Love Revenge Spin Off Season - 2 - 30 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-30

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-30

લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-30

           

            “તું અત્યારે જ બરોડા આ’વા નીકળી જા....!?”  સિદ્ધાર્થે કૉલ રિસીવ કરતાં જ સુરેશસિંઘ બોલ્યાં “તારી જરૂર છે....!” 

            “તમે બરોડા છો....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું “આજે પે’લ્લા નોરતે તમારે આરતી કરવાની હતીને...!? તમે અમદાવાદ આયા નઈ....!?”

            “ના...મારે નથી અવાયું....! પે’લ્લા નોરતાની પે’લ્લી આરતી નેહા કરી દેશે...!” સુરેશસિંઘ બોલ્યાં “મારે અહિયાં દોડધામ છે....! ભાઉએ તને  અર્જન્ટ બોલા’વાનું કીધું છે....!”

            “શું થયું....!?” સિદ્ધાર્થે આશંકિત સ્વરમાં પૂછ્યું.

            “એવું કઈં નઈ થયું....!” સમજી ગયેલાં સુરેશસિંઘ બોલ્યાં.

            “ઓહ....પણ મારે કાલે બ્રોકરને મલવાનું છે....! લોન માટે....!”  સિદ્ધાર્થ બહાનું બનાવતાં બોલ્યો.

            “ભાઉ કે’તા’તા કદાચ લોનની જરૂર નઈ પડે....!” સુરેશસિંઘ બોલ્યાં “એક NRI પાર્ટી જોડે જમીનના સોદા માટે ખાસા ટાઈમથી વાત ચાલતી’તી....! ત્રણેક દિવસ પે’લ્લા ડીલ ફાઇનલ થઈ ગઈ છે....અને પેમેન્ટનો ચેક પણ આજે આઈ ગ્યો....! પણ પાર્ટી પરમ દિવસની ફ્લાઇટથી યુએસ જાય છે એટ્લે આવતી કાલે સવારે જ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાઇ દેવાનું છે....! અને દસ્તાવેજમાં તારી સઈની જરૂર છે....!”

            “ઓહ....પપ્પાએ તો કશું કીધુંય નઈ મને....!?” વાત સમજવા મથી રહેલો સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો.

            “ભાઉ ને વિજયસિંઘ દસ્તાવેજની દોડધામમાં બીઝી હતા ને હું લગનના કામોની દોડધામમાં...!” સુરેશસિંઘ બોલ્યાં “એટલે એમને તારી જોડે વાત કરવાનો ટાઈમ ના મલ્યો ‘ને હુંય હમણાંજ થોડો ફ્રી થ્યો...!”

            “સારું....!”

            “હજી તો સવા આઠ -સાડાં આઠ જ થયા છે....!” સુરેશસિંઘ બોલ્યાં “તું અત્યારે જ બરોડાં આવવા નીકળી જા...! સવારે વે’લ્લાં ઓફિસે જઈ દસ્તાવેજોમાં સઈ કરી રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રાર ઓફિસે જવાનું છે....! ત્યાં લાઇનમાં ઊભું રે’વું પડશે....ટોકન માટે....!”

            સુરેશસિંઘે આખી વાત સિદ્ધાર્થને સમજાવી. બધુ સાંભળી સિદ્ધાર્થ સ્ટ્રેસમાં પણ આવી ગયો અને નિરાશ પણ થઈ ગયો. સ્ટ્રેસમાં આવીને તે પોતાનાં કપાળે હાથ ફેરવવાં લાગ્યો.

            “ઓહ લવ....!” સુરેશસિંઘ સાથે વાત કરી સિદ્ધાર્થ બધાથી દૂર ઊભાં-ઊભાં વિચારી રહ્યો.

            પાછું ફરીને સિદ્ધાર્થે બધા સાથે ઊભેલી લાવણ્યા સામે જોયું. તે પણ તેની તરફ જ જોઈ રહી હતી.

            “તું અપસેટ થઈ જઈશ...જવાની વાત સાંભળીને ....!”    

            થોડીવાર પછી છેવટે સિદ્ધાર્થ પાછો લાવણ્યા તરફ ચાલીને આવ્યો.

            “શ.....શું.....થયું જાન....!?” સિદ્ધાર્થ જોડે આવીને ઊભોજ રહ્યો હતો ત્યાંજ લાવણ્યાએ બેબાકળાં સ્વરમાં પૂછ્યું.

            “અ.....! લ....! લવ..!” સિદ્ધાર્થ પરેશાન ચેહરે તેણી સામે જોઈને બોલવાંનો પ્રયત્ન કરી રહ્યો “એક....અ....!”

            “બ....બોલને જાન....! શું વ...વાત છે...!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂકીને કહ્યું. તેનાં ધબકારાં હવે સતત વધી રહ્યાં હતાં.

            “મ....મારે બ...બરોડા જ...જવું પડશે....!” સાવ દયામણા ચેહરે જોઈ રહી સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો.

            “હાં....! તો હજી...! વાર છેને....! હજીતો એકવીસ દિવસ પ...પછીને....!” લાવણ્યા ધડકતાં હ્રદયે બોલી.

            “ન...નાં....! મ...મારે અ....! લવ....!” સિદ્ધાર્થ માંડ-માંડ બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો “મારે આજે જ જવું પડશે...! અ...અત્યારેજ....!”

            લાવણ્યા હતપ્રભ બનીને સિદ્ધાર્થની સામે જોઈ રહી. સિદ્ધાર્થ પણ દયામણી નજરે તેણી સામે જોઈ રહ્યો.

            “પ....પણ....પણ તે...તે પ્રોમિસ કરી’તીને કે...કે.. તું....! મારી જોડે એકવીસ દિવસ રઈશ...! આવું....આવું નાં કરને....!” લાવણ્યા રડી પડી.

            “અરે લવ....! હું....!”

            “સિદ..સિદ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથ પકડી લીધાં “તું તો ત....તારી પ્રોમિસ નઈ તોડતોને....!? આવું કરાય....!? એકવીસ દિવસ કીધાં તો....તો....એકવીસ દિવસ તો રે’ મારી જોડે...! પ્લીઝ....!”

            “લાવણ્યા પ્લીઝ....! મારી વાત તો....!” સિદ્ધાર્થ બોલવા મથી રહ્યો.

            “સ.....સારું....! એકવીસ દિવસ નઈ....તો...તો...! પંદર દિવસ...બસ...પંદર દિવસ રઈશ...!?” લાવણ્યા હવે નાનાં બાળકની જેમ વિનંતી કરતી હોય એમ બોલી.

            “લાવણ્યા મારે અર્જન્ટ કામ માટે જવાનું છે.....! હું....હું...!”

            “પંદર દિવસ નઈ તો....તો...! દસ દિવસ....! દસ દિવસ તો રે’….!?” રઘવાઈ થયેલી લાવણ્યા બબડાટ કરવાં લાગી.

            “લાવણ્યા તું મારી વાત તો સાંભળ ...! હું ખાલી...બે દિવસ....!”  

            “તો....તો નવરાત્રિ તો સેલિબ્રેટ કરીલે મારી જોડે...!?” લાવણ્યા હવે કઈંપણ સાંભળ્યા વગર બોલ્યે જતી હતી “સિદ..સિદ....તે નવરાત્રિની પ્રોમિસ પણ કરી’તી....અ...એક પ્રોમિસ તો નિભાવ....! આવું શું કરે છે...!?”

            “અરે લાવણ્યા.....! શું થયું...!?” કામ્યાએ તેમની જોડે આવીને પૂછ્યું. 

            હવે અંકિતા અને ત્રિશા પણ જોડે આવી ગયાં.    

            “ક....કામ્યા....! સિદ...સિદ....! બરોડાં ...જાય છે....! અત્યારે જ જાય છે...!” લાવણ્યા હવે નાનાં બાળકની જેમ ફરિયાદ કરતી હોય એમ કામ્યાને કહેવાં લાગી “એને પ્રોમિસ કરી’તી તો પણ જાય છે....!”

            “સિદ...!” કામ્યાએ પણ ભીંજાયેલી નજરે તેની સામે જોયું “આટલું જલ્દી કેમ....! રોકાને પ્લીઝ...! અને આત્યારે રાતે છેક બરોડા જવામાં રિસ્ક છે...!”

            “કામ્યા તું પણ યાર ઈમોશનલ થઈ જાય છે....! મારી વાત તો સાંભળ....! હું બે-દિવસમાં પાછો આઈ જઈશ....!” સિદ્ધાર્થ પરાણે પોતાનો બચાવ કરતો હોય એમ બોલ્યો.

            “તો...તો...ખાલી બે દિવસ માટેતો રોકાઈજા....! પ્લીઝ” લાવણ્યા ફરીવાર એજરીતે રઘવાયાં સ્વરમાં બોલી “તું...તું...મારો નઈ થાય....! મમ્મી કે’તીતી...તું...તું...મને છોડીને જ....જતો રઈશ....!”

            “લવ...!” સિદ્ધાર્થ દયામણી નજરે તેની સામે જોઈ રહ્યો.

            “પ...પણ આટલું જલદી મારાંથી દૂર જતો રઈશ....! એવું....એવું ન’તી ખબર....!” લાવણ્યા હવે સિદ્ધાર્થનાં હાથ સહેજ જોરથી દબાવી રહી “સિદ...સિદ...! બે દિવસ પણ નઈ રોકાય તું...!? બોલ...? બે દિવસ પણ નઈ રે’ મારી જોડે...!?”

            “લાવણ્યા....! ટ્રસ્ટમી....! હું....હું....બે દિવસમાં આવતો રઈશ સાચું કઉ છું...!” દયામણું થઇ ગયેલું લાવણ્યાનું મોઢું જોઇને સિદ્ધાર્થ પ્રેમથી તેણીને સમજાવતા બોલ્યો.

            “તો...તો...આજની રાત...બસ ખાલી આજની રાત રોકાઈજાને...! પ્લીઝ....! પ્લીઝ...! આજની રાત રોકાને....!”

            “સિદ્ધાર્થ...! શું માંડ્યુ છે તે આ બધું....!” અંકિતા હવે સહેજ ઉગ્ર સ્વરમાં બોલી “તને કઈં ભાન પડે છે...! યાર...!” અંકિતાનો સ્વર ધ્રુજી ગયો અને તેની આંખ ભીંજાઇ ગઈ “આ છોકરીની સામે તો જો....! તારામાંને તારામાં .....! મ....માનસિક રોગી થઈ ગઈ છે આ....! ભાન પડેછે તને કઈં....!”

            “અંકિતા પણ હું સાચું કઉં છું યાર.....!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો “ હું બે દિવસમાં આઈ જઈશ યાર....!”

            “કશું નઈ આવે તું....! મને બધી ખબર છે...!” અંકિતા હવે વધુ ઉગ્ર સ્વરમાં બોલી “તું...તું....આ છોકરીને ચીટ કરે છે...!”

            “અંકિતા......તું...સિદને આરીતે કેમ બોલે છે...!?” લાવણ્યા હવે સિદ્ધાર્થની આગળ આવીને બોલી “એ...એ..મને ચીટ નઈ કરતો....! સિદ..સિદ...!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થની સામે જોયું “તું....તું...જા...હોં....! ક...કોઈ વાંધો નઈ....! તું તારું કામ પતાઈલે....! બરોડાનું...!”

            “લાવણ્યા....! હું...હું તને પ્રોમિસ કરું છું...!” સિદ્ધાર્થ લાવણ્યાનાં હાથ પકડીને ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો “હું...હું...બે દિવસમાં પાછો આઈ જઈશ....! હમ્મ....! મારી ઉપર ટ્રસ્ટ છેને તને...!?”

            “મ....મને ટ્રસ્ટ છે....! ટ્રસ્ટછે....! તું....તું...! શાંતિથી જા..હોં...જ...જાન....!” લાવણ્યા કમને બોલી રહી હતી.

            “ઓહ...લવ....!” બધાંની હાજરી ભૂલી સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી “જો જરૂરી નાં હોત ...તો....હું નાં જાત....!”

            “ક....કોઈ વાંધો નઈ જાન...!” લાવણ્યા સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવતાં બોલી “તું....તું. સ્ટ્રેસ નાં લઇશને....!હમ્મ...!”

            “અમારે જમીન વેચવાની છે....!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો “અને જે પાર્ટીને વેચવાની છે એ પરમ દિવસે યુએસ જવાની છે...! અર્જન્ટ છે...! મારી સહીની જરૂર છે....!”

            “સિદ.....! જાન...!” લાવણ્યા પ્રેમથી સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને બોલી “ત..તારે એક્સપ્લેંઇન કરવાની કોઈ જરૂર નથી....! મને ટ્રસ્ટછે તારી ઉપર....!”

            બંને કેટલીક ક્ષણો મૌન થઈ ગયાં.

“સોરી લવ...!” સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહી મનમાં બબડ્યો.

            “તારે લેટ થશે....! તું જા હવે....!” લાવણ્યા બોલી.

            “હું.... વૉશરૂમ જઈ આવું પે’લાં....!” સિદ્ધાર્થ બોલ્યો અને જેંટ્સ વૉશરૂમ જવાં માટે કોલેજની બિલ્ડિંગ તરફ જવાં લાગ્યો.

            જતાં-જતાં તેણે કામ્યા અને અંકિતા ઉપર એક નજર નાંખી પરાણે સ્મિત કર્યું.  

            “એ પાછો નઈ આવે....!” કોલેજની બિલ્ડિંગનાં કોરિડોરમાં ચાલી રહેલાં સિદ્ધાર્થની પીઠને તાકીને અંકિતા બોલી “લાવણ્યા...! તું ગમેતે કે’....! પણ એ પાછો નઈ આવે...!”

            “હાં....! મને પણ એવુજ લાગે છે...!” ત્રિશાએ સૂર પુરાવ્યો.

