Apharan - 11 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | અપહરણ - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અપહરણ - 11

11. બાજી પલટાઈ

 

અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થોમસ અને જેમ્સ કરાડની ઓથે થાકી હારીને પડ્યા હતા. પરિસ્થિતિને અપનાવીને થોડી વાર પછી અમે પોર્ટેબલ (સમેટી શકાય એવો) તંબૂ કાઢીને તેના છેડાઓને જમીનમાં ખોડવાનું શરૂ કર્યું. રાત્રિ રોકાણ માટે એક તંબૂ અમે અમારી સાથે રાખ્યો હતો.

પવનની ગતિ હજી ઓછી નહોતી થઈ. પવનના જોરદાર સપાટાથી તંબૂ હાલકડોલક થતો હતો. અમે ત્રણેય અંદર લપાઈને બેઠા હતા, કારણ કે ઠંડી ખૂબ હતી.

‘આ સાલો, પિન્ટો ! દગાબાજ નીકળ્યો ! હું એને છોડીશ નહીં.’ જેમ્સે ક્રોધાવેશમાં આવીને દાંત કચકચાવ્યા.

‘આપણે પહેલાં જ ધ્યાન રાખવાની જરૂર હતી.’ મેં ટોસ્ટના ડબ્બામાંથી એક ટોસ્ટનો ટુકડો ઉપાડતાં કહ્યું, ‘જોકે આપણે કંઈ ડિટેક્ટિવ તો છીએ નહીં કે આવી ઝીણી ઝીણી બાબતોની ખણખોદ કરીએ.’

‘હા, એ વાતેય સાચી. પણ હવે શું કરીશું ?’ થોમસે પૂછ્યું. મેં ટોસ્ટનો ડબ્બો એને આપ્યો.

‘હવે તો આપણે હતા ત્યાંના ત્યાં આવી ગયા છીએ.’ મેં બંને મુઠ્ઠીઓ એકબીજી પર મારતાં અફસોસ વ્યક્ત કર્યો.

થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. માત્ર પવનમાં ફરફરતા તંબૂનો અવાજ આવતો હતો. મારું દિલ વોટ્સનની યાદથી ભરાઈ આવ્યું. અમે લોકોએ સાથે કરેલાં પરાક્રમો યાદ આવ્યાં. શું હવે વોટ્સન ક્યારેય પાછો નહીં આવે ? અગાઉ મને ક્યારેય નહોતી થઈ એવી ચિંતા સતાવા લાગી. જેમ્સ, થોમસ અને અમારાથી દૂર, કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રખાયેલા ક્રિક અને વિલિયમ્સને પણ કદાચ મારા જેટલી જ ચિંતા થતી હશે. અમે બધી બાજુથી ઘેરાઈ ગયા હતા. શું કરવું એ સૂઝતું નહોતું. બે-ચાર પળો ગભરાટમાં વીત્યા બાદ મેં મારી જાતને સંભાળી. આમ હિંમત હારી ગયે કાંઈ વળવાનું નહોતું. અમારે ગમે તે રીતે અપહ્યત વોટ્સન સુધી પહોંચવાનું જ હતું. મેં દૃઢ નિશ્ચય કર્યો અને ગમગીનીને મનમાંથી કાઢી નાખી.

‘સાંભળો, ફ્રેડી જોસેફે આપેલી કડીઓનું વિચારીએ તો વાસ્કરનની ટિકિટ બારી સુધી તો બધું બરાબર હતું.’ મેં બંનેને કહ્યું, ‘જે થયું છે એ ત્યાંથી જ થયું છે.’

‘હા, એલેક્સ. મને તો લાગે છે કે આ લોકોએ ઓરિજિનલ ગાઈડને ઉઠાવી લઈને એની જગ્યાએ આ પિન્ટોને મૂકી દીધો હશે.’ થોમસે અનુમાન બાંધ્યું, જે મહદ અંશે મને સાચું લાગતું હતું.

‘હા, એમ જ હોવું જોઈએ. કારણ કે પિન્ટોએ પહાડ ખેડવા માટેની અમુક જરૂરી વસ્તુઓ પણ સાથે લીધી નહોતી. એ તો ઠીક છે, પણ એણે એવો અભિનય કર્યો કે આપણે થાપ ખાઈ ગયા.’ મેં ઉમેર્યું.

‘નાલાયક, હરામી, બદમાશ...! આપણને છેતરી ગયો ?’ જેમ્સ હજી પણ ગુસ્સાથી તપતો હતો.

‘જેમ્સ, અત્યારે શાંત થઈ જા. સમય આવશે ત્યારે એને આપણે બતાવી દઈશું. અત્યારે આગળ કેવી રીતે વધવું એના વિશે વિચાર.’ થોમસે એને શાંત પાડ્યો.

એ પછી કોઈ કાંઈ ન બોલ્યું. રાત્રે ચોકી પહેરા માટે વારાફરતી જાગવાનું નક્કી કરી અમે આડા પડ્યા. સૌથી પહેલાં જેમ્સ જાગતો રહ્યો. મેં સૂવાનો પ્રયત્ન કર્યો પણ આખી રાત ઘેરી ઊંઘ તો આવી જ નહીં. આગળ શું કરવું એના વિચારે મન પર કબજો જમાવી લીધો હતો. મારા જેવી જ સ્થિતિ જેમ્સ અને થોમસની પણ હોવી જોઈએ.

સવારે રાત કરતાં ઠંડીનું પ્રમાણ ઘટેલું હતું. આવશ્યક ક્રિયાઓ પતાવીને હું તંબૂની બહાર આવ્યો. સૂર્ય હજી ઊગ્યો જ હતો. વાતાવરણ શાંત હતું. થોડેક આગળ જઈને હું કરાડ પાસેની જગ્યાએ આવ્યો. આગલી સાંજની ઘટના યાદ આવતાં મન બેચેન થઈ ગયું. મેં કરાડ તરફ નજર કરી. પછી નીચે પડી ગયેલા પિટોન, દોરડા વગેરે સામાન સામે જોયું. કરાડ ખાસ ઊંચી નહોતી. એક પિટોન છેક ઉપર હજી પણ બરફની દીવાલે ખૂંપેલું હતું. પિન્ટોએ ત્યાંથી દોરીને કાપી નાખી હતી.

વધેલા પિટોન્સ અને દોરડાથી કરાડ ફરી ચડવાનો વિચાર કરતો હતો. ત્યાં જ મારી નજર નીચે પડેલા અસ્તવ્યસ્ત સામાનમાંથી પિન્ટોની બરફમાં ખૂંપી જતી લાકડી – સ્ટીક પર પડી. એના પર કંઈક લખાણ લખેલું દેખાયું એટલે મેં એને ઊઠાવીને જોયું. લખાણ વાંચીને મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. સ્ટીક પર ઉપરથી નીચે સુધી નાના અક્ષરોમાં લખ્યું હતુઃ

‘ભૂરા સરોવરનો તાજ સૂર્ય છે… સૂર્યનું તેજ અમૂલ્ય છે !’

બે ઘડી હું એની સામે તાકી જ રહ્યો. આ સંદેશો છે, અમારી આગલી કડી છે એનો તો ખ્યાલ આવી જ ગયો હતો.

હું દોડ્યો અને તંબૂ તરફ જઈ બૂમ પાડીઃ ‘થોમસ ! વિલિયમ્સ ! જલ્દી બહાર આવો. આગલી કડી મળી ગઈ છે.’ મારા અવાજમાં ઉત્સાહ સમાતો નહોતો.

પેલા બંને તંબૂની બહાર આવ્યા. મારી સામે પ્રશ્નાર્થભરી દૃષ્ટિથી જોવા લાગ્યા.

‘આ જુઓ !’ મેં પેલી સ્ટીક ઉપર લખેલું લખાણ એ લોકોને બતાવ્યું. બંને જણા એ લખાણ વાંચી ગયા. પછી બંનેના ચહેરા પર જુદી જ જાતની ચમક ફેલાઈ ગઈ. બંને ખુશ થઈ ગયા. જાણે શરીરમાં પ્રાણ પુરાયો.

‘ક્યાંથી મળી આ સ્ટીક ? કોની છે આ ?’ જેમ્સે પૂછ્યું.

‘આ પિન્ટોની સ્ટીક છે. અહીં પડી હતી.’ મેં થોડે દૂર પર્વતારોહણના પડેલા સામાન તરફ આંગળી ચીંધીને કહ્યું.

‘એનો મતલબ એ કે આ સ્ટીક મૂળ તો સાચા ગાઈડની હોવી જોઈએ.’ થોમસે જેમ્સના હાથમાંથી સ્ટીક લીધી અને ધ્યાનથી જોવા લાગ્યો.

‘બેશક, થોમસ !’ મેં કહ્યું.

થોમસ ફરી એ વાક્ય દોહરાવી ગયો. પછી મનમાં ને મનમાં એક-બે વાર એ વાક્ય બોલ્યો. પછી જાણે વાક્યનો તાગ મેળવી લીધો હોય એમ ચપટી વગાડી, ‘મને ખ્યાલ આવી ગયું આનું રહસ્ય !’

‘હા, મને પણ.’ જેમ્સે ટાપશી પુરાવી, ‘એમ અઘરું નથી. જુઓ, ભૂરું સરોવર એટલે બ્લૂ લગૂન. અહીંની વિશેષતા. એનો તાજ સૂર્ય છે એટલે એની ટોચ પર સૂર્યનું પ્રતિબિંબ પડતું હશે.’

‘બરાબર.’ થોમસ જેમ્સની વાત કાપીને બોલ્યો, ‘અને સૂર્યનું તેજ અમૂલ્ય છે એનો અર્થ કે આપણો ખજાનો એ પ્રતિબિંબ પડે છે ત્યાં હોવો જોઈએ.’

‘તમારી થિયરી આમ તો સાચી લાગે છે, પણ જોખમ લેવા જેવું છે.’ મેં ચેતવણી આપી.

