Khajano - 82 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 82

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 82

" રેડિયો પર મેં સમાચાર સાંભળ્યા હતા કે રહેણાક વિસ્તાર પાસેના તમામ બંદરો પર આંદોલનકારીઓએ આક્રમણ કર્યું છે અને જહાજો સળગાવી દીધા છે. તેમજ અંગ્રેજો અને આંદોલનકારીઓ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. આપણે અહીં પણ વધારે સમય ન રોકાવવું જોઈએ. મારી સલાહ માનશો તો અહીંથી થોડે દૂર એક ફુમ્બા નામનું બંદર છે. જે રહેણાંક વિસ્તારથી દૂર છે ત્યાં તમને નાની બોટ જેવું કંઈક મળી જશે. પરંતુ તેનો માર્ગ જંગલમાંથી પસાર થાય છે. આથી આપણે સાવચેતી પૂર્વક ત્યા જવું પડશે. જો તમે કહેતા હોય તો હું તમને મારી વૅનમાં સવાર સુધીમાં પહોંચાડી દઉં. ત્યાં પહોંચતા સવાર પડી જશે.!" અબ્દુલ્લાહીજીની વાત સાંભળતા ડ્રાઇવરે સલાહ આપતા કહ્યું.

"બોટ..? બોટમાં બેસીને ક્યાં જવાનું..? અને બોટ તો કેટલી ધીમી હોય..! બોટમાં યાત્રા કરવી મને યોગ્ય લાગતું નથી..!" હર્ષિતે કહ્યું.

"હા બોટ નાની હશે, પરંતુ આખી મુસાફરી તમારે માત્ર બોટ થી કરવાની નથી. મારો કહેવાનો આશય માત્ર એટલો જ છે કે તમે બોટના માધ્યમથી આ ટાપુને છોડી નજીકના અન્ય ટાપુ પર ચાલ્યા જાઓ. જેથી તમારી સલામતી બની રહે અને અન્ય ટાપુ પરથી તમને લાંબી મુસાફરી કરવા માટે સ્ટીમર કે જહાજ મળી રહેશે." ડ્રાઈવરએ કહ્યું.

"મને આમની વાત યોગ્ય લાગે છે. જોની અને અબ્દુલ્લાહી મામુ.. જો આપને યોગ્ય લાગતું હોય તો આપણે ડ્રાઇવરના કહ્યા મુજબ અનુસરવું જોઈએ." જોની અને અબ્દુલ્લાહી મામુની સામે જોતા લિઝાએ કહ્યું.

"ઠીક છે, ચલો ત્યારે.. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી ને..! અને ઝડપથી આપણે કોઈ મોટી સ્ટીમર કે જહાજને શોધવું પડશે જેનાથી આપણે ઓછા સમયમાં વધારે લાંબી મુસાફરી કરી શકીએ અને માઈકલ અંકલ સુધી પહોંચી શકીએ." લિઝાની વાતને ટેકો આપતા જૉનીએ કહ્યું. જોનીની વાત સાંભળીએ અબ્દુલ્લાહીએ વૅન તરફ પ્રયાણ કર્યું અબ્દુલ્લાહીમામુની પાછળ પાછળ બાકીના પાંચે યુવાનો ચાલવા લાગ્યા. ડ્રાઇવર વૅનમાં ગોઠવાયો. એક પછી એક બાકીના પણ વેનમાં ગોઠવાઈ ગયા. તેઓ જે માર્ગે આવ્યા હતા તે જ માર્ગેથી તેઓ જંગલમાં પરત ફર્યા. થોડા ઘણા ઉબડખાબડ માર્ગ બાદ તેઓ ફુમ્બા બંદર સુધી પહોંચવાના માર્ગ તરફ વળાંક લીધો. આ માર્ગ ગાઢ જંગલોમાંથી પસાર થતો હતો. ડ્રાઇવર સંભાળી સંભાળીને ધીમે ધીમે ઉબડખાબડ માર્ગમાં વેન ચલાવી રહ્યા હતા.

"ચારેય બાજુ અંધારું છે. વૅનની યલો લાઈટ સિવાય ક્યાંયથી એ પ્રકાશ દેખાતો નથી. મને તો આકાશ પણ દેખાતું નથી.. નથી દેખાતા ચાંદ.. તારા..! આ ડ્રાઇવર આપણને કયા માર્ગેથી બંદર તરફ લઈ જાય છે..? આવા ઘાઢ જંગલમાં તો મને ડર લાગી રહ્યો છે કોઈ હિંસક પ્રાણીનો આપણે શિકારના બની જઈએ..?" ધીમે ધીમે મનમાં જ બગડતા બબડતા સુશ્રુતે કહ્યું.

"ચિંતા નહીં કર સુશ્રુત...! સવાર પડતા સુધીમાં તો આપણે પહોંચી જઈશું. કોઈ હિંસક પ્રાણીનો આપણે શિકાર નહીં બનીએ. શો ડોન્ટ વરી..! નિશ્ચિંત બનીને તું થોડીવાર સુઈ જા." પોતાના મિત્રને આશ્વાસન આપતા લિઝાએ કહ્યું.

લિઝાની વાત સાંભળી સુશ્રુતે હકારમાં મોઢું હલાવ્યું અને જોની... હર્ષિત અને ઈબતિહાજને ઘસઘસાટ સુતેલા જોઈ તેણે પણ સીટ પર પોતાનો માથું ટેકવી આંખો બંધ કરી સૂવાનો પ્રયાસ કર્યો. સુશ્રુતને સૂતો જોઈ લિઝા પણ સીટ પર માથું ટેકરી સુવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં જ અચાનક ગાડીમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો અને અવાજની સાથે જ ગાડીની ઝડપ ઘટવા લાગી. અડધો કિલો મીટર ચાલ્યા બાદ ધીમી ગાડી સાવ સ્ટોપ થઈ ગઈ.

અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા. આજુબાજુ નજર ફેરવતા દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન વર્તાઈ રહ્યો હતો કે,"ગાડીને શું થયું..?" ડ્રાઇવર પણ સમજી ન શક્યો કે," અચાનક ગાડીને શું થયું...?" ચારે બાજુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલની વચ્ચોવચ ગાડી ઉભી રહી ગઈ હતી અંધકારની સાથે જંગલની ભયાનકતા પણ એટલી હતી કે ગાડીની બહાર નીકળવાની કોઈની હિંમત થતી ન હતી.

To be continue...

☺️મૌસમ☺️