crew film review in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ક્રૂ ફિલ્મ રિવ્યૂ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ક્રૂ ફિલ્મ રિવ્યૂ

ક્રૂ

- રાકેશ ઠક્કર

ફિલ્મ ક્રૂ ની સફળતામાં કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનનના અભિનય કરતાં એમનું ગ્લેમર વધારે કામ કરી ગયું છે! આ વર્ષની સ્ટાર હીરોની કેટલીક ફિલ્મોથી વધુ કમાણી કરીને ક્રૂ દ્વારા હીરોઈનોએ એ સાબિત કર્યું છે કે ભલે એમનું કામ સર્વશ્રેષ્ઠ નહીં હોય પણ સાથે મળીને ફિલ્મ ચલાવી શકે છે. જેમ બોલિવૂડમાં એક્શન હવે માત્ર હીરોના ખભા પર નથી અને હીરોઈનો પણ કરે છે એમ કોમેડીમાં પણ જવાબદારી નિભાવી રહી છે.

નિર્દેશક રાજેશ કૃષ્ણનને ખબર હતી કે ત્રણેય હીરોઈનો ફિલ્મની જાન છે એટલે એર હૉસ્ટેસના રૂપમાં એમના ગ્લેમરનો ભરપૂર ઉપયોગ કર્યો છે. જરૂર ન હતી ત્યાં પણ એમને કપડાં બદલતી બતાવી છે. ફિલ્મ આમ તો મહિલા કેન્દ્રિત છે પણ નિર્દેશકે કોઈ જ્ઞાન આપવાને બદલે એમના વનલાઇનર્સથી માત્ર મનોરંજન પૂરું પાડવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નારી સશક્તિકરણની વાત ક્યાંય કરી નથી. દરેક મહિલા કેન્દ્રિત ફિલ્મ જ્ઞાન, શિક્ષણ કે પ્રેરણા આપે એ જરૂરી નથી. એર હૉસ્ટેસની જિંદગી વિષે જરૂર ઘણું જાણવા મળે છે.

ત્રણેય હીરોઈનો નવા અંદાજમાં ધમાલ મચાવે છે. ક્રૂ માં કરીના કપૂર બહુ સુંદર લાગી છે અને તેની ઉંમરથી દસ વર્ષ નાની દેખાય છે. એણે મહેફિલ લૂંટી લીધી છે. એનું જેસ્મીન નું પાત્ર જુગાડુ સાથે ચુલબુલા સ્વભાવનું છે. કોઈપણ મુશ્કેલીમાં તેને માર્ગ કાઢી લેતી બતાવી છે. એકપણ દ્રશ્યમાં કરીનાએ નિરાશ કર્યા નથી. કરીનાનું પાત્ર એટલું નીડર છે કે દર્શકો એના પ્રેમમાં પડી શકે છે. કરીનાએ અભિનય કમાલનો કર્યો હોવા છતાં એના ચાહકો માત્ર એને જોવા માટે જ ફિલ્મ જોઈ શકે છે.

તબ્બૂએ પોલીસ વર્દીમાં વધુ ફિલ્મો કરી છે પણ ક્રૂ માં એણે ગ્લેમરનો તડકો લગાવ્યો છે. તબ્બૂ કોઈપણ પાત્રને ન્યાય આપી શકે એવી અભિનેત્રી છે. તબ્બૂની કોમિક ટાઈમિંગનો જવાબ નથી.

કરીના અને તબ્બૂ સાથે કૃતિ પાછી પડી નથી. પોતાની હાજરીની નોંધ લેવા મજબૂર કરે છે. નિર્દેશકે હીરોઈનો પર વધારે ધ્યાન આપ્યું હોવાથી સ્ક્રીનપ્લે નબળો રહી ગયો છે. ટ્રેલરમાં જ મોટાભાગની વાર્તા બતાવી દીધી હતી. ટ્રેલર ના જોયું હોય તો પણ આગળના દ્રશ્યમાં શું થશે એનો અંદાજ આવી જાય છે.

ગીતા શેઠી (તબ્બૂ), દિવ્યા રાણા (કૃતિ સેનન) અને જેસ્મીન (કરીના કપૂર) એર હોસ્ટેસ તરીકે વિજય વાલિયાની કોહિનૂર એરલાઇન્સ કંપનીમાં કામ કરતી હોય છે. છ મહિનાથી બીજા કર્મચારીઓ સાથે એમને પણ પગાર મળ્યો હોતો નથી. ત્રણેયની પોતાના જીવનની સમસ્યાઓ હોય છે. ત્રણેય આર્થિક તંગીમાં હોય છે ત્યારે એક સિનિયરનું ફ્લાઇટમાં જ મોત થાય છે. ત્રણેયને એની પાસેથી સોનાના બિસ્કિટ મળે છે. એ પછી એરલાઇન્સ વિષે એમને ઘણી રહસ્યમય વાતો જાણવા મળે છે. પોતાના સપનાં પૂરા કરવા ત્રણેય એર હોસ્ટેસ ખોટા રસ્તે આગળ વધે છે. પછી શું થાય છે એ જાણવા ફિલ્મ જોવી પડશે.

સમસ્યા એ છે કે ફિલ્મ એટલી ઝડપથી ચાલતી નથી કે ખામીઓ વિષે વિચારવાની તક ના મળે. ગરીબીમાં જીવતી સ્ત્રીઓ પાસે આલીશાન ઘર છે. એમની બિલ ભરવાની સ્થિતિ નથી પણ સ્ટાઈલીશ જ નહીં ગ્લેમરસ કપડાં અને મોંઘા જૂતાં પહેરીને ફરે છે.

બીજા ભાગમાં મનોરંજન વધારે હોવું જોઈતું હતું. બહુ ઝડપથી વાર્તાને સમેટવાનો પ્રયાસ થયો છે. કોમેડી છે પણ અપેક્ષા કરતાં ઓછી લાગશે. હસાવવાનો પ્રયત્ન તો થયો છે છતાં બહુ ઓછી જગ્યાએ ખડખડાટ હસવું આવે છે. જોક્સ અને વનલાઇનર્સ હજુ વધુ સારી રીતે લખી શકાયા હોત. વાર્તા મજેદાર છે પણ એમાં બમ્પ ઘણા છે. ત્રણેય હીરોઈનો ખોટા રસ્તે કેમ જાય છે એનું સ્પષ્ટીકરણ મળતું નથી. ત્રણેય અભિનયથી ફિલ્મને સંભાળી લે છે.

ઘણી જગ્યાએ નિર્દેશક શું કહેવા કે બતાવવા માગે છે એનો ખ્યાલ આવતો નથી. સોનું લૂંટવાની યોજના બરાબર બતાવી નથી. બધું બહુ સરળતાથી થાય છે. દિલજીત દોસાંજની ભૂમિકા નાની હોવા છતાં કામ ઉલ્લેખનીય બની રહે છે. કપિલ શર્મા વેડફાયો જ છે. આ હાસ્ય અભિનેતાએ આવી ભૂમિકા શા માટે કરી હશે એ ગંભીર સવાલ છે.

ફિલ્મમાં છ સંગીતકારોએ ફાળો આપ્યો હોવા છતાં નવું કંઇ જ સાંભળવા મળતું નથી. સંગીતકારોએ સોના કિતના સોના હૈ અને ચોલી કે પીછે ક્યા હૈ ના રિમિક્સમાં સમય વેડફી નાખ્યો છે. એમણે કશુંક નવું આપ્યું હોત તો દર્શકોને હજુ વધુ મજા આવી હોત. કેટલાકને જૂના ગીતો એમ સમજીને પસંદ આવશે કે નવા બનાવ્યા હોત તો એમાં દમ હોવાની કોઈ શક્યતા ન હતી.

રાજેશ કૃષ્ણનની ફિલ્મનો વિષય સરખો હોય છે. અગાઉ લૂંટકેસ માં રૂપિયા ભરેલી બેગ મળી હતી. ક્રૂ માં સોનાના બિસ્કિટ મળી જાય છે. ક્રૂ એના નામ જેવી જ બે કલાકની નાની હલ્કી ફુલ્કી ફિલ્મ છે. અસલમાં ફિલ્મ લાંબી નથી છતાં ઘણી વખત લાંબી લાગે છે. વચ્ચે બે મિનિટ ઝોકું આવી જાય તો પણ એમ લાગશે નહીં કે કશું ગુમાવ્યું છે! ખેર! ટુકડાઓમાં પણ મનોરંજનના આસમાનમાં ઉડાડતી ફિલ્મ હોવાથી એક વખત જોઈ શકાય એમ છે.