Nitu - 8 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 8

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નિતુ - પ્રકરણ 8

પ્રકરણ ૮ : પરિવાર

રાતના લગભગ નવ વાગવા આવ્યા અને ત્રણેય સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં અંદર પહોંચીને ધીરુકાકા ચારેય બાજુ જોતા હતા.

"હવે કેણીપા જવાનું છે?" શારદાએ ધીરુભાઈને પૂછ્યું.

"હુંય ઈ જ જોઉં છું ભાભી. આ સુરતની ગાડી ક્યાં ઉભી રેતી હશે? લ્યો હું પુછી આવું."

"કાકા, પેલી બાજુ." કૃતિએ તેને કહ્યું.

"તને ખબર છે?!" શારદાએ આશ્વર્ય સાથે તેને સવાલ કર્યો.

દિશા સુચનના બોર્ડ તરફ ઈશારો કરતા તે બોલી, "મમ્મી, સામે લખેલું છે."

ધીરુભાઈ કહેવા લાગ્યા, " જોયું! અમારી દીકરી ભણેલી છે તે કેટલી હુશિયાર છે?"

"હા ભાઈ ઈ તો ખરું હો." તેઓ પ્લેટફોર્મ પર જઈને ઉભા રહ્યા. જેવી જ ટ્રેન આવી કે પોતાની સીટ શોધીને તેઓ બેસી ગયા. ધીરૂભાઈએ અંતે જ્યારે સીટ મળી ગઈ ત્યારે નિરાંતનો શ્વાસ લીધો અને કૃતિને કહેવા લાગ્યા, "બસ બેટા. હવે નિરાંતે હુઈ જાવ હવે તો હવાર પડે એટલે આપણે સુરતમાં હશું." તેની વાતનો જવાબ કૃતિએ એક નાનકડી મુસ્કાન આપી ને દીધો.


...........


નિતુ રાત્રી ના સમયે પોતાની રૂમમાં બેઠી બેઠી વિચાર કરતી હતી કે ખબર નહિ કેમ? પણ આજે તેણે વિદ્યા નું નવું રૂપ જોયું. આજે ગુસ્સો તો મેડમે ઘણો કર્યો. પણ મેડમ ના ગુસ્સા સામે ગુસ્સો કરનારી નિતુ આજે મેડમ સામેનો ગુસ્સો ન કરવાને બદલે આશ્ચર્યથી તેનો વિચાર કરતી બેઠી હતી.

" મેડમે આજે કંઇ પણ ના કીધું! અને વાત પણ એમ કરી જાણે તે કોઈ સાધારણ વાત ના કરતા હોય? રજા માંગી તો તે પણ આપી. કમાલ છે! આવું કરવા પાછળનું શું કારણ હશે? " વિચાર-વિચારમાં તેને નીંદર આવી ગઈ. આજે તે શાંતિથી સૂતી હતી, કારણકે તેને આજે વહેલા જાગવાનો કે ઘરમાં એક્સ્ટ્રા કામનો બોજો ન હતો. બસ કાલે પોતાનો પરીવાર આવી રહ્યો છે તેમ વિચારીને જ તે સૂઈ ગઈ.

સવાર પડી, રોજની જેમ તે આજે પણ પોતાના દૈનિક કાર્ય કરવામાં લાગી ગઈ. સવારના નવ વાગી ગયા. તે પોતાની ઘડિયાળમાં જોતા જોતા સ્ટેશને જવાનો સમય થઈ ગયો છે તેમ વિચારી, પોતાના કામ ફટાફટ પૂરા કરી, રેલવે સ્ટેશન માટે નીકળી ગઈ. મનમાં અપાર હરખ અને પ્રેમની લાગણીઓ વણસી રહી હતી. આજે મમ્મી આવશે, આજે કૃતિ આવશે. બસ એજ વિચાર તેના મનમાં સતત ચાલતા હતા. તેની સાથે અનુરાધાએ પણ પરમિશન લીધેલી કે તે નિતુ સાથે સ્ટેશન પર જવાની છે. અનુરાધા તેના પરિવારને લેવા માટે પોતાની કાર લઇને આવેલી. ટ્રેન આવવાને હજુ થોડી વાર હતી. એવામાં અનુરાધા નિતુને પીક કરવા તેના ઘરે પહોંચી ગઈ અને ત્યાંથી બંને રેલ્વે સ્ટેશન તરફ રવાના થઈ.

નિતુ અને ઋષભ બંને ભાઈ-બહેન સ્વભાવમાં લગભગ સરખા જ હતા. તેમાં વધારે અંતર ન હતું. પણ કૃતિકાની વાત અલગ હતી. તે સ્વાભાવમાં અને વાણીમાં નિતુ અને ઋષભથી અલગ હતી. સુરત તરફ દોડતી ટ્રેનની અટારીમાં ચક્કર લગાવતી કૃતિકા, ડબ્બાના દરવાજે આવીને ઉભી રહી. બંને તરફ રહેલી રેલિંગને પકડી તેણે પોતાનું માથું બહાર કાઢ્યું. દૂરથી શહેરના બિલ્ડીંગ અને મકાનો દેખાવા લાગ્યા હતા. ટ્રેનનો લાંબો હોર્ન વાગ્યો અને તેણે પોતાની આંખો બંધ કરી અને માથું હલાવતી તે તાજા ફૂંકાતા પવનનો આનંદ લેવા લાગી. છુટા છટાદાર તેના વાળ હવામાં આમથી તેમ વિખેરાઈને ઉડવા લાગ્યા. એટલામાં ધીરુકાકાએ તેને સાદ કર્યો, "કૃતિ..., એ..ય કૃતિ. હાલ બેટા... સ્ટેશન આઇવું..." તે અંદર ગઈ અને સાથે લાવેલ સામાનને બહાર કાઢવાની તૈય્યારી કરી.

સુરતના રેલવે પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રહી કે ત્રણેય જણ અંદરથી ઉતર્યા. ધીરુકાકાના સહારે તે બંને મા- દીકરી બહાર આવ્યા. આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહિ એટલે ધીરૂભાઇએ શારદાને પૂછ્યું; "તમી નિતુને વાત તો કરી દિધેલીને? કેમ દેખાતી નથી?"

શારદા બોલી; "હા ભાઈ, વાત તો હંધીય કરેલી ને ચોખવટય થયેલી કે ઈ આંયાં આપણને લેવા આવશે. ક્યાંક અટવાણી હશે! હમણાં આવશે."

તેઓની આ વાત ચાલતી હતી કે બંને કાર લઈને આવી અને નિતુએ પોતાના પરિવારને ઓળખી તેને કાર તરફ આવવા સાદ કર્યો. તે પોતાના પરિવારને મળીને તેના ખબર અંતર પૂછવા લાગી, શારદા અને ધીરુભાઈને પગે લાગી તેણે પોતાના સંસ્કાર નિભાવ્યા. કૃતિકા અને અનુરાધાએ ભેગા મળી જેટલો સામાન હતો તે ગાડીમાં મુક્યો અને તેઓને લઈને તે ચાલતા થયા. આખે રસ્તે નિતુએ પોતાના આડોશ પાડોશવાળા અને ગામના ઓળખીતાઓના ખબર પૂછ્યા; "બેસરકાકાને કેમ છે? એનો દિકરો બારમાના ક્લાસમાં આવ્યો છેને? પેલી રાધિકા શું કરે છે? દામજીકાકા એના દીકરાને મળવા અહીં સુરત આવવાના હતા, એ આવ્યા કે નહિ? પેલો ગોપલો ધંધામાં નુકસાની કરી ગામ ભેગો થઈ ગાયોને! તે ગામમાં શું કરે છે?" તેના આખા ગામના સમાચાર લેવામાં જ નિતુનું ઘર આવી ગયું.

જેવી જ ગાડી આવીને ઉભી રહી કે બાજુમાં રહેતા છગનકાકાના દીકરાનું ધ્યાન ગાડી તરફ ગયું. છગનકાકા નિતુને બહુ જ સાંચવતા. તે એકલી છે એમ જાણી તેનું આખું ઘર તેનું ધ્યાન રાખતું. તેને કોઈ વસ્તુની જરૂર હોય તો ત્યાંથી કોઈપણ સંકોચ વિના માંગી લેવાની છૂટ હતી. ક્યારેક જો જરૂર લાગે તો બોલાવ્યા વગર જ તે તેને સાથ આપવા માટે આવી જતા. આજે પણ એવું જ થયું. છગનકાકાનો દીકરો હરેશ, તે ગાડીને આવતા જોઈ ગયેલો. એટલે ત્યાં ગયો અને નિતુ સાથે વાત કરવા લાગ્યો.

તેનો પરિચય કરાવતા નિતુ બોલી; "મમ્મી, કાકા, આ હરેશ છે. અહીં બાજુમાં છગનકાકા રહે છે. તેનો દીકરો."

પરિચય કર્યા બાદ તેઓની સાથે વાતો કરતો તે તેમનો સમાન લેવામાં મદદ કરવા લાગ્યો. અનુરાધા ડીક્કીમાંથી બેગ કાઢવા લાગી અને તે બધી બેગને વારા ફરતી તેઓના ઘરમાં અંદર લઈ જવા લાગ્યો. બધો સામાન આવી ગયા બાદ બધા ઘરની અંદર આવ્યા અને બેઠા.

"ઠીક છે, ચાલ. મારે ઓફિસે પહોંચવાનું છે. હું નીકળું છું." અનુરાધાએ કહ્યું.

શારદા તેને કહેવા લાગી; "અરે બેટા, એટલી હુ ઉતાવળ છે? રોકાને. જમીને જાજે. અમથાય બપોર થાવામાં આઇવા છે."

અનુરાધા કહે; "ના આંટી, મને તો મેડમે અડધા દિવસની જ રજા આપી છે. મારે નીકળવું પડશે નહિતર મોડું થઈ જશે." કહેતી અનુરાધા બધાની રજા લઈને નીકળી ગઈ.

તેના ગયા પછી હરેશને જોઈને નિતુ બોલી; "થેન્ક યુ. તમે જે મદદ કરી એ બદલ. નહિતર એટલો બધો વજનદાર સામાન ઊંચકાવવો અમને અઘરું થઈ પડેત."

હરેશ કહે; "અરે એમાં થેન્ક યુ ની શી જરૂર છે. આ તો હું ગાડી આવતા જોઈ ગયો તો થયું કે લાવ મદદ કરું."

તેઓની વાતમાં વચ્ચે કૂદતાં કૃતિકા બોલી; "તમે અહીં બાજુના મકાન માં જ રહો છો?"

"હા"

"તો તમે કામ ધંધો શું કરો છો?"

"હું જેમ્સની ઓફિસ સંભાળું છું."

"અચ્છા. આજે રજા છે?"

"ના. આજે મારે મોડેથી જવાનું છે."

"નહીંતર બેસો તો સાંજે અમારો બાકીનો સામાન ટેમ્પો લઈને આવતો હશે. ગઈ કાલે જ નીકળી ગયેલો. સાંજે આવે તો લગે હાથે એ પણ ઉતરાવતા જજો."

કૃતિકાના સ્વાભાવથી સર્વે જાણકાર હતા. એટલે ધીરૂભાઇ સમજી ગયા કે તે જાણી જોઈને આવા સવાલો અને વાણી બોલી રહી છે. તેણે નિતુ તરફ ઈશારો કર્યો અને એને ચૂપ કરવા કહ્યું. કૃતિકાની બાજુમાં બેઠેલી નિતુએ તેનો હાથ દબાવ્યો. તે સમજી ગઈ કે દીદી મને ચૂપ બેસવા કહે છે. પણ તે તેના કાન પાસે મોઢું લઈ જઈને ધીમેથી બોલી; "આ તો ચીપકું છે. આવ્યો ત્યારનો જવાનું નામ જ નથી લેતો. અડધા કલાકથી બેઠો છે."

નિતુએ ધીમા અવાજે કહ્યું; "ચૂપ બેસ."

જોકે આ તેણે નિતુના કાનમાં વાત કરી પણ છતાં હરેશ સાંભળી ગયો અને સમજી પણ ગયો. તે અચાનક ઉભો થયો અને નિતુને બાય કહી ચાલતો થયો.

"બિચારાને કેટલું ખોટું લાગ્યુ હશે! આરીતે વાત કરાય કોઈ સાથે? " તેના ગયા પછી થોડી કડકાઈથી નિતુએ કૃતિને કહ્યું.

"શું થયું બેટા?" ધીરૂભાઇએ પૂછ્યું.

"કાકા આ કૃતિએ હરેશને ચીપકું કહ્યું અને તે સાંભળી ગયો."

ધીરૂભાઇએ પણ થોડી કડકાઈથી કૃતિને ઠપકો આપ્યો; "કૃતિ બેટા! આ રીતે કોઈ હારે વાત કરાય? એક તો કીધા વગર બચારો મદદ કરવા આવેલો અને તું એને આવું કે' છો?"

"સોરી દીદી." કહી તેણે મોં લટકાવી દીધું.

"એ બધું ઠીક છે. ચાલ હવે મારી સાથે આ સામાન બધો બાજુની રૂમમાં ગોઠવી દઈએ. તું અને મમ્મી ત્યાં એ જ રૂમમાં સુઈ જજો."

બંને બહેનો ઉભી થઈ અને સામાન મુકવા લાગી. તેઓ રૂમમાં અંદર ગઈ એટલે શારદા ધીરુભાઈને કહેવા લાગી; " જોયું ધીરૂભાઇ? બસ મને મારી કૃતિની ચિન્તયા છે. એકવાર સારો વર ગોતી એના હાથ પીળા કરી દઉં એટલે મારુ કામ પાર પડે."

ધીરૂભાઇએ જવાબ આપતા કહ્યું; "તમારી વાત હાવ હાચી છે ભાભી, પણ મારુ મન નથી માનતું હો! આ નિતુના કર્યા એટલે એમ થાતું 'તું કે આપણે ન્યાલ થઈ ગયા. પણ એનું છૂટું થયું ત્યારથી મને બીક લાગે છે. નિતુ તો હમજણી, એની કરતા તો કૃતિ હજુ ક્યાંય નાની છે. તમે કીધું ઈ તો મેં જોયું. કામ તો હંધુંય કરે છે. એમાં આપણી એકેય દીકરી પાછી પડે એમ જ ક્યાં છે? પણ તમી ઈ નો જોયું કે હરેશ બેઠેલો અને કૃતિના મોઢામાંથી ચીપકું બોલાય ગયું. એ એટલી હમજણી નથી જેટલી નિતુ છે. એને બોલવાનું હજુ ભાન નથી આઇવુ."

"ભાઈ તમારી વાત હાચી છે. પણ મારાથી રેવાતું નથી. એકવાર આપણી નિતુ માટે આપણે છેતરાયા. હવે કૃતિ માટે છેતરાવાનું નથી. અતાર દિ' થા જોવાનું ચાલુ કરી દેહુ, તારે તો એક હારો છોકરો જડશેને!"

"તમી ક્યો, ઈ હું માનું. બાકી મારો ભાઈ ગ્યો ઈ પછીની આ ઘરની બધી જવાબદારી મારે માથે છે. જો હું હોત તો આ થવા નો દેત. પણ તમી જીદે ચડ્યા એટલે હું આંય આઇવો. હવે હું એ બધા હારે વાત કરી, એ છોકરાને અને એના ઘરને જોણ કરવા બોલાવી લઉ. કૃતિને ગમશે તો વાત આગળ હાંકશું નહીંતર બીજે વાત કરીશું."

"બાબભાઈએ વાત કરી એટલે ઈ કેતા 'તા કે છોકરો છે બૌ હારો. પણ આપડી કૃતિ કરતા ઓછું ભણેલો છે. આપડે એને હમજાવી લેહું. નકર હમણાં જો આમ જ ટેમ વયો જાહે તો કૃતિના વરહ દેખાવા લાગશે."

"અરે ભાભી! તમી એનું હુ એટલું વિચારો છો? એની ચિન્તયા તમી હુ લેવાને કરો છો? ને રૈ વાત કૃતિની તો એ તો છોકરો જોશે પછી ખબર પડશે. છે હારા કુળનો અને આગળ નીકળેલો. તમી કીધું એમ કે કૃતિ આપડી ભણવામાં આગળ નીકળેલી છે અને છોકરો બાર પાસ થયેલો. બાકી તો હવે એને જેમ ઠીક લાગે એમ થાહે."

નિતુએ એકવાર જીવન જીવી લીધું છે અને બીજીવાર તેની હિમ્મત નથી થતી. તે એકદમ શાંત અને સહનશક્તિ વાળી છે જ્યારે કૃતિ તેનાથી તદ્દન ઉલટ છે. આ તો માત્ર વાર્તાની શરૂઆત છે. હજુ તેઓના જીવનમાં અનેક વસ્તુઓ આવશે અને અનેક રહસ્યો ખુલશે. આ વાર્તા થકી આજના સમાજમાં ચાલી રહેલા અમુક પ્રશ્નોના જવાબ જાણવાનો અને તેના ઉકેલ માટે પ્રેરણા મેળવવાનો પ્રયત્ન છે. અત્યાર સુધીની વાર્તા આપને કેવી લાગી તે અવશ્ય જાણવશો. જો કોઈ ક્ષતિ હોય તો એ પણ કહેજો. વાર્તાના આગળના ભાગ માટે ફોલો કરો.