Mukti - 5 in Gujarati Horror Stories by Kanu Bhagdev books and stories PDF | મુક્તિ - ભાગ 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મુક્તિ - ભાગ 5

લોહિયાળ ફાઈલ

 

ઇન્સ્પેક્ટર દેવીસિંહ વામનરાવની વાત સાંભળીને હસી હસીને બેવડો વળી ગયો.

એની આંખોમાં આંસુ આવી ગયા.

તેની બાજુમાં બેઠેલા સબ ઇન્સ્પેક્ટર કુલકર્ણી તથા પાટીલના હોઠ પર પણ હળવું સ્મિત ફરકી ગયું.

દેવીસિંહનું હાસ્ય અને બંને સહકારીઓનું સ્મિત જોતાં વામનરાવ ધૂંધવાયો.

‘તમે લોકો મારી વાતને બકવાસ માનો છો?’ એણે પૂછ્યું.

‘નારે ના...!’ દેવીસિંહ હસવાનું  બંધ કરીને બોલ્યો, ‘બકવાસ નથી. હું તો આને બકવાસ કહી શકું તેમ નથી. કેમ ભાઈઓ, આવી સરસ મજાની વાર્તાને બકવાસ કહેવાય ખરી?’

‘ઓહ... તો તું આને વાર્તા માને છે એમને?’ વામનરાવે એની સામે ડોળા તતડાવ્યા.

‘માત્ર વાર્તા જ નહીં, ઉત્તમ વાર્તા! મારી વાત માન વામનરાવ અને પોલીસની નોકરી છોડીને ફિલ્મો માટે લખવાનું શરુ કરી દે. તારી વાર્તા પરથી બનેલી ફિલ્મ સુપરહીટ પૂરવાર થશે એની મને પૂરી ખાતરી છે!’ 

વામનરાવના જડબા સખતાઈથી ભીંસાયા.

‘વાહ! શું કથાનો પ્લોટ છે? શું વિચિત્ર વિષય છે?’ દેવીસિંહ ચાનો ઘૂંટડો ભરતાં બોલ્યો, ‘આપણા હિરો સાહેબ, અડધી રાત્રે પોતાના ફ્લેટવાળી ઈમારત પાસે પહોંચે છે અને તેઓ એક વિચિત્ર દુર્ગંધ અનુભવે છે. મજાની વાત તો એ છે કે આ દુર્ગંધ બીજું કોઈ નથી અનુભવતું. હિરો સાહેબની બાજુમાં જ ઊભેલા ઈમારતના ચોકીદાર બહાદુરને પણ આ ગંધ નથી આવતી. પછી આપણા હિરો સાહેબ પોતાના ફ્લેટમાં પહોંચે છે તો ત્યાર પછી પણ સળગતી ચામડીની દુર્ગંધ પીછો નથી છોડતી. અને ત્યારે પછી તો હિરો સાહેબ એ આત્મા સાથે વાતચીત પણ કરે છે! અદ્ભુત!’

‘તું માનતો કેમ નથી? હું સાચું જ કહું છું. આ કાંઈ ઉપજાવી કાઢેલી કે સપનાની વાત નથી પણ હકીકત છે. એ આત્મા મને ત્રણ ખૂનીઓના નામ જણાવવાનો હતો.

‘પરંતુ એ જ વખતે તારી ઊંઘ ઊડી જવાને કારણે ન જણાવી શક્યો ખરું ને?’ દેવીસિંહના અવાજમાં કટાક્ષનો સૂર હતો.

‘નોનસેન્સ!’ વામનરાવ ભડકીને ઊભો થઇ ગયો.

‘અરે, બેસ દોસ્ત!’ દેવીસિંહ એનો હાથ પકડીને બળજબરીથી તેને પાછો બેસાડતાં બોલ્યો, ‘તું તો નાહક જ નારાજ થાય છે, ભાઈ વામનરાવ! તને આરામની જરૂર છે એમુ માનું છું. તારી તબિયત સારી નથી લગતી. બે ચાર દિવસની રજા લઈને પૂના ભાભી પાસે આંટો મારી આવ એટલે તારા મગજમાંથી આ ભૂત-પ્રેતના વિચારો ઊડન છૂ થઇ જશે!’ 

‘મારી ભૂલ થઇ ગઈ.’ વામનરાવ બબડ્યો.

‘શું?’

‘તને આ વાત જણાવી એ ભૂલ.’ વામનરાવ સિગારેટ પેટાવતાં બોલ્યો, ‘તમે આજ કાલના નહીં, પણ વર્ષોથી મને ઓળખો છો. બહુ સારી રીતે ઓળખો છો, એટલે તમે મારી મજાક નહીં ઉડાવો એમ હું માનતો હતો. આજ પહેલાં મેં તમને કેટલી વાર્તાઓ સંભળાવી છે? અગાઉ ક્યારેય મેં તમને ભૂત-પ્રેતની વાત જણાવી છે ખરી?’

આ વખતે દેવીસિંહની બોલતી બંધ થઇ ગઈ.

અમરજી અને પાટીલ પણ ગંભીર થઇ ગયા.

વામનરાવ સાચું કહેતો હતો.

આજ સુધીમાં એણે ક્યારેય આવી વાત નહોતી ઉચ્ચારી.

આવી બડાશ હાંકવાનું એના સ્વભાવમાં નહોતું.

અત્યાર સુધીમાં તેઓ બબ્બે કપ ચા પી ચુક્યા હતા.

દેવીસિંહે પોતાના કપાળ પર હથેળી ઘસી.

‘તું એકદમ ગંભીર છો વામનરાવ!’ છેવટે એણે વામનરાવ સામે જોતાં પૂછ્યું.

‘હા.’

‘આજે કઈ તારીખ છે પાટીલ?’ દેવીસિંહ પાટીલ સામે જોતાં બોલ્યો.

‘અગિયારમી જુલાઈ! અને વર્ષ ૧૯૯૪...’ પાટીલે તારીખની સાથે સાથે સાલ પણ જણાવી દીધી.

