Narad Puran - Part 60 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 60

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 60

સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવા તથા શત્રુસેનાનો વિનાશ કરવા માટે મંત્રના સાધકે ભગવાન નૃસિંહનું ગંધ-પુષ્પ આદિથી પૂજન કરવું. પછી મૂલમંત્ર ‘ૐ ક્ષ્રૌં’ થી મૂલ સહિત દર્ભનો રુદ્રાક્ષના વૃક્ષના કાષ્ઠથી પ્રજ્વલિત થયેલા અગ્નિમાં શત્રુને ઉદ્દેશીને એક હજાર વાર હોમ કરવો; આથી શત્રુસેના પરાભવ પામે છે. આ પ્રમાણે સાત દિવસ સુધી હોમ કરીને મંત્રના સાધકે પોતાના ઇષ્ટરાજાની સેનાને પરરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શુભ લગ્નમાં શુભ દિવસે આક્રમણ કરવા જણાવવું. તે સેનાની આગળ રિપુદળનો નાશ કરનારા ભગવાન નૃસિંહ રહેલા છે, એવી રીતે તેમનું સ્મરણ કરતાં રહીને તેમનું ધ્યાન કરવું અને એકાક્ષર મંત્રનો પ્રણવ સહિત એક હજાર વાર જપનું અનુષ્ઠાન પોતાના સ્થાન પર રહીને કર્યા કરવું. આ અનુષ્ઠાનથી શત્રુ પર અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે.

        સર્વ શત્રુઓને પોતાના પરાક્રમથી જીતી લઈને આનંદ પામેલા રાજાએ મંત્રના સાધકનો રાજોચિત વૈભવથી આદર કરી તેને ધનસંપત્તિ આપી પ્રસન્ન કરવી. રાજા જો આ પ્રમાણે મંત્રના સાધકને ધનસંપત્તિ વગેરે ન આપે અને આ મંત્રસાધક સંતોષ ન આપમે તો તે રાજાના રાજ્યમાં અનર્થ થાય છે, પ્રાણસંકટનો મહાભય ઉપસ્થિત થાય છે.

        મૂલમંત્ર એકસો આઠ વાર ભણીને મંત્રેલી ભસ્મથી કરોલીયમ ભમરી, મધ્માંખીમ ઉંદર તથા વીંછી આદિના કરડવાથી ઉત્પન્ન થયેલી પીડાનો નાશ કરવો; અર્થાત એમના દંશથી અસર પામેલા શરીરના ભાગ પર મંત્રેલી ભસ્મ ચોળવાથી પીડા દૂર થાય છે. વળી જો ભસ્મનો આખા શરીર પર લેપ કરવામાં આવે તો સર્વ પ્રકારના રોગોથી મુક્ત થવાય છે.

        મૂલમંત્રથી સેવંતીનાં પુષ્પો એકસો આઠ વાર હોમવાથી વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ઉંબરાના સમિધનો હોમ કરવાથી ધાન્ય આદિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એક લાખ માલપૂઆનો હોમ કરવાથી કુબેરના જેવો વૈભવ પ્રાપ્ત થાય છે. પોતાના ઉપર ક્રુદ્ધ થયેલા રાજાની સમીપમાં એકસો આઠ વાર કપ કરવામાં આવે રો તે રાજાનો ક્રોધ શીઘ્ર શાંત થાય છે અને રાજા પ્રસન્ન થાય છે. ચમેલીનાં પુષ્પોથી હોમ કરવાથી પોતાની ઉન્નતિ થાય છે. કેળાંનો એકસો આઠ વાર મૂલમંત્ર ભણીને હોમ કરવામાં આવે તો સર્વ પ્રકારનાં વિઘ્ન નાશ પામે છે. તુલસીપત્રના હોમથી યશ પ્રાપ્ત થાય છે. શાલિ-ચોખાના સાથવાનો હોમ કરવાથી આખું જગત વશ થાય છે.

        મહુડાનાં ફૂલોનો હોમ કરવાથી ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. આંબળાંનો હોમ કરવાથી શત્રુનું સ્તંભન થાઉં છે. દહીં, મધ અને ઘીમાં મિશ્ર કરેલી ગળોની ચાર આંગળ લાંબી સમીધાઓનો દશ હજાર મૂળમંત્રથી હોમ કરવામાં આવે તો શરીરની નિરામયતા સાથે સો વર્ષ જીવે છે, શનિવારના દિવસે અશ્વત્થ (પીપળો) વૃક્ષનો સપર્શ કરીને મૂળમંત્રનો એકસો આઠ વાર જપ કરનારો અકળ મૃત્યુ પર વિજય મેળવીને સો વર્ષ જીવે છે.

