Apharan - 2 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | અપહરણ - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અપહરણ - 2

૨. અણધારી આફત

 

એ જ સાંજે. સેન માર્ટીન સ્ટ્રીટ. ૧૨ નંબરનું ઘર.

ટેબલ પર મને મળેલી જાસાચિઠ્ઠી ખુલ્લી પડી હતી. વોટ્સનના મમ્મીનાં ડૂસકાં સંભળાતાં હતાં. એના પપ્પા તો જાણે પૂતળું હોય એમ જ સોફા પર ખોડાઈ ગયા હતા.

અમે પાંચેય મિત્રો એમની સામે નારાજગી અને અફસોસ મિશ્રિત ચહેરે જોઈ રહ્યા હતા. અમને એ બંનેને ઠપકો આપવાનું મન થતું હતું.

‘વોટ્સન અઠવાડિયાથી ગાયબ છે !’ વોટ્સનનાં મમ્મીએ રડતાં રડતાં કહ્યું, ‘તમે લોકો એના એવા જીગરજાન મિત્રો છો કે એનો વાળ પણ વાંકો થાય તો પણ તમે ઊંચાનીચા થઈ જાઓ છો. તો... પછી... અમે તમને આ વાત કેવી રીતે કહી શકત ? અમને લાગ્યું કે તમને કહીને વાત વધારવી નથી. વોટ્સન આવી જશે ત્રણ-ચાર દિવસમાં. પણ...’

એ આગળ બોલે તે પહેલાં એમની આંખમાંથી આંસુ દદડવા લાગ્યાં. વાતાવરણ વધારે ગમગીન બનતું જતું હતું. મારું દિલ પણ વલોવાઈ રહ્યું હતું.

‘કેમ, આંટી ? શા માટે તમે અમને ન કહ્યું ?’ મેં ફરિયાદના સૂરમાં પૂછ્યું. ‘તમારી આ ગફલતને કારણે વાત વણસી જશે.’

મારા સવાલનો એમની પાસે કોઈ જવાબ નહોતો.

‘જે થયું એ થયું. હવે તમે લોકો મારી વાત સાંભળો.’ મૂર્તિ બની ગયેલા વોટ્સનના પપ્પામાં જીવ આવ્યો. એમણે કહ્યું, ‘તમારે વોટ્સનને શોધવાના આંધળુકિયાં નથી કરવાના. હું એના માટે એક ખાનગી ડિટેક્ટિવ રોકી લઈશ. એ શોધી કાઢશે વોટ્સનને.’

‘એવું જોખમ લઈ શકાય એમ નથી, અંકલ. ચિઠ્ઠીના લખાણમાં જે સૂર છે એ પ્રમાણે અમારે જ એ કામ કરવાનું છે. તમે બીજા કોઈને રોકશો અને એનો અણસાર ચિઠ્ઠી મોકલનારને આવી જશે તો બાજી બગડી જશે.’ થોમસે વ્યવહારુ વાત કરી.

‘હા, અંકલ. અમારા માથે આ કામ આવ્યું છે તો અમને જ પૂરું કરવા દો.’ જેમ્સે પણ ટાપશી પૂરાવી. ‘અમે ગમે તેમ કરીને વોટ્સનને છોડાવી લાવીશું. અમે પણ કાંઈ કાચી માટીના નથી.’

‘તમારી વાત બરાબર છે, છોકરાઓ, પણ અમને તમારી ચિંતા થશે એનું શું ?’ વોટ્સનના પપ્પા ગંભીર અવાજે બોલ્યા. ‘વોટ્સન માટે હું પાંચ-પાંચ જુવાન છોકરાઓના જીવ દાવ પર ન લગાવવા દઉં.’

‘અમને કાંઈ નહીં થાય, અંકલ. કારણ કે ચિઠ્ઠી મોકલનારે અમને વોટ્સનના બદલામાં ખાસ કામ સોંપ્યું છે. એ કામ અમે પૂરું નહીં કરી લઈએ ત્યાં સુધી એ અમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.’ વિલિયમ્સે તર્ક સાથે વાત કરી. એની વાત સામે વોટ્સનના પપ્પા દલીલ ન કરી શક્યા. સોફા પર ફસડાઈ પડ્યા.

અંકલ-આંટીને આ સિવાય શું કહેવું એ મારી સમજમાં આવ્યું નહીં. થોડી ક્ષણો એમ જ નીરવતા છવાયેલી રહી.

‘વોટ્સનને કાંઈ નહીં થાય. ભરોસો રાખજો.’ હું માત્ર આટલું જ બોલી શક્યો. લાચાર દંપતી સામે એક વખત જોઈને વિશ્વાસ અપાવ્યો અને દરવાજા તરફ ચાલતો થયો. મારા મિત્રો પણ મારી સાથે બહાર નીકળી ગયા. વોટ્સનના મમ્મી-પપ્પા આશાભર્યા ચહેરે અમને જતા જોઈ રહ્યાં.