‘હવે આપણી પાસે ક્યાં બીજો કોઈ વિકલ્પ છે, એલેક્સ.’ થોમસના અવાજમાં મજબૂરી અને જુસ્સાનો મિશ્ર ભાવ હતો.

હું માથું હલાવીને રહી ગયો. હું ઊંડા વિચારમાં પડી ગયો હતો.

‘ચાલ, દોસ્ત. આપણે જવું જ પડશે.’ થોમસે મારા ખભે હાથ મૂક્યો. ‘કૂદી પડીએ. મારું દિલ કહે છે કે આ વખતે આપણે થાપ નહીં ખાઈએ.’ એ જરાક હસ્યો. મેં પણ સ્મિતથી જ મારી સહમતી નોંધાવી દીધી.

***

આ તરફ પેલી ગુફામાં ક્રિક અને વિલિયમ્સ શાંત થઈને બેઠા હતા. સ્ટીવ સામે એમનું કંઈ ચાલ્યું નહોતું. સ્ટીવ પણ એક પથ્થર પર મૂંગો મૂંગો બેઠો હતો. એ કોઈકની રાહ જોઈ રહ્યો હોય એવું ક્રિક-વિલિયમ્સને લાગ્યું.

ક્રિકે ગણતરીની મિનિટોમાં નિર્ણય લઈ લીધો. હવે લડવા સિવાય કોઈ રસ્તો નહોતો. એણે બાજુમાં બેઠેલા વિલિયમ્સને કોણી મારી. વિલિયમ્સે જોયું તો બંને પગ વાળીને દીવાલને ટેકે બેઠેલા ક્રિકે બૂટમાંથી એક છરી કાઢી હતી. વિલિયમ્સે સહેજ હકારમાં ડોકું હલાવીને ‘હું તૈયાર છું’ એવા મતલબનો ઈશારો કર્યો. એમની આ ક્રિયાઓથી પેલા બંને પહેરેદારો અને સ્ટીવ અજાણ હતા.

ક્રિકે એકદમ મજબૂતાઈથી ડાબા હાથમાં છરાનો પકડ્યો અને એકાએક ઊભા થઈને પુરપાટ ગતિએ સ્ટીવ તરફ જઈ એના ગળા પર છરીની અણી અડાડી દીધી.

‘ખબરદાર ! તમારા હથિયારો ફેંકી દો નહીં તો સ્ટીવ જાનથી જશે.’ ક્રિકમાં કોણ જાણે ક્યાંથી આટલી હિંમત આવી ગઈ.

પેલા બંને ચોકીદારો પહેલાં તો ચોંક્યા. પછી વિચારવા લાગ્યા કે શું કરવું. ક્રિકને પોતાની યોજના નિષ્ફળ જતી લાગી. એણે સ્ટીવના ગળા પર છરીની અણીની ભીંસ વધારી.

‘આ શું કરે છે, ક્રિક. રહેવા દે, ભાઈ. તારા સારા માટે જ કહું છું.’ સ્ટીવે વિરોધની કોશિશ કરી.

‘અમને હવે કોઈની પડી નથી. વિચારવાનું તારે છે. તારા માણસોને કહે કે પિસ્તોલો વિલિયમ્સને આપી દે.’ ક્રિક તીખા અવાજમાં બોલ્યો. તેમ છતાં સ્ટીવે કોઈ પ્રતિક્રિયા ન કરી.

‘તમે બંને પિસ્તોલો ફેંકો નહીં તો તમારો આ માણસ ખતમ કરીશ.’ ક્રિકમાં જાણે ઝનૂન ભરાયું હતું. આ એનો છેલ્લો દાવ હતો. જો પેલા લોકો કંઈ હરકત ન કરે અથવા હુમલો કરી નાખે તો બાજી પલટાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી.

ક્રિકે સ્ટીવના ખભા પાસે છરાથી સહેજ ઘસરકો કર્યો. સ્ટીવ ચીસ પાડી ઊઠ્યો. હવે પહેરેદારો ગભરાયા.

‘જલ્દી કરો. આની લાશ તમારા બૉસ જોશે તો તમે પણ નહીં બચો.’ ક્રિકે કહ્યું.

હવે બંને લોકો નરમ પડ્યા. ક્રિક કંઈ પણ કરી શકે છે એવું હવે એમને લાગવા માંડ્યું હતું.

‘ન આપશો પિસ્તોલ. ઉડાવી દો આ બંનેને.’ સ્ટીવમાં હજી હિંમત બાકી હતી.

ડાબી તરફ, ગુફાના મુખ પાસે બે ચોકીયાતો ભરેલી પિસ્તોલે ઊભા હતા. જમણી તરફ અંદરના ભાગે ક્રિક સ્ટીવના ગળે છરો મૂકી ઊભો હતો. બંને પરિસ્થિતિની વચ્ચે ઊભેલા વિલિયમ્સનું હ્રદય વધુ જોરથી ધડકવા લાગ્યું.

 

(ક્રમશઃ)