Raay Karan Ghelo - 17 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 17

Featured Books
  • പുനർജനി - 4

    അവിടം വിട്ടിറങ്ങിയ ശേഷം ആദി ഏതോ സ്വപ്നലോകത്തിൽ മുങ്ങിപ്പോയവന...

  • കോഡ് ഓഫ് മർഡർ - 6

    "എന്താണ് താൻ പറയുന്നത് ഈ റൂമിലോ "SP അടക്കം ആ മുറിയിൽ ഉണ്ടായി...

  • കോഡ് ഓഫ് മർഡർ - 5

    രണ്ട്ദിവസത്തിന് ശേഷം നോർത്ത് ജനമൈത്രി  പോലീസ് സ്റ്റേഷൻ, കലൂർ...

  • വിലയം - 12

    അവൻ തിരിഞ്ഞു ജീപ്പിലേയ്ക്ക് നടന്നുസ്റ്റിയറിംഗ് വീലിൽ കൈ വച്ച...

  • പുനർജനി - 3

    അവ്യക്തമായ ആ രൂപംആ ഇടറുന്ന ശബ്ദം ഇപ്പോഴും കാതുകളിൽ മുഴങ്ങികേ...

Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 17

૧૭

રાજા લાવો, હું સેનાપતિ બનું!

 

સભા આખી એક પ્રકારનો વીજળીનો ધક્કો અનુભવી રહી. પણ આવનાર કરણરાય પોતે છે એ જાણતાં તો હડુડુ કરતાં એકદમ બધા ઊભા થઇ ગયા, અને ગભરાટમાં અવ્યવસ્થિત થઇ ગયા. પણ થોડી વારમાં આગળ સુધી જવાની એક કેડી બની ગઈ. મહારાજ કરણરાય પોતે આગળ હતો. તેની પાછળ સિંહભટ્ટ આવતો હતો. એની પાછળ કોઈ બાઈ માણસ આવી રહ્યું હતું. સભામાં એક મોટું કુતુહલ થઇ ગયું. આ કોણ? મહારાજ ક્યાંથી? સામંત મહેતો, આ બધું જોતા ચમકી ગયો. વાતનું વતેસર થઇ ગયું છે એમ લાગ્યું, મહારાજનું દિલ, આ બનાવથી ઊલટાણું ખાટું થઇ જશે, એની એને ચિંતા થઇ પડી. 

માધવ મહેતો પાછો ફરે તે પહેલાં અમુક રીતે મહારાજને વાળી લેવા એવી એની ગોઠવણ હતી. એ ગોઠવણ હવે ઊંધી વળી જતી હતી. ગોઠવણ કરનારાઓએ ઘણો આગળ પડતો ઊહાપોહ મચાવી દીધો એનું એ પરિણામ હતું. તે બોલ્યા વિના જ મહારાજને નમી રહ્યો. ત્યાં તો મહારાજ છેક આગળ આવી ગયા.

સિંહભટ્ટ ત્યાં આવ્યો. મહારાજની સાથે આવેલી બાઈ એક તરફ નીચું મોં રાખીને ઊભી રહી હતી. મહારાણી કમલાવતી સ્થિર થઇ ગયાં. તેમને પણ આ વાતમાં કાંઈ સમજાયું નહિ. 

કુતૂહલ એટલું બધું વધી ગયું કે આગળ આવવા માટે પાછળથી ધક્કા આવી રહ્યા હતા. મહારાજે તરત એક તાળી પાડી. ત્યાં શાંતિ ફેલાઈ ગઈ. ‘સામંત મહેતા, પહેલાં આ બધા બેસી જાય!’ મહારાજે સામંત મહેતાને મોવડી ગણી લીધો. 

એકદમ બધા બેસી ગયા.

મહારાજ કરણરાય ત્યાં એમની સામે જોતા પળ બે પળ ઊભા રહ્યા. એમના ચહેરા ઉપર ખિન્નતાના ચિન્હ સ્પષ્ટ હતાં. પણ જેવી રીતે મરણિયો યોદ્ધો, એક કૃતનિશ્ચયતાના ભયંકર તેજથી આકર્ષક બની જાય છે, તેમ એની આખી મુખમુદ્રા આકર્ષક લાગતી હતી.

