અંતરિક્ષની આરપાર એપિસોડ - 1
ઝીંદગી સે બડી કોઈ સજા હિ નહીં હૈ, ઇલ્ઝામ ક્યાં હે યે પતા હિ નહીં હે.
મુદ્રા ઈંફોર્ટ એટલે અમદાવાદનું જાણીતું નામ, અમદાવાદના ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં શીરસ્થ નામ એટલે મોહનભાઇ પટેલ પોતે કમ્પ્યુટર & ટેક્નોલોજી ઉદ્યોગમાં ખુબ જ નામચીન વ્યક્તિત્વ. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 200 કરોડ જેટલી હતી તેમના પરિવારમાં પત્ની વાસુકી બહેન અને પુત્ર માતંગ ખુબ નાનુ અને સુખી કુટુંબ માતંગ સોફ્ટવેર એન્જીનીયરીંગ પૂર્ણ કરી પિતાના વ્યવસાયમાં જોડાયો હતો
. દેખાવમાં ખુબ ઊંચો અને સોહામણો એકદમ રાજાના કુંવર જેવો. બધુ જ સુખ હોવાં છતાં તેમના જીવનની એક મોટી સમસ્યા એ હતી કે તેમના દીકરાની સગાઇ થતી ન હતી વાત નક્કી થાય, અરે સગાઇનું મુહર્ત નક્કી થાય અને છેલ્લી ઘડીએ વાત બગડી જાય આવુ ને આવુ સતત એક વર્ષથી ચાલી રહ્યું હતું. કોઈ આ માનવા કે સમજવા તૈયાર ન હતું કે આવુ કંઈ રીતે શક્ય બને ? સૌને આશ્ચર્ય થતો ! એક અતિ ધનવાન પિતાના પુત્ર કે જે વેલ એજ્યુકેટેડ છે તેની સગાઇમાં એટલા પ્રશ્નો કેમ ? જેના પિતા પાસે સારા સારા વ્યક્તિઓ સલાહ લેવા આવે અને પ્રશ્નોનું સમાધાન મેળવે એમના પુત્રનું જીવન કેમ સંસારની અતિ મહત્વની બાબતમાં ફસાયેલું છે ? મોહનભાઇ અને વાસુકી બહેન પુત્રની ખુબ જ ચિંતા કરતા હતા. વાસુકી બહેન તો રડી રડીને અડધા થઈ ગયા હતા. તું ચિંતા નહીં કર ઈશ્વર જે કરશે જયારે કરશે ત્યારે ચોક્કસ સારું કરશે. આપણા દીકરાના ભાગ્યમાં સંસાર સુખ મોડું લખ્યું હશે તો મોડું પણ ઈશ્વર ચોક્કસ આપશે જ. આમ કહી મોહનભાઇ એમને હિંમત આપતા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.એક દિવસ મોહનભાઇ પોતાની ચેમ્બરમાં બેસી ફોન પર વાતચીત કરી રહ્યા હતા. સામેથી અવાજ આવ્યો જય શ્રી કૃષ્ણ મોહનભાઇ નારાયણ પટેલ બોલું છું. જય શ્રી કૃષ્ણ નારાયણભાઈ કેમ છો મજામાં ? બસ મજામાં તમે બધા કેમ છો મોહનભાઇ હમણાં સુરત આવવાના છો ? જો આવવાના હોય તો ચોક્કસ ઘરે પધારશો એ પણ સહ પરિવાર.ચોક્કસ આવીશું પણ હમણાં આવવાનું થયું નથી. બોલો મોહનભાઇ શું ચાલે છે બીજું બધુ કુશળ મંગળને ? આમ તો ભગવાનની અપાર દયા છે નારાયણભાઈ પણ .....પણ શું મોહનભાઇ વાત તો કરો હું ક્યાં બહારનો છું? આપણે તો કુટુંબના સભ્યોની જેમ વર્ષોથી રહીએ છીએ. આપણી વચ્ચે ક્યાં કદી કંઈ ખાનગી રહ્યું છે? વાત બરાબર છે તમારી નારાયણભાઈ હા તો પછી કહોને મોહનભાઇ મારો દીકરો સોફ્ટવેર એન્જીનીયર છે, લાખો રૂપિયાના પેકેજને એણે જતા કરી ઘરના વ્યવસાયમાં તેણે જોડાવવાનું નક્કી કર્યું. તે કેટલો સોહામણો હોશિયાર અને ખુબ જ સંસ્કારી છે એ તો તમે જાણો જ છો. હા મોહનભાઇ તમારો માતંગ તો ખુબ જ ડાહ્યો છે એ આજકાલના છોકરાઓ જેવો નથી એક અમીર પિતાનો પુત્ર છે છતાં તે સ્વભાવથી સરળ અને સંસ્કારી છે .નારાયણભાઈ મારા દીકરા વિશે કેટલીય જગ્યાએ વાત ચલાવી છે અમુક વાર એકદમ ફિક્સ થઈ જાય અને પછી વાત બગડી જાય છે. આ વખતે તો સગાઇનું મુહર્ત પણ નક્કી થઈ ગયું હતું અને સગાઇના બે દિવસ અગાઉ બધુ જ કેન્સલ થયું. મોહનભાઇ સાચું કહું તો અત્યારે ઘણા પરિબળો આ માટે જવાબદાર હોઈ શકે, પણ તમારી વાત અલગ છે. છતાં હું તમને એક પ્રશ્ન પૂછું મોહનભાઇ જો તમેં અનુકૂળતા માનો તો?બોલોને નારાયણભાઈ ...મોહનભાઇ તમે માતંગની જન્મ કુંડળી મહારાજ પાસે જોવડાવી કે બનાવડાવાવી છે ? ના હૉ નારાયણભાઈ અમે આ બાબતમાં નથી માનતા મારા લગ્ન વખતે મારા પપ્પાએ પણ મારી કુંડળી કોઈ જ્યોતિષીને બતાવી ન હતી. આમ છતાં અમારા લગ્ન જીવનને 30 વર્ષ થયા અમારા જીવનમાં કંઈ જ તકલીફ નથી. ભલે તમારી વાત સો ટકા સાચી મોહનભાઇ પણ દરેક વ્યક્તિને એક જ બાબત લાગુ પડે એવુ ન હોય શકે. તમારા અને ભાભીના ગ્રહોની દશા વ્યવસ્થિત હોય તો કદાચ તમારા લગ્ન જીવનમાં કંઈ તકલીફ ન આવે પણ માતંગ સાથે પણ આવુ જ બને એવુ તમે કંઈ રીતે અનુમાન કરી શકો? તમે શું કહેવા ઈચ્છો છો નારાયણભાઈ ? મારું કહેવું માત્ર એટલું જ છે કે તમે માનો છો કે નથી માનતા આ પછીની બાબત છે પણ નિયમ મુજબ તમે એકવાર માતંગની કુંડળી જ્યોતિષી પાસે ચેક કરાવી લો પછી વિધાન કરવું કે ન કરવું તમારી ઈચ્છા, કદાચ તમારા પ્રશ્નનું સમાધાન તમને મળી જાય. આમ તો અમે આ બાબતને માનતા નથી છતાં મને તમારી વાતમાં તથ્ય લાગે છે હું આજે જ અમારા મહારાજને ઘરે તેડાવી અને માતંગની કુંડળી બતાવી દઈશ અને શક્ય હશે તો તેમના મત મુજબ જે વિધિ વિધાન કરવા પડે એ કરી દઈશ. ભલે આભાર નારાયણભાઈ .સારું મોહનભાઇ હવે મુકું બીજું કંઈ કામકાજ હોય મારા લાયક તો ચોક્કસ કહેશો જરૂર નારાયણભાઈ જય શ્રી કૃષ્ણ મળીએ પછી. જય શ્રી કૃષ્ણ મોહનભાઇ મોહનભાઇ આખો દિવસ આ વાત પર વિચાર કરે છે. સાંજે 8:00 વાગ્યે તેઓ ઘરે આવે છે. આવી ગયા તમે માતંગ પણ આવી ગયો છે તમે ફ્રેશ થઈ જાવ એટલે પછી જમી લઈએ. વાસુકી બહેન બોલ્યા...ઠીક છે. થોડીવાર બાદ ત્રણેય જણા જમવા માટે ડાયનીંગ ટેબલ પર ગોઠવાય છે.વાસુકી બહેન અને મોહનભાઇ માતંગના ચહેરા તરફ જુએ છે તેના ચહેરા પર હતાશાની રેખા ચોખ્ખી નજરે ચડતી હતી. આ જોઇ બંને પતિ પત્ની મનમાં ખુબ વિલાપ કરે છે. માતંગ થોડીવાર બાદ જમીને પોતાના રૂમમાં જતો રહે છે. તમે કંઈક કરો મારો દીકરો એટલો નિરાશ રહે એ મને નથી ગમતું વાસુકી બહેન બોલ્યા. આજે સવારે નારાયણભાઈનો ફોન હતો કોણ પેલા સુરત વાળા તમારા મિત્ર ? હા એ એમને મેં બધી વાત કરી તો એમણે કહ્યું કે તમે જ્યોતિષી પાસે માતંગની કુંડળી ચેક કરવો એનાથી સમાધાન મળી શકે.. પણ તમે તો એ બાબતમાં ક્યાં માનો છો ? હા વાસુકી તારી વાત સાચી પણ આપણા દીકરાના સુખ માટે જો આપણે આ કરવું પડે તો એ પણ કરીશું. મારા જીવનના કોઈ નિયમો મારા માટે મારા દીકરાથી વધુ નથી. હું કાલે જ સતિષ મહારાજને ઘરે બોલાવી લઉં છું. ઠીક છે કાલે આમ પણ રવિવાર છે. એમને બોલાવી જ લો. મોહનભાઇ મહારાજને ફોન કરે છે. જય અંબે મોહનભાઇ કેમ છો મજામાં ? જય અંબે પ્રણામ મહારાજ મજામાં આપ કેમ છો ? બસ આનંદ છે. બોલો બોલો મારા લાયક શું કામ છે ? મહારાજ કાલે તમે ફ્રી છો ? ના કાલે બોપોર સુધી તો હું યજ્ઞમાં જવાનો છું સાંજે ફ્રી હોઈશ. મહારાજ તમે કાલે ઘરે આવી શકશો ખરા ? શું હતું મોહનભાઇ બોલો ને ? મારા દીકરા માતંગની કુંડળી વિશે થોડી વાતચીત કરવી છે. ચોક્કસ મોહનભાઇ હું કાલે સાંજે તમારા ઘરે આવુ છું. બધી જ વાત કરી લઈએ. ઠીક છે મહારાજ પણ માતંગની જરૂર ખરી ? આમ તો એ હાજર હોય તો સારુ મોહનભાઇ. ઠીક છે હું એને કહી દઈશ. એ કાલે ઘરે જ રહેશે. જય અંબે મહારાજજય અંબે મોહનભાઇ વાસુકી મહારાજે કાલે સાંજે આવવાનું કહ્યું છે. અને માતંગને પણ ઘરે રહેવાનું કહ્યું છે. તું કાલે જમવાનું બનાવી દેજે રાત્રે મહારાજને જમાડી અને પછી જ મોકલશું. ઠીક છે. સાંજે ચા નાસ્તો પણ કરાવી દઈશું. બીજા દિવસે સાંજે 5:00 વાગ્યે મહારાજ ઘરે આવે છે. આવો આવો મહારાજ જય અંબે જય અંબે મોહનભાઇ વાસુકી બહેન બધુ જ કુશળ મંગળ છે ને ? બસ તમારા અને માતાજીના આશીર્વાદથી બધુ જ બરાબર છે. પછી વાસુકી બહેન ચા નાસ્તો લાવે છે. મહારાજને આગ્રહ પૂર્વક ચા નાસ્તો કરાવે છે. થોડીવાર બાદ... હવે બોલો શું વાત છે મોહનભાઇ ? મહારાજ માતંગ સોફ્ટવેર એન્જીનીયર છે. અને તમે તો જાણો છો કે અમારું કુટુંબ કેટલું સુખી છે ? છતાં છેલ્લા ઘણા સમયથી એક સમસ્યા મારા જીવન પર હાવી બની ગઈ છે. એ શું મોહનભાઇ ? મહારાજ બોલ્યા. મારા માતંગની સગાઇ નક્કી થાય છે અને તૂટી જાય છે. હમણાં છેલ્લે તો સગાઇનું મુહર્ત નક્કી થઈ ગયું હતું અને છેલ્લા સમયે વાત અટકી ગઈ. તમે તો જાણો જ છો મેં માતંગની કુંડળી ક્યારેય બનાવડાવી નથી. પણ મને એવુ લાગે છે કે કદાચ એની કુંડળી ચેક કરાવી લેવી જોઈએ આ વિશે મને મારા મિત્ર નારાયણભાઈએ સૂચન કર્યું. વાત બરાબર છે મોહનભાઇ તો માતંગને બોલાવી લો. પછી વાસુકી બહેન માતંગને બોલાવે છે. માતંગ આવી મહારાજને પ્રણામ કરી સોફા પર ગોઠવાઈ જાય છે. મોહનભાઇ મને માતંગના જન્મની તમામ વિગત લખી આપો હું જોઇ અને કાલે સાંજે જવાબ આપીશ. ઠીક છે. પછી મોહનભાઇ માતંગના જન્મની વિગત મહારાજને કાગળમાં લખી આપે છે. ભલે મોહનભાઇ હું રજા લઉં. એમ ન ચાલે મહારાજ આજે જમ્યા વિના નહીં જવાય. વાસુકી બહેન બોલ્યા...વાસુકી બહેન જમવાનું ફરીવાર પણ આ વખતે રહેવા દ્યો.ના ના મહારાજ એમ ના ચાલે જમવું તો પડશે જ. પછી બધાના આગ્રહને માન આપી મહારાજ જમવા બેસે છે. ત્યારબાદ મહારાજ ઘરે જાય છે. જય અંબે મોહનભાઇ હું કાલે ફોન કરું. ઠીક છે મહારાજ જય અંબે. બીજા દિવસે સવારે લલિતભાઈ સાવલિયાનો ફોન આવે છે. બોલો બોલો લલિતભાઈ કેમ છો ? બસ મજામાં મોહનભાઇ કેમ છો ? બસ મજામાં એક વાત કરવી છે તમારી સાથે. બોલોને લલિતભાઈ. તમે તો જાણો છો કે આપણા સંબંધો ઘણા જૂના છે. હા એ સાચી વાત. મારો અને વિભાનો વિચાર છે કે આપણા સંબંધમાં વધારો થાય તો "સોનામાં સુગંધ ભળે" હું કંઈ સમજ્યો નહીં લલિતભાઈ મારી દીકરી સ્નેહલ M.B.A. કરેલી છે અને તમારો માતંગ સોફ્ટવેર એન્જીનીયર છે. બંને એકબીજાને સારી રીતે જાણે છે, સમજે છે. તો સ્નેહલ અને માતંગ એકબીજાના જીવન સાથી બને તો આપણા સંબંધો વિશેષ આકાર લેશે. તમે વાસુકી ભાભી સાથે વાત કરી લેશો મારે જવાબની ઉતાવળ નથી પણ મારી ઈચ્છા એવી છે કે મારી દીકરી તમારા આંગણાની શોભા બને. તમે કહેશો એટલે હું સ્નેહલની કુંડળી મોકલી આપીશ. આ સાંભળી મોહનભાઇ ગદગદ થઈ જાય છે. તેમનો હરખ સમાતો નથી તેમની આંખોમાં આંસુ આવી જાય છે. તેઓ ફોન પૂરો થયા પછી વાસુકી બહેનને જોરથી બુમ પાડે છે. ઝડપથી બહાર આવ એક સારા સમાચાર આપવા છે તને. વાસુકી