Nitu - 32 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 32

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નિતુ - પ્રકરણ 32

નિતુ : ૩૨ (લગ્ન)


નિતુના કાનમાં અનુરાધાએ કહ્યું, "નિતુ!"

"હં..."

"આજે મેડમ બદલાયેલા બદલાયેલા હોય એવું નથી લાગતું?"

વિદ્યા પોતાની ઓફિસ પહોંચી કે બધા તેને ગુડ મોર્નિંગ વિશ કરવા લાગ્યા. બધા સામે હસીને વાત કરતા વિદ્યાને આવતા જોઈ બધા અચરજમાં હતા કે આખરે આ છે શું?

"કેમ?" તેણે અનુરાધાને પૂછ્યું.

તે બોલી, "રોજે સવારમાં આવતાની સાથે બધા પર ગુસ્સો ઉતારવાનું શરુ કરી દે. આજે તો જો, એના ચેહરાની રોનક જ અલગ દેખાય રહી છે."

તો પાછળ બેઠેલો ભાર્ગવ તેની તરફ આવીને કહેવા લાગ્યો, "હા અનુરાધા. વાત તો તારી સાચી છે. મેડમનો મૂડ આજ અલગ અંદાજ દર્શાવે છે."

એટલી વારમાં વિદ્યા ત્યાં પહોંચી ગઈ અને એકાએક એના પગ થંભી ગયા. તેણે નિતુના ડેસ્ક પર નજર નાંખી તો ભાર્ગવ ચેહરાના ભાવ બદલતો પોતાની જગ્યા પર જતો રહ્યો અને અનુરાધા નીચે જોઈને પોતાનું કામ કરવા લાગી. નિતુની નજર તેના પર હતી અને વિદ્યાની નજર નિતુ પર. તેની નજીક જઈને ટેબલ પર પોતાના હાથ ટેકવી બોલી, "ગુડ મોર્નીગ."

"ગુડ મોર્નિંગ મેમ."

"શું વાત છે? રોજે મોડી આવતી નિતુ આજે વહેલા ઓફિસ પર આવી ચુકી છે!"

"ના... એ...અં.... શું છે... કે..."

"લાગે છે આજે વહેલા આવવાના ચક્કરમાં કોફી પીવાનું ભૂલી ગઈ છો. નહિ? એટલે જ તારી જીભને શબ્દો નથી સુજતા."

"ના મેડમ? એ..."

"ડોન્ટ વરી મિસ નીતિકા! કોફી વિથ મી, મારી કેબિનમાં. જલ્દી આવજે." કહીને તે પોતાની કેબિનમાં ચાલી ગઈ.

અનુરાધાએ ફરી હળવેથી તેની ખુરસી નિતુ તરફ ધકેલી અને ધીમા અવાજે પૂછ્યું, "આને અચાનક શું થયું?"

"ખબર નહિ!" કહેતી નિતુ ઊભી થઈ અને હાથમાં એક ફાઈલ લઈને જવા લાગી. તે કેબિન નજીક પહોંચી કે તેની સામે જોતા ભાર્ગવ તરત અનુરાધાની નજીક જઈને કહેવા લાગ્યો, "અનુરાધા, તને કંઈ સમજાયું?"

"ના ભાર્ગવભાઈ."

"મને તો કંઈક ગડબડ લાગે છે."

"હા... સાચે, મને પણ એવું જ લાગે છે. આજે નીતિકાના મનમાં મેડમ માટે ગુસ્સો નથી, કે ના તો મેડમે તેને કંઈ કહ્યું. કોઈ ગડબડ તો છે જ."

એક હાથમાં ફાઈલ અને બીજા હાથે હેન્ડલ પકડી અડધો દરવાજો ખોલી તે બોલી, "મે આઈ?"

"આવ નીતિકા..." હાથમાં રહેલા ફોનને ટેબલ પર મૂકી તે બોલી અને નિતુ અંદર પહોંચી તો સામેની ખુરસી પર બેસવા માટે તેણે ઈશારો કર્યો.

"આ... શર્માજીના ઉપડેટેડ રિપોર્ટ છે."

"ટેબલ પર મૂકી દે, હું ચેક કરીને તેને સેન્ડ કરી દઈશ."