‘તિથી, દેશી મહિનો તથા વાર હું જણાવી દઉં,’ અમરજી બોલી ઉઠ્યો, ‘તિથી ત્રીજ, દેશી મહિનો અષાઢ અને વાર સોમવાર છે.’

‘જુલાઈ!’ દેવીસિંહે એક ઊંડો શ્વાસ લીધો, ‘આજે પહેલી એપ્રિલ પણ નથી. આનો અર્થ એ થયો કે વામનરાવ આપણને એપ્રિલફૂલ નથી બનાવતો.’

‘વળી પાછો બકવાસ શરુ કર્યો?’ વામનરાવના અવાજમાં નારાજગીનો સૂર હતો.’

‘ઓકે... ઓકે...’ દેવીસિંહ હાથ ઊંચો કરતા બોલ્યો, ‘તો ગયા વર્ષે તોપખાના રોડ પર આવેલા ઉત્તમચંદ જવેલર્સના શો રૂમના ભોંયરામાંથી પોલીસને જે માણસનો મૃતદેહ મળ્યો હતો એ માણસનો આત્મા તને મળવા માટે આવ્યો હતો એમ તું કહેવા માંગે છે ખરું ને?’

‘હા, એ કેસની તપાસ મેં જ કરી હતી. એ વખતે પાટીલ પણ મારી સાથે જ હતો.’

‘અને એક વર્ષ પહેલાં ઉત્તમચંદના શો રૂમના ભોંયરા જેવી જ દુર્ગંધ તે ગઈકાલે પણ અનુભવી હતી એમ ને?’

‘હા,’ વામનરાવ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘ કેરોસીનથી સળગતાં મૃતદેહ જેવી ગંધ!’ કેરોસીન છાંટીને સળગાવવામાં આવતા લોકોની ચામડીમાંથી જુદી જ જાતની ગંધ આવે છે.’

‘જાણું છું. હું પણ આ નોકરીમાં તારા જેટલો જ અનુભવી છું. આ બધી વાતો હવે તું મને સમજાવીશ?’

‘હું સમજાવતો નથી પણ જણાવું છું.’

‘લૂંટ ક્યારે થઇ હતી?’

‘ગયા વરસે અને કદાચ જુલાઈ મહિનો જ હતો.’

‘હવે એમ કહીશ નહીં કે લુંટ પણ અગિયારમી જુલાઈએ જ ચલાવવામાં આવી હતી, કારણકે એ આત્મા પણ કાલે રાતે જ પતની પહેલી વરસી મનાવવા માટે તારી પાસે આવ્યો હતો.’

‘વળી પાછી મજાક?’ 

‘આ વખતે હું ગંભીર છું વામનરાવ!’ દેવીસિંહ બોલ્યો, ‘પરંતુ એક વાતની મને ખૂબ જ નવાઈ લાગે છે.’

‘કઈ વાતની?’

‘એ માણસ અર્થાત્ મોહન તો ગયા વર્ષે એટલેકે ૧૯૯૩માં જ મરીને એ જ વખતે ભૂત બની ગયો હશે!’

‘હા, તો?’

‘તો એ કે એના ભૂતે તારા સુધી પહોંચવામાં એક વર્ષ જેટલો સમય શા માટે લીધો?’

વામનરાવ ચૂપ રહ્યો.

દેવીસિંહના સવાલનો એની પાસે કોઈ જવાબ નહોતો.

‘આ સવાલનો એક જવાબ મને સૂઝે છે!’ સહસા દેવીસિંહ બોલ્યો, ‘જરૂર મોહનનો આત્મા છેલ્લા એક વર્ષથી તને શોધતો હશે અને બિચારાને છેક ગઈ કાલે તારું સરનામું મળ્યું હશે.’

‘તું અવળચંડાઈ નહીં જ છોડે એમ ને?’

‘ખોટું લગાડવાની કે નારાજ થવાની જરૂર નથી વામનરાવ!’ દેવીસિંહ બોલ્યો, ‘હું તો ફરીથી કહું છું કે તારે આરામની જરૂર છે. મને યાદ આવે છે, એ લૂંટકેસની તપાસમાં તે ખૂબ જ મગજમારી કરી હતી. પૂરા ચાર મહીના સુધી ગુનેગારોની ભાળ મેળવવા માટે દોડાદોડી કરી હતી. અને તારી આ દોડાદોડી નકામી ગઈ હતી. તારી તપાસનું પરિણામ શૂન્યમાં આવ્યું હતું. લુંટમાં એકથી વધુ માણસોનો હાથ હતો એટલું જ પોલીસને જાણવા મળ્યું હતું. પરંતુ કેટલા માણસોનો હાથ હતો તેનો પત્તો અજ સુધી નથી લાગ્યો. લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી ચીજવસ્તુઓ ભોંયરામાંથી જ મળી આવી હતી. પરંતુ આ વસ્તુઓ પરથી કોઈનાય આંગળાની છાપ નહોતી  મળી. તે એક બ્લાઇન્ડ કેસ હતો! એ પણ તારા મગજમાં એ કેસનું ભૂત ભરાઈ બેઠું છે અને હવે એ  બહાર નીકળી આવ્યું છે.

વામનરાવે નારાજગી મિશ્રિત કઠોરતાથી દેવીસિંહ સામે જોયું.

પોતા નાહક જ આ લોકો પાસે એ બાબતમાં વાત કરી હતી એમ તેને લાગતું હતું. મનોમન એ પસ્તાવો અનુભવતો હતો.

‘સર!’ આ વખતે સબ ઇન્સ્પેક્ટર પાટીલ બોલ્યો, ‘ભૂત-પ્રેતનું અસ્તિત્વ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે. વામનરાવની મુલાકાત ખરેખર કોઈ પ્રેત સાથે થઇ હોય એ  બનવાજોગ છે.’

