Premno Ilaaj, Prem - 6 in Gujarati Short Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 6

Featured Books
Categories
Share

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 6

૬) ઈલાજ
પ્રભાત થયુ એટલે ચારેબાજુ અંધકાર મટી ઉજાસ ફેલાયું. માનવ મસ્તિષ્કમાં રાતની પડેલી શુષ્ક ચેતના, નવચેતન બની જતી હોય છે. નવી આશા, અરમાનો અને સપનાંઓ તરફ ગતિ થતી હોય છે.એવી જ આશા સાથે વંદનાબેન પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા. મિતેષભાઈ પણ દવાખાને આવવા તૈયાર થઈ રહ્યા હતા. પ્રકૃતિ સર્વ તરફ ચેતનવંતુ બની રહ્યું હતું, ત્યાં સિદ્ધાર્થ જ અવદશામાં અટવાયને બેઠો હતો.

દસ વાગતાંની સાથે જ દાદી અને મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને દવાખાને પહોંચ્યા. ડૉક્ટરે સિદ્ધાર્થના વર્તન પર અભ્યાસ કરી રાખ્યો હતો. તેથી સમય બગાડ્યા વિના જ સીધા મુદ્દા પર આવ્યા.
" સિદ્ધાર્થને આઘાત સખત લાગ્યો છે, એટલે સર્વ આવેગો અને લાગણી પરત્વેથી વિમુખ થઈ ગયો છે.મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો 'લાંબો સાંવેગિક આઘાત' લાગ્યો છે. "

" સારું તો થઈ જશે કે? " મિતેષભાઈ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા.
" હા, હું એ જ જણાવી રહ્યો છું. આવા લાંબો સાંવેગિક આઘાતમાંથી બહાર આવવા માટે વ્યક્તિની પ્રકૃતિ પર આધારિત છે. સિદ્ધાર્થ અંતઃમુખી પ્રકૃતિવાળો વ્યક્તિ છે. તે અન્ય જોડે કે વાતાવરણ સાથે જલ્દી સમાયોજન નથી કેળવી શકતો. પરિસ્થિતિ સાથે તાલ મેળવવા માટે સમય લાગે છે. બસ એ જ સમયની સિદ્ધાર્થને જરૂર છે. સિદ્ધાર્થને પૂરતી ઊંઘ અને આરામ લેવા દો, સાથે સાથે પ્રેમ, હૂંફ અને સહકાર આપતા રહો. તેની અંદર પોતીકા હોવાનો ભાવ પેદા કરો અને સતત તેને ગમતું કાર્ય કરવામાં વ્યસ્ત રાખો.આ રોગની બસ આ જ દવા છે." ડૉક્ટરે સિદ્ધાર્થની ફાઈલ મિતેષભાઈ તરફ આગળ ધરી.
ડૉક્ટરની સલાહ અને સૂચનથી દાદી અને મિતેષભાઈમાં આત્મવિશ્વાસ જાગ્યો. તેઓ સિદ્ધાર્થને લઈને ઘરે પરત ફર્યા.

"હવે, સિદ્ધાર્થને હું મારી જોડે જ રાખીશ. ઓફિસમાં લઈ જઈશ, ફરવા લઈ જઈશ અને તેને મનમુક્ત કરી દઈશ." મિતેષભાઈએ ગર્વભેર દાદીને કહ્યું.
" એવું થાય તો તારા મોહમાં ઘીગોળ." દાદીએ ઉત્સાહ વધાર્યો.
બીજે દિવસથી મિતેષભાઈ સવારના છ વાગ્યે ઊઠીને સિદ્ધાર્થને લઈને બગીચામાં ગયા. મિતેષભાઈ તો તેમની ધૂનમાં ચાલતા રહ્યા પણ સિદ્ધાર્થ તો એક બેન્ચ પર લાંબા પગ કરીને વિચારોમાં ગુમ થઈ ગયો.
એ ઉનાળાની સવારમાં મંદમંદ ગતિએ વાતો મીઠો પવન ખુશનુમાં પ્રદાન કરી રહ્યો હતો.ઝાકળ બિંદુ પુષ્પ અને ઘાસ પર પડતાં સજીવન થઈ રહ્યા હતા. એ વાતાવરણ તાજગી પ્રસરાવી રહ્યું હતું.ચારેબાજુ લોકો સ્ફૂર્તિને ઘૂંટડે ઘૂંટડે પી રહ્યા હતાં, પણ સિદ્ધાર્થ! એતો કાદવમાં આળસ મળોડતા હિપ્પોની જેમ ભાસતો હતો.
ખુલ્લી પણ વિચારોમાં ખોવાયેલી આંખે ઝાંખી તસ્વીર નજર સમક્ષ આવવા લાગી. દોડ લગાવવાથી હવાની ગતિ વિરૂદ્ધ ઉડતા વાળ, પરસેવાના બાઝેલા ટીપાંથી ચહેરાની મધુરતા વધી રહી હતી અને મુક્ત ગગનમાં કોઈની પરવાહ વિના મુક્ત મને માલતી એક છોકરી તે તરફ દોડી આવી રહી હતી. તે જોઈને જ સિદ્ધાર્થના મુખમાંથી ' સ્નેહા....' એવી બૂમ પડાઈ. " હા, બોલો." તે છોકરી સિદ્ધાર્થની પાસે આવીને બોલી. જાણે કોઈ સપનું જોઈ હોઈ એમ વર્તવા લાગ્યો. તે ચોબાજુ રઘવાઈ નજરે શોધવા લાગ્યો અને સૂર્યકિરણથી ઝાકળનું શુષ્ક થવું એમ શુષ્ક બની પડ્યો. તે છોકરી વારેવારે ઢંઢોળતી રહી પણ કોઈ ફરક ન પડ્યો.
" શું થયું?" તે છોકરીને મિતેષભાઈએ પૂછ્યું.
"આને મારા નામ સ્નેહાનો પોકાર કર્યો અને હવે જવાબ નથી આપતો."
" તેનાથી ઓળખવામાં ભૂલ થઈ ગઈ હશે. તેના તરફથી હું સૉરી કહું છું."
એવું તો ચાલ્યા કરે એમ દર્શાવતો ઈશારો કરીને તે છોકરી સિદ્ધાર્થ સામે નજર કરીને ફરી પોતાની દોડમાં લાગી ગઈ. તે એનો ભ્રમ હતો કે પછી કોઈ સપનું, આટલા મહિનાથી ખુદને ભૂલી ગયેલો એક ક્ષણ માટે પણ હયાતી બતાવી. આશા જગાવી દીધી. મિતેષભાઈ ખુશી વ્યક્ત કરવા લાગ્યા. તે જ ખુશી સાથે ઑફીસે લઈ ગયા. ઑફિસનું કામ તેના માટે ભોગજડ થઈ પડતું.એ તો ખુદના વિચારોમાં જ લટારી મારતો રહે. વૈરાગી જેમ વૈરાગ ધારણ કરીને ખુદની મસ્તીમાં માલતો હોઈ એમજ સિદ્ધાર્થને પણ કોઈ રંગ ન લાગે. મહિના સુધી મિતેષભાઈએ ઘણા પ્રયાસ કર્યા પણ કોઈ ફરક ન પડ્યો. હવે એમની ધીરજ ખૂટી. તેઓ ડૉક્ટર પાસે દોડી ગયા.
" ડૉક્ટર, સિદ્ધાર્થને કેમ કશો ફરક પડતો નથી?"
" એને આઘાત જ એવો લાગ્યો છે. લાંબા સાંવેગિક આઘાત એ મનોવિકૃતિ જ એવી પેદા કરે છે જેનાથી મનુષ્યને વાસ્તવિક દુનિયામાંથી રસ જ ઉડી જાય. પુનઃ જીવનમાં પરત આવવામાં સમય લાગી જાય છે. "
" પણ ડૉક્ટર આતો કેટલા સમયથી આમને આમ જ છે. કોઈ ફરક જ નથી આવતો. કંઈક કરો કે સારું થાય."
" એક રીત છે ઈલાજ કરવાની. જેના થકી આઘાતમાં ગયો છે તે થકી પરત પણ લાવી શકાય છે. "
" સમજાય એમ કહો ડૉક્ટર."
"તેને પ્રિય સ્વજનને ગુમાવવાનો આઘાત લાગ્યો છે એટલે ફરી પ્રેમ ઉપજાવીને ઈલાજ કરી શકાય. જો તમે મંજૂરી આપો તો એ તરકીબ પણ અજમાવી જોઈએ."
"સિદ્ધાર્થને સારો જોવા માંગુ છું. તમે જે કરવા માંગો છો તે કરી શકો છો."
" આ રસ્તો થોડો અઘરો અને જોખમી પણ છે. કેમ કે હવે જો એને ઘા વાગશે તો કયારે પણ બેઠો નહીં થઈ શકે."
"સિદ્ધાર્થને સારું તો થઈ જશે કે?"
"હા, સારું થઈ જ જશે." આત્મવિશ્વાસ સાથે ડૉક્ટર બોલ્યા. તે સાથે જ કાગળ પર સિદ્ધાર્થના કેસની સ્ટડી લખીને એક આસિસ્ટન્ટ ડોક્ટરને બોલાવી. તે રૂમમાં પ્રવેશતાંની સાથે જ મિતેષભાઈને જોઈને, " અંકલ તમે અહીંયા?" મિતેષભાઈ તેના ચહેરાને યાદ કરવા લાગ્યા. " હા, તું એ જ ગાર્ડનવાળી છોકરી કે ?"
" હા, એજ."
" તમે બંને આ પહેલા એકબીજાને મળી ચૂક્યાં છો એમને."
" હા, સર." સ્નેહાએ જવાબ આપ્યો.
" સરસ. સાંભળ હવે, આ એમના દીકરાનો કેસ છે(ફાઈલ આપતા). બધી જ વિગત આ ફાઈલમાં લખેલી છે. તું પછી સ્ટડી કરી લેજે."
" ઓકે સર."
" આ કેસમાં તારી ખુબજ મદદની જરૂર છે. તારે સિદ્ધાર્થની અંદર ફરી પ્રેમ જગાડવાની કૌશિશ કરવાની છે. તેને આઘાતમાંથી બહાર લાવવાનો છે. "
"પણ, સર. પ્રેમનું ખોટું નાટક.." સ્નેહા વાક્ય પૂર્ણ કરે તે પહેલાં જ મિતેષભાઈ હાથ જોડીને આજીજી કરવા લાગ્યા.
" મારા દીકરાની જિંદગી તું સુધારી શકે છે. તું એને ઠીક કરી શકે છે. મહેરબાની કરીને આ બાપ પર દયા ખા."
સ્નેહા મિતેષભાઈની વાતથી પીગળીને પ્રેમનું નાટક કરીને ઈલાજ કરવા તૈયાર થઈ ગઈ. મિતેષભાઈએ સ્નેહાનો હૃદયપૂર્વક આભાર માન્યો.
" મિતેષભાઈ, તમે સ્નેહાને સિદ્ધાર્થના જીવનની ખાસ બાબતો અને તેની પ્રેમિકા સ્નેહાની જીવનશૈલી વિશે માહિતી આપી દેજો. જેથી સ્નેહા જ્યારે પણ મળે ત્યારે તેની સ્નેહાના સ્વરૂપે મળતી હોય એવું થવું જોઈએ." ડૉક્ટરે ઇલાજની તૈયારી શરૂ કરતાં કહ્યું.
" સિદ્ધાર્થના જીવન વિશે તો હું માહિતી આપીશ પણ સ્નેહાના વિશે માહિતી મારી પાસે નથી.(થોડો વિચાર કરીને) પણ સ્નેહાના માતા-પિતા જરૂરથી મદદ કરશે."
મિતેષભાઈ અને આસિસ્ટન્ટ ડૉ. સ્નેહા સમય બગાડ્યા વિના સ્નેહાના ઘરે ગયા. મિતેષભાઈએ માંડીને બધી વાત રસિકભાઈને કરી.
" સ્નેહાને જાણવી અને સમજવી હોઈ તો સ્નેહાની એક સુટેવ હતી, ડાયરી લખવી. તેની ડાયરીમાં તેને પોતાની અને સિદ્ધાર્થની કેટલીય વાતો અને ખાસિયતો લખેલી છે, જેથી સ્નેહાને સારી રીતે સમજી શકાશે. " રસિકભાઈએ મિતેષભાઈના હાથમાં ડાયરી સોંપી. તે ડાયરી સોંપતા રસિકભાઈને સ્નેહાનું કન્યાદાન કરવાનો અનુભવ થયો. તેમની આંખ ભરાઈ આવી. માલતીબેનનું હૃદય પણ ગમગીન થયું. મિતેષભાઈએ આશ્વાસન આપીને તેમને સ્વસ્થ કર્યા.
આસિસ્ટન્ટ ડૉ. સ્નેહાએ સ્નેહાના રૂમમાં જઈને દીવાલ પર ટંગારેલો સ્નેહાનો ફોટો જોવા લાગી. તે મનમાં જ બોલી પડી.' કેટલો આકર્ષિત અને તેજસ્વી ચહેરો હતો. મુક્તમન, ખુશ મિજાજ અને પ્રભાવદાર વ્યક્તિત્વ; જરૂરથી આ સિદ્ધાર્થ પર વ્હાલભર્યા હુકમ ચલાવતી હશે. દેખાવથી જ સમજદાર અને પરિપક્વ લાગે છે.' તે થોડા સમય માટે સ્નેહાના સ્થાને મૂકીને સ્નેહા બનવાની કૌશિશ કરી. થોડું અઘરું જણાયું પણ કરી લઈશ એવો વિશ્વાસ પણ જતાવ્યો.
" હવે કાલથી સિદ્ધાર્થ, તેણી સ્નેહાને મળશે." સ્નેહા ઊંડા શ્વાસભરીને બોલી.
હવે આ ઈલાજનો અંજામ ક્યાં લઈ જશે તે તો સમય જ બતાવશે.


ક્રમશઃ........