ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
લગભગ ચારેક વર્ષ પછી....
"મહાવીર રાવ, આ તમારે ઇન્દોર રાજના ખજાનામાં તમારી મહેસૂલી આવકનો પોણો ભાગ આપી દેવો પડે છે. ઈ મને પણ નથી ગમતું. પણ તમે મારું કામ પૂરું નથી કરતા, એક જમાનામાં ભાયાત ભાગમાં તમારી પાસે સુવાંગ 16 ગામ હતા. હવે એક તમારું અજવાળિયું જ બચ્યું છે. બાકીના બધા માં રાજનો ભાગ થઇ ગયો. કારણ કે તમે રાજ આજ્ઞાનું પાલન નથી કર્યું."
"રાવ, મારી પરિસ્થિતિ તમે સમજો જ છો. ચારેક વર્ષ પહેલા તમે, માં સાહેબ અને દાદી સાહેબ મારા ઘરે પધાર્યા હતા. ત્યારે મેં તમને વચન આપેલું કે 2-3 મહિના કોઈ સગડ કાઢો અને હું ખુશ ખબર આપવા આવી પહોંચીશ, પણ શું કરું. જેવા તમે વિદાય લીધી કે તરત જ ખેપીયા એ તમને જે ખબર આઈ એ મને આપી એટલે મારે તરત જ તમારી સાથે જ અહીં ઇન્દોર આવવું પડ્યું. બે વર્ષ સુધી તો મેં ઘરનું મોઢું ય ન જોયું. માંડ બધું થાળે પડ્યું, ત્યાં દુકાળ આવ્યો એમાં મારે મારી રીતે તપાસ કરવાનો કઈ સમય જ ન મળ્યો."
"વાત તો તમારી સાચી છે. પણ શું છે કે, ધન વગર રાજ ન ચાલે. રાજને સુચારુરૂપ ચલાવવા પ્રજાને સગવડતા અને શાંતિ બન્ને આપવા પડે આ માટે વ્યવસ્થાપન અને સૈન્ય બંનેમાં ખર્ચ કરવું પડે"
"હા પણ રાવ મારા ઘરનાને- છોકરાને ભૂખે સુવાનો વારો આવ્યો છે. ઈ પણ ઇંદોરની પ્રજા જ છે." કૈક ઉદાસીનતાથી મહાવીર રાવ બોલ્યો. છેલ્લા ચાર વર્ષમાં એ 2-3 કટકે માંડ એકાદ મહિનો પોતાના ગામ અજ્વાળીયા માં રહ્યો હતો. ધરાઈને છોકરાંવને મોં પણ જોયાને વર્ષો થઇ ગયા હતા. એના જીવને એક માત્ર ધરપત એ હતી કે ખાધે પીધે વાંધો ન હતો. પોતાના ભાગના હવે બચેલા 7-8 ગામમાંથી મળતી મહેસૂલી આવક એટલી હતી કે પોતે કોઈને ભાગીયા રાખીને, (જમીનની માલિકી એની અને ખેત મજૂરી બીજું કુટુંબ કરે બન્ને નો અનાજની ઉપજમાં બન્ને નો નક્કી કરેલો ભાગ,) ખેતીની ચિંતામાંથી મુક્ત થયો હતો. આમ તો મહિપાલ રાવ હવે 18-19 નો થયો હતો અને બધું સંભાળી શકે એમ હતો. પણ...
બે મહિના પહેલા પોતે ઈંદોરના સીમાડાના રક્ષણાર્થે છેક બીજે છેડે હતો અને, દાદી સાહેબે મોકલેલા રાજના ચોથ ઉઘરાવવાવાળા એના ઘરે પહોંચ્યા હતા. અને મહિપાલ રાવને ધમકાવીને કહ્યું હતું કે, જેવી મહેસુલ જમા થાય કે તરત જ રાજ નો ભાગ મોકલી દેજો નહી તો આ તમારા ખોરડા, ગામ-ખેતર બધું સળગાવી દઈશું. મહાવીર રાવ ને તો આ ખબર છેક દોઢ મહિને મહિપાલ રાવે ખબર દેવા મોકલેલ અંગત નોકર દ્વારા મળ્યા. આ ખબર સાંભળી ને એ ખળભળી ગયો. અને પોતાનું મિશન પડતું મૂકી ને પોતાના ગામ અજ્વાળીયા પહોંચ્યો. જેમતેમ મહેસુલ ઉઘરાવીને રૂપિયા જમા કર્યા અને ઇન્દોર પહોંચ્યો અને ભર્યા દરબારમાં મલ્હાર રાવ સામે નાણાંની કોથળીઓ મૂકી, મલ્હારરાવે આશ્ચર્યથી એની સામે જોયું અને પછી કહ્યું. "મહાવીર રાવ તમે તો આથમણે છેડે સરહદ સાંભળવા તૈનાત હતા. અને આ નાણાંની કોથળીઓ? શું વાત છે."
"રાવ તમારો હુકમ હતો કે મહેસૂલનો ભાગ નહિ મળે તો મારા ઘર ખોરડાં જપ્ત કરી લેશો અને ગામ સળગાવી મુકશો. તો હું શું કરું? ના છૂટકે મારે સરહદ રેઢી મુકવી પડી મારુ ઘર બચાવવા." આટલું બોલતા એના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.
"અરે મહાવીર રાવ તમે આમ અસ્વસ્થ ન થાવ નક્કી કંઈક ગેરસમજ થઇ લાગે છે મહિપાલની. હું તપાસ કરું છું. તમે મહેમાન ખાનામાં ઉતારો કરો તમને હું સાંજે મળું છું."
સાંજ પહેલા મલ્હાર રાવ દાદી સાહેબ અને માં સાહેબ ને મળ્યો. અને મહાવીર મહાવીર રાવ ના ઘરે આવા મેસેજ કોણે મોકલ્યા એ પૂછ્યું. જવાબમાં દાદી સાહેબે કહ્યું કે. "દીકરા એ આપણું કામ 3-4 વર્ષથી અટકાવે છે એટલે એને ચીમકી આપવી જરૂરી હતી'
"પણ દાદી સાહેબ, એ અત્યારે આપણા સૈન્ય માં ખુબ જ લોકપ્રિય છે અને આપણો વફાદાર છે. આજ કલ આપણા માથે આવેલ મોત પોતાના ઉપર ઓઢી લે એવા ઓછા માણસો મળે છે. જો ઈ ભડકશે અને સિંધિયાની સાથે મળી જશે તો ઉપાધી કરાવશે."
"હા એ મુદ્દો મારા ધ્યાનમાં ન આવ્યો. પણ મને નથી લાગતું કે એ એવું કંઈક કરે. એ આપણો વફાદાર છે."
"સાચી વાત છે દાદી સા, પણ છોકરાવ જયારે ભૂખથી ટળવળે ત્યારે સારા સારા લોકોની વફાદારી વેચાઈ જતી હોય છે, હવે બાપુ સા એ તમને કે માં સાહેબને એ ખજાના વિશે કઈ નથી કહ્યું. તો વિચારો કે મહાવીર રાવ કેવડો અગત્યનો છે. મને તો સમજાતું નથી કે હવે હું એને સાંજે શું દિલાસો આપું."
"કહી દે કે મહેસુલ ઉઘરાવવા વાળા પોતાની રીતે આવ્યા હતા, અમે કોઈએ એવો હુકમ આપ્યો ન હતો."
"તો તો દાદી સા હાથમાં આવેલ ધન ખોવું પડશે,"
"એક કામ કર, એક વાર રૂપિયા એની પાસેથી લઇ લે પછી તેમાંથી થોડા એને પાછા આપી દે અને એની સામે જે એના ઘરે મારા કહેવાથી સંદેશો દેવા ગયા તા એમના 2-3 ને કેદ કે ગામ નિકાલની સજા કરી દે એ પણ ખુશ થઇ જશે અને તારો અહેસાન માનસે."
"વાહ દાદી સા, શું ઉપાય શોધી કાઢ્યો છે તમે. પણ જેને સજા થશે એ લોકો?"
"એમાંથી એકની દીકરી તને પસંદ છે. નમાયી છોકરી છે. હમણાં નવી વહુ સાથે હોળી રમવા ત્રણ મહિના પહેલા રાજ મહેલમાં આવેલી ત્યારે તારી નજર એના પર પડેલી, પણ એ છટકી ગઈ હતી મને ને તારી માં ને બધી ખબર છે. એનો બાપ પંદર વિસ દી જેલમાં રહેશે એટલે એને છોડાવવા એની એકલી પડેલી દીકરી મારી કે તારી માં પાસે મદદ આવશે. અમે એને કહેશું કે મલ્હાર રાવ રાત્રે એના કમર એકલો હશે ત્યારે એની મુલાકાત કરાવી દઈશ. આમેય તારી વહુ પિયર ગઈ છે. પછી એની મુક્તિના બદલામાં, પંદર દી મહિનો તું એને ભોગવી લે. તારે ક્યાં એની હારે લગ્ન કરવા છે." સીતેર ના આળે ગાળે પહોંચેલી દાદી પોતાના વીસ એકવીસ વર્ષના પૌત્ર એક રાજાને પ્રજાની દીકરીનું શોષણ કરવા ઉકસાવી રહ્યા હતા. દાદી સાહેબનું આ વાક્ય સાંભળીને મલ્હાર રાવ ના મોંમાંથી લાડ ટપકવા મંડી.
બસ પછી સાંજે મલ્હાર રાવ ને મળવા આવેલા મહાવીર રાવે ઉપરોક્ત બળાપો કાઢ્યો કે તરત જ રાવે મહાવીર રાવે લાવેલ ધનની કોથળી માંથી 2-3 એને પછી આપી અને કહ્યું. મહાવીર રાવ આ રાખો. તમારા સંતાન પણ મારી પ્રજા છે, અને આપણું તો કુટુંબ પણ એક જ છે. મારા લગ્નને 3 વર્ષ થયા હજી સંતાન છે નહીં. ન કરે નારાયણ અને હું નિઃસંતાન મરુ તો ઇન્દોરની ગાદીએ માં સાહેબ અને દાદી સાહેબ જે દત્તક પુત્રને બેસાડશે એમાં તમારા સંતાનોનો પણ નંબર લાગી શકે છે. ખેર, મેં તપાસ કરી લીધી છે. અને તમારા ઘરે જઈ ને ધાક ધમકી આપનારને, મેં કે માં સાહેબ કે દાદી સાહેબ કોઈ એ હુકમ આપ્યો ન હતો. મેં સૈનિક મોકલ્યા છે હમણાં એ બધાને પકડી મંગાવ્યા છે. આજની રાત તો બધા કેદમાં વિતાવશે, કાલે એનો ફેંસલો કરશું.
xxx
"બોલો જીતુભા, શું હતું? અનોપચંદે અવાજ ભારે કરતા કહ્યું.
"શેઠજી, આવો ભાર રાખવાની જરૂર નથી, મને ખબર પડી ગઈ છે કે ગઈકાલે તમારું વર્તન કેમ અલગ હતું. આ કોઈ અત્યંત મોટું વિષચક્ર છે અને દેશ વિરુદ્ધ કૈક મોટું થઇ રહ્યું છે એમાં જ તમે મને ચકડોળે ચડાવ્યો છે."
"છેક ચોવીસ કલાક પછી સમજાયું તને."
"પણ તમે મને પહેલેથી બધું સાચું સમજાવી શક્યા હોત."
"જીતુભા, એટલો સમય જ ક્યાં હતો, કોણ ક્યાં શું કરી રહ્યું છે, એ બધા રિપોર્ટ મેળવીને પછી આપણે શું પગલાં લેવા એ વિચારીને પછી તને સમજાવવાનો સમય જ ન હતો. અને આમેય તે સુરેન્દ્રસિંહના અપહરણના સમાચાર મને છેક બીજે દિવસે સાંજે આપ્યા હતા. 20 કલાક સુધી મારાથી આવા સમાચાર છુપાવ્યા. આતો ઈશ્વર નો પાડ કે કંઈક અજુગતું ન થયું. તે મને એટલો વિશ્વાસપાત્ર ન સમજ્યો એનો મને અફસોસ છે. તું અરે તમે બધા જે મારા માટે કામ કરો છો એ મારુ ફેમિલી જ છે. સુમિત, નિનાદ, સ્નેહા કે નીતા જેટલા જ વ્હાલા તમે લોકો મને છો. મારી તો જિંદગી હવે પૂરી થવા આવી પણ એક સીતેર વરસના ડોસાના આંધળા દેશપ્રેમ માટે તમે લોકો રોજ પોતાનો જીવ જોખમમાં મુકો છો. ફરી વાર આવું થશે તો હું તારી ખેર કાઢી નાખીશ સમજ્યો."
"જી શેઠજી, મને હમણાં હલ્દીઘાટીમાં એક અજાણ્યો માણસ મળ્યો અને એણે એક કામ સોંપ્યું છે. એના માણસો સોનલ મોહિની ની પાછળ પડછાયાની જેમ ફરે છે. કદાચ મારા ઘરની આજુબાજુમાં પણ હોઈ શકે. એ મારી પાસે એક કામ કરાવવા માંગે છે. મને એ બહુ ગરબડીયો માણસ લાગે છે. કંઈક મોટી રમત રમી રહ્યો છે."
"સાબાસ, જીતુભા હું અને મોહનલાલ 2 કલાકથી મથામણ કરીએ છીએ અને તે ત્યાં ઉદયપુરમાં એને શોધી પણ કાઢ્યો. સરસ હવે એક કામ કર, ઉદયપુરની આપણી ફેક્ટરી એથી મને આખી વાત વિસ્તૃત રીતે ઇમેલ કર."
"પણ શેઠજી મને લાગે છે કે મારે શ્રી નાથદ્વારા જવું જોઈએ."
"કેમ એવું લાગે છે તને?"
કેમ કે.. ઓલી પાકિસ્તાની જાસૂસ ત્રિપુટી કે જે જેસલમેર અને લંડનમાં મારા હાથમાંથી છટકી ગઈ હતી એ લોકો અત્યારે શ્રી નાથદ્વારામાં છે. મને મામા એ હમણાં એક વાત કહી એ પરથી મેં તારણ કાઢ્યું."
"ઓહ,, મને લાગતું જ હતું કે શ્રી નાથદ્વારા માં કૈક ગરબડ છે. એટલે જ મેં એમને ત્યાં રોકવા કહ્યું. હવે ધ્યાનથી સાંભળ, સોનલ અને મોહિનીનો પીછો કરનારા 4 જણા અત્યારે અનોપચંદ ટ્રસ્ટની હોસ્પિટલ ના બેઝમેન્ટમાં છે. આપણા માણસો એનું મોઢું ખોલાવવાની કોશિશ માં જ હતા. ત્યાં તે એના આકાનું સરનામું મેળવી લીધું. હવે મારું માનવું છે કે તું ગિરધારીને ગોતીને ઉદયપુર પહોંચ, અને હા 2-3 દિવસ તારે નાથદ્વારા જવાનું નથી. તે જે પાકિસ્તાની જાસૂસ વિષે કહ્યું તો હવે મને સમજાઈ રહ્યું છે કે આપણે એક નહિ 2-3 દુશ્મનો નો સામનો કરવાનો છે. હવે એ જોવાનું છે કે એ બધા અલગ અલગ છે કે એક જ ટિમ 2-3 મોરચે લડે છે."
"પણ ત્યાં મામા સાવ એકલા છે."
"હું એમની સાથે હમણાં જ વાત કરું છું અને એમને સાવચેત કરી દઈશ કે એ બલા કોણ છે. અને તું ચિંતા ન કર. એમને સાથ આપવા હું અહીંથી કોઈને મોકલું છું."
"પણ તમે કોને મોકલો..." જિતુભાનું વાક્ય અધૂરું હતું ત્યાં અનોપચંદે ફોન કટ કરી નાખ્યો.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.