‘હવે તારું માથું પણ ભમી ગયું એમ ને પાટીલ?’ દેવીસિંહે મોં મચકોડતાં કહ્યું, ‘તું પણ બે-ચાર દિવસની રજા લઈને આરામ કરવા માટે તારા વતનમાં મહારાષ્ટ્ર ચાલ્યો જા. આ બધી અંધવિશ્વાસની વાતો છે. નર્યો અંધવિશ્વાસ! માણસના મગજનો વહેમ છે. અને વહેમની દવા તો આજ સુધી કોઈ જ નથી શોધી શક્યું. વાસ્તવમાં ભૂત-પ્રેત જેવું કંઈ જ નથી હોતું. માણસના મોતની સાથે  હંમેશના માટે એનું અસ્તિત્વ સમાપ્ત થઇ જાય છે. કોઈ આત્મા બાત્મા નથી હોતો. આ સંસારમાંથી વિદાય થયાં પછી આજ કોઈ સુધી માણસ પાછો નથી ફર્યો.’

‘તો પછી પુનર્જન્મના જે  બનાવો બને છે, એ શું છે?’

‘એ માત્ર બનાવો જ હોય છે. પૂરવાર કશું જ નથી થતું.’ દેવીસિંહ હઠભર્યા અવાજે બોલ્યો, ‘તમે લોકો પોલીસ વિભાગમાં  હોવા છતાંય આવી અંધશ્રદ્ધાભરી વાતોમાં શા માટે માનો છો, એ જ મને તો નથી સમજાતું.’

‘તારી સાથે વાત કરીને મેં મોટી ભૂલ કરી નાખી છે દેવીસિંહ! તું મને માનસિક રોગી માની બેસીશ એવું મેં નહોતું ધાર્યું.’ વામનરાવે કડક અવાજે કહ્યું.

‘ભાઈ વામનરાવ, આ તો માનવીનું મગજ છે. શરીરની જેમ એને પણ થાક લાગે જ છે. અને મગજ થાક અનુભવે એટલે તેમાંથી આવી વાતો બહાર આવવા લાગે છે. આજના વાતાવરણમાં માનસિક તાણ અને મૂંઝવણ સિવાય બીજું છે પણ શું? એટલા માટે જ તો હું તને આરામ કરવાની સલાહ આપું છું. મારી સલાહ માન અને એસ.પી સાહેબને મળી, બે-ચાર દિવસ રજા લઈને આરામ કર.’

‘ઓહ... તો કાલે રાત્રે મેં મોહનના આત્મા સાથે વાત નહોતી કરી એમ તું માને છે ખરું ને દેવીસિંહ?’

જવાબ આપવાને બદલે દેવીસિંહ હસ્યો. એનું હાસ્ય કટાક્ષભર્યું હતું.

‘ઠીક છે, સાંભળ!’ વામનરાવ બોલ્યો, ‘એ બનાવ અંગે આજ સુધી પોલીસ નહોતી જાણી શકી એવી એક વાત જાણવા મળી ગઈ છે.’

‘કઈ વાત?’

‘એ લૂંટમાં કુલ ચાર માણસો હતા!’

‘ચાર માણસો?’

‘હા, ચારમાંથી એકનો મૃતદેહ તો શો રૂમના ભોંયરામાંથી જ મળ્યો હતો જ્યારે બાકીના ત્રણનો આજ સુધી પત્તો નથી મળ્યો. એ ત્રણેય આજે પણ સ્વતંત્ર છે.’

‘એ લૂંટમાં ચાર માણસો સામેલ હતા એવું વળી તને કોણે કહ્યું?’ દેવીસિંહે સ્મિત ફરકાવતા પૂછ્યું, ‘શું આત્માએ આ વાત તને જણાવી છે?’

‘હા.’

‘જો ભાઈ વામનરાવ, કાં તો તારું માથું ભમી ગયું છે અથવા તો પછી હું ગાંડો થઇ ગયો છું, હવે ધ્યાનથી મારી એક સલાહ સાંભળ. તારા લાભ માટે જ કહું છું. અમે ત્રણેય તારી ખૂબ જ નિકટ છીએ. આ વાત અમે માત્ર અમારા સુધી જ સીમિત રાખીશું. પરંતુ જો તું વધુ જાહેરાત કરીશ તો વિભાગના અન્ય કર્મચારીઓ તને શું માનશે એ તો તું મારા કરતાં વધુ સારી રીતે સમજી શકે તેમ છે.’

‘તેઓ શું મને ગાંડો માનશે?’

‘હવે હું શું કહું? તું પોતે સમજદાર છો.’

વામનરાવ કોઈ કડવા વચનો ઉચ્ચારે એ પહેલાં જ એક સિપાહી કેન્ટીનમાં દાખલ થઈને સીધો તેમની પાસે પહોંચ્યો,

એના હાથમાં એક ફાઈલ જકડાયેલી હતી.

એણે ચારેયનું અભિવાદન કર્યું.

‘સર!’ એ ફાઈલને ટેબલ પર મૂકતાં વામનરાવને ઉદ્દેશીને બોલ્યો, ‘આ ફાઈલ...’

‘આ વળી કઈ ફાઈલ છે ભાઈ?’ દેવીસિંહે પૂછ્યું.

‘ઉત્તમચંદ જ્વેલર્સ લૂંટકેસની આ ફાઈલ છે!’ વામનરાવે જવાબ આપ્યો.

‘એ કેસની ફાઈલ તો અભેરાઈએ ચડાવી દેવામાં આવી હતી ને?’

‘હા, પરંતુ મેં એને પછી નીચે ઉતરાવી છે.’ વામનરાવનો અવાજ બેહદ ગંભીર હતો.

‘ઓહ... તો એ ભૂતનું અસર જોર પકડે છે એમ ને?’ દેવીસિંહ ફરીથી હસીને જાણે વામનરાવની મજાક ઉડાવતો હોય એવા અવાજે  બોલ્યો.

જવાબ આપવાને બદલે વામનરાવ ફાઈલ ખોલવા લાગ્યો. 

એણે ઉપરની દોરી છોડીને ફાઈલ ઉઘાડી.

પછી પહેલાં પાનાં પર નજર પડતાં જ માત્ર વામનરાવ જ નહીં, દેવીસિંહ, અમરજી, પાટીલ અને ફાઈલ લાવનાર સિપાહી પણ એકદમ ચમકી ગયો.

