૨૫
બત્તડ મર્યો છે; નમ્યો નથી!
બીજા દિવસે વહેલી સવારમાં હજી મહુડાસાવાસીઓ એકબીજાના મોં જુએ ત્યાં આકાશમાંથી જેમ અગ્નિના અજગર ઊતરતા હોય તેમ. અગનગોળાને મહુડાસા ઉપર ઉતરતા સૌએ દીઠા. એમનાં માટે નવી નવાઈની વાત હતી. બત્તડદેવ ને એની સાથેના જોદ્ધાઓ કિલ્લા ઉપર ચડ્યાં. નાખી નજર ન પહોંચે ત્યાં સુધી તુરુષ્કના ટોળાં પડ્યાં હતાં. પહેલી હરોળ કિલ્લાથી થોડે આઘે હતી, તો છેલ્લી હરોળ આઘેઆઘેનાં ડુંગરા ઉપર તાપણાં સળગાવતી બેઠી હતી. હજી તો આખું સેન આવી રહ્યું ન હતું. અનેક ઊંટ ઘોડાં પાયદળ હજી આવી રહ્યાં હતાં.
બત્તડદેવ આ સેનને જોઈ જ રહ્યો: ‘વાઘોજી!’ તેણે પોતાના સરહદી રક્ષણહારને પૂછ્યું: ‘આવું ક્યાં સુધી છે!’
‘એનો કોઈ આરો નથી પ્રભુ! મને તો આમાં કાંઈ સારાવાટ દેખાતી નથી!’
‘વા...ઘો...જી!’ બત્તડદેવે કરડાકીથી કહ્યું: ‘સારાવાટ દેખાતી નથી એટલે? તમે શું કહેવા માગો છો?’
‘તુરક્ક જીતવાનો, આપણે હારવાના!’
‘હારે, જે જીવે તે. જે મરે , તે કોઈ દી હારતા નથી; હાલો, તમે સૌને હાકલ કરો. ઉગમણા દરવાજા પાસે તમામ આવી જાય.’
‘બધેથી?’ વાઘોજી નવાઈ પામી ગયો. આ તો શરૂઆતથી જ કેસરિયાંની વાત થતી હતી કે શું?
‘હા બધેથી.’ બત્તડદેવ બોલ્યો: ‘આની સામે લડવાનો કોઈ અરથ નથી. સામનો કરીને અમે જીતી ગયા. એવો એંકાર આપણે એને લેવા દેવો નથી. આ તો શેરડીના વાઢ છે અને આપણે વાઢમાં વાઢવા પડવાનું છે, તમામ આવી જાય – વાઘોજી! ઘેરથી વિદાય લઈને જ આવી જાય. અને જુઓ ઠકરાણાંને કહી આવો. અમે દરવાજેથી ઘાસ કાપવા પડીએ છીએ, તમારે જોવું હોય તો આવો, આ બુરજ ઉપર.’
વાઘોજીએ બત્તડદેવનાં અનેક રૂપ જોયાં હતાં. આજનું આ રૂપ જુદું જ હતું. એમાં તાંડવ કરતા ભગવાન રુદ્રનું ગર્જન હતું.
થોડી વારમાં તો અગનગોળા વધવા માંડ્યા. લોકો રેતીના કોથળે કોથળા ઠાલવવા મંડ્યા. તરત તીરોની રમઝટ ચાલી અને ગોફણિયાં પાણાનો વરસાદ શરુ થયો.
બત્તડજીને તમામને દરવાજા પાસે આવેલા દીઠાં, એટલે કહ્યું: ‘ભાઈઓ! આના અગનગોળા આપણને શું બાળે? આપણે, આપણે હાથે ઘેર ઘેર આગ લગાડી દો. આ દરવાજો ખોલી નાખો. ખાઈ ઉપર પુલ નાખી દ્યો. આપણે હવે એના સેનમાં કૂદી પડો!’
‘કૂદી પડવાનું છે? બોલો હર હર... મહાદેવ હર!’ બત્તડદેવના સાથીઓએ બીજો જવાબ જ ન આપ્યો. હરેક આજ્ઞાનો જવાબ રણહાકમાં હતો. દરવાજો ઊઘડ્યો. સામે સાગર કહ્યો ન જાય, એટલું દળ દેખાતું હતું. ઘોડાંનો તો પાર ન હતો. હાથીઓ ગર્જના કરતા હતા. અગનગોળા ઊડતા હતા. મોટા મોટા પથરા આકાશમાંથી પડતા હતા.
