ઇતિહાસની સૌથી જંગી લુંટ
દરેક વ્યક્તિની સૌથી મોટી મહેચ્છા હોય છે કે તેના હાથમાં મોટો દલ્લો આવી જાય જો કે મોટો દલ્લો કાંતો તમને વારસામાં મળે છે કાં તો તમારે તે લુંટવો પડે છે.મોટાભાગનાં ગુનાખોરીની માનસિકતા ધરાવતા ક્રિમિનલ લુંટને વધારે પ્રાધાન્ય આપે છે કારણકે મોટાભાગનાં લુંટારા મોટાભાગે ગરીબીમાં જન્મતા હોય છે આથી તેમના માટે તો દલ્લો એક સપના સમાન બાબત હોય છે.રાતોરાત અમીર થઇ જવાની ઘેલછામાં તેઓ લુંટફાટનો માર્ગ અપનાવતા જ હોય છે.આજે આપણે એવી જ કેટલીક ખતરનાક લુંટની ઘટનાઓ અંગે વાત કરીશું.જો કે આ ઘટનાઓની ખાસિયત એ હતી કે તેમાં લુંટારાઓએ લોહીનું ટીપું પણ વહાવ્યું ન હતું.
ચાર હથિયારધારી લોકો એક જ્વેલરી સ્ટોર્સમાં પ્રવેશે છે ત્યારે આ દુકાન બંધ થવાનો સમય થઇ ગયો હતો.આ ચારમાંથી ત્રણ લુંટારાઓએ માથા પર વિગ્સ અને મહિલાઓનાં વસ્ત્રો પહેર્યા હતા.ડિસ્પ્લે પર રહેલ સામાન લુંટ્યા બાદ તેમણે ત્યાં હાજર રહેલા સ્ટાફને બાનમાં લઇને સ્ટોરેજ એરિયામાં જઇને ત્યાંનાં ઘરેણા પણ લુંટ્યા હતા.તેમણે હથિયારો રાખ્યા હતા પણ એકપણ ગોળી તેમણે ચલાવી ન હતી.આ લુંટ બાદ બીજા દિવસે શેરબજારમાં અફરાતફરી મચી ગઇ હતી અને હેરી વિન્સ્ટનનાં શેરોમાં નવ ટકાનો કડાકો નોંધાયો હતો.આમ તો આ સ્ટોર પર આ પહેલા પણ લુંટારાઓ ત્રાટક્યા હતા અને તેમણે દસ મિલિયન યુરોનાં ઘરેણાની લુંટ ચલાવી હતી.આ વખતે લુંટારાઓએ ૧૦૮ મિલિયન ડોલરનાં ઘરેણાની લુંટ ચલાવી હતી.ત્યારબાદ પચ્ચીસ લોકોની ધરપકડ કરાઇ હતી.