            “નઈ....નઈ...! આવશે....!” બધાંનાં આશ્ચર્ય વચ્ચે કામ્યાએ સિદ્ધાર્થની ફેવર કરી “મને ટ્રસ્ટ છે એની ઉપર...!”

            “તને ક્યાંથી અચાનક એની ઉપર ટ્રસ્ટ આવી ગ્યો...!?” અંકિતાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું.

            “બસ...! આવી ગ્યો...!  હવે કામ્યાએ સિદ્ધાર્થને જેંટ્સ વૉશરૂમ જવાંનાં કોરિડોરમાં વળતો જોયો “મને ટ્રસ્ટ છે...!” કામ્યાએ હવે લાવણ્યાનો હાથ દબાવ્યો “એ પાછો આવશે...!”

            “લાવણ્યા...! મારી વાત માન....!” અંકિતાએ ફરીવાર લાવણ્યા સામે જોઈને કહ્યું “એ પાછો નઈ આવે....! શક્ય હોય....તો ...તો આજની રાત એને રોકીલે અને ....એટલિસ્ટ એક નોરતું એની જોડે સેલિબ્રેટ કરીલે....! જેટલો ટાઈમ સ્પેન્ડ કરવો હોય....!” અંકિતાએ ભીંજાયેલી આંખે લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો “જેટલું જીવવું હોય....! એટલું આજે જીવીલે....!”

            લાવણ્યા ફરી રડી પડી. તેનાં હોંઠ ધ્રૂજવાં લાગ્યાં.

-----

            “તો...તો...આજની રાત...બસ ખાલી આજની રાત રોકાઈજાને...! પ્લીઝ....! પ્લીઝ...! આજની રાત રોકાને....!”

            રઘવાઈ લાવણ્યાનો એવો ચેહરો સિદ્ધાર્થની આંખ સામેથી ખસી નહોતો રહ્યો અને એ શબ્દો હજી પણ કાનમાં પડઘાઈ રહ્યાં હતાં. જેન્ટ્સ વોશરૂમમાં સિદ્ધાર્થ મિરર સામે જોઈ રહીને લાવણ્યાનો ચેહરો યાદ કરી રહ્યો હતો.

“ત..તારે એક્સપ્લેંઇન કરવાની કોઈ જરૂર નથી....! મને ટ્રસ્ટછે તારી ઉપર....!”

 

“તું અજાણી છે....છતાંય અનહદ પોતાની લાગે છે....!” લાવણ્યા વિષે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ બબડ્યો “તને મારી ઉપર આટલો ટ્રસ્ટ કઈ રીતે હોઈ શકે...!?”

 

કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ મિરરમાં ઉદાસ ચેહરે જોઈ રહ્યો. લાવણ્યાની એવી દયનીય હાલત માટે પોતે જવાબદાર હોવાનો ગિલ્ટ તેનાં મનમાં ઘેરાવા લાગ્યો અને તેને પોતાના ઉપર ગુસ્સો આવવા લાગ્યો.

 

છેવટે બરોડા જવાનું યાદ આવતાં સિદ્ધાર્થ પાછો ફરી ત્યાંથી બહાર જવા લાગ્યો. કોરીડોરમાં ચાલીને તે કૉલેજના બિલ્ડીંગમાંથી પગથીયા ઉતરી પેવમેન્ટ ઉપર ચાલતો-ચાલતો લાવણ્યા અને બાકીના તરફ જવા લાગ્યો.  સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યા તેને કોલેજનાં બિલ્ડિંગમાંથી તેમની તરફ આવતો  જોઇને તરતજ હાંફળી-ફાંફળી થઈને તેની તરફ દોડી આવી.

 

            “સિદ....સિદ....!” લાવણ્યા રઘવાયા સ્વરમાં તેની પાસે આવીને બોલી.

            “લવ...! શું થયું....!?” સિદ્ધાર્થે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

            “સિદ...સિદ....મ....હું...એક એક રિકવેસ્ટ કરું....તો....તો....માનીશ....!?” લાવણ્યાએ નાનાં બાળકની જેમ બોલી.

            “બોલને લવ...! શું વાત છે...!?” સિદ્ધાર્થ પ્રેમથી સ્મિત કરીને બોલ્યો.

            “ખાલી આજની રાત રોકાઈજાને....! પ...પ....પછી ક...કાલે સવારે વે’લ્લાં જતો રે’જે....!”

            “અ....લવ....!” હેલ્પલેસ ચેહરો બનાવી સિદ્ધાર્થે લાવણ્યા સામે જોયે રાખ્યું.

            લાવણ્યાની પાછળ હવે કામ્યા, અંકિતા અને ત્રિશા પણ આવીને ઊભાં રહ્યાં.

            “પ્લીઝ....પ્લીઝ....! આજની રાત ખાલી...!” લાવણ્યા રીતસરની કગરી પડી.

            “હાં...સિદ....! પ્લીઝ આજની રાત રોકાઈજા...!” કામ્યા પણ વિનવણીનાં સ્વરમાં બોલી.

            “લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાની સામે મૂંઝાઇને જોયું “જમીનનાં દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવાં સવારે વે’લ્લાં રજીસ્ટ્રાર ઓફિસ જવાનું છે....! પછી ત્યાં ભીડ થઈ જાય એ પહેલાં ટોકન લેવું પડે છે...! હું અત્યારે નિકળીશ તો બે-ત્રણ કલ્લાકે બરોડાં પહોંચીશ....! થોડું ઊંઘીને પછી સવારે વે’લ્લાં કામ માટે જવું પડશે...!”

            લાવણ્યાની આખમાંથી હવે આંસુ વહેવાં લાગ્યાં. કેટલીક ક્ષણો સુધી કઈંપણ બોલ્યાં વગર તે એમજ ઊભી રહી.

            “તો....તો...! બ....બે કલ્લાક.....! બે કલ્લાક તો રોકા....!” એવાજ રઘવાયાં સ્વરમાં લાવણ્યા બોલી “સિદ...! ખાલી બે કલ્લાક કઉ છું....! પ....પછી ન...નઈ રોકું....! પ્રોમિસ....!” લાવણ્યા તેનું ગળું પકડીને બોલી.

            સિદ્ધાર્થને તેણી ઉપર દયા આવી ગઈ. તેને પોતાની આંખ માંડ ભીંજાતા રોકી.

            “સિદ...! એમપણ આજે પે’લ્લું નોરતું છે....!” અંકિતા હવે ધિમાં સ્વરમાં બોલી “બાર વાગે ગરબાં પતે એટ્લે જતો રે’જે....!”

            “સિદ....પ્લીઝ....!” લાવણ્યા આશાભરી નજરે તેની સામે જોઈ રહી.

            “સારું.....! હું ગરબાં પતે પછી જઈશ....!” છેવટે લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂકીને સિદ્ધાર્થ બોલ્યો.

            લાવણ્યા જોરથી સિદ્ધાર્થને વળગી પડી. કામ્યા અને અંકિતાની આંખ પણ ભીંજાઇ ગઈ.

            “તારાથી દૂર જવું ખરેખર અઘરું છે...!” કેટલીક ક્ષણો સુધી લાવણ્યાને આલિંગનમાં જકડીને ઊભા રહેતા સિદ્ધાર્થ મનમાં બબડ્યો. 

            “અરે હવે ચાલો યાર....!” અંકિતા છેવટે વાતાવરણ હળવું કરવાં બોલી.

            “પણ પ્રેમ અને રોનક ક્યાં છે....!?” કામ્યાએ પૂછ્યું.

            “અરે એ લોકો ડાઇરેક્ટ આવે છે...!” ત્રિશા બોલી “મને જસ્ટ મેસેજ આયો ….!”

            “હા...તો ચલો....! આપડે જઈએ...!” સિદ્ધાર્થ પણ ઉતાવળા સ્વરમાં બોલ્યો અને લાવણ્યાનો હાથ પકડી લીધો “એમ પણ લેટ થઈ ગ્યું છે....!”

            “સિદ....!” સિદ્ધાર્થ લાવણ્યાનો હાથ પકડીને ચાલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનો હાથ ખેંચીને તેને ઊભો રાખ્યો “મ...મારે ઘેર જવું છે....!”

            “કેમ.....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

            “એટ્લે.... હું એક વસ્તુ ભૂલી ગઈ છું એ લેવી છે...!” લાવણ્યા બોલી પછી બધાંની સામે જોયું “ત...તમે બધાં કારમાં પાર્ટી પ્લોટ પહોંચો....! હું ‘ને સિદ મારાં ઘરે જઈને પછી ત્યાં સીધાં આઈએ છે....! હમ્મ....!”

            “ઓકે ફાઇન....! પણ જલદી કરજો....!” અંકિતા બોલી અને તેણીએ તેનાં મોબાઇલની સ્ક્રીનમાં જોયું “એમ પણ .....સવાં નવ થઈ ગ્યાં છે...!”   

            “હાં....હાં....મારે બવ ટાઈમ નઈ લાગે....!” લાવણ્યા ડોકું હલાવીને બોલી.

            “ચલો....!” અંકિતા બોલી અને ગેટની બહાર સિદ્ધાર્થે અગાઉથી મંગાવેલી તેનાં મામાંની કાર તરફ જવાં લાગી.

            જોડે-જોડે ત્રિશા અને કામ્યા પણ જવાં લાગ્યાં.

            “ચલ....! આપડે જલ્દી જઈ આઈએ....!” લાવણ્યા બોલી.

સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવ્યું અને તેણીનો હાથ પકડીને પેવમેંન્ટની સાઇડે પાર્ક કરેલાં બાઇક પાસે આવ્યો. કોણ જાણે કેમ પણ લાવણ્યાનો હાથ છોડવાનું તેને મનજ નહોતું થતું, દર સેકન્ડે તેણીનો હાથ પકડી જ રાખવો એવું સતત ફિલ થયા કરતું.

            એનફિલ્ડની સીટ ઉપર સિદ્ધાર્થ ઘોડો કરીને બેઠો ઇગ્નિશન ઓન કરી બાઈક ગિયરમાં નાંખી ગેટ તરફ ફેરવી લીધું. ચણિયાચોલી પહેરી હોવાથી લાવણ્યા સિદ્ધાર્થની પાછળ સીટ ઉપર એક સાઇડે બેઠી. આમ છતાંય તેણીએ સિદ્ધાર્થને શક્ય એટલું ચીપકી જવાનો પ્રયત્ન કર્યો.

            “ચલ...! જવાદે....!” બંને હાથ વડે સિદ્ધાર્થને કચકચાવીને પકડી લઈને લાવણ્યાએ તેની દાઢી સિદ્ધાર્થનાં ખભે અડાડીને કહ્યું.

            સહેજ પાછું જોઈ સિદ્ધાર્થે સ્મિત કર્યું અને બાઇક કોલેજનાં ગેટની બહાર ધીમી સ્પીડે જવાં દીધું. કામ્યા અને અંકિતા કારમાં બેસી રહ્યાં હતાં. ત્રિશા ઓલરેડી બેસી ગઈ હતી.

            “એવું તો શું લેવાનું રઈ ગ્યું છે ઘરે...!?” સિદ્ધાર્થે બાઇક ચલાવતાં- ચલાવતાં સહેજ પાછું જોઈને પૂછ્યું.

            લાવણ્યાએ સિદ્ધાર્થની ફરતે તેની પકડ વધુ કસી અને ગળગળાં સ્વરમાં માંડ બોલી –“ ક..કઈંક ખાસ છે....!”

            “તારાં માટે.....!” છેલ્લું વાક્ય લાવણ્યા મનમાં બોલી.

            ઉતાવાળ હોવાથી મુખ્ય રોડ ઉપર આવતાં જ સિદ્ધાર્થે બાઈકની ઝડપ વધારી દીધી.

            “ધીરે ચલાયને....!” સિદ્ધાર્થ ફરતે પોતાની પકડ વધુ કસતા લાવણ્યા ફરિયાદ ભર્યા સૂરમાં બોલી.

            પાછું જોઇને સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું.

સામે જોઇને બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ ઘણીવાર ડાબી બાજુના સાઈડ મિરરમાં લાવણ્યાને જોતો. સિદ્ધાર્થના ખભે માથું ઢાળીને લાવણ્યા સાવ ઉદાસ અને નિસ્તેજ ચેહરે બેસી રહી હતી. સિદ્ધાર્થને વીંટાળેલાં પોતાના હાથ વડે તે સિદ્ધાર્થનો કુર્તો બેચેની પૂર્વક ચોળી રહી હતી.

લાવણ્યાનું સાવ ઉતરી ગયેલું મોઢું જોઇને સિદ્ધાર્થને પીડા થઇ.

“લવ....!” બાઈક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે પ્રેમથી કહ્યું.

“હમ્મ..!?” જવાબમાં લાવણ્યાએ માત્ર હુંકારો ભર્યો.

“હું પાછો આવું....એ પછી આપડે મોઢેરા જઈશું....!” સિદ્ધાર્થ બોલ્યો.

કશું પણ બોલ્યાં વગર લાવણ્યાએ વધુ જોરથી સિદ્ધાર્થને જકડી લીધો. બે-ત્રણ ડુસકા પણ તેણીથી ભરાઈ ગયાં.   

            ત્યાર પછી પણ લાવણ્યાનો મૂડ સારો કરવાં સિદ્ધાર્થે ઘણો પ્રયત્ન કરવાં છતાં લાવણ્યા તેણીનાં ઘરે પહોચ્યાં ત્યાંસુધી લગભગ મૌન જ રહી.    

***

            “બસ...પાંચજ મિનિટમાં આવું છું....!” સિદ્ધાર્થનાં રોયલ એનફિલ્ડની બેકસીટ ઉપરથી ઉતરીને લાવણ્યાએ તેનાં ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલતાં કહ્યું.