બહેન બોલો તમે એટલા બધા ખુશ છો શું વાત છે ? લલિતભાઈનો ફોન હતો રાજકોટથી તે એમની દીકરી સ્નેહલનો હાથ આપણા માતંગના હાથમા આપવા ઈચ્છે છે. આ તો બહુ સારા સમાચાર છે હું કાલે જ લલિતભાઈ પાસે કુંડળી મંગાવી લઉં છું. બીજા દિવસે મોહનભાઇ લલિતભાઈ પાસે સ્નેહલની કુંડળી વોટ્સએપ પર મંગાવી લે છે. મોહનભાઇ મહારાજને ફોન કરી બધી વાત જણાવે છે. ઠીક છે મોહનભાઇ તમે કન્યાની કુંડળી મને મોકલી દેશો હું સાંજે ફોન કરીશ. ત્યારબાદ સ્નેહલની કુંડળી મોહનભાઇ મહારાજને મોકલી આપે છે. બીજા દિવસે સાંજે સતિષ મહારાજનો ફોન આવે છે. જય અંબે મોહનભાઇ, જય અંબે મહારાજ કેમ છો ? મજામાં બસ મજામાં. મેં કુંડળીઓ જોઇ લીધી છે. માતંગની કુંડળીમાં શ્રાપિત દોષ છે શ્રાપિત દોષ એટલે શું મહારાજ ? મોહનભાઇ શ્રાપિત દોષ એટલે તમારા કોઈ પૂર્વ જ થી કોઈ ભૂલ કે કોઈ અજાણતા પાપ થયું હોય જેથી બીજા કોઈ કે જેને પીડા થઈ હોય તેની હાય અથવા તેનો શ્રાપ લાગ્યો હોય તેને શ્રાપિત દોષ કહે છે. એનું નિદાન છે એટલે ચિંતા જેવું નથી.પણ મહારાજ કંઈ રીતે આ હું માનવા તૈયાર નથી મારા લગ્નમાં આવા પ્રશ્નો થયા નથી. એ એટલા માટે મોહનભાઇ કે તમે કુંડળી ચેક નથી કરાવી અને તમારા મેળાપક ઈશ્વરે જ યોગ્ય રીતે નક્કી કર્યા હોય પણ દરેકની કુંડળી એક સરખી હોતી નથી. બીજું કે બંને કદી નિરાંતે નહીં રહે શકે માતંગની કુંડળીમાં શનિની મહાદશા છે. છતાં જો તમે એમ કહેતા હોય કે તમને કોઈ તકલીફ નથી તો હું કહું એ વિધાન કરાવી અને લગ્ન કરી શકો છો. બંનેને ષડાષ્ટક છે. ગોચરના ગ્રહો બરાબર નથી એટલે લગ્ન જીવન લાબું નહીં ટકે કોઈપણ એક અથવા બંને એ સમાધાન પૂર્વક જીવવું પડે. માત્ર આ એક યોગ જ નહીં બીજા કોઈપણ પ્રકારની તકલીફ જન્મ કુંડળી કે લગ્ન કુંડળીમાં હોય તો ધારો કે તેનું નિદાન કર્યા પછી પણ અમુક તકલીફો શરૂ જ રહે છે. તેના ઘણા દાખલા તમને સમાજમાં જોવા મળશે. હું બહારનું નહિ હું તમને તમારી નજીકમાં જ એક દાખલો કહું તો તમારી બાજુની સોસાયટીમાં રહેતા મનુભાઈ મહેતાને તમે ઓળખો છો ને ? હા મહારાજ મોહનભાઇ બોલ્યા. એમના દીકરાને શ્રાપિત દોષ હતો લગ્નમાં ખુબ જ ધૂમધામ કરી પણ 1 મહિના બાદ જ તેના છુટાછેડા થઈ ગયા. તેમણે પણ વિધિ વિધાન કરાવ્યા હતા. છતાં વિધાન હું તમને જણાવી દઉં છું. તમે કરાવી લો આગળ ઈશ્વર ઈચ્છા બળવાન.ઠીક છે જોઈએ. પછી મોહનભાઇ વિધાન જાણી લે છે. ભલે મહારાજ હું તમને પછી બધુ જ નક્કી થાય એટલે ફોન કરું જય અંબે.ત્યારબાદ મોહનભાઇ લલિતભાઈને પોતાના ઘરે બોલાવે છે અને બધી વાત કરે છે. માતંગ, સ્નેહલ અને તેમના મમ્મી પપ્પા ચાર જણાની મંત્રણા આ વિષય પર ચર્ચા કરે છે. અંતે વિધાન કરાવવું છે એ ખરડૉ પૂર્ણ બહુમતીથી પસાર થાય છે. બધા વિધિ વિધાન મંદિરમાં બ્રામ્હણ દેવ કરાવી આપે છે. પછી મોહનભાઇ મહારાજને ફોન કરે છે. જય અંબે મહારાજઅમેં બધા જ વિધાન કરાવી લીધા છે. હું ફરી કહું છું મોહનભાઇ લગ્ન જીવન નહીં ટકે. છતાં ચાલી જાય તો ઈશ્વરની કૃપા.બધી વાતચિતના અંતે લગ્ન નક્કી થાય છે. મુહર્ત કઢાવવામાં આવે છે. માગસર સુદ એકમના દિવસે લગ્ન નક્કી થાય છે. શુભ ચોઘડિયામાં સગા સંબંધી ઇષ્ટ મિત્રોના આશીર્વાદ અને શુભકામના વચ્ચે વિવાહ પૂર્ણ થાય છે. મોહનભાઇ વિધિનું વિધાન કોઈ ટાળી ન શકે. સતિષ મહારાજ બોલ્યા છતાં મારી શુભકામના તમારી સાથે છે. જય અંબે.નવ દંપતી ઘરે આવે છે. ધીમે ધીમે સમય પસાર થાય છે. બધુ જ શાંતિથી ચાલતું હોય છે. એક દિવસ માતંગ ઓફિસમાં પડી જાય છે અને બેભાન થઈ જાય છે. મોહનભાઇ તેને જોઇ લે છે અને તરત જ સ્ટાફને કહી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. થોડીવાર બાદ ડોક્ટર મોહનભાઇ પાસે આવી તેમને કહે છે કે માતંગને બ્રેઈન ટ્યુમર છે. તેની પાસે હવે થોડો સમય જ છે. આ સાંભળી સૌ અવાક બની જાય છે ભાંગી પડે છે. સ્નેહલ દોડી માતંગ પાસે જાય છે. તેનો હાથ પકડી લે છે. સ્નેહલ તું રડીશ નહીં. જો હું જાઉં છું તું તારા અને મારા પરિવારનું ઘ્યાન રાખજે આપણી વચ્ચેની લેણદેણ પુરી થઈ તે ખુબ જ ટૂંકા ગાળાની હશે. તું બીજા લગ્ન કરી લેજે તારી ઉંમર નાની છે આજીવન વિધવા ન રહેતી. નહીં મારા જીવનમાં તમે જ મારું સૌભાગ્ય હતા અને તમે જ રહેશો ના તું બીજા લગ્ન કરી સુખેથી રહેજે તો મારા આત્માને શાંતિ થશે. મારો આવતો જન્મ થાય તો તું જ મારી પત્ની બને એવી હું ભગવાન પ્રાર્થના કરું છું. આટલુ બોલતા તે સ્નેહલનો હાથ છોડી દે છે. વાતાવરણ શોકગ્રસ્ત ગમગીન બની જાય છે. સ્નેહલના હાથની મહેંદી ઝાંખી ન થઈ એ પહેલા જ ઈશ્વરે તેનું જીવન ઝાંખું કરી દીધું. સૌ ભીની આંખે માતંગને વસમી વિદાય આપે છે. દીકરાની અણધારી વિદાયથી માતા પિતાને આઘાત લાગે છે.
કથાબીજ - શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ ત્રિવેદી
આલેખન - જય પંડ્યા