A - Purnata - 15 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 15

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 15

વેલકમ પાર્ટી માટે બધા જમાં થઈ ગયાં હોય છે. વિકી બધાને શોધે છે ત્યાં જ પરમ પાછળથી આવી તેને ધબ્બો મારે છે. વિકી કહે છે કે તે તો ડરાવી દીધો. તો પરમ એવું કહે છે કે એ કામ તો હેપ્પીનું છે. એટલામાં ફરી પાછળથી અવાજ આવ્યો, "કોણ ડરાવે છે?"
વિકી અને પરમે પાછળ ફરીને જોયું તો હેપ્પી પોતાના બન્ને હાથ કમર પર રાખી ઊભી હતી અને એક નેણ ઉંચો કરી પુછી રહી હતી. તેને જોઈ વિકી ગભરાઈ ગયો કે જો આને સાચું કહીશ તો એ કાલની જેમ વિફરી જશે.
"અરે... એ...તો..આ પરમ...પરમ છે ને હમણાં મને ડરાવી ગયો." માંડ માંડ વિકી બોલી શક્યો.
હેપ્પી નજીક આવી,"હમમ...તો બરાબર. તારે ડરતાં રહેવું જરૂરી છે."
જે રીતે હેપ્પી નજીક આવી એ જોઈ વિકીને લાગ્યું કે હેપ્પીએ બધું સાંભળી તો લીધું જ છે એટલે વાત ફેરવવા માટે તે બોલ્યો, "મિશા અને રેના ક્યાં છે?"
"મિશા તો બસ આવતી જ હશે હમણાં પણ આ રેના ક્યાં ગાયબ થઈ ગઈ? અમે બંને તો સાથે જ આવ્યાં હતાં. હું જરાક નાસ્તા હાઉસ તરફ ગઈ અને...."
"ભૂખ્ખડ...કેટલું ખાય છે તું? અહી જમવાનું પણ છે જ યાદ તો છે ને?" પરમ થોડો ચિડાઈ ગયો.
" હા...તો...પણ જમવાને તો હજુ કેટલી વાર છે. ત્યાં સુધી બિચારા મારા પેટને નવરું થોડું બેસવા દેવાય કઈ!!!" હેપ્પી જે રીતે બોલી એ જોઈ વિકી ખડખડાટ હસી પડ્યો. તેનું આ હાસ્ય પાછળથી આવતી મિશા જોઈ રહી. માથા પર થોડા લાંબા ભૂખરા વાંકડિયા વાળ, માંજરી આંખો, ક્લીન શેવ, હાથમાં સાદી રીસ્ટ વોચ, વ્હાઇટ જીન્સ, બ્લૂ ટીશર્ટ અને તેના પર વ્હાઇટ જેકેટ સાથે જ પગમાં સ્પોર્ટ શુઝમાં વિકી એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. મિશાએ આજ સુધી કોઈ છોકરાને આટલો નીરખીને જોયો ન હતો. જેટલા પણ છોકરા એના મિત્ર બનવાની કોશિષ કરતાં એ ફક્ત મિશાના પૈસા જોઈને જ. જે મિશાને જરાય પસંદ ન હતું. તે એકીટશે વિકીને જોઈ જ રહી. અચાનક પરમની નજર તેના પર ગઈ અને તેણે બૂમ પાડી, "મિશા, ત્યાં કેમ ઊભી છે? અહી આવ."
મિશાની તંદ્રા તૂટી, "હે...હા...આવું જ છું."