            સિદ્ધાર્થ બાઇક ઉપરજ બેસી રહ્યો અને લાવણ્યાને ગેટ ખોલીને તેનાં ઘરમાં દોડી જતાં જોઈ રહ્યો.

            “ખબર નઈ....! શું ખાસ હશે...!?”

            લાવણ્યા ઘરમાં ગઈ એ પછી સિદ્ધાર્થ એ વિષે વિચારી રહ્યો.

            “એક-એક સેકન્ડ તું મારી જોડે રે’વા તરસે છે .....!”  લાવણ્યાનો રઘવાટ સિદ્ધાર્થને છેક તેના અંતર સુધી મેહસૂસ થતો હતો “કોઈ પણ સબંધમાં તું મારી જોડે નઈ બંધાયેલી...! તોય મારી અનહદ કેર તું કરે છે....!” 

            “લાવણ્યા પણ કેમ આટલી ઉતાવળ કરે છે બેટાં......!?” ત્યાંજ સુભદ્રાબેનનો અવાજ સંભળાતા સિદ્ધાર્થનું ધ્યાન એ તરફ ગયું.

            સુભદ્રાબેન લાવણ્યાને બોલાવી રહ્યાં હતાં પણ લાવણ્યા કશુંપણ સાંભળ્યા વિના દોડાંદોડ બહાર આવી ગઈ. સુભદ્રાબેન તેની પાછળ-પાછળ ઉતાવળાં પગલે આવી રહ્યાં હતાં ત્યાં લાવણ્યા સિદ્ધાર્થની જોડે પહોંચી ગઈ.

            “ચલ...! જઈએ...હવે....!” સિદ્ધાર્થનાં બાઇકની બેકસીટ ઉપર બેસતાંજ લાવણ્યા બોલી.

            “અરે પણ આન્ટી કઈંક કે’છે.....!” ઉતાવળાં પગલે ઓટલે ચાલીને આવી રહેલાં સુભદ્રાબેનને જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

            “મારે વાત થઈ ગઈ છે....! તું ચલ....!” લાવણ્યા બોલી.

            “આન્ટી...! થોડી ઉતાવળ છે હોં...! પછી વાત કરીએ....!” સિદ્ધાર્થે લગભગ ગેટે પહોંચી ગયેલાં સુભદ્રાબેનને ઉદ્દેશીને કહ્યું અને બાઇકનો સેલ મારી ગિયરમાં નાંખીને ઘુમાવી લીધું.

            સુભદ્રાબેન ચિંતાતુર નજરે સિદ્ધાર્થ અને તેનાં બાઇકની પાછળ બેઠેલી લાવણ્યાને જોઈ રહ્યાં. લાવણ્યાએ સુભદ્રાબેનની સામે જોઈને હળવું દર્દભર્યું સ્મિત કર્યું. તેની આંખ ભીંજાઈ ગઈ અને તેને જોઈને સુભદ્રાબેનની આંખ પણ ભીંજાઈ ગઈ.

            સુભદ્રાબેન બંનેને બાઇક ઉપર સોસાયટીની બહાર નીકળતાં જોઈ રહ્યાં.

            “શું વાત હતી...!? આન્ટી કઈંક પૂછતાં ‘તા...ને તે સરખી વાત પણ ના કરી...કે મનેય ના કરવાં દીધી...!?” સોસાયટીની બહાર બાઇક લઈને નીકળ્યા પછી સિદ્ધાર્થે પાછળ બેઠેલી લાવણ્યાને પૂછ્યું.

            “કશું નઈ....! તું જલ્દી જવાદેને....!” લાવણ્યા ઉતાવળા સ્વરમાં બોલી “હજી તો ગરબા ગાવા જવાનું છે....! ને...ને..પછી...અ....!”

            બોલતાં-બોલતાં લાવણ્યા અટકી ગઈ.

            “શું પછી....!?” સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને પૂછ્યું.

            “ન...નઈ....કઈં નઈ....તું..તું જલ્દી જવાદે...બધા રાહ જોતાં હશે....!” લાવણ્યા વાત બદલતાં બોલી અને સિદ્ધાર્થને ચીપકીને જકડી લીધો.

            સિદ્ધાર્થ સમજી ગયો કે લાવણ્યાના મનમાં શું ચાલે છે એ તે કહેશે નઈ, આથી છેવટે તેણે પૂછવાનું માંડી વાળ્યું. એમપણ બરોડા જતાં પહેલા તે પોતે પણ લાવણ્યા સાથે શક્ય એટલો વધારે ટાઈમ સ્પેન્ડ કરી લેવા માંગતો હતો. 

***

            “હું બાઇક પાર્ક કરીને આવું...!”  પાર્ટી પ્લૉટના મેઇન એંટ્રન્સથી થોડે આગળ બાઇક ઊભું રાખી સિદ્ધાર્થ બોલ્યો.

            લાવણ્યા બાઇકની સીટ ઉપરથી ઉતરીને સિદ્ધાર્થની જોડે આવીને ઊભી રહી.

            “જો....! બધાં ત્યાંજ ઊભાંછે....!” લાવણ્યાએ ઈશારો કરીને કહ્યું.

            ગ્રૂપનાં ફ્રેન્ડ્સ ટોળુંવળીને પાર્ટીપ્લોટનાં અંદર જવાનાં એન્ટ્રન્સ ગેટ આગળજ ઊભાં હતાં.

            “રોનક અને પ્રેમ પણ આઈ ગ્યાં છે.....!” લાવણ્યા બોલી “હું બધાંની જોડેજ ઊભી છું....તું આય....હમ્મ....!”

            સિદ્ધાર્થે માથું હલાવીને તેની બાઇક પાર્કિંગ તરફ જવા દીધી.

            લાવણ્યા ચાલતી-ચાલતી ગેટ આગળ ઉભેલાં ગ્રૂપનાં મિત્રો જોડે જવા લાગી.

            પાર્ટી પ્લૉટના પાર્કિંગમાં બાઇક પાર્ક કરીને સિદ્ધાર્થ પાછો એંટ્રન્સ તરફ જવા લાગ્યો.

            “ટ્રીન....ટ્રીન.....ટ્રીન.....!” ત્યાંજ સિદ્ધાર્થનો ફૉન રણક્યો.

            કુર્તાના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢીને સિદ્ધાર્થે સ્ક્રીન ઉપર નંબર જોયો.

            “નેહા....!?” સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોઈને સિદ્ધાર્થ બબડ્યો “નઈ ઉપાડવો...!”

            ગુસ્સે થઈ ભવ સંકોચી સિદ્ધાર્થે ફૉન પાછો કુર્તાના ખિસ્સામાં સરકાવ્યો ને ચાલવા લાગ્યો.   

----

            “સ....સિદ્ધાર્થ ક્યાં છે....!?” આજુબાજુ જોઈને કામ્યાએ લાવણ્યાને પૂછ્યું.

            “બાઇક પાર્ક કરીને આવે છે...!” લાવણ્યા બોલી અને પછી અંકિતા સામે જોવાં લાગી.

            “અરે યાર અંદરતો ગરબાં શરૂ પણ થઈ ગ્યાં...!” પાર્કિંગ તરફનાં ગેટ સામે ડાફોળીયાં મારી રહેલી અંકિતા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

            પાર્ટી પ્લોટમાં ચાલી રહેલાં ગરબાંનું મ્યુઝિક બહાર સંભળાઈ રહ્યું હતું.

            “લાવણ્યા....! તું શું વસ્તુ લેવાં ઘરે ગઈ’તી....!?” રોનકની જોડે ઊભેલી ત્રિશાએ પૂછ્યું.

            “બસ...! પર્સનલ છે....!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું.

            “આરતી થઈ ગઈ....!?” થોડીવાર પછી લાવણ્યાએ અંકિતાને પૂછ્યું જે હજીપણ એજરીતે પાર્કિંગ તરફનાં ગેટ સામે જોઈને ડાફોળીયાં મારી રહી હતી.

            “હાં....હાં... આરતીતો ક્યારની થઈ ગઈ....!” અંકિતા એવાંજ ઉચાટભર્યા સ્વરમાં લાવણ્યા સામે જોયાં વિના બોલી.

            “કોની રાહ જોવે  છે તું....!?” અંકિતાની બેચેનીનું કારણ જાણી ગયેલી લાવણ્યા તેણીને છેડતી હોય એમ બોલી.

            “હેં....! અ....! વિવ....! આઈ મીન સ....સિદ્ધાર્થ ક્યાંછે...!?” અંકિતાની જીભ થોથવાઈ ગઈ “હજી આ’યો નઈ....!?”

            “હાં બોલ...! આઈ ગ્યો...હું...!?” અંકિતાની પાછળથી સિદ્ધાર્થ આવીને ઊભો રહ્યો અને બોલ્યો.

            “અરે...!? તું આ બાજુથી ક્યાંથી આવ્યો...!?” અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું.

            “અરે કેમ...!? આ બીજો ગેટ નથી દેખાતો પાર્કિંગનો ...!?” સિદ્ધાર્થે પાછળની બાજુ પાર્કિંગનો બીજો ગેટ બતાવીને કહ્યું.  

            ત્યાંજ તેણે પાર્ટીપ્લૉટમાં અંદરથી આવતો ગરબાના મ્યુઝિકનો અવાજ સાંભળ્યો.

            “હવે ચલો જલદી..! ગરબાં ચાલુ થઈ ગ્યાં છે...!” લાવણ્યાનો હાથ પકડીને સિદ્ધાર્થ હવે ઉતાવળા સ્વરમાં બોલ્યો.

            લાવણ્યાએ સ્મિત કરીને તેની સામે જોયું.

            “અંકિતા....! ચલ હવે....!” ગેટ તરફ જોઈને હજીપણ ડાફોળીયાં મારી રહેલી અંકિતાને જોઈને લાવણ્યા ફરીવાર તેણીને ચિડાવતી હોય એમ બોલી “હજી કોની રાહ જોવે છે તું...!? બધાં આઈ ગ્યાં હવે ચલને.....!”

            અંકિતા દયામણું મોઢું કરીને બધાંની સામે જોઈ રહી. સિદ્ધાર્થ સિવાય બધાં મલકાઈને તેણી સામે જોઈ રહ્યાં.

            “અમ્મ...! મેં કઈં મિસ કરી દીધું...!?” સિદ્ધાર્થે પહેલાં લાવણ્યા સામે પછી બીજાં બધાં સામે જોયું.

            “નાં....નાં...! કઈં નઈ....!” લાવણ્યા હવે અંકિતા સામે રમતિયાળ સ્મિત કરીને માથું ધૂણાવીને બોલી.

            અંકિતાએ નજર ચૂરાવીને પાછું ગેટ તરફ જોયું.

            “એ ...! વિવાન....!” ગેટમાંથી વિવાનને યામાહા બાઇક ઉપર એન્ટર થતાં જોઈને ઉત્સાહમાં આવીને અંકિતાથી બોલાઈ ગયું પછી પોતાનો ઉત્સાહ દબાવતી હોય એમ ધીરેથી બોલી “આઈ મીન...! વિવાન આઈ ગ્યો...!”

            “અરે પણ એ ક્યાં આપડાં ગ્રૂપમાં છે..!?” હવે ત્રિશા અંકિતાને છેડતી હોય એમ બોલી.

            “વિવાન...!?” સિદ્ધાર્થે મૂંઝાઇને ફરી એજ રીતે બધાં સામે જોયું.

            “અંકિતાનો “બોય...ફ્રેન્ડ”...!” લાવણ્યા ટોંન્ટ મારતી હોય એમ આંખ મીંચકારીને બોલી.

            “એ હેલ્લો...! એ કોઈ મારો બોયફ્રેન્ડ -વોયફ્રેન્ડ નથી ઓકે......!” અંકિતા ચિડાઈને હથેળી કરીને  બોલી.

            બધાં હસી પડ્યાં.

            “જો ...જો...! આઈ ગ્યો....! તારો “બોયફ્રેન્ડ”....!” થોડીવાર પછી રોનક હવે સિદ્ધાર્થ પાર્કિંગનાં જે બીજાં ગેટ તરફથી આવ્યો હતો એજ ગેટ તરફથી આવી રહેલાં વિવાનને જોઈને બોલ્યો.

            “અરે....! આ તો....!”  અંકિતા નવાઈ પામી આંખો મોટી કરીને તેમની તરફ આવી રહેલાં વિવાનને જોઈને બોલી “બ્લેઝર પે’રીને આઈ ગ્યો ડફોળ......!

            બધાં હવે અંકિતા સામે જોઈને રમતિયાળ સ્મિત કરી રહ્યાં.

            “હાય....!” વિવાન બધાંની જોડે આવીને ઊભો રહ્યો અને પહેલાં બધાં સામે જોયું અને પછી અંકિતા સામે જોઈને બોલ્યો.

            “બાય....!” બ્લેઝર પે’રીને આવી ગયેલાં વિવાનને જોઈને અંકિતા ચિડાઈ ગઈ અને છણકો કરીને બોલી. પગ પછાડતી હોય એમ તે સીધી પાર્ટી પ્લોટનાં મુખ્ય ગેટમાંથી ઉતાવળાં પગલે અંદર ચાલી ગઈ.

            “અરે ....! આને શું થયું...!?” વિવાને મૂંઝાઇને લાવણ્યા સામે જોયું.

            “કઈં નઈ....! તું અંદર ચાલ....!” લાવણ્યા પરાણે તેનું સ્મિત દબાવીને બોલી “બધું સમજાવું છું...!”

            લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને અંદર જવાં લાગી. ગ્રૂપનાં બીજાં ફ્રેન્ડ્સ પણ તેમની પાછળ જ્વાં લાગ્યાં અને મૂંઝાયેલો વિવાન પણ.

