Unsolved Looting of Artifacts in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | કલાકૃત્તિઓની વણઉકેલાયેલી લુંટ

Featured Books
Categories
Share

કલાકૃત્તિઓની વણઉકેલાયેલી લુંટ

સંગ્રહાલય એ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક વારસાનો સંગ્રહ કરનાર સ્થળ છે જ્યાં પહોંચીને વ્યક્તિને તેનો ભૂતકાળનો વારસો જોવા મળતો હોય છે.આ એવો સમય છે જેને ફરીથી પ્રાપ્ત કરી શકાય તેમ નથી માત્ર તેના વિશે જાણકારી જ પ્રાપ્ત કરી શકાય છે.જો કે આ પ્રકારનાં સંગ્રહાલયોમાં બહુ કિંમતી વસ્તુઓ જળવાયેલી હોવાને કારણે દુનિયાભરનાં ચોરોની નજર તેના પર જ મંડાયેલી હોય છે અને ક્યારેક તેઓ આ વારસા પર હાથ સાફ કરવામાં સફળ રહેતા હોય છે.કેટલીક મુલ્યવાન વસ્તુઓ પાછી મેળવી શકાય છે પણ કેટલીક એવી વસ્તુઓ છે જે હજી આજે પણ પરત મેળવી શકાઇ નથી.આમ તો પોલીસ અધિકારીઓની હાજરીમાં મુલ્યવાન વસ્તુઓ સલામત હોવાની લાગણી પેદા થાય છે પણ ૧૮ માર્ચ ૧૯૯૦નાં રોજ બોસ્ટનનાં ઇઝાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝીયમમાં બે પોલીસ અધિકારીઓ મુલાકાત માટે આવ્યા હતા પણ જ્યારે તેઓ પાછા ગયા ત્યારે મ્યુઝીયમની તેર જેટલી મુલ્યવાન વસ્તુઓ પણ ગાયબ હતી.આ વસ્તુઓની કિંમત અર્ધો બિલિયન ડોલરની હોવાનો અંદાજ છે.આજે બત્રીસ વર્ષ બાદ પણ આ લુંટને આચરનાર લુંટારાઓ કોણ હતા તે જાણી શકાયું નથી અને તેમણે જે વસ્તુઓ લુંટી હતી તેનો પણ કોઇ પત્તો લાગી શક્યો નથી.આ ચોરાયેલ કલાકૃત્તિઓમાં રેમ્બ્રાન્ટ વાન રિનની પેઇન્ટિંગ અ લેડી એન્ડ જેન્ટલમેન ઇન બ્લેક, ક્રાઇસ્ટ  ઇન ધ સ્ટોર્મ ઓન ધ સી ઓફ ગેઇલી, તેનું પોટ્રેઇટ યંગ મેન તેમાં સામેલ હતા.આ ઉપરાંત એડવર્ડ માનેની ત્રણ પેઇન્ટિંગ, ગોવાર્ટ ફ્લીન્કનું લેન્ડસ્કેપ વીથ ઓબલિસ્ક અને જોહાનિસ વર્મિરનું ધ કોન્સર્ટ પણ સામેલ હતા.બાકીની કલાકૃત્તિઓમાં એડગર ડેગાસનાં પાંચ કાગળ પરનાં ડ્રોઇંગ, બ્રોન્ઝ ઇગલ અને પ્રાચીન ચાઇનીઝ બીકર હતા જે હજી સુધી પરત મેળવી શકાયા નથી.

જુલાઇ ૨૦૦૨માં પેરાગ્વે ખાતે તેના ઇતિહાસનું સૌથી મોટુ કલાકૃત્તિઓનું પ્રદર્શન રખાયું હતું જેના પર કેટલાક લુંટારાઓની પણ નજર હતી. આ માટે તેમણે લાંબા સમયથી તૈયારીઓ કરી હતી અને મ્યુઝીયમની પાસે જ સ્ટોર ભાડે રાખ્યો હતો અને તેમની ઓળખ બિઝનેશમેન તરીકે આપી હતી.અહી રહીને તેમણે એક ટનલ ખોદી હતી જે મ્યુઝીયમમાં ખુલતી હતી.બે મહિનામાં તેમણે બાર જેટલા પેઇન્ટિંગ ઉડાવી લીધા હતા જેની કિંમત એક મિલિયન ડોલરની હતી.જેમાં એડોલ્ફ પિયોટનું વુમેન્સ હેડ, ઇસ્ટબન મુરેલીનું ધ વર્જિન મેરી એન્ડ જિસસ, ગુસ્તાવ કોર્બેટનું લેન્ડસ્કેપ અને ટીન્ટોરેટુનું સેલ્ફ પોટ્રેઇટ સામેલ હતા.આ બધામાં ઇન્ટરપોલ ૨૦૦૮માં એક પેઇન્ટિંગ મેળવવામાં સફળ રહી હતી જેને આર્જેન્ટીનામાં પ્રદર્શિત કરાયું હતું.જર્મનીનાં એક મ્યુઝીયમમાંથી ચોરોએ અઢારમી સદીની જવેલરીની ચોરી કરી હતી જેના માટે છ વ્યક્તિ પર કેસ ચલાવાયો હતો.જો કે તેમની પાસેથી પેલી ચોરી કરાયેલી જવેલરી મળી ન હતી.૨૦૧૯માં ડ્રેસડનમાં નવેમ્બર મહિનામાં એકવીસ જેટલા પીસ ચોરવામાં આવ્યા હતા જેની કિંમત એકસો વીસ મિલિયન હોવાનો અંદાજો હતો.લુંટ કરનારાઓ ભાઇઓ જ હતા જેમની વય ૨૩ થી ૨૮ની વચ્ચે હતી.આ માટે તેમણે ડ્રેસ્ડન કાસલમાં આગ લગાડી હતી જેના કારણે વીજળી ગુલ થઇ ગઇ હતી અને તેનો લાભ ઉઠાવીને તેમણે ગ્રીન વોલ્ટ તોડયું હતું.જ્યારે તેઓ ઇમારતમાં ઘુસ્યા ત્યારે ચહેરા પર માસ્ક લગાવેલા હતા અને સિક્યુરિટી એલાર્મ બંધ હતા.

વિન્સેન્ટ વિલિયમ વાન ગોગ એ કમનસીબ કલાકાર હતા જેમને તેમની હયાતી દરમિયાન તો કોઇ ખ્યાતિ મળી ન હતી પણ મોત બાદ તેમની ગણતરી વિશ્વનાં ઉત્તમ ચિત્રકારોમાં થાય છે.તેમનું ધ પરસોનેઝ ગાર્ડન એટ ન્યુનેન ઇન સ્પ્રીંગ ચિત્ર સિંગર લારેન મ્યુઝીયમમાં નેધરલેન્ડ ખાતે મુકાયું હતું જેના પર લુંટારાઓની નજર હતી.કોરોનાને કારણે મ્યુઝીયમ જ્યારે લોકો માટે બંધ રખાયું હતું ત્યારે માર્ચ ૨૦૨૦માં લુંટારાઓએ લુંટ ચલાવી હતી.આ મ્યુઝીયમે આ ચિત્રને છ મિલિયનમાં ખરીદીને પ્રદર્શનમાં મુક્યું હતું જે આજે પણ ગુમ છે.

નાની વસ્તુઓની ચોરી કે લુંટ એ લુંટારાઓ માટે આસાન હોય છે પણ ૧૮૧૪ કિલો વજનનું બ્રોન્ઝ સ્ટેચ્યુ જેનો આકાર અગિયાર ફુટનો હતો તેના પર હાથ સાફ કરવામાં પણ લુંટારાઓ સફળ રહ્યાં હતા જે એક અજબ વાત કહી શકાય.ઇંગ્લેન્ડ ખાતે હેન્રી મુર ફાઉન્ડેશન ખાતે આ શિલ્પ જેને રિક્લિનિંગ ફિગર તરીકે ઓળખવામાં આવતું હતું તે મુકાયું હતું.આ શિલ્પ કલાકારની મુળ કૃત્તિ હતી.આ સાથે અન્ય છ કૃત્તિઓ પણ ત્યાં મુકાયેલી હતી.જો કે આટલું વિશાળ શિલ્પ ચોરો ચોરી ગયા હતા અને તે આજે પણ પરત મેળવી શકાયું નથી.ચોરોએ ૨૦૦૫નાં ડિસેમ્બર મહિનામાં તેના પર હાથ સાફ કર્યો હતો.સિક્યુરિટી કેમેરામાં ચોરો એ ચાર મિલિયનનાં સ્ટેચ્યુ સાથે નજરે પડે છે.જો કે ચોરો કોણ હતા તે આજે પણ રહસ્ય છે.તંત્ર માને છે કે આ શિલ્પ પાછુ મેળવી શકાય તેમ નથી કારણકે ચોરોએ તેને ઓગાળીને તેને ભંગારમાં વેચી નાંખ્યું હશે.

ઇટાલિયન કલાકાર માઇકલ એન્જેલો બ્યુનેરોટી એ વિશ્વ વિખ્યાત કલાકાર છે જેણે સિસ્સાટઇન ચેપલની છત પર ઉત્તમ કલાકૃત્તિઓનું નિર્માણ કર્યુ હતું.આ ઉપરાંત ડેવિડની મુર્તિ અને પિયેટા જેવી કલાકૃત્તિઓનાં સર્જક તરીકે તેમનું નામ અમર થઇ ગયું છે.આ કલાકૃત્તિઓ જાહેરમાં મુકાયેલી છે અને મુલાકાતીઓ તેને વિના મુલ્યે જોઇ શકે છે.જો કે માઇકલ એન્જેલોની માસ્ક ઓફ ફોઉન વિશે તેમ કહી શકાય તેમ નથી.આ કૃત્તિ ફલોરેન્સનાં બાર્ગેલો મ્યુઝીયમમાંથી ૧૯૪૪માં ગુમ થઇ જવા પામી હતી.આ શિલ્પ આરસથી બનેલું હતું.આ શિલ્પને બીજા વિશ્વયુદ્ધ સુધી ફલોરેન્સમાં મુકાયું ત્યારબાદ તેને પોપ્પી કેસલ ભારે સુરક્ષા સાથે લઇ જવાનું નક્કી કરાયું હતું.જો કે ઓગસ્ટ ૧૯૪૪માં જર્મન સૈનિકોએ આ કલાકૃત્તિઓની ચોરી કરી હતી.આ શિલ્પને ટ્‌કમાં લઇ જવાયું હતું જેને ફોર્લી ખાતે રોકવામાં આવ્યા હતા અને ત્યાં તે એક અઠવાડિયા સુધી પડ્યા રહ્યાં હતા.અહીંથી તે ગુમ થઇ ગયું અને ત્યારબાદ તેનો કોઇ પત્તો લાગ્યો નથી.

કેનેડામાં ચાર સપ્ટેમ્બર ૧૯૭૨નાં દિવસે મોન્ટ્રીયલ મ્યુઝીયમમાં લુંટ ચલાવાઇ હતી જેમાં લુંટારાઓ ત્યાંના ગાર્ડને બાંધીને બે મિલિયનની કિંમતની કલાકૃત્તિઓ લુંટીને લઇ ગયા હતા.આ લુંટમાં ચિત્રો, ઘરેણા અને કલાકૃત્તિઓ હતી.જેમાં રેમ્બ્રાન્ટ વાન રિઝીનાં અઢાર જેટલા પેઇન્ટિંગ હતા.૧૯૯૨માં તેની કિંમત વીસ મિલિયન ડોલરની અંકાઇ હતી.અન્ય જે ચિત્રો ચોરાયા હતા તેની કિંમત પણ વીસ મિલિયન જેટલી જ હતી.જેમાં એલ્ડરનાં શિષ્ય જેન બ્રિઉગેલનું લેન્ડસ્કેપ વેહિકલ એન્ડ કેટલ, જ્યાં બાપ્ટીસ્ટ કેમિલિ કોરોટનું લા રિવિયુઝ અ લા ફોન્ટેઇન અને વેનિટાસનું સ્ટીલ લાઇફ વીથ બુક્સ , અ ગ્લોબ, અ સ્કલ, અ વાયોલિન અને જેન ડેવિડસઝુનનું ફેન સામેલ હતા.આજે પચાસ વર્ષ બાદ પણ આ લુંટ રહસ્યમય જ બની રહી છે.કેનેડાનાં ઇતિહાસમાં આ સૌથી મોટી લુંટ હતી.

૧૬૦૯માં માઇકલએન્જેલો મેરિસી દા કારાવેગિઓએ નેટીવીટી, સેઇન્ટસ લોરેન્સ એન્ડ ફ્રાંસિસ નામનાં ચિત્રનું સર્જન કર્યુ હતું.આ ચિત્રમાં નવજાત ઇસુનું ચિત્ર હતું.આ ચિત્ર એટલું સુંદર હતું કે તેને વીસમી સદીનું સૌથી સુંદર ચિત્ર ગણવામાં આવતું હતું.૧૭ ઓક્ટોબર ૧૯૬૯માં બે ચોરોએ પાલેર્મોની સેેન લોરેન્જો ખાતે લુંટ ચલાવી હતી અને તેઓ નેટીવીટીને પોતાની સાથે લઇ ગયા હતા.કહેવાય છે કે આ લુંટમાં સિસિલિયન માફીયાઓનો હાથ હતો જો કે આ ચોરી કરાયેલ કલાકૃત્તિ આજે પણ ગુમ છે જો કે ૨૦૧૫માં તેની નકલ લવાઇ હતી જે આજે મ્યુઝીયમમાં ટિંગાયેલી જોવા મળે છે.

૨૦૧૦થી ૨૦૧૫નાં ગાળા વચ્ચે જુદા જુદા યુરોપિયન શહેરોમાં કેટલીક ચોરીઓ થઇ હતી જેનો સંબંધ ચીની કલાકૃત્તિઓ સાથે હતો.તે લુંટ અંગે કેટલાક લોકો માનતા હતા કે ખુદ ચીની સરકારે આ ચોરીઓ કરાવી હતી.આ પ્રકારની લુંટનો આરંભ ૨૦૧૦માં સ્વીડનનાં સ્ટોકહોમમાં થયો હતો.ત્યારે ચોરોએ સ્વીડનનાં રોયલ રેસિડન્સની સામે જ એક કારને  સળગાવી હતી લોકોનું ધ્યાન તેની તરફ હતું જેનો ફાયદો ઉઠાવીને ચોરો અંદર ઘુસી ગયા હતા અને જ્યાં ચીની કલાકૃત્તિઓ પ્રદર્શનમાં મુકાઇ હતી ત્યાંથી ચીની કલાકૃત્તિઓ ઉઠાવીને રફુચક્કર થઇ ગયા હતા.ત્યારબાદ નોર્વેનાં બર્ગેન મ્યુઝીયમમાંથી પણ ચાઇનીઝ કલાકૃત્તિઓની ચોરી થઇ હતી.ઇંગ્લેન્ડનાં ડરહામ શહેરમાં આવેલ ડરહામ યુનિવર્સિટીનાં ઓરિએન્ટલ મ્યુઝીયમમાં ચોરો ત્રાટક્યા હતા અને ચોરોએ ૨૦૧૩માં કેમ્બ્રીજ યુનિવર્સિટીને પણ નિશાન બનાવી હતી.નોર્વેનાં બર્ગનનાં કોડ મ્યુઝીયમને ચોરોએ ફરી નિશાન બનાવ્યું હતું અને લગભગ બાવીસ જેટલી ચીની કલાકૃત્તિઓ ચોરી ગયા હતા.બે વર્ષ બાદ પેરિસનાં ચેતાઉ ડી ફોન્તેનબ્લુ નામનાં ચીની મ્યુઝીયમમાં ચોરો ત્રાટક્યા હતા જયાંથી ચોરોએ એ કલાકૃત્તિઓ ઉઠાવી હતી જે ફ્રેન્ચ સૈનિકો બેઇજિંગમાંથી લુંટી લાવ્યા હતા આ લુંટ તેમણે ૧૮૬૦માં ચલાવી હતી.કહેવાય છે કે ચીની સરકારે પોતાનો પ્રાચીન કલાવારસો પરત મેળવવા માટે જ આ ચોરીઓ કરાવી હતી.ત્યારબાદ પણ યુરોપનાં શહેરોમાં આ પ્રકારની ચોરીઓ થઇ હતી જેમાં એ ચીની કલાકૃત્તિઓ જ લુંટાઇ હતી જે વિદેશી સેનાઓ ચીનમાંથી લુંટી લાવી હતી.

સમુદ્રી સંશોધક ટેડી ટકરને એક મુલ્યવાન ક્રોસ ૧૯૫૫માં મળ્યો હતો.આ ક્રોસ ૧૫૯૪માં બર્મ્યુડાના સમુદ્રમાં ગુમ થઇ ગયો હતો.આ ક્રોસને ટકર ક્રોસ તરીકે ઓળખવામાં આવતો હતો.આ ક્રોસ ત્યારે ખુબ જ કિંમતી મનાતો હતો જે ૧૯૯૭ મળ્યો હતો.ટકરે આ ક્રોસ બર્મ્યુડાની સરકારને વેચ્યો હતો જેને એકવેરિયમ મ્યુઝીયમમાં મુકાયો હતો.જો કે આ મ્યુઝીયમની મુલાકાતે કવીન એલિઝાબેથ આવ્યા ત્યારે ક્રોસનું પરિક્ષણ કરાયું અને તેમાં બહાર આવ્યું હતું કે તે નકલી હતું.આ ક્રોસ સસ્તા પ્લાસ્ટીકનો બનેલો હતો જો કે અસલ ટકર ક્રોસ ક્યાં છે તેની આજે પણ કોઇને ખબર નથી.