તેમણે ધીમેથી કહ્યું: ‘મહારાણીએ છેલ્લે કહ્યું તે મેં સાંભળ્યું છે. મહારાજ સારંગદેવનો કોઈ શિશુ હોવાની વાત હવામાં છે, એ મને પહેલવહેલું સિંહભટ્ટે કહ્યું હતું. કાં ભટ્ટજી!’

સિંહભટ્ટે માથું નમાવ્યું. કરણરાયે આગળ ચલાવ્યું: ‘અને મેં પોતે જ તેની તપાસ આદરી હતી. મારે કોઈનું રાજ જોઈતું નથી. આજે તમે પણ નવો રાજા ઊભો કરવાની વાત કરો છો. તો હું તમને સૌને એ જ કહેવા આવ્યો છું. સાચો રાજા લાવો. હું સેનાપતિ થઇ જઈશ. કોણકોણ સાચા દિલથી માને છે કે સારંગદેવનું એક શિશુ ક્યાંય છે? જે માનતા હો, તે હિમ્મતથી મારી સમક્ષ વાત રજૂ કરો. ઊભા થાઓ. ડરો મા. છુપાવો મા. આ વાત આપણે આજે જ ખીલે બાંધી દેવી છે. એને રખડતી રહેવા દેવી નથી. આપણે ત્યાં આવી રહેલા તુરુષ્કના ધસારા વખતે આવી કોઈ વાત પોસાય તેમ નથી. અમાત્યો બદલવાની વાત પણ પોસાય તેમ નથી અને રાજધાની બદલવાની વાત પણ અત્યારે પોસાય તેમ નથી...’ રાજધાનીની વાત આવતાં જ ‘મહારાજ કરણરાયનો...’ એવો એક મોટો અવાજ ઊઠ્યો. લોકદિલમાં આશ્વાસન આવી ગયું.

‘વિજય હો!...’ એક બીજો અવાજ આવ્યો. પણ કરણરાય તો કૃતનિશ્ચય થઈને આવ્યો હતો. એને પાટણમાં આંતરવિગ્રહના ને પરસ્પર અવિશ્વાસના ઓળા હવે મોટા ને ભયંકર લાગવા માંડ્યા હતા. અત્યાર સુધી આ અમારા ને આ તમારા એમાં વિશ્વાસ-અવિશ્વાસ રમતો હતો. હવે તો વિશ્વાસ જ નહી, એ વાત આવી રહી હતી. એ ભયંકર હતી. એ તો લાખોને પાયમાલ કરી મૂકે તેવી વાત હતી. એ વાતનો તાગ લેવા માગતો હતો. 

‘બોલો, તમારામાંથી કોણ આ વાતને સાચી માને છે? માનનાર મને વાત કરવા આગળ આવે!’

એક માણસ આગળ આવતો  જણાયો, મહારાજને શંકા પડી. 

‘ક્યાંના છો?’

‘સ્તંભતીર્થનો!’

‘બોલો, તમે મહારાજ સારંગદેવના કુમારને જોયેલ છે?’

‘એ કાંઈ દેખાય, મહારાજ? કોઈ એને બહાર પણ લાવે? લાવે તો જીવનું જોખમ થાય!’

‘ત્યારે તમે શા ઉપરથી જાણ્યું? તમારી પાસે કાંઈ ખાતરી છે?’

ખાતરી તો બીજી શી? પણ સૌ વાત કરે છે. મહારાજ સારંગદેવનો એક પુત્ર છે!’

‘મહેતા!’ મહારાજે સામંત સામે જોયું. ‘તમે ખાતરી કરી, આ માણસ પાસે શી વાત છે, એને પૂછો.’