            પાર્ટી પ્લોટમાં અંદર પ્રવેશતાં જ બધાંનું મન ઉત્સાહ અને થનગનાટથી નાચી ઉઠ્યું. એમાંય લાવણ્યાનું મનતો પાર્ટીપ્લોટ સુંદર ઝગમગતી રોશની જોઈને ખીલી ઉઠ્યું.

            પાર્ટીપ્લોટની ચારેય તરફની બાઉંડરીવૉલને અડીને ઊંચાં થાંભલાંઓ લગાવાયાં હતાં. તોરણની જેમ એકબીજાં થાંભલા ઉપર તાર લગાડીને સફેદ રંગની ચમકીલી સિરિઝોની લાઇટ્સ લગાવાઈ હતી. જેને લીધે ઉપર આકાશમાં અનેક તારાંઓ ઝગમગતાં હોય એવું દ્રશ્ય ખડું થતું હતું. સામેની બાજુ પાર્ટીપ્લોટનાં એક ખૂણે વચ્ચોવચ બનેલાં ભવ્ય ઊંચાં સ્ટેજ ઉપર પોતાનાં ગરબાં બેન્ડની આગળ સ્ટેજનાં છેડે ઊભાં રહી સુંદર ચણિયાછોલીમાં સજ્જ થઈને પોતાનાં નામ જેવીજ ફેમસ અને સુંદર સિંગર ઐશ્વર્યા મજમુદાર જોશીલાં ગરબા ગાઈ રહ્યાં હતાં.  

            “સિદ...સિદ...જલ્દી ચાલ....!” પાર્ટીપ્લોટનું જોશથી ભરેલું વાતાવરણ જોઈને લાવણ્યા નાનાં બાળકની જેમ ઉત્સાહમાં આવી ગઈ અને સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચવાં લાગી.     

            ત્યાંજ ઐશ્વર્યા મજમુદારની સૂરીલી અને થનગનાટથી ભરેલી અવાજમાં એ ફેમસ ગરબો શરૂ થયો જેની પ્રેક્ટિસ લાવણ્યા એન્ડ ફ્રેન્ડ્સ સવારે કોલેજનાં ડ્રામાં સ્ટુડિયોમાં કરી રહ્યાં હતાં.

“મારું મન.....મોહી ગયું......ઊ....!”

“ચલને જલ્દી....સિદ....!” સિદ્ધાર્થનો હાથ ખેંચી લઈને લાવણ્યા તેને ગરબા ક્રાઉડમાં લઈ આવી.

સિદ્ધાર્થ સિવાય બાકીના બધા હવે ગોળ સર્કલમાં ગરબા ગાવા લાગ્યાં.

“કે તને ઝાતાં ઝોઈ પનઘટની વાટે...એ...મારું મન.....મોહી ગયું...!”

              સિદ્ધાર્થ સિવાય લાવણ્યા અને ગ્રૂપનાં લગભગ બધાંજ મિત્રો એક સર્કલ બનાવીને લાવણ્યાએ શીખવાડેલાં “બેબીસ્ટેપ” ગરબાં ગાવા લાગ્યાં.

            મસ્ત મજાની લૉ વેસ્ટ ચણિયા ચોલીમાં સુંદર તૈયાર થયેલી લાવણ્યાને અત્યંત ઉત્સાહથી ગરબા ગાતા જોઈ હવે સિદ્ધાર્થ વધુ આશ્ચર્ય થયું. હમણાં સુધી જે લાવણ્યા અત્યંત રઘવાઈ થઈ ગઈ હતી અને સાવ ઉર્જા વગરની નિસ્તેજ લાગતી એ જ લાવણ્યા અત્યારે સ્વર્ગમાં મોહક નૃત્ય કરતી કોઈ અત્યંત સ્વરૂપવાન અને તેજવાન અપ્સરા લાગી રહી હતી. જાણે આ લાવણ્યાનું કઈંક અલગ જ રૂપ હતું.  

            ઐશ્વર્યા મજમુદારની સૂરીલી અવાજમાં ગરબાં ચાલી રહ્યાં હતાં. લાકડાંનાં લાંબા દંડાઓની વાડ વડે બનેલાં ચોરસ મોટાં ગરબાં ચોકમાં કોલેજનાં સ્ટુડન્ટ્સનાં અનેક ગૃપ્સ ગરબાં ગાઈ રહ્યાં હતાં.

            જોકે સિદ્ધાર્થનું ધ્યાન ઇચ્છવા છતાંય લાવણ્યાથી હટી નહોતું રહ્યું. એમાંય ગરબા ગાતાં-ગાતાં લાવણ્યા જ્યારે સ્ટેપ કરતી વખતે પોતાના બંને હાથ ઊંચા કરીને અંગડાઈ લેતી, લૉ વેસ્ટ ચણિયા ચોલીમાં પહેલેથી ખુલ્લી દેખાતી તેણીની કમરનો ઘાટ વધુ દેખાતો. ઘણાં પ્રયત્નો પછી પણ સિદ્ધાર્થના મન ઉપર લાવણ્યાના એ રૂપનું કામણ ના હટયું, તો સિદ્ધાર્થે પોતાના મનને રોકવાનો પ્રયત્ન પડતો મૂકી દીધો અને લાવણ્યાના રૂપને મન ભરીને માણી લેવાનું નક્કી કરી લીધું અને ગરબે ઘુમતી “ગોરી લાવણ્યા”ને પોતાનાં મોબાઈલનાં કેમેરામાં રોકોર્ડ કરવાં લાગ્યો.

            “સિદ...સિદ....મારી જોડે ગરબા ગાને....!”  ગરબા ગાતાં-ગાતાં લાવણ્યા દોડાદોડ મોબાઈલમાં ગરબા રેકોર્ડ કરી રહેલાં સિદ્ધાર્થ જોડે આવી ગઈ.

            “અરે પણ મને ક્યાં આવડે છે લવ...!” સિદ્ધાર્થ પારણે બોલ્યો.

            “જોને બધા બોય્ઝ ગાય છે....! વિવાન પણ ગાય છે....!” આજુબાજુ સર્કલમાં ગાઈ રહેલા ગ્રૂપના બધાં બોય્ઝ સામે જોઈને સિદ્ધાર્થને બતાવતા કહ્યું “તુંય મારી જોડે ગા ને....!”

            “પણ લવ....મને ખરેખર નઈ આવડતાં....મેં તને પે’લાય કીધું જ ‘તું ને...!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો.

            થોડીવાર સુધી લાવણ્યાએ બાળકની જેમ હઠ કરી. છેવટે સિદ્ધાર્થે સમજાવતા માંડ તે પાછી ગરબા ગાવા ગઈ. જોકે નારાજ હોવાનું નાટક કરતી હોય એમ મીઠો ગુસ્સો મોઢા ઉપર રાખીને તે સિદ્ધાર્થ સામે જોઈને ગરબા ગાતી રહી.    

            લાવણ્યાની જિદ્દ છતાંપણ સિદ્ધાર્થે ગરબાં નાં ગાયાં અને સર્કલાંમાં વચ્ચે ઊભો રહીને પોતાનાં મોબાઇલમાં ગ્રૂપનાં બધાંને ગરબાં ગાતાં રેકોર્ડ કરી રહ્યો હતો.   

               ગરબાંનાં સર્કલમાં ગોળ-ગોળ ફરતી વખતે લાવણ્યા સિદ્ધાર્થને મુગ્ધ નજરે જોઈ રહી હતી. છેવટે તેનાથી નાં રેહવાતાં ગરબાં ગાતાં-ગાતાં સર્કલમાંથી નીકળીને સિદ્ધાર્થની નજીક પહોંચી ગઈ અને તેની ફરતે રાસ લેતી-લેતી ગરબાં ગાવાં લાગી.

            સિદ્ધાર્થ સહિત બધાંને હળવું આશ્ચર્ય થયું. ગરબાં ગાતાં-ગાતાં અંકિતા અને કામ્યા સહિત બધાં મલકાઈને સિદ્ધાર્થની ફરતે ગરબાં ગાઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યાં. સિદ્ધાર્થની ફરતે ગરબાંનું સર્કલ ફરતી વખતે લાવણ્યાએ એકે-એક ક્ષણ સિદ્ધાર્થનેજ જોયાં કરતી.       

            “બેઢલું માથે...ને મેહંદી ભરી હાથે..એ....! બેઢલું માથે...ને મેહંદીભરી હાથે..એ....!” ગરબાંની એ લાઇન્સ ઉપર બધાં તેમજ સિદ્ધાર્થની આજુબાજુ ગરબાં ગાઈ રહેલી લાવણ્યાએ પણ નાનાં બાળકની જેમ જાણે માથે પાણીનું “બેડું” મૂક્યું હોય એમ હાથવડે સ્ટેપ કરીને પાછાં સિદ્ધાર્થ તરફ જવાં લાગ્યાં તેમજ “મેહંદીભરી હાથે..એ....! “ લાઇન ઉપર બધાંએ પોતાનાં હાથની બંને હથેળીઓ ખુલ્લી કરીને તેમણે મૂકેલી મહેંદી બતાવી. લાવણ્યા પણ સિદ્ધાર્થની સામે ઊભી રહીને તેનાં બંને હાથ ખોલી પોતાનાં હાથમાં મૂકેલી મહેંદી બતાવવાં લાગી. 

            મહેંદી બતાવતી વખતે લાવણ્યાની આંખ સહેજ ભીંજાઈ ગઈ. ભરચક મહેંદીની ડિઝાઈનમાં હથેળીની વચ્ચે લાવણ્યાએ હાર્ટ શેપ બનાવીને તેમાં “Sid” લખાવ્યું હતું.

            “ઓહ લવ....!” લાવણ્યાનાં હાથમાં “Sid” લખેલું વાંચી સિદ્ધાર્થની આંખ પણ આશ્ચર્યથી સહેજ ભીંજાઈ ગઈ.

            મોબાઇલ સહેજ નીચો કરી સિદ્ધાર્થ લાવણ્યાને પોતાની ફરતે ગરબાં ગાઈ રહેલી જોઈ રહ્યો.   

            ત્યારબાદ વારાફરતી એક પછી એક ધમાકેદાર ગરબાં સોંન્ગ્સ આવતાં ગયાં. લાવણ્યા સહિત ગ્રૂપનાં બધાં સર્કલમાં ઉત્સાહથી ગરબાં ગાતાં રહ્યાં. સિદ્ધાર્થ જતો રેહશે એ વાતનો ડર ભુલાવીને લાવણ્યા પણ પૂરી ઉર્જાથી ગરબાં ગાતી રહી. લગભગ દોઢ કલ્લાક જેટલું બધાંએ ગરબાં ગાયાં અને તે દરમિયાન લાવણ્યા દરેક ક્ષણે બસ સિદ્ધાર્થને જોતીજ રહી. સર્કલમાં વચ્ચે ઊભો રહીને સિદ્ધાર્થ પોતાનાં ફોનમાં રેકોર્ડિંગ કરતો રહ્યો.

***

            “મને તરસ લાગી છે....!” લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

            ગરબાં ગાઈને થાકેલું ગ્રૂપ સર્કલ બનાવીને નીચે બેસી રિલેક્સ થઈ રહ્યાં હતું. ગરબાં ચોકની આજુબાજુ પાર્ટીપ્લોટની બાઉંડરી વૉલને અડીને ફૂડ કોર્ટ બનાવાયો હતો. ફૂડ કોર્ટમાં ફાસ્ટ ફૂડની અનેક સ્ટૉલ્સ લાગેલી હતી. 

            ગ્રૂપનાં બધાં ફૂડ કોર્ટની આગળ લૉનમાં બેઠાં હતાં. પાછળ બનેલી અનેક ફૂડ સ્ટૉલ્સમાં વિવિધ ટાઈપનાં ફાસ્ટફૂડ ખાવાં ગરબાં ગાનાર  અને જોનાર પબ્લિકની ભીડ જામેલી હતી.   

            “શેની તરસ...!? હમ્મ...!?”  સામે બેઠેલી અંકિતાએ લાવણ્યાની સામે જોઈને તેની આંખો નચાવીને કહ્યું “પાણીની કે....પછી.....!?” અંકિતાએ હવે એવીજ રમતિયાળ નજરે સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થ લાવણ્યાની બાજુમાંજ બેઠો હતો. 

            “એ અંકલી ડોબી....!” લાવણ્યાએ હાથમાં પકડેલો તેનો હેંન્કી તેની ઉપર ફેંકતાં કહ્યું.

            લાવણ્યા સહિત બધાં હસી પડ્યાં. હસતાં-હસતાં લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોયું. તે પણ સ્મિત કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો હતો.

            “હું લઈ આવું છું….!” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યા સામે જોઈને ઊભો થયો “બીજાં કોઈને કશું લાવું છે...!?”   

            “હાં....! મારે માટે એક ચીઝ સેન્ડવિચ...!” ત્રિશા બોલી.

            “બધાં માટે ચીઝ સેન્ડવિચ જ લેતો આયને...!” અંકિતા બોલી અને ત્રિશાની બાજુમાં બેઠેલી કામ્યા સામે જોયું “શું કે’વું....!?”

            “હાં...ચાલશે...!” કામ્યા બોલી “પણ એની હેલ્પ માટે કોઈ જાઓતો ખરાં....! સિદ કઈં વેઇટર થોડો છે....! કે બધાંની સેન્ડવિચ એકલો લઈને આવે...!”

            “હું જાઉં…..!?” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું બનાવીને બોલી.

            “એમાં પૂછેછે શું...!?” અંકિતા આંખ મીંચકારીને બોલી “ જા...જા....!”

            “ચલ...ચલ....! જલદી...!” લાવણ્યા ઝડપથી ઊભી થતાં બોલી.