ફાઈલના એ પાના પર લોહીનાં ત્રણ ટીપાં દેખાતા હતા.

તાજા લોહીનાં ત્રણ ટીપાં!

‘આ... આ શું છે?’ વામનરાવ સ્વગત બબડ્યો.

એ ચારેય પણ આશ્ચર્યચકિત નજરે લોહીના ટીપાં તરફ તાકી રહ્યા હતા. 

થોડી વાર સુધી તો કોઈ કશું જ ન બોલી શક્યું.

પછી સૌથી પહેલાં વામનરાવની જ ચેતના જાગૃત  બની.

એણે આંગળી વડે લોહીના એક ટીપાને સ્પર્શ કર્યો.

એની આંગળી પર સહેજ લોહી ચોંટી ગયું.

ચારેયની નજર એની લોહીથી ખરડાયેલી આંગળી સામે જોઇને સ્થિર થઇ ગઈ.

મજાની વાત તો હતી કે ફાઈલના પૂંઠાના અંદરના ભાગમાં લોહીનું કોઈ નિશાન ન હતું. ફાઈલ બંધ હતી, ત્યારે પાનાં પર રહેલા લોહીનું કોઈ નિશાન નહોતું. ફાઈલ બંધ હતી ત્યારે પાના પર રહેલા લોહીના ટીપાની છાપ પૂંઠાના અંદરના ભાગમાં પણ હોવી જોઈતી હતી પરંતુ એવું નહોતું.

ન તો પૂંઠાના અંદરના ભાગમાં લોહીની છાપ હતી કે ન તો પહેલા પાનાં પર રહેલા એ ટીપાં ફેલાયેલા હતા.

... અને આ વાત ખૂબ જ વિચિત્ર અને સનસનાટી ભરેલી હતી.

વામનરાવે બધાંની હાજરીમાં, સૌની નજર સામે જ ફાઈલ ઊઘાડી હતી.

ફાઈલ લાવનાર સિપાહી આશ્ચર્યથી જડવત બની ગયો હતો.

વામનરાવે આંગળી પર ચોંટેલું લોહી સુઘ્યું.

‘આ લોહી કોઈક માણસનું લાગે છે!’ એણે કહ્યું.

કોઈ કંઈ ન બોલ્યું.

ચારેય હજુ પણ આશ્ચર્યાઘાતમાંથી બહાર નહોતા નીકળી શક્યાં.

વામનરાવે વિજયસૂચક નજરે દેવીસિંહ સામે જોયું.

‘બોલ, હવે તું શું કહે છે દેવીસિંહ?’ એ બોલ્યો, ‘લોહીના આ ત્રણ ટીપાં બંધ ફાઈલમાં ક્યાંથી ને કેવી રીતે આવી ગયા? પાંડુ, આ ફાઈલ જૂની ફાઈલોના રેકોર્ડ રૂમમાંથી લાવ્યો છે, બરાબર ને પાંડુ?’ કહીને એણે ફાઈલ લાવનાર સિપાહી સામે જોયું. 

‘હા, સાહેબ!’ પાડુંએ સહમતીસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘ક્યાંક તે તો આ ટીપાં ફાઈલમાં નથી ટપકાવ્યા ને?’ દેવીસિંહે પાંડુને ઉદ્દેશીને પૂછ્યું. પરંતુ તેના અવાજમાં વિશ્વાસનો સંપૂર્ણ રીતે અભાવ હતો.

‘શું ગધેડાને તાવ આવે એવી વાત કરે છે દેવીસિંહ!’ વામનરાવ મોં મચકોડતાં બોલ્યો, ‘તારી હઠ છોડ અને કબૂલ કર કે મેં રાતવાળા બનાવ વિશે જે કંઈ જણાવ્યું હતું, તે કોઈ ઉપજાવી કાઢેલી વાત નહોતી. તાજા લોહીના આ ત્રણ સામે ધ્યાનથી જો. આ કોઈ માણસનું કામ હોત તો ફાઈલના પૂંઠાના અંદરના ભાગમાં લોહીના ડાઘ શા માટે ન પડ્યા. તું પણ મારા જેટલો જ અનુભવી છો એટલે આ વાત મારે તને સમજાવવી પડે તેમ નથી.

‘તારી વાત સાચી છે વામનરાવ! ચહેરા પર આશ્ચર્યના હાવભાવ સાથે દેવીસિંહે ધીમેથી માથું હલાવતાં કહ્યું, ‘તાજા લોહીના આ ત્રણ ટીપાએ ખરેખર મારા દિમાગને ચકરાવે ચડાવી દીધું છે.’

‘લોહીના આ ત્રણ ટીપાનો અર્થ સમજે છે તું?’

‘શું અર્થ થાય છે?’ દેવીસિંહે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછતાં પૂછ્યું.

‘આ ફાઈલ પર લોહીના માત્ર ત્રણ ટીપાં જ શા માટે છે?’

‘એટલે?’

‘એટલે એમ કે આ ફાઈલ પર બે ટીપાં પણ હોઈ શકતા હતા ચાર કે તેથી વધુ ટીપાં પણ હોઈ શકતા હતા, પરંતુ એણે બદલે માત્ર ત્રણ જ ટીપાં શા માટે છે?’ 

‘શા માટે સસ્પેન્સ ઊભું કરે છે? સીધી રીતે કહી નાખને કે માત્ર ત્રણ ટીપાં જ શા માટે છે?’

‘થોડી વાર પહેલાં મેં જણાવ્યું હતું તેમ મોહનના આત્માના કહેવા મુજબ એના ખૂનીઓ હજી સુધી સ્વતંત્ર છે અને એણે પોતાના ખૂનીઓની સંખ્યા પણ જણાવી હતી. પાટીલ!’ વામનરાવે પાટીલ સામે જોયું, ‘મેં કેટલા ખૂનીઓ હોય એમ કહ્યું હતું?’

‘ત્રણ!’ પાટીલે જવાબ આપ્યો.

આ જવાબ સહિત દેવીસિંહ સહિત બધાંની આંખો હેરતથી ફાટી પડી.

હવે હસવાનો વારો વામનરાવનો હતો.

‘ઉત્તમચંદ જ્વેલર્સમાં ચલાવવામાં આવેલી લૂંટમાં ચાર માણસોનો હાથ હતો!’ એણે કટાક્ષભરી નજરે દેવીસિંહ સામે જોઇને કહ્યું, ‘જેમાંથી એકને બાકીના ત્રણ સાથીદારોએ સળગાવીને ત્યાં જ મારી નાખ્યો હતો. ત્યારબાદ એ ત્રણેય લૂંટની રકમ સાથે નાસી છૂટ્યા હતા. આ ત્રણેય વિશે આજ સુધી પોલીસ પાસે કોઈજ કડી નહોતી!’

‘હવે કોઈ કડી છે?’

‘અત્યારે પણ માત્ર એક જ કડી છે!’

‘કઈ?’

‘લૂંટમાં કેટલા લોકોનો હાથ હતો, એ આજ પહેલાં આપણે નહોતા જાણતા.’ વામનરાવ શાંત પરંતુ મક્કમ અવાજે બોલ્યો, ‘પરંતુ લૂંટમાં ચાર માણસો સામેલ હતા, એ વાત આજે પૂરવાર થઇ ગઈ છે! ચારમાંથી એક જણને શો રૂમના ભોંયરામાં જ કેરોસીન છાંટીને સળગાવી નાખવામાં આવ્યો હતો. હવે ત્રણ જણ બાકી રહે છે અને ફાઈલમાં લોહીના ટીપાં પણ ત્રણ છે.’

‘બરાબર છે, પણ આ ટીપાંનો શું અર્થ છે?’

‘એટલુંય ન સમજ્યો?’

‘ના, હવે તું જ સમજાવી દે!’

‘તો સાંભળ, આ ટીપાં પરથી પૂરવાર થાય છે કે મોહનનો આત્મા એ ત્રણેયનું લોહી ઈચ્છે છે. આ ત્રણેયને મરતાં જોવા માંગે છે. કાયદાના માર્ગે ત્રણેયને ફાંસીના માચડે લટકતાં જોવા માંગે છે. મોહનનો આત્મા કાયદાના માધ્યમથી આ ત્રણેય સાથે પોતાના મોતનું વેર લેવા માગે છે.

વામનરાવની વાતથી સૌ  ખૂબ જ પ્રભાવિત થયા હતા.

લોહીના ત્રણ ટીપાં જોયા પછી વામનરાવની વાતને કાપવાનું તેમને માટે મૂર્ખાઈભર્યું બની ગયું હતું. બલ્કે જે સત્ય તેઓ પોતાની સગી આંખે જોઈ ચુક્યા હતા, એને હવે કોઈ પણ દલીલ રૂપી તલવારથી ખોટું પૂરવાર કરી શકાય તેમ નહોતું.

‘પરંતુ વામનરાવ સાહેબ, આ કેસ તો હજુ પણ અંધારામાં જ છે!’ થોડી પળો બાદ સહસા સબ ઇન્સ્પેક્ટર પાટીલ બોલ્યો.

‘કેમ?’ 

‘એ લૂંટમાં લૂંટની રકમ લઇ, પોતાના એક સાથીનું ખૂન કર્યા પછી ત્રણ ધાડપાડુઓ નાસી છૂટ્યા હતા, માત્ર આટલું જાણી લેવાથી જ આ કેસ નથી ઉકેલાઈ જતો. એ ત્રણેય કોણ છે એની પણ ખબર પડવી જોઈએ ને?’

‘એ તો હું પણ નથી જાણતો!’ વામનરાવ ટેબલ પર હાથ પછાડતાં નિરાશાભર્યા અવાજે બોલ્યો. ‘કાલે રાત્રે બહાદુર અને વિષ્ણુપ્રસાદે આવીને ખલેલ ન પહોંચાડી હોત તો મોહનનો આત્મા જરૂર એ ત્રણેય ખૂનીઓના નામ-સરનામાં જણાવી દેત પરંતુ એ  બંનેનાં આગમનને કારણે આખી વાત અધૂરી રહી ગઈ.’

‘એક વાત કહું સર?’

‘બોલ.’

‘જો મોહનનો આત્મા આપની પાસે મદદના હેતુથી આવ્યો હતો તો એ બીજી વખત પણ જરૂર આવશે!’

‘હા, મને પણ એવી આશા છે!’ વામનરાવ ઉત્સાહભર્યા અવાજે બોલ્યો, ‘આ વખતે કદાચ મોહનનો આત્મા મેં ત્રણેય ધાડપાડુઓ તથા ખૂનીઓના નામ સરનામાં જણાવી દેશે. કાલે રાત્રે નાહક જ મેં બૂમ પાડી હતી. જો મેં એ જ વખતે એને આત્મા તરીકે સ્વીકારી લીધો હોત તો અત્યાર સુધીમાં હું ખૂનીઓ વિશે બધું જ જાણી ચૂક્યો હોત. પરંતુ તારી જેમ હું પણ આત્માઓના અસ્તિત્વમાં નહોતો માનતો.’

‘ગમે તે હોય, મેં મારી જિંદગીમાં ખૂનીઓને સજા કરાવવા માટે મૃત્યુલોકમાંથી કોઈ આત્મા આવીને એક ઇન્સ્પેક્ટરની મદદ માંગે એવો વિચિત્ર મામલો ક્યારેય નથી જોયો.’

વામનરાવે કંઈ જવાબ ન આપ્યો.

એ ફાઈલ ઊંચકીને પોતાની ઓફીસ તરફ આગળ વધી ગયો. 

એનો ચહેરો અત્યારે બેહદ ગંભીર હતો.

તે ફરીથી એક વાર આ ફાઈલ નિરાંતે વાંચવા માગતો હતો.

આ કેસ હવે એને માટે પડકાર રૂપ બની ગયો હતો.

એ કોઇપણ ભોગે આ કેસ ઉકેલવા માંગતો હતો. 

***

રાતના બાર વાગ્યા હતા.

મિનાક્ષીની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું.

એનો સમગ્ર દેહ પરસેવાથી તરબતર હતો. 

બહાર આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. 

કોઇપણ પળે વરસાદ તૂટી પડશે એવું લાગતું હતું.

હવામાં ઠંડક હોવા છતાંય મિનાક્ષી પરસેવાથી રેબઝેબ હતી.

એક અજાણ્યો ખોફ એના દિલોદિમાગમાં છવાયેલો હતો.

અત્યારે એ પોતાના એક રૂમના બ્લોકમાં એકલી જ હતી.

રુક્ષ્મણી તથા તેના બંને નાના ભાઈઓ, મામાની દીકરીના લગ્નમાં ગઈ હતી. રુક્ષ્મણીએ તેને પણ સાથે આવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ એણે ના પાડી દીધી હતી.

... અને ના પાડી દેવાના આ નિર્ણય પર મિનાક્ષી અત્યારે પશ્ચાતાપ અનુભવતી હતી.

કાલે રાત્રે મોહનનો આત્મા તેને મળવા આવ્યો હતો અને આજે ફરીથી એના આવવાની શક્યતા હતી.

દિવસના અજવાળામાં મિનાક્ષીને જરા પણ ડર નહોતો લાગ્યો. ઉલ્ટું એ મોહનના પ્રેતાત્માને મળવા માટે ઉત્સુક હતી.

પરંતુ રાતનું અંધારું અને ભયંકર વાતાવરણ છવાતાં જ એની હિંમત ઓસરવા લાગી હતી અને હવે તે ખૂબ જ ડરી ગઈ હતી. 

રહી રહીને એની ભયભીત નજર બારી તરફ સ્થિર થઇ જતી હતી.      

હવાના સપાટાને કારણે બારીના પટ હલતા હતા.

મિનાક્ષી પલંગ પરથી નીચે ઉતરી.

એને પાડોશમાં રહેતાં દયાબેનને બોલાવી લેવાનું મન થયું, 

પરંતુ પછી તે અટકી ગઈ. 

પોતાના આ વિચાર પર પોતાની જાત પ્રત્યે જ તે શરમ અનુભવવા લાગી.

પોતે શા માટે ડરે છે?

એને પોતાના મોહનથી જ ડર લાગતો હતો.

એ મોહનથી કે જેને મળવા માટે એક જમાનામાં તે વ્યાકુળ બની જતી હતી.

જે લોકો મૃત્યુ પામે છે, એનાથી પછી શા માટે ડર લાગે છે?

મિનાક્ષીએ પોતાની જાતને આશ્વાસન આપ્યું.

બરાબર એ જ વખતે બંધ બારી પર ટકોરા પડ્યા.

મિનાક્ષી એકદમ ચમકી ગઈ.

એના ધબકારા એકદમ વધી ગયા.

બારી પર ટકોરા પડવાનો અવાજ એણે સ્પષ્ટ સાંભળ્યો હતો.

આ અવાજ હવાના સપાટા બારી સાથે અથડાવાનો હરગીઝ નહોતો.

જરૂર કોઈકે બારી પર ટકોરા માર્યા હતા.

‘ક... કોણ?’ માંડ માંડ મિનાક્ષીના કંઠમાંથી આ એક શબ્દ નીકળ્યો.

એના પગ જાણે કે ધરતી સાથે જડાઈ ગયા હતા.

આગળ વધીને બારી ઉઘાડવા જેટલી શક્તિ જાણે કે એનામાં નહોતી રહી.

‘ટક...ટક...ટક...’

ફરીથી ટકોરા પડ્યા.

મિનાક્ષીએ કંઈક સળગવાની ગંધ અનુભવી.

મોહન આવી ગયો હતો. જરૂર મોહનનો આત્મા જ આવ્યો હતો.

એના આગમનની જ આ નિશાની હતી.

શું કરવું? બારી ઉઘાડવી કે બૂમો પાડતાં બહાર નાસી જવું? એ તેને કંઈ ન સમજાયું.

‘મીનૂ...મીનૂ...’

મોહનનો અવાજ એણે સ્પષ્ટ રીતે સાંભળ્યો અને પારખ્યો.

એ પોતાની જાતને ન રોકી શકી.

એના પગ આપોઆપ જ બારી તરફ ઘસડાયા.  

એણે બારી ઉઘાડી નાખી.

દુર્ગંધનો એક ભભૂકો એના નાક સાથે અથડાયો. પછી હવાનો કોઈ સપાટો બાજુમાંથી પસાર થઈને રૂમમાં પ્રવેશ્યો હોય એવો ભાસ તેને થયો. હવાનો આ સપાટો જાણે આગની જ્વાળાઓમાંથી નીકળ્યો હોય એમ ખૂબ જ ગરમ હતો. એ ઠંડા પવનનો સપાટો નહોતો. 

જરૂર એ મોહનનો આત્મા હતો. 

પરંતુ એના ભારે આશ્ચર્ય વચ્ચે દુર્ગંધ દૂર થઇ ગઈ હતી.

મિનાક્ષીએ બારી બંધ કરી અને પીઠ ફેરવી. 

‘મોહન...!’ એણે ડરતાં ડરતાં ધીમેથી બૂમ પાડી.

‘હા અહીં છું મીનુ...’ રૂમના એક ખૂણામાંથી મોહનનો અવાજ ગુંજ્યો.

મિનાક્ષીના દેહમાં એનો અવાજ સાંભળીને તીવ્ર ઝંઝણાટી વ્યાપી ગઈ. 

‘ડરવાની જરૂર નથી મીનુ...! હું તને ક ઓઈ જાતનું નુકસાન નહીં પહોંચાડું...! મોહનનો ધીમો પણ પીડાભર્યો અવાજ ગુંજી ઊઠ્યો. ‘હું માર્યા પછી પણ તારું કોઈ અહિત કરીશ એવું તો વિચારીશ જ નહીં! જે નાશ પામે છે, તે શરીર છે અને જે ક્યારેય નથી મરતો, તે આત્મા હોય છે! અમર આત્મા ક્યારેય નથી મરતો! આ આત્મા પોતાની એક જુદીજ દુનિયામાં ભટકતો રહે છે. તમારી દુનિયાના લોકો આ દુનિયાને પ્રેત સંસાર કરે છે.

