Brother G in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ભૈયા જી

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ભૈયા જી

ભૈયા જી

- રાકેશ ઠક્કર

મનોજ વાજપેઇની ભૈયા જી ને સમીક્ષકો અને દર્શકોએ ખાસ પસંદ કરી નથી તેથી એમ કહી શકાય કે 100 મી ફિલ્મની ઉજવણી એ કરી શક્યો નથી. મનોજ એક નવા જ રૂપમાં એક્શન સાથે પડદા પર આવી રહ્યો હોવાનું ટ્રેલર પછી કહેવાયું હતું. મનોજે સિર્ફ એક બંદા કાફી હૈ ના નિર્દેશક અપૂર્વસિંહ કાર્કી સાથે આ બીજી ફિલ્મ આપી હોવાથી વધારે આશા હતી.

નિર્દેશકે સમજવાની જરૂર હતી કે એક મનોજ આ ફિલ્મને હિટ કરવા માટે કાફી ન હતો. ભલે મનોજની આ સૌથી મોટી રજૂઆત હતી પણ સ્ક્રિપ્ટ અને અન્ય કલાકારો પર મહેનત કરવાની જરૂર હતી. મનોજ પોતાને શાહરૂખ સાબિત કરવાની ફરી કોશિશ કરી રહ્યો છે. અગાઉ શાહરૂખ રોમેન્ટિક હીરો તરીકે હતો ત્યારે મનોજે પણ દિલ પે મત લે યાર કરી હતી. હવે શાહરૂખનો એક્શનનો દોર હોવાથી પોતે જ નિર્માતા બનીને ફિલ્મ બનાવી છે. મનોજની કદ- કાઠી એવી છે કે એ એક્શન હીરો તરીકે બહુ જચતો નથી. ભૈયા જી ને એક મોટા બજેટની ભોજપુરી ફિલ્મ તરીકે ઓળખવામાં આવી છે. શરૂઆતમાં જ ભોજપુરીમાં બે ગીત આવે છે. એ કારણે એનું સ્તર કયું છે એનો અંદાજ આવી જાય છે. ફિલ્મની વાર્તા બિહારથી શરૂ થઈને દિલ્હીમાં પૂરી થાય છે. પણ અનેક દ્રશ્યોમાં બિહાર અને દિલ્હીને ભેગા કરી દેવામાં આવ્યા છે.

મનોજનો અભિનય અન્ય કલાકારો જેવો જ છે. પ્રચારમાં મનોજનું પાત્ર બાહુબલી જેવું હોવાનું લાગતું હતું પણ એવી ધાક અને હાક ફિલ્મમાં દેખાતી નથી. ભૈયાજીને એક દમદાર માણસ તરીકે રજૂ કર્યા પછી વિલનથી એ ભાગતો ફરતો દેખાય છે એ પાત્રાલેખનની નબળાઈ છે. તે એક સામાન્ય માણસ તરીકે હોત તો વાત હજમ થઈ શકી હોત.

વાર્તામાં કે એની રજૂઆતમાં કોઈ નવીનતા નથી. ભાઈની હત્યાના મોતના બદલાની વાત અનેક ફિલ્મોમાં આવી ચૂકી છે. મનોજ પોતાને પુષ્પારાજ કે રૉકીભાઈ ની જેમ રજૂ કરી શક્યો નથી. ફિલ્મનો વિષય વાસી થઈ ગયો છે. નેવુંના દાયકાની ફિલ્મ હોય એવો માહોલ છે. એ કારણે શહેરી દર્શકોએ એમાં રસ બતાવ્યો નથી. એમ પણ લાગે છે કે મનોજે પોતાને એક્શન હીરો તરીકે રજૂ કરવા અને આજના એક્શન હીરોથી પોતે કમ નથી એ બતાવવા જ ફિલ્મનું જાતે નિર્માણ કર્યું છે.

ફિલ્મમાં આધુનિક હથિયારોને બદલે એક પાવડો રાખવામાં આવ્યો છે. દેશી એક્શન પસંદ કરતા દર્શકોને પણ એના દ્રશ્યો મનોરંજન આપે એવા નથી. ભૈયાજીના રૂપમાં એણે ઇમોશન અને રોફ બતાવ્યા છે એમાં પણ થોડી કમી લાગે છે. મનોજે રજનીકાંત બનવાનો પણ પ્રયત્ન કર્યો છે.

ભૈયાજી પોતાના ભાઈની હત્યાનો બદલો લે એની વિશ્વસનીયતા માટે એનું ભાઈ સાથેનું જોડાણ બતાવ્યું નથી. ક્યારેક મા પણ એને બદલો લેવા ઉકસાવે છે. ફિલ્મ એ સાબિત કરી શકતી નથી કે બદલાનો સાચો હેતુ ભૈયાજીનો છે કે એની માતાનો. એની પત્ની તરીકે મુક્કાબાજ વાળી જોયા હુસેન એક્શન સાથે છાપ છોડી જાય છે. એણે લેડી બાહુબલી જેવું કામ કર્યું છે. ક્યાંક એક્શનમાં એ મનોજને પાછળ રાખી દે છે. વિપિન શર્મા પોલીસ તરીકે જામે છે. એ હસાવવાનું કામ કરે છે. સુવિન્દર વિક્કી વિલન તરીકે પ્રભાવ પાડી શકતો નથી.

પહેલો ભાગ હજુ થોડા કંટાળા સાથે જોઈ શકાય એમ છે. બીજા ભાગમાં ફિલ્મ નિરાશ જ કરે છે. પ્રોડકશન ડિઝાઇન એટલી સામાન્ય છે કે દિલ્હી રેલવે સ્ટેશન જેવા કેટલાક સેટ નકલી હોવાનું દેખાઈ આવે છે. કેટલાક દ્રશ્યોને વધારે પડતા લાંબા ખેંચવામાં આવ્યા છે. નિર્દેશક 2 કલાકમાં ફિલ્મ પૂરી કરી શક્યા હોત. વાર્તામાં કોઈ ટ્વીસ્ટ અને ટર્ન જ નથી.

સંદીપ ચૌટાનું બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે પણ ઘણી જગ્યાએ વધુ પડતું લાઉડ છે. બાઘ કા કરેજા અને ભાઈ કા વિયોગ ગીતો ઠીક છે. ફિલ્મ પારિવારિક હોવા છતાં એમાં બધાને પસંદ આવે એવું મનોરંજન નથી. જેમને ફિલ્મમાં કંઈક નવું અને અલગ જોવું છે એમના માટે આ ફિલ્મ નથી. દક્ષિણની કોઈ ડબ ફિલ્મ જોતાં હોય એવું લાગે છે.

ટ્રેલર પરથી લાગતું હતું કે એમાં જબરદસ્ત ખૂનખરાબો હશે. પણ હીરોનું જોશ માત્ર સંવાદોમાં જ સમેટાઇ જાય છે. મનોજનો એ સંવાદ અબ નિવેદન નહીં નરસંઘાર હોગા પણ ખોટો સાબિત થાય છે. મનોજને એટલું જ નિવેદન કરવાનું કે પોતાને એક્શન હીરો સાબિત કરવાને બદલે એક અભિનેતા જ રહેવા દે એ કારકિર્દી મારે સારું છે.