LOHIYAAL NAGAR - 4 in Gujarati Thriller by Kirtidev books and stories PDF | લોહિયાળ નગર - પ્રકરણ 4

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

લોહિયાળ નગર - પ્રકરણ 4

લોહિયાળ નગર પ્રકરણ૪: સ્કવોડ સેવન

 

                              પેયમાનામાં ભરેલો શરાબ અને અવકાશમાં ઢળતો તાપ ઘણીવાર રંગે સરખા લાગતાં, નગરની નિર્જનતા ઢળતી સંધ્યાએ પ્રસરવા લાગી. પોલીસની ગાડીઓ ઠેરઠેર ફરી રહી હતી. લાઉડ સ્પીકરમાં પોલીસકર્મીઓ ખેતરોમાં કામ કરતાં માણસોને ઘરે જવા કહી રહ્યા હતા. ઠંડીનો પારો સ્થિર થઈ ગયો હતો. આવામાં જો હાથ-પગ પર કોઈ આવરણ ન હોય તો ચામડી મહેસુસ થતી બંધ થઈ જતી, હાથ કડક લાકડા જેમ બરડ બની જતાં. સોસાયટી-મંદિરના બુઝુર્ગ ચોકિયાતો આવી ટાઢમાં ઠૂંઠવાઈ રહ્યા હતા. કોઇકે આમને ધાબળા આપવા જોઈતા હતા પણ કોણ આપે? ઉષ્મા મેળવવા તેમણે ગરમ કપડાં-ટોપી અને દસ્તાના પહેર્યા’તા. છતાં, ઠંડીના લીધે હાથ-પગના સાંધા દુખી રહ્યા હતા. ઠંડી સામે ઝઝૂમવા તેઓ બીડી-ચીલમનું સેવન કરતાં. રાતે જમ્યા બાદ તાપણું કરતાં.

 

                              આજે અમાસની રાત હતી. ગાંધીનગરમાં ઇમારતોની સંરચના એ પ્રકારે હતી કે જે જગ્યાએ દીવાગત્તિ અથવા લાઇટ્સ ગોઠવી હતી, ત્યાં સિવાય અજબનું અંધારું ઘેરાતું. આવા ભળભાંખળા અજવાળા નિર્જીવતા-ગૂઢતા પ્રતીત કરતાં. આ મહેસુસ કરવાનીની બાબત છે. જે સ્થળ પર માણસો ખુશ રહેતા હોય, આસપાસ ઉમંગ અને કિલ્લોલ ગુંજતો હોય, એવી જગ્યામાં જીવ આવી જાય છે. તમે ત્યાં સકારાત્મકતા અનુભવી શકો છો પણ આ અહીંના નગરજનો જીવના જોખમે જીવી રહ્યા હતા.

 

                              અમદાવાદ-ગાંધીનગરને જોડતા દરેક રસ્તા, હાઇવે પર ચેકપોસ્ટ મૂકવામાં આવી. જ્યાં હોમગાર્ડ્સ નિગરાની માટે ઊભા રાખ્યા. દરેક જગ્યાએ ચેકિંગ થઇ રહ્યું હતું. ઘ રોડ, ખ રોડ, ચ રોડ, રાંદેસણ, કૂડાસણ, સરગાસણ, રતનપુર, સેક્ટર્સ અને ગિફ્ટ સિટી જેવા વિસ્તાર અને ગામના સીમાડા, ખેતરો તેમજ ઉદ્યાનોમાં પોલીસ ઘૂમી રહી હતી. બધે ટેપ સંભળાતી:

“વધતાં જતાં ગુના સામે ગુજરાત પોલીસ લાલ આંખ બતાવી રહી છે, અમે તમારી સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છે, આપ સૌને વિનંતી છે, સાંજના સમયે ખેતરોની રખેપાતમાં ન રોકાશો. ઘર સિવાય અન્ય અવાવરુ જગ્યામાં જવાનું ટાળો. તમારી આસપાસ કોઈપણ શંકાસ્પદ માણસ દેખાય તો તરત ૧૦૦ નંબર લગાવી માહિતી આપવી. તમારી સુરક્ષા એ જ અમારી પ્રતિજ્ઞા. જય હિન્દ!”

 

                              આ સૂચના દરેક પોલીસવાહિનીમાં વાગી રહી હતી. પોલીસ લોકોને વિશ્વાસ અપાવવા માંગતી હતી કે હવે એકપણ ખૂન ગાંધીનગરમાં નહીં થાય. મુખ્યમંત્રી સાહેબનું ધ્યાન આ મુદ્દા પર જતાં, સિસ્ટમનું પ્રેસર વધ્યું હતું. પોલીસકર્મીઓ અતિસક્રિય બન્યા’તા. રેડિયો પર કોઈ માહિતી અથવા ફોન આવે તો તરત ઉત્તર આપવાની તૈયારી સાથે ફરી રહ્યા હતા. નિશાચર પ્રાણીઓ હરકતમાં આવવા લાગ્યા. લોકો ઘરમાં પુરાય ગયા, પાન પાર્લર અને અન્ય રેસ્ટોરાં અને હોટલ્સ ખાલીખમ થઈ ગયા. દસ વાગતા પાન પાર્લર અને રેસ્ટોરાંવાળા પણ વસ્તી કરી ઘરે જતાં રહ્યા.

 

                              અગિયાર વાગ્યા, બાર વાગ્યા અને ૧ વાગ્યો. છતાં, ક્યાંય કોઈ સંચાર નહીં કે ન આવ્યો કોઈ કોલ. પોલીસે શોધખોળ કરી જોઈ. રખેપાતો, ખેતરો અને અવાવરુ જગ્યામાં ટોર્ચ મારી જોઈ જોયું પણ ક્યાય કોઈ વારદાત ધ્યાનમાં ન આવી. દિલદારસિંહને આ બાબત વધારે હેરાન કરી રહી હતી. તેને એ ડર સતાવતો હતો લોકોની સુરક્ષા કરવામાં પોતે ક્યાંક નિષ્ફળ ન જાય.

 

                              આખી રાત એમ ઉજાગરામાં નીકળી. સવારે દરેક સ્ટેશન, ચોકી અને ચેકપોસ્ટ પર ઉભેલ પોલીસકર્મી પાસેથી રિપોર્ટ લીધો. ગઇકાલે રાતે ગાંધીનગરમાં કોઈ એવી ઘટના ઘટી ન હતી. નગરજનોની નજરમાં પણ કોઈ એવી બાબત ધ્યાનમાં આવી ન હતી. દિલદારને નિરાંત થઈ.

 

                              તે પાછો ચોકી પર આવ્યો. નવઘણ છાપું વાંચી રહ્યો હતો. તેણે નવઘણને ચા મંગાવા કહ્યું અને ખુરશી પર લાંબો થયો. એક પોલીસકર્મી તરીકે સાચી રીતે કાલે નોકરી કરી હતી. પ્રજાની સુરક્ષા કરી એવું તેને લાગ્યું. ચા પી ઘરે જવાની ગણતરી માંડી’તી. ઘરે જઈને નાહી લઉં, પછી બરમૂડો અને ટીશર્ટ પહેરી ઊંઘી જઈશ. બપોરે ૧-૨ વાગતા ઉઠીશ અને જમી લઇશ. બાદ ૨ કલાક પાછો ઊંઘી જઈશ. એવું બધુ દિલદારસિંહ વિચારી રહ્યો હતો. નવઘણ ચાનો ઓર્ડર આપી અંદર આવ્યો.

“દિલદારભાય કેમનું રયું કાલે?” નવઘણે પૂછ્યું.

“ના પૂછ ભાઈ. એક-એક ક્ષણ એટલી ચિંતામાં જય’તી કે ના કરે નારાયણને  ક્યાંક મોડા પહોંચીએ તો? પણ કશી ઘટના ન બની. માથું ભારે છે મારૂ? શરીર આખું દુખે છે.”

“બરાબર. ઘરે જઈને આરામ કરજો.”

“હમ્મ.”

“ત્યાં હુંધી એકાદ મેચ લૂડો રમવી છે?”

“ના.” કહી તે ટેબલ પર માથું રાખી સૂતો.

 

                              નવઘણ પાછો અખબાર વાંચવામાં મશગુલ બન્યો. ચા આવી. નવઘણ બોલ્યો:”દિલદાર... લોચો પડી ગયો યાર!”

મોઢું નીચે રાખી ગહેરા સ્વરે તેણે પૂછ્યું:”શું?”

“તમે કાલ ગાંધીનગરમાં ખૂનીને શોધતા’તા. ખૂની તો બાકરોળ જતો રહ્યો અને રખેપાતમાં એક મજૂરને મારી નાખ્યો.”

 

                              દિલદારસિંહ સફાળો બેઠો થયો અને છાપું ખેંચી સમાચાર વાંચ્યા:’ધોળકા રોડ પર બાકરોળ ગામમાં ગાંધીનગરની ખૂની સ્ટાઇલથી એક ખેડૂતની હત્યા.’ એવી હેડલાઇન હતી. નિરર્થક હોવાના ભારે દિલદાર ખુરશીમાં લોથ થઈ ગયો.

 

*

 

                              વનેચંદ(વનો) અંધારામાં મોટરસાઇકલ ચલાવી આવી રહ્યો હતો. તેણે હેડલાઇટ અને બેક લાઈટ્સ નિકાળી દેવડાવી આવી હતી. પાછા આવી પોતાના સહકર્મીને જમીન પર ઢળી પડેલો જોઈ તે ડઘાઈ ગયો. ઝડપથી એની પાસે આવ્યો, કપાળમાં કાણું પડ્યું હતું, જેથી લોહી વહી ગયું હતું. છતાં, તેણે ઉઠાડવાનો પ્રયત્ન કરતાં ઢંઢોળી જોયો. હ્રદયમાં ઘાત પડી હોય એમ વનેચંદની છાતી ભરાઈ આવી. હ્રદયના ધબકારા વધી ગયા. તે રઘવાયો થયો, સૌપ્રથમ ચોકીમાં ગયો અને બંદૂકમાં કારતૂસ ભર્યો. બ્હાર આવી આસપાસ જોયું પણ કોઈ દેખાયું નહીં. તરત તેણે એડમીન ઓફિસ કોલ કરી વર્તમાન સંજોગ વિષે માહિતી આપી. એડમીને તેને ચોકી બંધ કરી અંદર પુરાઈ રહેવા કહ્યું જ્યાં સુધી તે ત્યાં આવી ન જાય. વનાને તેમ કરવું યોગ્ય લાગ્યું.

 

                              ચોકીની લાઇટ બંધ કરી, બ્હાર તાપણા પર પાણી છાંટ્યું, ચોકીમાં આવ્યો અને અંદરથી હડો મારી દીધો. તે એડમીનની પ્રતિક્ષા કરવા લાગ્યો. એ જ ક્ષણે બ્હાર મોટરસાઇકલ પસાર થવાનો અવાજ સંભળાયો. વનાને થયું બ્હાર નીકળું? પણ એડમીન આટલી જલ્દી આવી ન શકે અને કોઈ આ રસ્તે આવતું નથી તો અત્યારે કોણ બાઇક લઈ આવ્યું હશે? જો ખૂની હશે તો? એક નહીં અને બે જણ હશે તો? કદાચ ત્રણ પણ હોય. મારે એકલાએ એમ નીકળવું જોખમી થઈ જાય. એના કરતાં અંદર રહેવું જ યોગ્ય લાગ્યું પણ જો કાતિલને જવા દે અને પછી એ નહીં પકડાય તો? એ જ ક્ષણે મોટરસાઇકલ ત્યાંથી પસાર થઈ.

 

                              વનો શ્વાસ રોકી પૂતળા જેમ ચોંટી ગયો. વાહન નીકળી ગયું એટલે તે બ્હાર આવ્યો અને એની પાછળ ભાગ્યો. મોટરસાઇકલ ઘણી ગતિમાં હતી. વનાએ રાઇફલ કાઢી નિશાનો લીધો. જમણી આંખ બંધ કરી, ડાબીએ મોટરસાઇકલ સવારની ખોપડી તાકી. ટ્રિગર પર તેની આંગળી અટકી હતી. હાથ અચકાઈ રહ્યો હતો, કોઈને ગોળી મારવા માટે તેનો જીવ ન હતો ચાલતો. આજ સુધી કોઈને માર્યો ન હતો તો હવે કેવી રીતે હામ આવે? તેની આંગળી ટ્રિગર પાસે ધ્રૂજતી રહી. મોટરસાઇકલસવાર દેખાતો બંધ થયો. વનો પોતાને કોશવા લાગ્યો ગોળી ન ચલાવા પર. તે પાછો ચોકીમાં લપાઈ ગયો.

