Bhartiy Cinemana Amulya Ratn - 1 in Gujarati Film Reviews by Anwar Diwan books and stories PDF | ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 1

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 1

ચેતન આનંદની હીર :પ્રિયા રાજવંશ

પ્રિયા રાજવંશ હિન્દી ફિલ્મોની કેટલીક એવી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી જેની પડદા પરની હાજરી દરેક દર્શકને રોમાંચિત કરી મુકતી હતી. મીનાકુમારી, વહીદા રહેમાન, સાધના અને મધુબાલા જેવી સૌંદર્યની પ્રતિમા સમાન અભિનેત્રીઓમાં પ્રિયારાજવંશે અલગ જ ઓળખ જમાવી હતી તે ચેતન આનંદની મોટાભાગની ફિલ્મોમાં ચમકી હતી અને ચેતને મોટાભાગે ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યુ હોવાને કારણે પ્રિયા પણ ઝડપથી દર્શકોમા લોકપ્રિય બની ગઇ હતી. ચેતન આનંદ દેવ આનંદનાં ભાઇ હતા અને તેમણે જ દેવ આનંદને ફિલ્મોમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા જ્યારે દેવ આનંદ ફિલ્મોમાં પ્રવેશ્યા ત્યારે એક ઉત્તમ દિગ્દર્શક તરીકે તેઓ કાઠુ કાઢી ચુક્યા હતા અને દેવ સાથે પણ તેમણે ઘણી ઉત્તમ ફિલ્મો બનાવી હતી જો કે હકીકત અને હીરરાંજા જેવી ફિલ્મોથી તે વધારે ખ્યાત બન્યા હતા.પ્રિયા રાજવંશ ફિલ્મ ડાયરેક્ટર ચેતન આનંદના સહયાત્રિ હતી.બંને જીવનભર સાથે રહ્યાં હતા.આ એક એવી જોડી હતી જે લગ્ન વિના જ સંબંધો અને લાગણીઓનાં અતુટ તારથી સાથે જોડાયેલા રહ્યાં હતા. વી.શાંતારામ અને સંધ્યા જે રીતે એક સાથે રહ્યાં હતાં એ જ રીતે પ્રિયા રાજવંશ અને ચેતનને પણ ક્યારેય લગ્નની જરૂરિયાત જણાઇ ન હતી. તેઓ લીવ ઇન રિલેશનશીપથી જ જોડાયેલા રહ્યાં હતા.

પ્રિયાનો જન્મ શિમલામાં થયો હતો તેનું બાળપણનું નામ વીરા હતું. તેમનાં પિતા સુંદરસિંહ વન વિભાગનાં કન્ઝર્વેટર હતા.પ્રિયાએ શાળા અને કોલેજનો અભ્યાસ શિમલામાં પુરો કર્યો હતો. અભ્યાસ દરમિયાન જ ઘણાં અંગ્રેજી નાટકોમાં કામ કર્યુ હતું. યુવાન વય થતા સુધીમાં તો તેની ખુબસુરતીની ચર્ચાઓ થવા માંડી હતી તીખા નયન નક્શ અને લાંબા કદ અને લાંબા લહેરાતા વાળને જોતાં લોકોને તેનામાં હોલિવુડની ગ્રેટા ગાર્બોની ઝલક જણાતી હતી. તે એટલી સંસ્કારી હતી કે તેનું નામ માત્ર ચેતન આનંદ સાથેના વિવાદ સિવાય કોઇ અન્ય સાથે ક્યારેય જોડાયું ન હતું અને તે હંમેશા મિતભાષી અને મૃદુ રહી હતી. જ્યારે તેમનાં પિતાને સંયુક્ત રાષ્ટ્રસંઘ તરફથી બ્રિટન મોકલવામાં આવ્યા ત્યારે લંડનની પ્રતિષ્ઠિત સંસ્થા રોયલ અકાદમી ઓફ ડ્રામેટીક આર્ટમાં પ્રિયાને પ્રવેશ મળ્યો હતો.આ સંસ્થામાં તેને ફિલ્મો તરફ રૂચિ વધી હતી.જો કે પ્રિયાએ ક્યારેય ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે કોઇ પ્રયાસ કર્યો ન હતો.જ્યારે તે બાવીસ વર્ષની હતી ત્યારે લંડનનાં એક ફોટોગ્રાફરે તેની તસ્વીર લીધી હતી જે ભારત પહોંચી હતી અને ચેતન આનંદે જ્યારે આ તસ્વીર પોતાનાં મિત્રને ઘેર જોઇ ત્યારે તે આ તસ્વીર જોઇને જ પ્રિયાનાં પ્રેમમાં પડી ગયા હતા. ત્યારે ચેતન પોતાની નવી ફિલ્મમાં એક ચહેરાની તલાશમાં હતા. ૨૦ ઓકટોબર ૧૯૬૨માં જ્યારે ચીને ભારત પર હુમલો કર્યો  ત્યારે ભારતીય સેનાને પીછે હટ કરવી પડી હતી. આ થીમ પર ચેતન આનંદે ફિલ્મ હકીકત બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે  આ ફિલ્મ માટે પ્રિયા પર પસંદગી ઉતારી હતી.