            બધાં મલકાઈને તેની સામે જોઈ રહ્યાં. લાવણ્યા સિદ્ધાર્થનું બાવડું પકડીને તેની જોડે ચાલવાં લાગી. ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ પણ તેણી સામે મલકાઈને જોઈ રહ્યો.  

            બંને હવે ચાલતાં-ચાલતાં ફૂડ કોર્ટમાં લાઇનબંધ બનેલી સ્ટૉલ્સ પાસે આવ્યાં.

            બધાં માટે ચીઝ સેન્ડવિચ અને પાણીની બોટલનો ઓર્ડર આપીને સિદ્ધાર્થે એક પાણીની બોટલની કેપ તોડીને લાવણ્યાને આપી. પોતાનાં લાલ હોંઠે બોટલ અડાડીને લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈ રહીને પાણી પીવાં લાગી.       

            થોડું પાણી પીને લાવણ્યાએ રમતિયાળ સ્મિત કરતાં-કરતાં બોટલ સિદ્ધાર્થ સામે ધરી. સિદ્ધાર્થે સ્મિત કરીને બોટલ લીધી અને પાણી પીવાં લાગ્યો.

            “મારાં ગરબાં ગમ્યાં...!?” પાણી પી રહેલાં સિદ્ધાર્થની સામે જોઈ રહીને લાવણ્યાએ પૂછ્યું.

            “ખાલી મને કે આજુબાજુનાં બીજાં બધાં છોકરાઓને...!?” સિદ્ધાર્થે ટીખળભર્યું સ્મિત કરતાં પૂછ્યું.

            “જોતો...જોતો....! કેવું હસે છે...પાછો...!” લાવણ્યા સિદ્ધાર્થનાં ચેહરાંની ઇનોસંન્ટ સ્માઇલ જોઈને તેનાં ગાલ ખેંચતાં બોલી.

            “અરે....!” સિદ્ધાર્થે પરાણે લાવણ્યાનો હાથ તેનાં ગાલ ઉપરથી છોડાવ્યો “તું બઉ જબરી છે....!”

            “તું ઘેરથી શું લાઇ.....!? શું ખાસ હતું...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

            “ડચ....!”  નાના બાળકની જેમ ડચકારો બોલાવી મોઢું મચેડી લાવણ્યા બોલી “નઈ કવ....!”  

            “જોને જબરી...!”

            “હી....હી...!”

            “સાહેબ...! તમારી ચીઝ સેન્ડવિચ અને પાણીની બોટલ્સ....!” ફૂડ સ્ટૉલવાળાંએ બે મોટી પ્લાસ્ટિક બેગમાં સિદ્ધાર્થે આપેલો ચીઝ સેન્ડવિચ અને પાણીની બોટલ્સનો ઓર્ડર પેક કરીને સિદ્ધાર્થ સામે ધરતાં કહ્યું.

            પેમેન્ટ કરીને સિદ્ધાર્થે બંને બેગ્સ પોતાનાં હાથમાં લીધી.

            “લાય...! એક મને આપ...!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથમાંથી એક બેગ લેવાં હાથ લંબાવ્યો.

            “વાંધો નઈ...! હું લઈ લઉં છું....!” સિદ્ધાર્થે કહ્યું.

            “નાં...નાં..! લાયને....!” લાવણ્યાએ તોપણ સેન્ડવિચવાળી બેગ સિદ્ધાર્થનાં હાથમાંથી લઈ લીધી.

            બંને પાછાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સની પાસે આવ્યાં.

            “અંકિતા....! આ પકડ...!” લાવણ્યાએ સેન્ડવિચવાળી બેગ અંકિતાને આપી.

            બેગ લઈને અંકિતાએ તેમાંથી સેન્ડવિચનાં એક-એક પાર્સલ કાઢીને વારાફરતી બધાંને આપવાં માંડ્યા. વિવાનને સેન્ડવિચનું પાર્સલ આપતી વખતે અંકિતાએ ઘુરકીને તેની સામે જોયું.

            “શું...!? મેં શું કર્યું...!?” વિવાને મૂંઝાઇને અંકિતા સામે અને પછી લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

            લાવણ્યા સહિત બધાં હસી પડ્યાં. વિવાન એજરીતે મૂંઝાઇને બધાંની સામે પછી અંકિતા સામે જોઈ રહ્યો.

            સેન્ડવિચ ખાતાં-ખાતાં બધાં હવે કોઈને કોઈ વાતે એકબીજાં જોડે મજાક મસ્તી કરવાં લાગ્યાં. અંકિતાએ વિવાનની “ઉડાવવાં”માં કઈં બાકી ના રાખ્યું. વિવાન મૂંઝાઇને બધાંની સામે જોતો રહેતો. એ જોઈને બધાં વધુ હસતાં.

            અંકિતાની મજાક મસ્તીને લીધે સિદ્ધાર્થ પણ સ્માઇલ કરતો અને લાવણ્યા સિદ્ધાર્થનાં એ સ્મિતમાં ખોવાઈને તેને જોઈ રહેતી.

            નાસ્તો કર્યાબાદ બધાં ફરીવાર ગરબાં ગાવાં માટે ગરબાં ચોકમાં આવી ગયાં. અગાઉની જેમજ સર્કલ બનાવીને બધાં ગરબાં ગાવાં લાગ્યાં. આ વખતે સિદ્ધાર્થ ગરબાં ચોકની લાકડાંની વાડ પાસે ઊભો રહીને ગરબાં જોઈ રહ્યો. બધાં તેની સામે નજીકજ ગરબાં ગાઈ રહ્યાં હતાં. હજીપણ લાવણ્યા ગરબાં ગાતાં-ગાતાં સિદ્ધાર્થની સામેજ જોતી રહેતી.

            “હવે નીકળવું પડશે....!”  ગરબા રેકોર્ડ કરતાં-કરતાં સિદ્ધાર્થની નજર મોબાઈલની સ્ક્રીનમાં દેખાતા ટાઈમ ઉપર પડી.

            ગરબા ગાઈ રહેલી લાવણ્યા તરફ સિદ્ધાર્થ ધીમા પગલે જવા લાગ્યો. સિદ્ધાર્થ જોડે આવી જતાં લાવણ્યા સહિત બધાં અટક્યાં અને ટોળુંવળીને તેની આજુબાજુ ઊભાં રહ્યાં.

            “અ....! તમે લોકો એન્જોય કરો...!” સિદ્ધાર્થ ખચકાતો હોય એમ બધાંની સામે જોઈને બોલ્યો “અ....!” સિદ્ધાર્થે પહેલાં તેનાં હાથમાં મોબાઇલની સ્ક્રીનલાઇટ ઓન કરીને તેમાં જોયું પછી લાવણ્યા સામે જોયું.

            “ટાઈમ થઈ ગ્યો છે...!” લાવણ્યા સામે જોઈ રહીને સિદ્ધાર્થ પરાણે બોલ્યો.

            લાવણ્યાનાં ધબકારાં વધી જતાં તે ઊંડા-ઊંડા શ્વાસ ભરવાં લાગી. તેની આંખ ભીંજાઈ ગઈ અને તેણીએ જોડે ઊભેલી અંકિતાનો હાથ મજબૂતીથી પકડી લીધો. સિદ્ધાર્થ દયામણા ચેહરે તેણીને જોઈ રહ્યો.

            “બઉ લેટ થાય એ પહેલાં...! અ...!” સિદ્ધાર્થ હજીપણ લાવણ્યા સામે એજરીતે જોઈ રહ્યો “મ....મારે....! અ……! હું....હું....નિકળું.....!”

            લાવણ્યાએ હવે અંકિતાની હથેળી વધુ સખતરીતે પકડી લીધી.

            ઈચ્છવાં છતાં લાવણ્યાથી કઈં નાં બોલાયું. તેનાં હોંઠ ધ્રૂજવાં લાગ્યાં. તે સિદ્ધાર્થની સામે ભીંજાયેલી આંખે જોઈ રહી.

            “બાય.....!” છેવટે સિદ્ધાર્થ પરાણે બોલ્યો.

            “કઈંક તો  બોલ લવ....!” આંખો વડે લાવણ્યાને કહેતો હોય એમ તે હજીપણ લાવણ્યા સામે જોઈને ત્યાંજ ઊભો રહ્યો હતો.

            બધાં હવે દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યાં. લાવણ્યાની આંખ હવે વધુ ભીંજાઈ.

            “બાય...! લવ....!” લાવણ્યાએ કઈં નાં બોલતાં છેવટે સિદ્ધાર્થે કહ્યું અને ધિમાં પગલે પાછો જવાં લાગ્યો.

            “સિદ...સિદ...! મ્મ....મને ઘરે ઉતારી દઇશ....!? મ...મારે ઘરે જવું છે....!” લાવણ્યા કાંપતા સ્વરમાં ભીંજાયેલી આંખે બોલી અને અંકિતાનો હાથ છોડી દઈને સિદ્ધાર્થની નજીક દોડી ગઈ.

            “પણ લાવણ્યા....!” લાવણ્યાની એક બાજુ ત્રિશા જોડે ઉભેલો પ્રેમ બોલ્યો “ગરબાં પતે એ પછી....! બધાંએ માણેકચોક જવાનો પ્રોગ્રામ કર્યો છે....! તારે નઈ આવવું...!?”

            “નઈ...નઈ...!મ...મારે નઈ આવવું...!” લાવણ્યા નાનાં બાળકની જેમ માથું ધૂણાવીને બોલી “મારે....મારે જવું છે...! ઘ ...ઘરે....જવું છે....!”

            “સારું...!” હવે કામ્યા લાવણ્યાની જોડે આવીને ઊભી  રહીને બોલી “કોઈ વાંધો નઈ....! સિદ...!” કામ્યાએ હવે સિદ્ધાર્થ સામે જોયું ધીમાં સ્વરમાં બોલી “ટેક કેયર....!”

            “યૂ ટૂ....!” સિદ્ધાર્થે ટૂંકો જવાબ આપ્યો અને પછી લાવણ્યા સામે જોયું.

            “ચાલ....! તને ઘરે મૂકી જાઉં...!”  સિદ્ધાર્થ બોલ્યો “એ બા’ને આંટીને પણ મળાઈ જશે....!”

            એટલું કહીને સિદ્ધાર્થે ફરીવાર એક નજર બધાં સામે જોયું અને પાછાં ફરી ચાલવાં લાગ્યો.

            “લાવણ્યા...! આ તારું હેન્ડબેગ...!” અંકિતાએ નીચે સર્કલની વચ્ચે મુકેલાં બધાંનાં સામાનમાંથી લાવણ્યાની હેન્ડબેગ ઉઠાવીને  આપતાં કહ્યું. અંકિતાનો ચેહરો પણ ઉતરી ગયો હતો. સહેજ ભીની આંખે તે લાવણ્યા સામે જોઈ રહી.

            હેન્ડબેગ લેતાં-લેતાં લાવણ્યાએ અંકિતા સામે જોયું અને તેની આંખો પણ થોડી વધુ ભીંજાઈ.

            “બ....બાય....!” લાવણ્યાએ પરાણે કામ્યા અને અંકિતા સામે જોઈને કહ્યું અને પાછી ફરીને સિદ્ધાર્થ જોડે જવાં લાગી.

            લાવણ્યા આવે ત્યાં સુધી સિદ્ધાર્થ હવે ગરબાં ચોકની આજુબાજુ બનેલી લાકડાંનાં વાંસની વાડ ઓળંગીને બહાર આવીને ઊભો રહ્યો. થોડીવાર પછી તેણે લાવણ્યા ઉતાવળાં પગલે તેની તરફ આવતી દેખાઈ. વાડ ઓળંગીને તે સિદ્ધાર્થની જોડે આવીને ઊભી રહી.

            “ચાલ....જલ્દી....! બ....બઉ ઓછો ટ.....ટાઈમ છે....!” લાવણ્યા હવે સિદ્ધાર્થનો હાથ પકડીને ચાલવાં લાગી.

            દયામણી નજરે સિદ્ધાર્થ તેણી સામે જોઈ રહી ચાલવાં લાગ્યો.

            “હું...બાઇક લઈને આવું....!” પાર્ટી પ્લોટનાં રિસેપ્શન એરિયાનાં ગેટ પાસે આવીને સિદ્ધાર્થ બોલ્યો “તું મેઇન ગેટ પાસે ઊભીરે’…….!”

            લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવી દીધું. સિદ્ધાર્થ પાર્કિંગનાં ગેટ તરફ જવાંની પેવમેંન્ટ ઉપર જવાં લાગ્યો.

            પાર્કિંગ બાજુ જતાં-જતાં સિદ્ધાર્થ હવે મેઇન ગેટ તરફ ચાલતી જતી લાવણ્યાને નિહાળી રહ્યો.  બેક બ્લાઉઝમાં દેખાતી લાવણ્યાની સુંદર પીઠ ઉપર અનેક જગ્યાએ નાના-નાના કાળાં તલ હતાં. લાવણ્યા તરફનું એ મુગ્ધ ખેંચાણ સિદ્ધાર્થે ફરીવાર અનુભવ્યું જે તેણે લાવણ્યાને ગરબા ગાતાં જોતી વખતે અનુભવ્યું હતું. ચાલતાં-ચાલતાં લાવણ્યા તરફ જોઈ રહી સિદ્ધાર્થે હળવું સ્મિત કર્યું અને પાર્કિંગ તરફ જતો રહ્યો.

---

            મેઇન ગેટ પાસે આવીને લાવણ્યા ઊભી રહી પોતાનાં હેન્ડબેગની ચેઇન ખોલીને તેમાં સિદ્ધાર્થ માટે લીધેલી વૉચનું ગિફ્ટ બોક્સ જોવાં લાગી.

            “સિદને સરસ લાગશે...!” ગિફ્ટ બોક્સ ચેક કરી લાવણ્યા મલકાઈને બબડી અને ગિફ્ટ પાછું મૂકી હેન્ડબેગની ચેઇન વાખી સિદ્ધાર્થની રાહ જોવા લાગી.

