Bhagvat Rahasaya - 176 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 176

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 176

ભાગવત રહસ્ય-૧૭ ૬

 

લક્ષ્મીજી તો નારાયણને જ વરે છે.જેનું હૃદય -પ્રેમમય,કોમળ અને મૃદુ હોય અને- એમાં નારાયણનો વાસ હોય, તેને ત્યાં લક્ષ્મી આવે છે.લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા.ત્યાં સુધી ભગવાનની નજર ધરતી પર હતી.જેની પાસે પૈસો હોય તેને આજુ બાજુ ચારે બાજુ નજર રાખવાની અને સર્વના દુઃખો દૂર કરવાનાં.તો જ લક્ષ્મી ,ઘરમાં અખંડ વિરાજશે. આજકાલ લોકોને પૈસા મળ્યા પછી,તેમને બીજું કંઈ દેખાતું નથી.હું મારી અલી, અને બાબો.

 

ફરી સમુદ્રમંથન થયું.દૈત્યોએ વિચાર્યું –એક વાર ઘોડો લઈને બેઠા એટલે બીજું બધું દેવોને ગયું.

આ વખતે જે નીકળે તે અમારે જ લેવું છે. ત્યાં વારુણી-મદિરા દેવી નીકળ્યા.

તે દૈત્યોના પક્ષમાં ગયા.ખુબ પીઓ અને મજા કરો.

તે પછી ધન્વન્તરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ખેંચી લીધો.

દેવોને દુઃખ થયું.તે ભગવાનને શરણે ગયા. ભગવાને કહ્યું-હવે યુક્તિથી કામ લેવું પડશે.

 

અમૃત માટે દૈત્યો અંદરોઅંદર ઝગડો કરવા લાગ્યા.ઝઘડો થાય તો કોઈને ય અમૃત મળતું નથી.

દૈત્યો વચ્ચે,ભગવાન મોહિની સ્વરૂપે પ્રગટ થયા.આજે પીતાંબર નહિ-પણ સાડી પહેરીને આવ્યા છે.

મોહિનીના રૂપથી દૈત્યો ફસાયા છે.સંસારસ્વરૂપમાં આસક્તિ તે માયા,ઈશ્વરના સ્વરૂપ માં આસક્તિ તે ભક્તિ.સંસારના કે કોઈના સ્વરૂપમાં મન ફસાય તે દૈત્ય છે. દૈત્યો કામાંધ બનીને મોહિની જોડે આવ્યા છે.

કામાંધને વિવેક રહેતો નથી.મોહિની સ્વરૂપમાં સર્વ દૈત્યોને મોહ થયો છે.બધા કહે છે-અમારા ઘેર પધારો.

 

મોહિનીએ જેના હાથમાં અમૃતનો ઘડો હતો તેના સામે જોઈ સ્મિત કર્યું.

પેલો બોલ્યો –કે-દેવીજી,આ ઘડો હું તમને આપું તમે મારા ઘેર આવો.

મોહિનીએ પૂછ્યું –ઘડામાં શું છે ? દૈત્યે કહ્યું –કે અમૃત છે. અને તે દૈત્યે ઘડો આપી દીધો.

મોહિનીએ કહ્યું-તમે આમ અમૃત માટે તકરાર કરો તે મને ગમતું નથી. જો તમે બધા શાંતિથી બેસી

જાવ તો હું બધાને અમૃત આપીશ.

 

મોહિનીએ દેવો અને દૈત્યોની જુદી જુદી પંગત કરી છે.મોહિની પ્રથમ દૈત્યો પાસે ગયાં અને કહ્યું કે-- આ દેવો લાલચુડા છે.તેઓ તાકીતાકીને જુએ છે.તેમની નજર સારી નથી લાગતી. તેમની નજર લાગે તો બધાને ઓકારી આવશે.તમારુ કલ્યાણ કરવું એ મારી ફરજ છે. પરંતુ ઉપરનું પાણી જેવું અમૃત છે-તે દેવોને પહેલાં આપી દઉં –પછી તમને બધાને નીચેનો રગડો જે તર માળ છે –તે આપીશ. દૈત્યો માની ગયા.

 

પછી તો મોહિની ભગવાન દેવોને અમૃત પાવા લાગ્યા.

કળશ જરા વધુ વાંકો વળતો જોઈ –રાહુ નામના એક દૈત્યને શંકા ગઈ,કે કંઈક ખોટું લાગે છે.

તેણે વિચાર્યું કે મારે સ્ત્રીની જરૂર નથી પણ અમૃતની જરૂર છે-

તેથી તે –રાહુ -દેવ બનીને દેવોની પંગતમાં ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવીને બેસી ગયો.

પ્રભુએ આ જોયું, પણ પંગતમાં વિષમતા ન થાય-એટલે પ્રભુએ જાણવા છતાં તેને અમૃત આપ્યું છે.

જરા વિચાર કરો તો સમજાશે-કે-ઇન્દ્ર વગેરે દેવોને અમૃત મળતું હતું ત્યારે રાહુ વચ્ચે ના આવ્યો પણ સૂર્ય-ચંદ્ર ને અમૃત મળતું હતું ત્યારે આવ્યો. મનના માલિક ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્ય છે.

મનુષ્ય મન અને બુદ્ધિને જયારે ઈશ્વરના ધ્યાનમાં સ્થિર કરે છે-ત્યારે વિષય-રાહુ વિઘ્ન કરવા આવે છે.

મન અને બુદ્ધિને ભક્તિ રૂપી અમૃત મળે તે રાહુ-વિષયોથી સહન થતું નથી. તેથી વિષયો વિઘ્ન કરે છે.

જ્ઞાન ને અજ્ઞાન ઢાંકે છે-તે વખતે જ્ઞાન રૂપી સુદર્શન ચક્રથી તેને કાપી નાખો.તો અજ્ઞાનનો પડદો દૂર થશે.

 

 - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - -