ્ન શબ્દ હોય અને અંતમાં હૃદય (નમ: ) હોય તો ‘શં શત્રુઘ્નાય નમ: ‘આ સાત અક્ષરોનો શત્રુઘ્ન મંત્ર થાય છે. આ મંત્ર સર્વ મનોરથોની સિદ્ધિને આપનારો છે.”
ક્રમશ: