Mek - Up in Gujarati Short Stories by Trivedi Bhumi books and stories PDF | મેક - અપ

Featured Books
Categories
Share

મેક - અપ


( સત્ય ઘટના પર આધારિત )

                
           
          શિક્ષિકા સૃષ્ટિ રાની સોયામોય - કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી હતી. તેમણે હાથમાં કાંડા ઘડિયાળ સિવાય કોઈ આભૂષણ પહેર્યું નહોતું... બધા વિદ્યાર્થીઓને ખૂબ આશ્ચર્ય થયું હતું કે તેઓએ ' ફેસ પાવડરનો' પણ ઉપયોગ નહોતો કર્યો.
          તેમનું ભાષણ અંગ્રેજીમાં હતું. રાની સોયમોયે બે - ત્રણ મિનિટ જ વક્તવ્ય આપ્યું હતું. પરંતુ તેમના દરેક શબ્દો દ્રઢ સંકલ્પથી ભરપૂર હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી હતી. જેમાં એકે પૂછ્યું કે તમારું નામ શું છે ? જવાબમાં શિક્ષિકાજીએ કહ્યું કે મારું નામ ' રાની ' છે. સોયામોય મારું પારિવારિક નામ છે. હું ઓડિસાની નિવાસી છું... બીજું કંઈ પૂછવું છે ??
         તે બધામાં એક દુબળી પાતળી યુવતીએ પૂછ્યું મેડમ તમે 'મેક - અપ' કેમ નથી કરતા ? થોડીક ક્ષણ માટે શિક્ષિકાનો ચહેરો ફીકો પડી ગયો. તેના માથા પર પરસેવો આવી ગયો. ત્યાં ઉભેલા દરેક વિદ્યાર્થી ચૂપ થઈ ગયા. રાની સોયામોયે ટેબલ પર રાખેલી પાણીની બોટલ ખોલીને થોડું પાણી પી લીધું, અને ત્યાં ઉભેલા દરેક વિદ્યાર્થીઓને બેસવાનો ઇશારો કર્યો અને તેમણે ધીરેથી કહ્યું...
           તમે મને પરેશાન કરવાવાળો પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો જવાબ એક શબ્દમાં આપી શકાય એમ નથી. મારે આના જવાબમાં મારી જીવની કહેવી પડશે. શું તમે બધા 10 મિનિટ આપીને સાંભળવા તૈયાર છુઓ ? બધા વિદ્યાર્થીઓ એક સાથે કહ્યું કે હા ! અમે તૈયાર છીએ.
          તો સાંભળો મારો જન્મ ઓડિસાના કોડરમા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં થયો હતો. જે 'મીકા' ખાણોથી ભરેલી હતી. મારા માતા-પિતા ખાણીયા હતા. મારા બે મોટા ભાઈઓ અને એક નાની બહેન હતી. અમે એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. જેમાં વરસાદ પડતાં પાણી ટપકતું હતું. મારા માતા-પિતા ઓછા વેતન પર ખાણોમાં કામ કરતા હતા. કારણ કે તેઓને અન્ય કામ મળતું ન હતું. તે ખૂબ જ ગંદુ કામ હતું.
           હું ચાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા અને બે ભાઈઓ વિવિધ બીમારીઓને કારણે પથારીવશ હતા. તે સમયે તેઓ જાણતા ન હતા કે ખાણોમાં હાજર જીવલેણ ' મિકા ડસ્ટ ' શ્વાસમાં લેવાથી આ રોગ થાય છે. જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે મારા ભાઈનું બીમારીથી મૃત્યુ થયું હતું.
           મોટાભાગના દિવસોમાં અમારું ભોજન સાદુ પાણી અને એક કે - બે રોટલી જ રહેતી. મારા બંને ભાઈ ગંભીર બીમારી અને ભૂખના કારણે મૃત્યુ પામ્યા હતા. મારા ગામમાં ડોક્ટર તો છોડો પણ કોઈ શાળા પણ નહોતી. શું તમે આવા ગામની કલ્પના કરી શકો કે જ્યાં શાળા, દવાખાનું, શૌચાલય કે લાઈટ ન હોય??
          એક દિવસ મારા પિતા મારા ભૂખ્યા , ચામડીવાળા અને હાડકાંવાળા હાથને હાથમાં લઈને મને ટીનની ચાદરથી ઢંકાયેલી એક મોટી ખાણમાં લઇ ગયા. તે એક અભ્રક ( એક ખનીજ તત્વ ) ખાણ હતી જેને સમય જતાં બદનામી હાસિલ કરી હતી. તે એક જૂની ખાણ હતી જેને ખોદવામાં આવી હતી અને બહાર કાઢવામાં આવી હતી. તે ઊંડા પાતાળમાં ફેલાયેલી હતી.
         મારું કામ નીચેની નાની ગુફાઓમાં જઈને મીકા ને એકઠું કરવાનું હતું. આ ફકત દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જ શક્ય હતું. મેં મારા જીવનમાં પહેલીવાર તે દિવસે ભરપૂર રોટલી ખાધી હતી. પણ તે દિવસે મને ઉલ્ટી થઈ. જ્યારે મારી ઉંમર શાળાએ જવાની હતી, ત્યારે હું અંધારાવાળી રૂમમાં અભ્રક એકઠા કરી રહી હતી અને તે 'ઝેરીલી ધૂળ' માં હું શ્વાસ લઈ રહી હતી.
          કમનસીબ બાળકો માટે પ્રસંગોપાત 'ભૂસ્ખલન'માં મૃત્યુ પામવું અસામાન્ય ન હતું. અને કેટલીકવાર ' જીવલેણ રોગો ' થી પણ મૃત્યુ પામતા હતા. દિવસના આઠ કલાક કામ કર્યા પછી તમે ઓછામાં ઓછું એક સમયના ભોજન માટે પૂરતી કમાણી કરી શકો છો. દરરોજ ભૂખ અને શ્વાસના ઝેરી વાયુઓને કારણે હું દુબળી અને અશક્ત થઈ ગઈ હતી.
          એક વર્ષ બાદ મારી બહેન પણ ખાણમાં કામ કરવા લાગી. મારા પિતાની તબિયત સારી થયા બાદ એક સમય એવો પણ હતો કે અમે બધા એકસાથે કામ કરતા હતાં. અને અમે ઘણા દિવસ સુધી ભૂખ્યા પણ રહી શકતા. પરંતુ નિયતિએ અમને બીજા સ્વરૂપે પરેશાન કરવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે હું ખૂબ તાવને કારણે કામ પર જતી ન હતી ત્યારે અચાનક વરસાદ પડ્યો. ખાણ નીચે કામ કરી રહેલા કામદારો પર ખાણો પડતાં સેંકડો કામદારો માર્યા ગયા હતા. જેમાં મારો પરિવાર પણ તેમાં હતો. 
         ત્યારે હું છ વર્ષની હતી. એ ઘટના બાદ નજીકના ગામના સરપંચે મને સરકારી શાળામાં શિક્ષણ લેવા માટે બેસાડી હતી. અને આજે હું શિક્ષિકા તરીકે તમારી સામે છું. તમે વિચારતા હશો કે આ વાતને ' મેક અપ ' સાથે શું સંબંધ છે? મારા શિક્ષણ દરમ્યાન જ મને સમજાયું કે તે દિવસોમાં અંધારામાં રખડતાં મેં જે અભ્રક એકઠા કર્યા હતા તેનો ઉપયોગ મેક-અપ ઉત્પાદનોમાં થતો હતો. મીકા એ મોતિ જેવા સિલિકેટ ખનીજનો પ્રથમ પ્રકાર છે. 
          ઘણી મોટી કોસ્મેટિક કંપનીઓ દવારા ઓફર કરવામાં આવતા મિનરલ મેક અપમાં , તમારી ત્વચા માટે સૌથી તેજસ્વી રંગો બહુરંગી અભ્રકમાંથી આવે છે. જે વીસ હજાર નાના બાળકો તેમના જીવનને જોખમમાં મૂકીને, તેમના બળી ગયેલા સપનાઓ, વિખરાયેલા જીવન અને ખડકો વચ્ચે કચડાયેલા તેમના માંસ અને લોહી સાથે વહાવીને તમને સુંદરતા આપવા માટે તે અભ્રકને એકઠો કરે છે.
          ખાણોમાંથી બાળકો દવારા ઉપાડવામાં આવેલા લાખો ડોલરની કિંમતનો અભ્રક આજે પણ ઉપયોગમાં લેવાય છે. હવે તમે જ મને કહો કે હું મારા ચહેરા પર ' મેક-અપ ' કેવી રીતે લગાવી શકું?? ભૂખથી મૃત્યુ પામેલા મારા ભાઈ બહેનની યાદમાં, મારા માતા પિતાની યાદમાં મોંઘા રેશમી કપડાં કેવી રીતે પહેરી શકું?? જેણે ક્યારેય ફાટેલા કપડાં પહેરવાનું સ્વપ્ન પણ નહોતું જોયું.
         જ્યારે શિક્ષિકા તેમની વાત પૂરી કરીને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે બધા જ વિદ્યાર્થીઓના આંખમાં આંસુઓ વહી રહ્યા હતાં. અને દરેક વિદ્યાર્થીઓને તેમની શિક્ષિકા માટે ગર્વ થયો.

( ઓડિશામાં હજુ પણ ઉચ્ચ ગુણવતા વાળા અભ્રકનું ખાણકામ કરવામાં આવે છે. ત્યાં વીસ હજારથી વધુ નાના બાળકો શાળાએ ગયા વિના કામ કરે છે અને તેમાં મૃત્યુ પામે છે, કેટલાક ભૂસ્ખલનમાં તો કેટલાક રોગોથી...) 

 *ઘણા વર્ષો પછી તે શિક્ષિકા મહિલા ' મહામહિમ દ્રોપદી મૂર્મુ ', ભારતના પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ બન્યા.*
                                - ત્રિવેદી ભૂમિકા