નિતુ : ૭૭(વાસ્તવ)
નિતુ મનમાં બબડી રહી હતી એટલામાં વિદ્યાનાં ફોનમાં મેસેજ આવ્યો. તેણે વિદ્યા સામે જોયું તો તે કોફીનો ઓર્ડર આપી રહી હતી. કોનો મેસેજ છે એ જાણવાની સહજ વૃત્તિથી એણે ફોન તરફ જોયું, "નિકુંજ..." નામ વાંચતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે સ્ક્રોલ ડાઉન કરી મેસેજ વાંચ્યો. તેના બે મેસેજ હતા, "ના", "આજે પણ નહિ."
તેના મનમાં વિચારોનું રમખાણ જાગ્યું. "મેડમ અને નિકુંજ વચ્ચે મેસેજની આપ- લે થઈ રહી છે! નિકુંજ ને શોધવા માટે અમે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ. એના રૂમ પાર્ટનર મિહિર પાસે પણ એનો કોન્ટેક્ટ નથી, તો પછી મેડમ પાસે ક્યાંથી? અને તે શેનો ઈન્કાર કરી રહ્યો છે? શું છે જેના માટે એ કહે છે કે આજે પણ નહિ?"
તેણે ફોન સરખી રીતે હાથમાં લેતાં વિદ્યા સામે જોયું. ઓર્ડર આપીને વિદ્યા કોફી આવવાની રાહે હતી. તેણે પાછળ ફરી નિતુ સામે જોયું અને સ્માઈલ આપી. તેણે પણ વળતી સ્માઈલ આપી એટલે વિદ્યાએ આંગળીઓ બતાવી "બસ પાંચ મિનિટ!" એમ ઈશારો કર્યો અને કાઉન્ટ તરફ ફરી પેલા માણસને ઉતાવળ રાખવાનું કહેવા લાગી.
વિદ્યા કાઉન્ટર તરફ ફરી કે તુરંત ચીલ ઝડપથી નિતુએ ફોન પર તરાપ મારી અને ટેબલ નીચે રાખી, વિદ્યાને ન દેખાય એ રીતે ચેક કરવા લાગી. મેસેન્જર ખોલી તે નિકુંજના નામને અડકીને મેસેજ ખોલવાની જ હતી કે હાથ પાછો સરક્યો. "ના... હું મેસેજ જોઇશ તો વિદ્યાને ખબર પડી જશે. ન્યુ મેસેજની સાઈન જતી રહેશે, તે મેસેજનો સમય જોય સમજી જશે કે મેં જ મેસેજ વાંચ્યો છે."
તેણે મેસેન્જરમાં નિકુંજનું નામ જોયું અને મેસેન્જર બંધ કરી કોન્ટેક્ટ ડિટેઇલ કાઢી. તેમાંથી નિકુંજનો નંબર જોયો અને પોતાના ફોનમાં સેવ કરી વિદ્યાનો ફોન જેમ હતો એમ પરત રાખી દીધો. એ જ સમયે એણે કરુણાને મેસેજ કરી દીધો, "મારા ઘરે આવી જજે. મારે તારું અરજન્ટ કામ છે. મેસેજ કે ફોનમાં વાત નહિ થાય."
વિદ્યા બંને માટે કોફી લઈને આવી તો નિતુએ બધું પહેલાની જેમ કરી નાખ્યું અને કશું થયું જ નથી એવો અભિનય કરવા લાગી. કોફીબારમાંથી છૂટી વિદ્યા નિતુને તેના ઘરે ડ્રોપ કરી જતી રહી. ઘરમાં આવતાની સાથે જ કૃતિએ તેને ગળે વળગાડી લીધી અને કહેવા લાગી, "દી કેટલું લેટ હોય? તને ખબર છે અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ. તારી રાહ જોઈ જોઈને મેં બનાવેલી રસોઈ ઠંડી પડી જાત."
"સોરી હવે... આજે કામ હતું થોડું એટલે અને પછી મેડમ સાથે ગયેલી, તો થોડું લેટ થઈ ગયું."
"ક્યાં ગયેલી?" કૃતિએ ઝીણી નજર કરી પૂછ્યું.
નિતુને યાદ આવ્યું કે કૃતિ પણ બધું જાણે છે. તેણે કહ્યું, "બસ કોફી પીવા મને લઈ ગયેલી. ખોટા વિચાર ના કર." તે જવા લાગી કે કૃતિએ એને રોકતા કહ્યું, "એક મિનિટ દી, તું રડી હતી?"
"ના..."