મિનાક્ષી અનિશ્ચયના હાવભાવ સાથે જ્યાં હતી, ત્યાં જ ઊભી રહી ગઈ.

મોહનના અવાજને ઓળખવામાં એની જરાય ભૂલ નહોતી થઇ.

પરંતુ મોહનના અવાજમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું.

‘બેસી જા મીનુ...’ મોહનનો અવાજ ફરીથી ગુંજ્યો.

‘મારે તારી સાથે ઘણી વાતો કરવી છે. કાલે તું નાહક જ ડરી ગઈ હતી. હું તને કોઈ જાતનું નુકસાન પહોંચાડીશ કે અહિત કરીશ એમ તેં કેવી રીતે માની લીધું? આજે પણ જો મારી સાથે વાત કરવા તૈયાર ન હોત તો કોણ જાણે ક્યારે મેં તારી દુનિયામાં આવવાની આજ્ઞા મળત!’

‘આજ્ઞા?’ મિનાક્ષી ચમકી ગઈ. એનો ભય ઓછો થતો જતો હતો.

‘હા...’

‘અહીં આવવા માટે પણ વળી તારે કોઈની આજ્ઞા લેવી પડે છે?’ મિનાક્ષીએ પલંગ પર બેસતાં આશ્ચર્ય સહ પૂછ્યું.

‘હા.’

‘કોની આજ્ઞા?’

‘અત્યારે હું જે સંસારમાં રહું છું, ત્યાં તમારી દુનિયામાં મૃત્યુ પામેલા લોકોનો વસવાટ છે. જેવી તાનાશાહી તમારી દુનિયામાં છે એવી ત્યાં પણ છે. માણસ મૃત્યુ પામે તો પણ તેમની તાસીર નથી બદલાતી. આ ટેવો તેઓ સુક્ષ્મ સંસારમાં પણ નથી છોડતા. ત્યાં પણ નાની માછલીઓ પર મોટી માછલીઓનું, અને મોટી માછલીઓ પર મગરમચ્છોનું પ્રભુત્વ હોવાનો નિયમ હોય છે. અમારા સંસારમાં સહુથી શક્તિશાળી બ્રહ્મ રાક્ષસ હોય છે. ત્યારબાદ જિન્નાત, પ્રેત, ભૂત, ચુડેલ વગેરે આવે છે. હું પોતે એક વર્ષ  બ્રહ્મ રાક્ષસની સેવામાં હતો. મેં એની ચાકરી કરીને તેને ખુશ કરીને હવે તેની આજ્ઞા મેળવીને હું અહીં આવ્યો છું. પરંતુ આજે જ મારે પાછા જવાનું છે.

‘મોહન, શું મર્યા પછી દરેક માણસ પ્રેતયોનિમાં ચાલ્યો જાય છે?’ મિનાક્ષીએ પૂછ્યું.

‘ના, બધાં નથી જતા. અમુક લોકોને છૂટકારો મળી જાય છે. તેઓ જન્મ-મરણ, આત્મા-પરમાત્મા કે પ્રેતયોનિથી હંમેશને માટે મુક્ત થઇ જાય છે. પરંતુ જે લોકો અકાળે અવસાન પામે છે, જેમની ઈચ્છાઓ-આકાંક્ષાઓ અધૂરી રહી જાય છે અથવાતો જે લોકોને મારી જેમ ખૂન કરીને મારી નાખવામાં આવે છે તથા જે લાશોના અંતિમસંસ્કાર નથી થતા, તેઓ પ્રેતયોનિમાં પહોંચે છે અને મારી જેમ ઈચ્છાઓ પૂરી કરવા અથવા તો બદલો લેવા માટે તરફડે છે.’ સહસા મોહનનો અવાજ એકદમ કઠોર બની ગયો. ‘મીનુ, મને કેવી રીતે મારી નાખવામાં આવ્યો એ તું નથી જાણતી. ઉત્તમચંદના શો રૂમના ભોંયરાની તિજોરી ઉઘડી ગયા પછી મને ઘેનની દવા ભેળવેલી વ્હીસ્કી પીવડાવવામાં આવી અને મારા પર કેરોસીન છાંટવામાં આવ્યું હતું અને પછી મારા ઉપર સળગતી દિવાસળી ફેંકવામાં આવી હતી. પળભરમાં જ મારું શરીર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. 

‘ઓહ...’ મિનાક્ષીના મોંમાંથી સિસકારો નીકળી ગયો. 

‘મીનુ.’

‘બોલ...’

‘અસહ્ય પીડાથી ભોંયરાનાં તિજોરીવાળા રૂમની જમીન પર હું આમથી તેમ આળોટીને મારા શરીર પર લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ એ આગ નહોતી બુઝવાની. હું કેવી રીતે રીબાઈ રીબાઈને છેલ્લા શ્વાસ સુધી પહોંચ્યો હતો એ મારું મન જ જાણે છે. આ પીડાનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. પરંતુ... પરંતુ એ છેલ્લી પળોમાં પણ મારી આંખો તને જ જોતી હતી. મને તારા જ વિચારો આવતા હતા. હું વિચારતો હતો – હું મારું વચન પૂરું ન કરી શક્યો... તારી સાથે લગ્ન નહીં કરી શકું. તારા નાના ભાઈઓને નહીં ભણાવી શકું. હું તારા...’

‘બસ મોહન બસ...! સહસા મિનાક્ષી વેદનાભર્યા અવાજે બોલી ઊઠી.