‘જેને ઘરમાં મન રહી ગયું હોય એને ભા હજી પાછા વળવાની છૂટ છે હો. હવે જે ભેગા હાલે છે. એ મરવા માટે જ ભેગા હાલે છે!’
બત્તડદેવ સેનાને મોખરે હતો. એની આસપાસ કેસરી જ કેસરી રંગ દેખાતો હતો. બુરજ ઉપર ઠેકાણે ઠેકાણેથી ઠકરાણીઓનાં રણગીતો છૂટ્યાં હતાં. ભાટ ચરણોની બિરદાવલિથી આકાશને પોતાને લડવા આવવાનું મન થાય એવી હવા બની ગઈ હતી.
બત્તડદેવનો ઘોડો દરવાજા બહાર નીકળ્યો. એની પાછળ ત્રણ હજાર મરણિયાઓ નીકળ્યા. કેસરી રંગની આ છટાને નિહાળવા પ્રભાતનો સૂર્ય ઊંચે ચડ્યો.
‘વાઘોજી!’ બત્તડદેવે બહાર નીકળતાં જ કહ્યું: ‘ઘેર ઘેર સંદેશો આપી આવો. એના અગનથી નહિ, આપણે આપણા અગનથી આખા શહેરને ખાખ કરી મૂક્યું છે. ઈ ગગો આંહીંથી ભલે રખના ટોપલા ભરી જાય! આપણે જ રાખ કરી નાખો. બોલો જય સોમનાથ!’
‘જય સોમનાથ’ની રણગર્જના સાથે ત્રણ હજાર ઘોડેસવારો જેમ આકાશમાંથી બાર મેઘ વછૂટ્યા હોય તેમ, ડુંગરે ડુંગરામાં પડઘા પાડતા આગળ જવા ઊપડ્યા.
‘બત્તડજી! બત્તડજી! બાપ! આ તો સાગર છે. એના મોજાં ઉપર મોજાં આવે છે. આપણે બધાય ડૂબી મરીશું! આ તો સાગર છે બાપ!’ કોઈક ડાહ્યો અવાજ એ વખતે પણ કાન પાસે આવી લાગ્યો.
બત્તડજીએ દોડતે ઘોડે જવાબ વાળ્યો: ‘એ તો ભા! ઈમ લાગે. બહાર ઊભા હો. ત્યાં સુધી બધાય સાગર લાગે; અંદર પડો એટલે તળાવડાં!’
અને જેમ શેરડીનો વાઢ કાપવા સારું ગાંડાતૂર એકલશૃંગી ઊપડ્યા હોય તેમ એ સાગરમાં એ બધાય આડાઅવળા, જોયાકારવ્યા વિના, જેને જેમ ઠીક પડે, તેમ આડેધડ કૂદી પડ્યા! બંને સૈન્યની થોડી વારમાં જ ભેટંભેટા જ થઇ ગઈ.
અગનગોળા બંધ થઇ ગયા. તીરો બંધ થઇ ગયા. ગોફણો બંધ થઇ ગઈ. સો સો બળદથી ખેંચાતી તુરુક્કની ‘સંગે મગરિબી’* પણ શાંત થઇ ગઈ. કેવળ હાથોહાથનું ઘોસાઘમસાણી જુદ્ધ ચાલ્યું. કોણ મરે છે, કોણ જીવે છે એ કાંઈ જોવાનું ન હતું. કેવળ જે આવે તેને હણી નાખવાની વાત હતી. આ જુદ્ધમાં વિષ્ટિ ન હતી. વાત ન હતી. સમાધાન ન હતું. કોઈને નમતું આપવાનું ન હતું. આવે તેને હણી નાખવાની વાત હતી. કેવળ જુદ્ધ, તલવાર, ઘોડાં, ઘા મરણ, અને રીડિયારીડ, એ સિવાય બીજી વાત જ ત્યાં ન હતી. છેવટે જીતવાની સંખ્યા જ હતી. સૌને એ ખબર હતી.
* આ તોપ જેવું હશે. ઝીયાબર્નીએ વાપર્યો છે. Elliot VI ૪૬૬ તારીખે અલાઈમાં રણથંભોરના કિલ્લાના ઘેરા વખતે અમીર ખુસરુ પણ તોપ જેવું કાંઈક વાપર્યાની વાત કરતો લાગે છે.
બત્તડદેવના તમામ કેસરી જોદ્ધો રણમાં મરવાના હતા. એક પછી એક બધા જ પડતા ગયા. કોઈ બચવા ઈચ્છતો હોય તેમ લાગ્યું નહિ. મહુડાસામાંથી અગ્નિ પ્રગટ્યો. સેંકડો, નારીઓના વૃંદ અગ્નિમાં કૂદી પડ્યાં. એ જોઇને કેસરીદળ તમામ ખતમ થવા માટે, ઘોડાંને પણ છોડી દઈને હાથોહાથની ભયંકર લડાઈમાં તૂટી પડ્યું.