‘સૌ એટલે કોણ?’ સામંત મહેતાએ એને પૂછ્યું. એ સમજી ગયો કે આ ઊડતી હવા અત્યરે કેટલી નુકસાનકારક છે! એ બરાબર સમજાડી દેવા જ, મહારાજે આ વાત ઉપાડી લીધી હતી. એને લાગ્યું કે એ સમય પોતે ભયંકર રમત રમી જાયતો ભલે બાકી કરણરાય આવી રહેલી મુશ્કેલીઓ પ્રત્યે અત્યંત સાવધ છે. એનું મન આનંદ પામ્યું. મહારાજ પ્રત્યે એને માન થયું. ત્યાં પેલા માણસના પ્રત્યુત્તરમાં આવેલા વિદેશી ઉચ્ચારણે, એની પોતાની પણ ઊંઘ ઉડાડી દીધી. તુરુષ્કો જ આ વાતનો પ્રથમ લાભ ઉઠાવી લે એમ છે! પોતાને પણ હવે લાગ્યું કે, આ વાત નહિ દટાય તો એને સૌ દાટી દેશે. 

આ વાત આટલા વિસ્તારમાં ફેલાવવી એવું એના મનમાં પણ ન હતું. કેવળ અવ્યવહારુ માધવ મહેતો આઘોપાછો થઇ જાય એ વાતની સીધી માટે, એક નાનકડી યોજનાના ભાગમાં જ ફેલાયેલી લોકવાયકાનો એણે લાભ લીધો હતો. પણ અતિ ઉત્સાહમાં બધા આગળ વધી ગયા. પણ મહારાજે તો ત્વરાથી જ આખી વાતનું મૂળ પકડ્યું. સ્તંભતીર્થના નૌવિત્તકો એનો લાભ ઉઠાવી રહ્યા છે, એ એને ખબર નહિ. 

તે મહારાજની પાસે સર્યો. ધીરેથી બોલ્યો: ‘મહારાજ! આ તો વિદેશી માણસ છે. સ્તંભતીર્થના વિદેશી નાવિકોનો લાગે છે. અત્યારે એ આહીં પ્રગટ થશે તો જીવતો નહિ રહીએ. દરવાનને બોલાવીને એને જાપ્તામાં રખાવી દઉં?’

કરણરાયને દેવગિરિની હાલત યાદ આવી ગઈ. તેણે તરત જ એ માણસને તો સોંપાવી દીધો. 

‘બીજો કોઈ જાણકાર? આગળ આવો!’

કોઈ બોલ્યું નહિ.

મહારાજે આખી સભા ઉપર દ્રષ્ટિ ફેરવી. ‘શ્રેષ્ઠીઓ! આ માણસ કોણ હોવાની શંકા છે, તે મહેતા કહેશે.’ તેમણે વેદનાભરેલા અવાજે કહ્યું, ‘પણ તમે અમારી વાતને માટે હજી તપાસ કરો. કોઈ હોય તો લાવો. દરમિયાન આ એક બાઈની વાત સાંભળી લ્યો. એને કાંઈક કહેવાનું છે. સાંભળો, બાઈ! તમે આગળ આવો.

પેલી બાઈ નતમસ્તકે આગળ આવી.

‘સામંત મહેતા! તમે જ પૂછો. ભગવાન સોમનાથના શપથ આપીને પૂછો.’

‘બાઈ! તમે કોણ છો? ક્યાંના છો? ભગવાનને નામે શપથ લ્યો કે એક અક્ષર હું ખોટો નહિ કહું. તમે કોણ છો?’ સામંત મહેતો બોલ્યો.

‘ગત મહારાજ સાથે મારે પ્રીત હતી.’ સામંત મહેતો હવે ખરેખર ચમકી ગયો. એ અત્યાર સુધી માનતો હતો કે લોકવાયકાનો લાભ ઉઠાવીને એ આવી એક યોજના માત્ર આગળ મૂકી રહ્યો છે. એની પાસે ખરી રીતે કાંઈ જ ન હતું. કોઈ શિશુ પણ ન હતું. કોઈ બાઈ પણ ન હતી. માત્ર લોકવાયકા હતી. વિશળને એણે કહેલું કે શિશુ ત્યાં સ્તંભતીર્થમાં નથી, એ પણ એક અનુમાન હતું.

