Mukti - 11 in Gujarati Horror Stories by Kanu Bhagdev books and stories PDF | મુક્તિ - ભાગ 11

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મુક્તિ - ભાગ 11

૧૧

ઇન્સ્પેક્ટર વામનરાવ

 

વિશાળગઢ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેઠો હતો.

એના હાથમાં સાંજનું અખબાર જકડાયેલું હતું.

એની નજર અખબારમાં છપાયેલા દિલાવર તથા ગજાનનના મોતના સમાચાર પર ફરતી હતી.

સમાચાર વાંચ્યા પછી એણે એક ઊંડો શ્વાસ લીધો.

એની આંખોમાં ચિંતાના હાવભાવ છવાઈ ગયા.

એના કાનમાં મોહનના આત્માના શબ્દો ગુંજવા લાગ્યા.

... કાયદો તો મારા ખૂનીઓને સજા નથી કરી શક્યો ઇન્સ્પેક્ટર સાહેબ! હવે હું પોતે જ તેમને સજા કરીશ. મારા મોતનું વેર લઈશ.

અને મોહનના પ્રેતાત્માએ પોતાનું કથન સાચું પૂરવાર કરી બતાવ્યું હતું.

એ પોતાના બે ખૂનીઓને સજા કરી ચૂક્યો હતો.

બંનેને એક જ પદ્ધતિથી માર્યા હતા.

જે મોત એને મળ્યું હતું, એવું જ મોત એણે પોતાના દુશ્મનોને આપ્યું હતું. 

આનો અર્થ એ થતો હતો કે મોહનનો પ્રેતાત્મા પોતાનું વેર લેતો હતો.

પોતાના બે શીકારોને એ ખતમ કરી ચૂક્યો હતો અને હવે છેલ્લો શિકાર બાકી હતો.

‘ત્રિલોક...!’

મોહનનું પ્રેત એની સામે જરૂર વેર લેશે.

સહસા વામનરાવ ઊભો થયો. 

એના કબાટમાં હજુ પણ ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટવાળી ફાઈલ પડી હતી.

એણે કબાટમાંથી ફાઈલ કાઢીને ઉઘાડી. 

પહેલાં પાનાં પર નજર પડતાં જ એની આંખો નર્યા અચરજથી પહોળી થઇ ગઈ.

એક વિચિત્ર સનસનાટી એના દેહમાં ફરી વળી.

ફાઈલમાં એ પાના પર લોહીનાં ત્રણ ટીપાં હતા જેમાંથી બે ટીપાં અત્યારે અદ્રશ્ય થઇ ગયા હતા.

હવે એ પાના પર માત્ર એક જ ટીપું દેખાતું હતું.

વામનરાવનું દિમાગ ચકરાવે ચડી ગયું.

લોહીનાં બે ટીપાં ગુમ થવાનો અર્થ તો એ સમજતો હતો – અર્થાત્ બે જણ મૃત્યુ પામ્યા હતા. પરંતુ આ ટીપાં કેવી રીતે અદ્રશ્ય થઇ ગયા એ તેને નહોતું સમજાતું. શું આ પણ મોહનના આત્માનો રહસ્યમય ચમત્કાર હતો? જરૂર એમ જ હોવું જોઈએ.

લોહીનું ત્રીજું ટીપું હોવાનો અર્થ એ થતો હતો કે ત્રીજો માણસ હજુ જીવતો હતો.

પ્રોફેસર શિવનાથે સાચું જ કહ્યું હતું કે શક્તિશાળી આત્મા એ બધું જ કરી શકે છે.

પરંતુ એ ક્યાં સુધી જીવતો રહેશે?

મોહનનો આત્મા એને પણ નહીં છોડે.

હવે ત્રિલોકનો વારો હતો.

વામનરાવ ફાઈલ બંધ કરી અને પોતાના ટેબલનું ખાનું ઉઘાડીને તેમાં મૂકવા જતો હતો ત્યાં જ એને આશ્ચર્યનો બીજો ધક્કો લાગ્યો.

એના ટેબલના ખાનામાં થોડી ઓડિયો કેસેટો અને એક મોટું કવર પડ્યું હતું.

એ ચમક્યો. 

આ કવર અને કેસેટો ટેબલના ખાનામાં કેવી રીતે આવી ગઈ?

આ બંને વસ્તુઓ ટેબલના ખાનામાં કોણ મૂકી ગયું?

અને ખાસ તો આ કવર અને કેસેટોમાં શું હતું?

પોતાની ગેરહાજરીમાં એને ટેબલના ખાનને હંમેશાં તાળું મારી રાખવાની ટેવ હતી. એ પોતાની ખુરશી પરથી ઊભો થઈને બાથરૂમ જતો, તો પણ ટેબલના ખાનને તાળું મારીને જ જતો હતો. 

તો પછી આ બંધ ખાનામાં આ વસ્તુઓ કેવી રીતે આવી ગઈ?

એણે કંઈક વિચારીને કવર કાઢીને તેને ઉઘાડ્યું.

એમાં થોડા ફોટા હતા.

વામનરાવે કવરમાંથી ફોટા કાઢ્યા.

પહેલાં ફોટા પર નજર પડતાં જ એની આંખો વિસ્મયથી પહોળી થઇ ગઈ.

