સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુરપતિના અંતમાં ચતુર્થી વિભક્તિ હોય અને મહાબલાયના અંતમાં સ્વાહા લાગતાં અઢાર અક્ષરનો મંત્ર થાય છે; તે આ પ્રમાણે છે- ‘ૐ નમો વિષ્ણવે સુરપતયે મહાબલાય સ્વાહા.’
આ મંત્રના ઈંદુઋષિ છે, વિરાટ છંદ છે, દધિવામન દેવતા છે, ૐ બીજ છે અને સ્વાહા શક્તિ છે, શુભ કામમાં આનો વિનિયોગ થાય છે. આ મંત્રનું અનુષ્ઠાન કરવા માટે પ્રથમ ષડંગન્યાસ કરવા. તેની વિધિ આ પ્રમાણે છે- ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ હ્ર: અસ્ત્રાય ફટ્.
ષડંગન્યાસ કર્યા પછી મંત્રના વર્ણોનો અંગોમાં નીચે પ્રમાણે ન્યાસ કરવો-‘ મૂર્ધ્નિ ૐકાર વિન્યસામિ, ઘ્રાણયો: ષ્ણંકારં વિન્યસામિ, ઓષ્ઠયો: વેકારં વિન્યસામિ, તાલૌ સુકારં વિન્યસામિ, કંઠે રકારં વિન્યસામિ, ભુજયો: પકારં વિન્યસામિ, પૃષ્ઠે તકારં વિન્યસામિ, હૃદિ યેકારં વિન્યસામિ, ઉદરે મકારં વિન્યસામિ, નાભૌ હાકારં વિન્યસામિ, ગુહ્યે બકારં વિન્યસામિ, જાન્વો: યકારં વિન્યસામિમ જંઘયો: સ્વાકારં વિન્યસામિ, પાદયો: હાકારં વિન્યસામિ. આ પ્રમાણે અઢાર વર્ણોના ક્રમથી અંગોમાં વિન્યાસ કર્યા પછી દેવનું ધ્યાન કરવું-મુકતા (મોતી) ના જેવા વર્ણવાળા, રત્નોથી સુશોભિત, ભમરાઓના રંગ જેવા કાળા વાળથી શોભતી ગરદન અને મુખવાળા શુદ્ધ જળથી પૂર્ણ કુંભ અને દધ્યન્નથી પૂર્ણ ભરેલું પાત્ર-આ પ્રમાણે બે હાથોમાં બે પાત્રોને ધારણ કરેલા ભગવાન હયગ્રીવનું સ્મરણ કરવું.
‘ૐ નમો વિષ્ણવે સુરપતયે મહાબલાય સ્વાહા.’ આ મંત્રનો ત્રણ લાખવાર જપ કરવો અને ઘૃતમિશ્ર ખીરથી તથા દધ્યન્ન (દહીં મિશ્ર ભાત)થી દશાંશનો હોમ કરવો. સુંદર વેદી બનાવીને તેના પર કલ્પિત મૂર્તિ આલેખીને મૂળમંત્રથી ભગવાન હયગ્રીવનું વિધિપૂર્વક પૂજન કરવું. કમળના કેસરાઓમાં છ અંગોની પૂજા કરીને કમળદળોમાં વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધનું શાંતિ, શ્રી, સરસ્વતી, રતિ, ધ્વજ, વૈનતેય (ગરુડ), વનમાળા, શંખ, ચક્ર, ગદા તથા શારંગ ધનુષનું પૂજન કરવું. કમળદળના અગ્રભાગમાં કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ, વિષ્ણુ, મધુસૂદન, ત્રિવિક્રમ, નર, શ્રીધર, હૃષીકેશ, પદ્મનાભ, દામોદર-આ નામોથી પૂજન કરવું. તે પછી પૂર્વ આદિ દિશાઓમાં ઈન્દ્રાદિ દિક્પાલો તથા તેમનાં આયુધોનું પૂજન કરવું. તે પછી ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક નામના દિગ્ગજો અને અભ્રમુ, કપિલા, પિંગલા, અનુપમા, તામ્રપર્ણી, શુભ્રદંતી, અંગના અને અંજનાવતી નામક તેમની અનુક્રમથી પત્નીઓની આરાધના કરવી.
પછી લક્ષ્મીની કામનાવાળાએ ઘી મિશ્રિત ખીરથી એક હજાર આહુતિ આપવી, જેથી તેને સમૃદ્ધિ પ્રાપ્ત થાય; ધાન્ય પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને ડાંગરની ધાણીના હોમથી ધાન્યની પ્રાપ્તિ થાય છે. વરિયાળીની એક હજાર આહુતિ આપવાથી, મહાભયનો પણ અવશ્ય નાશ થાય છે; તે વિષે કોઈ સંશય નથી. શુદ્ધ દહીંભાતનો હોમ કરવાથી દુર્ગતિમાંથી મુક્તિ થાય છે. ભગવાન ત્રિવિક્રમના સ્વરૂપનું ધ્યાન કરીને જપ કરવાથી મંત્રના પ્રભાવને લીધે કારાગારમાંથી બદ્ધને મુક્તિ મળે છે. ભીંત ઉપર કે વેદી અથ લાકડાના પાટિયા પર ભગવાન હયગ્રીવની મૂર્તિ આલેખીને નિત્ય સુગંધી પુષ્પો વડે પૂજન કરવાથી વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. લાલ કમળનો હોમ કરવાથી સકલ જગતને વશ કરી શકાય છે, ઘી અને ભાતની પ્રતિદિન અઠ્ઠાવીસ આહુતિ આપી હોમ કરવો. એવી જ રીતે ખાંડ, ઘી અને ભાતની વિધિપૂર્વક દરરોજ ‘ૐ નમો વિષ્ણવે સુરપતયે મહાબલાય સ્વાહા.’ મંત્ર ભણીને આહુતિ એકસો આઠ વાર આપવાથી અક્ષય અન્નની પ્રાપ્તિ થાય છે. ષડરસથી યુક્ત પકવાન્ન તથા માલપૂઆથી આઠ હજાર આહુતિ આપી હોમ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે.
મંત્રસાધક શર્કરામિશ્રિત દહીં-ભાતની દશ હજાર આહુતિ આપીને હોમ કરે તો તે જ્યાં જ્યાં નિવાસ કરે ત્યાં તેને અન્ન વિપુલ પ્રમાણમાં મળતું રહે છે. કમળપત્રોની સાથે બિલ્વફળના ગર્ભનો હોમ કરવાથી વિપુલ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, એમાં શંકા નથી.
ખીરથી એક લાખ આહુતિ આપીને હોમ કરવાથી સાધક વાચસ્પતિ સમાન થાય છે, મંત્રનો એક લાખ વાર જપ કરી પોતાજિયા(પુત્રંજીવા) વૃક્ષના કાષ્ઠથી પ્રદીપ્ત થયેલા વહ્નિમાં પોતાજિયાના ફળથી દશાંશ હોમ કરવામાં આવે તો શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે. ભગવાન ત્રિવિક્રમનું ધ્યાન ધરીને લાલ રંગનાં પુષ્પોથી દશ હજાર આહુતિ આપી હોમ કરનાર સાધક સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે. દશ હજાર કમળનો હોમ કરવાથી સર્વ લક્ષણોથી યુક્ત નિષ્કટંક રાજ્યની પ્રાપ્તિ થાય છે. મધમાં બોલેલ લવિંગ અથવા અપામાર્ગથી દશ હજાર આહુતિ આપીને (જે માણસને વશ કરવો હોય તેનું નામ બોલીને) હોમ કરવાથી તે જરૂર વશ થાય છે. અપામાર્ગ (અઘેડો) નાં એકસો આઠ શુભ પાંદડાંનો હોમ કરવાથી અને તેટલા જ મંત્રોનો જપ કરવાથી એક અઠવાડિયામાં મહારોગમાંથી મુક્ત થાય છે.
‘ૐ ઉહિરત્ પ્રણવો હીય સર્વવાગીશ્વર ઈશ્વર, સર્વવેદમય અચિંત્ય સર્વં બોધય બોધય’-આ મંત્રના ઋષિ બ્રહ્મા છે, છંદ અનુષ્ટુપ છે, વાણીના ઐશ્વર્યને આપનારા વિભુ હયગ્રીવ આના દેવતા છે અને સર્વ કામનાઓની પૂર્તિમાં આ મંત્રનો વિનિયોગ થાય છે.
