Famous magicians of the world and their famous tricks in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | વિશ્વનાં જાણીતા જાદુગરો અને તેમની ફેમસ ટ્રીક

Featured Books
Categories
Share

વિશ્વનાં જાણીતા જાદુગરો અને તેમની ફેમસ ટ્રીક

 જાદુ સદીઓથી દરેક વયવર્ગનાં લોકોના મનોરંજનનું માધ્યમ છે.એક સમયે જાદુનાં સામાન્ય કિમિયાઓ પણ લોકો માટે કુતુહલ અને જિજ્ઞાસાનો વિષય બની રહેતા હતા.આજે તો જાદુનાં સ્ટેજ પર આધુનિકતમ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.જો કે લોકોને તો આજે પણ આ જાદુનાં ખેલ રહસ્યનો વિષય છે જો કે આપણે જાણીએ છીએ કે આ ટ્રીક જ હોય છે પણ આ ટ્રીકની પાછળનો ભેદ એ જ તેની ખરી મજા છે.મોટાભાગની ટ્રીકો તો લોકો બતાવી શકે છે પણ કેટલાક જાદુગરો દ્વારા કરાયેલા ખેલ આજે પણ રહસ્યમય બની રહ્યાં છે.આ ખેલનાં કારણે જ તેમને વિશ્વનાં મહાન જાદુગરોમાં સ્થાન મળે છે.

ડેવિડ કોપર ફિલ્ડની ઘણી ટ્રીકને સમજાવી શકાય તેમ છે પણ તેની ટેલિપોર્ટની ટ્રીક આજે વિજ્ઞાન માટે કોયડો બની રહી છે.ડેવિડ કોપરફિલ્ડ અને તેનો સહયોગી સ્ટેજ પર હાજર રહે છે અને તે દર્શકોને હવાઇનો વીડિયો દર્શાવે છે જેમાં તેનો રળિયામણો બીચ દેખાય છે અને ત્યારબાદ કોપરફિલ્ડ દાવો કરે છે કે તે અહીંથી ત્યાં પહોંચી જશે.જેનો પુરાવો ત્યાં હાજર રહેલ ઓડિયન્સ માર્કર દ્વારા  કોપરફિલ્ડનાં હાથ પર નિશાન કરે છે.આ તસ્વીરો અન્ય ઓડિયન્સ દ્વારા લેવાય છે.ત્યારબાદ કોપરફિલ્ડ અને તેમનો સહયોગી સ્ટેજ પરથી અદૃશ્ય થઇ જાય છે અને થોડીવાર બાદ તે હવાઇનાં બીચ પર દેખાય છે અને ત્યાંનો વીડિયો દેખાડે છે.આ ખરેખર જાદુ નથી પણ તેની પાછળની ટ્રીક શું છે તે હજી ખરેખર કોઇ કળી શક્યું નથી.

ભારતનાં મદારીઓ દ્વારા દર્શાવવામાં આવતો  દોરડાનો ખેલ આજે પણ લોકો માટે એટલો જ રોમાંચક બની રહે છે.આ ખેલમાં મદારી એક દોરડુ બાસ્કેટમાં મુકાય છે અને મદારી ચલ આસમાનપે ચઢ જા એવો ઓર્ડર આપે છે અને આપોઆપ દોરડુ આસમાનમાં ચડે છે અને ત્યારબાદ તેનો એક છોકરો દોરડા પર ચઢે છે અને આસમાનમાં અદૃશ્ય થઇ જાય છે ત્યારબાદ પછી છોકરો તેના પરથી નીચે ઉતરે છે અને દોરડુ ફરી નીચે આવી જાય છે આ જાદુ પાછળની ટ્રીક આજે પણ લોકો માટે એક કોયડો છે.

જાદુનાં ચાહકો માટે પેન અને ટેલરની જોડી હંમેશા નવા ખેલ લઇ આવે છે પણ તેમનાં જાદુનો ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે.વસ્તુ સાથે તેનો પડછાયો જોડાયેલો જ હોય છે પણ આ જાદુગર વસ્તુઓ સાથેનાં પડછાયા અલગ કરી દે છે.આ ટ્રીક પાછળનો ભેદ ઉકેલવા ઘણાં મથ્યા છે પણ તેમને તેનો ભેદ હજી સુધી સમજાયો નથી.

બર્ગલાસ ઇફેટની શોધ આમ તો જાણીતા જાદુગર ડેવિડ બર્ગલાસે કરી હતી.આ ટ્રીક આમ તો જુગારનાં પત્તા સાથે સંકળાયેલી છે.જેમાં દર્શક કોઇપણ પત્તાનું નામ બોલે છે બીજો કોઇ દર્શક તેમાંથી કેટલાક કાર્ડ પસંદ કરે છે અને બાકી વધેલા પત્તામાંથી જે કાર્ડ પહેલું નિકળે છે તે એ જ કાર્ડ હોય છે જે પહેલા દર્શકે પસંદ કરેલું હોય છે આ દરમિયાન જાદુગર તો પત્તાથી દુર જ હોય છે આ જાદુ પાછળની ટ્રીક આજે પણ લોકો માટે રહસ્યનો વિષય છે.

રિચાર્ડ ઓસ્ટરલિન્ડની સિક્કો વાળવાની ટ્રીક આજે પણ લોકો માટે રહસ્ય છે.તે તેના પ્રદર્શન દરમિયાન લોકોને એક સિક્કો બતાવે છે લોકો તેને પારખે છે અને ત્યારબાદ તે સિક્કો પોતાના હાથમાં લે છે અને માત્ર બે આંગળીઓ વડે તે સિક્કા પર દબાણ કરે છે અને સિક્કો જાણે કે કાગળનો બનેલો હોય તેમ વળી જાય છે ઓસ્ટરલિન્ડ તે વળી ગયેલો સિક્કો પણ દર્શકોને બતાવે છે અને ત્યારબાદ તે પાછો તે સિક્કો હતો તેવો કરી નાંખે છે હવે આ ટ્રીક પણ આમ તો સિમ્પલ છે પણ તે કઇ રીતે થાય છે તે ભેદ છે.

યુવાન જાદુગર રેઝા તેની કાર્ડની ટ્રીકને કારણે ખાસ્સો પ્રસિદ્ધ છે જેમાં તે દર્શકોમાં રહેલી કોઇ એક છોકરીને તેની પાસે રહેલ પત્તામાંથી કોઇ એક પત્તુ પસંદ કરવા કહે છે અને ત્યારબાદ તે પત્તા પર છોકરી તેની સાઇન કરે છે અને ફરી એ કાર્ડ રેઝા અને પેલી છોકરી પોતાનાં હાથમાં લે છે થોડીવાર બાદ જ્યારે તેમનાં હાથ જુદા થાય છે ત્યારે તેમનાં હાથમાં રહેલું પત્તુ ગાયબ હોય છે જે રેઝા પોતાનાં ખિસ્સામાંથી કાઢે છે ફરી તે કાર્ડ મુકે છે અને એક છરી વડે દરવાજા પર ઘા કરે છે જ્યાં પેલુ કાર્ડ તેની છરી સાથે ચોટેલું દેખાય છે તે ફરીથી છરી દરવાજામાંથી કાઢે છે ત્યારે તેના પર કાર્ડ હોતુ નથી પણ જ્યારે ફરીથી તે દરવાજા પર ઘા કરે છે ત્યારે તે કાર્ડ તેની છરીમાં ખુંપેલુ દેખાય છે.આ ટ્રીક તો વીડિયો પર જોઇએ ત્યારે પણ ઘણી રોમાંચકારી દેખાય છે.યુટયુબ પર તેનો આ વીડિયો છે જે જાદુનાં ચાહકોએ જોવા જેવો છે.

જાપાનનો સિરિલ ટાકયામા તેના લેકોસ્ટે માટે પ્રસિદ્ધ છે જે જોઇએ ત્યારે પણ બહુ ચોંકાવનારી લાગે છે.ટાકયામા કપડાની એક દુકાનમાં જાય છે અને પોતાના માટે એક કેસરી રંગની ટીશર્ટ પસંદ કરે છે જેના પર મગરનો લોગો હોય છે આ ટીશર્ટ તે કાચના કાઉન્ટર પર મુકે છે તે તેના પર હાથ મુકે છે અને પેલો લોગો પણ તેના હાથની સાથે સરકે છે ત્યારબાદ તે ફ્લીપ ફોન કાઢે છે અને ટીશર્ટ પર મુકે છે અને પેલા મગરને ફોનમાં જવા કહે છે જે ફોનમાં પેસી જાય છે અને ત્યારબાદ તેમાં રહેલ ખાતો જણાય છે. જો કે ટાકયામા આટલેથી જ અટકતો નથી તે થોડીવારમાં મગર સ્ક્રીન પરથી અદૃશ્ય થઇ જાય છે અને ફોનની બહાર પ્લાસ્ટીકનો મોટા આકારનો મગર દેખાય છે ટાકયામાં તેના પર પ્લાસ્ટીકનું પેમ્ફલેટ મુકે છે અને જ્યારે તે તેના પરથી પ્લાસ્ટીક હટાવે છે ત્યારે ત્યાં અસલ મગરનું બચ્ચુ આવી જાય છે.આ જાદુનો વીડિયો પણ યુટયુબ પર છે જે જાપાની ભાષામાં છે પણ ટાકયામાની ટ્રીકને કોઇ ભાષા નથી તે કોઇપણ દર્શકને સમજાય છે આ વીડિયો પણ જોવા જેવો છે.

ડેવિડ બ્લેઇન જાદુની દુનિયામાં જાણીતું નામ છે પણ તેમની જે ટ્રીકથી તે ફેમસ થયા છે તે એટલી જ રહસ્યમય છે.જેમાં તે ક્રાઉડમાં રહેલી કોઇ એક છોકરીને પસંદ કરે છે અને લોકોની સામે જ તેના બે દાંત કાઢે છે જેમાં કોઇ લોહી દેખાતું નથી કે ના તો દર્દ થાય છે પણ લોકો જોઇ શકે છે કે પેલી છોકરીનાં મોઢામાં દાંત રહ્યા નથી ત્યારબાદ બ્લેઇન તેના મોઢા પર થુંકે છે અને તેના ગાયબ થયેલા દાંત તેના સ્થાને પાછા આવી ગયેલા જણાય છે.આ ટ્રીક પણ રહસ્યમય જ બની રહી છે.તાઇવાનનો જાદુગર લિઉ કિયાનની ટ્રીક જે સિક્કા સાથે સંકળાયેલી છે જે જોનારને દિગ્મુઢ કરી દે છે.આ ખેલમાં તે એક કાચનાં ટેબલ પર બેસે છે અને દર્શકોને તે કાચની નક્કરતા ચકાસવાનું કહે છે હાજર રહેલા દર્શકો તે જુએ છે કે કાચનાં ટેબલમાં કોઇ ટ્રીક કરાયેલી નથી ત્યારબાદ તે તેના પર કાળા રંગનું કપડુ પાથરે છે અને તેના પર સિક્કા ગોઠવે છે અને તે સિકકા તે લોકોની સામે જ કાચનાં ટેબલની પાર નીચેનાં બાઉલમાં લાવી દે છે હાજર રહેલા દર્શકોને લાગે છે કે તે કાપડમાં કશુંક હશે તો તે કાપડ પણ હટાવી દે છે અને ત્યારબાદ નક્કર ગ્લાસની પાર પેલો સિક્કો નીચે રહેલા બાઉલમાં લાવી દે છે.જો કે તેને લાગે છે કે આ હજી પણ અધુરૂ છે એટલે તે ફરીથી દર્શકોમાં રહેલા એક વ્યક્તિનાં હાથમાં સિક્કા આપે છે અને તે હાથ ટેબલની નીચે મુકાવે છે અને લોકોની સામે તે પોતાનો હાથ ગ્લાસની પાર કાઢીને તે સિક્કા પેલા હાથમાંથી લઇને ટેબલની ઉપર લઇ આવે છે આ જાદુનો વીડિયો પણ યુટયુબ પર છે જેને જોયા પછી પણ કિયાનની ટ્રીક સમજાતી નથી કઇ રીતે કોઇ વ્યક્તિ કાચની નક્કર સપાટીને ભેદીને હાથ પાર કાઢી શકે છે.

આ લેખમાં જ પેન અને ટેલરની જોડીની પડછાયાની ટ્રીક અંગે વાત કરી છે આ જોડી જો કે તેના કરતા પણ અચંબિત કરી દેનાર ટ્રીક માટે જાણીતા છે.આ ખેલમાં પેન પોતાનાં ખિસ્સામાંથી અસલ કારતુસ બહાર કાઢે છે અને ઓડિયન્સમાં જેને આ વિશે જ્ઞાન હોય તેને ચકાસવા જણાવે છે.ઓડિયન્સમાંથી બે લોકો આવે છે અને કારતુસ પર સહી કરે છે.ત્યારબાદ આ ગોળીઓ ઓરિજનલ રિવોલ્વરમાં ભરવામાં આવે છે.ત્યારબાદ તેઓ એકબીજાનાં મોંને નિશાન બનાવીને ગોળી ચલાવે છે મોટા ધડાકાનાં અવાજ સાથે તેમનાં મોઢા પર રહેલ કવચ તુટીને નીચે પડે છે અને પેલી સાઇન કરેલી બુલેટ તેમનાં મોઢામાં જોવા મળે છે.તેમનાં મોઢાની સામે રાખેલ પ્લાસ્ટીકની પાતળી પારદર્શક શીટ ફાટી જાય છે તે દર્શકોને કારતુસનાં ખોખા બતાવે છે અને ગન પણ બતાવે છે જેમાં ગોળીબાર કરાયા બાદની બારૂદની ગંધ જણાઇ આવે છે.આ કેવી રીતે કરે છે તે એક કોયડો જ છે અને તે જ બાબત તેમનાં ખેલને વધારે રોમાંચકારી અને લોકપ્રિય બનાવે છે.