એ ફોટામાં મોહન ચૌહાણની સાથે ત્રિલોક, ગજાનન અને દિલાવર મોજુદ હતા. તેઓ એક સ્ટેશન વેગન પાસે ઉભેલા દેખાતા હતા.

વામનરાવે વારાફરતી બધાં ફોટાનું નિરીક્ષણ કર્યું. 

એ ફોટાના રૂપમાં ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટનો નક્કર પૂરાવો હતો.

વામનરાવના ધબકારા એકદમ વધી ગયા.

એણે ફોટા પુનઃ કવરમાં મૂક્યા. બધી ઓડિયો કેસેટો ઊંચકી ને પછી જાણે આગ લાગી હોય એમ બહાર નીકળીને ડી.એસ.પી વિક્રમસિંહની ઓફીસ તરફ દોડ્યો.

લોબીને છડે પહોંચતા સુધીમાં ઉત્તેજનાને કારણે એ હાંફવા લાગ્યો હતો. 

એ તરત જ વિક્રમસિંહની ઓફિસમાં પ્રવેશ્યો. 

એણે જોયું તો વિક્રમસિંહ ક્યાંક બહાર જવાની તૈયારી રૂપે પોતાની ખુરશી પરથી ઊભો થયો હતો.

‘હું આપનો થોડો સમય લેવા માગુ છું!’ એ વ્યાકુળ અવાજે બોલ્યો.

‘શું કોઈ ખાસ વાત છે?’

‘યસ સર...’

‘બોલ...’ વિક્રમસિંહ પુનઃ પોતાની ખુરશી પર બેસી ગયો, ‘શું વાત છે? તું ખૂબ જ પરેશાન દેખાય છે?’

પહેલાં આપ આ ફોટા જુઓ સર!’ વામનરાવે તેની સામે કવર લંબાવતા કહ્યું.

વિક્રમસિંહ કવરમાંથી ફોટા કાઢીને તેનું નિરીક્ષણ કરવા લાગ્યો. 

આ દરમિયાન વામનરાવે બહાર ઉભેલાં સિપાહી મારફત એક ટેપ રેકોર્ડર મંગાવી લીધું.

ફોટા જોયા પછી વિક્રમસિંહના ચહેરા પર વ્યાકુળતાના હાવભાવ આવી ગયા.

વામનરાવે ટેપ રેકોર્ડરમાં કેસેટ  ભરાવીને તેને ચાલુ કર્યું.

ટેપ રેકોર્ડરના સ્પિકરમાંથી મોહન ચૌહાણ, ત્રિલોક, ગજાનન અને દિલાવરનો અવાજ ગુંજવા લાગ્યો.

કેસેટોમાં લૂંટની યોજના તથા એ ત્રણેયને મોહનના ખૂની પૂરવાર કરતી બધી વાતો ટેપ થયેલી હતી.

બંને શ્વાસ રોકીને બધી વાતો સાંભળતા રહ્યા.

છેવટે વામનરાવે ટેપ રેકોર્ડરની સ્વીચ ઓફ કરીને વિક્રમસિંહ સામે જોયું.

‘વામનરાવ...’ વિક્રમસિંહ ઉત્તેજિત અવાજે બોલ્યો, ‘આ તો તે ત્રણેયના કાળા કરતૂતોનો જડબેસલાક પૂરાવો છે. આ ફોટા અને કેસેટોને કારણે એ ત્રણેય કાયદાની ચુંગાલમાંથી છટકી નહીં શકે.’

‘ત્રણ નહીં... એક! હવે માત્ર એક જ જણ બાકી રહ્યો છે સર!’ વામનરાવે ગંભીર અવાજે કહ્યું. 

‘શું?’ વિક્રમસિંહે ચમકીને પૂછ્યું.

‘જી, હા...’ વામનરાવ એક ઊંડો શ્વાસ લઈને અખબારની સાંજની આવૃત્તિ તેની સામે લંબાવતા બોલ્યો, ‘આમાં સમાચાર છપાયા છે સર. કાલે રાત્રે અજયગઢ ખાતેની સાગર હોટલના બે માલિકોના સળગી જવાને કારણે રહસ્યમય રીતે મોત નીપજ્યા છે. અને એ બંનેનાં નામ દિલાવર તથા ગજાનન છે.

‘ઓહ...’

‘સર, ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટના ત્રણ ગુનેગારોમાંથી બે જણ મોતનો કોળિયો બની ગયા છે અને હવે માત્ર એક જ બાકી રહ્યો છે. ત્રિલોક! અને સર જો પોલીસ તાબડતોબ ત્રિલોકને નહીં પકડે તો એનું મોત પણ નિશ્ચિત છે. ખૂની તેને પણ નહીં છોડે.’

‘ખૂની કોણ છે, એ તું જાણે છે?’

‘જી, હાં!’

‘કોણ છે? અને જાણે છે તો પછી એની ધરપકડ શા માટે નથી કરતો?’

‘એ જ તો મુશ્કેલી છે સર... ખૂની કોણ છે એ જાણતાં હોવા છતાંય આપણે એની ધરપકડ કરી શકીએ તેમ નથી!’

‘કેમ? એવી તે કઈ લાચારી છે કે જેને કારણે પોલીસવાળાઓ એક ખૂનીને ઓળખતાં હોવા છતાંય એને પકડી શકે તેમ નથી?’

‘એટલા માટે સર, કે ખૂની કોઈ જીવતો-જાગતો માણસ નથી!’

‘તો કોણ છે?’

