Even the enemy should not get this kind of death in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | આ પ્રકારની મોત દુશ્મનને પણ ન મળે.....

Featured Books
Categories
Share

આ પ્રકારની મોત દુશ્મનને પણ ન મળે.....

મોત એ સૌથી મોટુ સત્ય છે અને દરેક જીવિત પ્રાણી કે મનુષ્ય મોતને પામશે આપણી આસપાસ આપણે રોજ મોતનો અનુભવ કરીએ છીએ રોજ કોઇને કોઇ મોતને ભેટતું જ હોય છે જ્યારે મરનાર વ્યક્તિ આપણી નજીકની હોય ત્યારે આપણને વેદનાનો અનુભવ થાય છે આ સિવાય આપણે તેનો ખાસ વિચાર કરતા હોતા નથી. દરેક વ્યક્તિ ચાહતી હોય છે કે તેને જ્યારે મોત આવે ત્યારે તેની વ્હાલી વ્યક્તિઓ તેની નજીક હોય જેમના હાથમાં હાથ રાખીને તે પોતાની આખરી સફર પર નિકળી જાય અને મોટા ભાગે તેમ થતું હોય છે ક્યારેક નથી પણ થતું કારણકે દરેક વ્યક્તિ ઘરમાં બિછાના પર મોતને ભેટતો નથી.મોત વ્યક્તિને અલગ અલગ રીતે પોતાની સાથે લઇ જતી હોય છે.ઇતિહાસ જોઇએ તો જણાય છે કે ઘણી વ્યક્તિઓને મોત બહુ  ભયંકર રીતે મળે છે કેટલાક બહુ વિચિત્ર સંજોગોમાં મોતને ભેટતા હોય છે.

થોમસ મિગલી જુનિયરે તેના જીવન દરમિયાન અનેક શોધ કરી હતી ખાસ કરીને રસાયણશાસ્ત્રમાં તેમનું પ્રદાન અદભૂત મનાય છે.તેમને તેમની આ શોધો બદલ અમેરિકન કેમિકલ સોસાયટી દ્વારા ચાર ચંદ્રકો એનાયત કરાયા હતા.તેમણે ૧૧૭ પેટન્ટ નોંધાવી હતી.ખાસ કરીને તેમને જ્યારે પોલિયો થયો ત્યારે તેમણે પોતાની જ મદદ માટે એક ડિવાઇસ બનાવી હતી જો કે એ ડિવાઇસ ખામીયુક્ત હોવાને કારણે એક દિવસ મિગલી તેનો ભોગ બન્યા હતા અને તેમનું ગળું તેના દોરડાથી રૂંધાઇ જતા તે મોતને  ભેટ્યા હતા.

અમેરિકામાં માનવ અધિકાર મુદ્દે લડત આપનારાઓમાં રોઝા પાર્કનું નામ બહુ જાણીતું છે પણ તેમની લડત શરૂ થઇ તે પહેલા માર્કસ ગાર્વેએ તેનો આરંભ કર્યો હતો.તેમણે ૧૯૧૪માં યુનિવર્સલ નિગ્રો ઇમ્પ્રુવમેન્ટ એસોસિએશનની સ્થાપના કરી હતી જેના કારણે ઘણાં આફ્રિકનો ગૌરવપુર્વક પોતાના દેશ પાછા ફરી શક્યા હતા.ત્યારબાદ તેમણે બ્લેક સ્ટાર લાઇનની સ્થાપના કરી હતી.આ સંસ્થા નિગ્રો લોકોને ઘર અપાવવા માટે આર્થિક મદદ કરતી હતી.તેઓએ તેમના આ કાર્યોને પરિણામે ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી હતી એક દિવસ તેમના મોતના ખોટા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા અને લોકોએ ભારે પ્રમાણમાં તેમને શ્રદ્રાંજલિ આપતા પત્રો અને ટેલિગ્રામ મોકલ્યા હતા જે વાંચીને ગાર્વેને બહુ આઘાત લાગ્યો હતો અને તે પોતાના ઘરમાં જ ખુરસી પર ફસડાઇ પડ્યા હતા અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તે મોતને ભેટ્યા હતા.આ પહેલા પણ તેમના મોતના નકલી સમચારોને કારણે તેમને એક એટેક આવી ગયો હતો પણ બીજો એટેક તેમના માટે ઘાતક નિવડ્યો હતો.

હેરી હુડિનીનું નામ વિશ્વમાં એક જાદુગર તરીકે પ્રખ્યાત છે તેઓ જે ખેલ કરતા હતા તેમાં તેમણે મોતને અનેક વખત માત આપી હતી.જો કે તેમનું મોત પઁણ બહુ વિચિત્ર થયું હતું.એક દિવસ તેમના શો બાદ તેમને એપેન્ડિકસનો દુખાવો ઉપડતા તે હોસ્પિટલ પહોચ્યા હતા.જો કે આ પહેલા તેમના શો પુર્વે મેકગિલ યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી તેમને મળવા આવ્યો હતો ત્યારે તે સ્ટેજ પર જવાની તૈયારી કરી રહ્યાં હતા.તેમણે એ વિદ્યાર્થીને તેમના પેટ પર મુક્કા મારવા જણાવ્યું હતું  જેથી પેટના સ્નાયુઓ સખત થઇ જાય પેલો વિદ્યાર્થી કદાચ વધારે પડતો ઉત્સાહી હતો તેણે જરા વધારે જોરથી હુડિનીના પેટ પર ચારથી પાંચ મુક્કા માર્યા જેનાથી તેમનું એપેન્ડિસ ફાટી ગયું હતું જો કે હુડિનીએ શો પુરો કર્યો અને તે ત્યારબાદ હોસ્પિટલ ગયા પણ ત્યાં સુધી બહુ મોડુ થઇ ગયું હતું.

૧૮૧૪માં લંડનનાં ટોટનહામ કાર્ટ રોડ પર આવેલ એક દારૂની ફેક્ટરીમાં બિયરનાં ૯૦૦૦ બેરલમાં વિસ્ફોટ થયો હતો અને જોતજોતામાં આખા વિસ્તારમાં બિયરનું પુર આવી ગયું હતું ત્યારે ૪.૬ મીટર ઉંચા બિયરનાં મોજા ઉછળ્યા હતા જેમાં નજીકનો ઝુપડપટ્ટીનો વિસ્તાર નષ્ટ થયો હતો અને તેમાં એક બાળક સહિત આઠ લોકોનાં મોત થયા હતા.આ પુર જ્યારે ઓસર્યુ ત્યારે તેની સાફ સફાઇમાં લાંબો સમય લાગ્યો હતો.એ ફેક્ટરીને આ વિસ્ફોટ કયા કારણોસર થયો તેની ખબર જ પડી ન હતી અને તેને આ નુકસાનીમાંથી ઉગરવા માટે કરમાં રાહત અપાઇ હતી જો કે મરનાર પીડિતોને કે તેમના પરિવારજનોને કોઇ રાહત અપાઇ ન હતી.

અમેરિકાના સિવિલ વોર દરમિયાન ક્લેમેન્ટ એલ. વેલિંગહામ એક જાણીતા રાજકારણી અને ધારાશાસ્ત્રી હતા.તેમણે ત્યારે લિંકનની વિરૂદ્ધ લડત ચલાવી હતી અને તેમની પ્રવૃત્તિઓને કારણે તેઓ જેલમાં પણ ગયા હતા જો કે પાછળથી તેમણે પોતાની વકીલાતનો વ્યવસાય ફરીથી અપનાવ્યો હતો.૧૮૭૧ની ૧૭મી જુને તે એક હત્યાનાં આરોપી એવા પોતાના અસીલનો બચાવ કરી રહ્યાં હતા. જેમાં તેમણે કઇ રીતે સામેવાળાએ પોતાની જાતને ગોળી મારી લીધી હતી તે દર્શાવવા માટે તેમણે પોતાના લમણાં પર પિસ્તોલ મુકીને ટ્રીગર દબાવી દીધુ તેમને એવું હતું કે પિસ્તોલ ખાલી છે પણ તે ભરેલી હતી અને તે ત્યાં જ મોતને ભેટયા હતા.જો કે તેમના અસીલને અદાલતે નિર્દોષ છોડી મુક્યો હતો.

ફ્રાંઝ રિચેલ્ટ એક ટેલર હતો પણ તેના સપના બહુ ઉંચા હતા.જો કે તેનો બિઝનેસ સારો ચાલતો હતો પણ તેને હવામાં ઉડવાનું બહુ ગમતું હતું તે માટે તેણે ખાસ પેરાશુટની ડિઝાઇન બનાવી હતી અને તેને તૈયાર કર્યુ હતું.આ શુટનું વજન લગભગ નવ કિલો હતું.જ્યારે તે પેરાશુટ ખુલતું ત્યારે તેનો ફેલાવો ૩૧ મીટરનો રહેતો હતો.૧૯૧૧માં રિચેલ્ટને ફ્રાંસની એરો કલબે તેને દસ હજાર ફ્રાંકની ઇનામની ઓફર કરી હતી અને તેના વર્કિંગ પેરાશુટનું પ્રદર્શન કરવા તક આપી હતી.જો કે તે કલબના જજે તેના પેરાશુટ માટે યોગ્ય મંતવ્ય આપ્યું ન હતું અને તેને અયોગ્ય ઠેરવ્યું હતું.તેણે એફિલ ટાવર ઓથોરિટી પાસે તેના શુટનાં પરિક્ષણ માટે પરવાનગી માંગી હતી તે આ ટાવર પરથી કુદીને પોતાના શુટને યોગ્ય ઠેરવવા માંગતો હતો આમ તો તંત્ર તે માટે રાજી ન હતું પણ આખરે તેમણે તે માટે મંજુરી આપી હતી.૧૯૧૨ની ચોથી ફેબ્રુઆરીએ તે એફિલ ટાવરની ટોચ પરથી કુદ્યો હતો અને ત્યા હાજર રહેલી ભારે મેદની અને તેના પરિવારજનો અને મિત્રો તેના ભયંકર મોતના સાક્ષી બન્યા હતા.જો કે તે જો આ પરિક્ષણમાં સફળ થાત તો પણ પેરાશુટનું પરિક્ષણ કરનાર તે પ્રથમ વ્યક્તિ બનવાનો ન હતો કારણકે બે દિવસ પહેલા જ એક સાહસિકે પેરાશુટ સાથે અમેરિકાનાં લિબર્ટી સ્ટેચ્યુ પરથી સફળ જંપિંગ કર્યુ હતું.

૧૯૧૯ની પંદરમી જાન્યુઆરીનો દિવસ બોસ્ટનવાસીઓ માટે કંઇક વધારે જ ગરમ હતો.કોમર્સિયલ સ્ટ્રીટની પાસે આવેલ રેલરોડ પર કામ કરતા કર્મચારીઓ તેમના લંચ માટે છુટ્યા ત્યારે તેઓ પંદર મીટર ઉંચા  મીઠા પાણીનાં મોજામાં ફસાઇ ગયા હતા.આ પાણી આમ તો ગોળ બનાવવા માટે ત્યાં રાખવામાં આવ્યું હતું જેની માત્રા ૨.૩ ગેલન હતી અને તેને જે ટાંકીમાં રખાયું હતું તેમાં વિસ્ફોટ થતાં તે પુરના સ્વરૂપે આસપાસનાં વિસ્તારોમાં ફરી વળ્યું હતુ જેણે અનેક બિલ્ડિંગ જમીન દોસ્ત કરી નાંખી હતી અને ૨૧ વ્યક્તિઓ મોતને ભેટયા હતા અને ઘણાં ઘાયલ થયા હતા.આ વિસ્ફોટનું કારણ ભયંકર ગરમી હોવાનું બહાર આવ્યું હતું.અદાલતે પીડિતોને વળતર આપવાનાં આદેશ કર્યા હતા.

૧૪૪૯માં જન્મેલ ડયુક ઓફ કલેરેન્સ જયોર્જ પ્લેન્ટેગનેટ કિંગ એડવર્ડ ચોથાનાં ભાઇ હતા.કિંગે ડ્યુકને લગ્ન કરવાની પરવાનગી નહી આપતા તેમણે કિંગ વિરૂદ્ધ ષડયંત્રો ઘડવાનું શરૂ કર્યુ હતું જેની ગંધ કિંગને આવી જતા ડ્યુકની ધરપકડ કરાઇ હતી અને તેમના પર વિશ્વાસઘાતનો આરોપ લગાવાયો હતો તેમને સંસદની સામે રજુ કરાયા હતા અને ત્યાં તેઓ વિદ્રોહનાં દોષી ઠેરવાયા હતા.સંસદનાં બંને ગૃહોએ તેમના મોતનો ખરડો પાસ કર્યો હતો અને તેમને લંડન ટાવર પર ફાંસીએ ચડાવવાનું નક્કી કરાયું હતું.જો કે તેમને પોતાની મોતની રીત પસંદ કરવાનો વિકલ્પ અપાયો હતો અને તેમણે પોતાની ફેવરિટ વાઇનનાં  હોજમાં ડુબીને મરવાનું પસંદ કર્યુ હતું.

એડોલ્ફ ફ્રેડરિક એ સ્વીડનનો સમ્રાટ હતો અને સ્વીડનમાં રાજાઓ મોટાભાગે જલસાઓમાં જ વ્યસ્ત રહેતા હતા આવો જ એક જલસો ૧૭૭૧નાં ફેબ્રુઆરી મહિનામાં યોજાયો હતો જે લેન્ટની તૈયારીરૂપે હતો.આ તહેવારમાં ચાલીસ દિવસનાં ઉપવાસ રખાતા હોય છે અને તે પહેલા એક જલસામાં લોકો તેમને ભાવતી વાનગીઓ ભરપેટ જમતા હોય છે.ફ્રેડરિકે પણ પોતાના મહેમાનો માટે સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાવી હતી જેમાં મચ્છીની વિવિધ ડિશ સાથે દુધમાં જબોળેલ સેમ્લર નામનાં બ્રેડ રોલની ડિશો હતી જે ફ્રેડરિકની મનપસંદ હતી.તેણે માછલીની વાનગીઓ ઉપરાંત આ વાનગીની ચૌદ ડિશ ઝાપટી લીધી હતી અને બીજા જ દિવસે તેને પેટની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તે અકરાંતિયાની જેમ ખાધા બાદ મોતને ભેટ્યો હતો.

ગ્રિગોરી રાસ્પુતિનનું નામ ઇતિહાસમાં ભયંકર વ્યક્તિ તરીકે કુખ્યાત છે અને આ ભયંકર વ્યક્તિનું મોત પણ એટલું જ ભયંકર થયું હતું.ત્યારે રશિયન રાજપરિવારનાં નબીરા એલેકસાઇને હિમોફિલીયાનો રોગ લાગુ પડ્યો હતો જેની તેણે સફળ સારવાર કર્યા બાદ રાજપરિવારમાં તે માનીતો બની ગયો હતો અને તેણે તમામ લોકો પર પોતાનો જાદુ પાથર્યો હતો.તેના વિરોધીઓ માનતા હતા કે તેણે રશિયાની વિદેશનીતિઓમાં ચંચુપાત કર્યો છે.કહેવાતું હતું કે તે સેકસ મેનિયાક હતો અને તે રશિયન ઝારની પત્ની સાથે સંબંધ ધરાવતો હતો.રાજપરિવારમાં તેના વધતા જતા દબદબાને જોઇને પ્રિન્સ યુસુપોવ અને વ્લાદિમીર પુરૂશ્ચેકેવિક જે રશિયન સંસદનાં સભ્ય હતા તેમણે રાસ્પુતિનને મારવા માટે ષડયંત્ર ઘડયુ હતું અને તેના માટે ઝેરી કેક તૈયાર કરી હતી. જો કે તે કેક રાસ્પુતિનને મારી શકી ન હતી.તેના પર ફાયરિંગ પણ કરાયું હતું.આખરે વિરોધીઓએ તેને પકડ્યો હતો અને તેની ખસી કરીને તેને નેવા નદીનાં ભયંકર ઠંડા પાણીમાં મરવા માટે નાંખ્યો હતો જયાં તે મોતને ભેટ્યો હતો.જો કે તેણે પોતાનાં મોત પહેલા જ ઝારને એક પત્ર લખ્યો હતો જેમાં કહ્યું હતું કે તેના વિના તેમનું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે અને તેમ થયું પણ હતું કારણકે ત્યારબાદ રશિયન ક્રાંતિને કારણે રશિયામાંથી ઝારશાહીનો અંત આવ્યો હતો અને સામ્યવાદે સત્તાનાં સુત્રો હાંસલ કર્યા હતા.