annabale movies in Gujarati Horror Stories by Anwar Diwan books and stories PDF | પાપી ગુડિયા

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

પાપી ગુડિયા

અમેરિકામાં ૧૯૭૦ના દાયકામાં બનેલી આ એક સત્યઘટના છે. ડોના નામની એક યુવતી પોતાનું ગ્રેજ્યુએશન પતાવી નર્સિંગની તાલીમ લઈ રહી હતી. એન્જી નામની એક અન્ય યુવતી સાથે તે પોતાના ઘરથી દૂર એક એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતી હતી. એન્જી પણ નર્સ બનવાની તાલીમ લઈ રહી હતી. ડોનાની વર્ષગાંઠ પર તેને તેની મમ્મીએ એક ભેટ મોકલાવી હતી જે એક જૂનીપુરાણી ઢીંગલી હતી. અમેરિકામાં હોબી સ્ટોર તરીકે ઓળખાતી દુકાનો આવેલી હોય છે જ્યાં સેકન્ડ હેન્ડ ચીજો સસ્તામાં મળી જતી હોય છે. આવા જ કોઈ હોબી સ્ટોરમાંથી ડોનાની મમ્મીએ ડોના માટે એ ઢીંગલી ખરીદી હતી. કાપડની બનેલી એ ઢીંગલી દેખાવે સુંદર હોવાથી ડોનાને પહેલી જ નજરે ગમી ગઈ. તેણે એ રૂપકડી ઢીંગલીને પોતાના બેડરૂમમાં એક જગ્યાએ ગોઠવી દીધી. દેખાવે તદ્દન નિર્દોષ જણાતી એ ઢીંગલી વાસ્તવમાં એટલી નિર્દોષ નહોતી. એનામાં એવું કંઈક વિશિષ્ટ તત્વ હતું જે એ સમયે ડોના અને એન્જીના ધ્યાન બહાર રહી ગયું હતું.થોડા જ દિવસોમાં ડોના અને એન્જીને એવું લાગવા માંડયું કે ઢીંગલી પોતાની જાતે હલનચલન કરતી હતી. ડોના તેને પોતાના પલંગ પર મૂકીને સવારે કોલેજ જતી રહેતી, પણ બપોર પછી તે જ્યારે પાછી ફરતી ત્યારે ઢીંગલી સોફા પર કે રૂમના બીજા કોઈ ખૂણામાં મળી આવતી. ડોના અને એન્જીનું ઘરની બહાર જવું એક સાથે જ થતું એટલે એકની ગેરહાજરીમાં બીજી આવું પરાક્રમ કરતી હોય એ અશક્ય હતું. આ પ્રકારે ઢીંગલીનું સ્થાનફેર વારંવાર થતું હોવા છતાં બંને સહેલીઓ એ માનવા તૈયાર નહોતી કે કોઈ નિર્જીવ ઢીંગલી આપમેળે જ ચાલીને કે સરકીને સ્થળાંતર કરતી હોય.ડોના અને એન્જીનો એક કોમન ફ્રેન્ડ હતો જેનું નામ લુ હતું. ચીની મૂળનો લુ તેમની સાથે જ ભણતો હતો અને અવારનવાર તેમના એપાર્ટમેન્ટમાં આવતો હતો. લુને એ ઢીંગલી જરાય નહોતી ગમતી. તેને સતત એ ઢીંગલી તરફ નકારાત્મક લાગણી થતી અને તેણે ડોના અને એન્જીને એ વિશે જણાવ્યું પણ હતું, પરંતુ છોકરીઓએ લુની વાત ગંભીરતાથી નહોતી લીધી. લુનું માનવું હતું કે, એ ઢીંગલીમાં કોઈ અશુભ તત્વ હતું જેના લીધે તેને એના પ્રત્યે નકારાત્મક લાગણીનો અનુભવ થતો હતો. આધુનિક મિજાજની ડોના અને એન્જી તેની વાત હસી કાઢી હતી, પરંતુ એક રાતે કંઈક એવું બની ગયું કે જે જોઈને ડોના અને એન્જીની એ ઢીંગલી વિશેની માન્યતાઓ સમૂળગી બદલાઈ ગઈ.રેસ્ટોરાંમાં ડિનર લઈને બંને સહેલીઓ એક રાતે ઘરે આવી ત્યારે તેમણે જોયું કે, ઢીંગલીના બંને હાથ લોહીથી ખરડાયેલા હતા. એટલું જ નહીં, પરંતુ ઢીંગલીના પીઠના ભાગમાં એક છિદ્ર પડ્યું હતું અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. એ નજારો જોઈને ડોના અને એન્જી છળી ઊઠી. કોઈ નિર્જિવ પદાર્થમાંથી લોહી વહી જ કઈ રીતે શકે?! સખ્ખત ડરી ગયેલી ડોના અને એન્જીએ તાત્કાલિક લુને બોલાવ્યો અને જે કંઈ બન્યું હતું એના વિશે એને વાત કરી. લુ પાસેય કોઈ સોલ્યુશન નહોતું. અડધી રાતે આ સમસ્યાનો કોઈ ઉપાય કરી શકાય એમ નહોતો એટલે ત્રણે આખી રાત ડરના માર્યા જાગતાં બેસી રહ્યાં.સવાર પડતાં જ તેમણે એક સ્થાનિક ભૂવાનો સંપર્ક કર્યો. ભૂવાએ તેમના ઘરે આવી ઢીંગલીને કેન્દ્રસ્થાને રાખીને તાંત્રિક વિધિ કરી અને એક ભયાવહ રહસ્ય સામે આવ્યું. ડોના અને એન્જી જે એપાર્ટમેન્ટમા રહેતાં હતાં એ એપાર્ટમેન્ટ બન્યું તે અગાઉ એ સ્થળે એક ખુલ્લું વેરાન મેદાન હતું. એક દિવસ એ મેદાનમાં સાત વર્ષની ઉંમરની એનાબેલા હિગિન્સ નામની એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પીઠમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ ઘા કરવામાં આવ્યો હતો. એનાબેલા કોણ હતી અને ક્યાંથી આવી હતી એની કોઈ માહિતી કોઈ વ્યક્તિ પાસે નહોતી. તાંત્રિકે પોતાની વિશિષ્ટ વિદ્યાથી એનાબેલાના પ્રેત સાથે સંપર્ક સાધ્યો જેના પરથી એટલું જ જાણવા મળ્યું કે, એનાબેલાની આત્મા વર્ષો સુધી એ વેરાન સ્થળે ભટકતી રહી હતી અને આવતાં-જતાં લોકોને રંજાડતી, ડરાવતી હતી. એનાબેલાના એરિયામાંથી એકલી પસાર થતી વ્યક્તિને માથે કદીક કોઈ ભારે પથ્થર આવીને અફળાતો, તો કોઈ વ્યક્તિના કપડાં અચાનક જ આગ પકડી લેતાં. ક્યારેક કોઈ વ્યક્તિ પોતાના ખભા પર ભયંકર વજનનો અનુભવ કરતી, તો કોઈકના હાથમાં રહેલી થેલી કે બેગ આંચકી લઈને જમીન પર ફેંકી દેવાતી. લોકોને ડરાવવામાં, પોતાના એરિયામાંથી ભગાડી દેવામાં એનાબેલાને મજા આવતી હતી. તાંત્રિકે જાહેર કર્યું કે, એ તમામ કારસ્તાન એનાબેલાની આત્મા જ કરતી હતી.વર્ષો વીતતાં એનાબેલાના ઘર સમાન એ વેરાન વિસ્તારનો સોદો થઈ ગયો અને એ સ્થળે એક એપાર્ટમેન્ટ બની ગયું. એનાબેલાએ એ એપાર્ટમેન્ટને પોતાનું ઘર બનાવી લીધું. તેનું પ્રેત એપાર્ટમેન્ટમાં અહીં તહીં ભટકતું રહેતું. ડોનાની ઢીંગલી જોતાં જ તેને એ ગમી ગઈ હતી. એ નિર્જીવ ઢીંગલીમાં પ્રવેશીને તેણે જ ઢીંગલીના સ્થાનફેરમાં ભાગ ભજવ્યો હતો. એનાબેલાના પ્રેતે તેને ઢીંગલીમાં રહેવા દેવાની આજીજી કરી અને તેનું પ્રેત એક માસૂમ બાળકીનું જ હોવાથી તેને ઢીંગલીમાં રહેવા દેવાની રજા પણ આપી દેવાઈ! ડોના અને એન્જીના જીવનની આ અત્યંત ગંભીર ભૂલ હતી. આમેય ઢીંગલીના દેખાવથી જેને ચીડ હતી એવો લુ તો ડોના અને એન્જીના આ નિર્ણયથી છળી ઊઠ્યો. તેણે બંને સહેલીઓને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે તેઓ એ ઢીંગલીથી હંમેશ માટે છુટકારો મેળવી લે એમાં જ સૌની ભલાઈ હતી, પરંતુ ડોના અને એન્જીએ ફરી એક વાર લુની સલાહને અવગણી. ઢીંગલીની અંદર બેઠેલી એનાબેલા આ બધું જોઈ રહી હતી. તેને લુ પ્રત્યે ભારે અણગમો થવા લાગ્યો હતો.બસ, એ જ દિવસથી લુને ડરામણાં સપના આવવા લાગ્યાં. સપનામાં તેને એ ઢીંગલી દેખાતી. ઢીંગલી લુના પગ પાસેથી થઈને ચાલતી ચાલતી તેની ગરદન સુધી પહોંચી જતી અને પછી તેનું ગળું ઘોંટી દેતી. સપનાને અંતે લુ ગભરાઈને જાગી જતો ત્યારે તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયેલો રહેતો, જાણે કે કોઈકે ખરેખર તેનું ગળું ઘોંટીને તેને મારી નાખવાની કોશિશ ન કરી હોય! શરૂઆતમાં આંતરે દિવસે આવતું આ સપનું પછી તો દરરોજ લુની ઊંઘ હરામ કરવા લાગ્યું. એકનું એક સપનું દરરોજ આવવું એ બહુ જ અસામાન્ય બાબત હતી, એટલે લુને લાગ્યું કે, નક્કી એમાં એનાબેલાના ભૂતનો જ કોઈ હાથ હતો. ડોનાની ગેરહાજરીમાં એક દિવસ લુ અને એન્જી ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન ઘડી રહ્યાં હતાં. બંને બેઠક રૂમમાં બેઠાં હતાં ત્યાં જ અચાનક તેમને ડોનાના બંધ કમરામાં કંઈક ઘસડાતું હોય એવો અવાજ સંભળાયો. ધડકતા હૃદયે લુ ડોનાના રૂમના દરવાજા નજીક પહોંચ્યો. ડરની મારી એન્જી તો પોતાની જગ્યાએ જ બેસી રહી. ડોનાના રૂમમાંથી આવતો અવાજ ચાલુ જ રહ્યો. ધડામ્‌ કરતો દરવાજો લુએ ખોલી નાખ્યો. એક ચીજ છોડીને કમરામાં તમામ ચીજો યથા સ્થાને હતી, અને એ ચીજ હતી પેલી ઢીંગલી. ડોનાના પલંગ પર હોવાને બદલે તે એક ખૂણામાં પડી હતી. લુ હિંમતભેર ઢીંગલી તરફ આગળ વધ્યો. ઢીંગલી નજીક જઈ નીચા ઝૂકીને તેણે ઢીંગલીની આંખોમાં જોયું. ઢીંગલીમાં કોઈ હલનચલન નહોતું. બે પળ-ચાર પળ વીતી ત્યાં જ લુને લાગ્યું કે કોઈ તેની પાછળ ઊભું હતું. ‘કદાચ એન્જી હશે’ એમ વિચારી તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. અચાનક જ તેને છાતીના ભાગે જોરદાર બળતરા થવા લાગી. શર્ટનાં બટન ખોલીને તેણે જોયું તો તેની છાતી પર કોઈકના નખનાં ઊંડાં નિશાન પડ્યાં હતાં અને ત્યાં ટશિયાં ફૂટી આવ્યાં હતા. તેને એ સમજતાં વાર ન લાગી કે એ કારસ્તાન એનાબેલાનું જ હતું.લુ, ડોના અને એન્જીએ આ ઘટના બાદ સ્થાનિક પાદરીની મદદ માગી. ઢીંગલીને જોઈ-તપાસીને પાદરીએ પણ તે ભૂતિયા હોવાનું જાહેર કર્યું. તેણે તાત્કાલિક એડ લોરન અને તેની પત્નીને તેડાવ્યાં. કનેક્ટીકટ રાજ્યના મનરો શહેરમાં વસતું વોરન દંપતી ભૂતપ્રેતો વિશે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવા માટે પંકાયેલું હતું. તેમણે પોતાના ઘરના પાછળના ભાગે ભૂતિયા ચીજોનું મ્યુઝિયમ બનાવ્યું હતું. એ મ્યુઝિયમમાં રાખવા માટે એનાબેલા ઢીંગલીને લઈ જવાનો પ્રસ્તાવ તેમણે ડોના અને એન્જી સામે મૂક્યો.ભૂતિયા ઢીંગલીથી છુટકારો મેળવવા તત્પર ડોનાએ તરત જ તેમને એ ઢીંગલી સોંપી દીધી. ઘર સુધીની સફર દરમિયાન એનાબેલાનું પ્રેત કોઈ સમસ્યા ઊભી ન કરે એ માટે તેના ઉપર વિશેષ મંત્રો અને પવિત્ર પાણીના છંટકાવનો ઉપયોગ કરી તેને એક ડબ્બામાં બંધ કરી દેવામાં આવી. ઘરે જઈને વૉરન દંપતીએ શરૂઆતમાં એનાબેલાને ખુલ્લામાં રાખી. અહીં પણ ઢીંગલીએ પોતાના સ્થાનફેરની પ્રવૃત્તિ ચાલુ રાખી. ક્યારેક તે કોઈ ખૂણામાં અન્ય ચીજવસ્તુઓની પાછળ છુપાઈ જતી, તો ક્યારેક તે મ્યુઝિયમની અન્ય ચીજોને નુકશાન પહોંચાડતી. રાતે સાજાસમા હોય એવા સિરામિકના વાઝ અને મોંઘા પેઇન્ટિંગ્સ સવારે નખરાટી કાઢવામાં આવ્યા હોય એવા લાગતા. રાત પડ્યે જીવંત થઈ ઉઠતી એનાબેલા જાણે કે મ્યુઝિયમની નિર્જિવ ચીજો પર પોતાનું રાજ ચલાવતી. કદાચ કોઈ જીવિત વ્યક્તિને નુકશાન પહોંચાડવાની તક ન મળતી હોવાથી તે પોતાનો ગુસ્સો અને હતાશા મ્યુઝિયમમાં રાખેલી ચીજો પર ઉતારતી હતી. છેવટે તેને એક લાકડાના શો-કેસમાં પૂરી, તાળું મારી, તેની ફરતે પવિત્ર દોરા બાંધી દેવામાં આવ્યા કે જેથી તે ત્યાંથી બીજે ક્યાંય ન જઈ શકે. અને આખરે થયું પણ એમ જ. એનાબેલાનું ભૂત એ ઢીંગલીમાં અને એ ઢીંગલી પેલા શો-કેસમાં હંમેશ માટે કેદ થઈ ગઈ.વર્ષ ૨૦૧૩માં અમેરિકામાં રિલીઝ થયેલી અંગ્રેજી હોરર ફિલ્મ ‘ધ કન્જ્યુરિંગ’માં એક સબ પ્લોટ તરીકે એનાબેલા ઢીંગલીની વાત વણી લેવામાં આવી છે. સિનેમેટિક લિબર્ટીને નામે દિગ્દર્શક જેમ્સ વાને ફિલ્મમાં ઢીંગલીને વધુ ખોફનાક પ્રવૃત્તિઓ કરતી બતાવી છે. બૉક્સઓફિસ પર તરખાટ મચાવનારી આ અદ્ભુત ફિલ્મે એનાબેલાની કહાનીને વૈશ્વિક સ્તરે ખૂબ પ્રસિદ્ધિ અપાવી છે. વિશ્વની સૌથી વધુ ભૂતિયા ગણાતી અસલ ઢીંગલી આજની તારીખે પણ વૉરન દંપતીના મ્યુઝિયમમાં જોવા મળે છે.