ફાઈલ ટેબલ પર મૂકી અને બેસતા તેણે પૂછ્યું, "કોઈ... કોઈ કામ હતું મેડમ?"

"ના, કેમ આવું પૂછે છે?"

"અચાનક તમે મને કોફી માટે કહ્યું એટલે મને લાગ્યું કે કોઈ કામ હશે."

"બસ આજે મને મન થયું કે તારી સાથે કોફીની બે ચુસ્કી લઉં. શું એવું ના થઈ શકે?"

"થઈ શકે."

"મને લાગ્યું કે કૃતિના લગ્નની તૈય્યારી અંગે થોડું જાણી લઉં. બાકી, જો તને મારી સાથે કોફી પીવામાં કોઈ પ્રોબ્લેમ હોય તો તું જણાવી શકે છે."

"ના.. ના મેડમ. કોફીમાં તો શું પ્રોબ્લેમ હોય!"

એટલામાં પિયુન આવ્યો અને બંને માટે કોફીના બે કપ રાખીને ચાલ્યો ગયો. કપ લઈને વિદ્યાએ નિતુને કપ લેવા માટે ઈશારો કર્યો. એક ચુસ્કી ભરી તેણે પૂછ્યું, "કેવી ચાલે છે લગ્નની તૈય્યારી નિતુ?"

"સારી ચાલે છે. તમારી મહેરબાની છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી."

"હમ્મ... સો,..." તે વધારે આગળ બોલે તે પહેલા તેની નજર સામે બેઠેલી નિતુ પર પડી. તે જાણે કોઈ વિચારોમાં ખોવાયેલી હોય તેમ નિષ્ક્રિય લાગતી હતી. "શું વાત છે નિતુ?"

"કંઈ નહિ."

"મારાથી પણ ખોટું બોલતા શીખી ગઈ? સ્પષ્ટ દેખાય છે કે તું હાથ- પગ ચલાવી રહી છે પણ મનથી કોઈ બીજા વિચારોમાં ઘેરાયેલી છે. મયંક?"

વિદ્યાના મોઢે મયંકનું નામ સાંભળતા જ તેના મસ્તિષ્કમાં એક ચમકારો થયો. "જી મેડમ? હું કંઈ સમજી નહિ."

"મેં તો બસ એમ જ નામ લઈ લીધું. પણ મારા મોઢેથી મયંકનું નામ સાંભળતા જ તે જે પ્રતિક્રિયા આપી એનાથી સ્પષ્ટ થાય છે કે સંબંધ મયંક સાથે જ છે. તો મેં જે સાંભળ્યું એ સાચું છે. શું હજુ એ તને ફોન કરે છે?"

"ક્યારેક, મારી ના કહેવા છતાં ક્યારેક ફોન કરી લે છે. પણ હું કોઈ જવાબ નથી આપતી."

"કાલે પણ કરેલો?"

"તમને કેમ ખબર પડી?"

"તારું પડેલું મોં જોઈને મને લાગ્યું એટલે મેં પૂછ્યું."

"હા, કાલે રાત્રે કરેલો અને મેં દર વખતની જેમ આ વખતે પણ તેને કોઈ જવાબ ના આપ્યો."

"આઈ નો... આઈ નો, તારું વર્તન તો હું પણ હજુ સમજવાનો પ્રયત્ન જ કરી રહી છું. લાગે છે કે હજુ ઘણો સમય લાગશે તને સમજવામાં."

"તમારી આ ગોળ ગોળ વાતોમાં મને સમજ નથી પડતી મેડમ."

"ચાલ છોડ.  મેં જ્યારથી સાંભળ્યું કે મયંક ડિવોર્સ લીધા પછી પણ તને વારંવાર ફોન કરે છે. ત્યારથી એક સવાલ મારા મનમાં ખટક્યા કરે છે."

"શું સવાલ છે?"

એક નાનકડું સ્મિત આપતા તે બોલી, "તારો આ અંદાજ મને બહુ ગમે છે નિતુ. ઓન દી સ્પોટ રીપ્લાય, એક તો આવી સુંદર કાયા અને બીજું તારું આ સેન્સ ઓફ હ્યુમર. તારા પ્રેમમાં તો કોઈ પણ પડી શકે છે."

