Deora in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | દેવરા

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

દેવરા

દેવરા

- રાકેશ ઠક્કર

        જુનિયર NTR ની ‘દેવરા: પાર્ટ 1’ (2024) નો અંત ‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’ જેવું રહસ્ય બીજા ભાગ માટે છોડી ગયો છે પણ ‘બાહુબલી’ ની તોલે આવે એવી ફિલ્મ બની શકી નથી. બંને ફિલ્મોની વાર્તા અલગ છે છતાં સરખામણી ઘણી બાબતે થઈ રહી છે. એક સારી વાત એ છે કે સાલાર, ઇન્ડિયન 2 કે ‘કલ્કિ AD 2898’ ની જેમ ‘દેવરા’ નો અંત અધૂરો લાગતો નથી. દક્ષિણની ફિલ્મો બીજા ભાગ માટે પહેલા ભાગમાં માહોલ બનાવતી રહે છે. નિર્દેશક કોરતાલા શિવાએ ‘દેવરા’ માં વાર્તાનો પહેલો ભાગ સંપૂર્ણ આપ્યા પછી બીજા ભાગ માટે ઉત્સુકતા ઊભી કરી છે.

          ડબ ફિલ્મોથી હિન્દી દર્શકોમાં જુનિયરે પોતાનું નામ બનાવ્યું છે. એનું કારણ એ છે કે એની હિન્દી સ્પષ્ટ છે. એ જાતે હિન્દી ડબિંગ કરતો હોય છે. એસ.એસ. રાજામૌલીની ‘RRR’ પછી જુનિયર NTR લાંબા સમય પછી મોટા પડદા પર દેખાયો છે. રાજામૌલીની 2001 ની પહેલી ફિલ્મમાં એ હીરો હતો. એમની સાથે હિટ ફિલ્મો આપ્યા પછી બીજા સાથે અભિનેતાઓ એવી હિટ આપી શકતા નથી. પણ એના ચાહકોને પસંદ આવે એવો અવતાર હોવાથી દર્શકોને ફિલ્મ માટે ઉત્સુકતા હતી. જુનિયરની છ વર્ષ પછી સોલો હીરો તરીકે કોઈ ફિલ્મ આવી છે.

        દર્શકો દક્ષિણના નવા નિર્દેશક પર જલદી ભરોસો કરે નહીં. અને ફિલ્મની હાઇપ પણ બહુ ઊભી થઈ ન હતી. તેથી ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. એમાં કેટલીક સારી બાબતો સાથે ખામીઓ છે. ફિલ્મની ત્રણ કલાકની લંબાઈની એક ખામીમાં આમ તો બીજી ઘણી ખામીઓ આવી જાય છે. અડધો કલાક નહીં પણ કમ સે કમ પંદર મિનિટ ટૂંકી કરી હોત તો હજુ વધુ મનોરંજક બની શકી હોત. આતંકવાદીઓને શોધતી પોલીસ દેવરાની વાર્તામાં કેમ ખોવાઈ જાય છે એ સમજાતું નથી. બીજો ભાગ બનાવવાની લાલચમાં બીનજરૂરી પાત્રો ઉમેરવામાં આવ્યા છે. તેથી બીજા ભાગ માટે ઉત્સુકતા વધતી નથી.

        દક્ષિણની અન્ય ફિલ્મોની જેમ આ પણ એક પરંપરાગત ફિલ્મ છે. વાર્તામાં કોઈ નવો પ્રયોગ કરવાનું નિર્દેશકે જોખમ લીધું નથી. જેમાં અચ્છાઇ અને બૂરાઈ વચ્ચેની લડાઈ, મનમોહક ગીતો, રોમાંચક એક્શન, પિતા-પુત્રનો ડબલ રોલ, ઇમોશન, ફેમિલી ડ્રામા, બદલાની ભાવના વગેરે બધા જ મસાલા બરાબર રાખવામાં આવ્યા છે. વાર્તામાં ટ્વીસ્ટ આવે છે પણ કલ્પના કરી શકાય છે. 

        ફિલ્મમાં સમુદ્ર કિનારે પહાડ પરના ચાર ગામની વાર્તા છે. એક ગામનો નેતા દેવરા (જુનિયર NTR) અને બીજાનો ભૈરા (સૈફ અલી ખાન) છે. બંને જહાજમાંથી ચોરી કરીને જીવન ગુજારે છે. પરિસ્થિતિ બદલાય છે અને ગેંગસ્ટર એમને સ્મગલિંગની સાંકળનો એક ભાગ બનાવી દે છે. એની ખરાબ અસર જોઈ દેવરા નક્કી કરે છે કે સમુદ્રમાં કામ કરવા કોઈ ઉતરશે નહીં અને માછલી પકડશે. તેથી તેમની અર્થવ્યવસ્થા બગડે છે. ભૈરા દેવરાની વાતનો વિરોધ કરે છે. ભૈરા પહેલાં જેવું કામ શરૂ કરે છે. દેવરા ત્રણ ગામના લોકો સાથે મળીને સમુદ્રની રક્ષા કરે છે. 12 વર્ષ પછી દેવરાનો પુત્ર વારા (જુનિયર NTR) એક ડરપોક યુવાન બને છે. એને લાગે છે કે પિતાએ પોતાના સિધ્ધાંત માટે પરિવારને પાછળ મૂકી દીધો છે. વારા ડરપોક યુવાનમાંથી યોધ્ધા બનીને ઉભરે છે. એ પછી શું થાય છે એ ફિલ્મમાં જોવું પડશે!     

        પહેલો ભાગ વધુ પડતો લાંબો થઈ ગયો છે. જેમાં પાત્રોને સ્થાપિત કરવામાં સમય લાગી ગયો છે. ડબલ રોલ હવે સામાન્ય વાત બની ગઈ છે. સમુદ્રના એક્શન દ્રશ્યોમાં નવીનતા અને આકર્ષણ છે. અત્યારે વધુ પડતા લોહિયાળ એકશન દ્રશ્યોનું ચલણ છે. ફિલ્મમાં બહુ સંયમથી એવા હિંસક દ્રશ્યો આપવામાં આવ્યા છે. તલવારથી ગાળા પર વાર થયા છે પણ ઘા બતાવાયા છે. એમાં લોહીની નદી વહેતી નથી. આ બાબત એનું જમા પાસું ગણી શકાય. એક્શન દ્રશ્યોનો આધાર VFX પર વધુ છે. તેથી કેટલાક એક્શન દ્રશ્યો વાસ્તવિક લાગતાં નથી.

        જુનિયર NTR બંને ભૂમિકાને ન્યાય આપી જાય છે. એમાં ‘વારા’ પર ‘દેવરા’ ની ભૂમિકા ભારે પડે છે. એ ‘માસ હીરો’ હોવાથી એને થોડી થોડી વારે ‘હીરો’ તરીકે રજૂ કરતાં દ્રશ્યો આવે છે. જહાનવી કપૂરને હીરોઈન ગણવી કે કેમ એવો પ્રશ્ન થશે. એ ઇન્ટરવલ પછી આવે છે. ગ્લેમર અને રોમાંચ પૂરા પાડીને માત્ર દસ મિનિટમાં જ ગાયબ થઈ જાય છે. ભૂમિકા મહત્વની ન હતી એનો એ વાતથી ખ્યાલ આવશે કે બોલિવૂડની જાણીતી ત્રણ અભિનેત્રીઓએ એ ભૂમિકા ઠુકરાવી હતી. બીજા ભાગમાં જહાનવીની ભૂમિકા વધુ હોય શકે છે. 

         સૈફ અલી ખાન ‘ભૈરા’ ની નકારાત્મક ભૂમિકામાં છાપ છોડી જાય છે. એણે હીરોને ટક્કર આપી શકે એવા વિલનની ઇમેજ બનાવી છે. ‘તાન્હાજી’ અને ‘આદિપુરુષ’ પછી એ ફરી ખતરનાક ભૂમિકામાં છે. એણે આંખો અને બોડી લેન્ગ્વેજનો સારો ઉપયોગ કર્યો છે. જુનિયર સાથેની એની લડાઈ રંગ જમાવે છે. એને હજુ વધુ તક મળવી જોઈતી હતી. એની ભૂમિકા પર બહુ કામ થયું નથી. માતાની ભૂમિકામાં રામેશ્વરીનું કામ સારું છે. પ્રકાશ રાજ પણ ઓછી તકમાં સારું કામ કરી જાય છે.

        ફિલ્મનું ‘ધીરે ધીરે’ ગીત સિવાય કોઈ યાદગાર નથી. અનિરુધ્ધનું બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. જે ફિલ્મની થીમ સાથે બરાબર ચાલે છે. ફિલ્મ બઢિયા પણ નથી અને ઘટિયા પણ નથી. જુનિયર NTRના અને એક્શનના ચાહકો નિરાશ થતાં નથી.