A - Purnata - 42 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 42

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 42

વિકી અશ્વિનભાઈ પાસે મદદ લેવા માટે ગયો. મદદ, આ શબ્દ જેટલો સરળ છે કાનાં માત્રા વિનાનો એટલો છે નહિ. જેને મદદ કરવી છે એ પણ સો વાર વિચારે છે અને જે મદદ માંગે છે એ તો હજાર વાર વિચારે છે કેમકે ક્યાંક ને ક્યાંક વાત એના આત્મસન્માનની પણ હોય છે. માણસને હમેશા પોતાનું આત્મસન્માન વહાલું હોય છે પણ પરિસ્થિતિ ક્યારેક એવા વળાંક પર આવીને ઊભી હોય છે કે માણસને પોતાનું આત્મસન્માન પણ એક બાજુ મૂકીને મદદ લેવી પડે છે. વિકીની હાલત પણ કઈક આવી જ હતી.
       "અંકલ, મારે તમારી મદદ જોઈએ છે." વિકી સંકોચ સાથે બોલ્યો.
        "બોલને બેટા, મારાથી થશે એવી મદદ હું જરૂર કરીશ." 
         "અંકલ, આગમાં ફેક્ટરીને ખૂબ નુકશાન થયું છે. માલ પણ બધો જ બળી ગયો છે. લોનના હપ્તા અને વ્યાજના પૈસા ચૂકવવાના છે. તો જો તમે કઈક હેલ્પ કરી શકો તો...." 
          "નુકશાન તો ખૂબ મોટું છે એ પણ તમારી આર્થિક પરિસ્થિતિમાં તો આ ખૂબ વધુ કહેવાય. હું તને લોન આપું કે પૈસા ઉધાર પણ આપુ તો પણ તું પછી મને પૈસા ચૂકવવા માટે શું કરીશ? હજુ તો તું મારી ઓફિસમાં જ જોબ કરે છે. એવો સારો પગાર તો છે નહિ કે તું તારું ઘર પણ ચલાવી શકે અને મને પૈસા ચૂકવી પણ શકે. કોઈ મિલકત કે એવી કોઈ સંપતિ છે ખરી જેના આધાર પર તું લોન પણ લઈ શકે?"
        "ના અંકલ, જમીન હતી એ વેચીને જ આ ફેક્ટરી કરી હતી. ઘર તો અત્યારે પણ ભાડે જ છે. અંકલ, હું ખૂબ મહેનત કરીશ. ડબલ નોકરી કરીશ પણ તમારા પૈસા ચૂકવી દઈશ."
      "જો બેટા, હું એક બીઝનેસમેન છું. વિના ફાયદો કઈ જ ન કરું. હું હમેશા પર્સનલ અને પ્રોફશનલ સંબંધો જુદા રાખું છું. તું મિશાનો દોસ્ત છે પણ...." આમ કહી અશ્વિનભાઈ અટકી ગયા. 
      વિકીએ એક નિઃસાસો નાંખી લીધો. તે ઉભો થયો. "ઇટ્સ ઓકે અંકલ, હું કઈક બીજું મેનેજ કરી લઈશ." આમ કહી તે જવા લાગ્યો.
        "વિકી, એક મિનિટ..."
         વિકીને આશા જાગી કે કદાચ અશ્વિનભાઈ કઈક મદદ તો કરશે જ.
         "વિકી, જો તું મારી એક વાત માને તો હું તારી બધી જ મદદ કરવા તૈયાર છું. તારી ફેક્ટરીનું નુકશાન પણ હું ભોગવી લઈશ અને ફરી તારી ફેક્ટરી ઊભી કરવામાં પણ તને મદદ કરીશ." આ સાંભળી વિકી ખુશ થઈ ગયો.
       "અંકલ, હું તમારી બધી જ વાત માનવા તૈયાર છું."
       "યંગમેન, પહેલા સાંભળી તો લે હું શું કહું છું એ. ક્યાંક એવું ન બને કે તું પાછળથી ના પાડી દે કે પછી તને હા પાડ્યાનો પસ્તાવો થાય."
         "અંકલ, મારા પપ્પાની હેલ્થ સામે તો કોઈ પણ વાત મને નાની જ લાગશે. છતાંય તમે કહો કે મારે શું કરવાનું છે?"
         "તારે મારો ઘરજમાઈ બનવાનું છે. બોલ, થશે તારાથી?"
           વિકી સ્તબ્ધ થઈ ગયો. એને એવું લાગ્યું કે એણે જે સાંભળ્યું છે એ સાચું છે કે એટલે તેણે ફરી પૂછ્યું, "શું કહ્યું તમે?"
          "તારે મારો ઘર જમાઈ બનવાનું છે. મંજૂર છે તને?" અશ્વિનભાઈએ ફરી પોતાનું વાક્ય પુનરાવર્તિત કર્યું.
         "અંકલ, લગ્ન કોઈ ડીલ નથી."
         "બેટા, આપણે જ્યારે દેવાના સાગરમાં ડૂબેલા હોઈએને ત્યારે એવું ન વિચારવું જોઈએ કે બચાવવા આવનાર નાવિક છે કે લૂંટારૂ. બચાવનાર ભગવાન જ કહેવાય, એનું સ્વરૂપ ગમે તે હોય. મને કોઈ ઉતાવળ નથી. તું નિરાંતે વિચારીને જવાબ આપજે. અત્યારે ઓફિસનું કામ પતાવી લે. વહેલા ઘરે જવું હોય તો પણ છૂટ છે."
         વિકી અશ્વિનભાઈની ઓફીસમાંથી નીકળી ગયો. કામ તો કરતો હતો પણ કામમાં મન લાગતું ન હતું. રહી રહીને અશ્વિનભાઈએ કિધેલા વાક્યો મનમાં ઘુમરાતા હતાં. ન છૂટકે તે કામ અધૂરું મૂકીને જ ઘરે જવા નીકળી ગયો. ઘરે પહોંચીને જોયું તો પરમ, રેના અને હેપ્પી તેમના ઘરે બેઠા હતાં. વિકીને જોતાં જ બધા ઊભા થઈ ગયા.
         પરમ બોલ્યો, "વિકી, આટલું બધું બની ગયું, તે જાણ તો કરી હોત યાર. આ ન્યૂઝપેપરમાં વાંચ્યું ત્યારે ખબર પડી."
         રેના પણ બોલી, "વિકી, મુશ્કેલીમાં મિત્રો મદદે ન આવે તો કોણ આવે? આ તો મિશા સાથે વાત થઈ તો તારા પપ્પાની હાલત વિશે પણ ખબર પડી. તે અમને આટલા બધા પારકા માન્યા?"
        રેનાના શબ્દો સાંભળીને વિકી, રેના અને પરમ બન્નેને ભેટી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બીજી કોઈ પરિસ્થિતિ હોત તો હેપ્પી વિકીને આ રીતે વર્તન કરતો જોઇ ગુસ્સે થઈ હોત પણ આજે તો તેને પણ દુઃખ થયું. છતાંય વિકીને હસાવવા માટે તે બોલી, "વિકી, રડી લે પણ નાકના સેડા પરમ અને રેનાના ખભે ન લૂછતો હો."
       આ સાંભળી બધા હસી પડ્યા. "હેપ્પી, તને પરિસ્થિતિને હળવી કેમ કરવી એ બરાબર આવડે છે કેમ."
        "એટલે જ તો એનું નામ હેપ્પી છે." આમ કહી પરમે હેપ્પીને પણ પોતાના આલિંગનમાં લઈ લીધી.
         "અરે, તમે બેસો તો ખરા. પહેલી વાર મારા ઘરે આવ્યા છો. પરમ તો આવ્યા કરે પણ હેપ્પી અને રેના તો આજે પહેલી વાર આવ્યા છે. મમ્મી, બધા માટે ચા નાસ્તો લેતાં આવજો ને." વિકીએ બૂમ મારી.
        "અરે, નહિ વિકી, અત્યારે તો અમે અંકલના ખબર પૂછવા જ આવેલા. કઈ પણ હેલ્પ જોઈએ તો કહેજે." રેના બોલી. હેલ્પની વાત સાંભળી વિકીને ઓફિસમાં થયેલી વાતચીત યાદ આવી ગઈ. રેનાને જોઈ એક પળ ફરી વિકિની આંખોમાં ભીનાશ તરી આવી. 
         વીણાબહેન બધા માટે ચા નાસ્તો લઈને આવ્યા. રેનાએ ઊભા થઈ તેમના હાથમાંથી ટ્રે લઇ લીધી. પરમે પૂછ્યું, "વિકી, આ બધું અચાનક કેવી રીતે બની ગયું?"
          "આજુબાજુના લોકો કહે છે કે શોર્ટસર્કિટના લીધે આગ લાગી. આગળ તો હવે કઈક તપાસ કરાવું પછી ખબર પડે."
          "ફેક્ટરીનો અકસ્માત વીમો કે એવું કશું ન હતું? જેથી થોડી હેલ્પ મળી જાય." હેપ્પીએ નાસ્તો કરતાં કરતાં જ પૂછ્યું.
           "અરે, હજુ ફેક્ટરી એવડી મોટી ન હતી તો અમે એવો કોઈ વીમો કરાવ્યો ન હતો." વિકી નિરાશ થઈ બોલ્યો.
         "વિકી, તું આટલો એજ્યુકેટેડ છે અને આવી ભૂલ કેમ કરી? અત્યારે વીમો હોત તો બધું કેટલી સારી રીતે મેનેજ થઈ જાત. હવે તું બધું કઈ રીતે મેનેજ કરીશ?" રેનાના ચહેરા પર ચિંતા દેખાઈ.
        "કઈક થઈ રહેશે." આમ કહી વિકીએ અત્યારે વાત ત્યાં જ પતાવી.
         વાત ફેરવવા માટે હેપ્પી બોલી, "આંટી, આ ચેવડો મસ્ત છે હો."
         "મમ્મી, આને એક ડબ્બો ભરીને પેક પણ કરી દેજો. બાકી રોજ આવશે ચેવડો ખાવા અને સાથે માથું પણ ખાશે."
         "ના વિકી, માથા કરતાં ચેવડો વધુ ટેસ્ટી છે એટલે હું એ જ ખાઈશ. આમ પણ હું વેજીટેરિયન છું." આમ કહી હેપ્પી હિહિ કરતી હસી પડી. તેને જોઈ બાકીના બધા પણ હસ્યાં.
         વીણાબેન બોલ્યા, "તું રોજે જ આવજે, એ બહાને મારું ઘર હસતું રમતું રહેશે. જેનું નામ હેપ્પી હોયને એ કોઈને દુઃખી તો ન જ રહેવા દે."
         "જો વિકી, તારા કરતાં તો આંટી સારા હો. ચાલો, કોઈકને તો હેપ્પીની કદર છે."
           "બસ કર હવે નોટંકી." વિકી બોલ્યો.
           સૌએ હસી મજાક કરતાં નાસ્તો કર્યો અને છૂટા પડ્યા. બધાના જતાં જ વીણાબેને પૂછ્યું, "શું થયું બેટા? કઈ મદદ મળી?"
                                        ( ક્રમશઃ)
શું વિકી વીણાબેનને સત્ય કહી શકશે?
શું નિર્ણય લેશે વિકી?
જાણવા માટે જરૂરથી વાંચજો આગળનો ભાગ.