        હવે ત્રૈલોક્યને મોહ પમાડનારા યંત્રનું વર્ણન કરું છે, જે કેવળ ધારણ કરવા માત્રથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. શ્વેત રંગના ભોજપત્ર પર અગાઉ જણાવ્યા પ્રમાણે બત્રીસ સિંહોના નામથી યુક્ત કમળ આલેખવું, સિંહોના મધ્યમાં ‘ક્ષ’ બીજ લખવું. ત્રૈલોક્યમાં મોહન નામનું પૂજન કરેલું આ યંત્ર  સર્વ કામનાઓ પૂર્ણ કરે છે, આ યંત્રને યંત્રરાજ કહેવામાં આવેલ છે. આને ધારણ કરવાથી જય પ્રાપ્ત થાય છે.

        હે નારદ, હવે સિદ્ધિ આપનારું એક બીજું યંત્ર કહું છું, તે સાંભળો. સુંવાળી પીંછીથી ભોજપત્રપર આઠ ખૂણાઓ આલેખી તેમાં આ યંત્ર લખવું. એ આઠે ખૂણાઓમાં પ્રણવ સહિત નૃસિંહ ભગવાનનો એકાક્ષર મંત્ર લખવો. એ યંત્રવાળા ભોજપત્રનું ત્રણ ઘડી વાળી તેના પર નાડાછડી વીંટવી અને મૂળમંત્ર આઠ હજાર વાર જપવો. પછી તેણે અનુક્રમે સોનું, રૂપું અને બધાંથી પર તાંબાના પતરામાં વીંટીને બંધ કરવું. વળી તે તાંબાના પતરાને લાખ વડે બધ કરી ફરીથી યંત્રને મૂળમંત્રથી અભિમંત્રિત કરીને ગળામાં, ભુજાપર કે શિખામાં ધારણ કરવું. એ યંત્ર ધારણ કરનારા પુરુષને પૃથ્વી પરનાં સ્ત્રી, પુરુષ અને રાજા આદિ બધાં માણસો વશ થાય છે. તે યંત્ર ધારણ કરનારા પુરુષને દૃષ્ટ પિશાચો, સર્પો અને રાક્ષસો કયારેય પીડા કરી શકતા નથી.

        હવે બીજું એક સર્વ પ્રાણીઓને વશ કરનારું યંત્ર કહું છું. ભોજપત્ર પર બાર ખૂણાઓમાં પ્રથમ જણાવ્યા પ્રમાણે પ્રણવ સહિત મૂળ મંત્ર ‘ૐ ક્ષ્રૌં’ લખવો. મધ્યમાં આ મંત્રની શક્તિનો વર્ણ ‘ઈ’ લખવો. આ યંત્ર સુર-અસુર સર્વને વશ કરનારું કાલાન્તક નામક યંત્ર કહેવાય છે. સર્વ શત્રુઓના ભયને નિવારણ કરનારું આ યંત્ર ભોજપત્ર પર લખવું. આ યંત્ર ધારણ કરનારો માણસ સર્વત્ર વિજયી થાય છે.

        હવે સર્વ ઇષ્ટ વસ્તુઓને આપનાર ‘જ્વાલામાલિ’ નામક મંત્ર જણાવું છું. ‘ૐ ક્ષં નમો ભગવતે નરસિંહાય જવાલિને માલિને દીપ્તદંષ્ટ્રાય અગ્નિનેત્રાય સર્વાંદિ રક્ષોન્ધાય ન: સર્વભૂહરિર્વિનાશનાય સર્વજ્વરવિનાશનાય (અમુકં અમુકં) દહ દહ પચ પચ રક્ષ રક્ષ હું ફટ્ ઠઠ’ – આ મંત્રનો પ્રતિદિન એકસો આઠ વાર છ માસ સુધી જપ કરવો. આ પ્રમાણે કરવાથી ઇષ્ટ પ્રાપ્તિ થાય છે. અભિચારાદિ કર્મમાં (અમુકં અમુકંના સ્થળે) વ્યક્તિનું નામ બોલવું. ભયંકર મહામારી, ભૂત વગેરેનો નાશ કરનાર આ મંત્ર અતિ ઉત્તમ છે. તે માટે એક લાખ વાર મંત્ર જપ કરવા અને કપિલા ગાયના ઘીથી દશાંશ હોમ કરવો.