૨૦૦૩માં બેલ્જિયમનાં એન્ટવર્પમાં લુંટારાઓ ત્રાટક્યા હતા અને તેમણે ૧૦૦ મિલિયન ડોલરનાં હીરાઓની લુંટ ચલાવી હતી.એન્ટવર્પમાં આમ તો વિશ્વભરમાંથી હીરા આવે છે જેની જાણ મોટાભાગનાં ચોરો અને લુંટારાઓને હોય છે આ કારણે જ આ શહેરમાં લુંટની ઘટનાઓ સમયાંતરે બનતી જ હોય છે.જો કે ૨૦૦૩ની ૧૬મી ફેબ્રુઆરીએ જે લુંટ થઇ હતી તે ડોલરની કિંમતમાં જોઇએ તો સૌથી મોટી લુંટ હતી.જોકે આ લુંટ કિંમતનાં મામલે અનોખી હતી તો તે જે રીતે પાર પાડવામાં આવી હતી તે પણ વિશિષ્ટ હતી.લુંટારાઓએ ૧૮૯ ડિપોઝીટ બોક્સમાંથી ૧૨૩ બોક્સ ખાલી કરી નાંખ્યા હતા.લિયોનાર્દો નોટાર્બાર્ટોલો જેની વય માત્ર ત્રીસ વર્ષની હતી તે આ ગેંગનો લીડર હતો.આ લુંટની ઘટનામાં ચાર લોકો સંડોવાયેલા હતા.તેમણે આ લુંટને પાર પાડતા પહેલા ખાસ્સો સમય સુધી તેની તૈયારીઓ કરી હતી.તેમણે આ ઇમારતમાં જ ત્રણ વર્ષ પહેલા એક ઓફિસ ખરીદી હતી.અહી લિયોનાર્દોએ પોતાની જાતને હીરાનાં વ્યાપારી તરીકે ઓળખાવ્યો હતો.તેણે ત્રણ વર્ષ સુધી અહીનાં લોકોમાં પોતાની શાખને મજબૂત કરી હતી.તે આ સમય દરમિયાન મિટિંગોનું આયોજન કરતો હતો તેના કારણે કોઇને પણ તેના પર શંકા ગઇ ન હતી.જ્યારે લુંટને પાર પાડવાનો સમય થયો ત્યારે તેણે સિક્યુરિટી કેમેરામાં નકલી ટેપ દાખલ કરી હતી જેના કારણે તેની તમામ ક્રિયાઓ પર પરદો પડી ગયો હતો.વોલ્ટ આમ તો તગડી સિક્યુરિટી ધરાવતું હતું જેમાં દાખલ થવા માટે દસ સ્તરને પાર કરવું પડે તેમ હતું.જેમાં ઇન્ફ્રારેડ હીટ ડિટેકટર્સ, ડોપ્લર રડાર, મેગ્નેટિક ફિલ્ડ, સિસ્મિક સેન્સર અને સુરક્ષિત લોક સામેલ હતું જેમાં ૧૦૦ મિલિયન પોસિબલ કોમ્બિનેશન રહેલા હતા.આ લુંટને સદીની સૌથી મોટી લુંટ ગણાવાઇ હતી.પોલિસ પણ આ લુંટ કઇ રીતે થઇ તેના પર પ્રકાશ પાડી શકી ન હતી.જો કે નોટેરબાર્ટોલો આ લુંટ બાદ ઝડપાઇ ગયો હતો કારણકે તેનો એક સાથીદાર તેમનાં પુરાવાઓની એક બેગનો નાશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.જો કે લુંટની રકમ ક્યારેય હાથ લાગી ન હતી.તેને દસ વર્ષની સજા કરાઇ હતી.તેણે દાવો કર્યો હતો કે અસલમાં તેને તો એક યહુદી વેપારીએ આ લુંટ માટે હાયર કર્યો હતો તેના ભાગે તો માત્ર વીસ મિલિયન ડોલર જ આવ્યા હતા.તેણે એ પણ જણાવ્યું હતું કે મોટાભાગનાં બોક્સ ખાલી હતાં.તેણે જણાવ્યું હતું કે તે અને તેની ગેંગ તો ઇન્સ્યોરન્સનાં ફ્રોડને છુપાવવા માટેનું માત્ર પ્યાદુ હતી.જો કે પોલીસે તેની થિયરીને ફગાવી દીધી હતી.