પ્રથમ ષડંગન્યાસ કરવો અને પછી ધ્યાન કરવું : ‘હિમના પર્વત સમાન શુભ્ર, તુલસીની માળાથી અલંકૃત, તુરંગ-વંદન (ઘોડાના મુખ જેવા મુખવાળા ભગવાન હયગ્રીવ)ને વંદન કરું છું.’ આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રનો દશ હજાર વાર જપ કરવો; અને મધમિશ્રિત ખીરથી દશાંશ હોમ કરવો, પછી પીઠસ્થાન ઉપર કાર્યનો સંકલ્પ કરો મૂળમંત્ર-‘‘ૐ નમો વિષ્ણવે સુરપતયે મહાબલાય સ્વાહા.’-થી ભગવાન હયગ્રીવનું પૂજન કરવું. ત્યાર પછી કમળની કેસરાઓમાં પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમથી સનાન્દાન્મ સનક, શ્રી અને પૃથ્વીને પૂજવા, તેની બહારની દિશાઓમાં વેદોનું અને છ ખૂણાઓમાં નિરુકત, જ્યોતિષ, વ્યાકરણ, કલ્પ, શિક્ષા અને છંદ- આ વેદનાં છ અંગોનું પૂજન કરવું. પછી કમળદળના મૂળમાં અષ્ટમાતૃકાઓનું, દળના મધ્યભાગમાં વક્રતુંડાદિ નામોથી ગણપતિનું તથા દળના અગ્રભાગમાં-અસિતાંગ, રુરુ, ભીષણ, રક્તનેત્ર, બટુક, કાલદમન, દંતુર, વિકટ-આ આઠ ભૈરવનું પૂજન કરવું. તેની બહાર ષોડશદળ કમળ પર ભગવાન મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, કૃષ્ણ, કલ્કિ અને બુદ્ધ આ દશ અવતારોનું તથા શંખ, ચક્ર, ગદા, પદ્મ, નંદક (ખડ્ગ) અને શારંગ ધનુષનું પૂજન કરવું.
તેની બહાર ભૂગૃહમાં ઈન્દ્રાદિ દશ દિક્પાલોનું, તેની બહાર વજ્ર આદિ આયુધોનું અને તેની બહાર પૂર્વ આદિ ચાર દ્વારોમાં ક્રમથી મહાગણપતિ, દુર્ગા, ક્ષેત્રેશ તથા બટુકનું પૂજન કરવું. તેની બહાર યોગીનીઓનું, તેની બહાર સાત નદીઓનું, તેની બહાર નવ ગ્રહોનું, તેની બહાર આઠ પર્વતોનું અને તેની બહાર નક્ષત્રોનું પૂજન કરવું. આ પ્રમાણે પંદર આવૃત્તિઓથી ભગવાન હયગ્રીવનું પૂજન કરવાથી મંત્રસાધક વાણીમાં બૃહસ્પતિ સમાન અને ધનમાં કુબેર સમાન થાય છે. મંત્રની સિદ્ધિ થવાથી સાધક એ અંગોના પ્રયોગો કરવા યોગ્ય થાય છે. મૂળમંત્રના બીજ ૐકારથી એક હજાર આઠ વાર શુદ્ધ જળને અભિમંત્રિત કરીને જે જિતેન્દ્રિય અને બુદ્ધિમાન એને પીએ છે તે માણસ જન્મથી મૂંગો હોય તો પણ વાણીની સિદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરે છે.
જ્યોતિષ્મતી લતા (માલકાંકણી) નાં બીજ એક એક વધારતા રહીને મંત્રથી અભિમંત્રિત કરીને એકસો આઠ બીજ ખાવામાં આવે તો તે ખાનારો માનસ આ પૃથ્વી પ નિશ્ચય જ સરસ્વતીનો અવતારરૂપ બની જાય છે, એમાં સંશય નથી.
હે વિપેન્દ્ર, હવે વધુ શું કહેવું! આ મંત્રના પ્રભાવથી સાધક સર્વ વેદો અને તમામ શાસ્ત્રોનો જ્ઞાતા અને પંડિત થઇ જાય છે.
ક્રમશ: