ગેમ ચેન્જર
-રાકેશ ઠક્કર
રામચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં નિર્દેશક શંકરે એમની અગાઉની નાયક, હિન્દુસ્તાની કે અન્ય ફિલ્મો જેવી જ ભ્રષ્ટાચાર સામે એકલા લડતા હીરો ઉપરાંત જનતા અને રાજકારણીઓની વાર્તા આપી છે. વાર્તા એવી છે કે એક સરકારી આઇપીએસ અધિકારી ઈચ્છે તો આખી સીસ્ટમને બદલી શકવા સક્ષમ છે. શંકર ભ્રષ્ટાચાર સામે લડતા વ્યક્તિની ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. એમાં આ વખતે નવું કશું આપી શક્યા નથી. હા, એમણે ફિલ્મને માસ મસાલા સાથે બનાવવાનો જ હેતુ રાખ્યો છે. એમ કરવામાં ફિલ્મ વળી લાંબી થઈ ગઈ છે. શંકરની ‘ઇન્ડિયન 2’ જોવાની ભૂલ કરનાર ‘ગેમ ચેન્જર’ જોતાં પહેલાં સો વખત વિચાર કરે એમ છે. સારી વાત એ છે કે એ બીજી ‘ઇન્ડિયન 2’ બનતા રહી ગઈ છે.
ફિલ્મમાં રામચરણનો ફ્લેશબેકમાં જે રોલ છે એને જ આગળ વધારવામાં આવ્યો હોત તો આખી ગેમ બદલાઈ ગઈ હોત. ફિલ્મના દ્રશ્યો અગાઉ જોયા હોય એવો ભાસ થતો રહે છે. શંકરે ‘ગેમ ચેન્જર’ ને ‘નાયક 2.0’ તરીકે જ બનાવી હોય એમ લાગે છે. એ મનોરંજન પૂરું પાડે છે પરંતુ એમાં યાદ રાખી શકાય એવું કશું જ નથી. ક્લાઇમેક્સ હજુ વધુ સારો બનાવી શક્યા હોત.
ફિલ્મની વાર્તા એકદમ પ્રેડિક્ટેબલ છે. રામચરણનો અભિનય બચાવી લે છે. પોણા ત્રણ કલાક લાંબી ફિલ્મના ગીતોને વાર્તા સાથે કોઈ લેવાદેવા ન હોવાથી ના હોત તો પણ ફરક પડ્યો ના હોત. ચાર ગીતો પાછળ રૂ.80 કરોડનો ખર્ચ શા માટે કરવામાં આવ્યો હતો એ સમજાતું નથી. એટલામાં ‘મારકો’ જેવી બે એક્શન ફિલ્મ તૈયાર થઈ જાય એમ હતી. થમન એસ.નું બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે પણ ગીતોમાં ઠીક છે. ‘દમ તૂ દીખાજા’ ની કોરિયોગ્રાફી સારી છે. ‘ધોપ’ કે ‘જરગાંડી’ જરૂર વગરના લાગશે. આમ તો કિયારાના પાત્રની જરૂર ન હતી. એ ના હોત તો ફાલતૂ ગીતો નીકળી ગયા હોત. વિષય ભ્રષ્ટાચારનો હોવાથી સામાન્ય દર્શકને વધુ સ્પર્શી જાય એવી આ ફિલ્મની લંબાઈ અડધો કલાક ઓછી થઈ શકે એમ હતી.
ફિલ્મનું એડિટિંગ ખાસ નથી. ગમે તે દ્રશ્ય ગમે ત્યાંથી શરૂ થઈ જાય છે અને પૂરું થાય છે. ફિલ્મની રજૂઆત પેન ઈન્ડિયા તરીકે કરવામાં આવી હોવા છતાં હિન્દી ડબિંગ પર કોઈ મહેનત કરવામાં આવી નથી. એસ. જે. સૂર્યાનો અભિનય સરસ હતો. એનું પોતાનું દક્ષિણી અંદાજનું ખરાબ ડબિંગ નિરાશ કરે છે. રામચરણે જાતે ડબિંગ કર્યું હોવા છતાં સારું છે. રામચરણ પોતાના ચાહકોને ખુશ કરી દે છે અને સીટીઓ મારવા મજબૂર કરે છે. એ બંને ભૂમિકામાં જામે છે. રામચરણે ફિલ્મની સામાન્ય વાર્તાને જોવાલાયક બનાવવાનો પ્રયાસ કર્યો છે. ‘RRR’ માં રામચરણ મહેમાન હતો પણ લાંબા સમય પછી મુખ્ય હીરો તરીકે ફિલ્મ આવી હોવાથી એનો ઇંતજાર વધારે હતો. કિયારાના ભાગે સુંદર દેખાવાનું અને ગીતો ગાવાનું કામ આવ્યું છે એને નિભાવી દીધું છે. ‘સાઈડ સત્યા’ ની ભૂમિકામાં સુનીલ કોમેડી પૂરી પાડે છે.
નિર્દેશનની વાત કરીએ તો શંકરે પોતાની જ ફિલ્મોને દોહરાવી છે. નિર્દેશક શંકરની આ ટીપીકલ ફિલ્મ છે. એમણે વિષય સારો પસંદ કર્યો છે પણ સ્ક્રીપ્ટ એમની જૂની ફિલ્મોની યાદ અપાવે છે. નાયક, શિવાજી વગેરેના ઘણા મુદ્દા યાદ આવી જશે. અને વારંવાર એક જ પ્રકારની ફિલ્મ દર્શકોને એમનાથી દૂર કરી શકે છે. ૧૯૯૦ ના દાયકામાં આવી ફિલ્મ ચાલી જાય એમ હતી. આજના જમાનામાં આ ફિલ્મ આઉટડેટેડ લાગી શકે છે.
‘ગેમ ચેન્જર’ મનોરંજક ફિલ્મ છે પણ થિયેટર કરતાં એને ટીવી પર બીજા કામ કરતી વખતે જોઈ શકાય એવી છે. વાર્તામાં ખાસ કોઈ રહસ્ય કે ટ્વીસ્ટ ન હોવાથી એમાં મગજ વાપરવાની જરૂર રહેતી નથી. અને એક્શન પણ લોહીયાળ ન હોવાથી પરિવાર સાથે જોઈ શકાય એવી છે. સમીક્ષકોએ ફિલ્મને અઢી સ્ટાર આપ્યા છે. એમાં બે સ્ટાર અભિનેતા રામ અને સૂર્યા માટે છે.