તેણે તેની સામે જોયું તો એક હાથમાં કોફીનો કપ પકડિને બેઠેલી વિદ્યાની નજર એકીટશે તેને જોઈ રહી હતી. સ્વસ્થ થઈ અને ગળું સાફ કરી તેણે પૂછ્યું, "શું સવાલ હતો મેડમ."

વિદ્યા જાણે કોઈ સ્વપ્નમાંથી અચાનક જાગી હોય એમ બોલી, "હમ?" તેની લીનતા તૂટી અને નિતુએ ફરી પૂછ્યું, "તમારા મનમાં શું સવાલ છે જે ખટક્યા કરે છે?"

એક ઊંડો શ્વાસ લઈને છોડતા તે બોલી, "અત્યાર સુધી તો તેના માત્ર ફોન આવે છે. કદાચ બની શકે કે કોઈ દિવસ એવો આવે જ્યાં મયંક અચાનક તારી સામે આવી જાય. શું કરીશ તું?"

"એવું નહિ થાય અને કદાચ થાય તો એ વાતને તમે એ દિવસ માટે છોડી દો. મારું કામ પરિસ્થિતિ પ્રમાણે ચાલવાનું છે અને હું મારી લાઈફ એ રીતે જ જીવું છું."

"સ્ટ્રેન્જ મિસ નીતિકા."

કોફી ખતમ કરી નિતુએ કપ મુક્યો અને બોલી, "કોઈ કામ ના હોય તો શું હું જઈ શકું?"

"ચોક્કસ."

"થેન્ક્સ મેમ મોર્નિંગ કોફી ઓફર કરવા માટે." કહી તે ચાલતી થઈ. તે બહાર જાય એ પહેલા તેને સાદ કરી વિદ્યા બોલી, "નિતુ!"

"જી મેડમ!"

"મને લગ્ન અને શર્માના પ્રોજેક્ટ, બંનેની અપડેટ આપતી રહેજે."

"જી મેમ." તે બહાર જતી રહી.

બહાર આવી તો અનુરાધાએ તેને પૂછ્યું, "યાર નિતુ! મને સમજાયું નહિ કે મેડમે અચાનક તને કોફીની ઓફર આપી કેબિનમાં કેમ બોલાવી?"

"સમજાયું તો મને પણ નહિ. એવું લાગતું હતું કે ગઈ કાલે બરાબર ઊંઘ નથી લીધી. એની જ ભાષામાં બડબડ કરતા હતા."

"મને તો એવું ના લાગ્યું. તે જોયું નહિ? મેડમ આવ્યા ત્યારથી કેટલા ખુશ હતા! એકદમ તાજા મૂડમાં આવ્યા છે આજે તો અને તું કહે છે ઊંઘ બરાબર નહિ લીધી હોય!"

"હશે હવે તારે એની આટલી શું પંચાત છે?" તેનાથી થોડા ઊંચા અવાજમાં બોલાય ગયું.

"અરે! કમ ડાઉન નીતિકા. એમાં ભડકે છે શેની?"

તે પોતાનું માથું પકડી ખુરસી પર બેઠી અને સ્કેસ્થ થતા બોલી, "કંઈ નહિ. સોરી થોડું ઊંચા અવાજમાં બોલાઈ ગયું."

"ઇટ્સ ઓકે."

કેબિનમાં એકલી બેઠેલી વિદ્યા મનમાં હસવા લાગી અને કહેવા લાગી, "મને તો સમજાય જ ગયું. મેં માત્ર તને સવાલ કર્યો અને તું જવાબ આપવામાં પણ ખચકાતી હતી. તને નથી ખબર કે મયંકના મનમાં શું ચાલી રહ્યું છે! તૈય્યાર થઈ જા મિસ નીતિકા ભટ્ટ, એ તારી લાઈફમાં પાછો આવી રહ્યો છે. તું એને કઈ રીતે ફેજ કરીશ? એ જોવાનું રહ્યું. તારી જ ભાષામાં કહું તો, પરિસ્થિતિ પ્રમાણે ચાલનારું જીવન છે તારું. તે દિવસે કે તે પરિસ્થિતિમાં તું શું કરીશ એ જોવાનું રહ્યું." તેની એ હસીમાં એક રહસ્ય રમી રહ્યું હતું જેનાથી નિતુ અને આખી ઓફિસ અજાણ હતી.