 

                              એડમીને પોલીસને જાણકારી આપી. રાંદેસણ પોલીસ ચોકીનો ટેલિફોન રણક્યો. ઈન્સ્પેકટર દિલદારસિંહે ફોન ઉપાડયો. માહિતી મળતા હવાલદાર નવઘણ ચાવડા સાથે ગિફ્ટ સિટીના દક્ષિણ-અંતિમ દ્વાર તરફ જવા નીકળ્યા. “કોણે વિચાર્યું હતું? ગિફ્ટ સિટીનો અંતિમ દ્વાર ખરેખર કો’કના માટે અંતિમ દ્વાર બની જશે.” નવઘણ બોલ્યો. દિલદારસિંહે ઘ-૦(ઈન્ફોસિટી) પોલીસ ચોકીએ ફોન કરી માહિતી પહોંચાડી અને બાદમાં એમ્બ્યુલન્સને કોલ કર્યો.

 

                              દિલદાર-નવઘણ ઘટના સ્થળ પર પહોંચ્યા. ત્યાં પહેલાથી ગિફ્ટના એડમીન અને અન્ય સુરક્ષાકર્મીઓ આવી ગયા હતા. પોલીસના આવ્યા બાદ કલાકમાં જ આખો દક્ષિણ છેડો સીલ કરી દેવામાં આવ્યો. સ્ટેટમેંટ્સ, ફોરેન્સિક, ફિંગરપ્રીંટ્સ, ફોટોગ્રાફ્સ, ઓટોપ્સી વગેરે ફોર્માંલિટીઝ શરૂ કરવામાં આવી અને દસ્તાવેજ બનાવામાં આવ્યો. આ વખતે ઘણી જીણી બાબતો ધ્યાનમાં આવી હતી. જમીન પર ફૂટપ્રિંટ્સ મળ્યા હતા. સાઇકલના ટાયરના નિશાન, એનાથી આગળ ઊંઘ હરામ કરી દે એવી ડરાવની હાલતમાં એક ઢીંગલી મળી. જેનું શીશ ન હતું. એક અફસરે જ્યારે ઢીંગલી ઉપાડી, અને પાછળ બટન દબાઈ જતાં ઢીંગલીના રૂદનથી આખા વાતાવરણમાં પડઘા પડ્યા. તેટલામાં બાળકી રડી રહી હોય એમ અવાજ ગુંજવા લાગ્યો. સૌનું ધ્યાન તેના પર ગયું.

 

                              વધુ શોધ કરતાં ઢીંગલીનું શીશ દસેક ફૂટ દૂર ધૂળમાં પડેલું મળી આવ્યું. જેમાંથી આરપાર ગોળી નીકળી હતી. દિલદારસિંહે ઢીંગલી જોઈ. મનને અશાંત કરી મૂકે એવી ઢીંગલીની હાલત હતી. તે વિચારમાં પડ્યો:”આ ઢીંગલીનો હેતુ શું? આ ઢીંગલી ખૂની લાવ્યો હશે? કોઈ ખૂની પોતાની પાસે ઢીંગલી કેમ રાખે?” થોડીવારમાં ન્યૂઝચેનલોવાળા તેમના રોટલા શેકવા આવી ગયા. દિલદારસિંહને મૃત સુરક્ષાકર્મીની છબી નિરાશ કરી રહી હતી. ત્રીજું મોત સળંગ ત્રીજા દિવસે આ નગરમાં. ખૂનીએ બહુ કર્યું હવે. હાથમાં આવશે તો તે માર ખાઈ ખાઈને મરી જશે. તે બબડ્યો. દિલદારસિંહ નિરાશા, ચિંતા, સંતાપ, નિરર્થકતા, દુખ અને ક્રોધની લાગણીઓ એક સાથે અનુભવવા લાગ્યો.

 

*

 

                              લિફ્ટ છઠ્ઠા માળ પર અટકી. બંને દ્વાર ખૂલ્યા. આઠમા માળ જેવી જ રચના અહીં હતી. બસ અહીં ઓફિસ ન હતી કે ન હતા કોઈ દ્વાર કે અન્ય દીવાલ. ખાલી હવા અને બાંધકામના ટેકાના લાકડા એક છેડે ઊભા દેખાઈ પડ્યા. ત્યાં એક મીટર પર કાળું કપડું પડ્યું હતું. જેની અંદરથી લાલ લાઇટ થઈ રહી હતી. ઓછામાં પૂરું લિફ્ટની ડિઝાઇનવાળી લાઇટ્સથી થોડો પ્રકાશ આ વેરાન માળને વધુ બિહામણો બનાવી રહ્યો હતો, માટે સ્ત્રીઓએ ચીર રાડ પાડી અને કેટલીક રોનાલ્ડને વળગી ગઈ હતી. બે-ત્રણ યુવતીઓ મોઢા આગળ હાથ રાખી:”ઉઉઉ...’, ‘ઉ...’ જેવી ભયજનક બૂમો પાડવા લાગી અન્યને બિવડાવવા. કેટલીક ખરેખરમાં ડરી ગઈ. રોનાલ્ડે તરત G બટન દબાવ્યું, લિફ્ટ બંધ કરવા >< જેવુ બટન દબાઈ-દબાઈ કર્યું.

 

                              લિફ્ટના દ્વાર બંધ થતાં જે સ્ત્રીઓએ ડરાવની બૂમો પાડી હતી, એ ખડખડાટ હસવા લાગી, એમને જોઈ અન્ય સ્ત્રીઓ પણ હસવા લાગી. લિફ્ટ ગ્રાઉંડ ફ્લોર પર આવી. વાતચીત કરતી બધી લિફ્ટની બ્હાર નીકળી. રોનાલ્ડ તેના વિચારોમાં ક્યાંક ખોવાઈ ગયો, હળવે હળવે ચાલતો થયો. તે ગંભીર બની ગયો હતો. સ્નિગ્ધાએ જ્યારે કહ્યું તેણે પેન્ટ્રીની બંધ ઓરડીમાં ભૂત જોયું હતું, એ ઓરડી ખોલતા જેવી અનુભૂતિ થઈ એવી જ અનુભૂતિ છઠ્ઠા માળે લિફ્ટના દ્વાર ખૂલતાં થઈ. છઠ્ઠા માળે કોઈ છોકરીનું ખૂન થયું હતું એવું પણ સાંભળવામાં આવ્યું હતું. દેવર્ષિની વાત યાદ આવી. તે જે કઈ બોલી હતી એમાં પ્રામાણિક્તા લાગી રહી હતી. તેને જે કઈ લાગ્યું એ સ્વેચ્છાઈથી કહી દીધું. શું તે સાચી હતી? ચાલતા ચાલતા ઓપન પાર્કિંગમાં ગાડી પાસે આવ્યો અને તે પટેલની રાહ જોવા લાગ્યો.

 

*

 

(બીજા દિવસે સવારે ૧૧ વાગે)

“Be in your squad! Maintain your queue please! (તમારી ટુકડી સાથે રહો, કતાર જાળવો)” પટેલ સૌ કર્મચારીઓને કહી રહ્યો હતો.

                              થોડીવારમાં ફ્લોર હર્ડલ(એક રીતની મિટિંગ) શરૂ થવાની હતી. બધા કર્મચારીઓને પોતાની બંદૂક સાથે ખાસ હાજર રહેવા કહ્યું હતું. રોનાલ્ડ-ભંવર આજની મિટિંગ દોરવવાના હતા. દરેક સ્કવોડ તેમના લીડર પાછળ ઊભા રહી ગયા હતા. સિવાય સ્નિગ્ધા, દેવર્ષી, યશવી, ઉત્કર્ષ, ઈમેન્યુઅલ અને અરશ. તેઓ ટોળું વળી ઊભા હતા. નેલ્સન પટેલ નજીક આવી બોલ્યો:

“ઓ ભાઈ, તમે કેમ આમ ઊભા છો?” ઉત્કર્ષ પાછળ ફર્યો: “મને નથી ખબર મારી સ્કવોડ કઈ છે.” તેણે જવાબ આપ્યો.

“મને પણ.” દેવર્ષી બોલી.”

“મી ટુ!” સ્નિગ્ધાએ કહ્યું.

“ગીતાંજલી મે’મ લીડર હતા, એમને છે નહિઁ તો...” ઈમેન્યુઅલ બોલ્યો.

“અત્યારે એક હરોળમાં ઊભા રો’ પછી કઈક કરીએ.” પટેલે કીધું.

 

                              ગઇકાલે રાત્રે ગિફ્ટ સિટીના દક્ષિણ(આખરી) દ્વારે એક સુરક્ષાકર્મીનું ખૂન થઈ ગયું હતું. જો ખૂની ત્યાં સુધી આવી શકે તો અંદર પણ આવી શકે છે. આવામાં સરકારી જાસૂસોએ વગર હથિયારે ફરવામાં જોખમ હતું. આજે એ વિષે ભંવર-રોનાલ્ડ મિટિંગ લેવાના હતા. તેઓ આવ્યા એટલે બધી બાબતો જણાવાની શરૂ કરી. પ્રશ્ન હવે કર્મચારીઓની સુરક્ષા પર આવી ગયો હતો. ગીતાંજલીની સ્કવોડના સભ્યોને આ બધામાં રસ ઓછો હતો, કારણ જે વાતો ભંવર-રોનાલ્ડ જણાવી રહ્યા હતા, એ દર બે મહિને ગીતાંજલી કહેતી અને હરહંમેશ આફત માટે સજાગ રહેવા ચેતવતી.

 

*

 

(૧૦ માસ પહેલા)

 

                              બધા સભ્યો તેમના સ્કવોડલીડર પાછળ ઊભા હતા. કુલ છ લીડર હતા: ઝારા, આરવ, તૃપ્તિ, નેલ્સન, અઝીઝ અને ગીતાંજલી. અનુક્રમે આડી હરોળમાં ઊભા હતા. ભંવર-રોનાલ્ડ લીડર્સને મિટિંગરૂમમાં લઈ ગયા. પાંચ મિનિટ બાદ તેઓ બ્હાર આવ્યા. તમામ સભ્યો અન્ય સભ્ય સાથે જાણ-પહેચાન કરી રહ્યા હતા. ગીતાંજલીએ તેની સ્કવોડને અંદર આવવા કહ્યું:”લાસ્ટ સ્કવોડ કમ ટુ ધી M.R. રાઇટ નાવ!” બૂમ પાડી તેણે કહ્યું. બધા તેની સ્કવોડ સામે જોઈ રહ્યા. સ્નિગ્ધા, દેવર્ષી, યશવી, ઉત્કર્ષ, ઈમેન્યુઅલ અને અરશ મિટિંગ રૂમ તરફ ચાલવા લાગ્યા. દરેક સ્કવોડ તેમની ટુકડીનું નામ વિચારી રહ્યા હતા.

 

                              મિટિંગરૂમમાં વચ્ચે ટેબલ હતું અને ત્રણ ખુરશીઓ હતી. એક-બે ઇસ્કોતરા ઉપર અને જમણી દીવાલે ફિટ કરેલા હતા. ગીતાંજલી તેના પર બેસી હતી. તે ગંભીર લાગી રહી હતી. સભ્યો અંદર આવવા લાગ્યા, મિટિંગરૂમમાં અજીબ શાંતિ હતી. સૌ કોઈ અંદર આવી ઊભા રહ્યા, ગીતાંજલીની સામે જોઈ રહ્યા. તેણે બોલવાનું શરૂ કર્યું:

“મને આ સ્કવોડની હેડ બનાવામાં આવી છે. તમે બધા એમેચ્યોર છો, કોલેજમાં ગ્રેજ્યુએશન કરી આઇ.બી.ની એક્ઝામ પાસ કરી અહીં આવી ગયા છો...”

“એક્ચ્યુલી મેં માસ્ટર કર્યું છે, ડિગ્રી કંપલેટ છે.” સ્નિગ્ધા વચમાં બોલી.

“અહીં શું સિસ્ટમ છે? (સ્નિગ્ધાની સામે જોયું) કેવી રીતે અમે કામ કરીએ છીએ એ તમે નથી જાણતા. First thing: We do not interfere seniors while they are talking, this is basic etiquette hope you guys have learned from nursery. (પહેલી વાત: “આપણે વરિષ્ઠ કર્મચારીઓ વાત કરી રહ્યા હોય ત્યારે વચમાં બોલતા નથી. આશા રાખું છું આવા સામાન્ય શિષ્ટાચાર તમે બાલમંદિરમાંથી શિખીને આવ્યા હશો.) કહી બધાની સામે નિરસભાવે જોઈ રહી. સભ્યો ભેદી નજરે તેને જોઈ રહ્યા, તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું:

“મારી સ્કવોડમાં જેને રહેવું હોય એણે હું કહું એમ કરવું પડશે અને હું એક જ વાર કહીશ. મને રિપીટ કરવાની આદત નથી. જો તમે ઇન્સટ્રકસન ફોલો ના કરી શકતા હોવ, એક વારમાં ના સાંભળી શકતા હોવ અથવા તો ના ફાવતું હોય તો અત્યારથી જ નીકળી જાવ.” કહી તે સૌને જોઈ રહી.

 

                              દરેક સભ્યના હોશ ઊડી ગયા. ગીતાંજલીનું આ વલણ અસાહજિક અને થોડું વધારે તોછડું લાગ્યું. મનમાં થઈ રહ્યું હતું:આવી કેવી લીડર? Hi-hello, પરિચય કે કઈ નહીં અને સીધી કડકાઈથી વાત કરવાની.

“Can we all discuss this separately in private? (અમે આ બાબત એકલા ચર્ચા કરી શકીએ?)” સ્નિગ્ધાએ ગીતાંજલીને પૂછ્યું.

“You want me to leave? (તું મને અહીંથી બ્હાર જતાં રહેવા કહી રહી છું?)” ગીતાંજલીએ પૂછ્યું. સ્નિગ્ધા ગભરાઈ, મનમાં ઉચાટ ઉદભવ્યો જે મોઢા સુધી આવી ગયો, તે ગળી ગઈ, ચૂપચાપ તણાવભાવે ગીતાંજલીને જોઈ રહી. તેને ડર હતો હમણાં ગીતાંજલી વઢવા લાગશે પણ તેની જગ્યાએ એણે કહ્યું:

“Whatever! Suite yourself!” (તમને જેમ ગમે એમ કરો!) તે બોલી અને રૂમની બ્હાર નીકળી.

“ઓ માય ગોડ! આટલો બધો ગુસ્સો!?!” સ્નિગ્ધા બોલી.

“કેટલો એરોગન્સ(ઘમંડ) છે એનામાં યાર! આટલો બધો એટીટ્યુડ કેમ બતાવે છે એ?” યશવી બોલી.

“હુકમ તો એમ ઠોકતી હતી જાણે ક્યાંકની મહારાણી હોય!” ઉત્કર્ષ બોલ્યો.

“Man! She looks so hot!” ઈમેન્યુઅલ બોલ્યો.

“વોટ!” આશ્ચર્ય અને તિરસ્કાર સાથે ઉત્કર્ષ, સ્નિગ્ધા અને યશવી બોલી ઉઠ્યા, તેની સામે જોઈ રહ્યા.

“Come on guys, at least she is honest… તેણે વગર ભેળસેળ કરે, વગર મીઠી મીઠી વાતો કરે સાફસાફ જે હતું એ કહી દીધું. તેનો અર્થ જરૂર તેનામાં કઈક ક્વોલિટી હશે.” દેવર્ષી બોલી.

“ક્વોલિટી માય ફૂટ! I can’t stand a second with her. (હું એક ક્ષણ પણ તેની સાથે નહીં રહી શકું.)” સ્નિગ્ધા બોલી.

“મને પણ નથી લાગતું એની સાથે ફાવે.” ઉત્કર્ષ બોલ્યો.

“તો વળી, આઈ મીન આની સ્કવોડમાં આપડું શું ફ્યુચર થશે? આ આવી રીતે જ આપડી પર ઓર્ડર ઠોકતી રહેશે. જાણે આપડે એના ગુલામ હોઈએ.” સ્નિગ્ધાએ કહ્યું. સૌ તેને જોઈ રહ્યા હતા, બે ક્ષણ શાંતિ જળવાઈ.

“મને લાગે છે મારે બીજા કોઇની સ્કવોડમાં જતાં રહેવું જોઈએ.” યશવી બોલી.

“મને પણ એમ જ લાગે છે.” સ્નિગ્ધાએ કહ્યું. ઉત્કર્ષ તેને જોઈ રહ્યો.

“આપડે એને વાત કરી જોઈએ કે શાંતિથી વાત કરે બાકી અમે નિકળી જઈશું. તો કદાચ એ તેનો એટીટ્યુડ ફિક્સ કરે?” દેવર્ષી બોલી. બોલી રહી હતી કે પૂછી રહી હતી સમજ ના પડી.

“એ નહીં બદલાય.” ઉત્કર્ષ બોલ્યો.

“આઈ થિંક હું પણ બીજી કોઈ સારી સ્કવોડમાં જવા માંગીશ.” અરશ બોલ્યો.

“ઓકે, જો બધા સ્કવોડ બદલવા તૈયાર હોવ તો આપડે સાથે નીકળવાની વાત કરીએ અથવા બીજા સારા લીડર આપવાની વાત કરીએ.” ઉત્કર્ષ બોલ્યો. બધા તેની સાથે સહમત થયા સિવાય ઈમેન્યુઅલ. પાંચેય તેને જોઈ રહ્યા. તે ખુરશીમાં બેઠો હતો અને ઉપર ગરદન રાખી કશાક વિચારમાં ખોવાઈ ગયો હતો. ઉત્કર્ષે તેને હળવો ઠોંહો માર્યો.

“હંહ? એના કાન પાસેની કલમ કેવી સરસ લાગતી હતી... યાર! સો ક્યૂટ!” ઈમેન્યુઅલ બોલ્યો. તેના ચહેરા પર સ્નેહની ખુમારી તરી આવી. સભ્યોએ તેની અવગણના કરી, ઈમેન્યુઅલ કોઈ ગીતની ધૂનમાં ખોવાઈ ગયેલો લાગ્યો. અરશ બોલ્યો: “રોનાલ્ડ સરને વાત કરી જોઈએ.”

“હા. એમણે અને ભંવરસરે સ્કવોડ બનાવી છે તો તેમણે જરૂર ચેન્જ કરી આપશે.” યશવીએ કહ્યું.

“એની નોઝપીન યાર…! નાના અમથા નાકમાં ગોલ્ડન નોઝપીન! આખી કાયા એની ગોલ્ડ જેવી અને એમાં ગોલ્ડન નોઝપીન! આફરીન આફરીન! બધુ લૂંટાવી દવ, કુર્બા કરી દવ મારૂ બધુ એના પર!” ઈમેન્યુઅલ બોલ્યો અને પગ લાંબા કર્યા. માથા પાછળ બંને હાથ જવા દઈ તેણે ટેકો દીધો.

“તું એની વાત ના કર, મને ચીતરી ચઢે છે.” સ્નિગ્ધા બોલી.

“તમે એની ગરદન જોઈ? એવું લાગે જાણે કિસ કરવા જ બની હોય. આકર્ષતી હોય એના તરફ!” કહેતા આપમેળે ઈમેન્યુઅલની આંગળી હોઠ પર ફરવા લાગી જાણે ગીતાંજઌનો ચહેરો નજીક હોય.

“અરરર... છી!” સ્નિગ્ધા બોલી.

“કઈક સારી વાત હોય તો કરને.” યશવીએ કહ્યું.

“ભાઈ... અહીં શું વાત થઈ રહી છે અને તું શું બોલી રહ્યો છે?” ઉત્કર્ષે કહ્યું.

“આ લાગે છે એની સ્ક્વોડમાં જ રોકાશે હે ને?” અરશે હાસ્ય સાથે ઈમેન્યુઅલને પૂછ્યું. ઈમેન્યુયલે તેની સામે જોયું અને તેની વાત હસી કાઢી.

“આરવ સરની ટિમ કેવી સરસ છે. ‘ને એ બોવ ઇન્ટેલીજન્ટ છે, તેણે જે કેસ હાથમાં લીધા, બધા સોલ કરી નાખ્યા છે.” દેવર્ષીએ કહ્યું.

“એમ તો ગીતાંજલીએ પણ દરેક મિશન પાસ કર્યા છે.” ઉત્કર્ષે કહ્યું.

“ ’ને મેં હમડા સાંભળ્યું આરવ સરની સ્કવોડ ઓફિસ બાદ ચા પીવા જવાના છે. એકબીજાને જાણવા, ફ્રેંડશિપ કરવા.” સ્નિગ્ધાએ કહ્યું.

“સચ અ ગુડ લીડર!” દેવર્ષીએ કહ્યું.

“અને એ હેન્ડસમ પણ લાગે છે.” સ્નિગ્ધાએ કહ્યું.

“ગાઈસ બીજી પણ સારી ટીમ્સ છે, નેલ્સન સરની, તૃપ્તિ મેમની, એ લોકોની ટીમમાં મોસ્ટલી બોઈઝ છે.” અરશ બોલ્યો.

“બોઈઝ જ છે એટલે વોટ ડુ યુ મીન? as a pro you’re considering it? (એ મુદ્દાને તું શું હકારત્મક ગણે છે?” સ્નિગ્ધા છેડાઈ.

“મેં ક્યાં એવું કીધું?”

“What are you trying to implying by that? મોસ્ટલી બોઈઝ છે એટલે?” તે ખીજાઈ હતી. અરશ લપ કરવા ન હતો માંગતો:

“Nothing, leave it! Sorry!” અરશ પોચો થઈ બોલ્યો.

“ગાઈસ એક કામ કરીએ, બધા નક્કી કરી લો, કોને કોની ટીમમાં જવું છે? બ્હાર જઈને નામ આપી દઈએ. સિમ્પલ!” ઉત્કર્ષે સુજાવ આપ્યો.

“યસ, ધેટ્સ અ ગુડ આઇડિયા!” સ્નિગ્ધા બોલી.

“તો એમ જ કરીએ.” યશવીને પણ યોગ્ય લાગ્યું.

 

                              પાંચેય નક્કી કરી ઊભા થયા. ઈમેન્યુઅલ બેસી રહ્યો. તેનું સમર્થન કે તેનો અભિપ્રાય કોઈએ ન લીધો, એનાથી કદાચ કોઈને કશો ફરક પણ નહીં પડતો હોય. અન્ય સભ્યોને તેની વાત જાણવામાં રસ ન હતો પણ તેણે દીર્ઘદ્રષ્ટિથી વિચારી લીધું હતું. બ્હાર જઈ પાંચેય ભોપાળું વગાડે એ પહેલા તેણે એમને રોકી લીધા.

“વેઇટ...” તે બોલ્યો. ઉત્કષે દરવાજો ખોલ્યો. નીકળવાની જગ્યા પાતળી હતી, માટે બધા એક હરોળમાં ઊભા હતા. તેણે બધાની સામે જોયું અને કહ્યું:

“બે મિનિટ અંદર આવો...”

ઉત્કર્ષે દરવાજો આડો કર્યો. ઈમેન્યુઅલ કઈ કહે એ પહેલા સ્નિગ્ધા બોલી:

“આ રહી ગયો’તો બોલવામાં.” અંદર આવતા તે બોલી.

“બોલ, ઈમેન્યુઅલ.” યશવીએ કહ્યું.

“જલ્દી કરજે.” ઉત્કર્ષ બોલ્યો.

“હાયર ઓથોરીટીએ આપડી પ્રોફાઇલ જોઈને આપડને જે-તે સ્કવોડમાં રાખ્યા છે. હું કદાચ ખોટો હોય શકું છું પણ માની લો જો રેન્ડમલી પસંદ કરવાને બદલે ખરેખરમાં એબીલીટી અને સ્કિલ પ્રમાણે સિલેક્ટ કર્યા હશે તો?”

 

                              પાંચેય ઈમેન્યુઅલની વાત પર વિચાર કરવા લાગ્યા, ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા. તેણે બીજો મુદ્દો મૂક્યો.

“અને તમે બ્હાર જઈને એમ કહેશો કે અમારે ફલાણી સ્ક્વોડમાં જવું છે, લીડર બદલવો છે તો કારણ શું આપશો? વૃશ્વિક સરને અને રોનાલ્ડ સરને શું કહેશો? કેમ સ્કવોડ ચેન્જ કરવી છે?”

પાંચેય જણ એ બાબત પણ વિચારવા લાગ્યા.

“તેના એટીટ્યુડના કારણે તમે સ્કવોડ બદલવા માંગો છો એ બાબત જ કેટલી સ્મોલ લાગશે વિચારી જુવો. ‘ને જો ઓથોરીટી તમારી વાત માનશે તો પણ આપડને બીજાની સ્કવોડમાં નૈ નાખે.”

“કેમ?” યશવીએ પૂછ્યું.

“બધી ટીમમાં સાત-સાત જણ છે. તમને એમની સ્કવોડમાં લેશે તો બીજી ટીમમાં મેમ્બર ઓછા લાગે. જો કોઈપણ ટીમમાં આપડને ના લે તો શું થાય ખબર છે?” ઈમેન્યુયલે બધાને પૂછ્યું.

“શું? સ્નિગ્ધાએ પૂછ્યું. કોઈ રસપ્રદ ફિલ્મ જોઈ રહ્યા હોય એમ પાંચેય ઈમેન્યુઅલમાં ગળાડૂબ થઈ ગયા હતા. ઈમેન્યુયલે વારાફરતી બધાની સામે જોયું. અરશે પૂછ્યું:”શું થશે?” સૌની નજરમાં જાણવાની જિજ્ઞાસા દેખાઈ આવી.

“આપડને અહીંયા બેકઅપ ટિમ તરીકે રાખશે. લાઈક, બીજી સ્કોવ્ડ્સ ઓન ફિલ્ડ મિશન પર ગઈ હોય અને આપડે ઓફિસમાં બેઠા-બેઠા તેમને માહિતી પૂરી પાડવાની.” ઈમેન્યુયલે જણાવ્યુ.

“ધેટ્સ નોટ ગુડ!” અરશ બોલ્યો.

“હા યાર, ફિલ્ડ પર જવા ન મળે તો અહીં બેસી શું કરવાનું? કંટાળો આવે.” સ્નિગ્ધાએ કહ્યું. દેવર્ષિને ઈમેન્યુઅલની વાત યોગ્ય લાગી રહી હતી.

“તું આટલું સ્યોરથી કેવી રીતે કહી શકે છે?” ઉત્કર્ષ બોલ્યો.

“હું અઝ્યુમ કરું છું. (ઈમેન્યુઅલ બોલી રહ્યો હતો દરમિયાન ઉત્કર્ષ હસ્યો) કોઈ સોલીડ રીઝન વગર એવી રિકવેસ્ટ લઈ જાવ તો પ્રોબલમ થાય.”

“અઝ્યુમ... હંહ? તું વૃશ્વિક છે? કમિશ્નર છે? તો તને ખબર હોય.” ઉત્કર્ષ બોલ્યો.

“એ વાત પણ છે, ઓથોરિટીઝ શું નિર્ણય લે આપડને કેવી રીતે ખબર પડે?” સ્નિગ્ધાએ કહ્યું.

“Do what you want to think! પણ જો બ્હાર જઈ એટીટ્યુડવાળી વાત કરશો તો તમારું જ ખરાબ દેખાશે.” ઈમેન્યુઅલ બોલ્યો.

“તારે એની ટીમમાં રે’વું છે એમ બોલને. એની પાછળ લટ્ટુ થઈ ગયો છે તું માટે અમને રોકે છે ડા’યા, હૈ ને?” સ્નિગ્ધા બોલી. ઉત્કર્ષ-અરશ હસ્યા.

“એની નજીક જવા મારે તમને કોઈને હારે રાખવાની જરૂર નથી. જસ્ટ તમે કોઈ અત્યારે લાંબુ વિચારતા નથી માટે એક ચેતવણી આપી, જેથી ભવિષ્યમાં જો એક સ્કવોડમાં આવીએ તો તમે મને ઇગનોર ના કરો જેમ હમડા કરી જઈ રહ્યા હતા.” ઈમેન્યુઅલે જણાવ્યુ. બાદ ઉમેર્યું: “અને હા, હું એની સ્કવોડ છોડીને જવાનો નથી.”

“હા, મારે પણ નથી જવું.” દેવર્ષી બોલી.

“હમડા તો તને એ ખરાબ લાગતી’તી અને હવે ગમવા પણ લાગી?” સ્નિગ્ધા બોલી.

“સી ગાઈસ, ટીચર જેટલા સ્ટ્રિક્ટ હોય એટલા સ્ટુડન્ટ વધારે સીંસિયર રહે.” દેવર્ષી પોતાના બચાવમાં બોલી.

“This is not a school Devarshi! કોઈ એક સ્ટેન્ડ લે તું.” ઉત્કર્ષ બોલ્યો.

“ઓકે. મને ઈમેન્યુઅલની વાત સાચી લાગે છે. હું ગીતાંજલીની સ્ક્વોડમાં રહીશ.” દેવર્ષી બોલી.

“ઈમેન્યુઅલની વાત!?! વોટ યાર... ક્રેઝી ટોક!” સ્નિગ્ધાએ કહ્યું.

“પણ એને ગીતાંજલીની ટીમમાં રહેવું છે, તો રે’વા દે’ને તને શું પ્રોબલમ છે એમાં?” ઈમેન્યુઅલ બોલ્યો. સ્નિગ્ધા બોલી:

“બધા ગાંડા થઈ ગયા છો!”

“તું લાગે છે ગાંડી!” ઈમેન્યુઅલ સ્નિગ્ધાને બોલ્યો.

“આવી રીતે તો કઈ કંક્લુઝન નહીં આવે...” દેવર્ષીએ કહ્યું.

“મને તો કંટાળો આવે છે.” ઉત્કર્ષ બોલ્યો.

“તું હઈશ ગાંડો! બોવ દોઢ ડાયો ના થઈશ મારી આગળ!” સ્નિગ્ધા બોલી.

“એ તો દેખાય છે કોણ ગાંડા જેમ બોલે છે.” ઈમેન્યુયલે સામે જવાબ આપ્યો.

“તું...” સ્નિગ્ધા બોલી રહી હતી, તેને અટકાવતાં યશવી બોલી:

“ગાઈસ, ગાઈસ એક સેકન્ડ પ્લીઝ લડશો નહીં.”

“હા, યશવીને સાંભળો એ કઈક કે’ છે.” અરશ બોલ્યો.

“થેન્ક યુ અરશ. એક કામ કરીએ વોટિંગ કરી લઈએ. (ટેબલ પરથી ડારી ઉઠાવી) બધા તેમની ચિઠ્ઠીમાં તમારો મત લખી દો. બીજી કોઈ ચર્ચા કે દલીલ ના કરશો.” યશવીએ કહ્યું.

“રાઇટ!” યશવી સાથે સહમત થતાં અરશ બોલ્યો.

“ઓકે. સારો આઇડિયા છે!” ઉત્કર્ષે કહ્યું.

 

                              ડાયરીમાંથી પેજ ફાડયું. સૌને એક એક ટુકડો આપ્યો. બધાએ થોડી ક્ષણો વિચારવામાં નિકાળી. બાદ પોતાનો મત ટાંકયો અને ચિઠ્ઠી વાળી. યશવીએ બધા પાસેથી ચિઠ્ઠી લીધી, તે ઈમેન્યુઅલ પાસે આવી. ઈમેન્યુયલે ચિઠ્ઠી ખોલીને આપી અને છાતી ઠોકી કહ્યું: “With Gitanjali!” કો’ક ભેદી નજરે, તો કોઈક આશ્ચર્ય સાથે અથવા તિરસ્કારથી તેને જોઈ રહ્યું. બધાની ચિઠ્ઠી લઈ યશવી આવી અને બોલી: “ઓકે, તો ગીતાંજલી મે’મની ટિમ માટે એક Yes છે. ઈમેન્યુઅલ ટીમમાં રહેવા માંગે છે. બાકીની ચિઠ્ઠી જોઈ આપડે ટોટલ મારીશું.” કહી તેણે બીજી ચિઠ્ઠી ઉઠાવી, જેમાં લખ્યું હતું: OUT! સ્નિગ્ધા ખુશ થઈ. યશવીએ બીજી ચિઠ્ઠી ઉઠાવી: OUT! સ્નિગ્ધા ઉત્સાહમાં આવી તાળી પાડવા લાગી. યશવીએ ચોથી ચિઠ્ઠી ઉપાડી, જેમાં લખ્યું હતું: IN! સ્નિગ્ધા શાંત પડી.

“તો સ્કોર ઇક્વલ થયો છે. હવેની બે ચિઠ્ઠી જોઈએ શું કે’ છે.” કહેતા યશવીએ પાંચમી ચિઠ્ઠી ખોલી: IN!

“What the hell!” સ્નિગ્ધા ડઘાઈ ગઈ, આશ્ચર્ય પામી હમણાં સુધી સૌ કોઈ સ્કવોડમાંથી નીકળવા માંગતુ હતું અને અચાનક બધા હા પાડી રહ્યા હતા. યશવીએ છઠ્ઠી અને આખરી ચિઠ્ઠી ખોલી: IN!

“ધત!” ઉત્કર્ષે ખુરશીને ધક્કો માર્યો. સ્નિગ્ધાના હોશ ઊડી ગયા. બાકી સૌ મૌન રહ્યા. બધાના ચહેરા જોઈ યશવીને ખ્યાલ આવી ગયો, ઉત્કર્ષ-સ્નિગ્ધા સિવાય તમામ ગીતાંજલીની ટીમમાં રહેવા માંગતા હતા.

“ઓકે, તો ગાઈસ આઈ થિંક સ્નિગ્ધા અને ઉત્કર્ષ જ સ્કવોડ બદલવા માંગે છે. તો તમે બંને એ વાત કરજો. બાકી આપણે ગીતાંજલીની સ્કવોડ કંટીન્યુ કરીશું. રાઇટ?” યશવી બોલી.

“રાઇટ.” ઈમેન્યુઅલ અને અરશ સાથે બોલ્યા.

“યસ.” દેવર્ષીએ કહ્યું.

 

                              સ્નિગ્ધાને આગળ કઇપણ બોલવું વ્યર્થ લાગ્યું માટે તે ચૂપ રહી. બધાએ બ્હાર જવાની તૈયારી બતાવી. બ્હાર નીકળી રહ્યા હતા ત્યારે તેણે ઉત્કર્ષને કહ્યું: “આપડે બે જ આખી સ્કવોડમાં મગજથી વિચારીએ છીએ.(તે હસી) તું કોની સ્ક્વોડમાં જવા માંગે છે?”

“જોઈએ...” તે બોલ્યો.

 

                              ગીતાંજલી આરવના પીસી પાસે બેસી વાત કરી હતી: “મેં એવા ગુસ્સાથી બધાયને ધમકાવ્યા છે ને, તું જોજે બ્હાર આવીને કહેશે અમારે સ્કવોડ ચેન્જ કરવી છે.” કહી તે હસવા લાગી.

“વાહ, જબરું. ચાલક છું તું બોવ.” આરવ બોલ્યો.

“તો બનવું જ પડે ને યાર, I’m sick of the field job!(હું ફિલ્ડના કામથી કંટાળી ગઈ છું) કોણ લીડરની રિસ્પોન્સ્બિલિટી સંભાળે? મિશન પ્લાન કરવાનો? બધુ ધ્યાન રાખવાનું, જીવના જોખમે રિસકી જગ્યામાં જવાનું અને જો કોઈ મેમ્બરને કઈ થાય તો બધા લીડરને પકડે! બોલે કે’ લીડર બચી ગઈ અને મેમ્બર મરી ગઈ અથવા ગયો? પોતાનો જીવ જોખમમાં મૂકી મિશન લેતા હોઈએ અને પછી આવું સાંભળવું પડે એના કરતાં મસ્ત અહીં બેઠા-બેઠા ઓફિસ વર્ક ના કરું. નો રિસ્ક, હેપ્પી લાઈફ!” તે બોલી.

 

                              ગીતાંજલીની સ્કવોડ મિટિંગરૂમમાંથી બ્હાર નીકળી, એ તરફ આવી રહી હતી. સ્કવોડને આવતા જોઈ આરવ બોલ્યો: “તારી સ્કવોડ આવી.” ગીતાંજલીએ નજર નાખી અને ટેબલ પરથી નીચે ઉતરી, ગંભીર મુદ્રામાં ઊભી રહી. છએય જણ તેની સામે ઊભા રહ્યા, ગીતે પૂછ્યું: “સો, વોટ યુ હેવ ડીસાઇડેડ?”

 

                              ઉત્કર્ષે વિચાર્યું:‘કોઈ એની સ્કવોડમાંથી નીકળવા નથી માંગતુ, જો હું સ્કવોડ ચેન્જ કરવા રિકવેસ્ટ કરીશ તો હું નબળો દેખાઈશ.’ સ્નિગ્ધા પણ વિચારી રહી હતી:‘આ બધા જો સ્કવોડ ન બદલવા માંગતા હોય તો મારે પણ ન બદલવી જોઈએ. દેવર્ષીનો પણ સાથ છૂટી જશે. મારે બેઠા બેઠા ઓફિસવર્ક નથી કરવું કઈ.’ યશવીએ જણાવાનું શરૂ કર્યું: “મે’મ અમે નક્કી કર્યું છે તમારી સ્કવોડમાં કંટીન્યુ કરીશું, except…”

“યસ મેડમ! આઇ’મ લૂકિંગ ફોરવર્ડ ટુ વર્ક વિથ યુ!” ઉત્કર્ષ બોલ્યો. અન્ય સ્કવોડ મેમ્બર્સ તેની સામે જોઈ રહ્યા.

“યસ. મે’મ, વી આર ઇન!” સ્નિગ્ધા બોલી. તેણે પણ ન છૂટકે ગીતાંજલીના સ્ક્વોડમાં રહેવાનો નિર્ણય કર્યો. એમ પણ તે એકલી પડી ગઈ હતી.

“તે સાંભળ્યું ગીતાંજલી? સ્કવોડ 7 ઓફિશ્યલી ઓન બોર્ડ થશે. You gonna save this country!” ઉત્સાહ સાથે આરવ બોલ્યો. ઉદાસભાવે ગીતાંજલી એને જોઈ રહી. તેની યોજના ફેરવાઇ ગઈ. આરવ મજા લઈ રહ્યો હતો, તે હસવા લાગ્યો. ગીતાંજલી સ્કવોડને તેમના પીસીની બેઠક તરફ લઈ ગઈ અને પ્રોસેસ જણાવી.

“આપ સૌને અભિનંદન! તમે બધા ઓન બોર્ડ થયા છો, આપડે મિશન પર જવાનું થશે. જેમાં જીવનું જોખમ હોય શકે. બધી રીતે વિચારીને નિર્ણય કરજો.”

“નો ઇસ્યુઝ.” અરશ બોલ્યો.

“આઇમ રેડી!” ઈમેન્યુઅલ બોલ્યો.

“ગુડ.” ગીતે કહ્યું.

“મે’મ આપડી ટીમનું શું નામ રાખવું છે?” યશવીએ પૂછ્યું.

“કશું નામ રાખવાની જરૂર નથી. આપડે અહીંયા જોબ કરવા આવ્યા છીએ. રમત રમવા નહીં.” ગીતાંજલી બોલી.

“ઓકે.” ધીમેથી યશવીએ કહ્યું.

“પહેલા મેડમ ઈંટરોડકસન તો થઈ જાય. Hi, I’m Emmanuel.” કહી સ્મિત સાથે હાથ લંબાવ્યો. એક ક્ષણ ગીતાંજલી જોઈ રહી, પછી કૃત્રિમ સ્મિત આપી, હાથ મિલાવી બોલી: “હું ગીતાંજલી પણ આપડે અહીં જાણ પહેચાન કરવા નથી આવ્યા. We have work to do!” તે બોલી અને હાથ છોડવા પ્રયત્ન કર્યો પણ ઈમેન્યુયલે હાથ મળાવી રાખ્યો. ગીતે હાથ ખેંચ્યો. ઈમેન્યુયલે પકડ ન છોડી. ગીતે તેની સામે જોયું: “હાથ છોડ.”

“પકડી રાખવા દોને, મજા આવે છે.” તે બોલ્યો, બધા હસવા લાગ્યા.

“ફ્રિક છો કે શું?” ગીતાંજલી બોલી.

ઈમેન્યુયલે સામેથી હાથ છોડ્યો અને કહ્યું: “Nice bracellette!” સૌની નજર ગીતાંજલીના હાથ પર ગઈ. ઈમેન્યુઅલ તેની સામે સ્મિત કરી રહ્યો હતો.

 

                              છેલ્લા એક કલાકમાં પહેલીવાર ગીતના ચહેરા પર સ્મિત દેખાયું. તેનું સ્મિત જોઈ ઈમેન્યુઅલ ખુશ થઈ ગયો.

“અરે આ તો હસે પણ છે!” ઈમેન્યુઅલ બોલ્યો.

“કોણ છે આ નોટ?” મોએ હાથ રાખી હાસ્ય રોકતા ગીતાંજલી બોલી.

 

                              ઈમેન્યુઅલ તેની આંખોમાં જોઈ રહ્યો. મિટિંગ આગળ ચાલી. તે પ્રોસેસ સમજાવી રહી હતી. કેવી રીતે રૂલ્સ ફોલો કરવાના. કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવાની વગેરે. ગીતાંજલીનો સેસન પત્યા બાદ યશવીએ તેનો આભાર માન્યો:”થેન્ક યુ મેમ અમને સમજાવવા માટે. આપડી સ્કવોડને શું કહીને બોલાવીશું?”

“કોઈ નામ નહીં, જસ્ટ સિમ્પલ સ્કવોડ7. ધેટ્સ ઈટ!” ગીતાંજલી બોલી.

“ઓકે.” યશવી બોલી, તે થોડી નિરાશ લાગી.

“એક્ચ્યુલી જોવા જઈએ તો સ્કવોડ સેવન એક યુનિક નામ જ છે.” ઈમેન્યુઅલ બોલ્યો. સૌ તેની સામે જોઈ રહ્યા. ગીતાંજલી પણ તત્પરતાથી તેને જોઈ બોલી:

“અચ્છા? કેવી રીતે સ્કવોડ7 યુનિક નામ છે?”

“અંગ્રેજી આલ્ફાબેટમાં સાતમો અક્ષર કયો આવે છે?“ તેણે પૂછ્યું.

બે ક્ષણ વિચાર્યા બાદ અરશ અને દેવર્ષી સાથે બોલ્યા: “G!”

“ધેર યુ ગો! G ફોર ગીતાંજલી! સ્કવોડ સેવન.” ઈમેન્યુયલે કહ્યું.

“Wow what a unique thought! Not bad! We are like magnificent seven!” સ્નિગ્ધા બોલી.

“મગજ સારું ચાલે છે તારું, ધ્યાન રાખજે, ક્યાંય મરી ના જતો.” ગીતાંજલીએ ઈમેન્યુઅલ બોલી.

“હવે, તમારી છત્રછાયામાં આવ્યા એટલે ગોળી ગોળીનો રસ્તો શોધી લે અને ગુનેગાર ગુનેગારનો. આપણને કઈ ના થાય.”

 

                              ગીતાંજલી હસી. મિટિંગ પૂરી કરી. તે ઝારા-આરવ સાથે ચા પીવા ગઈ ત્યારે સ્કવોડની વાત નીકળી.

“તારી સ્કવોડમાં કેવા છે ન્યુ જોઈની?” ઝારાએ પૂછ્યું.

“સારા છે. મિક્સ. કોઈ એક્ટિવ, કોઈ ઓછું એક્ટિવ, કોઈક ઈન્ટ્રોવર્ટ. એક છોકરો છે ઈમેન્યુઅલ. I like his daring! બેધડક બોલી નાખે, ફ્લર્ટ કરે. ઓન ધ સ્પોટ હાજર જવાબ હોય એના. આવો ટીમમાં એકાદ હોવો જોઈએ. માહોલ હળવો રહે.”

“ઈમેન્યુઅલ. જબરું નામ છે. સારું છે. ઈંટરસટિંગ!” ઝારા બોલી. પછી તેઓ અન્ય વાતો કરતાં રહ્યા.

 

                              બીજા દિવસે દરેક સ્કવોડને મિશન મળવાના હતા. અગાઉથી એના માટે તૈયાર રહેવામાં કહવાનું આવ્યું.

 

*

 

(વર્તમાન દિવસે)

 

                              અત્યારે ગીતાંજલીની સ્કવોડ તેના વગર નિરાધાર બની હતી. એક ખાલીપો હતો, જે સ્કવોડના ચહેરા પર વર્તાઇ રહ્યો હતો. એક ઉણપ હતી, જે ઈમેન્યુઅલને ગીત વગર લાગી રહી હતી. સ્કવોડમાં સૌથી આગળ અરશ ઊભો હતો, તેના પાછળ સ્નિગ્ધા, દેવર્ષી, યશવી, ઉત્કર્ષ અને ઈમેન્યુઅલ અનુક્રમે ઊભા હતા. સુરક્ષાની બાબત પર સેસન ચાલી રહ્યો હતો. દરેક કર્મચારીને પોતાની પિસ્તોલ સાથે રાખવા અરજ કરવામાં આવી.

 

*

 

મિશન: ૧ (અહીંથી શરૂઆત થઈ હતી, ગિફટી સિટી સ્થિત આઇ.બી.ના પ્રથમ મિશનની.)

[RESCUING THE BETA PILOT]

 

                              હિમાચ્છાદિત પર્વતોની પાછળ એક નદી વહેતી. એની પાસે ગામ પડતું. બે બાળકો નદી કિનારે રમી રહ્યા હતા. સિક્કિમના ડોલમા સામ્પા જિલ્લાની આ વાત છે, ઇન્ડો-ચાઈના બોર્ડર પાસે આવેલું એક શહેર. કહેવા માટે તો જિલ્લો હતો પણ નાના શહેર જેવી દસેક ઇમારત અને ગ્રામ્ય શૈલીના મકાનોની વસાહત નદી-પર્વતના ઢોળાવ પાસે ક્યાંક ક્યાંક વસી હતી. નદી પાસેનો પ્રદેશ માટી, ઢેફા-ઢેખરાથી પથરાયેલો રહેતો.

 

“ગગસીંગ શ્યાંગવો કેશો...” ૯ વર્ષનો ઝેન તેના મોટા ભાઈને કઈક કહી રહ્યો હતો. તેનો મોટો ભાઈ ઝીમ નદી પાસે રમકડાનું એરોપ્લેન ઉડાવી રહ્યો હતો. પ્લેન અત્યંત વેગમાં ફરી રહ્યું હતું. ઝેન તેના મોટા ભાઈને કહી રહ્યો હતો:

“ગગસીંગ શ્યાંગવો કેશો... (ભાઈ, ભાઈ મને ચલાવા દેને.)”

“વો ગંકેશી ફેય, વેશિમો વો કે શીદે શીનાઓની ઝોંગ સીલે, ૫ દાઓ ૧૫ ફેઞ્ઝોંગ હો દાઓ!”(મેં હજી ઉડાડવાનું ચાલુ જ કર્યું છે, તું હંમેશા હું રમવાનું ચાલુ કરું ત્યારે જ કેમ આવે છે? ૫ કે ૧૫ મિનિટ પછી આવજે.) ઝીમ બોલ્યો.

 

                              આવી જ એક વસાહતમાં ભારતીય એરફોર્સના નિવૃત્ત પાઇલોટ લીએન શાઓ પરિવાર સાથે રહેતા હતા. તેમને વિજ્ઞાનમાં ઘણી રુચિ હતી. નિવૃત્તિ બાદ લીએન તેમના અધૂરા સંશોધન પર પાછા ફર્યા હતા. ૨૦ વર્ષ પહેલા એક કલ્પના કરી હતી, જેને હકીકત બનાવા અથાગ પ્રયત્નો કર્યા. ISROની મદદ માંગી. વિષય રસપ્રદ હતો, તો ISRO પણ સંશોધનનો ભાગ બન્યું. એમ વિચારી કે આ ખોજથી ઇતિહાસ રચશે પણ બાબત એવી સીધી-સરળ ન હતી. જોઈતો સમય, નાણાં અને સ્ત્રોત પ્રોજેકટ પાછળ લગાવી દીધા. ૨ વર્ષ લીએનની યોજના પર કામ કર્યા બાદ પણ યંત્ર કામ ન હતું કરી રહ્યું.

 

                              ISROએ લીએનનો પ્રોજેકટ બંધ કર્યો. કારણ એ યંત્ર બનાવું શક્ય ન હતું લાગી રહ્યું. લીએન પણ નોકરીમાં વ્યસ્ત બની ગયો હતો પણ તેણે સંશોધન કાર્ય છોડ્યું નહીં. વચ્ચે-વચ્ચે સમય મળતા તે કામ હાથમાં લેતો પણ વાત બની ન હતી રહી. નિવૃત્ત થયાના આજ દિન સુધી સંશોધન કાર્ય ન છોડ્યું, પોતાની અંદર ઉમ્મીદના કોલસા સળગાવી રાખ્યા. એક દિવસ તો અજવાળું પ્રજવળશે. સંશોધનની ગણતરી માંડવાની યથાવત રાખી. એક રાત સ્ટડી રૂમમાં રિસર્ચ કરી રહ્યા હતા. ત્યારે પાણી પીવા ઊભા થયેલા ઝિમે કક્ષની લાઇટ ચાલુ ભાળતા, અંદર ગયો.

“પપ્પા શું કરો છો?” તેણે ચીની ભાષામાં પૂછ્યું.

“મારી યોજના કામ નથી કરી રહી...” લીએને કહ્યું અને માથું ખંજવાળ્યું.

“મને સમજાવો. શું કરો છો?”

“આવ, બેસ મારી પાસે.” કહી લીએને ઝીમને પાસે બેસાડયો અને અત્યાર સુધીનું કાર્ય દેખાડ્યું. સંશોધનના પાનાં ફરતા રહ્યા, એમ-એમ ઝીમના મગજમાં વાત જઈ રહી હતી.

 

                              લીએન એક એવું એરક્રાફ્ટ બનાવા માંગતો હતો, જે રેડારમાં ન પકડાય. એના માટે તે ડિવાઇસની શોધ કરી રહ્યો હતો પણ છેલ્લા ર૦ વર્ષથી આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી. ઝીમ તેજસ્વી વિદ્યાર્થી હતો. નાનપણથી જ તેને સામાન્ય ભણતર શીખવી દેવામાં આવ્યું હતું. ૯ વર્ષની ઉંમરે બીજગણિત અને રસાયણ વિજ્ઞાન તેમજ પદાર્થ વિજ્ઞાન(ફિઝીક્સ) જેવા વિષયોનો પરિચય મેળવતો થઈ ગયો હતો. વિષયોને મગજમાં ઉતારવાની તેનામાં અસાધારણ પ્રતિભા હતી. લીએન અત્યારે જે કઈ પેપરવર્ક દેખાડી રહ્યો હતો, એ તેની સમજમાં સારી પેઠે ઉતરી રહ્યું હતું. એવું કહેવાય છે નવી પેઢી જૂની પેઢી કરતાં એક કદમ આગળ હોય છે, ઝીમ પણ પિતા કરતાં વિષયોના જ્ઞાનમાં ચતુર હતો.

 

                              સંશોધનના પેપરમાં તેણે જોયું, પિતાએ કરેલા સમીકરણો ઠીક હતા. છતાં, કેમ પ્રયોગમાં અમલ કરતાં અંતિમ પરિણામ નિષ્ફળ આવે છે? ઝીમ પણ મૂંઝવણમાં મુકાયો. તે બગાસા ખાવા લાગ્યો. લીએને જોયું, તે મનોમન હસ્યો, દીકરાની ઉંમર આ બધા માટે ઘણી નાની હતી. તેણે દીકરાને સૂઈ જવા કહ્યું. ઝીમને પણ તેમ કરવું યોગ્ય લાગ્યું. તે બોલ્યો:

“ગુડ નાઇટ પપ્પા! ‘ને તમે પણ જલ્દી સૂઈ જાવ.” કહી ઝીમ પાણી પીવા ગયો.

 

                              બીજા દિવસે સવારે ઝીમ લીએનના સ્ટડીરૂમમાં આવ્યો. સામે સોફા પર લીએન ઊંઘી ગયો હતો. તેના હાથમાં ચશ્મા અને કાગળ હતા. ઉપર કબાટમાંથી જૂની ફાઈલો લઈ ઝીમ સંશોધનનો અભ્યાસ કરવા બેઠો. કંપાર્ટ્મેંટ્સ, બોડી, એન્જિન, બોઈલિંગ સ્ટેશન વગેરે અંગેના પેપર્સ લીએને તૈયાર કર્યા હતા. ઝીમ બધુ વાંચવા લાગ્યો. બાદ તેણે પોતાનું ઈક્વેશન જોડ્યુ.

 

                              યંત્રના મોડલમાં તેણે થોડા બદલાવ ટાંકયા. એના પર પિતા-પુત્ર વચ્ચે ઘણી દલીલ થઈ. અંતે ઝીમના બદલાવ સાથે પ્લાન એપ્લાય કર્યો. નદી કિનારે લીએને તેના વખારમાં(વેરહાઉસ) Seaplane માટે ડેક સ્ટેશન બનાવ્યું હતું, જ્યાં પ્લેન પડ્યું રહેતું. બાજુમાં કેબિન જેવી ઓરડી બનાવી હતી. જે સ્ટડીરૂમ તરીકે વાપરતો. વિમાનમાં ટ્રાન્સમિશન યંત્ર લગાવી મોડલ ફિટ કર્યું. બાદ ઉડાન ભરવાની તૈયારી શરૂ કરી.

 

                              પ્લેનને ડેકની બ્હાર કાઢવા વેરહાઉસના બંને શટર ઉપર કર્યા. જે નદી તરફ ખૂલતાં. બીજા બે ઇલેક્ટ્રીક પતવાર જેવા યંત્ર વેરહાઉસમાં ખાસ વિમાન માટે ફિટ કરવામાં આવ્યા હતા. જે વિમાનને આગળ-પાછળ ધકેલતા. એના ઉપયોગથી પ્લેન ડેક સ્ટેશનની બ્હાર લેવાયું. લીએન પ્લેનમાં ચઢ્યો. ઝીમ નદી કિનારાથી દૂર એક પથરા પર R-detecter નામના યંત્ર સાથે ઊભો હતો. તેના હાથમાં વોકી ટોકી હતું. લીએને પૂછ્યું: “આર વી રેડી?”

“યસ. ગો અહેડ, બેસ્ટ ઓફ લક!” ઝીમ બોલ્યો.

 

                              લીએને પ્લેન ટેક ઓફ કર્યું. દરમિયાન પૂર ઝડપે પવન વાયો. નદીનું પાણી ખોરવાયું, પાણીની સપાટી પર સીપ્લેન દોડ્યું અને પછી હવામાં ઉડાન ભરી. ઝિમે R-detecter યંત્ર ચાલુ કર્યું. હજુ પણ રેડારમાં પ્લેન ડિટેક્ટ થઈ રહ્યું હતું. તે ખૂબ જ નિરાંશ થયો, તે ચાહતો હતો તેનું ઈક્વેશન કામ કરે. જીવનમાં પહેલી વાર તે નિષ્ફળ ગયો. આનાથી તેના ચહેરા પર ભારે ઉદાસી છવાઈ ગઈ. લીએને જાળવીને પ્લેન ઉતાર્યું, સુરક્ષિત રીતે ડેક સ્ટેશનમાં પ્લેન પાર્ક કરી દીધું. ઝીમ પાછો વેરહાઉસ આવ્યો. તે રડ્યો હતો, લીએને પૂછવાની જરૂર ન રહી કે ડિટેક્ટ થયું હતું કે નહીં? તેણે દીકરાને પૂછ્યું:

“હેય, કેમ રડે છે તું?”

“મારૂ ઈક્વેશન ખોટું પડ્યું. પ્લેન ડિટેક્ટ થાય છે હજીપણ.” કહી ઝીમ ફરી આંસુ સારવા લાગ્યો. લીએન હસ્યો અને બોલ્યો:

“લે, તો એમાં રોવાનું થોડી હોય દીકરા... વિજ્ઞાન ક્યારેક તમને અચંબિત કરી મૂકે તો ક્યારેક નિરાંશ પણ. આપડે એમ હાર ના માનવાની હોય.” કહી તેણે ઝીમને આલિંગન આપ્યું. ઝીમ તેના પિતાને વળગી ડૂસકાં ભરવા લાગ્યો.

“કોઈ કાર્યને દીકરા તારા મગજ પર એટલું હાવી ના થવા દઇશ કે એ તને દુખી કરી શકે. જીવનમાં એવું કઈ ન હોવું જોઈએ, જે સતત તમારા મગજમાં દુખને સ્થાન આપે. કાં તો પછી એ વસ્તુ મૂકી દો.” લીએને બોલ્યો. ઝીમ અળગો થયો.

“તો તમે કેમ હજી પણ આ ડિવાઇસ બનાવા પાછળ પડ્યા છો આટલા સમયથી?”

“આ મારૂ સપનું છે, મને ૧૦૦ વખત નિષ્ફળતા કેમ ના મળે, મને એ નિષ્ફળતાઓ દુખી નહીં કરી શકે. કારણ મેં આ કાર્યને મારા ઇમોશનને કંટ્રોલ કરવા નથી દીધા. છતાય, દુખ તો થાય જ જો મહેનતને આવકાર ન મળે તો.”

“તો તમને આનું દુખ કેમ નથી થતું?” ઝિમે પૂછ્યું.

“હા, બીજું એ પણ છે કે મેં મારા જીવનમાં બીજી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે કે જો આ એક સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય તો પણ કશો વાંધો નહીં. બેટા આવી બધી બાબતો મન પર નહીં લેવાની. રમત રમવા બેસું તો હાર્યા પછી શું થશે? એનો ખ્યાલ હોય તો જ રમવા બેસજે, પરીક્ષામાં બેસું તો ધ્યાન રાખજે જો નાપાસ થયો તો શું પરિણામ થશે અને જો સંશોધન કરવા બેસું તો તૈયારી રાખજે જો નિષ્ફળ જઈશ તો શું કરીશ? હંમેશા પ્લાન-B રાખવાનો. જેથી સમગ્ર અપેક્ષાઓ પ્લાન A પર જ ન રહે. જો પ્લાન A નિષ્ફળ જાય તો એટલું દુખ ના લાગે કારણ તમે તમારી અપેક્ષાઓ ફક્ત એ એક યોજના પર જ ન હતી રાખી. જો કાર્યનું પરિણામ સ્વીકારવાની સહનશક્તિ તારામાં હોય તો જ સફળ થવાની ઉમ્મીદ રાખજે દીકરા.” કહેતા તેઓ ઘર તરફ ફર્યા.

 

                              ઝીમ પિતા સાથે ડર્ટ બાઇક પર આવ્યો હતો. ઘરે જતી વેળાએ પણ તે સૂનમૂન બેઠો હતો. આ જોઈ લીએન બોલ્યો: “હવે, મૂક એ વાતને. તું તો પે’લી જ વાર ફેઇલ ગયો છું, હું છેલ્લા વીસ વરસમાં બોવ બધી વાર ફેઇલ ગયો છું અને રોવાનું બંધ કર. નહીંતર ઘરે તારી મા મને વઢશે. કહેશે ‘મારા છોકરાને રોવડાય-રોવડાય કરો છો.’ પછી એ તને મારી જોડે કામ નહીં કરવા દે.”

“ના, ના. હું નય રડું. બસ! પણ મારે તમારી જોડે કામ કરવું છે.” ઝીમ બોલ્યો.

“ગુડ. તો ઘરે જઈને સ્વસ્થ રે’જે, દુખી આત્મા જેમ ના ફરતો.” લીએને સૂચવ્યું.

“સારું.” ઝીમ બોલ્યો.

“એક બાબત યાદ રાખજે, જીવનની મુશ્કેલીઓને ચૂનૌતી તરીકે જોવાનું રાખ, કે આ કાર્ય એક ચેલેન્જ છે, તો એ કામ કરવામાં મગજ આપોઆપ પ્રેરણા આપશે.” લીએને જણાવ્યુ.

 

                              ઘરે આવી ફરી ઝીમ પેપરવર્ક તપાસવા લાગ્યો. ક્યાં ચૂક રહી ગઈ? તે જોવા લાગ્યો. બધુ તો બરાબર જ લાગી રહ્યું હતું. એ જ પદ્ધતિના સમીકરણમાં ફરી છેકછાક કરતાં વધારે મૂંઝવણ ઊભી થતી હતી, માટે ઝિમે નવી ઈક્વેશન લખવાનું શરૂ કર્યું. એના પછી મોડ્યુલ પર પણ કામ કરવાનું હતું. ઝીમ વધુ જુસ્સા-પ્રેરણા સાથે કામ કરવા લાગ્યો. બે દિવસ તેણે ઈક્વેશન બનાવામાં નિકાળયા. દસ ટકા જેટલું કામ બાકી હતું. તે વિચારી રહ્યો હતો આગળ કેવી રીતે સમીકરણ મૂકવું? લીએને તે પેપરવર્ક જોયા અને ગણતરી મારી દીધી. તેણે ઝીમને ત્યાં જ અટકાવ્યો:

“વેઇટ, વેઇટ... અહીંથી આગળ મને કરવા દે.” કહી લીએને કાગળ પોતાની પાસે લઈ લીધા અને ગણતરી માંડી, બાદ યોજનામાં બદલાવ કર્યો:

“તો મોડ્યુલનો C વાલ્વ કટ કરી, ડાઇરેક્ટ ફ્યુઅલ ટેન્ક સાથે લગાવી દઈએ, જેનાથી રેડિયો એક્ટિવ જ ના થાય કે ના કોઈ ઉપકરણ અંદર ચાલુ થશે. કોઈપણ ઉપકરણ જે ટાવર નેટવર્કના લીધે ચાલતું હોય એવું કશું નહીં લઈ જવાનું. જેમ કે ફોન, રેડિયો, વોકી-ટોકી વગેરે બધુ.”

ઝિમે કહ્યું: “આવું કેવું? અંદર ઇલેક્ટ્રિસિટી જ નહીં હોય તો લાઇટ વગર કેવી રીતે દેખાશે?”

“તો તારે અંદર જોવાનું છે કે સામે?”

“સામે.”

“બસ, તો અંધારામાં રહેવાની ટેવ પાડી દેવાની અને મીણબત્તી અને ટોર્ચ વસાવી લેવાની.” લીએને કહ્યું.

“ઇલેક્ટ્રિસિટી વગર એન્જિન સ્ટાર્ટ કેમનું થશે?” ઝિમે પૂછ્યું.

“બેટા, આ જો અહીં કામ પતી ગયું આપણું. મોડ્યુલનો C વાલ્વ ટેન્ક સાથે ફિટ થશે એટલે અંદર ઇલેક્ટ્રિસિટી નહીં હોય પણ ફ્યુઅલ અને ઓટો બેટરી અથવા જનરેટર ફિટ કરીશું એટલે એન્જિન રન થવા લાગશે.”

“એવું થઈ શકે?” ઝિમે પૂછ્યું.

“હા, પ્રયત્ન કરવામાં શું જાય છે? ૧૦૧મી વાર ટ્રાય કરી જોઈએ...” તે બોલ્યો. ઝીમ જોઈ રહ્યો, લીએન ખુશ લાગતો હતો.

“વાહ, બેટા વાહ! કમાલ કરી દીધી તે.” કહી ઝીમને ગળે લગાવ્યો.

 

                              ઝીમના પેપરવર્ક પ્રમાણે યોજના અમલ કરવામાં આવી. મોડ્યુલ ચાલુ કરી, પ્લેન ટેક ઓફ કરવાની તૈયારી બતાવી.

“આપણે ઇતિહાસ બનાવા જય રહ્યા છીએ મારા દીકરા...” લીએન બોલ્યો.

“ઊભા રો’ તમારો એક ફોટો પાડવા દો.” કહી ઝિમે તેના પિતાનો ફોટો પાડ્યો. પાઇલટ સીટ પર બેઠેલા લીએને થમ્સઅપની સંજ્ઞા બતાવી પોઝ આપ્યો, ઝિમે ફોટો પાડી, બેસ્ટ ઓફ લક કહ્યું. નીચે ઉતરી કેબિન તરફ ફર્યો. અંદરથી ‘R-detecter’ અને એરફોર્સની બેગ લઈ પથરા તરફ ગયો.

 

                              લીએને રન-વે જેમ પાણી પર પ્લેન દોડાવ્યું અને ટેક ઓફ કર્યું. ઝિમે R-detecter ચાલુ કર્યું. સ્ક્રિનમાં Finding… લખેલું આવ્યું. યંત્રમાં કોઈ સંચાર દેખાયો નહીં. સમગ્ર નક્શો લીલા કલરનો દેખાઈ રહ્યો. ૧ મિનિટ બાદ Finding… લખેલું જતું રહ્યું. અર્થાત પ્લેન ડિટેક્ટ ન હતું થયું. હરખ સાથે ઝીમ કુદવા લાગ્યો અને નાચવા લાગ્યો. R-detecter બાજુમાં ફેંકી તે ઝૂમતો ઝૂમતો રેતીવાળા વિસ્તારમાં આવ્યો અને એરફોર્સની બેગમાંથી સ્મોકકેન કાઢી જમીન પર મૂકી સળગાવ્યો. એમાંથી તિરંગાનો ધુમાડો આસમાનમાં ચડવા લાગ્યો. પછી ઝિમે રાષ્ટ્રધ્વજ નિકાળયો અને તેને પકડી બે હાથે ફેલાવી દોડવા લાગ્યો. ઉપર અવકાશમાં ઉડતા non-detect સીપ્લેનના પાઇલટે જમીન પર આ દ્રશ્ય જોયું, તે રાજી થઈ ગયો, આંખે હરખના આંસુ આવ્યા. ૨૦ વર્ષ...! Whole twenty freaking years! Oh god!’ તેના મોઢાથી શબ્દો નીકળ્યા અને તે રડી પડ્યો. પોતાના દીકરાને નીચે આનંદથી ઝૂમતો જોઈ ચહેરા પર સ્મિત આવ્યું.

 

 

                              તે પ્લેન લેન્ડ કરવા લાગ્યો. છેલ્લા વીસ વર્ષમાં વેઠેલો તમામ સંઘર્ષ વાગોળતો રહ્યો. કેટલી નિષ્ફળતા, કેટલા રિજેક્ષન! માણસોનું મોઢું ફેરવી લેવું, ઉજાગરાની રાતો, નિરર્થક પરિણામો, આર્થિક નુકશાન કેટલું બધુ વેઠયું હતું. ઓછામાં પૂરું આ બધાની માનસિક અસરો. પણ આજે સાલી એ અશક્ય બાબત શક્ય બની હતી. જે લોકોએ વિશ્વાસ ન હતો કર્યો એમને ખોટા ઠરાવી દીધા, તેના મનમાં ‘વંદે માતરમ’ ગીત ગુંજી રહ્યું હતું. નીચે આવી દીકરા ઝીમને હરખથી ગળે લગાવ્યો.

                              બાદ લીએને એરફોર્સના ચીફ કમાન્ડો કે.એમ. ભેયરપ્પાને આ શોધ અંગે જાણકારી આપી. આ બાબત અવિશ્વસનીય લાગી રહી હતી. જ્યારે લીએને તેમાં સફળતા મેળવી જ લીધી છે તો વધુ સમય વેડ્ફ્યા વગર તેને ઉપયોગમાં લેવું જોઈએ, એવું ભેયરપ્પાએ સૂચવ્યું. એના માટે લીએનને દિલ્હી બોલાવ્યો. લીએને કહ્યું, તમે ડેમો જોવા સિક્કિમ આવો, પછી આપડે આગળની ચર્ચા કરીશું. અઠવાડીયા પછી ભેયરપ્પાએ આવવાનું કહ્યું.

 

                              ત્યાં સુધી બાપ-દીકરો આગળનું પેપરવર્ક કરવા લાગ્યા. વેરહાઉસથી લીએનનું ઘર ૧૦ કી.મી.ના અંતરે હતું. કે.એમ. ભેયરપ્પા સાહેબને લીએને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. અઠવાડિયું વીતી ગયું. ચીફ કમાન્ડર કે.એમ. ભેયરપ્પાના સ્વાગતમાં લીએન પરિવાર, ગામના સરપંચ-સામંત અને અર્ધુ ગામ હાજર થઈ ગયું. ભેયરપ્પા તેમની ટુકડી સાથે આવ્યા હતા. ૪ અંગરક્ષક, સેક્રેટરી અને ડ્રાઈવર સહિત SUV પ્રકારની ગાડીમાં આવ્યા. બૌદ્ધ પરંપરા પ્રમાણે ફૂલ-હારથી ભેયરપ્પા અને ટુકડીનું સ્વાગત કરવામાં આવ્યું.

 

                              લીએને અદબથી સલામ ઠોકી. ભેયરપ્પાએ ડોકું ધૂણાવ્યું. તેમને લીએનના ઘરે ઉતારો આપવામાં આવ્યો. ભેયરપ્પા એકલા સોફા પર બેઠા હતા. બાકી સૌ ઊભા રહ્યા.

“તમે બધા કેમ ઊભા છો? બધા બેસો, લીએન કમ સીટ.” ભેયરપ્પા અંગ્રેજીમાં બોલ્યા.

“નો સર. આઇમ ફાઇન, થેન્ક યુ!” નજર સામે રાખી તે બોલ્યો. ભેયરપ્પા પાસે સોફામાં બેઠા હતા. અન્ય કોઈપણ ન બેસ્યું.

“You’re retired now, You don’t have to do this formality. (તું હવે નિવૃત્ત થઈ ગયો છે તારે હવે ઔપચારિકતાથી વર્તવાની જરૂર નથી.)” ભેયરપ્પા બોલ્યા.

“I’m OK sir!”

 

                              એક નોકર ચા-નાસ્તો મૂકી ગયો. દરવાજાની આડશે ઝેન ઊભા રહી આ દ્રશ્ય નિહાળી રહ્યો હતો. ભેયરપ્પાએ તેને બોલાવ્યો. પોતાની પાસે બેસાડી નામ પૂછ્યું. થોડીવાર એની સાથે વાતો કરી, ચા પીધી.

“લીએન કમ નિયર.(પાસે આવ.)” ભેયરપ્પાએ કહ્યું. લીએન પાસે આવી સહેજ કમરેથી વળ્યો.

“સીટ.” ભેયરપ્પાએ કહ્યું. લીએન તેમને જોઈ રહ્યો.

“સીટ.” તેમણે ફરી કહ્યું.

“નો સર.”

“I want to talk to you about that radar thing. Have a seat.” (મારે તારી સાથે રેડાર વિષે વાત કરવી છે. પાસે બેસ.)

“આઇમ ફાઇન સર! પ્લીઝ ગો અહેડ. (હું ઠીક છું સાહેબ, તમે મહેરબાની કરી આગળ બોલો)” લીએન બોલ્યો.

 

                              ભેયરપ્પાને ખબર હતી, આર્મીના વલણ મુજબ લીએન તેના સિનિયર સામે નહીં બેસે. તેથી તેમણે એનો હાથ પકડીને સોફા પર બેસાડયો. લીએન સોફા પરથી ખસી ઉભડક બેસ્યો. ભેયરપ્પાએ તેને કાનમાં કઈક વાત કહી. સામે લીએને ધીરેથી કઈક કહ્યું. એમ પાંચેક મિનિટ બંનેએ વાત કરી અને પછી વેરહાઉસ જવા માટે નીકળ્યા. તેઓ ગાડી પાસે આવ્યા. લીએને એમના માટે ગાડીનો દરવાજો ખોલ્યો. ભેયરપ્પા બેસ્યા એટલે દરવાજો બંધ કર્યો. બાદ તે પોતાની ગાડીમાં બેઠો. બાજુમાં ઝિમ બેઠો હતો. આ બધુ જોઈ ઝિમે પ્રશ્ન પૂછ્યો: “કેમ તમે ભેયરપ્પાને સલામ ઠોકી? હવે તો રિટાયર્ડ થઈ ગયા છો.”

“એરફોર્સની તાલીમ ફક્ત સેવા પૂરતી જ નથી હોતી. આજીવન તેને ફોલો કરવાની હોય છે. એક દિવસ તું પણ સમજી જઈશ.” લીએને કહ્યું.

 

                              વેરહાઉસથી થોડા દૂર લીએને ગાડી ઊભી રાખી. ભેયરપ્પાની ગાડી પણ ત્યાં ઊભી રહી. પ્રથમ અંગરક્ષક ઉતર્યા, બાદ એક અંગરક્ષકે દરવાજો ખોલ્યો, ભેયરપ્પા ગાડીમાંથી ઉતર્યા. લીએન પાસે આવ્યો, તેણે R-detecter યંત્ર ચાલુ કરી ભેયરપ્પાને હાથમાં પકડાવ્યું. એ માટે તેને ઠપકો પણ સાંભળવો પડ્યો:

“I AM A BLOODY CHIEF COMMANDER OF THE INDIAN AIR FORCE NOT A RETARDED CHILD, YOU MORON! I KNOW HOW TO OPERATE A DETECTER. JUST GO TO YOUR STUPID PLANE AND DO YOUR DAMN THING!”

“Yes sir!” લીએને કહ્યું અને ગાડી તરફ ભાગ્યો. તે વેરહાઉસ ગયો અને પછી પ્લેનમાં ચઢ્યો.

 

                              ભેયરપ્પાની બાજુમાં ઝીમ ઊભો હતો. તેની સામે એના બાપને કોઈ ગાળ બોલી ગયું, એ સાંભળી તેનું લોહી ઉકળી ઉઠ્યું. ભેયરપ્પાએ મર્મપૂર્વક ન હતું કહ્યું, સેનામાં સેવા આપતા વાણીમાં તીખાશ આપમેળે આવી જતી પરંતુ ઝીમ તેનો ગુસ્સો રોકી ન શક્યો.

“My father is not a moron!” ઝીમ બોલ્યો.

“Of course, he’s not, if he would, do you think I come here all way long from Delhi?” ભેયરપ્પાએ પૂછ્યું.

“I don’t know maybe you would come because you are a useless free oldie guy from the government.”

“Look kid, it is mandate to behave strictly in armed force to get the work done properly otherwise people gonna ignore you!”

“OK, So, if I talk to you in rudely manner will you do your work properly?”

“Excuse me?” ભેયરપ્પાએ પૂછ્યું.

“Oh, so now you became deaf all of a sudden YOU OLDFART?”

“OK, I got your point, now shut up!”

“No, you shut up!” ઝીમ એક શબ્દ વધારે ભેયરપ્પાનો સાંભળવા ન’તો માંગતો.

 

                              ભેયરપ્પા ચૂપ થઈ ગયા. ૧૬ વર્ષના તરુણ સાથે દલીલ કરવી નિરર્થક લાગી. પ્લેન ટેક ઓફ થયું. પ્લેન ડિટેક્ટરમાં દેખાઈ ન હતું રહ્યું. આખરે લીએન સફળ થયો ખરી. ડેમો જોઈ ભેયરપ્પા વિસ્મય પામ્યા. લીએને પ્લેન ઉતાર્યું. લીએનના ઘરે જ ચર્ચા કરી હતી આગળ કેવી રીતે, ક્યાં અને શું કરવાનું છે. તે અગાઉ નક્કી થઈ ગયું હતું. લીએન-ભેયરપ્પા નદી કિનારે બધાથી છેટા ચાલતા-ચાલતા વાત કરી અને પછી તેમણે ત્યાંથી જ વિદાય લીધી. જતી વેળાએ ઝીમને જોઈ, ભેયરપ્પાએ લીએનને કહ્યું:

“Please do not enroll you kid in the Air force.”

“Why sir? What happened?”

“He thinks he can talk nicely and get the work done on the field.”

“He will learn sir; he will live for the country and die for the country.”

“Ok. This year you will definitely going to get noble prize or some award.”

“I don’t think so.”

 

                              લીએનનું છેલ્લું વાક્ય સાંભળી તેમણે હસ્યાં, જાણે લીએને કઈક જોરદાર મજાક કરી હોય. બંને તેમની ગાડી પાસે આવ્યા. અંગરક્ષકે દરવાજો ખોલ્યો.

“બહુ જલ્દી મળીશું.” ભેયરપ્પાએ કહ્યું અને ગાડીમાં બેસ્યા. બાદ ઝીમને ટાટા કર્યું. નારાઝ થયેલા ઝિમે મોઢું ફેરવી લીધું.

 

*

 

                              કે.એમ. ભેયરપ્પાએ આર્મી માર્શલ આર.વી. ચૌધરી અને આર્મી કમાન્ડર એટલે કે રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજી સાથે આ બાબત માટે મિટિંગ ગોઠવી. મિટિંગમાં ભેયરપ્પાએ ચર્ચા કરી આ શોધથી કેટલી મોટી ક્રાંતિ આવી શકે છે. જંગમાં લડત આપવામાં આ યંત્ર કેટલું લાભદાયી બની શકે છે. કેટલા દેશોની મદદ કરી શકાય, કશ્મીર અને અરબ દેશોમાં રહેતા આતંકવાદીઓને અને તેમના અડ્ડાઓનો ખાતમો કરી શકાય, ચાઈનાના ઘૂસણખોર સૈન્યને ભારતીય સીમામાં જ ઠાર કરી શકાય, તામિલનાડું અને શ્રીલંકાના વિદ્રોહી અને ઈસ્ટ-સાઉથ ઈન્ડિયામાં પ્રસરેલા નક્સલીઓને સાફ કરી શકાય. આ યંત્રથી અર્થવ્યવસ્થા પણ સુધરશે. આ એક ખોજ દેશને કેવા મુકામે લઈ જઈ શકે છે, એની ઝાંખી ભેયરપ્પાએ આપી.

 

                              મામલો રસપ્રદ લાગ્યો. રાષ્ટ્રપતિશ્રી અને ચીફ માર્શલે આગળ મિટિંગ ગોઠવવા કહ્યું, જ્યાં ડીલ સેટ થવાની હતી. ભેયરપ્પાએ આવતા મહિનાની તારીખ ગોઠવી. લીએનને દિલ્હી આવવા કહ્યું. લીએન દિલ્હી આવવા રાજી થયો. બીજી મિટિંગમાં તેણે એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પા, આર્મી ચીફ માર્શલ આર.વી. ચૌધરી અને આર્મી કમાન્ડર રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીને યોજના સમજાવી. કેવી રીતે બધા એરક્રાફ્ટમાં ડિવાઇસ લાગી શકે, કેટલું બજેટ જોઈશે, કેટલા લોકો જોઈશે અને શું શું સાધન-સામગ્રી જોઈશે. આ સર્વ બાબતો પર ચર્ચા થઈ. રાષ્ટ્રપતિશ્રીએ ૩ દિવસમાં બજેટ પાસ કરવાની બાહેંધરી આપી. હા, તમે વિચારશો આ સમયગાળો અત્યંત ઝડપી છે પણ બાબત જ એવી રોચક હતી. રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું: “મારે ૪૦ ફાઇટર પ્લેનમાં આ ડિવાઇસ જોઈએ છે. કેટલો સમય જશે એ બનાવામાં?”

“૬ માસ, પેપરવર્કથી લઈને પ્રોડક્ટ ટેસ્ટિંગ સુધી બધુ કરવામાં.” લીએન બોલ્યો.

“ઓકે, અને જો હું તમને ઇસરોના એમ્પ્લોઈઝ આપું તો કેટલો સમય જાય?”

“તો મેક્સીમમ વન મંથ. વન મંથ એન્ડ વન વીક ટોપ. એનાથી વધારે સમય ના જાય.” લીએને જણાવ્યુ.

“ઠીક છે, તમારી જે કઈ રિકવાયરમેંટ છે એ પૂરી થઈ જશે. તો શું હું એમ માનીને ચાલુ ૨૦૧૬ના એપ્રિલ કે મે મહિનામાં ઇંડિયન એરફોર્સના ડિટેક્ટલેસ એરક્રાફ્ટ ઉડતા હશે?” રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું.

“નો સર, આઈ ડોન્ટ થિંક!” લીએને ઉત્તર આપ્યો. ભેયરપ્પા અને ચૌધરીએ તેની સામે જોયું. બે ક્ષણ વાતાવરણમાં ચુપકી ફેલાઈ બાદ રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું:

“કેમ?”

“કારણ આ યોજના હું એપ્લાય નથી કરવાનો કે ન હું એરફોર્સને આપવાનો છું.” લીએને જણાવ્યુ.

“વોટ?” અચંબા સાથે ચીફ માર્શલ બોલ્યા. લીએનના આવા નિવેદનથી સૌ ચોંકી ગયા પણ ચહેરાના હાવભાવ એકદમ શાંત લાગી રહ્યા હતા. વાતને સાફ રીતે સમજવા રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું:

“મિસ્ટર શાઓ, જો તમે પ્લાન આપવાના ન હતા તો શું અર્થ આ બધી ચર્ચા કરવાનો?”

“સર, આવા એરક્રાફ્ટ મારે દેશ માટે નથી બનાવા. હું ખાલી મારૂ સંશોધન જણાવા આવ્યો છું.” લીએન બોલ્યો. બે ક્ષણ બાદ તેણે ઉમેર્યું: “મારી યોજના હું ઈન્ડિયાને આપવા નથી માંગતો.”

“લીએન!” કડકાઈથી ભેયરપ્પા બોલ્યા. લીએનના આ કૃત્યથી તેમને ઘણો આઘાત લાગ્યો હતો. તેમણે શાંત રહેવાનો પ્રયત્ન કરતાં દાંત ભીંસી બોલ્યા:

“આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ?”

રાષ્ટ્રપતિશ્રી બોલ્યા: “મિસ્ટર ભેયરપ્પા પ્લીઝ રિલેક્સ.”

“સોરી સર.” ભેયરપ્પાએ કહ્યું અને પછી લીએનને કીધું:

“લીએન આપડે આના પર તમારા ઘરે જ વાત કરી હતી, તો હવે કેમ આમ વાત કરો છો?” ભેયરપ્પા ડરથી નર્વસ થઈ ગયા.

“સર તમે મને મારા ડિવાઇસના ફાયદા ગણાવ્યા હતા. મારો પ્લાન આપવાની વાત તો થઈ જ ન હતી અને હું આપવા પણ નથી માંગતો.” લીએન બોલ્યો.

 

                              નારાજગી અને રોષભાવે ભેયરપ્પા લીએનને જોઈ રહ્યા. રાષ્ટ્રપતિશ્રી દ્વિઘામાં મુકાયા. જ્યારે ચીફ માર્શલ બોલ્યા: ભેયરપ્પા, જોવો આવી ગયો અન્ય એક પાગલ વૈજ્ઞાનિક પોતાની શોધ-વિદ્યાની બડાઈ હાંકવાં આપણી આગળ... પણ દેશની મદદે નહીં આવે ક્યારેય. ખોટો સમય વેસ્ટ કર્યો!”

“ભેયરપ્પા, You should have cleared this kind of deal with him, then come to us. At least respect the time of us. He is a retired pilot but we are not, we can’t just put our time in such matters!” (ભેયરપ્પા, તમારે આ બાબતોની પહેલા એની સાથે ચોખવટ કરી લેવી જોઈએ અને પછી અમારી સાથે આવવું જોઈએ. તે એક નિવૃત થયેલો પાઇલટ છે આપણે નથી. આપણે આવી બધી બાબતોમાં સમય ના ફાળવી શકીએ.) રાષ્ટ્રપતિશ્રી ભેયરપ્પાને કહી રહ્યા હતા. ગરદન નીચે કરી ભેયરપ્પા સાંભળી રહ્યા અને બોલ્યા:“સોરી સર, યસ સર.”

 

                              બે ક્ષણ શાંતિ જળવાઈ રહી. ભેયરપ્પાને લીએનની વાત પર વિશ્વાસ કરવાનો અફસોસ થઈ રહ્યો હતો, જ્યારે અન્ય અફસરોને પોતાનો સમય વેડ્ફ્યાનો વસવસો થઈ રહ્યો હતો. આ બધા સામે લીએન મૌન બેઠો હતો.

 

*

(ક્રમશ:)