***

‘ચિઠ્ઠી અસ્પષ્ટ છે. આપણને જાણે આદેશ જ ફરમાવી દેવાયો હોય એમ. શું કરવાનું છે, ક્યાં જવાનું છે એ કાંઈ જ કહેવાયું નથી. એટલે મને લાગે છે કે એ બધું આપણે જ શોધવું પડશે.’

રાત્રે મારા ઘરે બધા ભેગા થયા ત્યારે મેં ચર્ચાની શરૂઆત કરી.                       

‘એવું પણ હોય ને, એલેક્સ, કે ચિઠ્ઠી મોકલનાર શખ્સ પોતે જ આનાથી વધુ કાંઈ જાણતો ન હોય અને એને મિસ્ટર જોસેફની સંપત્તિ હડપી લેવી હોય ?’ જેમ્સે મુદ્દાનો સવાલ કર્યો.

‘બેશક શક્ય છે, જેમ્સ.’ હું સહમત થયો.

અમે સોફાસેટ પર બેઠા ચર્ચા કરી રહ્યા હતા.

‘મને તો આ કોઈ મોટો લૂંટારો લાગે છે.’ વિલિયમ્સે પોતાનો મત રજૂ કર્યો, ‘એને તો બસ આંચકી લેવાની જ વૃત્તિ હોય એટલે એ ક્યાં, શું, કેવી રીતે એવી બાબતો આપણા જેવા શિકાર બનનારાઓ પર છોડી દે.’

‘એ વાત તો ખરી, વિલિયમ્સ, પણ આ કોઈ સામાન્ય ચોર-લૂંટારો નથી લાગતો.’ મેં કહ્યું, ‘કારણ કે આપણો વોટ્સન એના કબજામાં છે. અથવા તો એમ પણ બને કે અપહરણ કરીને કોઈકની પાસે કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરાવવી એની સ્ટાઈલ જ હોય.’

‘જે હોય તે, પણ અત્યારે આપણી પાસે વોટ્સનને સહીસલામત પાછો લઈ આવવા સિવાય કોઈ રસ્તો નથી.’ થોમસ સોફા પરથી ઊભો થઈને બારી પાસે ગયો. ‘આપણે ફરી જોખમી સફરે નીકળવું પડશે. અને આ વખતે તો જીગરી દોસ્ત દાવ પર છે.’

‘વોટ્સનને જો કાંઈ થઈ ગયું તો...’ અત્યાર સુધી શાંત બેઠેલા ક્રિકે એકાએક એની નકારાત્મકતા પ્રદર્શિત કરી.

‘કશું જ નહીં થવા દઈએ એને !’ બારી તરફથી પીઠ ફેરવીને થોમસે રાડ પાડી. એની આંખોમાં જુસ્સો અને ગુસ્સો બંને એક સાથે દેખાયા.

જેમ્સ એની નજીક પહોંચ્યો અને એના ખભા પર હાથ મૂક્યો. વાતાવરણ થોડું ભારે બની ગયું.

‘ચાલો, ચાલો. હવે સમય બગાડવાથી કોઈ લાભ નથી. વોટ્સનનો જીવ ખતરામાં છે. આપણે બને તેમ જલદી નીકળી જવું જોઈએ.’ આખરે મેં જાહેર કર્યું. ‘સ્પેક્ટર્ન’ વખતે અમે એક યોજનાના પ્યાદાં બનીને સાહસ ખેડ્યું હતું. આ વખતે મજબૂરીવશ ફરી અમે જોખમી સફરે નીકળવા તૈયાર થઈ ગયા હતા. અમારે મિત્રતાની ફરજ નિભાવવાની હતી.

‘આપણે ફ્રેડી જોસેફને મળીને વાત કરવી જોઈએ.’ જેમ્સ બારી તરફથી અમારી તરફ ફર્યો.

‘હા, પણ પેલી જાસાચિઠ્ઠીમાં ચોખ્ખી ધમકી છે કે આપણે એમને આ વાત જણાવીશું તો પરિણામ બૂરું આવશે.’ મેં કહ્યું. એ જ વખતે હું ઊંડા વિચારમાં પડી ગયો. ‘એક મિનિટ. હું હમણાં આવ્યો.’ કહીને મેં સ્ટોરરૂમ તરફ દોટ મૂકી. મને ખાતરી જ હતી કે મારા ગયા પછી મારા ભાઈબંધોના ચહેરાઓ પર રહસ્યમય ભાવો ઉપસ્યા વગર રહ્યા નહીં હોય.

પાંચેક મિનિટ પછી હું એક જૂનું છાપું લઈ આવ્યો.

‘ફ્રેડી સાહેબ સાથે વાત કરીને સમય બગાડવાની મને જરૂર નથી લાગતી. આ જુઓ.’ મેં છાપું ખોલીને એક પાના પર છપાયેલા સમાચાર બધાને બતાવ્યા. તેમાં આ મુજબનું લખાણ હતું:

 

‘જાણીતા સંશોધક અને માજી સાહસિક ફ્રેડી જોસેફે એક રમત શરૂ કરી છે. તેમના કહેવા મુજબ તેમને કોઈ વારસ નથી. એટલે તેમની જિંદગીભરની કમાણી તેઓ પોતાના જેવા જ સાહસિક ગુણો ધરાવનારને સોંપવા માગે છે. રમત એવી કંઈક છે કે એન્ડીઝ પર્વતમાળાના અજ્ઞાત પહાડ પર તેમણે પોતાની સંપત્તિ છુપાવી દીધી છે. તે એવા સ્થાને હશે કે ચોક્કસ દિશાસૂચન વગર મળશે નહીં. અને દિશાસૂચનની પ્રથમ કડી શોધવા માટે તેમણે લાઈબ્રેરીઓનો સહારો લીધો છે. પેરુના દરેક મોટા શહેરની કોઈ ને કોઈ લાઈબ્રેરીમાં પેરુની ભૂગોળને લગતાં કોઈ પુસ્તકમાં કડી છુપાયેલી હશે. હંમેશા નવું જાણવા અને અજાણી જગ્યાઓ શોધવા તત્પર રહેતા લોકો ભૂગોળનાં પુસ્તકો વાંચતા હોય છે. તેથી તેમને આવા જ કોઈક પુસ્તકમાં ફ્રેડી જોસેફની સંપત્તિ સુધી પહોંચવાની દિશા મળશે. ખુદ તેમણે જ આટલી વાત જાહેર કરી છે...’

 

સમાચારમાં આગળ બીજું ઘણું લખાણ હતું. પણ અમને જે માહિતી જોઈતી હતી તે મળી ગઈ હતી. લગભગ છએક મહિના પહેલાં છપાયેલી આ ખબર વાંચીને મારા મિત્રોના ચિંતાતુર ચહેરાઓ પર ચમક આવી ગઈ.

‘થેન્ક યૂ, એલેક્સ ! જૂનાં છાપાંનો સંગ્રહ કરવાની તારી આ ટેવ અત્યારે આપણને કેવી કામ લાગી !’ વિલિયમ્સે વખાણના સૂરમાં કહ્યું, ‘હવે આપણે ફ્રેડી સરને રૂબરૂ મળવાની પણ જરૂર નહીં રહે. કારણ કે એ આપણને આનાથી વધુ કશી જ માહિતી નહીં આપે. છતાં પણ મળવું હોય તો જેવી બધાની મરજી.’

‘ના, તારી વાત સાચી છે.’ હું સહમત થયો, ‘મને પણ એવું લાગે છે કે એમને મળીને સમય જ બગડશે. આપણે સાચી દિશામાં આગળ વધવું જોઈએ.’

ત્યાં ક્રિકે પોતાનો શંકાશીલ અને નકારાત્મક સ્વભાવ જાહેર કર્યો, ‘પણ યાર, હવે આખા લીમામાં તો કેટલી બધી લાઈબ્રેરીઓ હશે. એ બધીમાં ખાંખાખોળા કરવા રહીશું તો વોટ્સન તો આ ભવમાં નહીં છૂટે.’

‘ક્રિક, જો, ફ્રેડી સરે ય એવું ઈચ્છતા હોય કે વધુમાં વધુ ઉત્સાહી લોકો એમનો કોયડો ઉકેલે. એટલે મને લાગે છે કે એમણે લીમાની મોટી અને જાણીતી લાઈબ્રેરીઓમાં જ પુસ્તકોમાં સગડ મૂકેલા હોવા જોઈએ.’ મેં તર્કબદ્ધ વાત કરી.

‘હા, એમ ચોક્કસ બની શકે.’ જેમ્સે સૂર પુરાવ્યો, ‘બલ્કે એમ જ બન્યું હશે.’

મેં અખબાર ટેબલ પર ફેંક્યું અને બંને હાથ મસળીને કહ્યું, ‘તો ચાલો, જરાક પણ સમય નથી વેડફવો. આપણે આવતીકાલથી જ કામે લાગી જઈએ. આપણી લીમાની મોટી લાઈબ્રેરીઓમાં ભૂગોળના પુસ્તકો ફેંદી વળીએ. કાંઈક તો જરૂર હાથ લાગશે.’    

(ક્રમશઃ)