પણ મહારાજ કરણરાયે તો એ લોકવાયકાનું પણ મૂળ શોધીને એ તદ્દન જ નિર્મૂળ કરવાને જાણે સંકલ્પ કરી દીધેલો લાગ્યો. મહારાજની સચ્ચાઈએ એના હ્રદયમાં વધુ માન ભર્યું. એને થયું કે આ માણસની પડખે લડવું એ જ જીવનનો મોટામાં મોટો લ્હાવો હતો.

પણ વિશળદેવને એક વસ્તુ ખૂંચતી લાગી. સામંત મહેતો જાણે અગ્રણી હોય તેમ મહારાજ એને કામ સોંપી રહ્યા હતા. એ તરત ઊભો થયો. તેણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! શ્રેષ્ઠીમાંથી પણ ભલે કોઈ આ બાજુ આવીને પ્રશ્નો કરી જુએ. આપણે આ વાત આજે પાકે પાયે બાંધ્યે જ છૂટકો છે.’

‘કોણ વિશુભા? તમે આવ્યા છો? તમારી જાણમાં જે કાંઈ?’

‘હું તો મહારાજ! મહારાણીબા સાથે આવ્યો હતો. મહારાજ કર્ણાવતી રાજધાની ફેરવવા માગે છે એ વાત હવામાં પહેલી આવી. સાથે આ પણ આવી. સામંત મહેતો સૌને સારી રીતે દોરવાનું કહેતાં હતા... ત્યાં મહારાજ આવ્યા...’

‘હા, એમ છે મહેતા! ત્યારે તો ભલે શ્રેષ્ઠીઓમાંથી પણ કોઈ આવે. તમે આવો વિશળદેવજી! તમે પણ બેસો સામંત મહેતા, સમરા’શા તમે આવો. સાહલપાલ શ્રેષ્ઠી! તમે આવો, પૂછો અને ખાતરી કરો.’

વિશળનું અભિમાન સંતોષાયું. સામંત મહેતાએ આ ઊભું કર્યું હતું. એ પણ ઘણી આડકતરી રીતે કહેવાઈ જતું હતું. તે આગળ આવ્યો.

‘બોલો બાઈ! ભગવાન સોમનાથના નામે માત્ર સાચું જ કહેજો. મહારાજ સારંગદેવે તમને કાંઈ વેણ આપ્યું હતું?’

બાઈએ એક રાજમુદ્રા આગળ ધરી. ‘આ રાજમુદ્રા મહારાજની છે. જુઓ! આ રહી.’ સૌ આશ્ચર્યમાં થંભી ગયા.

‘કોઈ દીપ લાવો.’ કારણરાયે મોટેથી કહ્યું. પોતાની સામે પોતાનો જ પાયો ખોદાઈ જાય તેવી વાત આંહીં સૌની સમક્ષ રજૂ કરનારા રાજા તરફ બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા! સામંત મહેતો જૂના વખતનું કોઈ સ્વપ્ન જોતો હોય તેમ મનમાં બોલી રહ્યો હતો: ‘આ છેલ્લો પ્રકાશ લાગે છે! નહિતર આમ ન હોય! આટલી બધી સચ્ચાઈ? એક સફલી લોકવાયકાનો તાગ લેવા માટે જાતે જવું – અને તે પણ માથે ગાજે છે ત્યારે? પણ સમય! હે સમય... ભગવાન કાલદેવ...’ સામંત મહેતાનો કંઠ રૂંધાઇ ગયો. તેણે એક અદ્રશ્ય આંસુ લોહી લીધું.

એટલામાં દીપકના પ્રકાશે, સારંગદેવ મહારાજની જ મુદ્રા છે એની સૌને ખાતરી કરાવી દીધી. ન્યાયપદે બેઠેલા શ્રેષ્ઠી સમરપાલે સવાલ કર્યો: ‘બોલો બાઈ! સાચું કહેજો. મહારાજ સારંગદેવનું કોઈ સંતાન તમારા ખોળે છે? સાચું બોલજો!’