આમ તો આ યાદીમાં જે લુંટને સામેલ કરાઇ છે તેની તુલનાએ યુનાઇટેડ કેલિફોર્નિયાની ૩૦ મિલિયન ડોલરની લુંટ તો કશી વિસાતમાં જ નથી તેમ છતાં અમેરિકાનાં ઇતિહાસમાં આ લુંટની ઘટના ઘણી મોટી ગણાય તેમ છે.જો કે આ લુંટની ઘટના ૨૪ માર્ચ ૧૯૭૨માં ઘટી હતી તે ધ્યાનમાં લઇએ તો આ લુંટ ઘણી ખાસ ગણાય તેમ છે.આજની ગણતરીએ તો આ લુંટની રકમ અંદાજે ૧૦૦ મિલિયન ડોલરની હતી.તે સમયે પણ એ વર્લ્ડ રેકોર્ડરૂપ હતી.ઓહાયોનાં સાત લોકોની ગેંગે આ લુંટને પાર પાડી હતી જેનો લીડર અમીલ દિનિસ્યો હતો.કેલિફોર્નિયાનાં લગુન નિગ્યુએલની યુનાઇટેડ કેલિફોર્નિયા બેંકને તેમણે નિશાન બનાવી હતી.તેમણે ત્યારે સેફ ડિપોઝીટને સાફ કર્યા હતા.જો કે લુંટ બાદ આ ગેંગ એફબીઆઇનાં સકંજામાં ઝડપાઇ ગઇ હતી ત્યારે એ ગેંગનાં એક સભ્ય ફિલ ક્રિસ્ટોફરે એક પુસ્તક સુપરથીફ લખ્યું હતું તેમાં આ લુંટની રકમનો ઉલ્લેખ હતો.જો કે આ લુંટ અંગે એફબીઆઇએ પણ ખાસ વિગતો પોતાની વેબસાઇટ પર જાહેર કરી નહી હોવાને કારણે તેના અંગે બહુ ઓછી માહિતી મળે છે.
૨૦૦૫માં એમ્સ્ટર્ડેમમાં એરપોર્ટ પર એક લુંટને અંજામ અપાયો હતો અને લુંટારાઓએ ૧૧૮ મિલિયન ડોલરનાં હીરાઓની લુંટ ચલાવી હતી જે સૌથી મોટી હીરાઓની લુંટ મનાય છે.જો કે તેમણે જે હીરાઓ લુંટ્યા હતા તે મોટાભાગનાં અનકટ હતા આ કારણે તેમની સાચી કિંમત આંકી શકાય તેમ નથી.આ લુંટની ઘટનાનાં બે અઠવાડિયા પહેલા ચાર વ્યક્તિઓએ કેએલએમની કાર્ગો ટ્રક અને કંપનીનાં યુનિફોર્મની લુંટ ચલાવી હતી.૨૫મી ફેબ્રુઆરીએ લુંટારાઓ કેએલએમની ટ્રક પાસે પહોંચ્યા હતા જેમાં અનકટ ડાયમંડનો જથ્થો હતો જેને એન્ટવર્પ ખાતે પહોંચાડવાનાં હતા.તેમણે ટ્રકનાં ડ્રાઇવરને બંદુકની અણીએ નીચે ઉતરવા મજબૂર કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ટ્રક લઇને ફરાર થઇ ગયા હતા.પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે તેમને જણાયું કે લુંટારાઓને કઇ ટ્રક લુંટવી તે અંગેની પુરી જાણકારી હતી આથી આ લુંટમાં કોઇ અંદરની વ્યક્તિ સામેલ હોવાની તેમણે શંકા વ્યક્ત કરી હતી.છ મહિનામાં બીજીવાર એરપોર્ટની સુરક્ષા તોડવામાં આવી હતી.આ લુંટનાં ગુનામાં સાત વ્યક્તિઓની ત્યારબાદ ધરપકડ કરાઇ હતી.
