Worlds Most Dangerous Haunted Houses in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | વિશ્વનાં સૌથી ખતરનાક હોન્ટેડ હાઉસ

Featured Books
Categories
Share

વિશ્વનાં સૌથી ખતરનાક હોન્ટેડ હાઉસ

હાલ આમ તો ટેકનોલોજીનો જમાનો છે અને લોકો ચોવીસ કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે આ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનોએ આપણું જીવન સુવિધાજનક બનાવી દીધુ છે અને ચોતરફ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની વાત થાય છે તેવામાં ભૂતપ્રેત, કે આત્માનાં અસ્તિત્વની ચર્ચા થોડી જરીપુરાણી લાગે પણ એ હકીકત છે કે વિજ્ઞાન પણ તેમના અસ્તિત્વનો ખોંખારીને ઇન્કાર કરી શકતું નથી તે તેમના માટે પણ એટલી જ રહસ્યમય બાબત છે જેટલી સામાન્ય લોકો માટે છે.આજે પણ વિશ્વમાં ઘણાં સ્થળો એવા છે જ્યાં પારલૌકિક શક્તિઓનું અસ્તિત્વ હોવાનું મનાય છે કેટલાય ઘરોને હોન્ટેડ જાહેર કરાયા છે.આ ઘરોમાં વિચિત્ર અવાજો અને પડછાયા જોવા મળે છે.

લિસ્બનમાં આવેલ બ્યુ સેઉર પેલેસ ઓગણીસમી સદીમાં નિર્માણ પામ્યુ હતું જેને પોર્ટુગલમાં  ભૂતિયા સ્થાન તરીકે પ્રસિદ્ધિ મળેલી છે.આ સ્થળે તેનાં માલિક ગ્લોરિયાનાં બેરોનની આત્મા ભટકતી હોવાનુંં મનાય છે જે ઓગણીસમી સદીમાં ત્યાં રહેતો હતો.તે ત્યાંના બગીચાઓ અને કોરિડોરમાં દેખાય છે અને ત્યાં આવેલા વ્યક્તિઓને ઘણાં વિચિત્ર અનુભવો થતાં રહ્યાં છે જેમકે અચાનક કોઇ અવાજ આવવો કે ત્યાં રહેલી વસ્તુઓ ગાયબ થઇ જવી.હવા ન હોય તે છતાં ત્યાંની  બારીઓ ધડાધડ ખુલી જતી કે બંધ થઇ જતી હોવાનો પ્રવાસીઓને અનુભવ થયો છે.આ ઉપરાંત આ સ્થળે ઘંટનો અવાજ સતત રણકતો રહે છે.જો કે હાલ તો આ સ્થળનો ઉપયોગ મ્યુનિસિપલ એજન્સી કરી રહી છે જે લિસ્બનનાં હેરિટેજનો અભ્યાસ કરે છે.ત્યાં કામ કરતા કર્મચારીઓનાં જણાવ્યા પ્રમાણે આજે પણ તેમની ઘણી વસ્તુઓ એકથી બીજા સ્થળે હેરફેર થઇ જાય છે.

ઇંગ્લેન્ડનાં નોર્ફોક વિસ્તારમાં આવેલ રેહેમ હોલ ૭૦૦૦ એકરમાં ફેલાયેલ સંપત્તિ છે જયાં બ્રાઉન લેડીનું ભૂત ભટકતું હોવાની લોકોમાં ચર્ચા છે.આ આત્મા લેડી ડોરોથીની હોવાનું મનાય છે જે વર્ષ ૧૭૦૦માં અહી રહેતી હતી.તે હંમેશા બ્રાઉન ડ્રેસમાં જ લોકોને જોવા મળતી હોવાને કારણે તેને બ્રાઉન લેડી નામ અપાયું છે.આમ તો આત્મા ક્યારેય કેમેરામાં કેદ થાય નહી પણ આ બ્રાઉન લેડીનો ફોટોગ્રાફ ૧૯૩૦માં બે ફોટોગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો જેમાં પગથિયા પર એક રહસ્યમ મહિલા ઉભેલી દેખાય છે.આ ફોટોગ્રાફર કન્ટ્રી લાઇફ મેગેઝીન માટે કામ કરતા હતા અને તેમને આ ઘર અંગે માહિતી લેવા માટે મોકલાયા હતા.કહેવાય છે કે ડોરોથી પર તેના પતિ દ્વારા ભયંકર અત્યાચાર કરાતો હતો અને તેને ઘરમાં કેદ કરી રાખવામાં આવતી હતી પરિણામે તેની આત્મા આ ઘરમાં ભટકતી રહે છે.

સ્વીડનમાં ઓલ્ડ વિકારેજને સૌથી હોન્ટેડ પ્લેસ તરીકે કુખ્યાતિ પ્રાપ્ત થઇ છે.જેનું બાંધકામ ૧૮૭૬માં કરાયું હતું.જો કે આ સ્થળ પર આત્મા ભટકતી હોવાનો સૌપ્રથમ રિપોર્ટ ચેપ્લેઇન દ્વારા ૧૯૨૭માં જાહેર કરાયો હતો તે જ્યારે પોતાની લોન્ડ્રીમાં ગયો ત્યારે તેને પોતાના કપડા ક્ષતવિક્ષત હાલતમાં મળ્યા હતા.ત્યારબાદ તો ગ્રે રંગનો ડ્રેસ પહેરેલી મહિલાની આત્મા ત્યાં ભટકતી હોવાની સ્ટોરીઓ લોકોમાં ચર્ચાવા માંડી હતી.ત્યાં રહેલા એક મહેમાને તો જણાવ્યું હતું કે તેને મધરાતે ત્રણ મહિલાઓ જોવા મળી હતી જે તેને તાકી રહી હતી.એક વ્યક્તિએ તો અહી રહેલી આત્માએ તેની ખુરશી બહાર ફંગોળી દીધી હોવાનો પણ અનુભવ જણાવ્યો હતો.

કેલિફોર્નિયાનાં સાન ડિયેગોમાં આવેલ વ્હેલી હાઉસ આમ તો ઐતિહાસિક સ્થળ છે અને પ્રતિવર્ષ અહી સવાલાખ જેટલા સહેલાણીઓ આવતા હોવાનું નોંધાયું છે.થોમસ વ્હેલીએ આ સંપત્તિ ૧૮૫૫માં ખરીદી હતી આ એ સ્થળ છે જ્યાં જિમ રોબિન્સનને  ૧૮૫૨માં ફાંસી અપાઇ હતી.અહી આવનારાઓને આ ઘરની દિવાલોમાંથી અટ્ટહાસ્યનાં પડઘા સંભળાતા હોવાનો અનુભવ થયો છે.અહી બાળકોનાં કિલકિલાટ અને રૂદનનાં અવાજો સંભળાય છે.ડાઇનિંગ રૂમમાં એક છોકરી રમતી હોવાનું પણ લોકોએ જોયું છે.વ્હેલીની પુત્રી વાયોલેટે અહી આત્મહત્યા કરી હતી જેની હાજરીનો લોકોને બીજા માળે અનુભવ થાય છે.આ ઉપરાંત થોમસ અને તેની પત્ની અન્નાને પણ લોકોએ પગથિયા પર ઉભેલા જોયા છે.

કેલિફોર્નિયામાં સાન જોસ ખાતે સારાહ વિન્ચેસ્ટર જે વિન્ચેસ્ટર રાયફલનાં વિશાળ સામ્રાજ્યની વારસદાર હતી તેણે ઘણી જમીન ખરીદી હતી.તેનું મોત ૧૯૨૨માં થયું હતું તેને એવો વહેમ ઘુસી ગયો હતો કે વિન્ચેસ્ટર રાયફલને કારણે જે લોકો માર્યા ગયા છે તેમની આત્માઓએ તેના પર કબજો કરી લીધો છે.આ મકાન આજે પણ સૌથી રહસ્યમ મકાન ગણાય છે જ્યાં લોકોને ઘણાં વિચિત્ર અનુભવો થતાં રહે છે.કહેવાય છે કે આ મકાનમાં સતત ૩૬ વર્ષ સુધી કામ ચાલતું રહ્યું હતું.

મોન્ટે ક્રિસ્ટોને ઓસ્ટ્રેલિયામાં સૌથી હોન્ટેડ હાઉસ મનાય છે.આ વિક્ટોરિયન શૈલીનું મકાન ૧૮૭૬માં ક્રિસ્ટોફર વિલિયમ ક્રાઉલીએ બાંધ્યું હતું.જો કે આ મકાન અનેક કરૂણાંતિકાઓનો સાક્ષી બન્યું છે અહી ક્રાઉલીનું બાળક પગથિયા પરથી પડી જવાને કારણે મોતને ભેટ્યું હતું, એક બાળક આગમાં ભડથુ થઇ ગયું હતું, એક નોકરાણી બાલ્કનીમાંથી પડી જતા મોતને ભેટી હતી તો એક કેરટેકરની પણ હત્યા કરી દેવાઇ હતી.આ મકાનમાં રહેનારા અનેક લોકોએ જણાવ્યું હતું કે અહી તેના માલિક  ક્રિસ્ટોફર અને તેની પત્ની એલિઝાબેથની આત્મા ભટકે છે.કેટલાકને તેમના ખભા પર હાથ મુકાતો હોવાનો, કોઇના દ્વારા તેમને બોલાવાતા હોવાનો કે કોઇ તેમને જોઇ રહ્યાનો અનુભવ થયો હતો.કેટલીક તસ્વીરોમાં પણ આ અશરીરી આત્માઓ કેદ થઇ છે.