તે સોફા પર બેઠેલી શારદા સામે જોઈ તેને ન સંભળાય એમ તેના કાનમાં ધીમેથી બોલી, "દી... તને ખબર છેને મને બધી જાણ છે. તું મારાથી ના છુપાવ. તારી આંખો તો રડેલી હોય એવી જ લાગે છે. તું સાચે વિદ્યા સાથે માત્ર કોફી પીવા માટે જ ગયેલીને?"
"હા ભૈ...! તું મારું તો સાચું જ નહિ માને એમને? આખો દિવસ કમ્પ્યુટર સામે બેસી બેસીને મારી આંખો આવી થઈ ગઈ છે. ચાલ પછી બધી નિરાંતે વાત. હું ફ્રેશ થઈને આવું... કેટલા સમય પછી આપણે ત્રણેય મા દીકરી સાથે ડિનર કરવાનાં છીએ." તે હસીને પોતાના રૂમ તરફ જતી રહી.
રાત્રે તેઓએ સાથે મળી ડિનર કરીને પોતાની જૂની યાદોને તાજી કરી. આજે ત્રણેય માટે અલગ જ ક્ષણ હતી. એવી મધુરી ક્ષણ કે જ્યાં કોઈ પણ સ્વાર્થ વગરના સંબંધને જ સ્થાન હોય, એવા પ્રિય જન સાથે હર્ષોલ્લાસથી ભોજન.
તેઓનું કામ પતાવી શારદા અને કૃતિ સોફા પર બેસીને વાત કરતા હતા કે કરુણાએ દરવાજે આવી ટકોર કરી. તેને જોતા કૃતિ બોલી, "હાય કરુણા દી! પ્લીઝ કમ."
તે અંદર આવી અને તેઓની સાથે બેસતા બોલી, "હાય કૃતિ, કેમ છો આન્ટી?"
"હું તો જેવી હતી એવી જ છું. પણ અલી કરુણી! તું કેમ અતારે આંય?"
"મેં એને બોલાવી છે." બહાર આવતા નિતુ બોલી, "મારે ઓફિસનું થોડું કામ હતું એટલે હેલ્પ કરવા માટે એને બોલાવી છે."
શારદાએ ફરી પૂછ્યું, "ઠીક. પણ તમી બેઉ આખો દા'ડો તમારી હોફિસમાં હારે હોઉં છો, તોય કામ નથ ખૂટતું. તે અટાણે કામ કરવા ભેગ્યું થ્યું."
નિતુ કહેવા લાગી. "ઓફફો મમ્મી... ક્યારેક ક્યારેક સમયસર કામ આપવું પડે એટલે ઘરે પણ કરવાનું થાય."
શારદા મોં મરડતા બોલી, "હમ્મ... તે આખો દિ' હોફિસમાં ઓલા નવિનિયા જોડે વાતું કરવાથી ઊંચી આવે તો કામ પતેને!"
કૃતિએ આશ્વર્ય સાથે પૂછ્યું, "કોણ નવીન?"
નિતુએ કહ્યું, "એ તો મારો કલીગ છે અને તને આ નવીન વિશે કોણે કહ્યું?"
"મા છું તારી. મને બધી ખબર છે. મોડે મોડે હુધી ફોનમાં વાતું કરે છે તે કેવો કલીંગ છે ઈ હમજાય છે."
કૃતિએ એની વાત સુધારતા કહ્યું, "કલીંગ નહિ મમ્મી, કલીગ. એન્ડ દી, આ નવીન કોણ છે?"
"પ્લીઝ યાર, હવે તમે લોકો એનું નામ ના લો. એ મારી ઓફિસમાં કામ કરે છે બસ. ચાલ કરુણા." ગુસ્સાથી કહેતી નિતુ કરુણાની સાથે તેની રૂમ તરફ ચાલી. કૃતિ પણ તેની પાછળ પાછળ તેની રૂમમાં ગઈ.
અંદર જતાં જ કરુણા કહેવા લાગી, "નિતુ! આન્ટીને નવીન વિશે કઈ રીતે ખબર પડી?"
એટલામાં કૃતિ આવી પહોંચી અને પૂછવા લાગી, "દી... આ નવીન કોણ છે? અને એના નામથી તમે આટલો બધો ગુસ્સો કેમ કરી રહી છો?"
"હું તને કહું છું." કરુણા દરવાજો બંધ કરી આવી અને નિતુ અને નવીન વચ્ચે થયેલી અત્યાર સુધીની બધી કહાની કહી સંભળાવી. કૃતિએ અચંબાથી કહ્યું, "ઓહ માય ગોડ! એટલે એણે તને પ્રપોઝ પણ કર્યું?"
