Love Revenge Spin Off Season - 2 - 31 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-31

Featured Books
Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-31

 લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-31

 

“ટિંગ ટોંગ....!”

            વહેલી સવારે પાંચ વાગે સિદ્ધાર્થ બરોડા ઘરે આવી પહોંચ્યો હતો. આવતી વખતે રસ્તામાં બે-ત્રણ વખત પડેલાં વરસાદી ઝાપટાંઓને લીધે સિદ્ધાર્થે ધીમી સ્પીડે બાઇક ચલાવવાની અને વરસાદથી બચવા હાઇવે ઉપર પેટ્રોલ પંપ ઉપર અટકવાની ફરજ પડી હતી. જેને લીધે ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું હતું. ધીમી સ્પીડે બાઇક ચલાવી-ચલાવીને સિદ્ધાર્થ થાકી અને કંટાળી ગયો હતો. એમાંય ઓલમોસ્ટ આખી રાત ડ્રાઈવ કર્યા કરવાને લીધે તો કમરના મણકામાં તેણે અસહ્ય દુ:ખાવો અનુભવ્યો.

            ઘરમાં કામ કરતાં સર્વન્ટ કિરણકાકાએ દરવાજો ખોલતાં જ સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું અને અંદર એન્ટર થઈ ગયો.

            “બવ મોડું થઈ ગયું....!?” કાકાએ પૂછ્યું.

            “વરસાદ નડ્યો....!” કંટાળેલા સિદ્ધાર્થે ટૂંકમાં જવાબ આપ્યો.

            “ગરમ ચ્હા બનાઉ....!?”

            “ના ના....મારે તો સૂઈજ જવું છે...!” સિદ્ધાર્થ ઉતાવળા સ્વરમાં બોલ્યો અને એન્ફિલ્ડની ચાવી સોફા આગળના કૉફી ટેબલ ઉપર મૂકીને સોફામાં લંબાઈ દીધું.

            થાકને લીધે સોફામાં પડતાંની સાથે તેની આંખ લાગી ગઈ અને તે ભયંકર ઊંઘમાં સરી પડ્યો. જોકે તેને એ નહોતી ખબર કે આવતી વખતે છેલ્લે જે પેટ્રોલ પંપ ઉપર રોકાઈ તે બરોડા આવવા નીકળ્યો હતો, ત્યાંથી નીકળતી વખતે હાઇવે ઉપર તેનો મોબાઈલ નવા કુર્તાના ખિસ્સાની કાચી સિલાઈ ઉકલી જવાને લીધે સરકીને પડી ગયો હતો.  

***

            “સિદ્ધાર્થ જોડે કોઈ વાત થઈ....!?” કામ્યાએ સામે બેઠેલી લાવણ્યાને અત્યંત અધિર્યા સ્વરમાં પૂછ્યું.

             લાવણ્યા સહિત બધાંએ તેનાં સ્વરમાં નાં સમજાય તેવી અધિરતાં અનુભવી અને બધાં કામ્યા સામે જોઈ રહ્યાં.

            “આઈમીન...!મ...મેં ગઈકાલે રાત્રે એને કૉલ ટ્રાય કર્યો’તો....!” બધાં તેણી સામે જોઈ રહેતાં કામ્યાની જીભ થોથવાઈ ગઈ “બટ....! એનો ફોન લાગ્યો નઈ.....! એટ્લે પૂછ્યું...!”

            “પણ તે કેમ એને ફોન કર્યોતો...!?” અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું.

            “અરે...! મેં તો લાવણ્યાનું પૂછવાં ફોન કર્યોતો....!” કામ્યા પહેલાં અંકિતા સામે અને પછી લાવણ્યા સામે જોઈને બોલી “કે એ સેફ ઘેર પહોંચી ગઈ કે નઈ....!?”         

            “એનો ફોન સ્વિચ ઑફજ આવે છે....!” લાવણ્યા ઢીલા સ્વરમાં બોલી “મેં ઘણો ટ્રાય કર્યો...!”

            બધાં થોડીવાર મૌન થઈ ગયાં.

            “એણે પ્રોમિસ કરીતી....!” થોડીવાર પછી લાવણ્યા એજરીતે શૂન્યમનસ્ક જોઈ રહીને બોલી “એ મારાં ફોન અને મેસેજનો આન્સર આપશે....!”

            બોલતાં-બોલતાં લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. બધાં લાવણ્યા સામે દયામણી નજરે જોઈ રહ્યાં.

            “કોઈ પ્રોબ્લેમ હશે યાર....!” અંકિતા લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં બોલી “ડોન્ટ વરી....! હમ્મ...!”

            લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર એમજ શૂન્યમનસ્ક જોઈ રહી અને સિદ્ધાર્થનાં વિચારોમાં ખોવાઈ ગઈ.

            “અરે....! આ વિવાન અને રોનક....! ક્યાં છે...! બેય...!?” હવે પ્રેમ બોલ્યો.

            “શું ખબર....! ડફોળ છે....!” અંકિતા મોઢું મચકોડીને બોલી.

            “કોણ...!?” ત્રિશા આંખો નચાવીને બોલી.

            “બ...બેય જણાં...!” અંકિતા પરાણે તેણીનું સ્મિત છુપાવતાં બોલી.

            બધાં કોઈને-કોઈ વાત વડે લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. જોકે લાવણ્યાનું મન ઉદાસ જ રહ્યું. સિદ્ધાર્થ સાથે વાત કરવાની તે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી.

             

***

            “તે વિજયને પૂછ્યું....કે એ લોકો આમદવાદથી આ’વા નીકળી ગ્યાં કે નઈ ....!?” ઉતાવળા પગલે ડ્રૉઇંગરૂમમાં આવતાં-આવતાં કરણસિંઘે સુરેશસિંઘને પૂછ્યું.

             “હાં....વે’લ્લી સવારે જ નીકળી ગ્યાં છે....!” જોડે ચાલતાં-ચાલતાં સુરેશસિંઘ બોલ્યાં “બસ પોં’ચવા જ આયા છે....!”

            “અને સિદ્ધાર્થ નીકળ્યો કે નઈ અમદાવાદ આ’વા....!?”

            “એને તો મેં રાતે જ બરોડા આઈ જવાનું કઈ દીધું’તું....!” સુરેશસિંઘ બોલ્યાં “એ આઈ પણ ગ્યો હશે ને કદાચ એના રૂમમાં સૂતો હશે...!”

            “આજે તો મારેય ઉઠવામાં લેટ થઈ ગયું “કરણસિંઘ બોલ્યાં “રાતે બધી તૈયારીઓમાં ઊંઘવામાં મોડું થઈ ગ્યું ‘તું...!”

            “હમ્મ...લગનનું ને બધુ કામ એકસાથે ભેગું થઈ ગ્યું...!” હળવું સ્મિત કરીને સુરેશસિંઘ બોલ્યાં.

            “હવે જલ્દી નીકળીએ...!” કરણસિંઘ બોલ્યાં અને બંને ચાલતાં-ચાલતાં ડ્રોઈંગરૂમના સોફા પાસે આવ્યાં.  

            “આ તો હજી સુતો છે....!” સોફામાં સુતેલાં સિદ્ધાર્થને જોતાજ કરણસિંઘ બોલ્યાં.

            “સિદ્ધાર્થ....! સિદ્ધાર્થ....!” સુરેશસિંઘે તરતજ નીચા નમીને સિદ્ધાર્થને ઢંઢોળ્યો.

            “હમમ...!” આંખ ચોળતો સિદ્ધાર્થ કાચી ઊંઘમાંથી બેઠો થયો “હા...અ...મામા...!”

            કરણસિંઘને જોતા જ સિદ્ધાર્થ સોફામાંથી ઉભો થયો.

            “મને એમ કે તું તૈયાર થઇ ગ્યો હોઈશ....!” કરણસિંઘ સહેજ નારાજ ચેહરે બોલ્યાં.

            “હું સવારે પાંચ વાગે જ આયો..! વરસાદને લીધે મોડું થયું...!” અપૂરતી ઊંઘના લીધે ચેહરા ઉપર  સ્ટ્રેસના ભાવો સાથે સિદ્ધાર્થ બોલ્યો.

            “તો જલ્દી તૈયાર થઇ જા...! આપડી ઓફિસે જઈને ત્યાંથી સીધું રજીસ્ટ્રાર ઓફીસ જવાનું છે...!” સુરેશસિંઘ બોલ્યાં “વકીલને પણ ત્યાંજ બોલાઈ લીધા છે....! પાર્ટી પણ ત્યાંજ આવે છે...!”

            “ના...એટલો ટાઈમ નથી હવે...!” કરણસિંઘ બોલ્યાં અને પછી સિદ્ધાર્થ સામે જોયું “ખાલી મોઢું ધોઈ લે...અને મારી જોડે જ ચલ....! આપડે બેય રજીસ્ટ્રાર ઓફીસ પોં’ચીએ....સુરેશ..તું ઓફિસે જા અને દસ્તાવેજ વગેરે કાગળો લઇ...વકીલ અને પાર્ટીને લઈને સીધો રજીસ્ટ્રાર ઓફીસ આય...!”

            “સારું...!” સુરેશસિંઘે માથું ધુણાવ્યું.

            સિદ્ધાર્થે પોતાનાં કાંડે બાંધેલી લાવણ્યાએ ગીફ્ટ આપેલી વોચમાં ટાઈમ જોયો. લગભગ દસ વાગી ગયા હોવાથી મોડું થઇ ગયું હતું.

            “માથાકૂટ કરવાનો અર્થ નથી...!” મોડું થઇ ગયું હોવાથી પિતા કરણસિંઘ જોડે કોઈ માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી એ જાણતો સિદ્ધાર્થ ઉપરના માળે પોતાનાં રૂમમાં જવા સીડીઓ તરફ ઉતાવળા પગલે જવા લાગ્યો.

            “ઝડપ કરજે.......!” જઈ રહેલા સિદ્ધાર્થને ઉદ્દેશી કરણસિંઘ બોલ્યાં.

            “હા સારું...!”પાછું જોયા વિના બોલીને સિદ્ધાર્થ સીડીઓ ચઢી ગયો.

            પોતાનાં બેડરૂમના બાથરૂમમાં આવીને સિદ્ધાર્થ ઝડપથી ફ્રેશ થઈને કપડા વગેરે બદલી વીસેક મિનીટમાં નીચે આવી ગયો.

            “મોબાઈલ ક્યાં મુકાઈ ગ્યો યાર....!?”  નીચે આવીને સિદ્ધાર્થ સોફાના કોફી ટેબલ ઉપર પડેલા છાપાઓના ઢગલા ઉથલાવી પોતાનો મોબાઈલ ગોતી રહ્યો હતો.

            “થઇ ગ્યો તૈયાર..!?” ત્યાંજ કિચન બાજુથી કરણસિંઘે આવતાં પૂછ્યું “શું ગોતે છે...!?”

            “મોબાઈલ નઈ મલતો....!” છાપાં ઉથલાવતાં-ઉથલાવતાં સિદ્ધાર્થ બોલ્યો.

            “અનિરુધ્ધ કે પછી છબીએ ના લીધો હોય...!” કરણસિંઘ બોલ્યાં.

            “નીતાકાકીને આઈ ગયાં...!?” સિદ્ધાર્થે આશ્ચર્યપૂર્વક જોઇને પૂછ્યું.

            “ગઈકાલના આઈ ગ્યા છે...!” કરણસિંઘ સહેજ સ્મિત કરીને બોલ્યાં “અને ભાણી-ભાણો બેય  (અનિરુધ્ધ- છબી) તને ગઈ કાલના ગોતતા ‘તાં...!”

            “ક્યાં છે બેય..!? હું મલી પણ લઉ અને મોબાઈલ પણ લઇ લવ...!”

            “અત્યારે છોડને....!” કરણસિંઘ માથું ધુણાઈને બોલ્યાં “બેય ક્યાંય ને ક્યાંય રમતા હશે....! ને સુરેશ વકીલ અને પાર્ટીને લઈને રજીસ્ટ્રાર ઓફીસ જવા નીકળી ગ્યો છે....! તું ગાડી બા’ર કાઢ ...હું રાગીણીનો મોબાઈલ તારા માટે લેતો આઉ છું...!”

            એટલું બોલીને કરણસિંઘ પાછું ફરીને કિચન તરફ ચાલવા લાગ્યાં.

            “લાવણ્યાનો કૉલ આવશે તો...!?” સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો અને ઘરમાં આજુ બાજુ જોઈ રહ્યો.

            ઘરમાં કામ કરતા કામવાળા અને મેરેજ માટે ઘરને સજાવા આવેલા ડેકોરેશનવાળા માણસોની ચેહલ-પેહલ ચાલી રહી હતી.

            “હાય...!” ત્યાંજ મેઈન દરવાજા તરફ પીઠ કરીને ઉભેલા સિદ્ધાર્થને પાછળથી કોઈએ બોલાવ્યો.

            પાછળ ફરીને સિદ્ધાર્થે જોયું તો નેહા ઊભેલી હતી અને મુખ્ય દરવાજામાંથી તેના મમ્મી અને તેમની પાછળ વિજયસિંઘ પણ આવી રહ્યાં હતાં.

            બધાંને જોઈને સિદ્ધાર્થે ઔપચારિક સ્મિત કર્યું.   

            “તારો ફૉન...!”

            “મારે લેટ થાય છે....!” નેહા બોલવા જ જતી હતી ત્યાં એટલું બોલીને સિદ્ધાર્થ ઘરની બહાર નીકળવા લાગ્યો. 

            પૉર્ચની સીડીઓ ઉતરીને તે બહાર આવી ગયો અને કરણસિંઘ આવે ત્યાં સુધી પાર્કિંગમાંથી કાર બહાર કાઢી ઘરના મેઇન ગેટની બહાર લાઇ આવ્યો.

            પિતા કરણસિંઘની રાહ જોતાં-જોતાં તે નેહા વિષે વિચારી રહ્યો.

            “ચલ જલ્દી....!” કારનો દરવાજો ખોલી અંદર બેસતાં કરણસિંઘ બોલ્યા અને કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલાં સિદ્ધાર્થના વિચારો ભંગ થયાં.

            કારની પાછલી સીટમાં દરવાજો ખોલીને વિજયસિંઘ બેઠાં.

            કારનો સેલ મારી સિદ્ધાર્થે કાર ડ્રાઈવ કરવા માંડી. કાર ચાલવાની સાથે-સાથે સિદ્ધાર્થનાં મનમાં નેહાનાં વિચારો પણ ચાલવા લાગ્યાં.

            “દસ્તાવેજનું કામ પતી જાય....એટ્લે તું ઘેર પાછો આઈ બધાં લેડિઝ જોડે શોપિંગ માટે જતો આય...!” આગળની સીટમાં સિદ્ધાર્થની જોડે બેઠેલાં કરણસિંઘ બોલ્યા “આવતી કાલે તો ગ્રહશાંતિ વગેરે બધુ છે......! એટલે કાલે કપડાં પે’રવા જોઈશે....! તારે પણ જે લેવાનું હોય એ લઈ લેજે...!”

            “સારું....!” કાર ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો.  

            “હવે મારે એની જોડે શોપિંગ પણ જવું પડશે યાર.....!” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

****

            જમીનનાં દસ્તાવેજનું, પેમેન્ટનું વગેરેનું કામ પતતા બપોરનાં લગભગ ત્રણ વાગી ગયાં. ત્રણેક કલ્લાકની ભીડ ભરી લાઇનમાં ઊભાં રહ્યાં પછી માંડ ટોકન મળ્યું અને એમાંય દસ્તાવેજમાં સામેલ હોય એવાં બંને પક્ષનાં લોકોનાં લાઈવ ફોટાં પાડી રજીસ્ટ્રેશન કરાવવાંનું કામ પતતા સુધીમાં તો બપોર પડી ગઈ. પેમેન્ટ વગેરેનું મહત્વનું કામ પતાવી તેમજ નાનું-મોટું નાનું મોટું જમીનને લગતું બાકીનું પછીના દિવસે કામ પેન્ડિંગ રાખી છેવટે સિદ્ધાર્થ કરણસિંઘ અને વિજયસિંઘને લઈને ઘરે આવ્યો.

            ઘરે આવતાંની સાથે ઘરનાં મોટાભાગનાં લેડિઝને લઈને લગ્નનાં કપડાની ખરીદી માટે તેઓ બરોડાનાં બજારમાં આવ્યાં. જોડે નેહા પણ હતી જ. જોકે નેહાનાં મમ્મી, રાગિણીબેન, ઝિલ વગેરે બધાની હાજરીને લીધે નેહા સિદ્ધાર્થ સાથે કઈં ખાસ વાતચિત કરી નાં શકી. આજ કારણથી સિદ્ધાર્થને રાહત અનુભવાઈ. 

            “આ કેવી લાગે છે...!?” ચણિયા ચોલી અને સાડીઓનાં શૉ રૂમમાં બધાં જોડે ખરીદી કરતાં નેહાએ સિદ્ધાર્થને પૂછ્યું.

            “સારી...!” ઔપચારિક સ્મિત કરીને સિદ્ધાર્થ બોલ્યો અને પોતાના હાથમાં રહેલો રાગિણીબેનનો સ્માર્ટ ફોન મંતરવાનું નાટક કરવા લાગ્યો.

            નેહા જ્યારે-જ્યારે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી સિદ્ધાર્થ આજ રીતે ફૉન મંતરવાનું નાટક કરીને તેણીને ઇગનોર કરતો. નેહા પણ આ વાત સમજતી હતી.

            “હું...અ...એક કૉલ કરીને આઉ...!” એટલું કહીને સિદ્ધાર્થ શૉ રૂમમાંથી બહાર જવા લાગ્યો.

            રાગિણીબેન વગેરે બધાંની હાજરીને લીધે નેહા કશું બોલી શકી નહીં.

            “કંટાળો આઈ ગયો યાર....! એક સેકન્ડ માટે પણ લાવણ્યા જોડે  વાત કરવાં મલે તો રાહત થાય....!” માથું દબાવી ચાલતા-ચાલતા સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

            બજારની એ સાંકડી ગલીમાં અમદાવાદની રતન પોળની દુકાનોની જેમજ આજુબાજુ સાડીઓની દુકાનો નાની-મોટી હતી. લગ્નના પાનેતરથી માંડીને ચણીયાચોલી વગેરે વિવિધ પ્રકારની અનેક સાડીઓ પુતળાઓ ઉપર ડિસ્પ્લેમાં મુકેલી હતી.

             

            “ચા પીવી પડશે....!” લાવણ્યા વિષે વિચારતો-વિચારતો સિદ્ધાર્થ આજુબાજુ દુકાનોમાં લાગેલી ચણીયાચોલી, સાડીઓ વગેરે જોતાં-જોતાં સાંકડી ગલીમાં ચાલી રહ્યો હતો.

            ત્યાંજ તેની નજર એક સહેજ મોટી દુકાનની કાંચની ડિસ્પ્લેમાં મુકેલા પુતળા ઉપર પહેરાવેલી એક ચણીયાચોલી ઉપર પડી.

            સરસ મજાની લાઈટ ફાલસા કલરની લહેરિયાવાળી એ ચણીયાચોલી ઉપર નજર પડતાં જ  સિદ્ધાર્થને તે ગમી ગઈ.

            “જોરદાર છે....!” પુતળા ઉપર પહેરાવેલી ચણીયાચોલીમાં લાવણ્યાને કલ્પીને સિદ્ધાર્થ મલકાઈને બબડ્યો અને તરતજ એ દુકાનમાં જતો રહ્યો.

            “આ કેટલાંની છે...!?” અંદર જતાંજ કાઉન્ટર ઉપર બેઠેલાં માણસને સિદ્ધાર્થે પુતળા ઉપર લાગેલી એ ચણીયાચોલી તરફ આંગળી ચીંધીને પૂછ્યું.

            “ડીઝાઈનર છે....! આસોપાલવની....!” ઓલા દુકાનદારે કહ્યું.

            “પેક કરીદોને....!” સિદ્ધાર્થ બોલ્યો અને પોતાનાં વોલેટમાંથી પોતાનું ડેબીટકાર્ડ કાઢીને આપવા લાગ્યો.

            ઓલા દુકાનદારે એકાદ ક્ષણ માટે સિદ્ધાર્થ સામે જોયું પછી સિદ્ધાર્થે ધરેલું કાર્ડ લઈને પોતાનાં માણસને બૂમ પાડવા લાગ્યો.

            “ગીફ્ટ પેક થશે...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “ના સાહેબ..! પણ અહિયાં આગળ ગલીના નાકે એક દુકાન છે ત્યાં થઇ જશે....!” દુકાનદારે કહ્યું “હું તમને ખાલી ચણીયાચોલીને એનાં બોક્સમાં આપી દવ છું...!”

            “ઓકે...!” સિદ્ધાર્થે માથું ધુણાવ્યું.

            “અ.....સત્યાવીસ હજારની છે...!” ઓલો દુકાનદાર ખચકાઈને બોલ્યો.

            “સારું...! કાર્ડ તો સ્વાઈપ કરો...!” સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો.

            ઓલાએ ખુશ થઈને કાર્ડ મશીનમાં સ્વાઇપ કરવા માંડ્યું.

            “સાહેબ ચા..!”ત્યાંજ દુકાનના દરવાજામાંથી ચાવાળો કોઈ છોકરો એન્ટર થયો.

            “ચા પીશો..!?” દુકાનદારે સિદ્ધાર્થને પૂછ્યું “એમ પણ ચણીયાચોલી પુતળા ઉપરથી કાઢવામાં વાર લાગશે....!”

            સિદ્ધાર્થે પાછું હકારમાં માથું ધુણાવ્યું.

            ચણીયાચોલી આવે ત્યાં સુધી સિદ્ધાર્થે દુકાનદારે કાંચના કપમાં ભરાવેલી ચા પીવા લાગ્યો.

            “લાવણ્યા ખુશ થઇ જશે...” મનમાં ખૂશ થઈને સિદ્ધાર્થ બબડ્યો.

            દુકાનમાંથી ચણીયાચોલી લઈને સિદ્ધાર્થ ગલીના નાકે આવ્યો. ચણીયાચોલીવાળાએ જે દુકાન કહી હતી તે શોધી ત્યાં લાવણ્યા માટે લીધેલી ચણીયા ચોલીનું બોક્સ ગીફ્ટ પેક કરાઈ લીધું.

            પેક કરેલું બોક્સ લઈને તે બજારના બહાર કાર માટે બનાવાયેલા પાર્કિંગ પ્લોટમાં આવ્યો અને પોતાની કારની પાછલી ડેકીમાં બોક્સ મુક્યું. બોક્સ મૂકી ઉપર તેણે કારમાં પડેલું એક મોટું કપડું ઢાંકી દીધું જેથી લગ્નની ખરીદીનો સામાન મુકતી વખતે કોઈ જોઈ ના જાય.

            કારની ડેકી વાખીને સિદ્ધાર્થ ત્યાંથી પાછો એજ સાંકડી ગલીઓવાળા બજારમાં જવા ચાલવા લાગ્યો. નવરાત્રીને લીધે ચણીયાચોલી વગેરે ખરીદવા માટે સારી એવી ભીડ જામેલી હતી.

            “ભૂખ તો લાગી છે....!” ગલીના નાકે ઉભેલાં એક સમોસા-કચોરીના ઠેલાવાળાને જોઇને સિદ્ધાર્થ બબડ્યો અને એ ઠેલાવાળા તરફ જવા લાગ્યો.

            ઠેલાવાળાની આજુબાજુ કેટલાંક લોકો સમોસા-કચોરીનો નાસ્તો કરી રહ્યાં હતાં.

            સિદ્ધાર્થ ત્યાં પહોંચ્યો અને ઠેલાવાળા સામે જોઇને એક પ્લેટ સમોસાનો ઓર્ડર કર્યો.

            થોડીવાર પછી ઓલાએ સિદ્ધાર્થ સામે એક ડિસ્પોઝેબલ બાઉલમાં એક સમોસુ ભાંગી ચટણી વગેરે નાંખી આપ્યું.

            હાથમાં બાઉલ પકડી સિદ્ધાર્થ પ્લાસ્ટિકની ચમચી વડે સમોસું ખાવા લાગ્યો. સમોસા સિવાય ગલીના આગળ રોડની પેવમેન્ટ ઉપર આવા નાસ્તાવાળાના અનેક ઠેલાઓ લાગેલાં હતાં. તહેવારોની ખરીદીની સીઝન હોવાથી બધાં ઠેલાવાળાઓની નાસ્તો-પાણી કરનારની ભીડ જામેલી હતી. સમોસું ખાતાં-ખાતાં સિદ્ધાર્થ એ બધી ભીડને જોઈ રહ્યો. આવીજ ભીડ લો-ગાર્ડનના ખાણી-પીણી માર્કેટમાં પણ લાગતી હોવાનું સિદ્ધાર્થને યાદ આવ્યું. લાવણ્યા સાથે તે ઘણીવાર એ ભીડભાડ ભરેલાં બજારમાં ગયો હતો. જીદ્દીલી લાવણ્યા સિદ્ધાર્થને કંઈકને કંઈક ખવડાવતી અને પછી પૈસા પણ પોતે જ આપવાની જિદ્દ કરતી. તેણીની એવી જિદ્દ સામે લગભગ ક્યારેય પણ સિદ્ધાર્થનું કશું જ નહોતું ચાલતું.