ઇંગ્લેન્ડની એસેકસ ખાતે આવેલ બોરલી રિકટરીને સૌથી હોન્ટેડ પ્લેસનું બિરૂદ મળ્યું છે.તેનું પ્રથમ બાંધકામ ૧૮૬૨માં કરાયું હતું.૧૯૨૯માં અહી એક મહિલા પાદરીની આત્મા ભટકતી હોવાનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થયો ત્યારે જાણીતા સાઇકિક ઇન્વેસ્ટીગેટર હેરી પ્રાઇસને મકાનમાં જઇને તપાસ કરવાની કામગિરી સોંપાઇ હતી.તેમણે ત્યાં એક નનનો આત્મા જોયો હતો આ ઉપરાંત વિચિત્ર પ્રકાશ, પગલાઓનો અવાજ, એક માથા વગરનાં પુરૂષ અને સફેદ ડ્રેસમાં છોકરીને જોઇ હતી તેમને તો આ મકાનનો મુળ માલિક હેનરી બુલ પણ જોવા મળ્યો હતો.આ મકાનમાં આગ લાગતા તે ૧૯૩૯માં નષ્ટ થઇ ગયું હતું જેને ૧૯૪૪માં પુરેપુરી રીતે તોડી પાડવામાં આવ્યું હતું.જો કે ત્યારબાદ અહી કોઇ રહેતું નથી પણ ત્યાં જનારાઓને તેમનાં પર પત્થરો ફેંકાતા હોવાનો અનુભવ થયો છે.

ન્યુયોર્કમાં આવેલ એમિટીવિલે હાઉસ તો તેની પેરાનોર્મલ ગતિવિધિઓને કારણે પ્રસિદ્ધ જ છે જેના પરથી ફિલ્મ પણ બની ચુકી છે.અહી ૧૯૭૪માં સામુહિક હત્યાકાંડ સર્જાયો હતો.જેમાં ત્રેવીસ વર્ષનાં એક વ્યક્તિએ તેના પુરા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે તેઓ સુઇ રહ્યાં હતા.ત્યારબાદ અહી લુત્ઝ પરિવાર રહેવા આવ્યો હતો જેમને ઘણાં ભયંકર અનુભવો થયા હતા જે તેમને આજે પણ અસર કરી રહ્યાં છે.આ પરિવાર હંમેશા સવારનાં સવા ત્રણ વાગે જાગી જ જતો હતો.ઘરની ચીજો આમથી તેમ ફંગોળાતી હતી.ઘરમાં રહેલો ક્રોસ હંમેશા નીચેની તરફનો જ થઇ જતો હતો.આ મકાનને અમેરિકાનું સૌથી હોન્ટેડ હાઉસ મનાય છે.

એમિટીવિલે ઉપરાંત અમેરિકામાં લુઇસિયાનાનાં સેન્ટ ફ્રેન્કીસવિલેનું મિર્ટલ્સ પ્લાન્ટેશન સૌથી હોન્ટેડ હાઉસ મનાય છે.જેનું નિર્માણ ૧૭૯૬માં જનરલ ડેવ બ્રેડફોર્ડ દ્વારા કરાયું હતું.કહેવાય છે કે અહી એક બે નહી પુરી બાર જેટલી આત્માઓ ભટકે છે.આ આત્માઓ સિવિલ વોર દરમિયાન બનાવાયેલા ગુલામોની હોવાનું મનાય છે.આ આત્માઓમાં કલોએ નામની ગુલામ બાળકીની આત્મા સૌથી વધારે ચર્ચાસ્પદ બની રહી છે જે એક તસ્વીરમાં પણ કેદ કરાઇ છે.આ ઉપરાંત એક અન્ય તસ્વીરમાં બારીમાંથી સીધા જ કેમેરામાં તાકી રહેલી છોકરી દેખાય છે.આ છોકરીને ઘોસ્ટ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં આવેલ રામઇનમાં એક બે નહી પણ પુરા વીસ જેટલા ભૂતો રહેતા હોવાનું મનાય છે.આ મકાન ૧૧૪૫માં બંધાયુ હતું જે ગ્લુસેસ્ટશાયરમાં આવેલ છે.આ બાંધકામ એ સ્થળે થયું હતું જયાં પેગનકાળમાં બાળકોનું બલિદાન અપાતું હતું.આ ઉપરાંત આ જમીનમાં એક ડાકણને દાટવામાં આવી હતી અહી રહેલા કેરટેકરની પુત્રીએ પણ ફાંસો લગાવીને મોતને વહાલુ કર્યુ હતું.અહી આવતા પ્રવાસીઓને ઘરમાં રહેલું ફર્નિચર હવામાં ઉડતું દેખાય છે.ઘરમાં રહેલી વસ્તુઓ એકાએક જ હાલતી ચાલતી હોવાનું જણાય છે.કેટલાકને તો કોઇએ તેમને તેમની પથારીમાં ધકેલ્યા હોવાનો પણ અનુભવ થયો છે.હોલવેમાં એક નાનકડી છોકરી ફરતી હોવાનું પણ કેટલાકે જોયું છે.કેટલાકને આસપાસ બાળકો રડતા હોવાનો અને તેમની ચીસોનો અવાજ પણ સંભળાયો છે.