Khajano - 86 in Gujarati Motivational Stories by Mausam books and stories PDF | ખજાનો - 86

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 86

" હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જાતિ પર હુમલો કરતા નથી, પરંતુ તેઓ એકાંત પ્રિય છે. તે કોઈની દખલગીરી બિલકુલ પસંદ કરતા નથી. તેઓ જો આરામ કરતા હોય ને તેમને છંછેડવામાં આવે તો તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે. આથી બને ત્યાં સુધી આપણે આવવા વાંદરાઓથી દૂર જ રહીએ તો તે આપણા હિતમાં છે." જોની સામે જોઈ અબ્દુલ્લાહીજીએ કહ્યું.

" એ બધું તો ઠીક છે પણ આપણે ક્યાં સુધી આમ અંધારાંમાં જંગલમાં મુસાફરી કરશું..? કંઈ જમવાની વ્યવસ્થા થાય એવી છે કે નહીં..? મારાં પેટમાં તો ઉંદર... બિલાડાં.. કૂતરાં.. બધા દોડાદોડ કરી તોફાન મચાવી રહ્યાં છે." ભૂખ્યો સુશ્રુત પેટ પર હાથ ફેરવી બિચારો બની બોલ્યો.

"સવાર થતાં પહેલાં આપણે કિનારે પહોંચી જઈશું. ત્યાં કિનારા પર નાની મોટી ઘણી બોટ હશે. ત્યાં ચા નાસ્તાની વ્યવસ્થા પણ કંઈક અંશે થઈ જશે. ભાઈ, બસ આટલી ભૂખ સહન કરી છે. દસ પંદર મિનિટ થોડું વધારે સહી લે." ગાડીની સ્પીડ વધારતાં ડ્રાઇવરે કહ્યું.

ફાઇનલી તેઓ કિનારે પહોંચવા આવ્યાં. દૂરથી કિનારા પર બાંધેલી દુકાનો પર લટકાવેલ પીળાં બલ્બનો પ્રકાશ ચાડી ખાતો હતો કે હવે કિનારો દૂર નથી. દૂર દેખાતાં પ્રકાશને જોઈ સૌ કોઈના ચહેરા પર સ્મિત લહેરાઈ ગયું. લિઝાના ચહેરા પર પિતા સુધી પહોંચવાની આતુરતા સ્પષ્ટ વર્તાઈ રહી હતી.

" અહીંથી બોટ અમને ક્યાં સુધીની મળશે ? " લિઝાએ પૂછ્યું.

"ત્યાંથી તમને દર-એ-સાલમ સુધીની બોટ મળશે. દર-એ-સાલમથી મોટા મોટા જહાજો મળી રહેશે. જેમાં તમે લાંબી મુસાફરી ટૂંકા સમયમાં કરી શકશો." ડ્રાઇવરે કહ્યું.

" અમને માડાગાસ્કર ટાપુ પહોંચાડી શકે તેવું જહાજ મળશે..? " જૉનીએ પૂછ્યું.

" મળી તો જશે પણ..!" ડ્રાઇવર બોલતા અટકી ગયો.

" પણ શું અંકલ...?" ડ્રાઇવરની મૂંઝવણ જોઈ લિઝાએ તરત પૂછ્યું.

"અહીંથી દર-એ-સાલમ પહોંચવા માટે હું તમને ફ્રીમાં વ્યવસ્થા કરી આપીશ. પણ દર-એ-સાલમથી માડાગાસ્કર સુધી પહોંચવા માટે જહાજનું ભાડું ખૂબ વધારે હોય છે. તમે એક બે નહિ...પણ પાંચ જણા છો. આથી થોડું મોંગુ પડી શકે છે. " પોતાની વૅનને કિનારે પાર્ક કરતાં ડ્રાઇવરે કહ્યું.

"એ બધું પછી વિચારશું. એ પહેલાં નીચે ઉતરીને થોડી પેટ પૂજા કરી લઈએ." ફટાફટ નીચે ઉતારતા સુશ્રુત બોલ્યો.

સુશ્રુતની વાત સાંભળીને સૌ હસી પડ્યાં. બધા આગળ વધ્યા. કિનારા પર નાના મોટાં થોડા સ્ટોલ હતા. જ્યાં વેજ-નોનવેજ ફૂડ તેમજ ચા કૉફી અને કોલ્ડડ્રીંકસ મળતા હતાં. ડ્રાઇવર સૌને તેના મિત્રના સ્ટોલમાં લઈ ગયા. બંને મિત્રોએ પોતાની ભાષામાં થોડીક વાતચીત કરી ભેટી પડ્યા. બાકીનાં પાંચેય દૂરથી તેઓને જોતાં રહ્યાં. ડ્રાઇવરે ઈશારો કરી સૌને સ્ટોલ સામે ગોઠવેલ ટેલબ ખુરશી પર બેસવા કહ્યું. થોડી જ વારમાં ચા કોફી સાથે નાસ્તો ટેબલ પર આવી ગયો. બધાએ ભરપેટ ચા નાસ્તો કર્યો. 

એટલામાં ભયાનક રાત્રિ બાદ સુરજ દાદાએ જંગલની ઝાડીઓમાંથી પોતાના સોનેરી કિરણો ફેલાવતાં ડોકાચિયું કર્યું. સોનેરી પ્રકાશમાં કિનારા પર લાંગરેલી રંગબેરંગી બોટ્સ ઝગમગવા લાગી. સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ પાણી થોડી થોડી વારે જાણે સૌના ચરણ સ્પર્શ કરી જતું હતું. આહલાદક વાતાવરણમાં અનંત સમુદ્ર સામે જોઈ રહેલી ને વિચારોમાં ડૂબેલી લિઝા તરફથી હર્ષિતની નજર હટતી નહોતી. જ્યારે સુશ્રુત લિઝાને જોઈ મનમાં એમ વિચારી રહ્યો હતો કે એવું તો શું કરું કે," લિઝાની બધી તકલીફો..દુઃખ..દર્દ..બધું દૂર થઈ જાય..!" જ્યારે ઈબતિહાજ અને જૉની કંઈક જુદા જ વિચારોમાં ખોવાયેલા હતાં.

To be continue...

( આપના અનમોલ પ્રતિભાવો મારા માટે ખૂબ જ આવકાર્ય છે મહેરબાની કરીને સ્ટોરી વાંચો જરૂરથી લખો જેનાથી મને આગળ વધુ લખવાની પ્રેરણા મળે. આપનો ખૂબ ખૂબ આભાર 🙏)

મૌસમ😊