A - Purnata - 47 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 47

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 47

"સાંઈ દર્શન" કોમ્પલેક્ષના છઠ્ઠા માળના ફોર બેડરૂમ હોલ કિચનના ફલેટના એક બેડરૂમમાં કિંગ સાઇઝ બેડ પર હેપ્પી ફેલાઈને સૂતી હતી. રણશિંગુ વાગે એવા મોટા નસકોરા બોલાવી રહી હતી. બેડ પર જ એક સાઈડ લેપટોપ ખુલ્લું પડ્યું હતું. કદાચ રાતે મોડે સુધી કામ કરતી હશે અને કામ કરતાં કરતાં જ સૂઈ ગઈ હશે. 
        હેપ્પીના ઘરની બેલ વાગી. એક વાર, બે વાર, ત્રણ વાર...લગભગ પાંચેક વાર બેલ વાગી એટલે હેપ્પી સળવળીને હાથ બાજુમાં લઈ જઈ બોલી, "પરમ, જા ને દરવાજો ખોલને યાર. ક્યારની બેલ વાગે છે." સામે કઈ જવાબ ન મળતાં તેણે પોતાની ઉંઘરેટી આંખો ખોલી એ પણ માંડ ખુલી. જોયું તો બાજુમાં કોઈ હતું નહિ. પછી પોતાના જ માથા પર ટપલી મારી કે પરમ તો નથી ઘરે. પછી વળી તેણે ઘડિયાળમાં નજર કરી. કાંટો સાતનો સમય બતાવતો હતો. 
         હેપ્પી સ્વગત જ બબડી. "કોણ આવ્યું આટલી વહેલી સવારે? કામવાળી પણ આઠ વાગે આવે." ફરી બેલ સંભળાઈ એટલે તે ઊભી થઈ અને હોલમાં પહોંચી દરવાજો ખોલ્યો. આંખો તો ચીની લોકોની જેમ માંડ ખુલેલી હતી. ઊંઘમાં સરખું દેખાયું નહિ પણ કોઈક ઊભું છે એવું લાગ્યું એટલે તેણે જોયા વિના જ જવાબ આપ્યો, "મારે કઈ લેવું નથી. તમે બાજુના ઘરે જાવ. સવાર સવારમાં શું વેચવા માટે નીકળી પડો યાર." આમ કહી તે ફરી દરવાજો બંધ કરવા જતી હતી કે આવનાર વ્યક્તિ બોલી, "ગોલુ..."
        ગોલુ તો ફક્ત બે જ વ્યક્તિ કહે છે એક પરમ અને એક રેના. આ અવાજ તો સ્ત્રીનો જ હતો એટલે તેણે તરત જ આંખો મોટી કરીને ખોલી. "રેના...તું અત્યારમાં? બધું ઠીક તો છે ને? આવ, અંદર આવ." 
         "હું વીસ મિનિટથી બેલ વગાડું છું. બે વાર તો ફોન પણ કર્યા. કાન છે કે કોડિયાં?" રેના થોડી ગુસ્સે થઈ ગઈ.
         "અરે, કાન જ છે પણ મારી ઊંઘને મારા કાન સાથે બનતું નથી યાર. ઊંઘ આવે તો કાન જતાં રહે છે." આમ કહી હેપ્પી પોતાની ઓરિજીનલ સ્ટાઇલમાં હસી પડી.
        આ જોઈ રેના પણ હસી પડી. "તું કોઈદી સુધરીશ નહિ કેમ?" 
         "લે, હું બગડેલી જ ક્યારે હતી?" આમ કહી હેપ્પીએ પોતાનો આંખો નચાવી.
          રેના હેપ્પીને ભેટી પડી. હેપ્પી પણ રેનાને ભેટીને તેની પીઠ પસવારી રહી. હેપ્પી બોલી, "તું ફ્રેશ થઈ જા. આપણે ચા નાસ્તો કરી પછી નિરાંતે વાત કરશું."
          "હેપ્પી તારે ઓફિસ નથી જવાનું?" રેના બોલી.
          "અરે, તું આવે ને હું ઓફિસ જાવ એમ કેમ બને? હું ઘરેથી જ કામ કરી લઈશ. તારા હાથની રસોઈ તો મળશે જમવા એ બહાને. હું આજે રસોઈવાળા માસીને રજા આપી દઈશ."
           "રસોઈ નહિ, નાસ્તો પણ મળશે એ પણ ગરમાગરમ." 
            "ચાલ, તો જલ્દી ફ્રેશ થઈ જા."આમ કહી હેપ્પી રેનાને ગેસ્ટ રૂમમાં મૂકી ગઈ. હેપ્પી પોતાના રૂમમાં આવીને પોતાનો ફોન હાથમાં લીધો અને એક નંબર લગાડ્યો.
           "સોરી, હું તો સૂઈ ગઈ હતી પણ રેના પહોંચી ગઈ છે. હવે તમે ચિંતા ન કરતાં હું સંભાળી લઈશ." ફોન મૂકી હેપ્પી પણ ફ્રેશ થવા જતી રહી. તે નાહી ધોઈને બહાર આવી તો રસોડામાંથી મસ્ત ચા અને બટેટા પૌવાની સુગંધ આવી રહી હતી એટલે એ તરત જ રસોડા તરફ ભાગી. 
          "વાહ રેના, શું સુગંધ આવે છે યાર. મને તો જૂના દિવસો યાદ આવી ગયાં. કેટલો મસ્ત નાસ્તો કરતા તારા ઘરે અને કોલેજના નાસ્તા હાઉસમાં પણ. શું દિવસો હતાં યાર, હું , તું, પરમ , મિશા અને વિકી..."
          વિકીનું નામ સાંભળતા જ રેનાનું સ્મિત ગાયબ થઈ ગયું. આ જોઈ હેપ્પી બોલી, "સોરી યાર, તારું દિલ દુખાવાનો ઈરાદો ન હતો મારો."
         "ઈટ્સ ઓકે. ચાલ ચા નાસ્તો કરી લઈએ. એમ કહી રેના ચા નાસ્તો લઈ ટેબલ પર બેઠી. 
           "પરમ ક્યાં છે હેપ્પી?" રેના ચાની ચૂસકી લેતાં બોલી.
          "અરે, એ કંપનીના કામથી લંડન ગયો છે એક વિકથી. આજે રાતે જ આવી જ જશે. મે એની સાથે બઉ બધી ચોકલેટ મંગાવી છે ત્યાંથી." હેપ્પી નાસ્તો કરતાં બોલી.
        "હે, મા, તું કઈ નાની છે?" 
         "અરે, એવું કોણે કીધું કે નાના બાળકો જ ચોકલેટ ખાય?" હેપ્પી આંખો મોટી કરી બોલી.
         "હા, આમ પણ તારામાં ને નાના બાળકમાં શું ફેર છે."
        "સારુ ને!!! માણસે બાળક જ રહેવું જોઈએ."
        "હેપ્પી, હું વૈભવનું ઘર હાલ પૂરતું છોડીને આવી છું." રેના ધીમેકથી બોલી.
         "હા, મને ખબર છે. આમ પણ આટલા વર્ષોમાં વૈભવજી એ તને અહી રોકાવા ક્યારે પણ આવવા દીધી છે? તે જે કર્યું એ સાચું જ કર્યું છે. ક્યારેક આપણી ગેરહાજરી પણ આપણી કદર કરાવી આપે રેના. આમ પણ મારે હજુ ઘણું બધું જાણવાનું છે તારી પાસેથી."
        "તને કેમ ખબર પડી કે હું ઘર છોડીને આવી છું એમ?" રેના નવાઈ સાથે બોલી.
        "એક તો તારા હાથમાં આવડી મોટી બેગ હતી અને બીજું..."
        "બીજું શું? હું તો ઘરે પણ કહીને નથી આવી કે ક્યાં જાવ છું એમ તો..."
        "તારા પપ્પાનો કૉલ આવેલો રેના. કદાચ એમને ખબર હતી કે તું ત્યાંથી નીકળીને અહી જ આવીશ. સુરતમાં તારા માટે આ ઘર જ એક એવી જગ્યા છે જ્યાં તું શાંતિથી રહી શકે." હેપ્પીએ રેનાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું.
       "પપ્પાનો કૉલ?? પણ એમને તો મારા પર વિશ્વાસ જ નથી. એ તો મને ઘરે પાછું જવાનું કહી રહ્યા હતાં." 
        "રેના, એ તારા પપ્પા છે. કદાચ એ એવું ઈચ્છતા હોય કે તું તારી લડાઈ તારી જાતે લડે. એમને ખબર જ હશે કે તું એમના ઘરેથી નીકળી સીધી અહી જ આવીશ એટલે જ એમણે મને કૉલ કરી દિધો હતો પણ મે તો ઊંઘમાં જ બધી વાત સાંભળીને ફોન મૂકી દીધો ને હમેશાની જેમ હું પાછી સૂઈ ગઈ. બાકી તો આરતીની થાળી લઈને તારું સ્વાગત ન કરું?"
         રેના હસવા લાગી. "આ પરમ કેમ સહન કરે છે હે તને?"
         "મે પરમને કીધેલું જ છે કે બહારગામ જાય તો વહેલી સવારે ઘરે ન આવવું. હું તો ઉઠવાથી રહી, નકામું બિચારાને બહાર લોબીમાં સૂવું પડે." આમ કહી તે પોતાનું શરીર ડોલાવી હસવા લાગી.
         "મારા ભાઈને આમ હેરાન કરે છે તું? જોઈ લે હવે, આ નણંદ રોકાવા આવી છે ને તો આ આનંદીભાભીની બરાબર મજા લેશે." 
         "રેના, હેપ્પીની મજા લઇ શકે એવું હજુ કોઈ પેદા જ નથી થયું." આમ હસી મજાક કરતાં કરતાં બન્ને એ નાસ્તો પૂરો કર્યો.
          હેપ્પી પોતાનું લેપટોપ લઈ આવી. તેમાં તેને જેટલી માહિતી રેનાના કેસ બાબતે મળી હતી એ બધી લખી રાખી હતી. હવે સમય હતો કે બાકીનું બધું રેના પાસેથી જાણવાનો. 
         "રેના, આ વિકી તો તારી લાઈફમાંથી કોલેજના સમયમાં જ ડિલીટ થઈ ગયો હતો ને? તો શું તું એને રિસાયકલબિનમાંથી ફરી શોધી લાવી?" હેપ્પી નેણ ઊંચા કરીને બોલી.
          "અરે વાયરસ જેવો નીકળો યાર. મારી લાઈફમાં એની જાતે જ ટપકી પડ્યો. હું તને આખી વાત વિસ્તારથી કહી છું." આમ કહી રેના ફરી ભૂતકાળમાં સરી પડી.
                                ( ક્રમશઃ)
કેવી રીતે વિકી આવ્યો ફરી રેનાની લાઈફમાં?
ફરી મળી ગઈ છે હેપ્પી રેનાની જોડી, રંગ તો જામશે જ. તો જોડાયેલા રહેજો મિત્રો હેપ્પી અને રેના સાથે.