Savai Mata - 67 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 67

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સવાઈ માતા - ભાગ 67

અચાનક મળેલા નિમંત્રણથી મૂંઝાઈને ઊભેલી રમીલાને વીણાબહેને થોડી હળવાશ અનુભવાય તે આશયથી કહ્યું, "રમીલા, તારો ભાઈ નોકરીએ લાગી જશે પછી એના અને એની પત્નીના જીવનમાં થોડી શાંતિ થઈ જશે, નહીં?"


રમીલા થોડા સ્મિત સાથે બોલી, "હા, એ તો સાચી વાત. રાજીને તો આનંદ આનંદ થઈ જશે. એણે તો ક્યારેય પોતાને પાકાં મકાનમાં રહેવાનું થશે એમ વિચાર્યું પણ નથી. જો બધું બરાબર રહ્યું તો તો તેનાં બાળકો પણ ભણશે - આ સમુ અને મનુની જેમ જ. મારાં..."


વીણાબહેન આછેરું હસતાં બોલ્યાં, "હા, એ તો મને જાણ છે જ. એ બેય તારાંથી નાનાં, બરાબરને? આમ પણ તારી મમ્મીને એ બેયને બપોરે એકલાં છોડતાં બહુ ઉચાટ રહેતો. બેય સરખેસરખાં, તે થોડું ઝઘડતાંય હશે ને!"


રમીલા, "પહેલાં ઝઘડતાં, પણ હવે તો બેય ઘણાં જવાબદાર થઈ ગયાં છે."


વીણાબહેન, "અને, તેમનો અભ્યાસ કેવો ચાલે છે? ફાવે તો છે ને નવી શાળામાં?"


રમીલા બોલી," અભ્યાસમાં તો તોફાની મનુ પણ સુધરી ગયો છે. સમુને તો થોડી કાળજીની જ જરૂર હતી. બેય સાંજે ટ્યુશન પણ લે છે. સાહેબ બહુ સારા છે. અને શાળા પણ ઘણી સારી છે. બેયને ગોઠી ગયું છે."


વીણાબહેન બોલ્યાં," ચાલ હવે બહાર જઈએ? બધાં આપણી રાહ જોતાં હશે. અને હા, પેલું ન ભૂલતી જે જયાએ તારા માટે કહ્યું. સંકોચ ન રાખીશ. જરૂર પડશે તો હુંય આવીશ તારી સાથે. તનેય સારું રહેશે."


બેય બહાર આવ્યાં. રમીલાએ સંમતિસૂચક માથું હલાવ્યું. વીણાબહેને તે જોઈ સ્મિત કર્યું. રમીલાએ સુશીલાને સારું થઈ ગયે ઘરે રહેવા આવવાનું કહ્યું. વિસળને પણ નિમંત્રણ આપ્યું. બેયને ઢગલો આનંદ થયો. તે મેવા, રાજી અને તેમનાં બેય બાળકો સાથે ઘરે જવા ઉપડી. આજે રાત્રે સવલીની જરૂર ન હતી છતાંય તે જૂની પાડોશણ અને સખી સાથે રોકાવા માંગતી હતી. વીણાબહેને તેને જમવા ઘરે ન જઈ અહીં જ ભોજન કરવાનો આગ્રહ રાખેલ. તેથી તે કેન્દ્ર ઉપર જ રોકાઈ ગઈ. તેને હાલ પૂરતી ઘરની ચિંતા ન હતી. રાજી સમુ અને મનુની દોરવણીએ ઘર સાચવી લેશે એમ તેને લાગતું હતું.


બધાં ઘરે પહોંચ્યા ત્યારે પિતાએ પોતાનાં હાથની સ્વાદિષ્ટ ધાન ખિચડી અને શિંગોડાનાં લોટની કઢી બનાવી રાખી હતી. સમુ-મનુ પોતપોતાનું ગૃહકાર્ય પતાવીને જુવારના રોટલા ઘડી રહ્યાં હતાં. ગુવાર અને ચોળીમાંથી એક જ બનાવે તો ઓછું પડે એમ લાગતાં પિતાએ બેયને ભેગાં વઘારી સોડમદાર રસાવાળું શાક કર્યું હતું. રાજી તો ઘરમાં પ્રવેશતાં જ આભી બની ગઈ. મેવો પિતા સાથે નજર મળતાં કાંઈક મૂક શિખામણ લઈ રહ્યો. બધાંય જમવા બેઠાં. દિપ્તી અને તુષારને ખિચડીમાં ઘી અને દૂધ ચોળી પિતાએ ખવડાવ્યું. બેયને મજા પડી ગઈ. વચ્ચે વચ્ચે સમુ તેમનાં મોંમાં દૂધમાં ચોળેલ રોટલાનો ભૂકો પણ મૂકતી હતી.


બધાંય જમી રહ્યાં એટલે રાજી અને રમીલાએ રસોડું સાફ કર્યું. સમુ અને મનુએ મળી વાસણ ઘસ્યાં. પિતા સાથે બેઠકમાં બાળકો સાચવીને બેઠેલ મેવાને મનુ અને પિતાની જીંદગીથી પ્રેરણા મળી. તેણે આવતાં અઠવાડિયેથી શાળામાં ડ્રાઈવર તરીકેની નોકરીએ જોડાવાનું છે તેમ પિતાને જણાવ્યું. પિતા ખુશ થયાં. બધાંય પરવારીને બેઠકખંડમાં આવ્યાં કે પિતા ઊઠીને રસોડામાં ગયાં. તેમનાં ખોળામાંથી નીચે ઉતારાયેલ તુષાર તેમની પાછળ-પાછળ દોડ્યો. તેને જોઈ મેવા સાથે રમી રહેલ દિપ્તી પણ તેની પાછળ દોડી. બેય દાદાજીની પાછળ-પાછળ રસોડામાં પ્રવેશ્યાં.