            લાવણ્યા યાદ આવી જતાં સિદ્ધાર્થ હળવું મલકાઈ રહ્યો. તેણીની એ જિદ્દ, બાળક જેવી ઈનોસન્સ, સિદ્ધાર્થ માટેની તેણીની અનહદ ચિંતા, એક પછી એક સિદ્ધાર્થને પાછું બધું યાદ આવી ગયું. લાવણ્યાએ આપેલી અને પોતાનાં કાંડે બાંધેલી એ મોંઘી વોચ જોઇને સિદ્ધાર્થને અનેકવાર લાવણ્યા અને તેણી સાથે વિતાવેલા એ સમયની યાદો સતાવતી રહેતી. આજુબાજુ ભીડ ભરેલાં એ બજારમાં હોવાં છતાંય સિદ્ધાર્થે અનહદ એકલતા અનુભવી. આગલી રાત્રે બરોડા આવતી વખતે પેટ્રોલ પમ્પની પાછળ ઉભા-ઉભા એ અંધકાર જોઈ સિદ્ધાર્થે જે ધ્રુજારી અનુભવી હતી  એવીજ ધ્રુજારી ફરીવાર સિદ્ધાર્થે અનુભવી. અનહદ કેરીંગ લાવણ્યા વગર આખું જીવન કેવી રીતે નીકળશે એ સવાલ સિદ્ધાર્થના મનમાં ઘૂમરાઈ રહ્યો. પોતાના માટે લાવણ્યા કેટલું તરસતી હતી એ સિદ્ધાર્થ જાણતો હતો પણ હવે સવાલ એ હતો કે સિદ્ધાર્થ પોતે પણ લાવણ્યા માટે અનહદ તરસતો હતો. એક ક્ષણ પણ તેણી સાથે વિતાવવા મળી જાય તો તેને હાશ થતી. લાવણ્યા હવે તેની પોતાની જરૂરિયાત બની ગઈ હતી.

            “ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ તેનાં ખિસ્સામાં રહેલાં રાગિણીબેનના ફૉનની રિંગ વાગી.

            ફૉન કાઢી સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો તો નેહાનો નંબર હતો.

            “હમ્મ....શું...!?” કૉલ રિસીવ કરી સિદ્ધાર્થ નીરસ સ્વરમાં બોલ્યો.

            “ક્યાં છે તું...!? મારે ચણિયાચોલી ટ્રાય કરવી છે....!” નેહા ઉત્સાહભર્યા સ્વરમાં બોલી.

            “તો મારી શું જરૂર એમાં...!?” સિદ્ધાર્થ એવાજ નીરસ સ્વરમાં બોલ્યો.

            “અરે તું સજેસ્ટ કરી શકે એટ્લે કઉ છું...કલર વગેરે....!”

            “હમણાં કીધી તો ખરી....!”

            “એ તો આવતીકાલ માટે થઈ...પરમ દિવસે વૈશાલીના મેરેજ વખતે પણ પે’રવાની નઇ....!?” નેહા બોલી.

            “તને ગમે એ લઈલે...! હું અહિયાં બા’ર ચા પીવા આયો છું...!”

            “તું આઈશ કે નઈ....!?” નેહા જાણે ધમકી આપતી હોય એમ બોલી “અહિયાં બધાને મોડું થાય છે...!”

            “આઉ છું....!” એક ઊંડો નિ:શ્વાસ ભરી સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું અને સમોસાના પૈસા આપી ત્યાંથી પાછો બજારમાં જવા લાગ્યો.

****

ક્યારેક-ક્યારેક પડી ગયેલાં વરસાદી ઝાપટાંઓને લીધે ખરીદીમાં થોડો  વધારે સમય નીકળી ગયો અને ટ્રાફિક અલગથી. લગ્ન માટેની ખરીદી પતાવીને તેમજ જમવાનું પણ બહાર હોટલમાં જમીને બધાં રાતે લગભગ સાડા નવે વાગ્યે ઘરે પાછાં આવ્યાં.

આખું ઘર ડેકોરેટ કરવામાં આવ્યું હતું. ઘરની ચારેય બાજુની વિશાળ ખુલ્લી જગ્યામાં મંડપ બાંધવામાં આવ્યો હતો. ઘરના આગળના ભાગે મંડપમાં લગ્ન માટે સુંદર ચોળી સજાવવામાં આવી હતી. આજુ-બાજુ મહેમાનોને બેસવામાં માટે ખુરશીઓ-ગાદલાઓ વગેરે પાથરવાની તૈયારીઓ ચાલી રહી હતી. ઘરની કમ્પાઉન્ડ વૉલને અડીને કાર પાર્ક કરી સિદ્ધાર્થ મોટા લોખંડના ગેટમાંથી અંદર એન્ટર થયો અને આજુબાજુ ચાલી રહેલી બધી લગ્નની દોડધામ જોતો-જોતો અંદર જવા લાગ્યો. બધાં પહેલેથી અંદર ચાલ્યાં ગયાં હતાં.  

            પિતા કરણસિંઘ, સુરેશસિંઘ, વિજયસિંઘ, વિક્રમસિંહ (વૈશાલીના પપ્પા), વિરાટ સિંહ (કરણસિંઘના વચેટ ભાઈ) વગેરે ઘરના લગભગ બધાંજ વડીલ પુરુષોની મંડળી ચોળીની આજુ-બાજુ મહેમાનો માટે ગોઠવવામાં આવેલી ચેયર્સમાં ટોળું વળીને બેસી વાતોએ વળગી ગયાં હતાં.

            “જલ્દી...જલ્દી મોબાઈલ શોધું ને લાવણ્યાને ફૉન કરું....!” ઉતાવળા પગલે સિદ્ધાર્થ ઘર તરફ ચાલવા લાગ્યો “એ રાહ જોતી હશે....!”

            ઘરની પૉર્ચની પગથિયાં ચઢીને મેઇન ડોરમાંથી અંદર એન્ટર થઈને સિદ્ધાર્થ અંદર આવ્યો.

            આખા ડ્રૉઇંગરૂમમાં પણ ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. ફૂલોના, આસોપાલવના તોરણો, લાઇટની સિરિજો વગેરે લગાવવામાં આવ્યાં હતાં.

            સિંહલકોટ ગામડેથી આવેલા લેડિઝ, તેમજ અન્ય નજીકના સગાવ્હાલાઓના લેડિઝ ઘરમાં કોઈને કોઈ કામમાં આમ-તેમ આઘા-પાછાં થઈ રહ્યા હતાં. સગાવ્હાલાઓના નાનાં-બાળકો આમતેમ દોડાદોડ કરી રમી રહ્યાં હતાં. 

            ઝડપથી ડ્રૉઇંગરૂમમાં આવ્યો અને સોફાંની આગળ પડેલાં કૉફી ટેબલની ઉપર પડેલાં છાપાં વગેરે ઉથલવવા લાગ્યો.

            “ક્યાં ગ્યો...!? અહિયાં જ હોવો જોઈએ...!” કૉફી ટેબલ, સોફાંનું કોર્નર ટેબલ, વગેરે બધુજ ફેંદી વળીને સિદ્ધાર્થે મોબાઈલ ગોતી જોયો.

            “નીતા કાકીને પૂછું....!”    ઉતાવળા પગલે સિદ્ધાર્થ હવે કિચન તરફ જવા લાગ્યો ““અનિરુધ્ધ કે પછી છબીએ લીધો હશે કદાચ...! ગેમ-બેમ રમવા....!”

            “એ ઝિલ....!” કિચન તરફ જતાં-જતાં વચ્ચે ઝિલ મળી જતાં સિદ્ધાર્થે તેણીને આંતરી.

            “ઓય ભઈલા....! તારી જોડે તો સરખી વાત જ ના થઇ યાર...!” ઝિલ ગમ્મત કરતાં બોલી.

            “ઝિલ જલ્દી આય....!” ત્યાંજ ઝિલના મમ્મીએ કિચનની સામે પૂજાઘરમાંથી બૂમ પાડી.

            “ઓહો...મારે લેટ થાય છે....!” સિદ્ધાર્થ કંઈ પૂછે એ પહેલાં તો ઝિલ દોડાદોડ એ તરફ દોડી ગઈ.

            સિદ્ધાર્થ પાછો કિચન તરફ ચાલ્યો.

            “નીતાકાકી ક્યાં છે...!?” કિચનમાં આવીને સિદ્ધાર્થ અંદર કામ કરી રહેલાં લેડિઝ “ડિપાર્ટમેંન્ટ” ને ઉદ્ધેશીને કહ્યું.

            “ત્યાં પાછળ...રસોડે...!” કિચનમાં આવીને કામે વળગી ગયેલી નેહા તરતજ બોલી.

            સિદ્ધાર્થ તરતજ ઉતાવળા પગલે કિચનના પાછલાં બારણેથી નીકળી ઘરના પાછળના ભાગે આવ્યો. વિશાળ ખુલ્લી જગ્યામાં અહિયાં મંડપ બાંધી લગ્ન માટે આમંત્રિત મહેમાનોનું રસોડુ કરવામાં આવ્યું હતું.

            આમંત્રિત મહેમાનોની સંખ્યા વધારે હોવાથી ઘણાં બધાં ગેસના ચૂલાઓ ઉપર મોટાં વાસણોમાં અલગ-અલગ વાનગીઓ રંધાઈ રહી હતી. રસોડાની ચેહલ-પેહલમાં આમતેમ જોઈ સિદ્ધાર્થ નીતાકાકીને શોધી રહ્યો.

            “કલાદાદી.....!” ગેસના એક ચૂલા ઉપર મૂકેલા મોટાં પાત્રમાં લાંબો તવેથો હલાવી રહેલાં રસોઈયા જોડે ઊભાં-ઊભાં કઈંક વાત કરી રહેલાં કલાદાદીને જોઈ સિદ્ધાર્થ તેમની પાસે દોડી ગયો.

            “દાદી....!” નાના બાળકની જેમ દોડી જઈને સિદ્ધાર્થ તેમણે વળગી પડ્યો.

            “હાશ.....!” તેમને વળગીને સિદ્ધાર્થે માંડ થોડી રાહત અનુભવી.

            “ઓહો....આ છોકરો તો જો...!” કલાદાદી મીઠો ગુસ્સો કરતાં બોલ્યા “હમણાં હું આ દાળના વાસણમાં પડી હોત....!”

            મોટાં ગેસના ચૂલા ઉપર મૂકેલા એવાજ મોટાં વાસણમાં બની રહેલી દાળ બતાવી કલાદાદી બોલ્યાં.

            “તમે આઈ ગ્યાં....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “અરે હું ગઈજ ક્યાં છું....!?” કલાદાદી સિદ્ધાર્થનો કાન ખેંચીને બોલ્યાં “લગન જોવડાવા આઈ...ત્યારની અહિયાં  જ છું....! તું અમદાવાદ જતો ‘ર્યો તો....!”

            “તું તમારા કપડાંને બધુ....!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “નીતા લઈ આઈ છે.....!”

            “નિતકાકી ક્યાં છે.....!? અને અનિરુધ્ધ અને છબી...!”સિદ્ધાર્થ પરેશાન ચેહરે બોલ્યો “મારો મોબાઈલ નઈ મલતો...એ લોકોએ ગેમ-બેમ રમવા લીધો હશે કદાચ....!”

            “નીતા કિચનમાં નથી...!?”

            “ના...! હું ત્યાંથી જ આયો  ....!”

            “તો ઘરમાં ક્યાંક આઘી-પાછી હશે....!” કલાદાદી બોલ્યાં.

            “સારું...! હું જોઈ લઉ...!” એટલું કહીને સિદ્ધાર્થ પાછો ઘરમાં દોડ્યો.

            કિચનના પાછળ દરવાજેથી પાછો અંદર આવી તે ઘરમાં આમ-તેમ જોઈ નીતાકાકીને શોધવા લાગ્યો.

            “અરે કાકી...!” સ્ટોરરૂમમાંથી મોટું તપેલું લઈને બહાર આવી રહેલાં નીતાકાકીને જોતાંજ સિદ્ધાર્થ તેમની જોડે આવીને બોલ્યો “અનિરુધ્ધ અને છબી ક્યાં છે...!? મારો મોબાઈલ નઈ મલતો....!”

            “રમતાં હશે બધાં છોકરો જોડે...!” નિતકાકી બોલ્યાં “પણ એમની જોડે તમારો મોબાઈલ નઈ હોય....!”

            “પપ્પા કે’તા’તા કે એમને કદાચ રમવા લીધો હોય...!”

            “એમની જોડે  મેં તો નઈ જોયો....! પણ બીજા બધાં ટેણીયા-મેણીયાઓએ કોઈએ લીધો હોય તો ખબર નઈ....!”

            “અરે યાર હવે કોની જોડે શોધું....!?” સિદ્ધાર્થ સહેજ નિરાશ સૂરમાં બોલ્યો.

            “ફૉન કરી જોવો...!” નિતકાકી બોલ્યાં.

            “કોને....!?” સિદ્ધાર્થને ના સમજાતા પૂછ્યું.

            “અરે તમારા ફૉન ઉપર ફૉન કરી જોવો....! એમ કઉ છું....!” નીતાકાકી હસતાં-હસતાં બોલ્યાં “જેની પાસે હશે...એ ઉઠાવશે તો ખરાને....!”

            “અરે હા નઈ....! મને તો એ યાદ જ ના આયુ....!” સિદ્ધાર્થ છોભીલો પડ્યો હોય એમ બોલ્યો.

            “હા..હા...હા....!” નીતાકાકી હસી પડ્યાં અને હાથમાં પકડેલું તપેલું લઈને કિચનના પાછલાં દરવાજેથી રસોડે જવા લાગ્યાં.

            ત્યાંજ ઊભાં-ઊભાં સિદ્ધાર્થ ઝડપથી રાગિણીબેનનાં મોબાઈલમાંથી પોતાનાં નંબર ઉપર કૉલ કરવાં લાગ્યો.

            “the number you have dialed is currently switched off..!”       

            “સ્વિચ ઑફ બોલે છે યાર....!” પરેશાન ચેહરે સિદ્ધાર્થ મોબાઈલ સ્ક્રીન સામે જોઈ રહ્યો.

            બે-ત્રણવાર ફરી ટ્રાય કર્યા પછી પણ કોઈ પરિણામ ના આવ્યું. ફૉન સ્વિચ ઑફ જ આવતાં સિદ્ધાર્થ ઘરમાં રમતાં બાળકોના ટોળાંમાંથી બધાને વારાફરતી પૂછવા લાગ્યો.

            “સિદ્ધાર્થ ......!” ત્યાંજ સિદ્ધાર્થને નેહાએ બૂમ મારી “પપ્પા બા’ર બોલાવે છે.....!”

            “સારું....!”  ઘરમાંથી નીકળી સિદ્ધાર્થ પૉર્ચમાં આવ્યો અને ત્યાંથી પગથિયાં ઉતરી સિદ્ધાર્થ બહાર ચોગાનમાં બાંધેલી ચોળી  જોડે ટોળું વળીને બેઠેલી પુરુષમંડળી પાસે આવ્યો.

            “હાં પપ્પા....!” બધાની જોડે બેઠેલાં અને વાતો કરી રહેલાં કરણસિંઘ પાસે આવીને સિદ્ધાર્થે કહ્યું “શું હતું....!?”

            “આ લિસ્ટ જોને...! આવતી કાલે સવારે ચાંલ્લો લઈને જવાનું છે...! એમાં કઈં રઈ તો નઈ ગ્યું ને...!” કરણસિંઘે સિદ્ધાર્થના હાથમાં એક નાની નોટબૂક આપી અને પોતાની બાજુની ચેયરમાં બેસવાનું કહ્યું.

            ચેયરમાં બેસીને સિદ્ધાર્થ લિસ્ટ જોવા લાગ્યો.          

            “પપ્પા ....ચા....!” ત્યાંજ હાથમાં ટ્રે લઈને નેહાએ કરણસિંઘ સામે ધરી.

            કરણસિંઘે પોતાના બંને હાથમાં એક-એક કપ લઈ લીધો અને બીજો કપ સિદ્ધાર્થ સામે ધર્યો. નેહા અન્ય જેન્ટ્સને ચ્હા આપવા લાગી.

            ફૉન ન મળવાથી લાવણ્યા સાથે વાત કરવા રઘવાયો થયેલાં સિદ્ધાર્થે કમને કપ હાથમાં લીધો અને ચ્હા પીતા-પીતા લિસ્ટ ચેક કરવા માંડ્યુ.

            “આવતીકાલે ચાંલ્લો કરીને આઈએ એટ્લે ઓફિસે જઈને જમીનના દસ્તાવેજ, બાનાખત અને બીજા અમુક કાગળિયા સ્કેન કરીને પાર્ટીને મોકલવાના છે....!” કરણસિંઘ ચ્હા પીતા-પીતા સિદ્ધાર્થને કહેવા લાગ્યાં.

            “તો અહિયાં...!”

            “સુરેશ છેજ ને....!” કરણસિંઘ બોલ્યા “આપડે ચાંલ્લો કરીને આઈએ....ત્યાં સુધીમાં અહિયાં મંડપ મૂરત, ગણેશ પૂજા, વગેરે પતી જશે.... ગ્રહશાંતિ ચાલતી હશે....આ બધામાં આપડી ઔપચારિક હાજરીની જ જરૂર છે....! બપોરે ઓફિસે કામ પતાઈને સાંજે પાછા આઈ જઈશું...!”

            “હમ્મ...!” હુંકારો ભરીને સિદ્ધાર્થે પાછું લિસ્ટમાં જોવા માંડયું.

            “બપોર પછી સુરેશ અમદાવાદ નીકળી જશે....!” કરણસિંઘ બોલ્યા “એને પરમ દિવસે ત્યાંથી મામેરું લઈને આ’વાનું એટ્લે ત્યાંથી આવશે....!”

            “તો એમને મદદ કરવા હું અમદાવાદ જાઉં...!?” સિદ્ધાર્થને મનમાં વિચાર આવ્યો અને તે ખૂશ થઈ ગયો “એ બા’ને લાવણ્યાને મલી લેવાશે....!” 

            “આપડે જાનની પેહરામણીના કપડાં લેવાં જવાનું છે....!” સિદ્ધાર્થ વિચારી રહ્યો હતો ત્યાંજ કરણસિંઘ બોલી પડ્યાં “કાલે સાંજે આપડે ઓફિસેથી આઈને એના માટે જતાં આઇશું...!”

            “ઓહ તેરી....!” સિદ્ધાર્થે મનમાં નિ:શ્વાસ નાંખ્યો.

            “બઉ દોડધામ થઈ જશે....!” સિદ્ધાર્થ હળવેથી બોલ્યો અને ચ્હાના કપમાંથી ઘૂંટ ભર્યો.  

            “હું તો એટ્લે ના જ પાડતો ‘તો....!” કરણસિંઘ પણ ધીરેથી માથું ધુણાવીને બોલ્યાં “પણ વેવાઈને માન્યા નઈ....! હવે જે થવાનું છે એ થવાનું છે....! વેવાણની છેલ્લી ઈચ્છા હોય એ સમજી શકાય એવી વાત છે પણ....! એના લીધે થઈને આવી દોડધામ થોડી કરાય...!?”

            “હમ્મ....!” કદાચ પહેલીવાર સિદ્ધાર્થ પિતા કરણસિંઘની વાત ઉપર સહમત થઈ બબડ્યો “ભગવાન ના કરે......! ને જો એમને અત્યારે કઈંક થઈ ગયું હોત તો....!?”

            “હું એજ સમજવાતો ‘તો...!” કરણસિંઘ સૂર પુરાવીને બોલ્યા “પણ વેવાઈ તો ઠીક...વિક્રમ ના માન્યો.....! વેવાઈનું માન રાખવા....! ઘરમાં કોઈને કોઈ થાય....અને એની છેલ્લી ઈચ્છા હોય એટ્લે આવી ઉતાવળ કરીને છોકરા પૈર્ણાય દેવાના એવું થોડી હોય.....!?”

            સિદ્ધાર્થ હળવું હસ્યો અને લિસ્ટમાં જોઈ રહ્યો.

            મોડી રાત સુધી સિદ્ધાર્થ એમની જોડે કમને બેસી રહ્યો. ધીરે-ધીરે જ્યારે બધા મહેમાનો સુવા જવા લાગતા સિદ્ધાર્થ પાછો ઘરમાં આમતેમ મોબાઈલ ગોતવા લાગ્યો. સગઓના બાળકોને સિદ્ધાર્થ ઘણીવાર વારે-તહેવારે ગાડીમાં બેસાડી આઇસ્ક્રીમ ખવડાવા કે ગાર્ડનની અલગ-અલગ રાઈડોમાં લઈ જતો. આથી એમના કોઈને કોઈ તેનો મોબાઈલ ગેમ રમવા લીધો હશે એવું માની સિદ્ધાર્થે એક પછી એક બધા સગઓને પૂછી જોયું. થાકી રમીને બાળકો સૂઈ ગયા હતાં.

            છેવટે કોઈને પાસેથી મોબાઈલની ભાળ ના મળતાં કંટાળેલો સિદ્ધાર્થ પોતાનાં રૂમમાં આવ્યો અને બેડ ઉપર પડતું મૂક્યું.

            “ઉફ્ફ......!” કંટાળીને સિદ્ધાર્થ બેડ ઉપર અમસ્તુંજ પડ્યો રહ્યો અને છત સામે શૂન્યમનસ્ક તાકી રહ્યો.

            ઠંડી હોવાથી પંખો બંધ હતો.

            થોડીવાર પછી છેવટે સુવા માટે તે બેડમાં સરખો થવા લાગ્યો. સવારે ફ્રેશ થતી વખતે બેડમાં કાઢીને ફેંકેલો પોતાનો કુરતો વગેરે ઉઠાવીને તે વોશિંગ માટે બાથરૂમમાં મૂકવા જવા લાગ્યો.

            “અરે હા....કદાચ કુર્તાનાં ખિસ્સામાં તો નઈ હોય...!?” મોબાઈલ કુર્તાનાં ખિસ્સામાં હશે એવું માનીને તેણે કુર્તાનાં ખિસ્સા ફંફોસવા માંડ્યાં.

            એક ખિસ્સામાં કઈં નાં મળતાં તેણે બીજું ખિસ્સું ફંફોસ્યું.

            “અરે યાર....!” સિલાઈ ઊકલી ગયેલા એ ખિસ્સામાંથી હાથ બહાર નીકળી જતાં સિદ્ધાર્થને આશ્ચર્ય અને આઘાત લાગ્યો “આ તો કાણું છે...યાર....!”

            મોબાઈલ પડી ગયો છે એવું છેવટે ખબર પડતાં સિદ્ધાર્થનો મૂડ સાવ ઉતરી ગયો. કુરતો બાથરૂમનાં દરવાજા તરફ ગુસ્સામાં ઘા કરીને તે છેવટે પોતાના રૂમમાંથી નીકળ્યો અને જમણી બાજુ વળી જઈ ઉપરના માળે આવેલા આરવનાં રૂમ તરફ જવા લાગ્યો. આરવનાં રૂમની જોડે અગાશી ઉપર જવા માટેની સીડીઓ હતી. સીડીઓ ચઢી જઇ તે અગાશીમાં આવ્યો અને બીજા છેડે આવી પેરપેટનાં ટેકે બેસી શૂન્યમનસ્ક જોઈ બેસી રહ્યો.

            લાવણ્યા વગર તેનો જીવ ગૂંગળાતો હોવાનું તેને લાગ્યું.

            “મારી આવી હાલત છે....તો ખબર નઈ એની શું હશે....!” લાવણ્યાનું વિચારી સિદ્ધાર્થનું મન નિરાશ થઈ ગયું.

            ક્યાંય સુધી તે એમજ બેસી રહ્યો. અને ઠંડા પવનમાં પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો.

            “ઊંઘ નઈ આવતી...!?” ત્યાંજ પાછળથી નેહાનો અવાજ આવ્યો.

            સિદ્ધાર્થે પાછું ફરીને જોયું.

            નેહા ચાલતી-ચાલતી સ્મિત કરતાં-કરતાં તેની તરફ આવી રહી હતી.

            નેહાને જોતાં જ સિદ્ધાર્થનાં ચેહરાનાં અને મનનાં ભાવો બદલાઈ ગયાં. જેમ લાવણ્યા વિના તેને જીવ ગૂંગળાતો હોવાનું ફીલ થતું એથી ઊલટું નેહાની હાજરીથી જ તેને ગૂંગળામણ થતી. અત્યારે પણ એવુંજ ફીલ થવા લાગ્યું.

            “મનેય ઊંઘ નઈ આવતી....!” નેહા સ્મિત કરીને બોલી.

            “હું ઊંઘવા જ જતો ‘તો....!” સિદ્ધાર્થ બોલ્યો અને ત્યાંથી જવા લાગ્યો.

            નેહાનું મોઢું ઉતરી ગયું. તેની જોડેથી પસાર થઈ સિદ્ધાર્થ સ્ટેર કેબિન તરફ જવા લાગ્યો.

            “અમ્મ....મારે કાલે થોડી શોપિંગ કરવી છે...આજે થોડું રઈ ગયું લેવાનું...!” સિદ્ધાર્થને રોકવાના બહાને નેહા પાછું ફરીને બોલી “તું આઈશ...?”

            “કાલે તો કોઈ સંજોગોમાં નાં મેળ પડે...!” પાછું ફરીને સિદ્ધાર્થ રુક્ષ સ્વરમાં બોલ્યો પછી એક્સપ્લેન કરવા લાગ્યો “આવતીકાલે ચાંલ્લો કરીને આઈએ એટ્લે ઓફિસે જઈને જમીનના દસ્તાવેજ, બાનાખત અને બીજા અમુક કાગળિયા સ્કેન કરીને પાર્ટીને મોકલવાના છે....!”

            નેહા સાંભળી રહી.

            “અમે ચાંલ્લો કરીને આઈએ....ત્યાં સુધીમાં અહિયાં મંડપ મૂરત, ગણેશ પૂજા, વગેરે પતી જશે.... ગ્રહશાંતિ ચાલતી હશે....એમાં થોડીવાર ખાલી હાજરી  આપી બપોરે ઓફિસે કામ પતાઈને સાંજે પાછા આઈ મારે અને પપ્પાને જાનની પેહરામણીના કપડાં લેવાં જવાનું છે....! એટલે મોડું તો થશેજ...!”

            પોતાની વાત કહીને સિદ્ધાર્થ ઊભો રહ્યો.     

            સિદ્ધાર્થની વાત સાંભળી પોતાને ઇગનોર કરવા સિદ્ધાર્થ બહાના કાઢતો હોવાનું નેહાને લાગ્યું.

            “તું ઝીલ જોડે જતાં આવજે....! મારે નઈ મેળ પડે...!” એટલું કહીને સિદ્ધાર્થ ત્યાંથી પાછો જવા લાગ્યો “ગૂડ નાઈટ..!”

            ઉદાસ થઈને નેહા શૂન્યમનસ્ક ઊભી રહી.

            “એ બા’ને થોડો ટાઈમ મારી જોડે સ્પેન્ડ કરી લેતો....!” સિદ્ધાર્થ જોડે વાત કરતી હોય એમ નેહા શૂન્ય મનસ્ક તાકી રહીને બોલી “હવે આપડા મેરેજને વીસ દિવસ માંડ બાકી છે...! કમસે કમ આટલા દિવસ જોડે સ્પેન્ડ કર્યા હોત...તો સગાઈનો પિરિયડ તો જીવવા મલત.....!”

               નેહાની આંખ ટપકવા લાગી. સિદ્ધાર્થ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા હવે તે તરસવા લાગી હતી. જેમ-જેમ સિદ્ધાર્થને ખોઈ બેસવાનો ડર તેણીનાં મનમાં ઘેરો થતો જતો હતો તેમ-તેમ બદલો લેવાની એ આગ તેનામાં ધીરે-ધીરે ઠંડી પડી રહી હતી.

****

            વહેલી સવાર પડતાંજ ઘરમાં દોડધામ શરુ થઇ ગઈ. મહેમાનોના ન્હાવા-ધોવાથી માંડી ચા-નાસ્તાની તૈયારીઓ, મંડપ મુર્હુર્ત, ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ વગેરે  પ્રસંગોની તૈયારીઓમાં વારાફરતી બધાં લાગી ગયાં. નક્કી કરેલાં ટાઈમ મુજબ કરણસિંઘ, સિદ્ધાર્થ અને અન્ય પુરુષો કન્યા પક્ષ તરફથી ચાંલ્લો લઈને વરપક્ષે જવા નીકળી ગયાં.

ચાંલ્લાનો પ્રસંગ પતતા બપોર પડી ગઈ. બપોરે ગ્રહશાંતિના પ્રસંગમાં હાજરી આપી સિદ્ધાર્થ કરણસિંઘ જોડે ઓફિસે આવ્યો. જમીનના અલગ-અલગ પ્લોટ કરણસિંઘ, સિદ્ધાર્થ, વગેરે અલગ-અલગ નામે હોવાથી અલગ-અલગ દસ્તાવેજો અને બાનાખત વગેરે ઢગલો કાગળિયાં સ્કેન કરીને મેઈલ કરવામાં સિદ્ધાર્થનો સારો એવો સમય નીકળી ગયો. એ કામ પતાવતાં ચાર વાગી ગયાં. ત્યાંથી સીધાંજ નીકળી તેઓ પહેરામણીના કપડાં લેવા માટે બજારમાં આવ્યાં. ગ્રહશાંતિ વગેરેનું કામ પતતા સુરેશસિંઘ અને વિક્રમસિંઘ પણ રાગીણીબેનને લઈને બજારમાં આવી ગયાં.

દુકાનમાં પહેરામણીના કપડા વગેરેની ખરીદી માટે બધાં બેઠાં હતાં.

“વેવાણ માટે તો થોડી ભારે સાડી લેવી પડે...!” રાગીણીબેન પોતાનાં દિયર વિક્રમસિંહને સમજાવી રહ્યાં હતાં.

ફોન ખોવાઈ જતાં લાવણ્યા સાથે વાત કરવા જીવ ઉપર આવી ગયેલો સિદ્ધાર્થ આ બધાંથી કંટાળી ગયો હતો. તેનું માથું સખત દુઃખી રહ્યું હતું અને તે સખત તાણ અનુભવી રહ્યો હતો. લાવણ્યા હોત તો તેણીને કચકચાવીને વળગી પડવાનું સિદ્ધાર્થને મન થઇ આવ્યું. નવો ફોન લેવા જવાનો સિદ્ધાર્થને સમ ખાવા પુરતો ટાઈમ નહોતો મળી રહ્યો. એમાંય લાવણ્યા માટે મોંઘી ચણીયા ચોલીમાં પૈસા ખર્ચાઈ જવાને લીધે સિદ્ધાર્થ પાઈ મોંઘો આઈફોન લેવા માટે પૈસા પણ ખૂટી રહ્યાં હતાં.

“પપ્પાને કેમનું કે’વું...!?” ખૂટતા પૈસા માટે કરણસિંઘને કેમનું કહેવું એ વિષે સિદ્ધાર્થ મનમાં વિચારી રહ્યો હતો “વીસ હજાર જ પડ્યા છે....!”

પૈસા માટે જુઠું બોલવાનું કે બહાનું બનાવતા ફાવતું ના હોવાને લીધે અને સાચું શું કારણ આપવું એ કશું ના સુઝતા સિદ્ધાર્થે છેવટે નવો ફોન લેવાનો અને તેનાં માટે ખૂટતા પૈસા માટે કરણસિંઘને કહેવાનું માંડી વાળ્યું.

અનહદ સ્ટ્રેસ અનુભવવાને લીધે તેનું માથું ભમવા લાગ્યું.

“ક્યાં છે લવ તું....તારી ખરેખર જરૂર છે...!” માથું દબાવતાં-દબાવતાં સિદ્ધાર્થ બબડ્યો.

“તને જયારે જરૂર હશે.....! ત્યારે હું આઈ જઈશ...! આઈ જઈશ...!” લાવણ્યાના એ શબ્દો યાદ આવી જતાં સિદ્ધાર્થથી હળવું મલકાઈ જવાયું.

“અત્યારે બઉ જ જરૂર છે તારી લવ....બઉ સખત જરૂર છે....!”

“અરે બાપરે....હવે...!?” કરણસિંઘને ફોન ઉપર વાત કરતાં સાંભળી સિદ્ધાર્થનાં વિચારો ભંગ થયાં.

તેનું અને સુરેશસિંઘ વગેરેનું ધ્યાન પણ તેમની તરફ ખેંચાયું.

“તો દાગીના તમારી જોડે જ છે...!?” કરણસિંઘે પૂછ્યું.

સિદ્ધાર્થ સહીત બધાં તેમની વાત સાંભળી રહ્યાં.

“સારું....હું થોડીવારમાં કરું ફોન તમને...!” વાત કરીને કરણસિંઘે કૉલ કટ કર્યો.

“શું થયું...!?” કરણસિંઘની બીજી બાજુ જોડે બેઠેલાં રાગીણીબેને પૂછ્યું.

“આપડા સોની કલ્પેશભાઈના વાઈફની ડેથ થઈ ગઈ છે....!” કરણસિંઘ સહેજ ખિન્ન સ્વરમાં બોલ્યાં.

“અરે બાપરે....! ક્યારે ..!? કેવી રીતે ....!?”

રાગીણીબેન ચોંકીને પુછવા લાગ્યાં. સિદ્ધાર્થ સહીત બાકીના ચેહરા ઉપર પણ એવાજ ભાવ હતાં.

“કલ્લાક પે’લ્લા...! બાથરૂમમાં પડી ગયાં....!”

“અરેરે....!”સુરેશસિંઘ બોલ્યાં “તો ઘરેણાં....!”

“એમની જોડે જ છે....! એ લઈને આજે સાંજે આપવા આ’વાના હતાં...!” કરણસિંઘ નિરાશ ચેહરે બોલ્યાં.

“પણ હવે એમનાં ઘરમાં મરણપ્રસંગ છે..એટલે આપડે એ દાગીના આપડી દીકરીને ના ચઢે....! સુતક લાગે....!” રાગીણીબેન બોલ્યાં.

“હવે શું કરવું તો....!?” સુરેશસિંઘની જોડે બેઠેલાં વિક્રમસિંહે પરેશાન ચેહરે પૂછ્યું “કાલે સવારે તો જાન આ’વાની છે....જમાઈને મંડપમાં પે’રાવાના દાગીનાય કલ્પેશભાઈની જોડેજ કરાયા છે...!”

“તૈયાર લઇ લો...!” રાગીણીબેન વિચારીને બોલ્યાં “અને કલ્પેશભાઈવાળા દાગીના સિદ્ધાર્થના મેરેજ વખતે  લઇ લઈશું...! તમે એવું હોય વિજયસિંઘને વાત કરી વૈશાલી માટે જે દાગીના બનાવડાયા છે એ નેહા માટે અપાઈ દેજો....!”

“હમ્મ....!” કરણસિંઘ વિચારી રહ્યાં.

“આટલા બધાં દાગીના અત્યારે તૈયાર ક્યાં લેવા જઈશું...!?” વિક્રમસિંહ બોલ્યાં “અહિયાં બજારમાં તો નાની મોટી વસ્તુઓ મળી જાય....! આખે આખા સેટ...હાથના રજવાડી પાટલા વગેરે તો અઘરું છે...!”

“માણેકચોકથી મલી જશે....!” સુરેશસિંઘ બોલ્યાં અને કરણસિંઘ સામે જોયું.

“છેક અમદાવાદ જઈશું...!?” વિક્રમસિંઘે આશ્ચર્યથી પૂછ્યું.

“એમાં શું...!?” સુરેશસિંઘ બોલ્યાં “એમ પણ આજના દિવસના બધાજ પ્રસંગો પતી ગયાં છે....! સાંજે ગરબા સંગીતમાં આપડી જેન્ટ્સની ક્યાં જરૂર છે...!? શું કેવું ભાઉ...!?”

સુરેશસિંઘે કરણસિંઘ સામે જોયું.

“મારે પણ મામેરાની તૈયારી માટે અમદાવાદ જવા નીકળવાનું જ છે....! તમેય આવો...પછી ત્યાં માણેકચોકથી ઘરેણાંની ખરીદી કરીને સિદ્ધાર્થ જોડે પાછાં આઈ જજો...!”

“હમ્મ....! તો એક કામ કર...! તું અમદાવાદ જવા અત્યારેજ નીકળી જા...!” કરણસિંઘ બોલ્યાં “હું અહિયાં ખરીદીનું પતાઈને બને એટલું જલ્દી સિદ્ધાર્થ જોડે અમદાવાદ આઉ છું...! રીટર્નમાં હું ને સિદ્ધાર્થ  ઘરેણાં લઈને પાછાં આઈ જાશું...! કાર પણ અમારી એટલે તારે આવતી કાલે મામેરામાં ગાડીની ઘટ ના પડે...!”

“સારું...!” સુરેશસિંઘ તરત જ માની ગયાં અને ઉભા થઈને દુકાનની બહાર જવા લાગ્યાં “મળીએ...તમે આવો....! હું માણેકચોકમાં મારાં બે-ત્રણ ઓળખીતા સોનીઓ જોડે વાત કરી રાખું છું....!”

“સારું...!” કરણસિંઘે માથું ધુણાવીને કહ્યું અને પોતાનાં ફોનમાંથી કલ્પેશભાઈ સોનીને કૉલ કરવા લાગ્યાં.

અમદવાદ જવાની વાત સાંભળીને સિદ્ધાર્થ પહેલાંતો ખુશ થઇ ગયો. જોકે પિતા કરણસિંઘ જોડે જવાનું હોવાથી તે સમજી ગયો કે કોઈપણ બહાનું કાઢીને લાવણ્યાને મળવા જવાનું પોસીબલ નઈ થાય. આથી ફરીવાર તે નિરાશ થઇ ગયો. જોકે તેણે મનમાં એવી આશા બાંધી કે અમદાવાદમાં ક્યાંક કોઈક ને કોઈ રસ્તે લાવણ્યાની એક ઝલક જોવા મળી જાય તો રાહત થાય. એવું થવાની શક્યતા લગભગ શૂન્ય હતી, એ જાણાતો હોવાં છતાંય સિદ્ધાર્થ મનમાં ઠાલી આશાઓ બાંધવા લાગ્યો.

“તમે ચિંતા ના કરો કલ્પેશભાઈ...!” ત્યાંજ કરણસિંઘના ઘેરા અવાજથી ફરીવાર તેનાં વિચારો ભંગ થયા “એ ઘરેણાં તો અમે લઈશું...! અને અત્યારે હું તમને પૈસા ટ્રાન્સફર કરું છું....! મારાં ઘેર જ લગ્ન પ્રસંગ છે એટલે નઈ તો આવાં અચાનક આઈ ગયેલાં દુઃખમાં હું તમારી જોડે આયા વગર ના રઉ....! હમ્મ...! ચિંતા ના કરશો...!”

કલ્પેશભાઈને વર્ષો ઓળખાતા સિદ્ધાર્થને પણ અત્યારે કરણસિંઘની વાત સાંભળીને દુઃખ થઇ રહ્યું હતું.

“કંપનીના ખાતાંમાંથી કલ્પેશભાઈને બે લાખ ટ્રાન્સફર કરીદેને..!” કરણસિંઘે સિદ્ધાર્થ સામે જોઇને કહ્યું.

“અમ્મ...મારો મોબાઈલ નથી...!” સિદ્ધાર્થ ખચકાઈને બોલ્યો “નેટબેંકિંગનો એપ મારા મોબાઈલમાં હતો...!”

“હજી નઈ મલ્યો.....!?” કરણસિંઘે આશ્ચર્યથી પૂછ્યું.

“ખોવાઈ ગ્યો છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

“એમ કેમનો ખોવાઈ ગ્યો...!” કરણસિંઘની જોડે બેઠેલાં રાગિણીબેન મોઢા ઉપર અણગમાથી બોલ્યાં.

“મેં જે કુરતો પે’ર્યો તો...એની સિલાઈ કાચી હતી..એટલે ખિસ્સાની સિલાઈ ઊકલી ગઈ હશે..ને એમાંથી પડી ગ્યો....!” સિદ્ધાર્થ ઢીલા ચહરે એક્સપ્લેન કરી રહ્યો.

“હમણાં જ તો નવો લીધો તો....અને એય પાછો ઓલો મોંઘો ફોન.....! આઈ ફોન....!” રાગિણીબેન એવાજ ચેહરે બોલ્યાં.

“સારું કઈં વાંધો નઈ....!” કરણસિંઘ બોલ્યાં.

“શું કઈં વાંધો નઈ....!” રાગિણીબેન છણકો કરીને બોલ્યાં “હમણાં એકસીડેંન્ટ વખતે પણ પાડી દીધો તો....!”

“એમાં એનો શું વાંક...!?” કરણસિંઘ ચિડાઈને બોલ્યાં “એક્સિડેંન્ટમાં ફોન તૂટી ગ્યો તો...! અને કુર્તાના ખીસાની સિલાઈ કાચી હશે એવી એને થોડી ખબર હતી કઈં...!?”

મોઢું મચકોડીને રાગિણીબેન ચૂપ રહ્યાં.

કરણસિંઘે સિદ્ધાર્થ સામે જોયું.

“તે નવો ફૉન લીધો નઈ....!?” કરણસિંઘે પૂછ્યું.

“અમદાવાદ આવવા જવામાં અને લગનની ખરીદીમાં મારે થોડાક પૈસા વપરાઈ ગ્યાં...!” સિદ્ધાર્થ બોલ્યો “એટ્લે પૈસાં ખૂટે છે....!”

“હાં....નઈ....લેવાનો તો પાછો આઈફોન જ ને....સસ્તો તો હોય જ નઈ....!” રાગિણીબેન ટોન્ટ મારતાં બોલ્યાં.

કરણસિંઘે ચિડાઈને એમની સામે જોયું અને પછી સિદ્ધાર્થ સામે જોયું.

“જે ખૂટતાં હોય એ તારા ખાતામાં ટ્રાન્સફર કરી લેજે....! ઘરમાં પ્રસંગ છે...તો થોડાં વધારે પૈસાં તારા ખાતામાં નાંખી દેજે....! અત્યારે ઘેર જઈને તારા લેપટોપમાંથી નેટબેંકિંગ વડે કલ્પેશભાઈ અને તારા ખાતામાં પૈસાં ટ્રાન્સફર કરી દેજે...! અને પછી ઝડપથી અમદાવાદ જવા નીકળી જાશું...!”

મનમાં ખુશ થઈ જઈને સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવ્યું.

“નાહી ધોઈને અમદાવાદ જજો..!” રાગિણીબેન ટોંન્ટમાં બોલ્યાં “હવે મરણનાં સમાચાર સાંભળ્યા છે...તો એમને એમ નાં જતાં રે’તા...!”

કરણસિંઘે સિદ્ધાર્થ સામે સૂચક નજરે જોયું. એમના બોલ્યાં વગર સિદ્ધાર્થ સમજી ગયો કે ઘરે જઈને ઝડપથી પૈસાં ટ્રાન્સફર કરી નાહીને અમદાવાદ જવા નીકળી જવાનું છે.  

“કાલે સવારે મામેરું અને બપોરે જાન આવી જાય...એ પછી તું ટાઈમ કાઢીને નવો ફૉન લઈ આવજે...!” કરણસિંઘ શાંતિથી બોલ્યાં.

“ઓકે....” સિદ્ધાર્થને મનમાં હાશ થઈ.  

****

ઘરે આવીને પૈસાં ટ્રાન્સફર કરવાનું કામ કરી તેમજ ન્હાવા વગેરેનું કામ પતાવી તેઓ ઝડપથી અમદાવાદ જવાં નીકળી ગયાં.

અમદાવાદ આવતાં જ સિદ્ધાર્થે મનભરીને શહેરની હવાને લાવણ્યાની મહેક માની અંતરમાં ભરી લીધી. લાવણ્યાને મળવા દોડી જવાનું અને તેણીને વળગી પાડવાનું તેને થઈ આવ્યું. પણ કામની દોડધામને લીધે તે જઈ શકવાનો નહોતો. અમદાવાદથી પાછાં વળતી વખતે પણ સિદ્ધાર્થને જાણે લાવણ્યાને છોડીને જવા જેટલું અનહદ દુખ થયું.  

અમદાવાદમાં સતત બે દિવસથી પડેલાં વરસાદને લીધે થડો ઘણો ટ્રાફિક તેઓને નડ્યો. ઘરેણાં લેવાનું કામ પતાવી તેઓ મોડી રાતે ઘરે પાછાં આવ્યાં.

અમદાવાદમાં તેમના એ ટૂંકા રોકાણ દરમિયાન સિદ્ધાર્થને દરેક ક્ષણ માટે લાવણ્યાની જ યાદ સતાવતી રહી હતી. સિદ્ધાર્થ સમજી ગયો હતો, કે હવે તેનામાં ક્યાંય પણ નેહા બચી જ નહોતી, માત્ર લાવણ્યા જ હતી.

****

લગ્નના દિવસે સવારથી જ આગલા દિવસની જેમ ઘરમાં દોડધામ મચી ગઈ. મામેરું આવ્યાં પછી મામેરાના મહેમાનોની આગતાં-સ્વાગતામાં બધાં બીઝી થઈ ગયાં હતાં. મામેરું પત્યા પછી જાન આવવામાં હજી થોડો સમય હતો.

“હજી ટાઈમ છે...! જલ્દી નવો ફૉન લઈ આઉ...!” હાથમાં એનફિલ્ડની ચાવી લઈને સિદ્ધાર્થ ઝડપથી ઘરની બહાર જવા લાગ્યો “પાછું આઈફૉનમાં ત્રણ-ચાર કલ્લાક તો નવો ફૉન સેટ અપ કરવામાં અને જૂના ફૉનનો બેકઅપ લેવામાં જશે...!”

“ક્યાં જાય છે...!?” ચાવી લઈને સિદ્ધાર્થ પૉર્ચના પગથિયાં ઉતરી રહ્યો હતો ત્યાંજ સામેથી નેહાએ તેને આંતર્યો.

“wow...મસ્ત લાગે છે આ શેરવાની અને સાફો તને...!”

            સિદ્ધાર્થે પહેરેલી મરૂન કલરની શેરવાની અને સહેજ રાતાં કલરનો સાફો જોઈને નેહા સ્મિત કરીને બોલી. 

            “હમ્મ....મારે થોડું કામ છે....! પછી વાત કરું...!” સિદ્ધાર્થ ઉતાવળા સ્વરમાં  બોલ્યો અને નેહાની બાજુમાંથી જવા લાગ્યો.

            “તે કીધું નઇ....!” નેહાએ પાછાં ફરીને તેને ટોક્યો.

            “હું કેવી લાગુ છું...!?”

            બાળક જેવી ભીની આંખે નેહાએ સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

            એક અછડતી નજર સિદ્ધાર્થે નેહા ઉપર નાંખી લીધી. તેણીને સરસ મજાની ઘાટાં લાલ રંગની ચણિયાચોલી પહેરી હતી. માથે ઓઢેલી ઓઢણી અને અને  નાક, ગળામાં પહેરેલી ભવ્ય ગોલ્ડ જ્વેલરીમાં તે સ્વયંવર કરવાં જઈ રહેલી કોઈ રાજકુમારી જેવી કે પછી લગ્નમાં તૈયાર થયેલી કોઈ દુલ્હન જેવી લાગતી હતી.

            “સારી લાગે છે....હું જઉ હવે...જાન આવે એ પહેલાં મારે પાછું આવવાનું છે...!”

            એટલું કહીને સિદ્ધાર્થ ઝડપથી નીકળી ગયો. તે એ પણ જોવા ના રહ્યો કે નેહા ત્યાંજ ઊભા-ઊભા રડી પડી હતી.

             બહાર પાર્ક કરેલુ એન્ફિલ્ડ લઈને તે સીધો આઈફોન લેવા નજીકના આઈસ્ટોરમાં પહોંચી ગયો.

----

            “આખા 6 કલ્લાક...!?”  સિદ્ધાર્થ ચોંકીને બોલ્યો “નોર્મલી બે-ત્રણ કલ્લાકમાં તો સેટ અપ થઈ જતો હોય છે....!”

            “સર સેટ અપ તો ઝડપથી થઈ જશે....! પણ તમારા જૂના મોબાઈલની સ્ટોરેજ 128 જીબીની હતી...અને આઈક્લાઉડમાં પણ તમારે 256 જીબીની સ્ટોરેજ છે....! એ બધો બેકઅપ રીસ્ટોર કરવામાં અને વ્હોટ્સઅપનો બેક રિસ્ટોર કરવામાં બીજા ત્રણ-ચાર કલ્લાક નીકળી જશે...!”

            “અરે યાર....!” સિદ્ધાર્થે માથે હાથ દીધો.

            “જો તમારો જૂનો બેક અપ ના જોઈતો હોય....તો ઝડપથી કામ પતી જશે...!”

            “નઈ...નઈ....જૂનો બેકઅપ તો જોઈએજ....! એમાં લાવણ્યાની બધી યાદો છે....!” નવરાત્રીમાં રેકોર્ડ કરેલા લાવણ્યાના ગરબા અને અન્ય સમયના કેટલાંક ફોટોગ્રાફ્સ વગેરે યાદ આવી જતાં સિદ્ધાર્થ શૂન્યમનસ્ક તાકી રહીને બોલ્યો “એ બધી યાદો કેવીરીતે જવા દેવાની...!”

            “તો જૂનો બેક અપ ...!”

            “જોઈએજ ...!”  સિદ્ધાર્થ દ્રઢ સ્વરમાં બોલ્યો “સાંજે કેટલાં વાગ્યા સુધી સ્ટોર ખુલ્લો છે...!?”

            “સાડા આઠ...!”

            “ત્યાં સુધીમાં થઈ જશે...!?”

            “હાં....ઓલમોસ્ટ....!” સ્ટોરવાળો બોલ્યો “પણ તમે એક કામ કરજો....! નવું સિમ કાર્ડ લઈ બીજા કોઈ ફૉનમાં નાંખીને એક્ટિવ કરાઇ દેજો...! નઈ તો ફૉન તો ચાલુ થઈ જશે...પણ જૂના નંબરના ગૂગલ પે...કે પછી બીજા કોઈ યુપીઆઈ પેમેન્ટ એપ નઈ ચાલે...! અને બીજી ઘણી પ્રોબ્લેમ્સ આવશે....! જૂના નંબરનો વ્હોટ્સએપનો બેક અપ પણ નઈ આવે...!”

            “સારું....!” સિદ્ધાર્થ બોલ્યો અને ઊભો થયો “તમારી પાસે મારો બીજો નંબર છે જ....! ફૉનનો સેટઅપ વગેરે થઈ જાય એટ્લે કૉલ કરજો...!”

            “ઓકે સર....!” ઓલાએ સસ્મિત જવાબ આપ્યો.

            ત્યાંથી નીકળી સિદ્ધાર્થ નવું સિમ કાર્ડ લેવા માટે આવ્યો. પોતાના જૂના નંબરની ખોવાઈ જવાની કમ્પ્લેન નોંધાવી પહેલાં સિદ્ધાર્થે એ બંધ કરવાની એપ્લીકેશન આપી અને પછી નવું સિમ ખરીદ્યું.

            “સાહેબ જૂનું કાર્ડ બંધ થાય...એટ્લે તમને મેસેજ આવશે...! એ પછી આ નવું કાર્ડ નાંખી દેજો...! નવું કાર્ડ નાંખશો...એટ્લે પછીની એક્ટિવ કરવા માટેની પ્રોસીજર આ નંબર ઉપર કૉલ કરશો એ લોકો સમજાઈ દેશે...!”

            સ્ટોરવાળાએ નવા સિમના કવર ઉપર લખેલો નંબર બતાવીને કહ્યું.

            “સારું....!” કહીને સિદ્ધાર્થ ઊભો થયો અને ત્યાંથી નીકળી ગયો. 

            નવો ફૉન લીધા પછી પણ હજી સુધી લાવણ્યા સાથે વાત કરવાનું ડીલે જ થઈ રહ્યું હતું. સિદ્ધાર્થ હવે રઘવાયો થઈ ગયો હતો. ઘરે પહોંચ્યા પછી હજી તો તેણે માંડ ચ્હા પીધી હતી ને પાછી જાન આવી પહોંચી.

            જાન આવી ગયાં પછી જાનૈયાઓને જમાડવાનો, જાનને વધાવવાનો વગેરે પ્રસંગોનો દોર ચાલ્યો. સિદ્ધાર્થ ઘરમાં મોટો હોવાથી બધામાં તેની હાજરી અનિવાર્ય થઈ પડતી આથી ઇચ્છવા છતાય અને લાવણ્યા વગર કંટાળી ગયો હોવા છતાંય તે ક્યાંય આઘોપાછો નહોતો થઈ શકતો.

            આઈ સ્ટોર ઉપર તેનો નવો ફૉન લઈ જવા માટેનો કૉલ આવી જતાં જેમ-તેમ કરી સમય કાઢીને તે પોતાનો નવો ફૉન લઈ આવ્યો ત્યારે તેને થોડી હશ થઈ.

            જોકે હજી નવું સિમ એક્ટિવ નહોતું થયું. સિમ લઈને આવ્યાં પછી સિદ્ધાર્થે એક્ટિવ કરવા માટે કસ્ટમર કેરમાં વાત કરી લીધી હતી. જોકે બે-ચાર કલ્લાક વીતી ગયાં છતાંય હજીયે સિમ એક્ટિવ નહોતું થયું. 

            “કાકા...તમારો નવો ફૉન આપોને ગેમ રમવી છે....!?” અગિયાર વરસનો અનિરુદ્ધ સિદ્ધાર્થ પાસે આવીને તેનો ફૉન માંગા લાગ્યો.

            સિદ્ધાર્થે તેના નવા આઈફૉન સામે જોયું. હજી સિમ એક્ટિવ નહોતું થયું આથી લાવણ્યાને કૉલ થઈ શકવાનો નહોતો.

            “પણ તું ગેમ કઈ રીતે નાંખીશ....!? મારામાં તો હજી સિમ જ નઈ ચાલુ...!”  સિદ્ધાર્થે મજાકીયાં સ્વરમાં આંખો નચાવીને કહ્યું.

            “તમે મને આપોને..! હું કરી લઇશ...!” ગાલમાં પડતાં ડીમ્પલવાળી સ્માઇલ કરીને અનિરુદ્ધ બોલ્યો.

            “આજકાલના છોકરા...!” સિદ્ધાર્થ હસીને મનમાં બબડ્યો અને તેને ફૉન આપ્યો.

            “સિમ એક્ટિવ થાય ત્યાં સુધી એમ પણ કશું કામ નથી...!” સિદ્ધાર્થ બોલ્યો અને વિચારી રહ્યો.

***

અમદાવાદમાં સતત બે દિવસ પડેલાં વરસાદને લીધે કૉલેજના ગરબા બંધ રહ્યાં હતાં. ચોથા નોરતે માંડ થોડું કોરું નીકળતાં આજે પાર્ટી પ્લૉટમાં ગ્રૂપના બધાં ગરબા ગાવા માટે ભેગા થયા હતાં.

            “પ્લીઝ ભગવાન આજે વરસાદ નઈ....!” અંકિતા કોલેજનાં ગરબાં જે પાર્ટીપ્લોટમાં હતાં તેનાં મેઈન ગેટમાં એન્ટર થતાં બોલી.

            આખું ગ્રૂપ તૈયાર થઈને ગરબાં માટે એજ પાર્ટીપ્લોટમાં આવી પહોંચ્યું હતું. લાવણ્યા કમને આવી હતી. સિદ્ધાર્થનો ફોન સતત ટ્રાય કરી-કરીને થાકેલી લાવણ્યાનું મૂડ ગરબા ગાવાનું નહોતું છતાય તે આવી હતી. 

            “હાં ....સાચી વાત હોં....!” ત્રિશા બધાંની જોડે ચાલતાં-ચાલતાં બોલી “નઈતો આજે ચોથું નોરતું પણ બગડત....!”

            “હમ્મ...! પે’લ્લાં નોરતે ગરબાં ગાવાં મળ્યાં પછી બીજું-ત્રીજુંતો વરસાદે પલાળી નાંખ્યું...!” લાવણ્યાની જોડે ચાલી રહેલો પ્રેમ બોલ્યો.

            “હમ્મ....! હજી આઠજ વાગ્યાં છે....! એટ્લે ભીડ ઓછી છે...!”  ત્રિશા બોલી. 

            કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા બધાંની જોડે ચૂપચાપ ચાલી રહી હતી.

            “લાવણ્યા...! કેમ આમ ઢીલી-ઢીલી લાગે છે...!?”હવે રોનકે પૂછ્યું.

            બધાં હવે પાર્ટીપ્લોટની અંદર ફૂડકોર્ટ પાસે આવીને ઊભાં રહ્યાં. પહેલાં નોરતાંની જેમજ આખો પાર્ટીપ્લોટ એજરીતે સજાવેલો હતો. 

            “સ...સિદનો ફ...ફોન જ નઈ લાગતો....!” લાવણ્યા ઢીલાં સ્વરમાં ઉદાસ ચેહરે બોલી “ત...ત્રણ દિવસ થઈ ગ્યાં ....! મ્મ.....મેં કેટલીવાર ટ્રાય કર્યો...! તો પણ ફોન નઈ લાગતો...!”

            બધાંની હાજરીમાંજ લાવણ્યા છેવટે રડી પડી.

            “એ છોકરો દર વખતે આવુંજ કરે છે....!” અંકિતા સહેજ ચિડાઈને જોડે ઉભેલાં વિવાન સામે જોઈને બોલી “હાથે કરીને આ છોકરીને હેરાન કરે  છે...!”

            “અરે યાર એ બીઝી હશે...!” વિવાન અંકિતા સામે જોઈને દલીલ કરતાં બોલ્યો.

            “કેમ....!? અંબાણીનો છોકરો છે એ...!” અંકિતા હવે અકળાઈને વિવાન સામે જોઈને બોલી “કે એક ફોન કે મેસેજ પણ ના થાય....!?”

            “તો તું મારી ઉપર શાની અકળાય છે....!?” વિવાન હવે પોતાનો બચાવ કરતો હોય એમ બોલ્યો.

            “તું....!”

            “અરે બસ કરો યાર....!” કામ્યા સહેજ ચિડાઈને બોલી “શું બેય મંડી પડો છો..!”

            અંકિતા તોપણ ઘુરકીને વિવાન સામે જોઈ રહી.

            “લાવણ્યા...!” હવે કામ્યાએ ધીમાં સ્વરમાં ઉદાસ ચેહરે તેણી સામે જોઈને પૂછ્યું “એકપણ વાર ફ...ફોન ના લાગ્યો...!?”

            લાવણ્યા નીચું જોઈને કઈંપણ બોલ્યાં વગર તેનાં આંસુ વહાવી રહી. બધાં લાવણ્યા સામે દયામણું મોઢું કરીને જોઈ રહ્યાં.

            “મ્મ...હું ઘરે જવ....!” એટલું કહીને લાવણ્યા તેનાં ગાલ લૂંછતી પાછું ફરીને ઉતાવળાં પગલે ચાલવાં લાગી.

            “અરે લાવણ્યા....!” મોટાભાગના બધાં એક સાથે બોલી પડ્યાં અને તેણી પાછળ જવાં લાગ્યાં.

            “અંકિતા....!” કામ્યા એક જગ્યાએ ઊભી રહેતાં બોલી, બધાં પણ ઊભાં રહ્યાં “તુંજ એને મનાવ....! એ તારીજ વાત માનશે...!”

            “હાં...હાં....! હું એને મનાવીને લેતી આવુંછું...!” અંકિતા એટલું કહીને ઉતાવળાં પગલે લાવણ્યાની પાછળ દોડી.

­***

             વરરાજાને પોંખ્યા પછી જાનનું સામૈયું કરવામાં આવ્યું.

            સામૈયું પત્યા પછી વરરાજાને પરણવા માટે ચોળીમાં લાવવામાં આવ્યાં.

            લગ્નની વિધિ લાંબી ચાલવાની હોઈ સિદ્ધાર્થને થોડું આઘુંપાછું થવાનો ચાંસ મળ્યો. લગ્ન મંડપમાં અને પોતાનાં ઘરમાં આમતેમ ફરીને તેણે અનિરુદ્ધને ગોત્યો અને તેને સમજાવી-ફોસલાવીને પોતાનો મોબાઈલ માંડ પાછો લીધો.  

            “ઓહો....બેટરી પણ ઉતારી નાંખી.....!”હસતો-હસતો સિદ્ધાર્થ પોતાનાં રૂમમાં આવ્યો અને ફૉનનું ચાર્જર કાઢી પ્લગમાં લગાવ્યું.

            “અરે વાહ...સિમ ચાલુ થઈ ગયું...!” ત્યાંજ તેણે મોબાઈલની સ્ક્રીન ઉપર સિમ ચાલુ થયાના ટાવરના ઊભા લિટા જોયા અને ખુશ થઈને તરતજ લાવણ્યાને કૉલ કરવા માંડ્યો.     

            “ટ્રીન....ટ્રીન...ટ્રીન....!” લાવણ્યાના ફૉનની રિંગ વાગી રહી હતી અને સિદ્ધાર્થના હ્રદયના ધબકારા જાણે લાવણ્યા સાથે પહેલીવાર વાત કરવાનો હોય એમ વધી રહ્યાં હતાં.

            “હેલ...!અરે...!?” સામેથી લાવણ્યાએ હજીતો કૉલ રિસીવ કર્યોજ હતો ત્યાંજ કોઇકે તેણીનો ફૉન ઝૂંટવી લીધો.

             “સિદ્ધાર્થ....! શું માંડ્યુ છે તે આ બધું....!?” ત્યાંજ અંકિતા ફૉન ઉપર બોલવા લાગી અને સિદ્ધાર્થને ધમકાવવાં લાગી “બે દિવસ કીધાં’તા....! ને આજે ચોથું નોરતું થઈ ગ્યું તોય દેખાયો નઈ....! આ છોકરીની શું હાલત થઈ ગઈ છે તને ખ....!”

            “મને વાત કરવાં દેને....!” હવે લાવણ્યાએ ફોન અંકિતા પાસેથી ઝૂંટવી લીધો “તું...તું...એને શું કરવાં જેમ ફાવે એમ બોલે છે...! એ બિચારો ઓલરેડી કેટલી બધી પ્રોબ્લેમ્સમાં હોય છે...!”

            રઘવાયો થયેલો સિદ્ધાર્થ લાવણ્યા વાત કરે એની રાહ જોઈ રહ્યો. 

            “હેલ્લો...! સિદ....! જ....જાન...!” છેવટે લાવણ્યાએ ફોન કાને માંડ્યો અને સિદ્ધાર્થ જોડે વાત કરવાં લાગી.

            “સિદ.....! તું...તું...ઠીક છેને....!?” લાવણ્યાએ માંડ પોતાનું રડવું રોકતાં પૂછ્યું.

            “અરે એને શું થવાનું છે....!” એમ કહીને અંકિતાએ ફરીવાર ફોન ઝૂંટવી લીધો.

            “અરે આ છોકરી....!” સિદ્ધાર્થ સહેજ ચિડાયો છતાંય મલકાઈ રહ્યો.

            “અંકિતા....! ફોન આપને...! કેમ આવું કરે છે...!?” લાવણ્યા રડમસ થઈ ગઈ.

            સિદ્ધાર્થ પાછો અધિર્યા જીવે રાહ જોઈ રહ્યો.  

            “અરે હું સ્પીકર ઉપર કરું છું” અંકિતાએ ફોનની સ્ક્રીન ઉપર ટચ કરીને સ્પીકર મોડ ઓન કર્યો અને ફોન વચ્ચે ધરી રાખ્યો “બોલ હવે....! હુંય સાંભળુંતો ખરી....!” અંકિતા સિદ્ધાર્થને ઉદ્દેશીને બોલી  “કે તું શું બા’નું કાઢે છે....!”

            “સિદ...સિદ...! તું...તું અંકલીની વાત ના સાંભળ....! બોલ...! જાન...!” લાવણ્યા એજરીતે રડમસ સ્વરમાં બોલી “તું...તું...ઠીક છેને...!?”

            “હાં લાવણ્યા.....! I’m fine….!”

            “તારી “લવ” હવે “લાવણ્યા” થઈ ગઈ એમને.....!?“ અંકિતા પાછી વચ્ચે બોલી પડી.

            “એ અંકલી ….! તું ચૂપથાંને....!” લાવણ્યા ચિડાઈને બોલી “સિદ....! બોલને જાન...!”

            “હાં....! પણ....અંકિતા બોલવાદે તોને.....!” સિદ્ધાર્થ કંટાળેલાં સ્વરમાં બોલ્યો.

            “અંકલી....! તું એક શબ્દ ના બોલતી હવે....!” લાવણ્યાએ ઝાટકીને કહ્યું “તું બોલ જાન....! ત...તું....કેમ ના આયો હજી....!?”     

            “લાવણ્યા...! શું કરું યાર....! હું...એવો ફસાઈ ગ્યોછું કે.....!”

            “સિદ્ધાર્થ....! અરે તું અહીંયા રૂમમાં શું કરે છે....!” સિદ્ધાર્થ બોલી રહ્યો હતો ત્યાંજ  રાગિણીબેન રૂમમાં આવી ગયાં.

            “મમ્મી...! બસ આવતોજ ‘તો....!” સિદ્ધાર્થે બોલ્યો

            અને સામે લાવણ્યા અને અંકિતા સાંભળી રહ્યાં. 

            “અરે બેટાં ફેરાંનો ટાઈમ થઈ ગયો છે...!” રાગિનીબેન સહેજ ચિડાઈને બોલ્યા.

            “હાં બસ આવતો જ તો...!” સિદ્ધાર્થ બોલ્યો અને તરતજ મોબાઈલની સ્ક્રીન સામે જોયું.

            ફૉનની બેટરી ડેડ થઈ ગઈ હોવાથી ફૉન સ્વિચ ઓફ થઈ ગયો હતો.

            “અરે યાર...!”

            “તારે વીંટી પે’રાવાની છે....! જલ્દી ચલને...! પપ્પા બોલાવે છે...” રાગિણીબેને ફરીવાર કહેતા સિદ્ધાર્થ છેવટે ફૉનને ચાર્જરમાં ભરવી નીચે દોડી ગયો.

***

મોડી રાત સુધી લગ્નની વિધિ ચાલી. મોટાભાઈ તરીકે વિધિમાં જે કંઈપણ કરવાનું આવતું તે સિદ્ધાર્થે હોંશપૂર્વક કર્યું.  

આ બધાની વચ્ચે નેહા સિદ્ધાર્થ સાથે કોઈને કોઈ બહાને વાત કરવાનો પ્રયત્ન કરતી રહેતી જોકે સિદ્ધાર્થ મોટેભાગે તેણીને ઇગ્નોર કરતો. અત્યાર સુધી સિદ્ધાર્થના વારંવારના આવા ઇગનોરન્સ ભર્યા બિહેવિયરથી નેહા દર વખતે ઉદાસ થઈ જતી. જોકે આખરે તે થાકી અને ગુસ્સે થઈ ગઈ.

લગ્ન પતી જતાં બધાંને હાશને થઇ. જાન વળાવી વહેલી સવારે વિદાઈ હોય બધાં હવે આરામ કરવા પોત-પોની જગ્યાએ જવા લાગ્યાં. વર-વધુ અને એમની જોડે રહેવાના હોય એવા લોકોને કરણસિંઘના ઘરની જોડેજ વિક્રમસિંઘના ઘરમાં જ ઉતારો આપી ઊંઘવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. બંને ઘરો અનેક ઓરડાવાળા ભવ્ય અને વિશાળ હતાં અને વિશાળ ઘરની આજુબાજુ પણ ખાસી મોટી જગ્યા ખુલ્લી હતી જ્યાં વિશાળ અને ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો. પુરતી જગ્યા હોવાને લીધે નજીકના હોય એવા જે મહેમાનો રાત રોકાયા હતાં તેમની સંખ્યા અને જાનૈયાઓની સંખ્યા વધારે હોવાં છતાંય તેમના ઊંઘવા માટે કોઈ સમસ્યા નહોતી થવાની. લગ્ન પત્યા પછી પણ ઉત્સાહમાં હોવાને લીધે હજી કોઈ નહોતું ઊંઘ્યું. બાળકો પણ દોડાદોડ કરી રહ્યાં હતાં. ઘરના વડીલો કરણસિંઘ, સુરેશસિંઘ, વિક્રમસિંઘ, વગેરે હવે પાછાં ચોળીની જોડે ખુરશીઓ નાંખીને ટોળું વળીને બેસી ગયાં હતાં. વડીલો સહીત અન્ય મહેમાનોને ચા વગેરેની આગતા-સ્વાગતાના “રાઉન્ડ” ચાલતાં રહેતાં હતાં.

 બધી દોડધામમાં લાવણ્યા સાથે વાત કરવાનો કેમેય કરીને ચાન્સ સિદ્ધાર્થને નહોતો મળી રહ્યો. નવો ફોન લઇ આવ્યાં પછી પણ સિદ્ધાર્થ માંડ કેટલીક સેકન્ડો પુરતી લાવણ્યા સાથે વાત કરી શક્યો હતો. જોકે તેણીનો અવાજ સાંભળીને વર્ષોથી ના પડ્યા હોય એવા સૂકાં ભઠ રણમાં અચાનક પડેલા ઠંડા વરસાદી ઝાપટાં જેવી શીતળતા તેણે અનુભવી હતી. હવે થોડો વધુ “વરસાદ વરસે” તો પૂરેપૂરી તરસ મિટાવી શકાય એ શકાય એ આશયથી લગ્ન પતતા જ વડીલોની મંડળીમાં કરણસિંઘની જોડે બેઠેલો ફ્રેશ થવાનું સિદ્ધાર્થ બહાનું કાઢી પોતાનાં રૂમ તરફ દોડી ગયો.

“સિદ્ધાર્થ.....! સિદ્ધાર્થ....!” પોતાનાં બેડરૂમ તરફ જઈ રહેલા સિદ્ધાર્થને નેહાએ વધુ એકવાર ટોક્યો.

“હા...શું...!?” સીડીઓ પાસે અટકીને સિદ્ધાર્થે પાછું ફરીને જોયું.

“મારે વાત કરવી છે....!” નેહા ચીડાયેલા સ્વરમાં બોલી.

“મારી જોડે ટાઈમ નઈ...!” રૂડ સ્વરમાં એટલું બોલીને સિદ્ધાર્થ ઝડપથી સીડીઓ ચઢીને પોતાનાં બેડરૂમમાં જતો રહ્યો.

સમસમી ગયેલી નેહા કેટલીક ક્ષણો સુધી ત્યાંજ ઉભી રહી અને ગુસ્સે થઈને જોરજોરથી શ્વાસ લઇ રહી.

“બહુ થ્યું અવે....!” ચિડાઈને નેહા બોલી “ક્યાં સુધી આવું કરવાનો છે તું મારે જાણવું જ છે...!”

 બબડતાં-બબડતાં ચણિયાચોલીનો ચણિયો પગમાં ભરાય નહિ એટલે સહેજ ઉંચો કરીને ધીરે-ધીરે પગથીયા ચઢવા લાગી.

****

“અરે યાર...! ચાર્જરની સ્વીચ તો ચાલુ કરવાની તો રઈ ગઈ...!” ફોન ચાર્જીંગમાં મુકીને ગયેલા સિદ્ધાર્થે પાછાં આવીને જોયું તો ઉતાવળમાં તે ચાર્જરના પ્લગની સ્વીચ ચાલુ કરવાની જ ભૂલી ગયો હતો.

સ્વીચ પાડીને સિદ્ધાર્થે ફોન ચાલુ કરવા ઓન બટન દબાવ્યું.

“ડફોળ છું એક નંબર નો...!” સિદ્ધાર્થ કંટાળીને પોતાની ઉપરજ ગુસ્સે થઈને બબડ્યો.

તેને નહોતી ખબર નેહા બેડરૂમના દરવાજે ગુસ્સે થઈને ઉભા-ઉભા તેણી સામે શ્વાસ ફુલાવીને જોઈ રહી હતી. તે કશું બોલ્યાં વગર મૌન રહીને સિદ્ધાર્થને આગ ઝરતી આંખે જોઈ રહી હતી.

“થોડીવાર પુરતું ચાલી જશે...! “ બે-ચાર મિનીટમાં ફોનની બેટરી એક-બે ટકા ચાર્જ થઇ જતાં સિદ્ધાર્થે ઝડપથી ફોન ચાર્જરની પીનમાંથી કાઢી લીધો.

ફોન હાથમાં લઈને સિદ્ધાર્થ બાલ્કનીમાં આવ્યો અને લાવણ્યાને કૉલ કરવા માટે તેણીનો નંબર કાઢવા લાગ્યો.

“ઓલી જોડે વાત કરવા માટે આયો ને...!?” ઘાંટો પાડી નેહા અંદર આવી અને બાલ્કનીમાં ઉભેલા સિદ્ધાર્થ તરફ ધસી ગઈ.

“શ શું...!?” નેહાને અચાનક આવી ચઢેલી જોઇને સિદ્ધાર્થને પહેલાં આશ્ચર્ય થયું પણ પછી તેણીના ચેહરાના ગુસ્સાના એ ભાવો જોઇને તે સમજી ગયો કે તે ગુસ્સામાં છે.

“તારી પ્રોબ્લેમ શું છે...!? મારી સાથે બે ઘડી તું સરખી વાત પણ નઈ કરતો...! મેરેજને માંડ વીસ દિવસ બાકી છે...!” ગુસ્સે થયેલી નેહા એકી શ્વાસે બોલે જતી હતી “તારે ક્યાં સુધી આ બધું ચલા’વાનું છે...!?”

“આ બધું એટલે...!?” સિદ્ધાર્થ શાંતિથી બોલ્યો “રિવેન્જની ગેમની વાત કરે છેને તું...!? એ તો તારે નક્કી કરવાનું છે...કે તારે ક્યાં સુધી ચલાવવું છે...!”

સિદ્ધાર્થે ટોન્ટ મારતાં નેહા સમસમી ગઈ. અને ભીની આંખે તેની સામે દાંત કચકચાવીને જોઈ રહી.

 “તું જાણી જોઇને આવું કરે છે ને...!?” નેહા ગળગળા સ્વરમાં બોલી “તને કોઈ પડી નથી ને આપડા રીલેશનની ....!?”

“આપડી વચ્ચે કોઈ રીલેશન હતો....!?” સિદ્ધાર્થે ફરીવાર ટોન્ટમાં એજ રીતે શાંતિથી પૂછ્યું.

“બઉ રૂડ થઇ ગ્યો છે તું...!” પોતાનું રડવાનું માંડ રોકી રાખી નેહા ત્યાંથી ઝડપથી જવા લાગી “કોઈ પડી નથી તને આપડી....!”

છેવટે ભાંગી પડીને તે રડી પડી અને સિદ્ધાર્થના બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ.

કંટાળેલો સિદ્ધાર્થ પોતાનું માથું દબાવી રહ્યો અને છેવટે બાલ્કનીમાંથી પાછો રૂમમાં આવી મોબાઈલ પાછો ચાર્જરમાં ભારવી ફ્રેશ થવા બેડરૂમના એટેચ બાથરૂમમાં ગયો.

થોડીવાર પછી ફ્રેશ થઈને સિદ્ધાર્થ બહાર આવ્યો અને બેડની જોડેના મોટા ડ્રેસિંગ મિરરમાં જોઇને પોતાનો સાફો સરખો કરવા લાગ્યો.

“બઉ સખત જરૂર છે તારી લવ....બવ સખત જરૂર છે...!” કાંચમાં પોતાને જોઈ રહીને સિદ્ધાર્થ બબડ્યો.

“સ....સિદ......! સિદ્ધાર્થ.....!” સિદ્ધાર્થ કાંચમાં જોઈ રહ્યો હતો ત્યાંજ તેને બાલ્કનીની દિશા તરફથી એ મધુર સ્વર સંભળાયો.

અવાજ ઓળખી ગયેલાં સિદ્ધાર્થે ચોંકીને પાછળ ફરી બાલ્કની બાજુ જોયું.

“હે ભગવાન લાવણ્યા...!?”

બાલ્કનીમાં ઉભેલી લાવણ્યાને જોઈને સિદ્ધાર્થને વિશ્વાસ જ ન થયો હોય એમ તે ચોંકી ગયો અને ફાટી આંખે દરવાજાની વચ્ચે ઊભેલી લાવણ્યાને જોઈ રહ્યો.

■■■■

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014