સાંજને વખતે હવે કોઈ રડ્યોખડ્યો જોદ્ધો રહ્યો હોય તો ભલે! બાકી તમામ ખપી ગયા. બત્તડદેવ એકલો હજી ઝઝૂમી રહ્યો હતો. એને ફરતી સો સો તુરક્કની લંગર ઘેરી વળી હતી. ઘડી બે ઘડીમાં એ પણ પડશે, એવું જોઇને એને સાથ આપવા માટે કેસરીજી દોડ્યો. પણ બત્તડે એને ઉતાવળે કહ્યું: ‘કેસરીજી! તમે હવે રહી જાઓ. હવે તમે એક રહ્યા છો. તમામ ખપી ગયા છે. તમે હવે પાટણમાં પહોંચો. મહારાજને મારો સંદેશો આપવાનો છે.’
‘શું છે બત્તડદેવ! શું કહેવું છે?’
‘મહારાજને કહેજો, બત્તડ મર્યો છે; નમ્યો નથી. બસ એટલું જ... કેસરીજી! પાછળ રહી જાઓ!’
કેસરી પાછળ રહી ગયો. બત્તડદેવ આડેધડ તલવાર ઝીંકતો આગળ વધી ગયો. એ જરાક આગળ વધ્યો ને સેંકડો તલવારો એને ફરી વળી. બત્તડ ઘા ઝીલતો ગયો. ઘા વાળતો ગયો. ઘા મારતો ગયો. ઘા ચૂકવતો ગયો. માથાં ઉડાડતો ગયો. આગળ વધતો ગયો. પણ છેવટે એક જનોઈવઢ ઘા એવો જબરો ઘા એક મુગલજોદ્ધાએ એને માર્યો કે બત્તડદેવનું માથું નીચે ઢળી પડ્યું!
પણ એનું માથું જેવું નીચે પડ્યું કે ‘એનું કબંધ, એનું માથા વિનાનું ધડ, આગળ ધોડ્યું. કેવળ ગાંડી સૃષ્ટિમાંથી કોઈ ભયંકર માથા વિનાનો ખવીસ આવી ચડ્યો હોય તેમ બત્તડજીનું કબંધ એવું ભયાનક દેખાવા લાગ્યું કે માનવીની એની સામે જોવાની હિંમત પણ ચાલે નહિ! એ વખતે સાંજ પડવા આવી હતી. ઝાંખા અંધારા અજવાળાથી રણભૂમિ બરાબર દેખાતી ન હતી. સેંકડો શબ ત્યાં પડ્યાં હતાં. લોહી વહેતાં હતાં. માંસના લોચા તૂટેલા હાથ, ભાંગેલા પગ, ફૂટેલા માથાં રખડતાં હતાં. તે બધાની વચ્ચે ધડ વિનાનો કોઈ પ્રેતસૃષ્ટિનો ભીષણ જોદ્ધો સજીવન થઇ ગયો હોય તેવો બત્તડદેવ, હાથમાં ઉઘાડી તલવારે આમથી તેમ ગાંડાની જેમ દોડી રહ્યો હતો.
એ દ્રશ્ય જોવા માટે સૌ થંભી ગયા, બત્તડદેવના ધડને એક પળનો આરામ ન હતો. એ તો હજી દોડતું જ હતું.
તુરક્ક પણ આ વીર જોદ્ધાની વીરગતિને નમ્યા વિના રહી શક્યા નહિ.
એવામાં કોઈએ બતાવ્યું કે કોઈ બ્રાહ્મણને હાથે એના ઉપર ગંગાજળ છંટાવો તો એ નીચે પડે.
તરત બળતા મહુડાસામાં સૈનિકો દોડ્યા. ગંગાજળ આવ્યું. બ્રાહ્મણ આવ્યો. તેણે બત્તડદેવ ઉપર ગંગાજળ છાટ્યું અને બત્તડદેવ છેલ્લી વીરગતિ પામતો હોય તેમ તરત ત્યાં ઢળી પડ્યો.
એના શબને અગ્નિદાહ દેવાનું બ્રાહ્મણે માગી લીધું. બીજે દિવસે એની રાખ લઈને ગંગાજીમાં પધરાવવા માટે એ ચાલી નીકળ્યો. બત્તડદેવ ઇતિહાસમાં અમર થઇ ગયો.