આખી સભા કાંકરી પડે તો સંભળાય એવી ચિત્રવત બની ગઈ. પળ બે પળ આકાશમાં જાણે મેઘ તોળાતો લાગ્યો.

થોડી વાર પછી બાઈએ ધીમે પણ સ્પષ્ટ અવાજે કહ્યું: ‘હતું.’

‘હતું એટલે? હવે નથી? કોઈ ઉપાડી ગયું છે? એમ હોય તો કોણ ઉપાડી ગયું છે એ બોલો.’ વિશળદેવ બોલ્યો.

વિશળદેવનો સવાલ બધા આતુરતાથી સાંભળી રહ્યા. એના ઉત્તર પર ઘણો આધાર હતો. એટલામાં મહારાણી કમલાવતી બોલી: ‘મહારાજ! હું પણ કાંઈક કહી શકું? મારે કાંઈક કહેવાનું છે!’

મહારાજે ડોકું ધુણાવ્યું. મહારાણી પોતે બાઈ પાસે આગળ આવી. બોલો બહેન, તમે એક વાત ધ્યાનમાં લેજો. તમારા કુમારનો એક વાળ કોઈ વાંકો થવાનો નથી. એ ગાદીવારસ ગણાય તેમ છે. મહારાજ એને ગાદી સોંપી દેશે. પોતે જ એના સેનાપતિ થઇને રહેશે. પણ વાત સાચી કરજો. મહારાજ સારંગદેવના સાચા સંતાનની શોધ થાય છે, તેમાં મદદરૂપ થાય એવી. બોલો! એ કુમાર ક્યાં છે?’

બાઈનો ટૂંકો પણ સ્પષ્ટ જવાબ આવ્યો: ‘એક કુમાર હતો. પૃથ્વીદેવ એનું નામ. પણ જમરાજા એને ઉપાડી ગયો. હવે કાંઈ નથી. હું હવે નિરાધાર છું!’ 

‘તમને સિંહભટ્ટે કાંઈ લાલચ તો આપી નથી નાં?’ મહારાજ કરણરાયે પોતે હવે પ્રશ્ન કર્યો.

બાઈએ મસ્તક નમાવ્યું: ‘મહારાજ! કુમારને માટે આયુષ જ નોતું. આયુષ મારે માટે હતું.’

બાઈના સ્વચ્છ સંસ્કારી સ્પષ્ટ ઉત્તરે ઘણાને મુગ્ધ કરી દીધા. 

પણ એથી વધુ તો, કરણરાયની સચ્ચાઈએ સૌને ડોલાવી દીધા.

સમરા’શા પોતે આગળ આવીને મોટો અવાજ કરીને બોલી ઊઠ્યા: બોલો પાટણપતિ મહારાજ કરણરાયની જે!’

‘મહારાજ કરણરાયની જે!’

ગગનભેદી પડઘો સામેથી ઊઠ્યો. એક પળમાં વાતાવરણ સ્વચ્છ બની ગયું હતું. એમ કર્યા વિના છૂટકો પણ ન હતો. સામંત મહેતો આ જોઈ રહ્યો. 

કરણરાયે એટલામાં મોટેથી કહ્યું: ‘સિંહભટ્ટ! આ કામ હવે પૂરું થાય છે. આમને માનમરતબાથી રાખવાનું, રાણીજી પોતે ગોઠવશે પણ તમે કાલે પ્રભાતે દુર્ગ ઉપર આવી જાઓ આપણે આખો દુર્ગ જોઈ લેવાનો છે!’

મહારાજ કરણરાયની જાગૃતિએ લોકને સચેત અને સચિંત કરી દીધા. 

‘આવતી કાલથી જ સમરા’શા! તમે ધાન્યભંડારની ઉતાવળ કરો. આપણે તૈયારી રાખો. પછી ધાર્યું ભગવાનનું થશે!’

પોતે અગ્નિના ખડક ઉપર ઊભા છે, એ ભાનમાં આવતાં ઘણાના મનમાંથી બીજા પ્રશ્નો જ ઊભા થતા બંધ થઇ ગયા. 

મોડેથી પાટણનું વાતાવરણ શાંત બન્યું લાગતું હતું.