            થોડીવારમાં જ  સિદ્ધાર્થ તેનું રોયલ એનફિલ્ડ ચલાવીને લાવણ્યા પાસે આવીને ઊભો રહ્યો.

            “ચલ...!”  બાઈકને રેસ આપીને સિદ્ધાર્થ બોલ્યો.

            ચણિયાચોલી પહેરી હોવાને લીધે લાવણ્યા અગાઉની જેમજ  પાછલી સીટ ઉપર એકબાજુ બેઠી. સિદ્ધાર્થને પકડીને લાવણ્યા તેને ચીપકીને બેસી.

            “જવાં દઉં....!?” સિદ્ધાર્થ તેનું મ્હોં પાછું ફેરવીને પૂછ્યું.          

            “હાં….! પણ હું જે રસ્તે કઉં એ રસ્તે લેજે....!” લાવણ્યા સહેજ વિચારીને બોલી “એસજી હાઇવે બાજુથી નઈ.....! એ બાજુનો રસ્તો બંધ છે....!”

            “ઓહ....! તો....!?”

            “ત....તું પે’લ્લાં....યુનિવર્સિટી રોડ જવાંદે....!” લાવણ્યા ગભરાતી-ગભરાતી બોલી “પ..પછી ત....ત્યાંથી હું કઉં છું....!”

            “ઓહકે....!” સિદ્ધાર્થે સ્મિત કર્યું અને બાઇક યુનિવર્સિટી રોડની દિશામાં મારી મૂક્યું.

            લાવણ્યા તેનો એક હાથ સિદ્ધાર્થની કમર ફરતે હાથ વીંટાળીને બેસી ગઈ. જે રીતે લાવણ્યા ચીપકીને બેઠી હતી, તેણીના શરીરમાંથી આવી રહેલી એ મહેક સિદ્ધાર્થને તરબતર કરી રહી હતી. એમાંય લૉ વેસ્ટ ચણિયાચોલીમાં ગરબા ગાતી લાવણ્યાનું એ દ્રશ્ય સિદ્ધાર્થની આંખ સામેથી હજીય નહોતું હટતું.

            “બવ મસ્ત ગરબા ગાયા તે...!” બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થે કહ્યું.

            “તને ગમ્યા...!?” લાવણ્યાએ સહેજ ઉત્સાહથી પૂછ્યું.

            “હાસ્તો....! કેટલી મસ્ત લાગે છે તું....!” સિદ્ધાર્થ પણ એવા ઉસ્તાહથી બોલ્યો.  

            ખુશ થઈને લાવણ્યાએ સિદ્ધાર્થની બેક ઉપર પોતાનું માથું રબ કર્યું.

            “હી...હી....! ગલૂડિયાં જેવુ કરે છે...!” હળવી મજાક કરીને સિદ્ધાર્થ બોલ્યો.

            હળવું સ્મિત કરીને લાવણ્યાએ સિદ્ધાર્થની ગરદન ઉપર દેખાતી રુદ્રાક્ષની માળા પાસે ધીરેથી બાઇટ કર્યું.

            યુનિવર્સિટી રોડ આવી જતાં સિદ્ધાર્થે ધીરે-ધીરે બાઇકની ઝડપ વધારવા માંડી.   

            “થોડું....! ધીરે ચલાયને....!” થોડીવાર પછી લાવણ્યા અધિર્યાં જીવે રડમસ સ્વરમાં બોલી.

            “સોરી...!” સિદ્ધાર્થે સહેજ પાછું જોઈને ફરી આગળ જોઈ બાઇક ચલાવાં લાગ્યું.

            ઉચાટભર્યા જીવે લાવણ્યા પાછળ બેઠાં-બેઠાં આજુબાજુ જોઈ રહી. બાઇક હવે યુનિવર્સિટી રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું.

            “હવે ક્યાં લઉં.....!?” સિદ્ધાર્થ ફરી એજરીતે પાછું જોઈને બોલ્યો અને પછી ડ્રાઇવ કરવાં લાગ્યો.

            “લ.....લેફ્ટ વાળી લે....!” લાવણ્યા ફરી એજરીતે ગભરાઈને બોલી.

            સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઇક લેફ્ટ સાઈડ વાળી લીધું.

            “હવે સીધું સીધુંજ જવાં દેજે....!” લાવણ્યા ફરી બોલી.

            સિદ્ધાર્થે ફરીવાર તેનું ડોકું હકારમાં હલાવી લીધું.

            થોડીવાર પછી તેઓ હવે આશ્રમ રોડ પર આવી ગયાં.          

            “અચ્છા...તો મેડમનો આ પ્લાન છે....!” લાવણ્યાની “ચાલ” સમજી ગયેલો સિદ્ધાર્થ હળવું સ્મિત કરીને મનમાં બબડ્યો.

            “સામે લઈલે...!” આશ્રમ રોડ બાટાં ક્રોસ રોડ પાસેથી પસાર થતી વખતે લાવણ્યા બોલી “ગલીમાં જવાંદે....!”

            “આ રસ્તો...! તારાં ઘર તરફ જાય છે...!?” સિદ્ધાર્થે પાછું જોઈએ સ્મિત કરતાં કહ્યું.

            “તું...તું....જ...જવાંદેને....! હું કઉંછું તો ખરાં....!” લાવણ્યા ગભરાતાં સ્વરમાં બોલી.

            માથું ધૂણાવી સિદ્ધાર્થે ફરીવાર પાછું જોઈ સ્મિત કર્યું અને બાઇક ચલાવાં લાગ્યું.

            “હ...હવે....અંદર....! ત...ત્યાં જવાંદે....!” લાવણ્યાએ સિદ્ધાર્થને દેખાય એ રીતે હાથ આગળ કરીને બતાવતાં કહ્યું “ઓલી પાળી પાસે....!”

            સિદ્ધાર્થે ફરીવાર સ્મિત કર્યું. અને બાઇક લાવણ્યાએ કીધું એ તરફ જવાં દીધું.

            “ઓલ રાઇટ...!” પાળી પાસે બાઇક ઊભું રાખીને સિદ્ધાર્થ બાઇકનું ઇગ્નિશન બંધ કરતાં જાણે નાટક કરતો હોય ચિડાયેલાં સ્વરમાં બોલ્યો “શું હતું આ....!? તું મને છેતરીને રિવર ફ્રન્ટ લઇ આવી...!? હમ્મ...!?”” 

            બીજાં રસ્તે ઘરે જવાંનાં બહાને લાવણ્યા સિદ્ધાર્થને બાઇક ઉપર રિવરફ્રન્ટ લઈ આવી હતી.

            “સ....સ....સોરી....!” લાવણ્યા બાઇકની સીટ ઉપરથી ઉતરીને નીચે આવી અને સ્ટિયરિંગ પાસે આવીને ઊભી રહેતાં બોલી “તું...તું... ગુસ્સે ના થઈશને...!”

            “અરે લવ...! હું તો ખાલી મજાક કરતો’તો....!” લાવણ્યાની આંખમાંથી આંસુને સરતાં જોઈને સિદ્ધાર્થ બોલ્યો અને બાઇક ઉપરથી નીચે ઉતર્યો.  

            “મ...મારી....જ....જોડે....થોડું રોકાંને....!” લાવણ્યાની આંખમાંથી હવે દડદડ આંસુ વહેવાં લાગ્યાં અને તે વિનવણીના સૂરમાં બોલી “બ...બઉ નઈ...! ખ.....ખાલી એક....એકજ કલ્લાક....!”

            ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા હવે માંડ-માંડ બોલી રહી હતી. સિદ્ધાર્થની આંખ ભીંજાઇ ગઈ. તેણે લાવણ્યાના ગાલ ઉપર હાથ મૂક્યો અને લાવણ્યાના આંસુ લૂંછવાં માંડ્યાં.

            “સિદ...સિદ....એક....એક કલ્લાક તો આપ....!” સિદ્ધાર્થે કઈં જવાબ ના આપતાં લાવણ્યા અધિરી થઈને ફરી બોલી “હું....હું...પ...પછી જિદ્દ નઈ કરું....! પ..પછી નઈ ....ર....રોકું તને...! સ....સાચે નઈ રોકું....!”

            લાવણ્યા નાનાં બાળકની જેમ તેનું ગળું પકડીને બોલી.

            “સારું....!” સિદ્ધાર્થ ગળગળા સ્વરમાં બોલ્યો.

            ખુશ થઈ ગયેલી લાવણ્યાથી પરાણે હસાયું અને તે સિદ્ધાર્થને વળગી પડી.

            “ચ....ચલ......!” સિદ્ધાર્થનો હાથ પકડીને હવે લાવણ્યા ચાલવાં લાગી અને રિવરફ્રન્ટ બાજુ જવાં લાગી. સિદ્ધાર્થ તેની પાછળ ખેંચાતો હોય એમ ચાલવાં લાગ્યો.

            “અહીંયા બેસીએ.....!” રિવરફ્રન્ટનાં ઉપરનાં ભાગેજ પાળી ઉપર બેસતાં લાવણ્યા બોલી અને સિદ્ધાર્થનો હાથ ધીરેથી ખેંચીને તેને પણ નીચે બેસાડયો. 

            લાવણ્યા સિદ્ધાર્થ તરફ મ્હોં રાખીને ઊંધી બેઠી અને એકદમ નજીક સરકી ગઈ. 

            “કેમ ….! આજે નીચેનાં ભાગે વૉક કરવાં નઈ જવું....!?” નીચે બેસતી વખતે સિદ્ધાર્થે સ્મિત કરતાં પૂછ્યું.

            “નાં.....નઈ જવું....!” લાવણ્યા સિદ્ધાર્થની વધુ નજીક સરકતાં બાળક જેવાં સ્વરમાં બોલી “ત....તારી...જ...જોડે બેસવું છે....! અને....ત...તને બસ...મ.....મન ભરીને ન..ન...નિહાળી લેવો છે....!”        

            લાવણ્યાનો સ્વર હવે વધુ ઈમોશનલ થઈ ગયો.

            “લવ....! હું બે-ત્રણ દિવસમાં સાચે આઈ જઈશ...! ટ્રસ્ટ મી...!” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલ્યો.

            “ત....તારી ઉપર ટ્રસ્ટ છે...! જ....જાન....!” લાવણ્યા હવે પરાણે તૂટતાં સ્વરમાં બોલી રહી હતી “પ...પણ....તારાં ફેમિલીવાળાં ઉપર નથી....!”

            “લાવણ્યા....!”

            “સ....સોરી...! તું....તું....ગુસ્સે નાં થતોને....!” લાવણ્યા ગભરાઈને માફી માંગતી હોય એમ બોલી “મ....મને એવું લ...લાગ્યું એટ્લે કીધું....! સોરી....સોરી....!”

            “લવ....! મારાં ટ્રસ્ટ ઉપર તો ટ્રસ્ટ કર.....!”      

            “સિદ....સિદ....! તું સમજતો નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થનો ચેહરો પકડીને બોલી “તું....તું...બવ ઈનોસન્ટ છે...! અને....બ...બધાં....તારીઆ ઈનોસન્સનો મિસ યુઝ કરે છે....!”

            “લવ....!”  સિદ્ધાર્થે આગળ આવી ગયેલી લાવણ્યાનાં વાળની લટ તેણીનાં કાન પાછળ ભરાવી “તું...! અ.....!”

            “હા સિદ....! ન...નેહા પણ તારી ઈનોસન્સનો મિસ યુઝ કરે....!” લાવણ્યા વચ્ચે બોલી “બધાં ત...તને ફોર્સ કરે છે....! એટ્લેજ મને એ લોકો ઉપર સહેજ પણ ટ્રસ્ટ નથી....! એ...એ....લોકો તારી ઉપર જોરજોરાઈ કરીને ત....તને ત્યાં રોકીલે તો.....!?”

            “લાવણ્યા ....! એવું કઈં  નઈ....!”

            “અને...અને...તને પ....પાછો નાં આ’વાદે તો....!?” લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી “જ....જમીન વેચવાંનાં બ....બા’ને....ત...તને બોલાવીને ...ન....નવરાત્રિમાંજ ....ન....નેહા જોડે જ...જ….જોરજોરાથી મેરેજ  કરાવીદે તો...!?”

            “લાવણ્યા....! મારી વા....!”

            “તો તો તું...તું...મને જોવાં પણ નઈ મલે સિદ....!” લાવણ્યાનાં માથે હવે પરસેવો વળવાં લાગ્યો અને તેણીએ સિદ્ધાર્થનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવ્યો “સિદ...સિદ....! તું...તું...મને જોવાં પણ નઈ મલે....! જોવાં પણ નઈ મલે...!”

            “શાંત થઈજા લવ.....!” સિદ્ધાર્થે લાવણ્યાનું મ્હોં વ્હાલથી તેનાં બંને હાથમાં પકડી લીધું.   

            “સિદ...સિદ....મને....તું...તું....! નાં જઈશને.....! “ લાવણ્યા છેવટે ભાંગી પડી અને સિદ્ધાર્થનની છાતીમાં માથું ભરાવીને રડી પડી.

            “લવ..પ્લીઝ....! શાંત થઈજા.....!” સિદ્ધાર્થ લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવી રહ્યો અને લાવણ્યાને શાંત કરાવાંનો પ્રયત્ન કરતો રહ્યો.

            શિયાળાનાં ઠંડા વાતાવરણમાં સિદ્ધાર્થનાં શરીરની હૂંફથી લાવણ્યાનાં શરીરમાં ઊર્જા ભરાવાં લાગી અને ધીરે-ધીરે તેનાં ડૂસકાં શમવાં લાગ્યાં.