મિશાએ બ્લૂ કલરનું વેસ્ટર્ન વન પીસ પહેર્યું હતું જે એક સાઈડથી ઓફ શોલ્ડર હતું અને એક સાઈડથી ફૂલ સ્લીવવાળું હતું. ઘુટણથી થોડે નીચે સુધીના એકદમ સ્કિન ટાઈટ ડ્રેસમાં તે મોહક લાગી રહી હતી. થોડી ભીને વાન હોવા છતાંય તે નમણી હતી. પગમાં હાઈ હિલ સેન્ડલ, ગળામાં એક નાનો ડાયમંડનો પેન્ડન્ટ સેટ, હાથમાં એવું જ બ્રેસલેટ અને ચહેરા પર મેકઅપ સાથે કર્લ કરેલા ખુલ્લા વાળ. વિકીએ પણ તેને જોઇને કહ્યું, "લુકિંગ વેરી પ્રિટી મિશા." આ સાંભળી મિશા ખુશ થઈ ગઈ.
હમેશાથી આપણી ગમતી વ્યક્તિ આપણા વખાણ કરે તો કોઈ પણ સ્ત્રીને ગમે જ. મિશાએ પણ સ્મિત આપીને આભાર પ્રગટ કર્યો.
હેપ્પી આ બધું જોઈ રહી હતી. તેને લાગ્યું કે વિકી મિશાને લાઈન મારે છે. એ મનોમન જ થોડીક ગુસ્સે થઈ ગઈ. તે મિશાનો હાથ પકડીને ખેંચી જતાં બોલી, "ચાલ મિશા, આપણે રેનાને શોધતાં આવીએ."
હેપ્પીને લાગ્યું કે કદાચ રેના પરફોર્મન્સ માટે તૈયાર થતી હશે એટલે તે છોકરીઓ માટે ફાળવેલા રૂમ તરફ ગઈ તો બે માંથી એક રૂમ લોક હતો એટલે હેપ્પીએ રૂમમાં દરવાજા પર ટકોરા માર્યા.
ટકોરાના અવાજ સાથે રેનાની તંદ્રા ખુલી ગઈ. આંખો ખોલતાં જ તે ફરી ભૂતકાળ માંથી વર્તમાનમાં પહોચી ગઈ. તેને જે ટકોરા સંભળાયા હતાં એ ટકોરા ન હતાં પરંતુ કિશન ચાવી વડે લોક ખોલતો હતો એનો અવાજ હતો.
"મિસિસ રેના, તમને મળવા માટે કોઈ આનંદી પંડિત આવ્યાં છે." આ સાંભળી રેના ખુશ થઈ ગઈ કે આખરે એની ગોલુ આવી ગઈ. તે ઝડપથી ઊભી થઈ અને કિશન સાથે બહાર નીકળી. હેપ્પી સામે જ ઊભી હતી. તે દોડીને હેપ્પીને વળગી પડી. સાથે જ ડુસકા લઈ રડવા લાગી.
"રેના, શાંત થઈ જા. હું આવી ગઈ છું ને. હવે બધું ઠીક થઈ જશે. તું પહેલા રડવાનું બંધ કર." આમ કહી હેપ્પી રેનાની પીઠ પર હાથ ફેરવવા લાગી.
સવારે પડેલા માર પર અત્યારે એક પોતાના સ્વજનનો હૂંફ ભર્યો હાથ ફરી રહ્યો હતો અને રેનાને ગજબની શાંતિ આપી રહ્યો હતો. થોડીવારે રેના શાંત પડી.
"આમ તો મને ટીવી ચેનલ પરથી અમુક માહિતી મળી છે પણ તે કેટલી સાચી કે ખોટી છે એ તો તું જ જણાવી શકીશ. હું તારી જામીન અરજી લઈને જ આવી છું ચાલ." આમ કહી હેપ્પી રેનાનો હાથ પકડી મીરા શેખાવતના ટેબલ સુધી લઈ ગઈ.
"હેલો એસીપી, માય સેલ્ફ આનંદી પંડિત. હું એક વકીલ છું અને રેનાના જામીન કરાવવા માટે આવી છું." આમ કહી આનંદીએ એક ફાઈલ મીરાને આપી.