તેમને જોઈ મેવો તેમની પાછળ દોડ્યો કે બાળકો રસોડામાં કોઈ ધમાચકડી ન મચાવે. પિતાને ફ્રીજરમાંથી આઈસ્ક્રીમ અને કુલ્ફી કાઢતાં જોઈ તેને બાળપણ યાદ આવી ગયું. જ્યાં સુધી રમીલા તેમની સાથે રહેતી, મહિને એક-બે વખત પિતા કુલ્ફી લઈ આવતાં, અલબત્ત સાવ સસ્તી જ. તે પણ તે સમયે તેઓને ખૂબ જ મોંઘી પડતી. માતી અને પારવતીને તો ગળ્યું ભાવતું જ નહીં કે પછી બેય એટલી સમજણી હતી કે પિતાના પૈસા બચે એમ વિચારી 'નથી ભાવતું' એવું જાતે જ કહી દીધેલ.


આ સમુ અને મનુ તો જન્મેલાં પણ નહીં. મા પણ ન ખાતી. આખરે બચતાં એ બેય અને પિતા. રમુ પિતાને પરાણે કુલ્ફી ખવડતી. પિતા એને માટે બે કુલ્ફી લાવતાં. અને મેવો પોતે પોતાની કુલ્ફી ખાઈ રમુનો ભાગ ઝૂંટવવા કાયમ તત્પર રહેતો. પિતા એને એવું ન કરવા દેતાં. તેઓ પોતાના ભાગની કુલ્ફી તેને આપવા કરતાં પણ મેવાને રમીલાથી જ જન્મજાત ઈર્ષ્યા. આમ પણ તેના જન્મના કારણે જ તેણે મા નો ખોળો પણ છોડવો પડેલ એટલે એ નાનપણાનો ડંખ મનમાં શૂળ જેમ વાગતો. વળી, રમીલા શાળાએ જતી એટલે તો મા ને વધારે વહાલી લાગતી. મજૂરવાસની શાળાનાં બધાં જ શિક્ષકો તેનાં વખાણ કરતાં, એ ય બળતરા મેવા માટે ઓછી ન હતી.


પણ આજે એ જ રમીલાને કારણે, તેનો આખોય પરિવાર પંખા અને એ.સી.ની ઠંડી હવામાં ટેલિવિઝન જોતાં મધમીઠી કુલ્ફી માણવાયોગ્ય બન્યાં હતાં. તેણે પિતાને કપ અને ચમચીઓ લઈ જવામાં મદદ કરી. દિપ્તી અને તુષાર કશીય ભાંગફોડ માટે નહીં પણ દાદા કશું આપશે એ લાલચે જ રસોડામાં ગયાં હતાં. પોતાને કાંઈ મળી રહ્યું છે એની ગંધ તેમને આવી ગઈ. બેય દાદાની પાછળ પાછળ બેઠકખંડમાં પાછાં ફર્યાં.


મેવાએ મનુ અને સમુને આઈસ્ક્રીમના કપ અને ચમચીઓ પકડાવ્યાં. પિતાએ રમીલા અને રાજીને કુલ્ફી આપી. મેવાને પણ કુલ્ફી આપી અને પોતે ત્રણ કપ લઈ બાળકો સાથે જમીન ઉપર બેસી ગયાં. બેય બાળકો મોં ખોલી દાદા પોતાનાં મોંમાં ક્યારે આઈસ્ક્રીમ મૂકે છે તેની રાહ જોવા લાગ્યા. બધાંનું ધ્યાન ટેલિવિઝન તરફથી ખસીને બાળકો તરફ કેન્દ્રિત થયું. હળવી પળો માણતાં બધાંએ આઈસ્ક્રીમ પૂરો કર્યો અને સવારે વહેલાં ઉઠાય એ ગણતરીએ વેળાસર સૂવા ગયાં. આજે રાજીનાં સપનામાં મેવાની પોતાની ગાડી હતી અને પોતે સીટબેલ્ટ બાંધી તેની બાજુમાં બેસી શહેરની સહેલગાહે નીકળી હતી એમ દેખાયું. ઊંઘમાંય તેનું મોં મરક-મરક થઈ રહ્યું હતું. આ તરફ બેય બાળકો સૂઈ જતાં મેવાનું ધ્યાન રાજીનાં મોં તરફ ગયું. લગ્ન થયાં ત્યારથી વઢકણી લાગતી રાજી તેને આજે ખૂબ મજાની લાગી. તેનાં ઊંઘ અને હાસ્યમાં ખલેલ ન પહોંચે એમ તે હળવેકથી પલંગમાં આડો પડ્યો. આવતીકાલે પેલી શાળાએ દસ વાગ્યે પહોંચવાનું હોઈ, ચંદ્રના અજવાળામાં તે આંખો મીચીં સૂવાનો યત્ન કરતો રહ્યો.

ક્રમશઃ
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા