A - Purnata - 40 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 40

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 40

મિશાના આગ્રહથી વિકીએ અશ્વિનભાઈની ઓફીસ જવાનું શરૂ કરી દીધું હતું. બે દિવસ એમ જ જતાં રહ્યાં. એક દિવસ અશ્વિનભાઈએ વિકીને બોલાવ્યો. વિકી તેમની કેબિનમાં પહોચ્યો.
         "યસ સર, કઈ કામ હતું?" વિકી ઓફિસમાં અશ્વિનભાઈને સર કહીને જ બોલાવતો. વ્યક્તિગત અને ધંધાકીય સંબંધો અલગ રહે એ જ સારું એવું વિકિનું માનવું હતું.
        "વિકી, તારા પપ્પાની કાપડની ફેક્ટરી છે ને?"
         "હા સર..પણ શું થયું?" 
          "વિકી, એક કાપડનો ખૂબ જ મોટો જથ્થો મારે વિદેશ મોકલવાનો છે. બધો જથ્થો એક સાથે એક જગ્યાએ બની શકે એમ નથી તો જો તારા પપ્પા એમાંનો થોડો જથ્થો બનાવી આપે એમ હોય તો આપણું કામ થોડું સરળ થઈ જશે. ફાયદો પણ સારો થશે અને તારી ફેક્ટરીનું નામ પણ થઈ જશે." 
        "અરે સર, આ તો ખૂબ સારી વાત કહેવાય. અમારી ફેક્ટરી હજુ ખૂબ નાની છે અને જો આવડો મોટો ઓર્ડર મળતો હોય તો પપ્પા શું કામ ના પાડે. હું હમણાં જ એમને વાત કરું છું." વિકી ખુશ થઈ બોલ્યો.
        "એક કામ કર, તું તારા પપ્પાને અહી જ બોલાવી લે. હું જ વાત કરી લઉં. ભાવ તાલ પણ થઈ જાય. ઓર્ડર બે દિવસમાં જ મોકલવાનો છે તો થઈ શકશે કે નહીં એ બધું પણ પૂછી લઉં."
          "ઓકે સર." આમ કહી વિકીએ તરત જ તેના પપ્પાને ઓફિસ બોલાવી લીધા.
           થોડીવારમાં જ બળવંતભાઇ આવી ગયા. અશ્વિનભાઈએ તેમની સાથે ડીલ પણ નક્કી કરી લીધી. "બળવંતભાઈ, જુઓ, હું પહેલી વાર તમને ઓર્ડર આપી રહ્યો છું. તમે સમયસર પૂરું કરી દેજો બધું કામ, બાકી માર્કેટમાં મારી આબરૂ બગડશે."
         "અરે, અરે, અશ્વિનભાઈ આ શું બોલ્યા તમે? આપણે ધંધાદારી છીએ. તમારી આબરૂ એ મારી આબરૂ. તમારો ઓર્ડર સમયસર પૂરો થશે અને ક્વોલિટી પણ બેસ્ટ હશે કે તમે બીજી વાર મને જ ઓર્ડર આપશો. હું સાંજે જ તમને એક નમૂનાનું પીસ બતાવી જઈશ. કઈ પણ થાય, તમારું નામ ખરાબ નહિ થવા દઉં." બળવંતભાઈ બોલ્યા.
        "તો તો ખૂબ સરસ. તમે જલ્દીથી કામ શરૂ કરો. એવું હોય તો આજે વિકીને પણ સાથે લઈ જાવ. એ પણ મદદ કરી શકે થોડી."
         વિકી તરફ જોઈને અશ્વિનભાઈ બોલ્યા, "વિકી, તું જ સાંજે નમૂનાનું મટીરીયલ લઈને બતાવી જજે." 
         વિકી અને બળવંતભાઇ ત્યાંથી ગયા અને અશ્વિનભાઈ પોતાના કામમાં પરોવાયા. આ બાજુ વધુ માણસો લગાડીને પણ બળવંતભાઇ કામ ઝડપથી પૂરું થઈ શકે એવા પ્રયત્નોમાં લાગી ગયા. સાંજ સુધીમાં નમૂનો તૈયાર કરી વિકી સાથે મોકલાવી પણ દીધો. કાપડ જોઈ અશ્વિનભાઈ ખુશ થઈ ગયા. 
         "વાહ વિકી, કાપડ મસ્ત છે. ખૂબ જ સારો ભાવ મળશે. જેનાથી તારી ફેક્ટરીને પણ ફાયદો થશે. ઝડપથી કામ પુરૂ કરો."
          વિકી પણ ખુશ થઈને ત્યાંથી નીકળી ગયો. રાતપાળી કામ ચાલુ કરીને પણ બળવંતભાઇ ઓર્ડર પૂરો કરવાની વેતરણમાં લાગી ગયાં. બાપ દીકરો વારા ફરતી કામદારો સાથે કામ કરતાં જેથી કોઈને પણ થાક ન લાગે. બીજે દિવસે બપોર સુધીમાં બધો જ માલ રેડી થઈ ગયો. વિકીએ અશ્વિનભાઈને કૉલ કરી આ વાત જણાવી. જે જાણી અશ્વિનભાઈ ખૂબ જ રાજી થયા.
        "વિકી, એક કામ કરીએ તો? આજે રાતે તું અને તારું ફેમિલી મારા ઘરે ડિનર પર આવો. એ બહાને પરિવાર સાથે પણ સંબંધ વધશે અને આવડો મોટો ઓર્ડર પૂરો કરવાની ખુશી પણ મનાવી શકશું. કાલ સવારે હું ટ્રુક મોકલીશ, જેમાં તમે બધો માલ ભરાવી દેજો."
        વિકી અશ્વિનભાઈને ના ન પાડી શક્યો કેમકે આ ઓર્ડર એમના લીધે જ મળ્યો હતો જેનાથી એમને ઘણો ફાયદો થવાનો હતો. 
        આજે મિશા ખુશ હતી કેમકે આજે પહેલી વાર તે વિકીના પરિવારને મળવાની હતી. હમેશા વેસ્ટર્ન કપડામાં જોવા મળતી મિશાએ આજે ભારતીય પરિધાન પર પસંદગી ઉતારી. ફૂલ સ્લિવનો લોંગ અનારકલી ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો અને એને મેચિંગ જ્વેલરી. ખૂબ જ આછો મેકઅપ. હોઠો પર લાઈટ શેડની પિંક લિપસ્ટિક અને કપાળ પર ગુલાબી બિન્દી. વાળને સાઈડ પાથી પાડી ખુલ્લા જ રાખ્યાં. દુપટ્ટાને એક સાઈડ પર પિનઅપ કરી દીધો. પોતે જ પોતાની જાતને અરીસામાં જોઇ શરમાઈ ગઈ. 
        અવંતિકાબહેને જમવામાં પણ બધું કાઠિયાવાડી ભોજન તૈયાર કરાવ્યું હતું. ઓળો, રોટલો, ભરેલા રીંગણ બટાકાનું શાક, કઢી ખીચડી, ભરેલા મરચાંના ભજીયા, સલાડ, છાશ, પાપડ, અને છેલ્લે સ્વીટ ડીશમાં ગુલાબજાંબુ. તેમને ખબર હતી કે એક મિડલ ક્લાસ ફેમિલીને કાઠિયાવાડી ભોજન વધુ પસંદ આવે.
        સાંજ પડતાં જ વિકી વીણાબેન અને બળવંત ભાઇને લઈને આવી ગયો. અશ્વિનભાઈ અને અવંતિકાબહેને તેમનું ભાવથી સ્વાગત કર્યું. અવંતિકાબહેને ડિઝાઇનર સાડી પહેરી હતી અને અશ્વિનભાઈ ગ્રે કલરના સૂટમાં હતા. જ્યારે બળવંત ભાઈ એકદમ સાદા પેન્ટ શર્ટમાં જ હતા અને વીણાબેને પણ કોટનની સાડી પહેરી હતી જે એકદમ સિમ્પલ હતી છતાંય સરસ હતી. મિશા વિકિના માતા પિતાને પગે લાગી. આ જોઈ વીણાબેન બોલ્યા, "ખૂબ જ ખુશ રે બેટા, ખૂબ જ સુંદર લાગી રહી છે." 
         મિશા ખુશ થઈ ગઈ કે ચાલો વિકીની મમ્મીને તો હું પસંદ આવી જ ગઈ છું. સૌ હોલમાં જઈને સોફા પર ગોઠવાયા.
         "બળવંતભાઈ, તમે સમયસર ઓર્ડર પૂરો કરીને ખૂબ જ મહેનતનું કામ કર્યું છે. જો જો તમે, આ ઓર્ડરથી તમારી ફેક્ટરીનું અને તમારું બંનેનું નામ થઈ જશે."
         "અરે, અશ્વિનભાઈ, આ બધું તમારા લીધે થયું છે. તમે ન હોત તો અમને આવડો મોટો ઓર્ડર પણ ન મળ્યો હોત. તમે વિકીને પણ જોબ આપી છે અને તમારા અનુભવનો લાભ આપી રહ્યા છો એ માટે હું તમારો ખુબ જ આભારી છું." બળવંતભાઈ ગદગદ થઈ ગયા.
       "અરે, તમારો વિકી છે જ એટલો હોશિયાર. જો જો, એક દિવસ એ તમારું નામ જરૂર રોશન કરશે." 
         થોડી વાર આમ જ અલક મલકની વાતો ચાલી. પછી સૌ ડાયનિગ ટેબલ પર ગોઠવાયા. જમવાનું ભલે કાઠિયાવાડી હતું પણ ક્રોકરી બધી જ ઇટાલિયન હતી. આટલી સુંદર ક્રોકરી તો વીણાબેન કે બળવંત ભાઇ બે માંથી એકેયે ક્યારેય જોઈ ન હતી. 
          બે નોકરો બધું જમવાનું પીરસીને જતાં રહ્યાં. "બળવંતભાઈ, જમવામાં જરાય શરમાશો નહિ. પોતાનું જ ઘર છે એમ જ સમજજો." અશ્વિનભાઈએ આગ્રહથી જમવાનું શરૂ કરાવ્યું. 
         પહેલો કોળિયો ભરતાં જ વીણાબહેન બોલ્યા, "વાહ, ખૂબ જ ટેસ્ટી રસોઈ છે. અસલ કાઠિયાવાડી સ્વાદ છે."
          અવંતિકાબહેન બોલ્યા, "આમ તો અમારા ઘરે મહારાજ છે રસોઈ કરવા માટે પણ સ્પેશિયલ મહેમાન માટે હમેશા હું જ રસોઈ કરવાનું પસંદ કરું છું."
         વીણાબહેનને ખરેખર નવાઈ લાગી કે આ બધું જમવાનું સાચે અવંતિકાબહેને બનાવ્યું છે. મિશા પણ પોતાની પાસે બેઠેલા વિકીને એક એક વાનગી આગ્રહ કરીને ખવડાવી રહી હતી. વિકી માટે મિશાનું આ રૂપ ખરેખર નવું હતું. તેણે ક્યારેય મિશાને આવું વર્તન કરતાં જોઈ ન હતી. કોલેજમાં તો એ ઓછા બોલી અને બીજાના મત મુજબ થોડી ઘમંડી હતી. જો કે વિકીને ક્યારેય એવું લાગ્યું નહિ. સૌ વાતો કરતાં જમી રહ્યા હતાં. અચાનક બળવંતભાઈના ફોનની રિંગ વાગી.
         એમને લાગ્યું કે જમતાં જમતાં ફોન ઉપાડવો એ મેનર્સ ન કહેવાય એટલે તેમણે ફોન ખિસ્સામાંથી કાઢીને સાઇલન્ટ કરવા જતાં હતાં કે અશ્વિનભાઈ બોલ્યા, "અરે, રીસિવ કરી લો કૉલ. કઈ વાંધો નહિ."
         બળવંતભાઈએ કૉલ રિસીવ કર્યો. સામેથી જે કહેવાયું એ સાંભળી તેમના હાથમાંથી ફોન પડી ગયો.
                                   ( ક્રમશઃ)
શું સમાચાર આવ્યા હશે?
શું બળવંતભાઈ આવનારી મુસીબતનો સામનો કરી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો આગળનો ભાગ.