‘એક પ્રેતાત્મા!’

‘શું મૂર્ખાઈભરી વાત કરે છે?’

‘આ જ હકીકત છે સર! એ બંનેનાં ખૂન એક પ્રેતાત્માએ કર્યા છે. મોહન ચૌહાણના પ્રેતાત્માએ એ બંનેને સળગાવીને મારી નાંખ્યા છે અને આ રીતે પોતાના મોતનું વેર લીધું છે. અને હવે ત્રિલોકનો વારો છે. સર, હવે તાબડતોબ અજયગઢ પોલીસનો સંપર્ક સાધીને ત્રિલોકની ધરપકડ કરાવવામાં આવે એમ હું ઈચ્છું છું, હવે તો આપણી પાસે એની વિરુદ્ધ પૂરતાં પૂરાવાઓ પણ છે!’

‘આ પૂરાવાઓ તને કેવી રીતે મળ્યા વામનરાવ?’

‘આ પૂરાવાઓ મને મારા ટેબલના ખાનામાંથી મળ્યા છે સર. હમણાં થોડી વાર પહેલાં જ મળ્યા છે. પરંતુ ટેબલના તાળું મારેલા ખાનામાં આ પૂરાવાઓ કેવી રીતે આવ્યા એ હું નથી જાણતો સર. આનો જે જવાબ મને સૂઝે છે એના પર આપને ભરોસો નહીં બેસે.’

‘કેમ?’

‘એટલા માટે કે આ મારી અંગત માન્યતા છે. ટેબલના બંધ ખાનામાં આ પૂરાવા પણ મોહનના આત્માએ જ રાખ્યા છે એમ હું માનું છું.

‘શા માટે?’

‘સર, એ મોહનના ખૂનીઓ પકડાયા પછી પણ કોર્ટ દ્વારા નિર્દોષ છૂટી ગયા હતા એ તો આપ જાણો જ છો. કાયદો કેટલો લાચાર છે. એ પૂરવાર કરવા માટે જ મોહનના આત્માએ આમ કર્યું છે. આમ કરીને એણે કાયદાની લાચારીની મજાક ઉડાવી છે સર.’

‘તું પાછો મૂર્ખાઈભરી વાત પર ઉતરી આવ્યો છો!’

‘હું સાચું જ કહું છું સર. આપને મારી વાત પર ભરોસો ન હોય તો દેવીસિંહને પૂછી લો. ઉત્તમચંદ જ્વેલર્સની લુંટવાળી ફાઈલના પાનાં પર રહસ્યમય રીતે ઉપસેલા લોહીના ત્રણ ટીપાં એણે પણ જોયા હતા. એ આ વાતનો સાક્ષી છે સર. આ ઉપરાંત અમરજી તથા પાટીલ પણ આ વાતના સાક્ષી છે. અને સર, એ ફાઈલ પરથી આજે રહસ્યમય રીતે બે ટીપાં અદ્રશ્ય થઇ ગયા છે. હવે માત્ર એક જ ટીપું બાકી રહ્યું છે.

વિક્રમસિંહે ધ્યાનથી વામનરાવ સામે જોયું.

વામનરાવ બેહદ ગંભીર હતો, વિક્રમસિંહ પણ ગંભીર થઇ ગયો.

‘આનો અર્થ એ થયો કે તું ભૂતપ્રેતોના અસ્તિત્વને કબૂલ કરી ચૂક્યો છે ખરું ને?’ એણે પૂછ્યું. 

‘સર, મારી નજર સામે જે કંઈ બને છે એને તો હું નકારી શકું તેમ નથી. મોહનનું પ્રેત  બે વખત મને મળી ચૂક્યું છે. એણે જ મને કહ્યું હતું કે પોતે હવે પોતાના ખૂનીઓ સાથે વેર લેશે. અને એ તો બે ખૂનીઓ સાથે વેર લઇ ચૂક્યો છે. શું હજી પણ આપ મારી વાત માનવા માટે તૈયાર નથી કે મારા ટેબલના બંધ ખાનામાં આ પૂરાવાઓ બીજા કોઈએ નહીં પણ મોહનના પ્રેતાત્માએ જ મૂક્યા છે?

‘પરંતુ મોહનનો આત્મા અજયગઢમાં પોતાના બે ખૂનીઓ સાથે વેર લેતો હતો. અને એણે જ તારા ટેબલના ખાનામાં પૂરાવાઓ પણ મૂક્યા છે તો એ આત્મા અજયગઢથી અહીં વિશાળગઢ ક્યારે પહોંચી ગયો?’

‘સર, આત્માને મુસાફરી કરવા માટે કોઈ વાહનની જરૂર નથી પડતી. આ બાબતમાં મારે પ્રોફેસર શિવનાથ શાસ્ત્રી સાથે વિસ્તારથી ચર્ચા થઇ હતી. આત્મા તો હવાના સપાટા જેવો હોય છે. એ પળભરમાં ગમે ત્યાં આવી-જઈ શકે છે.’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો.

‘તારી વાતોએ તો મારું દિમાગ ચકરાવે ચડાવી દીધું છે વામનરાવ!’ વિક્રમસિંહે પોતાના કપાળ પર હાથ ફેરવતાં કહ્યું.