નાટકોમાં જ્યારે પ્રિયા કોલેજકાળમાં હતી ત્યારે અભિનય કર્યો હતો પણ ત્યારે તેને હિન્દી ફિલ્મોમાં નાયિકા તરીકે કામ કરવાની ઓફર મળશે તેવી કોઇ કલ્પના પણ ન હતી.હિન્દી ફિલ્મોનું આકર્ષણ એટલું જબરજસ્ત છે કે લોકો ત્યારે પણ ફિલ્મોમાં અભિનેતા કે અભિનેત્રી બનવા માટે ઘરેથી નિકળી પડતા હતા અને કેટલાક આવીને અહી સંઘર્ષ કરતા હતા અને તેમને ભાગ્ય સાથ આપે તો ફિલ્મોમાં કામ કરવા મળતું હતું પણ  પ્રિયા માટે તો આ તક સામે ચાલીને આવી હતી તેણે કોઇ પ્રયાસ કર્યો ન હતો અને તેને એવી ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ જેને આજે પણ ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે.આ પહેલા કોઇપણ દિગ્દર્શકે તત્કાલિન યુદ્ધની કથા પરથી ફિલ્મ બનાવવાનું સાહસ ખેડ્યું ન હતું અને ચેતને તેની તૈયારી કરી હતી. આ ફિલ્મનાં નિર્માણકાળ દરમિયાન પ્રિયાએ ચેતનને દરેક રીતે મદદ કરી હતી. સંવાદ લેખનથી માંડીને સંપાદન સુધીની કામગિરીમાં પ્રિયાએ ચેતનને સાથ આપ્યો હતો. આ એ ગાળો હતો જ્યારે ચેતન પણ  લાગણીનાં સ્તરે એક હુંફ અને સહારાની જરૂરિયાતનો અનુભવ કરતા હતા ત્યારેજ તેમની પત્ની સાથે તેમના છુટાછેડા થયા હતા. તેવામાં પ્રિયા અને ચેતન એકેલે હમ અકેલે તુમની સ્ટાઇલમાં મળ્યા અને જીવન ભર લાગણીનાં એ તંતુ સાથે જોડાયેલા રહ્યાં હતા.બન્ને સાથે રહ્યાં પણ ક્યારેય તેમને લગ્ન કરવાની જરૂરિયાત જણાઇ ન હતી કારણકે તે માટે તેમને ક્યારેય સમય જ મળ્યો ન હતો.આમ તો આ વયની રીતે કજોડુ હતુંકારણકે પ્રિયા અને ચેતનની વયમાં લગભગ બાવીસ  વર્ષનો તફાવત હતો પણ લાગણીએ આ અંતરને પણ મિટાવી દીધું હતું.

હકીકત બાદ પ્રિયાની બીજી ફિલ્મ ૧૯૭૦માં આવેલી હીર રાંઝા હતી. આ ફિલ્મમાં પણ ચેતને એક અલગ જ પ્રયોગ કર્યો હતો આ ફિલ્મનાં મોટાભાગનાં સંવાદો પદ્યમાં લખાયેલા હતા. આ ફિલ્મનાં ગીત સંવાદ કૈફી આઝમીએ લખ્યા હતા.ત્યારે સુપર સ્ટારની હેસિયત ધરાવતા રાજકુમારે આ ફિલ્મમાં રાંઝાની ભૂમિકા ભઝવી હતી.આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હીટ રહી હતી. ત્યારબાદ તો  એક ટ્રેડમાર્ક એ રહ્યો કે ચેતને પ્રિયા સિવાય અન્ય કોઇ અભિનેત્રીને પોતાની ફિલ્મમાં સ્થાન આપ્યું જ ન હતું તેમની મુખ્ય અભિનેત્રી તરીકે  પ્રિયા જ તેમની ફિલ્મોમાં છવાયેલી રહી હતી.આમ અસલ જીવનમાં પ્રિયા રાજવંશ ચેતનની હીર હતી. એવું નથી કે પ્રિયાને ત્યારે અન્ય બેનર તરફથી કોઇ ઓફર મળી ન હતી પણ પ્રિયાએ ક્યારેય ચેતન સિવાય અન્ય સાથે કામ કરવાનો વિચાર જ કર્યો ન હતો.આથી જ તે સફળ અભિનેત્રી હોવા છતા તેની ફિલ્મો ઓછી છે તેણે હકીકત અને હીરરાંઝા સિવાય  હિન્દુસ્તાન કી કસમ, હંસતે ઝખ્મ, સાહેબ બહાદુર, કુદરત અને હાથો કી લકીરેમાં કામ કર્યુ હતું.પ્રિયાની ફિલ્મી સફરનો આરંભ ૧૯૬૪માં શરૂ થયો અને બાવીસ વર્ષ બાદ ૧૯૮૬માં તેના પર પુર્ણ વિરામ લાગ્યો હતો. તે પોતાની સુંદરતા અને વ્યવહારને કારણે હંમેશા લોકપ્રિય રહી હતી. પહેલા તે અને ચેતન આનંદ સાથે જ રહેતા હતા ત્યારબાદ તેમણે પોતાનો અલગ બંગલો લીધો હતો.દિવસમાં તે બે વખત ચેતનને મળવા જતી અને તેઓ ભોજન સાથે જ કરતા હતા. બંને પતિ પત્નીની જેમ જ રહેતા હતા અને તેમનાં પણ ઝઘડાઓ થતા અને ફરી મેળાપ થતો હતો. આ બધુ એટલું સ્વાભાવિક રીતે થતું હતું કે બન્નેની નજીક રહેનાર લોકોને ક્યારેય એ અનુભવ જ થયો ન હતો કે તેમણે ક્યારેય લગ્ન કર્યા ન હતા.૧૯૯૭માં ચેતનનું મોત થયું અને પ્રિયા એકલી પડી ગઇ.મોટો બંગલો સંપત્તિની વધતી જતી કિંમતોને કારણે કિંમતી થઇ ગયો હતો. ચેતન આનંદની પહેલી પત્નીનાં પુત્રો કેતન આનંદ, વિવેક આનંદ, નોકર માલા અને અશોકે સાથે મળીને લાલચમાં આવીને ૨૭ માર્ચ ૨૦૦૦માં ક્રુરતાપુર્વક હત્યા કરી હતી. ચારેયને આજીવન કારાવાસની સજા થઇ હતી અને એક ઝગમગતા સિતારાનો અકાળે અંત આવ્યો હતો. થોડા વર્ષ બાદ કેતન આનંદની એક પુસ્તક ચેતન આનંદના જીવન પર પ્રસિદ્ધ થઇ હતી જેમાં તમામ અધ્યાયનો સમાવેશ કરાયો હતો પણ નવાઇની વાત એ છે કે ચેતન સાથે અંત સુધી જોડાયેલ પ્રિયાનો ઉલ્લેખ નામમાત્રનો છે.બોલીવુડનો આ અમાનવીય ચહેરો ક્યારેય કોઇનો પ્રિય રહ્યો ન હતો.

પ્રદીપ કુમાર : રૂપેરી પરદા પરનાં અસલ પ્રિન્સ

અત્યારે તો પિરિયોડીકલ કે ઐતિહાસ ફિલ્મો બનતી નથી પણ એક સમય એવો હતો જ્યારે આ પ્રકારની ફિલ્મો વધારે પ્રમાણમાં બનતી ત્યારે પૃથ્વીરાજ કપુર, સોહરાબ મોદી અને પ્રદીપકુમાર જેવા કલાકારો પડદા પર રાજા મહારાજાઓને આબેહુબ ચરિતાર્થ કરતા હતા.‘સમ્રાટ અશોક’ કે ‘શાહજાદા સલીમ’ જેવા ઐતિહાસિક પાત્રોને હિન્દી પડદા ઉપર લઈ આવવા કોઈ નિર્માતા વિચાર કરે તો એક જમાનામાં જેમનું નામ સૌ પ્રથમ લેવાતું એવા વિતેલાં વર્ષોના અદાકાર પ્રદીપકુમાર.૧૯૨૫ની ચોથી જાન્યુઆરીએ જન્મેલા પ્રદીપ કુમાર ૨૦૦૧માં ૨૭મી ઓક્ટોબરે વિદાય લઇ ગયા હતા. જૂની ફિલ્મોના પ્રેમીઓના દિમાગમાં તેમની ‘અનારકલી’ અને ‘તાજમહલ’ જેવી કેટલીય ઐતિહાસિક વાર્તાવસ્તુવાળી ફિલ્મોનાં નામો-ગીતો ગુંજી ઉઠ્યાં હશે. જેમ ઇફ્‌તેખારને કે જગદીશ રાજને તમે પોલીસ અધિકારી સિવાયના કોઈ પાત્રમાં ઝટ બંધ બેસાડી ના શકો એ જ રીતે પ્રદીપકુમારને પણ રજવાડી ઠાઠમાં અથવા ગર્ભશ્રીમંતના પાત્રમાં જ કલ્પી શકો એવી તેમની પર્સનાલીટી હતી. ફિલ્મ ઉદ્યોગમાં એક કહેવત બહુ જાણીતી હતી, ‘‘નાના પલશીકર કદી અમીર ના બની શકે અને પ્રદીપકુમાર ક્યારેય ગરીબ તરીકે ના ચાલે !’’ (ઇંગ્લીશમાં એરીસ્ટોક્રેટ કહેવાય એવા વ્યક્તિત્વવાળા પ્રદીપકુમારના નામે એક એવી દંતકથા પણ જાણીતી છે કે એકાદ અપવાદરૂપ ફિલ્મમાં ગરીબ બનવાનો વારો આવ્યો, ત્યારે પણ પ્રદીપકુમારે રેશ્મી ઝભ્ભાની માગણી કરી હતી.)

પ્રદીપકુમારના પિતાજી કલકત્તાના કલેક્ટર હતા અને તેમની ઇચ્છા (આજ્ઞા) મુજબ જ જો એ આગળ વઘ્યા હોત તો એક્ટર તો બન્યા જ ના હોત. ઘણા ઓછાને ખબર હશે પણ ‘પ્રદીપકુમાર’ એ તેમનું અસલી નામ નહોતું. ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સત્યેન્દ્ર બોતોબેલના પુત્ર એવા ‘પ્રદીપ’નું મૂળ નામ ‘શીતલદાસ’ હતું ! તેમના કુટુંબમાં એક નજીકના સગા એક્ટર બનવા માગતા હતા અને થોડો સમય નાટકોમાં કામ કર્યા પછી આત્મહત્યા કરીને મરી ગયા હોવાનો ઈતિહાસ હોઈ પિતાએ શીતલદાસ માટે એક્ટીંગની મનાઈ ફરમાવેલી હતી. (હા, પેઇન્ટીંગ કરી શકે, માટીકામથી કલાકૃતિઓ ઘડી શકે. એ શીખ્યા પણ ખરા.) પરંતુ આર્ટીસ્ટ ગાંઠે કે? તેમણે એક્ટીંગમાં જ ઝંપલાવ્યું... પણ નામ બદલીને ! કલકત્તામાં તેમણે ‘શંકરપ્રસાદ’ના નામે સ્ટેજ પર એક્ટીંગ શરૂ કરી દીધી. દેખાવડા તો હતા જ. પિતાજીનું માન રાખવા ગ્રાન્ડ હોટલમાં રીસેપ્સનીસ્ટની નોકરી કરી. હોદ્દો તો ‘આસીસ્ટન્ટ મેનેજર’નો હતો, પણ ત્યાં આવતા-જતા વી.આઇ.પી. પૈકીના સિનેમાના લોકો સાથે ઘરોબો વધારતા ગયા. એક સજ્જન પ્રેમતોષ રૉય સાથે પરિચય થયો (પછી આજીવન ગાઢ મિત્ર રહ્યા). તે આર્ટ ડાયરેક્ટર હતા. શીતલને તેમણે કેમેરામેન નન્દુ ભટ્ટાચાર્યના આસીસ્ટન્ટ તરીકે નોકરી અપાવી. પિતાજીને પણ વાંધો ન હતો. કેમેરા પાછળ ભલેએ કેરિયર બનાવે.પણ વિધાતાને એ ક્યાં મંજૂર હતું ? ‘કૃષ્ણલીલા’ના સેટ પર શીતલને દિગ્દર્શક દેવકી બોઝે કેમેરા પાછળ જોયો અને કહ્યું, ‘તારું સ્થાન કેમેરાની સામે છે !’ પિતાજીની માંડ માંડ સંમતિ મેળવી બંગાળી ‘અલકનંદા’ પહેલું ચિત્ર કર્યું. દેવકી’દાએ જ નામ પણ પાડી આપ્યું... પ્રદીપકુમાર. વર્ષ હતું ૧૯૪૪. ફિલ્મ ખાસ ચાલી નહીં. પિતાજીની અકળામણ ચાલુ હતી. બે વર્ષ બેરોજગાર રહ્યા ૧૯૪૬માં બંગાળી ફિલ્મ ‘ભૂલીનાઈ’ મળી. રાષ્ટ્રભક્તિથી ભરપૂર એ ચિત્ર ચાલ્યું અને પ્રદીપકુમાર ‘સ્ટાર’ બની ગયા. ૧૯૪૭માં છબી નામની ખૂબસૂરત બંગાળી છોકરી સાથે લગ્ન કર્યા... પણ ચુપકે ચુપકે. પ્રદીપ બ્રાહ્મણ હતા અને કન્યા ક્ષત્રિય ! ’૪૮ના લગ્ન પછી નસીબ વધારે ઉઘડયું. બંગાળી ચિત્રો ચાલ્યાં અને હેમંત ગુપ્તાની હિન્દી ફિલ્મ મળી. પણ મુંબઈ જતા પહેલાં પિતાજી ગંભીર બિમાર થતાં રોકાવું પડ્યું.પિતાજીએ મરતા પહેલાં પ્રદીપના લગ્ન જોવાની ઇચ્છા વ્યક્ત કરી. 

પોતે વિવાહિત છે એ ખુલાસો કડક કલેક્ટર પિતા સમક્ષ પ્રદીપ કરી ના શક્યા એટલે ’૪૯માં બીજાં લગ્ન થયાં ઓક્ટોબર ’૪૯માં મુંબઈ આવ્યા અને અહીં ‘આનંદમઠ’થી શરૂઆત કરી, જેમાં તેમની ભૂમિકા બળવાખોર સંન્યાસીની હતી. પૃથ્વીરાજ, ભારતભૂષણ, ગીતાબાલીની સાથે પ્રદીપકુમારનું નામ પણ ભારતભરમાં ચમક્યું. પણ ખરી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મળી ત્યારપછીની ફિલ્મ ‘અનારકલી’થી ! એસ. મુકરજીની સંસ્થા ફિલ્મીસ્તાનના બેનર નીચે બનેલી ‘અનારકલી’માં સલીમની ભૂમિકા માટે શ્યામ અને શમ્મીકપુર જેવા એ સમયના અભિનેતાઓને પણ ગણત્રીમાં લેવાયા હતા. છેવટે પ્રદીપ શાહજાદા બન્યા. પણ તૈયાર ફિલ્મ કોઈ ડીસ્ટ્રીબ્યુટર લેવા તૈયાર નહીં. છેવટે નિર્માતા જાલને જાતે પિક્ચર રિલીઝ કરવું પડ્યું ! અને ‘યે ઝિંદગી ઉસી કી હૈ જો કિસીકો હો ગયા’ જેવા સદાબહાર ગીતવાળી ‘અનારકલી’ સુપરહીટ થઈ. તેમાં બોલાયેલા ઊર્દૂ સંવાદો માટે આ બંગાળી એક્ટરને ક્રેડીટ ના મળી. મિયા હૈદર પાસે ભાષાની- ઉચ્ચારની તાલીમ લીધી, દિલ્હીમાં લેખક નઝમ નક્વીએ પ્રદીપની સાફ ઉર્દૂ જબાનની ભરપેટ પ્રશંસા કરી છતાં અફવાઓ ચાલતી જ રહી કે ડબીંગ અન્ય કોઈએ કર્યું છે. નિરાશ થઈને એ પાછા બંગાળ જતા જ રહેવાના હતા કે વ્હી. શાંતારામ વહારે આવ્યા !શાંતારામે તેમના ‘સુબ્હા કા તારા’માં જયશ્રી સામે લીધા અને તારો ચમક્યો ! પછી તો ‘નયા ઝમાના’ માલાસિન્હા સાથે ‘મિસ ઇન્ડિયા’ નરગીસ જોડે એમ ટોપ સ્ટાર્સ જોડે પ્રદીપકુમાર આવ્યા. ફિલ્મીસ્તાનમાં મહિને રૂા. પંદરસોનો પગાર મેળવનાર એક્ટર હવે સ્ટાર હતો. છતાં પોતાની કાર ન હતી. સંગીતકાર હેમંતકુમારના પત્નીએ સાડા સાત હજાર રૂપિયા ઉછીના આપ્યા અને પ્રદીપકુમારે પહેલી ગાડી ખરીદી...હિન્દુસ્તાન ફોર્ડ ! કૌટુંબિક કામે સ્ટુડિયોની પરવાનગી વિના કલકત્તા ગયા અને ગીતાબાલી સામેની ફિલ્મ ‘ફેરી’ ગુમાવવી પડી. તેમની જગ્યાએ દેવઆનંદ પસંદ થયા હતા, (બાય ધી વે, ગીતાબાલી અને શમ્મી કપુરના રોમાન્સમાં પ્રદીપકુમારે સારો સહકાર આપ્યો હતો. એકવાર શાન્તારામજીની ‘સુબ્હ કા તારા’ હીટ ગઈ, પછી પ્રદીપકુમારે ફિલ્મ ગુમાવવી નહોતી પડી... તેમણે તારીખો નહીં હોવાને કારણે સારી સારી ફિલ્મો નકારવી જરૂર પડી. બી. આર. ચોપ્રાની ‘કાનૂન’ તેમણે ઇન્કાર કર્યા પછી રાજેન્દ્રકુમારને મળી હતી. બિમલ રોયની ‘સુજાતા’ પણ પહેલી પ્રદીપકુમારને ઓફર થઈ હતી. પછી સુનિલદત્તને મળી પણ પંચાવનથી પાંસઠના દાયકામાં પ્રદીપકુમારનો સૂર્ય મઘ્યાન્હે તપતો હતો. ’૫૪માં ‘નાગિન’ આવી અને સંગીતની રીતે યાદગાર એ ફિલ્મે પ્રદીપકુમારનું નામ બોક્સ ઓફિસના ઇતિહાસમાં અમર કરી દીઘું. રાજશ્રીની ‘આરતી’ ૧૯૬૨માં મીનાકુમારી સાથે, તો બીનારોયે જોડે ‘તાજમહલ’ ૧૯૬૩માં ! કેવાં કેવાં ગીતો ? ‘મન ડોલે મેરા તન ડોલે’થી લઈને ‘આ તોહે સજની લે ચલું નદિયા કે પાર’ અને ‘જો વાદા કિયા વો નિભાના પડેગા’ ! ‘ભીગીરાત’માં ‘દિલ જો ન કહ સકા, વો હી રાઝે દિલ કહને કી રાત આઈ’ કે ‘બહુ બેગમ’માં ‘હમ ઇન્તઝાર કરેંગે તેરા કયામત તક’ અથવા ‘તાજમહાલ’માં ‘પાંવ છૂ લેને દો ફુલોં કો ઇનાયત હોગી’ રજવાડી-રઇસી ઠાઠના નબીરા પ્રદીપકુમારને (ભારતભૂષણની જેમ) હિન્દી ફિલ્મના સંગીતના કેટલાક શ્રેષ્ઠ ગીતો પડદા ઉપર ગાવાનો લહાવો મળ્યો. મોટા ભાગના એક્ટરોની જેમ પ્રદીપકુમારે પણ જાતે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો ધંધો કર્યો અને ખોટ ખાધી. (શાહરૂખ એવા સ્ટાર્સનો આજનો, સીધી લીટીનો વારસ જ છે !) ’૭૦ના દાયકામાં એક્ટરોનો નવો ફાલ આવી પહોંચ્યો હતો પણ જે આસાનીથી અશોકકુમાર ચરિત્ર અભિનેતાના વિભાગમાં સરકી શક્યા, પ્રદીપકુમાર ના જઈ શક્યા ! (એકવાર હીરો તે કાયમી હીરો !) ‘સંબંધ’, ‘મેહબુબ કી મહેંદી’ અને ‘રઝિયા સુલ્તાન’ જેવાં ચિત્રો આવ્યાં ખરાં પણ જાહોજલાલી રજવાડી સાલિયાણાંની જેમ ભૂતકાળ બની રહી હતી. પ્રદીપકુમાર કલકત્તા પાછા ગયા. પેરાલીસીસનો હુમલો થતાં ડાબુ અંગ થોડો સમય જુઠું પડી ગયું. થોડો સમય સારવાર પછી બઘું રાબેતા મુજબનું થયું પણ ફિલ્મોમાં કામ મેળવવું એમના માટે હવે ડાબા હાથનો ખેલ ના રહ્યો ! જીવનની ઢળતી સંઘ્યાએ પોતાના ભવ્ય ભૂતકાળને રિવાઇન્ડ કરતાં પ્રદીપકુમાર પાસે ક્યારેક કોઈ પત્રકાર ઇન્ટરવ્યુ માટે પહોંચી જાય ત્યારે એ ‘મેહલોં કે ખ્વાબ’ અથવા ‘જબ સે તુમ્હે દેખા હૈ’ કે ‘એક ઝલક’નાં સંભારણાં યાદ કરે અને સારી રીતે બધા સાથી કલાકારો વિષે વાતો કરે. પછી વચન લે કે કોઈના કિસ્સામાં ‘મિસ ક્વોટ’ના થઈ જાય તે જોજો અને છૂટા પડતાં પોતાના ટ્રેડમાર્ક જેવા ગીતની પંક્તિ કહે ‘જો વાદા કિયા વો નિભાના પડેગા !’ આજે રાજાશાહી અને તેના ઠાઠના બધા અવશેષો ભૂતકાળ બની રહ્યા છે, ત્યારે હિન્દી પડદાના આ શાહજાદા પણ ફિલ્મોના ઇતિહાસનાં પૃષ્ઠો પર એક યાદગાર કલાકાર તરીકે અમર થઈ ગયા.