૧૯૭૬માં મધ્યપુર્વમાં બ્રિટીશ બેંકમાં લગભગ ૨૫ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવાઇ હતી.૧૯૭૦માં પીએલઓનો ઉદય થયો હતો જેની આગેવાની યાસર અરાફતે કરી હતી.તેમનો ઉદ્દેશ્ય પેલેસ્ટાઇનની આઝાદી હતો.યાસર અરાફતે આ ઉદ્દેશ્યને સર કરવા માટે ઇઝરાયેલ સાથે યુદ્ધ જાહેર કર્યું હતું.જો કે યુદ્ધ ખાલી હાથે થાય નહિ તે માટે તેમને નાણાંની જરૂર હતી.લેબેનોનમાં ત્યારે ગૃહયુદ્ધ છેડાયેલું હતું.ત્યારે પીએલઓએ ઘણી બેંકો લુંટી હતી જેમાં મધ્ય પુર્વની બ્રિટીશ બેંક પણ સામેલ હતી જેની લુંટ ત્યારની સૌથી મોટી લુંટ હતી.તેમણે ત્યારે બેંકમાંથી ૨૫ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવી હતી.આજનાં સમયની ગણતરીએ તે રકમ આશરે ૧૦૦ મિલિયન ડોલરની થાય તેમ છે.તેમણે બેંકને લુંટવા માટે તેનો દરવાજો વિસ્ફોટથી ઉડાવ્યો હતો.તેમણે વોલ્ટમાંથી સોનું, શેર અને રોકડ રકમની લુંટ ચલાવી હતી અને તેમાં રહેલ શેરને ત્યારબાદ તેમનાં માલિકોને વેચવામાં આવ્યા હતા.આ લુંટ બે દિવસ સુધી ચાલી હતી.
૧૯૮૭માં યુકેમાં ૬૦ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવાઇ હતી.આ લુંટનો માસ્ટર માઇન્ડ વિસ્સી ૧૯૮૬માં ઇટાલીથી યુકેમાં આવ્યો હતો.જોકે ઇટાલીમાં પણ તેના નામે ત્યારે ૫૦ લુંટનાં ગુનાઓ નોંધાયેલા હતા અને બ્રિટનમાં પણ તેણે પોતાની એ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.આ માટે તે અને તેના સાગરિતો નાઇટબ્રિજ સેફ ડિપોઝીટ સેન્ટરમાં ગયા હતા અને એક ડિપોઝીટ બોક્સ રેન્ટ પર લેવાની વાત કરી હતી.જ્યારે તેઓ વોલ્ટમાં પહોંચ્યા ત્યારે તેમણે મેનેજર અને ગાર્ડને બાનમાં લીધા હતા. તેમની આ લુંટ પર કોઇ ધ્યાન ન જાય તે માટે વિસ્સી ત્યારે સેફ ડિપોઝીટ વોલ્ટમાં કામગિરી ચાલતી હોવાને કારણે થોડા સમય માટે તે ગ્રાહકો માટે બંધ હોવાનું બોર્ડ બહાર લગાવ્યું હતું.ત્યારબાદ આ ગેંગે સેફ ડિપોઝીટ વોલ્ટ ખોલીને ૬૦ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવી હતી.આજનાં સમયની ગણતરીએ એ રકમ આશરે ૧૭૪ મિલિયન ડોલરની થાય.પોલીસને તો લુંટની ઘટનાનાં એક કલાક બાદ ખબર પડી હતી પરિણામે લુંટારાઓને ત્યાંથી ફરાર થવાનો ખાસ્સો સમય મળ્યો હતો.વેલેરિયો ત્યાંથી લેટિન અમેરિકા ચાલ્યો ગયો હતો.જો કે તેના સાગરિતો તેના જેટલા ચાલાક ન હતા અને તેઓ ઇંગ્લેન્ડ પાછા આવ્યા હતા અને પોલીસનાં હાથે ઝડપાઇ ગયા હતા.વેલેરિયો પણ તેની ફરારીને પાછી મેળવવાનાં ચક્કરમાં ઝડપાયો હતો અને તેને બાવીસ વર્ષની જેલની સજા થઇ હતી.જો કે જેલમાંથી છુટ્યા બાદ ઇટાલીમાં ૨૦૦૦માં પોલીસ સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો.
ઇરાકમાં ૨૦૦૭ની ૧૨મી જુલાઇએ ૨૮૨ મિલિયન ડોલરની જંગી રકમની લુંટ ચલાવાઇ હતી.દાર એ સલામ બેંકનાં કર્મચારીઓ એક સવારે જ્યારે કામ પર આવ્યા ત્યારે તેમણે જોયું કે બેંકનાં દરવાજા ખુલ્લા હતા અને વોલ્ટ પણ ખુલ્લો હતો અને તેમાં રહેલ રકમ ગાયબ હતી.બેંકનાં ત્રણ સુરક્ષા કર્મચારીઓએ જ લગભગ ૨૮૨ મિલિયન ડોલરની રકમની લુંટ ચલાવી હોવાનું મનાતું હતું.આ રકમ ઘણી મોટી હતી.જો કે બેંકે આટલી જંગી રકમ કયા કારણોસર બેંકમાં રાખી હતી તે અંગે કોઇ ખુલાસો થયો ન હતો.આ રકમ પણ ડોલરમાં હતી.ત્યારે શંકા કરાઇ હતી કે જે સુરક્ષા કર્મચારીઓ હતા તે કોઇ આતંકવાદી સંગઠનનાં સભ્ય હતા.આ લુંટનાં કોઇ સગડ ક્યારેય મળ્યા ન હતા અને તે રકમ પણ પાછી મળી ન હતી.એ પણ આશ્ચર્યની વાત હતી કે આ લુંટની ઘટના અંગે મિડીયામાં પણ કોઇ વધારે ઉહાપોહ જોવા મળ્યો ન હતો.
૧૯૯૦ની ૧૮મી માર્ચે અમેરિકાનાં બોસ્ટન શહેરમાં બે વ્યક્તિઓ પોલિસ ઓફિસરની વર્દીમાં ગાર્ડનર મ્યુઝિયમમાં બહાર રહેલા ગાર્ડને ઉલ્લુ બનાવીને પ્રવેશ્યા હતા.ગાર્ડ પણ કોઇ ઉહાપોહ ન થાય તે માટે પોલીસ અધિકારીઓ સાથે કોઇ માથાકુટ કરતા નથી અને તેમને અંદર જવા દે છે.જો કે પેલા લોકો તેમને પણ પોતાની સાથે બેઝમેન્ટમાં લઇ જાય છે અને ત્યારબાદ તેમનાં હાથમાં હથકડી પહેરાવીને તેમને ત્યાં પુરી દે છે.જો કે નવાઇની વાત એ છે કે આ કારનામાને માત્ર બે લોકોએ અંજામ આપ્યો હતો.ત્યારબાદ તેઓએ મ્યુઝિયમમાં લગભગ ૮૧ મિનિટનો સમય વિતાવ્યો હતો અને લગભગ બાર જેટલી કલાકૃત્તિઓ ઉઠાવી હતી જેની કિંમત આશરે ૩૦૦ મિલિયન ડોલરની હતી અને આ કિંમત પણ આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની છે આજે તો તે ઘણી વધારે થાય તેમ છે.જે કલાકૃત્તિઓ તેમણે ઉઠાવી હતી ેતેમાં ત્રણ રેમ્બ્રાંટની અને એક વર્મિરની હતી.જેમાંથી બે કલાકૃત્તિઓ ત્યારબાદ ક્યારેય પાછી મળી નથી.૧૯૯૪માં ૨.૬ મિલિયન ડોલરની પેઇન્ટિંગ તેમના પર મુકદ્દમો નહિ ચલાવાય તે પ્રકારની શરતે પાછી આપવાની ઓફર કરાઇ હતી પણ તે વાત બની ન હતી અને તે કલાકૃત્તિ પણ પાછી મળી ન હતી.આ લુંટની ઘટના અંગે પણ ત્યારબાદ કોઇ સગડ મળ્યા ન હતા.આ લુંટ બાદ લુંટારાઓ અંગે જાણકારી આપવા માટે પાંચ મિલિયન ડોલરનાં ઇનામની જાહેરાત થઇ હતી.પછી તો તંત્રએ આ લુંટની કલાકૃત્તિઓ પાછી આપનાર વ્યક્તિ પર કોઇ કાયદાકીય કાર્યવાહી નહિ થાય તેવી પણ જાહેરાત કરાઇ હતી પણ તેનો કોઇ લાભ થયો ન હતો અને તે કલાકૃત્તિઓ ક્યારેય પાછી મળી ન હતી.