‘સર, આપણે નાહક જ વાતોમાં સમય વેડફીએ છીએ એમ હું માનું છું. આપણે તાબડતોબ અજયગઢની પોલીસને ત્રિલોકની ધરપકડ કરી લેવાનો આદેશ આપવો જોઈએ. કાયદાની ચુંગાલમાં આવ્યા પછી કદાચ ત્રિલોક આત્માના કોપથી બચી જાય એ બનવાજોગ છે.’

‘જો આ આત્માનો જ કોપ હોય તો ત્રિલોક પોલીસ કસ્ટડીમાં પણ સલામત રહેશે એ વાતની શી ખાતરી છે? આત્મા તો એણે ત્યાં પણ મારી શકે તેમ છે!’

‘જરૂર મારી શકે તેમ છે. પરંતુ તેમ છતાંય આપણે ત્રિલોકને બચાવવાનો પ્રયાસ તો કરી જ શકીએ તેમ છીએ!’

‘ઓકે,  હું હમણાં જ અજયગઢ પોલીસને સંદેશો મોકલું છું.’

‘આપ સંદેશો મોકલો સર!’ વામનરાવ ઊભો થતા બોલ્યો, ‘અને હું અત્યારે જ અજયગઢ જવા માટે રવાના થઉં છું. મારી સાથે હું મિનાક્ષી અને તેની માતાને પણ લઇ જાઉં છું. મોહન મિનાક્ષીને અનહદ ચાહતો હતો. કદાચ મોહનનો આત્મા મિનાક્ષીનું કહેવું માની લે અને ત્રિલોક એનો શિકાર થતાં બચી જાય એ બનવાજોગ છે. મને રજા આપો સર.’

‘ઠીક છે, પરંતુ તું રાત્રે બે-ત્રણ વાગ્યા પહેલાં અજયગઢ નહીં પહોંચી શકે. અત્યારે તો અજયગઢ જવા માટે કોઈ પ્લેન પણ નથી એટલે બાય રોડ જવામાં આટલો સમય તો  લાગી જ જશે. આ દરમિયાન જો મોહનનો પ્રેતાત્મા વેર લઇ લેશે તો?’

‘તો એ ત્રિલોકનું નસીબ! પરંતુ સર, મને આ છેલ્લો પ્રયાસ કરી લેવો છે. કદાચ મોહનનો આત્મા મિનાક્ષીનું કહેવું માની લે!’ વામનરાવ આગ્રહભર્યા અવાજે બોલ્યો.

‘ઓકે, તને યોગ્ય લાગે તેમ કર!’ વિક્રમસિંહે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

વામનરાવ તરત જ એનું અભિવાદન કરીને સ્ફૂર્તિથી બહાર નીકળી ગયો. 

***

... બીજી તરફ અજયગઢમાં!

સાંજના છ વાગ્યા હતા.

ત્રિલોક અત્યારે પોતાની હોટલની ઓફિસમાં બેઠો હતો.

અત્યારે એ માનસિક રીતે ખૂબ જ મૂંઝવણ અનુભવતો હતો.

દિલાવર અને ગજાનનના મૃતદેહો મોર્ગમાં પડ્યા હતા.

દિલાવરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ચૂક્યું હતું. પરંતુ પૂનાથી હજુ તેના સગાંવ્હાલાંઓ અજયગઢ નહોતાં પહોંચ્યા એટલે એની લાશને મોર્ગમાં જ રાખવામાં આવી હતી. જ્યારે ગજાનનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવાનું બાકી હતું. 

ત્રિલોકે આખો દિવસ બેચેનીથી પસાર કર્યો હતો.

દિલાવર તથા ગજાનન કેવી રીતે અને એ પણ સળગીને મૃત્યુ પામ્યા હતા, તે એણે હજુ સુધી નહોતું સમજાતું.

આ વાતને એ જોગાનુજોગ માનવા માટે બિલકુલ તૈયાર નહોતો. 

 તો પછી દિલાવર અને ગજાનનના ખૂન કોણે કર્યા?

ક્યાંક આ કામ પ્રીતમસિંહ કે તેના માણસોનું તો નહોતું ને?

આ વાત પણ અશક્ય હતી કારણકે એણે પ્રીતમસિંહ તથા તેના સાથીદારોનો મુંબઈ સુધી પીછો કરવાની ટોનીને સૂચના આપી હતી. હમણાં થોડી વાર પહેલાં જ મુંબઈથી ફોન આવ્યો હતો કે પ્રીતમસિંહ પોતાના સાથીદારો સાથે ચંડીગઢ જતી ટ્રેનમાં રવાના થઇ ચૂક્યો છે.

આનો અર્થ એ થતો હતો કે પ્રીતમસિંહનો દિલાવર અને ગજાનનના ખૂનમાં જરા પણ હાથ નહોતો.

તો પછી ખૂની કોણ છે?

ત્રિલોક આ બધું વિચારતો જ હતો ત્યાં દરવાજો ઉઘાડીને મેનેજર અંદર પ્રવેશ્યો.

એના ચહેરાનો રંગ ઊડી ગયો હતો.

એ ખૂબ જ ગભરાયેલો લાગતો હતો.

‘શું થયું?’ ત્રિલોક ધૂંધવાતા અવાજે બોલ્યો.

‘પ... પોલીસ!’

‘શું પોલીસ?’

‘પોલીસ આવી છે સર...’ મેનેજર હાંફતા અવાજે બોલ્યો.

‘કેમ?’

‘આપની ધરપકડ કરવા માટે!’

‘આ તું શું બકે છે?’ ત્રિલોક ઉછળીને ઊભો થઇ ગયો, ‘મારી ધરપકડ કરવા માટે? શા માટે?’

‘લૂંટના આરોપસર!’

‘શું?’ ત્રિલોક હેબતાઈ ગયો.

એણે મેનેજર પાસેથી આ વાત સાંભળવાની બિલકુલ આશા નહોતી રાખી. બહુ બહુ તો પોલીસ દિલાવર અને ગજાનનના ખૂનના શંકાસ્પદ આરોપી તરીકે પકડવા માટે આવી હશે એમ તે માનતો હતો.  

‘યસ સર! અજયગઢ પોલીસને વિશાળગઢની પોલીસનો સંદેશો મળ્યો છે કે તાબડતોબ આપની ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે, વિશાળગઢની પોલીસ આપનો કબજો સંભાળવા અહીં આવવા માટે રવાના થઇ ગઈ છે.

ત્રિલોકના હોશ ઉડી ગયા. 

વિશાળગઢ પોલીસના હાથમાં પોતાની વિરુદ્ધ એવું તે શું આવી ગયું છે કે એક વાર છૂટી ગયા પછી પણ પોતાને પકડવા માટે આવે છે?

‘સર ઇન્સ્પેક્ટર જોશી રિસેપ્શન પર ઉભો છે. બહાર જીપમાં પણ સિપાહીઓ મોઝુદ છે.’

‘જોશી પાસે મારી ધરપકડનું વોરંટ છે?’

‘હા...એણે મને બતાવ્યું છે.’

‘અને હોટલનું સર્ચ વોરંટ?’

‘સર્ચ વોરંટ નથી.’

‘તો પછી ઠીક છે!’ ત્રિલોકના જીવમાં જીવ આવ્યો, ‘અત્યારે હું હોટલમાં નથી એમ કહીને જોશીને થોડી વાર માટે ચાલતો કરી દે. ગમે તે રીતે કરી દે. એણે જે જોઈએ તે તું આપી દે. પરંતુ કાલ સવાર સુધી તે અહીં ન દેખાવો જોઈએ.’

‘યસ સર...’ કહીને મેનેજર ચાલ્યો ગયો.

ત્રિલોકની હાલત ખરાબ થઇ ગઈ હતી. વિશાળગઢની પોલીસ ફરીથી દાટેલા મડદાં શા માટે ઉખેડે છે?

સહસા ત્રિલોકના મગજમાં વીજળીની જેમ એક વિચાર ચમક્યો. એ તરત જ ચાવીઓ ઊંચકીને તિજોરી પાસે પહોંચ્યો. એણે તિજોરી ઉઘાડી કે તરત જ એનું દિમાગ ચકરાવે ચડી ગયું. તિજોરી ખાલી ખમ હતી. એમાં નહોતાં પૈસા કે નહોતાં ઓડિયો કેસેટો અને ફોટાવાળું કવર કે જે બધું એણે ગઈ કાલે એમાં જ મૂક્યું હતું. ત્યારબાદ તિજોરીની ચાવી એણે પોતાની પાસે જ રાખી હતી.

બંધ તિજોરીમાંથી આ બધી વસ્તુઓ ક્યાં ગુમ થઇ ગઈ? આ શું કોઈ ચમત્કાર હતો? શું આ કોઈ પ્રેતલીલા હતી?’

અને પછી અચાનક એને દિલાવરની વાતો યાદ આવી. એણે પ્રેત જોયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ એણે તથા ગજાનને એની વાતને  હસવામાં ઉડાડી દીધી હતી. પછી એને બીજો વિચાર આવ્યો.

તિજોરીમાંથી ગુમ થયેલી વસ્તુઓ ક્યાંક વિશાલગઢ પોલીસના હાથમાં તો નથી આવી ગઈ ને? કદાચ આ પૂરાવાઓને આધારે જ તો વિશાળગઢ પોલીસે ધરપકડનો આદેશ આપ્યો હોય એ બનવાજોગ હતું. પરંતુ આ પૂરાવાઓ વિશાળગઢ કેવી રીતે પહોંચ્યા? 

ત્રિલોકના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ચમકી ઉઠ્યા. તિજોરી ઉઘાડી જ રહેવા દઈને એ પાછો પોતાની ખુરશી પર ફસડાઈ પડ્યો. અત્યારે એ ખૂબ જ નિરાશ થઇ ગયો હતો.

દસેક મિનીટ પછી મેનેજર પુનઃ ઓફિસમાં પ્રવેશ્યો.

ત્રિલોકે માથું ઊંચું કરીને પ્રશ્નાર્થ ભરી નજરે એની સામે જોયું.

‘સર...’ એની નજરનો અર્થ પારખીને મેનેજર બોલ્યો, ‘ એ દસ હજાર રૂપિયા માગે છે. અને એના બદલામાં સર્ચ વોરંટ ન મળે ત્યાં સુધી આ તરફ નહીં ફરકવાનું વચન આપવા માટે તૈયાર છે.’

‘અને જો તેને સર્ચ વોરંટ મળી જશે તો?’

‘તો આ બાબતમાં એ પોતાની લાચારી વ્યક્ત કરી ચૂક્યો છે.પરંતુ એની માન્યતા મુજબ વિશાળગઢની પોલીસ પાર્ટી રાતના ત્રણ-ચાર વાગ્યા પહેલાં અહીં નહીં પહોંચે. ત્યાર પછી પણ મેજિસ્ટ્રેટ સાહેબ પાસેથી તેમનાં બંગલે જઈને સર્ચ વોરંટ મેળવવામાં પોલીસને સમય લાગશે. સવારના છ વાગ્યા પહેલાં તો સર્ચ વોરંટ નહીં મળે એમ તે માને છે.

‘ઠીક છે!’ ત્રિલોક ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘એને દસ હજાર આપીને રવાના કરી દે! અને હા, હોટલમાં ઘરાકી કેવીક છે?’

‘અત્યારે માત્ર પચીસ ટકા રૂમો જ બુક છે સર, અને એ પણ વિદેશીઓએ લીધેલા છે. બારમાં કાગડા ઉડે છે. બિઝનેસ ખૂબ જ ઠંડો છે.’

‘ઓહ...’ ત્રિલોક બબડ્યો. પછી બોલ્યો, ‘ખેર, તું જા!’

મેનેજર વિદાય થઇ ગયો. 

એના ગયા પછી ત્રિલોકે બંને હાથે પોતાનું માથું પકડી લીધું.

એને પોતાનો ખેલ ખતમ થતો લાગ્યો. એની પાસે કાલે સવારે છ વાગ્યા સુધીનો સમય હતો. જો પોલીસને એ પહેલાં સર્ચ વોરંટ મળે તો એના ખેલની મુદતમાં ઘટાડો થઇ જવાનો હતો. અર્થાત્ બધું મળીને એની પાસે બાર કલાકથી પણ ઓછો સમય હતો.

એની તિજોરીમાથી ત્રણ લાખ રૂપિયા રોકડા ઉપરાંત બધા પૂરાવાઓ ગુમ થઇ ગયા હતા.

બેંકમાં એના સાડા ચાર લાખ રૂપિયા પડ્યા હતા.

પરંતુ બેંક સવારે દસ વાગ્યે ઉઘડતી હતી અને ત્યાં સુધીમે તો એ પકડાઈ જવાનો હતો. અર્થાત્ બેંક ઉઘડે ત્યાં સુધી રાહ જોવાનો એની પાસે સમય નહોતો. હોટલની તિજોરીમાં પણ વધુમાં વધુ સિત્તેર-એંસી હજાર રૂપિયા પડ્યા હતા. હાલ તુરત આટલી જ રકમની વ્યવસ્થા હતી. આ રકમ લઈને જ એણે રાતોરાત અહિંથી વન્જો માપી જવાનું હતું. પોલીસ અને કાયદાની ચુંગાલમાંથી ચાલ્યા જવાનો પ્રયાસ કરવાનો હતો.

ત્રિલોકના હોઠ પર વિષાદભર્યું સ્મિત ફરકી ગયું.

આજે જિંદગીમાં પહેલી જ વાર એ વિચારતો હતો કે – ઉત્તમચંદ જ્વેલર્સની લૂંટથી પોતાને શું  મળ્યું? મોહનનું ખૂન કરવાથી પોતાને કંઈ લાભ થયો છે?

કંઈ નથી મળ્યું, કોઈ લાભ નથી થયો. આ હોટલ પણ હવે ક્યાં પોતાની રહી હતી. એક વાર ગુનો પૂરવાર થઇ જાય એટલી વાર હતી. હોટલ પર સરકારનો કબજો થઇ જવાનો હતો.

એણે ઓફિસમાં ચારે તરફ નજર કરી.

આ  ઓફીસ પર હવે માત્ર થોડા કલાકો સુધી જ એની માલિકી હતી. 

આના કરતાં તો વિશાળગઢની જિંદગી ઘણી સારી હતી. તે એક નાનકડા ફ્લેટનો માલિક હતો. નાની-મોટી ચોરી કે લૂંટ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે એને કાયદાનો કે પોલીસનો આટલો ભય પણ નહોતો. કદાચ કોઈ વાર એ પકડાતો તો પણ ત્રણ-ચાર મહિનાની સજા ભોગવીને છૂટી જતો હતો.

પણ હવે?

હવે એ પકડાય એટલી જ વાર હતી.

અને અંજામ?

ફાંસી અથવા તો આજીવન કેદ.

આજીવન કેદની સજા ભોગવીને બહાર નીકળ્યા પછી એની પાસે શું રહેવાનું હતું? માથા પર સફેદ વાળ અને ચહેરા પર કરચલી!

‘ના... ના...’ સહસા એ બબડ્યો, ‘ હું કાયદાની ચુંગાલમાં ફસાવા કરતાં તો મરવાનું વધુ પસંદ કરીશ!’

વળતી જ પળે એનાં ચહેરા પર મક્કમતાના હાવભાવ આવી ગયા.

***

વામનરાવની જીપ મિનાક્ષીના મકાન સામે પહોંચીને ઊભી રહી. નીચે ઉતરીને એ મકાન પાસે પહોંચ્યો અને ધીમેથી દરવાજા પર ટકોરા માર્યા.

થોડી પળો બાદ દરવાજો ઉઘડ્યો.

દરવાજો મિનાક્ષીએ જ ઉઘાડ્યો હતો.

વામનરાવને જોઇને એ ડઘાઈ ગઈ, એના ચહેરાનો રંગ ઊડી ગયો.

એના ચહેરા પર આ પરિવર્તન વામનરાવની વેધક નજરથી છૂપું નહોતું રહ્યું.

‘શું વાત છે મિનાક્ષી? મને જોઇને તું ગભરાઈ શા માટે ગઈ?’ એણે પૂછ્યું.

‘ન... ના એવું કંઈ નથી!’ મિનાક્ષી પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં બોલી, ‘સારું થયું આપ અહીં આવી ગયા ઇન્સ્પેક્ટર સાહેબ! હું ક્યારનીયે વિચારતી હતી કે આપને કહું કે નહીં? હું ખૂબ જ મૂંઝાઈ ગઈ છું સાહેબ!’

‘કેમ? શું થયું?’

‘અંદર આવો!’ મિનાક્ષી દરવાજા પરથી એક તરફ ખસતાં બોલી.

વામનરાવ અંદર પ્રવેશ્યો, એણે જોયું તો મિનાક્ષીની માતા તથા બંને નાના ભાઈઓ પણ રૂમમાં મોઝુદ હતા. એને જોઇને રુક્ષ્મણીના ચહેરા પરથી પણ નૂર ઉડી ગયું. એણે તરત જ મિનાક્ષી સામે જોઇને કંઈક સંકેત કર્યો.

‘ના...’ મિનાક્ષી નકારમાં માથું ધુણાવતા બોલી, ‘મને બધું કહી નાખવા દે!’ ત્યારબાદ એણે વામનરાવને ઉદ્દેશીને કહ્યું, ‘આપને એક વાત કહેવાની છે ઇન્સ્પેક્ટર સાહેબ!’

‘બોલ... પરંતુ જે કહેવું હોય તે જલ્દીથી કહી નાખ!’

મિનાક્ષી પલંગ તરફ આગળ વધી.

એણે પલંગ નીચેથી લોખંડની એક પેટી બહાર ખેંચી, પેટીને ઉઘાડીને સફેદ ચાદરમાં વીંટાળેલી કંઈક વસ્તુ કાઢીને વામનરાવ સામે મૂકતાં બોલી, ‘આ જુઓ સાહેબ!’

‘શું છે એમાં?’ વામનરાવે ઉત્સુક અવાજે પૂછ્યું.

મિનાક્ષીએ એ વસ્તુ પરથી ચાદર ખસેડી નાખી.

એ વસ્તુ જોઇને વામનરાવ ચમકી ગયો. એ વસ્તુ બીજી કંઈ નહીં, પણ ચલણી નોટોના બંડલો હતા!’

‘અ... આટલાં બધા પૈસા?’ એણે આશ્ચર્યસહ પૂછ્યું. 

‘આ ત્રણ લાખ રૂપિયા છે સાહેબ!’ 

‘ત્રણ લાખ? આટલી મોટી રકમ તારી પાસે કેવી રીતે આવી મિનાક્ષી?’

‘એ તો મને પણ ખબર નથી સાહેબ!’ મિનાક્ષીએ જવાબ આપ્યો, ‘સવારે હું સૂઈને ઉઠી ત્યારે આ બધાં બંડલો મારા ઓશિકા પાસે પડ્યાં હતાં. આ રકમ કોણ મૂકી ગયું, એ હું નથી જાણતી સાહેબ!’

વામનરાવને તરત જ ફોટાવાળું કવર અને ઓડિયો કેસેટોની યાદ આવી. 

આ બંને વસ્તુઓ યાદ આવતાં જ એના હોઠ પર સ્મિત ફરકી ગયું.

‘મિનાક્ષી!’ એ બોલ્યો, ‘આ રકમ અહીં કોણ મૂકી ગયું છે એ શું સમજી ગયો છું.’

‘આપ જાણો છો સાહેબ?’ મિનાક્ષીએ ચમકીને પૂછ્યું, ‘કોણ મૂકી ગયું છે?’

‘મોહનનો આત્મા!’ વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, મિનાક્ષીના મોંમાંથી સિસકારો નીકળી ગયો.

એ નર્યા અચરજથી ફાટી આંખે વામનરાવ સામે તાકી રહી.

‘હા મિનાક્ષી! આ કામ મોહનના આત્માનું જ છે. એના સિવાય આ કામ બીજા કોઈનું હોઈ શકે જ નહીં!’

‘આવું આપ કયા આધારે કહો છો સાહેબ?’ મિનાક્ષીએ અચરજભર્યા અવાજે પૂછ્યું.

રુક્ષ્મણી પણ આશ્ચર્યથી વામનરાવના ચહેરા સામે તાકી રહી. 

‘કારણકે આજે મને પણ ત્રિલોક વગેરેના ગુનાને પૂરવાર કરતાં પૂરાવાઓ મારી ઓફીસના ટેબલના તાળું મારેલા ખાનામાંથી મળી આવ્યા છે. આ કામ બીજું કોણ કરી શકે? તને યાદ છે મિનાક્ષી? મોહન તને તથા તારા કુટુંબને સુખી જોવા માગતો હતો એમ તે મને જણાવ્યું હતું? એ તને મકાન અપાવવા માગતો હતો, તારા ભાઈઓને ભણાવવા માગતો હતો. એણે તને આવું વચન આપ્યું હતું ને?’

‘હા, સાહેબ!’

‘આ પૈસા તે એટલા માટે જ અહીં મૂકી ગયો છે. જીવતાં-જીવત તો એ પોતાનું વચન પૂરું નહોતો કરી શક્યો પરંતુ મર્યા પછી એણે પોતાનું વચન પાળી  બતાવ્યું છે.

મિનાક્ષીની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા.

સહસા એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ વખતે પહેલી જ વાર રુક્ષ્મણીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. ખરેખર મોહન એની દીકરીને પોતાના પ્રાણ કરતાંય વધુ ચાહતો હતો એ વાતની આજે તેને ખાતરી થઇ ગઈ હતી.

‘મિનાક્ષી...’ વામનરાવ એનો ખભો થપથપાવતા બોલ્યો, ‘આ પૈસા મોહનના પ્રેતાત્માએ ત્રિલોકની તિજોરીમાંથી તફડાવ્યા હશે એ હું જાણું છું. પોતાના ભાગમાંથી જેટલા પૈસા એના હાથમાં આવ્યા એ એણે મેળવી લીધા છે અને આ પૈસા રાખવાનો તને કોઈ હક નથી. પરંતુ મોહનના આત્માની અંતિમ ઈચ્છાને માન આપીને આ વાત હું માત્ર મારા સુધી જ સીમિત રાખીશ! તારી સચ્ચાઈ માટે હું જિંદગીમાં પહેલી જ વાર મારો સિદ્ધાંત તોડું છું. મારી ફરજ સાથે થોડી દગાબાજી કરું છું. પરંતુ નેક કામ માટે કરવામાં આવેલા પાપને ભગવાન પણ માફ કરે છે એવું મેં સાંભળ્યું છે. આ પૈસા તું તારી પાસે રાખી લે. આમાંથી તું મોહનની અંતિમ ઈચ્છા પૂરી કરજે. તારું ભવિષ્ય સુખી બનાવજે.’

‘અ... આ પૈસાથી હું મારો પ્રેમ તો પાછો મેળવી શકું તેમ નથી ને ઇન્સ્પેક્ટર સાહેબ!’ મિનાક્ષી ધ્રુસકાં વચ્ચે બોલી. 

‘દુઃખ અને આઘાત તો સહન કરવા જ પડે છે મિનાક્ષી! તેની સામે આપણે બધા લાચાર છીએ! એક વાર મોત આપણી પાસેથી કોઈ ચીજ આંચકી લે છે, તો એ વસ્તુને આપણે પછી નથી મેળવી શકતા. આ જિંદગીનું એક અતૂટ સત્ય છે અને આ સત્યને સ્વીકારીને આપણે કોઈ પણ સંજોગોમાં સહન કરવાનું જ છે. પછી ભલે આ પણે આ સત્ય રડીને સહન કરીએ કે હસીને. હું તો તને એવી જ સલાહ આપીશ કે મોહનની ઈચ્છાને તારે માન આપવું જ જોઈએ. અરે હા... એક વાત તો હું સાવ ભૂલી જ ગયો હતો. હું તને લેવા માટે અહીં આવ્યો છું.’

‘મને? શા માટે? મિનાક્ષીએ પૂછ્યું.

‘તારે મારી સાથે અજયગઢ આવવાનું છે!’

‘કેમ?’ 

મોહનનું પ્રેત ગજાનન અને દિલાવર સાથે વેર લઇ ચુક્યું છે. એણે એ બંનેને સળગાવીને મારી નાંખ્યા છે અને હવે ત્રિલોકનો વારો છે. તું એને પોતાનું વેર લેતાં અટકાવે એમ હું ઈચ્છું છું. ત્રિલોક વિરુદ્ધ હવે પોલીસ પાસે પૂરતા પૂરાવાઓ છે. એ પૂરાવાઓને આધારે ચોક્કસ એને સજા થશે જ. તારી વાત કદાચ મોહનનો આત્મા માની લેશે. તું એકલી જ નહીં, તારી મમ્મી અને બંને ભાઈઓને પણ સાથે લઇ લે.’

‘એ મારી વાત માનશે?’

‘જરૂર માનશે! મારું મન કહે છે કે એ જરૂર તારી વાત માની લેશે. એ મર્યા પછી પણ પોતાનો પ્રેમ નથી ભૂલી શક્યો. જો એને તારી ફિકર ન હોત તો એ તને આ પૈસા ન પહોંચાડતો. તે દિલાવર અને ગજાનનની માફક આ પૈસાને પણ સળગાવી નાખત. હવે વાતોમાં સમય ન વેડફ મિનાક્ષી. આપણી પાસે સમય ઓછો છે.’

‘હું હમણાં આવું છું સાહેબ!’ કહીને મિનાક્ષીએ રુક્ષ્મણી સામે જોયું.

‘તું જા દીકરી!’ રુક્ષ્મણી બોલી, ‘હું અહીં બાળકોનું ધ્યાન રાખું છું.’

‘આપ પણ ચાલો માજી!’ વામનરાવે કહ્યું.

‘મારી કંઈ જરૂર નથી સાહેબ!’ રુક્ષ્મણી બોલી, ‘આપના પર તથા મારી દીકરી પર પૂરો ભરોસો છે!’

‘તું તૈયાર થઈને બહાર આવ, હું જીપમાં બેઠો છું.’ વામનરાવે કહ્યું.

મિનાક્ષી ધીમેથી માથું હલાવીને તૈયાર થવા લાગી.

વામનરાવ બહાર નીકળીને પોતાની જીપ તરફ આગળ વધી ગયો.