‘મીનૂ....’ મોહનનો રૂંધાતો અવાજ ગુંજ્યો, ‘મારું તો કોઈ સપનું પૂરું નહોતું થઇ શક્યું. મારી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી. મારી દરેક આકાંક્ષાઓ જાગે એ પહેલાં જ ખતમ થઇ ગઈ હતી. લોકોને મર્યા પછી ઘીથી અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ મારા તો જીવતેજીવત અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એ પણ ઘીથી નહીં પણ કેરોસીનથી. મેં બે હાથ જોડ્યા, વિનંતી કરી, મને છોડી મૂકવા માટે કરગર્યો. પરંતુ એ શયતાનોને મારા પર જરા પણ દયા ન ઉપજી. તેમના મન ન પીગળ્યા. પૈસાની લાલચ મારા જીવન કરતાં વધુ મહત્વની લાગી. પૈસાની ચમકથી એમની આંખો અંજાઈ ગઈ હતી, વિવેકબુદ્ધિ હણાઈ ગઈ હતી. તેઓ મને તરફડતો જોઈ રહ્યા...અટ્ટહાસ્યો રેલાવતા રહ્યા. હું ઈચ્છા હોવા છતાં મારો બચાવ ન કરી શક્યો. હા એક વખત મેં બચાવનો પ્રયાસ જરૂર કર્યો હતો. મારા પર કેરોસીન છાંટવામાં આવ્યું ત્યારે હું દરવાજા તરફ દોડ્યો હતો, પરંતુ ત્યાં પણ એક શયતાન મારો માર્ગ રોકીને ઊભો હતો. એણે મને ફરીથી રૂમમાં ધકેલી દીધો અને બીજા શયતાને દીવાસળી પેટાવીને મારા પર ફેંકી. તેમણે મને મારી નાખ્યો, સળગાવી નાખ્યો. આગની જ્વાળાઓ વચ્ચે પણ મેં એ શયતાનોને કહ્યું હતું કે, નાલાયકો... હું ફરીથી આવીશ... વેર લેવા માટે આવીશ... અને જોઈ લે... હું તેમની સાથે વેર લેવા માટે આવી ગયો છું...! કહીને મોહનનો આત્મા ચૂપ થઇ ગયો.

હવે એનાં હાંફવાનો અવાજ ગુંજતો હતો.

મિનાક્ષીના મનમાં હવે કોઈ ડર નહોતો.

એ સ્વસ્થ હતી. 

અલબત, મોહનની કરુણ કથની સાંભળીને એની આંખોમાંથી આંસુ જરૂર વહેતાં હતાં.

‘એ શયતાનો કોણ છે મોહન?’ એણે પૂછ્યું.

‘કહું છું. એ બધું કહેવા માટે જ તો આવ્યો છું. જ્યાં સુધી કાયદો મારા ત્રણેય ખૂનીઓને ફાંસીના માંચડે નહીં લટકાવી દે, ત્યાં સુધી મારા ભટકતા આત્માને શાંતિ નહીં મળે. તેઓ જીવતા છે, ત્યાં સુધી મારા વેરની આગ નહીં બુઝાય. હું તને એ ત્રણેય વિશે બધું જણાવું છું. વિગતવાર બધી વાત જણાવું છું. શું બન્યું હતું, કેવી રીતે બન્યું હતું, લૂંટની યોજના કેવી રીતે ને ક્યાં  બની હતી અને તેનો અમલ કેવી રીતે થયો હતો વિગેરે બધી જ હકીકતો હું કહું છું. સાંભળ આજથી બરાબર એક વરસ અને એક દિવસ પહેલા એટલેકે દસમી જુલાઈ ૧૯૯૩ની રાત્રે અમે શેઠ ઉત્તમચંદના શો રૂમમાં લૂંટ ચલાવવા માટે નીકળ્યા ત્યારે...’

ત્યારબાદ મોહન ધીમે ધીમે તેને બધી વિગતો કહેવા લાગ્યો.

મિનાક્ષી મંત્રમુગ્ધ બનીને ધ્યાનથી તેની વાતચીત સાંભળી રહ્યો.

મોહનની વાત પૂરી થઇ, ત્યારે રાતના ત્રણ વાગી ગયા હતા.

મિનાક્ષીએ એની વાતચીતનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળ્યો. 

એના દિમાગમાં હથોડા ઝીંકાતા હતા.

મોહને તેનું તથા તેના કુટુંબીજનોનું ભવિષ્ય બનાવવા માટે આટલું જોખમ ખેડ્યું હતું.

‘મીનુ!’ સહસા મોહન ભારે અવાજે બોલ્યો, ‘તું બધી વિગતો કાલે ઇન્સ્પેક્ટર વામનરાવને જણાવી દેજે. કાલે હું એને મળવા માટે પણ ગયો હતો. પરંતુ એની સાથે પૂરેપૂરી વાત કરવાની મને તક જ  ન મળી. તારી પાસેથી સાચી વાત જાણીને વામનરાવ એ ત્રણેય શયતાનોને પાતાળમાંથી પણ શોધી કાઢશે અને તેમને તેમની કરણીની સજા કરાવશે એની મને ખાતરી છે.’

‘ભલે...’

‘બસ, હવે હું જાઉં છું મીનુ...’

‘પાછો ક્યારે આવીશ મોહન?’ મિનાક્ષીએ વ્યાકુળ અવાજે પૂછ્યું. ‘કાલે?’ 

‘ના...’

‘કેમ?’

‘હાલ તુરત મને મારા સંસારમાંથી આટલા જ સમયની મહેતલ મળી હતી. પરંતુ હું ફરીથી એક વાર જરૂર પાછા આવવાનું વચન આપું છું. મારા ખૂનીઓ ઘટતા ફેજે પહોંચી ગયા હશે, ત્યારે હું આવીશ! ઓકે મીનૂ...’

 વળતી જ પળે ગરમ હવાનો એ સપાટો બારી મારફત બહાર નીકળી ગયો અને રૂમમાં ઠંડક પ્રસરી ગઈ.

મિનાક્ષી જડવત્ બનીને બારી સામે તાકી રહી.

સહસા એનું હ્રદય ભરાઈ આવ્યું.

એ બંને હથેળી વચ્ચે મોં છૂપાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.