નિતુએ જાણે નવીનના નામથી ત્રસ્ત થઈ ચુકી હોય એમ નિઃસાસો નાંખતા કહ્યું, "તમે પ્લીઝ હવે નવીનને સાઈડ પર મૂકો. કરુણા, તને તો ખબર જ છેને કે આજે ઓફિસથી હું મેડમની ગાડીમાં આવી."
"હા."
"રસ્તામાં એણે મને ડિનર માટે કહ્યું. મેં એને કહ્યું કે કૃતિ આવી છે એટલે અમે સાથે ડિનર લેવાના છીએ. તો એ મને કોફી પર લઈ ગયાં. ત્યાં સ્ટાફ ઓછો હતો એટલે કોફી લેવા એને જાતે જવું પડ્યું અને હું ટેબલ પર જ હતી. તેનો ફોન મારી સામે જ હતો અને એમાં અચાનક એક મેસેજ આવ્યો. મેં જોયું તો એમાં નામ હતું... " તે અટકી.
કરુણા અને કૃતિ ધ્યાનપૂર્વક એની વાત સાંભળી રહી હતી. કરુણાએ પૂછ્યું, "કોનું નામ હતું?"
"નિકુંજ."
"નિકુંજ? આ એ જ ને જેના વિશે તમે બંને તે દિવસે વાત કરતી હતી."
"હા એ જ."
"એણે મેસેજ મેડમને કેમ કર્યો? તે મેસેજ જોયો?" કરુણાએ પૂછ્યું.
"ના. હું મેસેજ જોત તો એને ખબર પડી જાત કે મેં મેસેજ જોયો છે. પણ એના ફોનમાંથી મને એનો નંબર મળી ગયો."
"ધેટ્સ ગ્રેટ દી."
કરુણાએ કહ્યું, "નિતુ, તું એનો નંબર મને પણ સેન્ડ કરી દે."
"હા. કરું છું."
"હવે, આગળનો શું પ્લાન છે?" કૃતિએ પૂછ્યું.
કરુણા બોલી, "નિકુંજ સાથે વાત કરી, એની સાથે જે થયું છે, એના દ્વારા વિદ્યાને ખુલી પાડવાની. જેથી એ નિતુ કે પછી નિતુ જેવી બીજી કોઈ સ્ત્રી સાથે આવું ના કરે."
નિતુ ઉદાસ થતા પલંગ પર બેસી ગઈ. "શું થયું?" કૃતિએ પૂછ્યું.
તે કહેવા લાગી, "યાર કરુણા. મને શું થઈ રહ્યું છે એ જ નથી સમજાતું! અત્યાર સુધી હું વિદ્યાની પોલ ખુલી પાડવા મથતી હતી. જયારે જયારે મને મોકો મળ્યો ત્યારે મેં એના વિરુદ્ધ મળતા પુરાવા ભેગા કરવાનું કામ કર્યું. પણ એ જયારે મારી સામે આવે છે ત્યારે નથી સમજાતું કે મને શું થાય છે! ક્યારેક ક્યારેક મને લાગે છે કે..."
કરુણા એના પગ પાસે ઢીચણ પર બેસીને તેને સમજાવતા બોલી, "નિતુ, તું ડરી રહી છે?"
"ના, મને ડર નથી લાગતો. પણ એક સત્ય હું જરૂર કહીશ. એક બાજુ મને એવું લાગે છે કે એ... એ જે રીતે મને રાખી રહી છે. ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે એ જે રીતે મારી મદદ કરે છે, એ રીતે બીજું કોઈ નથી કરી શકતું. તે જોયુંને આજે, ઓફિસમાં મારી સાથે કોઈ નહોતું ત્યારે આખો દિવસ એણે મને સંભાળી. એ મારો આદર કરે છે. મારુ માન રાખે છે. મારી ઈચ્છા વિરુદ્ધ ક્યારેય નથી ગઈ. આ બધું જોઈને મને થાય છે કે હું એની સાથે ખોટું તો નથી કરી રહીને?"
કરુણા બોલી, "નીતિકા! આ તારી સારીપ છે, કે એણે તારી સાથે આટલું બધું કર્યું છતાં તું એનું ભલું કરવાનો વિચાર કરી રહી છે."
"હા દી." કરુણાથી સહમત થતાં કૃતિ બોલી, "દી તું આ બધું ના વિચાર. તારી પાસે એક મોકો છે. આપણે જે ઇચ્છતા હતા એ હવે આપણી સાથે છે. નિકુંજ સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો છે તો હવે પીછેહઠ કરવાનો શું લાભ?"
"હા નિતુ. હવે પાછળ ફરીને શું કામ જુએ છે?"
નિતુ ભાવુક થતાં બોલી, "કૃતિ, એ જે રીતે એક પછી એક મારા પર ઉપકાર કરી રહી છે એને હું કેમ ભૂલું?"
"હા... કરે છે. પણ એ ઉપકારના બદલામાં એનો સ્વાર્થ છુપાયેલો છે. એ ઉપકાર કારણ વગરનો તો નથી!"
"કૃતિ તું ભૂલી ગઈ. તારા લગ્નમાં સૌથી આગળ એ જ ઉભી હતી. જો એ ના હોત તો ખબર નહિ હું તારા લગ્ન કઈ રીતે મેનેજ કરેત?"
"સવાલ ખાલી પૈસાનો જ છેને! હું સાગરને કહીશ. તે એની પાસેથી જે એડવાન્સ લીધું છે એ સાગર ચૂકવી દેશે. પછી તો તું છૂટી થઈ જઈશને?"
કરુણા બોલી, "હા નિતુ. તારી આઝાદીથી વિશેષ શું જોઈએ?"
"તમે નથી જાણતા. પણ જયારે જયારે હું એની નજીક જાઉં છું, મને કંઈક અલગ જ ફીલ થાય છે. એની આંખોમાં મારા માટે જે પ્રેમની વર્ષા થાય છે એ... મને એ ક્ષણે એવું લાગે છે કે હું એના માટે કંઈક ખાસ છું."
કૃતિએ થોડા કડક અવાજમાં કહ્યું, "દીદી, એ એક નંબરની ચાલબાજ છે. મહાવિલન છે એ સ્ત્રી. એક સ્ત્રી થઈને જે બીજી સ્ત્રીની ભાવના ના સમજી શકે! મારી સાથે જો કોઈ એવું કરે તો મને તો ઘૃણા આવે, તને એના માટે આટલી દયા કેમ જાગે છે? એ સ્ત્રી નથી, ડાકણ છે ડાકણ. ખબર નહિ આજ સુધી તારી જેવી કેટલી સ્ત્રીને ભરખી ગઈ હશે અને કેટલાં નિકુંજનું શોષણ કર્યું હશે?"
કરુણા કહેવા લાગી, "હા નીતિકા. જો આજે આપણે કંઈ નહિ કરીયે તો કાલે તારી જેવી કોઈ બીજી નિતુની લાચારીનો ફાયદો ઉઠાવશે. આપણે એને રોકવી પડશે. આજે આપણી પાસે મોકો છે, તું આ રીતે પાણીમાં બેસી જશે તો કેમ ચાલશે?"
નિતુ હળવેથી બોલી, "ઘૃણા તો મને આવે છે. પણ ક્યાંકને ક્યાંક એના કરેલા ઉપકાર આડા આવી જાય છે. એની આંખમાં, એના વર્તનમાં મારે માટે જે માન છે, એનું અપમાન કરવાની મને ઈચ્છા નથી થતી. એક નજરે એ મને નિર્દોષ લાગે છે."
કૃતિ ફરી ભડકી, "નિર્દોષ? એ ડાકણ તને નિર્દોષ લાગે છે?"
કરુણાએ કહ્યું, "નિતુ, જો તારાથી ના થતું હોય તો મને ક્હે, હું નિકુંજ સાથે વાત કરીશ."
"મને કંઈ સમજાતું જ નથી. મારા પર સંકટ આવે છે ત્યારે હું એની નજીક ચાલી જાઉં છે અને ખબર નહિ કેમ? પણ એ... એ... હા એણે ખોટું જરૂર કર્યું છે. છતાં..."
"છતાં શું દી?"
કરુણા બોલી, "નિતુ, આઈ થિન્ક કે નિકુંજ સાથે હું વાત કરી લઈશ.""ના... હું... હું એકવાર એની સાથે ડિસ્ક્સ કરી લઉં."
"કોની સાથે?"
"અનંત સાથે. મેં એને બધું નથી કહ્યું પણ આટલું મોટું પગલું લેતા પહેલા હું એકવાર એની સાથે વાત કરી લઉં?"
ચેહરા પર બંને હાથ ફેરવતી તે ખિન્ન મને બેસી ગઈ. એ ખૂબ મોટી ગૂંચવણમાં હતી. થોડીવાર તેને એ જ સ્થિતિમાં બેસવા દીધા પછી કરુણાએ નિતુનો ફોન એના હાથમાં આપ્યો. નિતુએ ફોન હાથમાં લીધો કે કૃતિએ પૂછ્યું, "દીદી, શ્યોર કે તું અનંતભાઈને બધું સાચું કહી શકીશને?"