        ‘ૐ નમો નૃસિંહાય’ આ ષડક્ષર મહામંત્ર સર્વ ઇષ્ટ સિદ્ધિને આપનાર છે, આ મંત્રના બ્રહ્મા ઋષિ છે, પંક્તિ છંદ છે, નૃકેસરી દેવતા છે, સર્વ શુભ કામોમાં આનો વિનિયોગ થાય છે. પછી ષડંગન્યાસ આ પ્રમાણે કરવા : ૐ હ્રાં હૃદયાય નમ:, ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ હ્ર: અસ્ત્રાય ફટ્. અંગન્યાસ કર્યા પછી પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધ્યાન અને પૂજા કરવાં. આ મંત્ર સિદ્ધ થવાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

        હવે હું આત્મરક્ષાનો મંત્ર જણાવું છું. તે આ પ્રમાણે છે- ‘ૐ નમ: શિવાય મહાતે શરભાય સ્વાહા’ આ મંત્ર ભણીને ‘કેશવ’ આદિ નામોની કવચ ધારણ કરી પ્રયત્નપૂર્વક આત્મરક્ષા કરવી.

        ‘કેશવ મારા પગની રક્ષા કરો નારાયણ જંઘાઓની રક્ષા કરો, માધવ મારી કટિનું રક્ષણ કરો, ગોવિંદ ગુહ્યભાગનું રક્ષણ કરો, વિષ્ણુ મારી નાભિનું રક્ષણ કરો, મધુ સૂદન જઠરની રક્ષા કરો, ત્રિવિક્રમ સાથળોની રક્ષા કરો, નર મારા હૃદયનું રક્ષણ કરો, શ્રીધર કંઠની રક્ષા કરો, હૃષીકેશ મારા મુખની રક્ષા કરો, પદ્મનાભ બંને સ્તનની રક્ષા કરો, દામોદર મસ્તકની રક્ષા કરો.’ ઉપરનાં મંત્રનો જપ કરતાં પહેલાં મંત્રના સાધકે અંગન્યાસ ઉપર જણાવ્યા પ્રમાણે કરવો. આ પ્રમાણેની વિધિથી ભૂત, વેતાલ, ગ્રહો અને રાક્ષસોથી સાધક નિર્ભય બને છે. ફરીથી નૃસિંહ ભગવાનની ધ્યાન કરીને નીચે જણાવ્યા પ્રમાણે ન્યાસ કરવા.

        ‘સુવર્ણ જેવી કાંતિવાળા ચક્રધારી ભગવાન કેશવ આગળથી મારી રક્ષા કરો. શંખની ધારણ કરનારા, નીલમેઘ જેવા વર્ણવાળા નારાયણ પાછળથી મારી રક્ષા કરો. લક્ષ્મીના પતિ, નીલકમળ જેવી પ્રભાવાળા ભગવાન ગદાધર ઉપરથી મારી રક્ષા કરો, ધનુષને ધારણ કરનારા, ચંદ્રના જેવી શુભ્ર કાંતિવાળા ગોવિંદ દક્ષિણ દિશામાં મારું રક્ષણ કરો. કમળની પાંખડીઓ જેવા વર્ણવાળા, હળને ધારણ કરનારા ભગવાન વિષ્ણુ ઉત્તરમાં મારી રક્ષા કરો. કમળના જેવી આંખવાળા, મુશળને ધારણ કરનારા મધુસૂદન અગ્નિકોણમાં મારું રક્ષણ કરો. ખડ્ગને હાથમાં ધારણ કરનારા દીપ્તિમાન ત્રિવિક્રમ નૈઋત્ય કોણમાં મારી રક્ષા કરો. વજ્રને ધારણ કરનારા, મધ્યાહ્નના સૂર્યના તેજ સમાન તેજવાળા માધવ વાયવ્ય દિશામાં મારું રક્ષણ કરો. શ્વેત કમળ જેવી આંખવાળા પટ્ટિશ નામના આયુધને ધારણ કરનારા શ્રીધર ઈશાન કોણમાં મારું રક્ષણ કરો. વિદ્યુત જેવી પ્રભાવાળા ભગવાન હૃષીકેશ ઉપરથી મારી રક્ષા કરે. સહસ્ર સૂર્યોની કાંતિ જેવી કાંતિવાળા પદ્મનાભ નીચેથી મારું રક્ષણ કરે. સર્વ પ્રકારનાં આયુધોને ધારણ કરનારા, સર્વશક્તિમાન, સર્વના આદિ, સર્વ બાજુએ મુખવાળા, ઇન્દ્રગોપ જેવા વર્ણવાળા, હાથમાં પાશને ધારણ કરનારા ભગવાન અપરાજિત મારું રક્ષણ કરો. હરિરૂપ ભગવાન દામોદર મારા દેહની અંદર અને બહારથી રક્ષા કરો. આ પ્રમાણે છિદ્રરહિત બાર વર્ણના પંજરમાં હું પ્રવિષ્ટ થયો છું, તેથી હવે મને ક્યારેય કોઈ પ્રકારનો ભય નથી.’

        આવી ભાવના સાથે પોતાની રક્ષા કરવાથી સાધક પુરુષ અજેય થાય છે. નૃસિંહ ભગવાનના સર્વ પ્રકારના મંત્રવર્ગમાં આ જ પ્રકારનો વિધિ માનવામાં આવેલ છે. પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધ્યાન-પૂજા આદિ સર્વ કરવું. પછી ‘હે પુંડરીકાક્ષ! હે વિશ્વભાવન! હે હૃષીકેશ તમને નમસ્કાર છે! હે મહાપુરુષ! તમને નમસ્કાર છે.’ આ પ્રમાણે પ્રભુની પ્રાર્થના કરીને અને મંત્રનો એકસો આઠ વાર જપ કરીને વિભુનું વિસર્જન કરવું.

        આ પ્રમાણે મંત્ર સિદ્ધ થવાથી સાધકને સંપત્તિ પ્રાપ્ત થાય છે.

        હવે એક બીજા મંત્ર વિષે જણાવું છું. તે આ પ્રમાણે છે. ‘ૐ જય જય શ્રી નૃસિંહ’ આ અષ્ટાક્ષર શ્રેષ્ઠ મંત્ર છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ છે, ગાયત્રી છંદ છે, શ્રીમાન જય નૃસિંહ આના દેવતા છે અને તેઓ સર્વ અભીષ્ટને આપનારા છે. શુભ કામમાં આ મંત્રનો વિનિયોગ થાય છે. આ મંત્રનું જપાનુષ્ઠાન કરતાં પહેલાં નીચે પ્રમાણે ષડંગન્યાસ કરવો- ૐ હ્રાં હૃદયાય નમ:, ૐ હ્રીં શિરસે સ્વાહા, ૐ હ્રૂં શિખાયૈ વષટ્, ૐ ह्रैं કવચાય હુમ્, ૐ ह्रौं નેત્રત્રયાય વૌષટ્, ૐ હ્ર: અસ્ત્રાય ફટ્. પછી ચંદ્ર જેમનાં મસ્તક પર છે એવા વિભુ નૃસિંહનું હૃદયમાં ધ્યાન ધરવું. ‘મનુષ્ય અને સિંહના શરીરવાળા! જગતના એકમાત્ર બંધુ! નીલકંઠ! હે કરુણાસાગર! હે શાંત સ્થિતિમાં વિરાજમાન પ્રભો! સૂર્ય, ચંદ્ર તથા અગ્નિરૂપ નેત્રવાળા! હે પિનાકપાણી! શીત કિરણો પ્રસરવાનારા ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરનારા! હે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ! મારું રક્ષણ કરો!

        આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રના સાધકે મંત્રનો આઠ લાખ વાર જપ કરવો. ઘીથી યુક્ત દૂધપાકનો દશાંશ હોમ કરવો અને પૂર્વવત ભગવાનનું પૂજન કરવું. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થયા પછી સાધકે મંત્રના પ્રયોગો કરવા ઉચિત છે. અષ્ટાક્ષર મંત્રથી ભસ્મને અભિમંત્રિત કર્યા પછી જે માણસને ગ્રહનો વળગાડ થયો હોય તેના શરીર ભસ્મનો લેપ કરવા માત્રથી ગ્રહપીડા દૂર થાય છે. આ જ વિધિથી યક્ષ, રાક્ષસ, કિન્નર, ભૂત, પ્રેત અને પિશાચ વગેરેની પીડા પણ અવશ્ય દૂર થાય છે.

        શુભ દિવસે સર્વતોભદ્રમંડળ આલેખવું, તેમાં એક કુંભની સ્થાપના કરવી. તેમાં તીર્થસ્થાનનું જળ પૂરવું. તેનું યથાવિધિ પૂજન કરવું અને ‘ૐ જય જય શ્રી નૃસિંહ’ આ અષ્ટાક્ષર મંત્રનો એકસો આઠ વાર જપ કરવો. તે કુંભના જળથી માણસને અભિષિક્ત કરવામાં આવતાં તેની સર્વ આપત્તિઓ દૂર થઇ જાય છે. આ ઉત્તમ મંત્ર ઇષ્ટ વસ્તુને આપનારો છે.

        વજ્ર જેવા નખવાળાને અમે જાણીએ છીએ, તીક્ષ્ણદંષ્ટ્રનું અમે ધ્યાન ધરીએ છીએ, તે નૃસિંહ ભગવાન અમને પ્રેરણા આપે. ‘વજ્રનખાય વિદ્મહે તીક્ષ્ણદંષ્ટ્રાય ધીમહિ તન્નો નૃસિંહ: પ્રચોદયાત’ આ નૃસિંહગાયત્રી સર્વ અભીષ્ટને આપનારી છે. આના સ્મરણમાત્રથી સર્વ પાપોનો ક્ષય થઇ જાય છે.”

 

ક્રમશ: