ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"મહાવીર રાવ, ગામને તો ગોકુળિયું કરી નાખ્યું છે તમે." 14-15 વર્ષના બાદ રાજા મલ્હાર રાવ ત્રીજાએ જરાક નાક વાંકુ કરતા કરતા કહ્યું. ઇન્દોરથી માં સાહેબ અને દાદી સાહેબ ને યાત્રા કરાવવા એ રસાલો લઈને નીકળ્યો હતો રસ્તામાં મહાવીર રાવણ અજ્વાળીયા (બાદમાં નવું સુદમડા) ગામમાં ઉતારો કર્યો હતો.
"બસ આપના આશીર્વાદ છે. બાકી મારી શું વિસાત?" મહાવીર રાવે સામો વિવેક કર્યો.
"જુઓ સાંભળો" કહેતા મલ્હાર રાવ ત્રીજાએ મહાવીર રાવનું પહેરણ ખેંચીને કહ્યું.
"હા હુકમ બોલો"
"કૈક મનોરંજન નો બન્દોબસ્ત કર્યો છે કે નહિ. આ માં સાહેબ અને દાદી સા એ યાત્રામાં સાથે ઉપાડ્યો. કઈ નાચ ગાન જોયાને મહિનો થવા આવ્યો. ઉપરાંત આ ગળું પણ સુકાય છે. અને આખા શરીરમાં આગ લાગી છે." વિકૃત હસતા મલ્હાર રાવે કહ્યું.
“બધો બંદોબસ્ત રાખ્યો છે. આ સાંજે આપણે શિકાર કરવાના બહાને ચુનંદા સાથીઓને લઈને નીકળી જાશું માં સાહેબ અને દાદી સા ભલે અહીં આરામ કરે. મારા ઘરવાળા એની પરોણાગત કરશે અને હું તમારું મન મોજમાં લાવી દઈશ." મહાવીર રાવે પણ વિકૃત હસતા કહ્યું.
પાંચ સાત દિવસ અજ્વાળીયા ગામમાં રોકાઈ, અને યુવા થતા રાજા એ બધી વાસના પૂરી કર્યા બાદ વિદાય થવાની આગલી રાત્રે મહાવીર રાવણે પોતાના ઉતારે બોલાવ્યો. માહોલ એ જ હતો, જે તે દિવસે રાજમહેલમાં હતો. યુવા થતો રાજા એક ગાદી વાળા મૂઢા પર બેઠો હતો એની પાછળ ચક ઢોળ્યો હતો એની પાછળ મૂઢા પર માં સાહેબ અને દાદી સાહેબ બેઠા હતા.
"આવો મહાવીર રાવ આવો." મલ્હાર રાવે કહ્યું. અને ઉમેર્યું. "જુઓ માં સાહેબ અને દાદી સા પણ તમારી મહેમાન ગતિના વખાણ કરે છે. કે કુટુંબ હોય તો આવું. યાત્રા નો થાકતો તમે સાવ ઉતારી દીધો."
"એ તો માં સાહેબ અને દાદી સાહેબ ની મોટપ છે કે આટલું કહે છે. બાકી મેં શું કર્યું છે. આવતલ ને જમાડવા એ તો આપણી પરંપરા છે."
"ઈ તો તારી વાત સાચી છે. મહાવીર, પણ..." કહીને ચક પાછળ બેસેલા દાદી સાહેબે વાક્ય અધૂરું મૂક્યું અને મહાવીર રાવ ચોંકી ઉઠ્યો. પછી સહેજ સ્વસ્થ થઈને પૂછ્યું. "દાદી સાહેબ, હું તો તમારો ભત્રીજો છું. તમારા દીકરા જેવો. તમને શું ઓછું આવ્યું. એ કહો નહિતર મને શાંતિ નહીં મળે."
"ઓલું લગભગ વરસ દિવસ પેલા તમને એક કામ સોંપ્યું હતું. એનો કઈ જવાબ ન મળ્યો. હવે એક કામ કરો મહિપાલ રાવને અમારી ભેગા ઇન્દોર મોકલી દ્યો. દીકરો યાદ આવશે એટલે અમારું કામ આપોઆપ યાદ રહેશે."તીખાસથી બોલાયેલા દાદી સાહેબના આ વેણથી મહાવીર રાવને ધ્રુજારી છૂટી ગઈ. પોતાના યુવાન થતા દીકરાને ઇન્દોર મોકલવાની વાત એને ધ્રુજાવી ગઈ (એ જમાનામાં મોટા રાજા, કે બાદશાહ, એના ખંડિયા રાજા, કે જાગીરદારના એકાદ સંતાનને રાજધાનીમાં રાખતા. જેથી એની સલામતીની બીકે એ જાગીરદાર કે ખંડિયા રાજા રાજકાજ વિના વિઘ્ને કરી આપે કે કઈ બળવો કરવાનો ઉત્પાત ન કરે.)
મન મક્કમ કરીને મહાવીર રાવ હળવેકથી બોલ્યો. "દાદી સાહેબ, મહીપત હજી સાવ નાનો છે. રાજ કાજ એને સમજ નથી આવતું, એને તો ખેતી કરવી છે ને ઢોર ઢાંખરનું ધ્યાન રાખવું છે. હમણાં આ વખતે રહેવા દો. આમેય હું 2-3 મહિનામાં આવું છું ઇન્દોર કૈક ખુશ ખબર લઈને. મારી ગોતણ ચાલુ જ છે. હું છેડા સુધી પહોંચી ગયો છું કંઈક નક્કર ખબર મળતા જ દોડ્યો આવીશ." એના જવાબ થી 2 મિનિટ મૌન છવાઈ ગયું. ચકની પાછળ બેઠેલા માં સાહેબ અને દાદી સાહેબે કૈક મસલત કરી વળી મલ્હારરાવને પડદા પાછળથી ધીરેથી કંઈક કહ્યું. પછી મલ્હાર રાવે કહ્યું. "આ વૈશાખ તપે છે એટલે હું જાજુ નથી કહેતો પણ, અષાઢ સુધીમાં તમે ખજાનો ગોતી લેજો નહીં તો મહિપાલ રાવ ઇન્દોરમાં જન્માષ્ટમી મારી ભેગી ઉજવશે." જાવ હવે આરામ કરો અમારે આરામ કરવો છે. સવારે નીકળવું છે."
પણ પછી એ અષાઢ કે જન્માષ્ટમી કોઈ દિવસ ન આવ્યો સવારે જયારે મલ્હારરાવ, માં સાહેબ અને દાદી સાહેબ અજ્વાળીયા ગામથી ઇન્દોર જવા નીકળ્યા અને જેવી મહાવીર રાવ ના ગામ પુરા થયા ત્યાં જ ઇન્દોર થી ખેપિયો ખબર લઈને આવ્યો કે ઇન્દોરનો અંગ્રેજ પોલિટિકલ એજન્ટ ઈંદોરના રાજકાજમાં ચંચુપાત કરે છે. અને દૌલતરાવ સિંધિયાનો ડોળો ઇન્દોર ઉપર છે.
xxx
"કામિની એક ગરબડ થઈ છે." ધર્મેન્દ્ર ચૌહાણે એની સેક્રેટરીને ફોનમાં કહ્યું.
"શું થયું ધર્મેન્દ્ર, તું ક્યાંથી બોલે છે? આજુબાજુમાં કોઈ ન હોવાથી કામિનીએ એને નામથી બોલાવ્યો.
"ખબર નહિ કૈક ટેકનિકલ ખામી આવી છે. અને મારી...."
"મેં પૂછ્યું તું ક્યાંથી બોલે છે? લાગે છે કે ઉંમરના કારણે તારા કાન ખરાબ થઈ ગયા છે." એક મામૂલી સેક્રેટરી પોતાના બોસ કંપનીના જનરલ મેનેજર અને કંપનીના માલિકના કાકાને ધમકાવી રહી હતી.
"સોરી,"
"આજકાલ તું મને મેડમ કહેવું બહુ ભૂલી જાય છે. શું અત્યારે તારી આજુબાજુમાં કંપની નો કોઈ કર્મચારી છે?"
"ના, મેડમ, સોરી મારી ભૂલ થઇ ગઈ બીજી વાર ધ્યાન રાખીશ."
"બેટર, નહિ તો તને જ નુકસાન જશે, જે દિવસે બોસનો દિમાગ ફરશે એ દિવસે તું વી.સી. એન્ટરપ્રાઇઝ માંથી તો બહાર નીકળીશ જ. બલ્કે મુંબઈમાં પણ ફરીથી પગ નહિ મુકવા મળે,"
"સોરી મેડમ હવે એવી ભૂલ નહિ થાય, અને હા હું કંપનીના હેડ ઓફિસમાં વીઆઇપી ઓફિસમાં છું. અને મારી આજુબાજુ કોઈ નથી."
"વેરી ગુડ, ધર્મેન્દ્ર ડાર્લિંગ, હવે હું તને છૂટ આપું છું કે આ ફોન ચાલે ત્યાં સુધી તું મને માત્ર કામિની કહી શકે છે."
"થેંક્યુ ડાર્લિંગ, હવે એવી વાત છે કે અહીંનો ચીફ એકાઉન્ટન્ટ મને થોડીવાર પહેલા મળવા આવ્યો હતો અને એણે 3-4 મોટી એન્ટ્રી પકડી છે. એ તો ભોળા ભાવે મને ગુપ્ત માહિતી આપી રહ્યો હતો. એને એમ હતું કે કંપનીના જનરલ મેનેજરનું ધ્યાન દોરું. પણ એને એ ખબર ન હતી કે એ ગોટાળો મારા કહેવાથી જ થયો છે.
"ઓહ, એ તો ખરાબ સમાચાર છે, હવે?"
"હવે કઈ નહિ એને હટાવવો પડશે રસ્તામાંથી. હું એક કામ કરું છું આજની રાત અહીં જ રોકાઈ જાવ છું."
"ઓકે. પછી?"
"પછી શું. મેં એને રાત્રે કંપનીના ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવ્યો છે. એ મિટિંગ કઈ પણ કન્કલુઝન વગર અધૂરી રહેશે પછી રાત્રે દોઢ બે વાગ્યે એ એના ઘર જતો હશે ત્યારે કોઈ અજાણ્યા લૂંટારા એની કાર લૂંટી લેશે અને એને ખતમ કરી નાખશે." ખંધુ હસતા ધર્મેન્દ્ર એ આખો પ્લાન કામિની ને સમજાવ્યો.
"ધર્મેન્દ્ર તું ગધેડો છો. હે ભગવાન, મેં આ કેવા મૂર્ખ સાથે પ્રેમ કર્યો છે. હું ઓ તને વી.સી. એન્ટરપ્રાઇઝીસ નો અડધો મલિક બનાવવા મહેનત કરું છું. પણ ખરેખર તો તું ચપરાસી બનવાને પણ લાયક નથી. હવે મને સમજાય છે કે મહેન્દ્ર ચૌહાણે તું એની સાથે આટલા વર્ષથી કામ કરે છે છતાં માત્ર 2% શેર જ કેમ તારા નામે રાખ્યા છે. "
"હું કંઈ સમજ્યો નહિ." કૈક ગુચવાયેલ ધર્મેન્દ્ર એ માંડ એટલું કહ્યું.
"તું રેવા દે તારાથી કઈ નહિ થાય મને લાગે છે કે મારે આજે જ બેંગ્લોર આવવું પડશે."
"ના કામિની મારે તને જોખમમાં નથી મુકવી. તું તું મારી જાન છે. આટલા વરસો સુધી એક જ કંપનીમાં તું હતી પણ મારી નજર કેમ તારા પર ન પડી એ જ મને સમજાતું નથી ભલું થાજો.."
"બસ કોઈનું નામ ન બોલતો. ફોન પણ ટેપ થઇ શકે છે. હવે એક કામ કર, વિક્રમના બંગલાના કેરટેકરને કહી દે કે હું આજે ત્યાં રોકવાની છું ગેસ્ટ રૂમમાં મારો બંદોબસ્ત કરે. એને કહેજે કંપનીના કામ માટે એ જરૂરી છે. અને ચીફ એકાઉન્ટન્ટ ને તું સાચું જણાવી દે."
"અરે પણ એ.."
"દલીલ નહિ જોઈએ. એને બે ઓપ્શન આપજે. કહેજે 2 કરોડ એને મળી જશે. અથવા ગેસ્ટહાઉસમાંથી નીકળતા જ મોત. પછી એને જ નક્કી કરવા દેજે."
"પણ એ પોલીસ પાસે જશે કે વિક્રમને કહેશે તો?"
"એ કઈ નહિ કરે, તારાથી છુટા પડ્યા પછી એક કલાકની અંદર એ તને ફોન કરશે અને એના 2 કરોડ રૂપિયા કેવી રીતે આપવા એ જણાવશે."
"પણ એ નહિ માને તો. શું એને રાત્રે નથી પતાવી દેવો?"
"ના મને ખત્રી છે કે એ તારી વાત માની જશે. આખરે તું કંપનીનો જનરલ મેનેજર છે. ડાર્લિંગ"
મને બીક લાગે છે."
"હે ભગવાન ફોસીવેડા બંધ કર, તારે તો વી.સી. એન્ટરપ્રાઈઝના મલિક થવાનું છે. અને ઓલી પૂજાની બધી કંપનીના માલિક, તારા દીકરાને બનાવવાનો છે. વિચાર, ધ ગ્રેટ પૂજા રાઠોડ તારી પુત્રવધુ હશે.”
xxx
"મામા, ક્યાં છો તમે?" જીતુભાએ શંકર રાવથી છુટા પડ્યા પછી.સુરેન્દ્ર સિંહને ફોન કર્યો. શંકર રાવે એને લોંશીંગ તળાવ પાસે ઉતાર્યો હતો. અને ઉદયપુર સુધી પહોંચવા માટે કોઈ વાહનની રાહ જોતો હતો. શંકર રાવે એને ઓફર કરી કે મારો ડ્રાઈવર તને ઉદયપુર ઉતારી જશે. પણ એને ના કહી હતી એ એટલો ધૂંધવાયેલ હતો કે જો વધુ 10 મિનિટ શંકર રાવ એની સાથે રહેત તો એની કાર માંજ એ એનું ગળું દબાવી દેત.
"હું અત્યારે શ્રીનાથ દ્વારા મંદિરમાં દર્શન કરવાની લાઈનમાં ઊભો છું." સુરેન્દ્ર સિંહે કહ્યું.
"પણ તમારે મને એકફોન તો કરવો જોઈએ ને મને કેટલી ચિંતા થતી હતી."
“હું કરવાનો હતો પણ અનોપચંદે મને રોક્યો મને કહ્યું હમણાં 2-3 દિવસ શ્રીનાથદ્વારા માં જ રહો ત્યાં તમારી જરૂર છે. અને જીતુભાનો કોન્ટેક્ટ ન કરતા. મને લાગે છે કે એની વાત સાચી છે."
"કેમ શું થયું?"
"ખબર નહિ કેમ ગઈ કાલે રાત્રે હું મારા જ ખબરીના હાથમાંથી કિડનેપ થઇ અને મુક્ત થયો પછી, એક કારમાં લિફ્ટ લીધી, એમાં એક કપલ અને એક યુવાન બેઠા હતા. એમણે પોતાની ઓળખ પતિ પત્ની અને પતિના નાના ભાઈ તરીકે આપી. પણ કંઈક ગરબડ છે. "
"કેવી ગરબડ"
"કપલમાં જે યુવતી હતી એ આમ તો સામાન્ય ભારતીય જેવી જ હતી, અને ભાભી દિયરના લાડ પણ મેં ઘણા જ જોયા છે. પણ આજે સવારથી એનો વર ગાયબ છે. અને, એ ભાભી દિયર પ્રેમી પંખીડાની જેમ આખા નાથદ્વારામાં ફરે છે. "
"હશે એમાં આપણે શું."
"આમ તો મેં ટાઈમપાસ કરવા એમના પર નજર રાખેલી, પણ હમણાં એ વાત વાતમાં એ એક વાક્ય બોલી ગઈ અને મને ક્યારનું લાગે છે કે કૈક ગરબડ છે. તને ખબર છે કે કોઈ બાબતમાં મને આંતરસ્ફૂર્ણા થાય એ લગભગ સાચી જ હોય છે."
"એવું તો શું કહી દીધું એણે?"
"એણે કહ્યું કે, એ જેસલમેરના પ્રખ્યાત વેપારી ગુલાબચંદ ગુપ્તાની ભત્રીજી છે. હવે આ ગુલાબચંદ ગુપ્તાનું નામ મેં પહેલા પણ ક્યાંક કોઈક કેસમાં સાંભળ્યું છે." સુરેન્દ્ર સિંહનું વાક્ય સાંભળીને, જીતુભાનાં હાથમાંથી ફોન છટકતા છટકતા રહી ગયો. ગુલાબચંદ ગુપ્તા, જેસલમેરના પ્રખ્યાત વેપારીની ભત્રીજી એટલે કે... એટલેકે....... પાકિસ્તાની જાસૂસ નાઝનીન ઉફ નીના ગુપ્તા. "ઓહ ગોડ, એ અહીં નાથદ્વારામાં શું કરે છે." જીતુભા સ્વગત એટલા જોરથી બોલ્યો કે સુરેન્દ્રસિંહને પણ સંભળાયું.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.