            કઈંપણ બોલ્યાં વગર ક્યાંય સુધી લાવણ્યા સિદ્ધાર્થને વળગી રહી. સિદ્ધાર્થે પણ મૌન જાળવીને લાવણ્યાને શાંત થવા દીધી. રોજ કરતાં આજે વધુ ઝડપથી સમય પસાર થઈ રહ્યો હોય એવું લાવણ્યાને લાગવાં લાગ્યું. જેમ-જેમ ક્ષણો વિતીવાં લાગી તેમ-તેમ તેણીએ સિદ્ધાર્થ ફરતે તેનું આલિંગન વધુ સખત કરવાં માંડ્યુ.

            કઈંપણ બોલ્યાં વગર ક્યાંય સુધી લાવણ્યા સિદ્ધાર્થને એજરીતે આલિંગનમાં જકડી રહી.

            “તને છોડીને જવાનું મન જ નઈ થતું....!” લાવણ્યાને આલિંગનમાં જકડીને બેઠેલો સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

            લગભગ કલ્લાકેક જેટલો સમય મૌન રહીને બંને એકબીજાને વળગી રહ્યાં. જાહેરમાં આ રીતે લાવણ્યાને વળગવાનું સિદ્ધાર્થને પહેલાં કદી નહોતું ફાવ્યું, પણ હવે છેલ્લા કેટલાક સમયથી સિદ્ધાર્થ પોતે ઘણો બદલાઈ ગયો હતો. પોતાનામાં આવેલો એ બદલાવ સિદ્ધાર્થે પોતે પણ મેહસૂસ કર્યો હતો. ધીમી રાહે લાવણ્યા તેનાં હૃદયના ઉતરતી રહી હતી અને આજે તેણીથી દૂર જતી વખતે સિદ્ધાર્થને લાગ્યું કે ફક્ત હૃદય સિવાય પણ લાવણ્યા તેનામાં “ઘણે દૂર સુધી” સમાઈ ગઈ હતી.

            “લવ.....! કલ્લાક પૂરો થવાં આયો....!” કલ્લાક પૂરો થવાંમાં લગભગ દસેક મિનિટ બાકી હતી ત્યાં સિદ્ધાર્થ લાવણ્યાની સામે જોઈને બોલ્યો “કેમ કઈં બોલતી નઈ....!?”

            લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ સામે મુગ્ધ નજરે જોઈ રહી.

            “ખબર છે....! તું મારો નથી.....!” કેટલીક ક્ષણો પછી લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હળવેથી આંગળી ફેરવીતાં બોલી “પ...પણ શું કરું....!? ત..તને છોડવાંની હિમ્મત જ નથી થતી...!”

            “આવું નાં બોલ....!” સિદ્ધાર્થ ભીની આંખે બોલ્યો.

            “સિદ.....!” લાવણ્યા હજીપણ એજરીતે સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હળવેથી આંગળી ફેરવી રહી હતી “મ...મારી ખાલી એક ન....નાની ડ….ડિમાન્ડ છે...!”

            “લવ....!”

            “ખ...ખાલી એકજ કિસ....!” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું બનાવીને બોલી “પ્લીઝ સિદ.....!”

            “તને ટ્રસ્ટ નથી મારાં ઉપર કે હું પાછો આઈશ...!? હમ્મ....!?”  સિદ્ધાર્થે લાવણ્યાનાં વાળમાં પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું.

            “સારું....! બસ....! નઈ કરવી....!” બાળકની જેમ નારાજ થઇ લાવણ્યાએ પાછાં સિદ્ધાર્થની છાતીમાં માથું ભરાવી દીધું “તું પ...પાછો આવે પછી....!”

            “હી..હી...” સિદ્ધાર્થથી પરાણે સ્મિત થઇ ગયું.

            ફરીવાર કેટલીક ક્ષણો સુધી બંન્ને મૌન થઈ ગયાં. લાવણ્યા ઊંડા શ્વાસ ભરતી-ભરતી સિદ્ધાર્થને એજરીતે વળગી રહીને તેનાં શરીરમાંથી આવી રહેલી સુખડનાં અત્તરની એ મહેકને માણી રહી.

            “દિલ ચરખેકી ઈક તું ડોરી....! દિલ ચરખેકી ઈક તું ડોરી....” કેટલીક ક્ષણો પછી સિદ્ધાર્થને વળગી રહીનેજ લાવણ્યા મધુર સ્વરમાં ગાવાં લાગી.

            “લવ....!” સિદ્ધાર્થે ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોયું અને તેનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો.

             “તું થોડી દેર ઓર ઠે’રજાં......!” અધિર્યા થઈને લાવણ્યાએ સિદ્ધાર્થના ચહેરાને વ્હાલથી પકડી લીધો.

            “લવ.....!” સિદ્ધાર્થે લાવણ્યાને ફરીવાર આલિંગનમાં જકડી લીધી અને તેણીની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવી રહ્યો “તું દર વખતે એવું સોંન્ગ ગાઈ નાંખે છે કે....એ પછી એનાં શબ્દો મારાં મનમાં ક્યાંય સુધી ગુંજ્યાજ કરે છે....!”

            “સિદ......સિદ....! તું...ન....ના જઈશને.....! પ્લીઝ....!” લાવણ્યા એજરીતે અધિર્યાં જીવે સિદ્ધાર્થનો ચેહરો પકડીને બોલી “એ લોકો ત....તને પાછો નઈ આવાંદે...! મને ખબર છે...! એવુંજ થવાનું....! તું...તું...બવ ઈનોસંન્ટ છે....! એ લોકોએ ત...તારાં મ...મેરેજ કરાવાં માટેજ તને છ...છેતરીને બોલાયો હશે....!”

            “લવ....! એવું કઈં નઈ થાય....! હમ્મ...!”  સિદ્ધાર્થ પરાણે હળવું સ્મિત કરીને બોલ્યો “અને એમ પણ....મેરેજ તો  થવાના જ છે....!”

            ભીની દયામણી આંખે લાવણ્યા હેલ્પલેસ ચેહરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            એવામાંજ વાદળોનાં ગડગડાટ સંભળાયો. સિદ્ધાર્થ અને લાવણ્યા બંનેએ એકસાથે ઉપર આકાશ તરફ જોયું. હવે વીજળીઓનાં ઝબકારાં પણ દેખાવાં લાગ્યાં. લાવણ્યાએ ફરી એકવાર સિદ્ધાર્થની ચેસ્ટમાં તેનું માથું ભરાવી દીધું અને કચકચાવીને તેને આલિંગંનમાં જકડી લીધો.

            “લવ....!અ....!ક....કલ્લાક ઉપર થઈ ગ્યું....!”  સિદ્ધાર્થે લાવણ્યાનાં માથે હાથ ફેરવીને ગળગળા સ્વરમાં કહ્યું “ચ....ચલ....! તને મૂકી આવું ઘરે...!”

            “ઉંહું.....! નઈ જવું મ....મારે....!”  સિદ્ધાર્થની ચેસ્ટમાં માથું ભરાવી રાખીને લાવણ્યા નાનાં બાળકની જેમ માથું ધુણાવીને બોલી.

            “લવ.....! પ્લીઝ.....! લેટ થશે તો મારે પછી ઝડપથી બાઇક ચલાવું પડશે...!”

            “નઈ....નઈ....! એવું થોડી કરાય....!” લાવણ્યા ગભરાઈ ગઈ અને તરતજ ઊભી થઈ ગઈ “ચ...ચલ....જઈએ....!”

            સિદ્ધાર્થનો હાથ પકડીને લાવણ્યા તરતજ તેને બાઇક તરફ ખેંચીને જવાં લાગી.

            “અરે...લવ....! ધીરે....!”

            બાઇક પાસે આવીને બંન્ને ઊભાં રહ્યાં.

            “ચાલ....! હવે જલદી બાઇક સ્ટાર્ટ કર....!” લાવણ્યા તેની હેન્ડબેગ તેનાં ખભે ભરાવતાં બોલી “પ...પછી તું....તું...ફાસમફાસ બાઈક ચલાવે...! એ....એ... મને નઈ ગમે....!”

            “પ..પછી...પછી વરસાદમાં બાઈક સ્લીપ થઈ જાયતો...! ત...તને..કઈં થઈ જાયતો....!?”લાવણ્યા સિદ્ધાર્થ સામે જોયાં વિનાં બોલે જતી હતી.     

            ચિંતામાં ને ચિંતમાં રઘવાઈ થઈ બોલે જતી લાવણ્યાને સિદ્ધાર્થ દયામણી નજરે જોઈ રહ્યો.

            “બસ લવ....!” એટલું કહીને સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં મજબૂત આલિંગનમાં જકડી લીધી “ત....તારાંથી દૂર જવાનું મનજ નઈ થતું.....!”

            “તો નાં જાને….!” સિદ્ધાર્થને વળગી રહીને લાવણ્યા રડતાં-રડતાં બોલી “ના જાને પ્લીઝ....!”

            બંન્ને વધું કેટલોક સમય એકબીજાંને વળગીને ઊભાં રહ્યાં.

            “ચલ....! હવે થોડી વધુંવાર જો હું રોકાઇશ....! તો તો ચોક્કસ નઈ જઈ શકું...!” પરાણે સ્મિત કરી પોતાની ભીની આંખ લૂંછતા સિદ્ધાર્થ બોલ્યો અને બાઈક ઉપર બેસી બાઈકનો સેલ માર્યો.

            લાવણ્યા પાછળ સિદ્ધાર્થને અગાઉની જેમજ પકડીને બેસી ગઈ. સિદ્ધાર્થે બાઇક ઘુમાવીને મેઇન રોડની દિશામાં વાળ્યું અને જવાં દીધું. ઢીલી થઈ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થની પીઠ ઉપર તેનું માથું ઢાળી દીધું.

***

            “સિદ...સિદ....! અહીયાંજ ઊભી રાખને.....! સોસાયટીનાં નાકે...!” લાવણ્યા બોલી.

            બંન્ને હવે રિવરફ્રન્ટથી લાવણ્યાનાં ઘરે પહોંચવાં આવ્યાં હતાં. આખાં રસ્તે લાવણ્યાનાં મનમાં એજ ગીત ગુંજયાં કર્યું અને લાવણ્યા દરવખતે સિદ્ધાર્થની ફરતે પોતાની પકડ વધુ સખત કરતી રહેતી. 

            “કેમ પણ....!?” બાઈક ધીમું કરી સિદ્ધાર્થે લાવણ્યાની સોસાયટીનાં ગેટથી સહેજ છેટે ઊભું રાખ્યું “હું ઘેર મૂકી જવ છુંને....! આન્ટીને પણ મલાઈ જશે....!”

            “મમ્મી તો સૂઈ ગઈ હશે....!” લાવણ્યા હવે નીચે ઉતરીને બાઈકનાં સ્ટિયરિંગ પાસે આવી અને વિનવણીભર્યા સ્વરમાં બોલી “થ….થોડીવાર માટે બ....બાઈક બંધ કરને.....!”

            સિદ્ધાર્થે સ્મિત કરીને બાઈકની ચાવી ઘુમાવી ઇગ્નિશન બંધ કર્યું.

            લાવણ્યા હવે ખભે ભરાવેલી તેણીની હેન્ડબેગની ચેઇન ખોલીને તેમાંથી ગિફ્ટ કાઢવાં લાગી.

            “શું કરે  છે...!?” સિદ્ધાર્થે બાઈક ઉપરથી ઉતરતાં નવાઈપામીને પુછ્યું.

            “એક મિનિટ....!” લાવણ્યાએ છેવટે ગિફ્ટ બોક્સ બહાર કાઢ્યું અને સિદ્ધાર્થ સામે ધાર્યું  “આલે.....! તારાં માટે....!?”

            “અરે....! પણ લવ...આ...!”

            “તું....તું....લેને...! ખોલતો ખરાં.....!” લાવણ્યા ભારપૂર્વક બોલી.

            સિદ્ધાર્થે કમને ગિફ્ટ બોક્સ લીધું અને તેનું પેકિંગ ખોલવાં માંડ્યુ.

            “SEIKO કંપનીનું બોક્સ...!?” ઉપરનું કાગળ ખૂલી જતાં સિદ્ધાર્થે નવાઈ પામીને લાવણ્યા સામે જોયું.

            “બ...બોક્સ ખોલને....!” લાવણ્યાએ નાનાં બાળક જેવું મોઢું બનાવીને કહ્યું.

            સિદ્ધાર્થે છેવટે પરેશાન ચેહરે બોક્સ ખોલ્યું.

            “ઓહ ગોડ...! લાવણ્યા....!” સિદ્ધાર્થે લાવણ્યા સામે આંખો મોટી કરીને કહ્યું.

            “ન....ના ગમી....!” લાવણ્યા રડુંરડું થઈ ગઈ.

            “અરે...! કેવી વાત કરે છે...!” સિદ્ધાર્થની આંખ પણ ભીંજાઇ ગઈ “ક....કેટલાંની આઈ...! SEIKO બ્રાન્ડની વૉચ કેટલી મોંઘી આવે છે યાર...!”

            “તું...તું....! એ બધું છોડને....! લાવ...!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથમાંથી બોક્સ લઈ લીધું અને તેમાંથી વૉચ કાઢી બોક્સ પાછું તેણીની હેન્ડબેગમાં મૂક્યું. હેન્ડબેગ બાઈકનાં સ્ટિયરિંગ ઉપર ભરાવીને લાવણ્યએ સિદ્ધાર્થનાં કાંડે વૉચ બાંધવાં માંડી.

            “લાવણ્યા પણ હું આટલી મોંઘી....!”

            “લેવી જ પડશે કીધુંને...!” સિદ્ધાર્થ બોલે એ પહેલા જ લાવણ્યાએ છણકો કર્યો અને વૉચનો પટ્ટો બાંધી સિદ્ધાર્થનું કાંડું સીધું કર્યું “જો...જો....! કેટલી મસ્ત લાગેછે તને...!”

               લાવણ્યા નાનાં બાળક જેવી આંખો કરીને વૉચ સામે જોઈ  રહી પછી સિદ્ધાર્થ સામે જોઈને બોલી.       “ઓહ લવ....!” આશ્ચર્ય પામી ગયેલાં સિદ્ધાર્થની આંખ ફરીવાર ભીંજાઈ ગઈ.

            “લવ....! આટ....આટલી મોંઘી વૉચ....!?” સિદ્ધાર્થ માંડ બોલી શક્યો.

            “તારાં કરતાં મોંઘી નઈ જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થને કચકચાવીને જકડી લીધો.

            સિદ્ધાર્થ તેનું માથું લાવણ્યાનાં ખભાં ઉપર ઢાળી દઈ ઊંડા શ્વાસ ભરવા લાગ્યો.

            “મ્મ....મને ભ...ભૂલીતો નઈ જાયને....!?”થોડીવાર પછી લાવણ્યા ધ્રૂજતાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

            “લવ....! મને નઈ ખબર કે ફ્યુચર શું હશે....! પણ ...પણ હું સાચું કઉં છું....!” સિદ્ધાર્થ લાવણ્યાની આંખોમાં જોઈને દૃઢ સ્વરમાં બોલ્યો “સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!”

            “ઓહ સિદ...!” લાવણ્યા રડી પડી અને ફરીવાર સિદ્ધાર્થને વળગી પડી.

            ખાસ્સો લાંબો સમય સુધી બંને એકબીજાંને આલિંગનમાં જકડીને ઊભાં રહ્યાં.

            ફરીવાર વાદળોમાં ગડગડાટ અને વીજળીઓનાં ચમકારાં થવાં લાગ્યાં. 

            “હું તને ઘરે ઉતારી દઉં ચાલ....!” છેવટે સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં આલિંગનમાંથી મુક્ત કરતાં કહ્યું. 

            “નાં....! નજીકજ છે...!” લાવણ્યા ભારપૂર્વક બોલી “હું જતી રઈશ....!”

            કેટલીક વધુ ક્ષણો સિદ્ધાર્થ લાવણ્યા સામે પ્રેમથી જોઈ રહ્યો. લાવણ્યાની આંખ હવે થોડી વધુ ભીની થઈ ગઈ. 

            “સારું ચલ....! હવે હું જાઉં.....! તું હવે જલ્દી ઘરેજાં...!”  સિદ્ધાર્થ બોલ્યો અને બાઇક ઉપર બેસવાં લાગ્યો.

            “પાછો આવજે....! પ્લીઝ પાછો આવજે....!” લાવણ્યા મનમાં બબડી. તેણીનાં ધબકારાં વધી જતાં તે ઊંડા શ્વાસ ભરવાં લાગી.

            સિદ્ધાર્થ હવે બાઇક ઉપર બેસી ગયો અને ચાવી ઘુમાવી બાઇકનો સેલ માર્યો.

            “ધ...ધ્યાન રાખજે.....!” લાવણ્યા માંડ બોલી “અને...અને.....બ..બાઇક ધીમે ચલાવજે....!”

            સિદ્ધાર્થે લાવણ્યા સામે દયામણી  નજરે જોઈને પરાણે સ્મિત કર્યું અને બાઇક ઘુમાવીને હવે  હાઇવેની દિશામાં ફેરવ્યું.

            “હું...હું...ફોન કરું તો....તો....ઉઠાવજે...!” લાવણ્યા રડમસ સ્વરમાં સિદ્ધાર્થનાં બાઇકની જોડે ચાલવાં લાગી “મ...મને ફોન કરજે....! હું....હું....મેસેજ પણ કરીશ તને હોંને....!”

            “લા...લાવણ્યા...પ્લીઝ ઘરેજાં....!” સિદ્ધાર્થે ધીમી સ્પીડે બાઇક ચલાવતાં-ચલાવતાં માંડ કહ્યું.

            “હું...હું...તને રોજે મેસેજમાં ગ....ગીતો લખીને મોકલીશ...હોને...! મારાં વોઇસમાં રેકોર્ડ કરીને પણ મોકલીશ.....!”  લાવણ્યા હજીપણ એજરીતે બાઇકની જોડે ચાલતી રહી, તે હવે રડી પડી.

            “લાવણ્યા ....પ્લીઝ....!”  સિદ્ધાર્થ ફરી એજરીતે બોલ્યો.  

            “તું...તું...મારી ચિંતા નાં કરતો.....! તું શાંતિથી જાં....!” લાવણ્યા થોડું વધું બાઇક જોડે ચાલી પછી અટકી ગઈ “શાંતિથી જા....! હોને....!”

            “ગુડ બાય લવ.....!” લાવણ્યા અટકી જતાં સિદ્ધાર્થે છેવટે બાઇકની સ્પીડ વધારી દીધી અને બાઇક હાઇવે તરફ મારી મૂક્યું.

            લાવણ્યા ત્યાંજ ઊભી-ઊભી બાઇક ઉપર જતાં સિદ્ધાર્થની પીઠને તાકી રહી.

            બાઇકના સાઈડ મિરરમાં તે લાવણ્યાને “પોતાનાથી દૂર” થતી જોઈ રહ્યો. લાવણ્યાનો વધતો જતો રઘવાટ જોઈને સિદ્ધાર્થ ઈચ્છવા છતાંય પોતાને ત્યાં રોકી શક્યો નહીં.

            “જો વધારે રોકાયો હોત....તો તને છોડીને જઈજ ના શકત....!” બાઇક ચલાવતાં-ચલાવતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.

            “તું થોડી દેર ઓર ઠેરજા....!”

            સોંગના એ લિરિક્સ હજી પણ સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં. લાવણ્યાના સ્વરમાં ગવાયેલાં એ શબ્દો જાણે સિદ્ધાર્થને પાછાં ખેંચી રહ્યાં હોય એવું સિદ્ધાર્થે અનુભવ્યું.

            પોતાને થઈ રહેલાં એ ખેંચાણને ટાળવા સિદ્ધાર્થે બાઇકની ઝડપ વધારી દીધી. 

            લગભગ પોણો કલ્લાક ડ્રાઈવ કરીને તે અમદાવાદથી બરોડા જવા હાલોલ હાઇવે ચઢી ગયો. રાતના સમયે આમદવાદ સિટીમાં ટ્રાન્સપોર્ટના મોટી લક્ઝરી વગેરેનો ટ્રાફિક નડવાને લીધે હાઇવે પહોંચતાં સિદ્ધાર્થને વાર લાગી.

            રાતનો સમય હોવાથી અને વરસાદની સિઝન હોવાથી સિટી કરતાં હજી હાઇવે ઉપર ટ્રાફિક ઓછો હતો આથી અમદાવાદની હદ વટાવતા સિદ્ધાર્થને વાર ન લાગી.

            લગભગ દોઢેક કલ્લાક ચલાવ્યા પછી જોકે આગળ જતાં વરસાદના હળવા ઝાપટાંને લીધે સિદ્ધાર્થને બાઇકની સ્પીડ ધીમી કરવી પડી અને રસ્તામાં હાઇવે ઉપર આવતા એક પેટ્રોલ પંપ ઉપર અટકવું પડ્યું. 

            “ટાંકી ફૂલ કરાઇ લવ...! તો આગળ જતાં ચિંતા નઈ....!” પેટ્રોલ પંપના ફિલર પાસે એન્ફિલ્ડ ઊભું કરીને સિદ્ધાર્થ બબડ્યો.            

            એન્ફિલ્ડની ટાંકી ફૂલ કરાવી સિદ્ધાર્થ પેટ્રોલ પંપના વોશરૂમમાં ફ્રેશ થઈ આવ્યો. હજી વરસાદી ઝાપટું ચાલુ જ હોવાને લીધે અને થોડું પલળાઈ જવાને લીધે વરસાદ બંધ થાય ત્યાં સુધી સિદ્ધાર્થે પેટ્રોલ પંપ ઉપર રોકાઈ જવાનું નક્કી કર્યું.

            “તને જાતા જોઈ પનઘટની વાટેએ....!” પેટ્રોલ પંપની પાછળના ભાગે ઊભા રહીને સિદ્ધાર્થે પોતના મોબાઈલમાં રેકોર્ડ કરેલાં ગરબાની વિડીયો પ્લે કરી જોવા માંડી.

            “મારું મન મોહી ગયું....મારું મન મોહી ગયું....!”  વિડીયોમાં લાવણ્યાને ગરબા ગાતા જોઈ તે મલકાઈ રહ્યો.

            “કમસે કમ આ વિડીયો તારી યાદગીરી માટે તો રે’શે....!” વિડીયો જોતાં-જોતાં સિદ્ધાર્થ ભાવુક સ્વરમાં બબડ્યો.

            “અરે....!” ત્યાંજ ફૉનની બેટરી ડેડ થઈ જતાં ફૉન સ્વિચ ઑફ થઈ ગયો.

            “ગરબા રેકોર્ડ કરીને બેટરી પતી ગઈ લાગે છે .....!” ફૉન પાછો કુર્તાના ખિસ્સામાં મૂકતા સિદ્ધાર્થ હળવું સ્મિત કરીને બબડ્યો.

            ફૉન કુર્તાના ખિસ્સામાં મૂકતી વખતે તેની નજર ડાબા હાથના કાંડે બાંધેલી લાવણ્યાએ ગિફ્ટ આપેલી મોંઘી વૉચ ઉપર પડી.

            “તારે લેવી જ પડશે....!” સિદ્ધાર્થની ના છતાય જિદ્દીલી લાવણ્યાએ ભારપૂર્વક સિદ્ધાર્થના  કાંડે એ મોંઘી વૉચ બાંધી દીધી હતી.

            “વૉચ કરતાં પણ મોંઘી તારી લાગણીઓ છે લવ....!”  વૉચના ડાયલ ઉપર આંગળીઓ ફેરવી સિદ્ધાર્થ બબડ્યો.

            મોંઘી રિસ્ટ વૉચ આપીને લાવણ્યાએ વધુ એકવાર સિદ્ધાર્થને આશ્ચર્યમાં નાંખી દીધો હતો.

            “મને ભૂલી તો નઈ જાયને....!? નઈ જાયને....!?” લાવણ્યાએ પૂછેલો એ પ્રશ્ન યાદ આવી જતાં સિદ્ધાર્થથી હળવું સ્મિત થઈ ગયું.

            “તને કેવી રીતે ભૂલી શકે કોઈ....!?” સ્વગત જવાબ આપતો હોય એમ સિદ્ધાર્થ બબડ્યો અને લાવણ્યાને યાદ કરી સામે દેખાતા દ્રશ્ય સામે જોઈ રહ્યો.

            હાઇવે ઉપર આવેલાં પેટ્રોલ પંપના પાછળના એ ભાગમાં તારની ફેન્સિંગ કરેલી હતી. પાછળ દૂર સુધી ખેતરો ફેલાયેલાં હતાં. વરસાદને લીધે ખેતરોમાં ભરાયેલાં પાણી ઉપરથી થઈને આવતો ઠંડો પવન ધ્રુજાવી મૂકે તેવો હતો. આમ છતાંય લાવણ્યાનું એ ઉષ્માભર્યું આલિંગન યાદ આવી જતાં સિદ્ધાર્થે હળવો ગરમાટો અનુભવ્યો. પેટ્રોલ પંપની છત ઉપર ચારેય બાજુ અને તારની ફેન્સિંગમાં ચારેય ખૂણે લાગેલા મોટા હેલોજનના પ્રકાશ ખેતરો ઉપર જ્યાં સુધી ફેલાતો હતો ત્યાં સુધી જોઈ રહીને સિદ્ધાર્થ મલકાઈ રહ્યો. પણ ત્યાર પછી ફેલાયેલાં અંધકારને જોતાંજ સિદ્ધાર્થનું એ સ્મિત ઓલવાઈ ગયું. જેટલે સુધી પ્રકાશ ખેતરો ઉપર પડતો હતો ત્યાં સુધી ખેતરમાં ફેલાયેલી હરિયાળીમાં સિદ્ધાર્થને લાવણ્યા સાથે વિતાવેલી એ સુંદર ક્ષણો, તેની યાદો, તેની મજાક-મસ્તી, છેડખાની-ફ્લર્ટ, તેનું વહાલભર્યું આલિંગન, તેનો અનહદ પ્રેમ દેખાતો હતો, પણ એ પછી ફેલાયેલો અંધકાર જાણે લાવણ્યા વગરનું તેનું જીવન હોય એવું તેને લાગ્યું. વરસાદ બંધ થયાં પછી પણ પ્રકાશ પછી દૂર સુધી ફેલાયેલાં એ અંધકારને સિદ્ધાર્થ નિરાશ નજરે ક્યાંય સુધી જોઈ રહ્યો. લાવણ્યા વિના એ “અંધકારમાં જવું પડશે” એવાં ડરથી સિદ્ધાર્થે હળવી ધ્રુજારી અનુભવી.

            “આખી જિંદગી તું નેહા જેવી છોકરી સાથે કેવી રીતે કાઢીશ....!? કેવી રીતે કાઢીશ....!?”

            લાવણ્યાએ પૂછેલાં એ પ્રશ્નનો જવાબ એ વખતે ભલે સિદ્ધાર્થ પાસે નહોતો પણ આજે જાણે એ જવાબ મળી ગયો હતો. જ્યાં સુધી પ્રકાશ ફેલાયેલો હતો એ લાવણ્યા વિતાવેલો સમય હતો, જે હવે ભૂતકાળ બનવા જઈ રહ્યો હતો અને ત્યાર પછીનો અંધકાર એ નેહા સાથેનું તેનું જીવન.  

 

■■■■

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014