હવે, સાયબર ઠગો ઓક્સિજનથી ઝડપાશે : દિલ્હી પોલીસે ઇઝરાયલ અને ઓસ્ટ્રેલિયા પાસેથી સાયબર ઠગોને પકડવા ખાસ સોફટવેર ખરીદ્યા : દિલ્હીમાં પાયલટ પ્રોજેક્ટમાં સફળતા મળ્યાં બાદ પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યોમાં અમલી કરાશે
ભારતમાં દિવસે દિવસે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. રાષ્ટ્રીય ક્રાઇમ બ્યુરો તરફથી મળતાં આંકડા અનુસાર દેશમાં સાયબર ગુનાનો સૌથી સામાન્ય પ્રકાર નાણાકીય છેતરપિંડી છે. ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્ચેના સાયબર ગુનાઓમાં ૭૫ ટકા હિસ્સો નાણાકીય છેતરપિંડીનો છે. ૨૦૨૪ના પ્રથમ ચાર મહિનામાં જ દેશવાસીઓ સાથે રૂા. ૧૭૫૦ કરોડનું સાયબર ફ્રોડ થયું છે. રાષ્ટ્રીય ક્રાઇમ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૮માં સાયબર ફ્રોડની સંખ્યા ૨,૦૮,૪૫૬ હતી. જેમાં દરર્ષે સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૧૯માં ૩,૯૪,૪૯૯, ૨૦૨૦માં ૧૧,૫૮,૨૦૮, ૨૦૨૧માં ૧૪,૦૨,૮૦૯, ૨૦૨૨માં ૯,૬૬,૭૯૦ અને ૨૦૨૩માં સંખ્યા ૧૫,૫૬,૨૧૮ પર પહોંચી હતી.
સાયબર ફ્રોડની ઘટના વધવાની સંખ્યા સાથે સરકાર પણ ચિંતીત બની છે. જેથી સાયબર ઠગો પર કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસે નવી ટેક્નોલોજીનો સહારો લેવાનો ર્નિણય કર્યો છે. દિલ્હી પોલીસે ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયેલથી સ્પેશયલ સોફ્ટવેર મગાવ્યા છે. આ સોફ્ટવેર પોલીસને ઝડપી તપાસમાં મદદ કરશે અને ગુનેગારો પર પણ ચાંપતી નજર રાખવા પણ સરળતા રહેશે. દિલ્હી પોલીસના સાયબર સેલે આ બંને સોફ્ટવેરનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. જાણકારી પ્રમાણે ઇઝરાયેલની કંપની પાસેથી ‘યુએફઇડી’ અને ઓસ્ટ્રેલિયાથી ‘ઓક્સિજન’ નામના સ્પેશયલ સોફ્ટવેરને ખરીદવામાં આવ્યા છે. જે ઇન્સ્ટોલ પણ થઇ ગયા છે.
આ પાયલટ પ્રોજેક્ટમાં સફળતા મળે તો પ્રોજેક્ટ હેઠળ સોફટવેર દેશના અન્ય રાજ્યોમાં પણ અમલી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ઇઝરાયલના સોફટવેર યુએફઇડી અને ઓસ્ટ્રેલિયાના સોફ્ટવેર ઓક્સિજનનો ઉપયોગ કઇ રીતે કરવો તે સમજાવવા માટે ટીમો ખાસ ઇઝરાયલ અને ઓસ્ટ્રેલિયાથી ભારત આવી હતી.
વર્ચ્યુઅલ સ્પેસમાં ગુનાઓ પર નજર રાખશે
ઇઝરાયેલ પાસેથી લેવામાં આવેલયું યુએફઇડી સોફ્ટવેર વર્ચ્યુઅલ સ્પેસમાં લગભગ દરેક પ્રકારના ક્રાઇમ ડેટા પર નજર રાખશે. આ ટેક્નોલોજી ગુનેગારો દ્વારા લગાવવામાં આવેલા તમામ પ્રકારના લોકને તોડી શકશે અને ઓનલાઈન ટેમ્પરિંગને પણ ટ્રેક કરી શકશે.
ઓસ્ટ્રેલિયન ‘ઓક્સિજન’ કોમ્યુનિકેશન સિસ્ટમની તપાસ કરશે
ઓસ્ટ્રેલિયા પાસેથી ખરીદવામાં આવેલુ સોફટવેર ઓક્સિજન પોલીસ સ્ટાન્ડર્ડ આધારિત કોમ્યુનિકેશન સિસ્ટમની તપાસ કરી શકશે. તેના ઉપયોગ બાદ પોલીસ નિયમો અનુસાર એન્ડ્રોઇડ, વિન્ડોઝ, આઇઓએસ સહિતની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સરળતાથી ચેક કરી શકશે. ચીનની સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ Chinax પણ આ સોફ્ટવેરની નજરમાંથી બચી શકશે નહીં.
ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા ICMIC સોફ્ટવેર
દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને મહિલાઓ વિરુદ્ધ સાઈબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી રહી છે. જેને રોકવા માટે દિલ્હી પોલીસ એક સ્પેશિયલ સોફ્ટવેરની મદદ લઈ રહી છે. જે ICMIC સોફ્ટવેર FBI અને અમેરિકાની અન્ય કાયદા એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેને બાયપાસ કરવું ખુબ જ મુશ્કેલ છે. એટલું જ નહીં તેમાં તમામ હાઇટેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં ધરખમ વધારો
ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં સાયબર છેતરપિંડીના કિસ્સામાં ઘણો વધારો થયો છે. તેમાં પણ હવે, ડિજિટલ અરેસ્ટની ઘટના ઘણી વધી રહી છે. આમાં બદમાશો સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સ વિભાગના અધિકારી કે પછી પોલીસ ઓફિસર બનીને વીડિયો કોલ કરે છે. તે ખોટા આક્ષેપો કરીને લોકોને ગભરાવે છે. જે બાદ વ્યક્તિના ડિજિટલ અરેસ્ટની વાત કરે છે. તેઓ સામેવાળાને વિશ્વાસમાં લે છે અને તેને ડિજિટલ અરેસ્ટ કરે છે. ડિજિટલ અરેસ્ટમાં પીડિતને હંમેશાં વીડિયો કૉલની સામે રહેવા માટે કહેવામાં આવે છે. કોઈ ને કોઈ વ્યક્તિ તેની સતત દેખરેખ રાખે છે. ફિઝિકલી ધરપકડ ટાળવા માટે પૈસાની માગણી કરવામાં આવે છે. પણ ડિજિટલ અરેસ્ટની કાનૂની કોઈ પરિભાષા નથી.