"શું વાત છે મિસિસ રેના, તમારા માટે તો સાચે જ દેવદૂત આવી ગયાં. આ એક મર્ડર કેસ છે આનંદી જી, રેનાને છોડી ન શકાય."
"ખૂન હજુ સાબિત નથી થયું ત્યાં સુધી રેના ફક્ત શંકાના ઘેરામાં છે અને ત્યાં સુધી કોઈ પણ રેનાને જામીન આપવાની ના ન પાડી શકે. પેપર્સ બધા જ પૂરા છે જોઈ લો." આનંદીએ પણ એકદમ કડક અવાજમાં કહ્યું.
મીરાએ પેપર ચેક કરી એક રજીસ્ટરમાં રેનાની સહી લીધી, "જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તમે આ શહેર છોડીને ક્યાંય જઈ નહિ શકો." રેના હા માં જ માથું હલાવી હેપ્પી સાથે ત્યાંથી નીકળી ગઈ.
હેપ્પીની કારમાં બેસતાં જ રેના ફરી રડી પડી. "હેપ્પી, મે કશું જ નથી કર્યું. કોઈ મને ફસાવી રહ્યું છે."
"રેના બધું જ જોઈ લઈશું. ચાલ, તારા ઘરે તને ઉતારી દઉ. કાલ મળીને નિરાંતે વાત કરશું."
ઘરે જવાના નામથી જ રેના ફફડી ઊઠી. વૈભવનો ગુસ્સા વાળો ચહેરો યાદ આવતાં જ તે ધ્રુજી ગઈ. "નહિ હેપ્પી, મારે ઘરે નથી જવું. પ્લીઝ નહિ..."
"અરે, ઘરે તો જવું પડશે ને. મારે વૈભવજીની ખબર પણ લેવાની છે કે આટલું બધું થયું તો કોઈ તારા જામીન કરાવવા પણ ન આવ્યું. પોતાની પત્ની સાથે કોઈ આવું વર્તન કરે?"
રેના ના પાડતી રહી અને હેપ્પીએ ગાડી રેનાના ઘર તરફ મારી મૂકી. ઘરે પહોંચી હેપ્પીએ બેલ વગાડી. રેવતીબહેને દરવાજો ખોલ્યો અને રેનાને જોતાં જ તે તેને ભેટીને રડી પડ્યાં. અવાજ સાંભળીને વૈભવ અને મનહરભાઈ પણ આવી ગયાં.
રેનાને હેપ્પી સાથે જોઈ વૈભવને જરાય આનંદ ન થયો. પહેલેથી તેને હેપ્પી સાથે સારા સંબંધ રહ્યાં ન હતાં. એક તો હેપ્પી વકીલ હતી એટલે અમુક બાબતે એવી ધારદાર દલીલ કરતી કે એને ચૂપ થઈ જવું પડતું અને બીજું કે વૈભવને એવું લાગતું કે હેપ્પીના વિચારોને લીધે ઘણીવાર રેના પોતાની સાથે ઝગડો કરે છે.
"આવ રેના, આશિક તો હતો નહિ મદદ કરવા એટલે આ જાડીને જ મદદ માટે બોલાવી લીધી એમ?" વૈભવે કટાક્ષ કર્યો.
વૈભવે હેપ્પીને જાડી કીધી એટલે રેનાને થયું કે હેપ્પી હમણાં વિફરશે એટલે તેણે હેપ્પી તરફ નજર ફેરવી પણ તેના આશ્ચર્ય વચ્ચે હેપ્પી એકદમ શાંત ચહેરે સ્મિત કરતી ઊભી હતી. જાણે આજે જાડી એવો શબ્દ સાંભળીને તેને કઈ ફેર જ નથી પડ્યો. રેના માટે આ સાવ નવાઈની વાત હતી.
( ક્રમશઃ)
શું ફટાકડા ફૂટશે વૈભવ અને હેપ્પી વચ્ચે?
શું રેના બધી હકીકત હેપ્પીને કહી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો.