Savai Mata - 68 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 68

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સવાઈ માતા - ભાગ 68

આજનાં એક દિવસમાં ઘણુંય બદલાઈ ગયું. મેવો તેનાં ડ્રાઈવર તરીકેનાં ઈન્ટરવ્યુમાં ઉત્તીર્ણ થયો. તે સાંજે જ પોતાનાં પરિવાર સાથે શાળાનાં ક્વાર્ટરમાં રહેવા ગયો. રમીલાએ અડધા દિવસની રજા લઈને રાજીનાં કપડાં અને બીજી જરૂરી ઘરવખરીની ઝડપભેર ખરીદી કરી હર્ષાશ્રુ સહિત તેમને વળાવ્યાં. તુષાર અને દિપ્તી વધુ ન રોકાઈ શકતાં સમુ અને મનુ થોડાં ઉદાસ થઈ ગયાં. રાજીએ તેમને આવનાર રવિવારે તેમને લઈને અહીં આવશે એમ ખાતરી આપી.

સવલી સવારે જ ઘરે આવી ગઈ હતી. તેને મેવો ઠેકાણે પડશે એ વાતથી ઘણી રાહત થઈ. પિતા પણ ઘણો આનંદિત હતો પણ તેને આજે રજા મળે એમ ન હતું. રમીલાએ મેવાનાં પરિવાર માટે રિક્ષા બોલાવી અને તેમને પિતા જે દુકાનમાં કામ કરતાં ત્યાં પાંચેક મિનિટ ઊભા રહેવાની સૂચના પણ આપી. રાજી રમીલાને વળગીને ઘણુંય રડી. રમીલા અને સવલી બેય તેનો વાંસો પસવારી રહ્યાં.

આખરે રાત્રે નવ વાગ્યે મેવો સપરિવાર શાળાનાં પ્રાંગણમાં પહોંચી ગયો. તેને શાળાની આૅફિસમાં લઈ જવાયો અને જરૂરી કાગળો ઉપર સહીઓ કર્યાં બાદ તેને ક્વાર્ટર ફાળવાયું. તેની થોડી ઘરવખરી સાથે તેણે અને રાજીએ નાનકડાં પણ સુઘડ ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો.

કુલ બે માળનાં એ ઇમારતમાં ભોંયતળિયે અને બંને માળે બાર-બાર ક્વાર્ટર હતાં. મેવાને પહેલા માળનો છ નંબરનો ક્વાર્ટર ફાળવાયો હતો. મેનેજમેન્ટ તરફથી એક વ્યક્તિએ આવી તેમને તાળું ખોલી આપ્યું અને તે ચાવી તેમને આપી.

સાથેસાથે તેણે બધાંને જમવા માટે તે જ ઇમારતની પાછળનાં ભાગે જ્યાં રસોડું હતું ત્યાં આવવા કહ્યું. પીવાનું પાણી અને બાળકો માટે દૂધ પણ ત્યાં મળી રહેશે એમ જણાવ્યું. બેય સામાન અંદર મૂકી બાળકોને લઈ જમવા પહોંચી ગયાં. જમવામાં ખિચડી-કઢી, રોટલી-શાક હતાં. બેય જણે ધરાઈને ખાધું અને બાળકોને દૂધ સાથે ખિચડી ખવડાવી. પીરસનારાઓએ તેમને થોડું દૂધ લઈ જવા જણાવ્યું જેથી રાત્રે બાળકો ઊઠે તો પિવડાવી શકાય. કાંઈક સંકોચ સાથે રાજીએ એક નાની તપેલીમાં દૂધ લીધું.

મેવાએ એક માટલું પાણીનું પણ લઈ લીધું. બધો જ સ્ટાફ સહૃદયી હતો. એક વ્યક્તિએ દૂધની તપેલી ઊંચકી તો તેની પત્નીએ માટલું ઊંચકી લીધું જેથી મેવો અને રાજી બાળકોને તેડીને ચાલી શકે. સાથે આવનાર દંપતિની ઉંમર અને અનુભવ તેમનાથી એકાદ દશક વધુ હોય તેમ લાગ્યું. તેમનાં ત્રણ બાળકો વહેલાં જમીને ક્વાર્ટરમાં વાંચી રહ્યા હતાં. અહીં જાતે રસોઈ બનાવવાની પણ છૂટ હતી છતાંય બધાં એક રસોડે જમવું વધુ પસંદ કરતાં. માત્ર જેના ઘરે મહેમાન હોય તે જ ઘરે રસોઈ કરતાં.