૧૯૯૦માં બીજી મેનાં રોજ બ્રિટનમાં ૫૮ વર્ષનો બ્રોકર શેફર્ડ તરીકે કામગિરી કરનાર જહોન ગોડાર્ડ લંડનની સ્ટ્રીટમાં હાથમાં સુટકેશ લઇને ચાલતો ચાલતો જઇ રહ્યો હતો.તેના હાથમાં જે સુટકેશ હતી તેમાં ૨૯૨ મિલિયન પાઉન્ડનાં બેરર બોન્ડસ હતાં.ગોડાર્ડ આ બોન્ડ તેની સોસાયટી અને બેન્ક તરફથી ઇંગ્લેન્ડ ટ્રેઝરી બિલ્સ બેંકમાં જમા કરાવવા જઇ રહ્યો હતો.ગોડાર્ડને ત્યારે છરીની અણીએ રોકવામાં આવ્યો હતો અને ૩૦૧ ટ્રેઝરી બિલની લુંટ ચલાવાઇ હતી જેની કિંમત દરેક બિલની એક મિલિયન પાઉન્ડ હતી.આ લુંટ માટે કિથ ચીઝમેનની ધરપકડ થઇ હતી અને તેને સાડા છ વર્ષની જેલની સજા કરાઇ હતી.પોલીસને ત્યારે તપાસ દરમિયાન જણાયું હતું કે તે કામ તેને પેટ્રીક થોમસે સોંપ્યું હતું જે પોલીસનાં હાથે ઝડપાય તે પહેલા તેની લાશ મળી હતી કોઇએ તેના માથામાં ગોળી મારી હતી.આ લુંટમાં માત્ર બે બોન્ડ પાછા મળ્યા હતા.ઇતિહાસની સૌથી મોટી લુંટોમાં એક ગણાતી આ લુંટ માત્ર એક સામાન્ય ચોરે છરીની અણીએ ચલાવી હતી જે એક આશ્ચર્યની વાત છે.
૨૦૦૩ની ૧૮મી માર્ચે ઇરાકની રાજધાની બગદાદમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇરાકમાં ૧ બિલિયન ડોલરની લુંટ ચલાવાઇ હતી અને આ લુંટ પણ બહુ આસાનીથી ચલાવાઇ હતી.સદ્દામ હુસૈનનાં શાસનકાળમાં બેંકોને તેઓ પોતાની જ પ્રોપર્ટી માનતા હતા અને આ કારણે તેઓ લખલુંટ દોલત તેમની પાસેથી ઉઘરાવી લેતા હતા.જ્યારે ઇરાક પર અમેરિકા અને તેના સાથીદળોએ હુમલો કર્યો તેના એક દિવસ પહેલા સદ્દામે તેના પુત્ર કુશેને સેન્ટ્રલ બેંક ઓફ ઇરાક મોકલ્યો હતો જેને સદ્દામે એક સાદા કાગળ પર તેના વતી રકમ આપવાની વાત લખી હતી.કુશેએ બેંકમાંથી પાંચ કલાકનાં સમયગાળામાં ૧૦૦ ડોલરની નોટોનાં બક્સા બહાર કઢાવ્યા હતા.આ નોટોની કિંમત એક બિલિયન ડોલરની હતી.જો કે ત્યારબાદ સદ્દામ અને તેનો પુત્ર બહુ દુર જઇ શક્યા ન હતા અને સદ્દામ તો એક નાના ખાડામાં સૈનિકોનાં હાથે ઝડપાયો હતો.કુશેને સૈનિકોનાં દળે ઠાર માર્યો હતો.સૈનિકોનાં દળોએ જ્યારે તેના નિવાસસ્થાનની તલાશ લીધી ત્યારે દિવાલમાંથી ૬૫૦ મિલિયન ડોલરની રકમ પરત મળી હતી પણ બાકીની ૩૫૦ મિલિયન ડોલરની રકમ કયારેય પરત મળી ન હતી.