સાંજનાં સમયે બધો જ સ્ટાફ સાથે જમતો. જે શિક્ષકો અહીં રહેતાં તેઓ પણ પરિવાર સહિત રસોડે જમતાં. તે સિવાય બે ટ્રસ્ટીનાં પરિવાર પણ અહીં હતાં. એક નાનકડી સુમેળભરી વસાહતનું ચિત્ર ખડું થતું હતું. મેવા અને રાજીને મદદ કરનાર દંપતિએ મેવાને શુભેચ્છાઓ પાઠવી અને તેઓ છૂટાં પડ્યાં. તેઓ પહેલા માળે જ બાર નંબરના ક્વાર્ટરમાં રહેતાં હતાં. કાંઈપણ કામ હોય તો પોતે આવશે તેવી ખાતરી આપી છૂટાં પડ્યાં.

મેવા અને રાજી માટે આ સ્થળ સ્વર્ગથી કમ ન હતું. દીપ્તિ અને તુષાર તેમનાં હાથમાં જ સૂઈ ગયાં હતાં. સાચવીને તેમને પલંગમાં સૂવાડ્યાં. બેય જણે મળીને સામાન ગોઠવવો શરૂ કર્યો. આમ તો તેમનાં સામાનમાં કપડાં અને થોડાં જરૂરી વાસણો જ હતાં પણ આ ક્વાર્ટર સોફા, ટિપોય, પલંગ, કબાટ જેવાં પાયાનાં રાચરચીલાંથી સજ્જ હતું જેથી નવાગંતુકને તકલીફ ન પડે. રસોડામાં પણ ગેસની પાઈપલાઈન, ચૂલો, થોડાં કબાટ અને વાસણો હતાં જ. રાજીને નવાં ઘરથી ખૂબ જ આનંદ થયો. રમીલાએ આપેલ કાળિકામાતાનો ફોટો અને ઘરેથી લાવેલ પિથોરાદેવનું ચિત્ર તેણે રસોડાની એક નીચી છાજલી ઉપર મૂક્યું. બેયને વંદીને આભાર માનતાં તેની બેય આંખોમાંથી એક-એક પાણીદાર મોતી સરી પડ્યું.

તેની બાજુમાં આવીને ઊભેલ મેવાનાં ધ્યાનમાં આ આવ્યું. તે બેય હાથ જોડી પ્રાર્થના કરી રહ્યો કે પોતે મળેલ તકનો યોગ્ય ઉપયોગ કરી પોતાનું અને રાજીનું જીવન સુધારી શકે. મેવાએ બીજા દિવસે સવારે છ વાગ્યે ઓફિસમાં હાજર થવાનું હોઈ, બેય વેળાસર સૂઈ ગયાં.

આ તરફ સુશીલાને ખાસી રાહત જણાતાં વિસળ અને શામળ તેને ઘરે તેડી ગયાં. શામળની બધી નારાજગી દૂર ભાગી ગઈ હતી. એમ કહેવું વધુ યોગ્ય હતું કે મુંબઈની અતિકષ્ટદાયી રહેણીકરણીએ તેની સાન ઠેકાણે લાવી દીધેલ. તેણે ફરી અહીં જ કામ શોધવું શરૂ કરી દીધું. પોતાની સારી એવી કમાયેલ બચત પિતાને આપી તેમને ઘર ચલાવવા મજૂરી કરવામાંથી મુક્ત કર્યાં. અઠવાડિયાની દડમજલ પછી તેને પણ સારી નોકરી મળી જ ગઈ. હવે ચારેય વયસ્કોની આંખોં ઘરમાં વહુ અને સુશીલને ઝંખતી હતી.

સવલી પોતાનાં પતિ સાથે એક વખત સ્નેહાને અને તેનાં માતા-પિતા સમ મામા-મામીને મળી આવી હતી. તેઓ તો તૈયાર જ જણાયાં પણ સ્નેહાનું મન વિના વાંકે ભંગાયું તેથી શામળથી થોડાં નારાજ જરૂર હતાં. આખરે શામળે પણ ત્રણ-ચાર વખત મળીને સ્નેહાની મનથી માફી માંગી. સ્નેહાએ પણ તેની પાસેથી વચન લીધું કે તે ભવિષ્યમાં કોઈનીયે આડીઅવળી વાતોથી નહીં ભરમાય.

શામળને પોતાની હીન વિચારસરણીથી ખૂબ જ ગ્લાનિ થઈ હતી. તેણે સ્નેહાને ખાતરી આપી કે ફરી ક્યારેય તે બે વચ્ચે વિખવાદ ઊભો થાય કે વિશ્વાસ જોખમાય એવું કાંઈ નહીં કરે. પોતાનાં લગ્નજીવનની સફળતાની દોર પોતાનાં જ હાથમાં રાખશે. સુશીલ અને સ્નેહા ઘરે આવી જતાં સુશીલાનાં સ્વાસ્થ્યમાં પણ ઝડપભેર સુધારો થવા લાગ્યો. હવે સ્નેહા પણ પોતાનાં શોખ સીવણ અને ભરતકામને પ્રાધાન્ય આપી રહી હતી. મુખ્ય બજારની કેટલીક દુકાનો અને એક મોલમાં તેનું કામ વખણાતું. એક વખત મોલનાં માલિકે તેને મળવા બોલાવી.

સ્નેહા તે જ સાંજે સુશીલ અને સાસુમાને લઈ મોલ ઉપર પહોંચી. તેઓએ સ્નેહાને બે હજાર એપ્રન બનાવી તેની ઉપર તેની પોતાની મૌલિક ભાતથી ભરતકામ કરવાનો ઓર્ડર આપવાનું જણાવ્યું. વળી, તેનાં સીવણ અને ભરતકામને એક ઓળખ મળે એ હેતુથી તેના લેબલને પણ આગવું નામ આપવા સૂચન કર્યું.

સ્નેહાને ફાવટ તો હતી પણ આટલો મોટો ઓર્ડર પૂરો કરવા તેને બીજી બહેનોની જરૂર લાગી. તેણે સુશીલા સાથે વાતચીત કરી ભાવ આપ્યો અને થોડી મહેતલ પણ માંગી લીધી. મોલનાં માલિક તે જ શહેરનાં હોઈ તેઓએ સ્નેહાને કામકાજ કરવા જરૂરી જગ્યા પોતાનાં જ મોલનાં બીજા માળે ફાળવવાની પણ તૈયારી બતાવી. સ્નેહા માટે તો આ વધુ ખુશીની વાત હતી. અઠવાડિયામાં વીણાબહેનની મદદથી તેને લગભગ પંદર બહેનો મળી ગઈ કે જેઓ અઠવાડિયે બે વખત મોલ ઉપર આવીને સિલાઈકામ કરી શકે. આઠ બહેનો હાથે ભરતકામ કરી શકે તેવી હતી પણ સ્નેહાએ ભરતકામ મશીન ઉપર કરવાનું નકકી કર્યું હતું જેથી ભાત એકસરખી ઉપસે.

તેણે પોતે ડિઝાઈનમેકર મશીન વસાવેલ હતું, જેની ઉપર તે બહેનો સ્નેહાનાં ઘરે જઈને ભરતકામની પ્રેકટીસ કરી લેતી. કટિંગ અને બીજું માર્ગદર્શન તો સ્નેહા પોતે જ કરનાર હતી. મોલનાં માલિકે આપેલ સમય કરતાં દસ દિવસ વહેલું કામ પૂર્ણ થયું. જ્યારે આખો ઓર્ડર મોલના માલિકને સુપરત કરાયો ત્યારે તેઓ સુશીલનું લેબલ જોઈ ખૂબ જ ખુશ થઈ ગયાં. સ્નેહાને તેનો પહેલો મોટી રકમનો ચેક અને આવનાર બે મહિનામાં દસહજાર એપ્રનનો ઓર્ડર તે જ મોલમાંથી મળી ગયો. હવે આ એપ્રન માલિકનાં અનાય શહેરોમાં આવેલ મોલમાં જનાર હતાં. એપ્રન અંદરની તરફથી વોટરપ્રૂફ હોવાં ઉપરાંત તેની ઉપર બહારની તરફ પડેલ રંગ અને મસાલાનાં ડાઘ પણ દૂર થઈ શકે તેવાં કાપડથી બનેલ હતાં.

દરેક તબક્કાની સ્ત્રીઓમાં અને આર્ટિસ્ટ જગતમાં તે વખણાયાં. એક વર્ષના અંતે તો સ્નેહાની વ્યસ્તતા એટલી વધી ગઈ કે સુશીલ દાદીનાં હાથે જ મોટો થવા લાગ્યો. વિસળ અને શામળ બેયને ઘરનું સુમેળ અને શાંતિ ભરેલ વાતાવરણ આકર્ષી રહેતું.

ક્રમશઃ