Mukti - 2 in Gujarati Horror Stories by Kanu Bhagdev books and stories PDF | મુક્તિ - ભાગ 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મુક્તિ - ભાગ 2

સોનેરી સપનું

બંદર રોડ સ્થિત એ જ જુનવાણી હોટલના એ જ રૂમમાં અત્યારે ત્રિલોક તથા દિલાવર મોઝૂદ હતા.

બંને વ્હીસ્કી પીતા હતા. છેલ્લા એક  કલાક દરમ્યાન તેઓ ત્રણ ત્રણ પેગ ગળા નીચે ઉતારી ચૂક્યા હતા અને ચોથો તેમની સામે તૈયાર પડ્યો હતો. દિલાવરને વ્હીસ્કીનો નશો ચડી ગયો હતો પરંતુ ત્રિલોક તો ખરેખર ગજબનાક પીવાવાળો હતો. 

એના પર વ્હીસ્કીની કોઈ અસર નહોતી દેખાતી.

‘આ નાલાયક ગજાનનનો બચ્ચો હજુ પણ ન આવ્યો.’ ત્રિલોક પોતાની કાંડાની ઘડીયાળમાં સમય જોતાં બબડ્યો.

‘તે એને અહીં જ આવવાનું કહ્યું હતું ને?’ દિલાવરે નશાથી ભારે બની ગયેલી પાંપણો ઊંચી કરતાં પૂછ્યું. 

‘હા.’

‘તો તો એ જરૂર આવશે! એને સાથે લઈને જ આવશે. શું નામ જણાવ્યું હતું તે એનું?’

‘મોહન ચૌહાણ.’

‘હા, મોહન. પણ આ મોહનનો બચ્ચો કામ કરશે ખરો? તને ખાતરી છે?’ 

‘હા, મને પૂરી ખાતરી છે. પરંતુ ગજાનન હજી સુધી બલીના એ બકરાને લઈને કેમ ન આવ્યો? એના વગર તો આપણો ઉદ્ધાર થાય તેમ નથી. આપણી સમગ્ર યોજનાનો મદાર મોહન પર જ છે.’

દિલાવરે કાંઈક કહેવા માટે મોં ઉઘડ્યું હતું. ત્યાં જ સહસા દરવાજા પર ટકોરા પડ્યા.

દિલાવરની આંખોમાં આશા ભરી ચમક પથરાઈ ગઈ.

‘ગજાનન આવી ગયો લાગે છે!’ એ ઉભો થતા બોલ્યો.

એણે લથડતા પગે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો.

પરંતુ બહાર ગજાનનને બદલે હોટલના વેઈટરને ઊભેલો જોઇને એના ચહેરા ઉપર નિરાશા છવાઈ ગઈ.

‘શું છે?’ એણે કર્કશ અવાજે પૂછ્યું.

‘આપનો ફોન છે સાહેબ!’ વેઈટરે જવાબ આપ્યો.

‘ફોન?’ દિલાવર ચમક્યો, ‘કોનો ફોન છે?’

‘ગજાનન સાહેબનો.’

આ વખતે રૂમમાં મોઝુદ ત્રિલોક પણ ચમક્યો.

‘એ નાલાયકે અહીં આવવાને બદલે ફોન શા માટે કર્યો છે?’ એ બગડ્યો, ‘ખેર જઈને જો! શું કહે છે એ નાલાયક.’

દિલાવર ધીમેથી માથું હલાવીને બહાર નીકળી ગયો.

વેઈટર પણ તેની પાછળ જવા લાગ્યો તો ત્રિલોકે બૂમ પાડીને તેને  બોલાવ્યો. 

વેઈટર રૂમમાં પ્રવેશીને તેની પાસે પહોંચ્યો.

‘બાજુનો રૂમ ખાલી છે કે તેમાં કોઈ ગ્રાહક ઉતર્યું છે?’ ત્રિલોકે પૂછ્યું.

‘ગ્રાહક ઉતર્યો છે!’

‘શું?’ ત્રિલોકે ચમકીને પૂછ્યું, ‘ક્યારથી ઉતર્યો છે?’

‘ચાર દિવસથી.’ વેઈટરે જવાબ આપ્યો, ‘કોઈ સરદારજી છે. સીધો દુબઈથી આવ્યો છે. પણ સાહેબ એ સરદારજી શું દારૂ પીએ છે? અને ખૂબ જ રંગીન  મિજાજનો છે. રાત્રે કોલગર્લને પણ બોલાવે છે.’

‘ઠીક છે, ઠીક છે. તું ફૂટ હવે અહિંથી. તને એનો ઈતિહાસ સંભળાવવાનું કોણે કહ્યું હતું?’ 

વેઈટર ડઘાયો.

એ માથું ખંજવાળતો બહાર નીકળી ગયો.

ત્રિલોક તરત જ ઊભો થઈએ બાથરૂમમાં  પહોંચ્યો. બંને રૂમ વચ્ચે એક કોમન બાથરૂમ હતું. બાથરૂમમાં જવા માટે બંને રૂમમાંથી દરવાજા હતા. 

એ દબાતે પગલે બીજી તરફના દરવાજા પાસે પહોંચ્યો.

એણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો પરંતુ તે બીજી તરફથી બંધ હતો.

ત્રિલોકે દરવાજામાં રહેલાં એક છેદ પર આંખ માંડી. બીજા રૂમનું દ્રશ્ય તેને સ્પષ્ટ દેખાયું. વેઈટરે સાચું જ કહ્યું હતું. સરદારજી અત્યારે બપોરના સમયે પણ પલંગ ઉપર એક  યુવતિ સાથે મોઝૂદ  હતો.

ત્રિલોક પોતાના રૂમમાં પાછો ફર્યો.

સરદારજી તરફથી કોઈ જોખમ નથી એ વાતની તેને ખાતરી થઇ ચૂકી હતી.

એ બેફીકર થઈને પોતાના સ્થાને બેસી ગયો.

થોડી પળો બાદ દિલાવર અંદર પ્રવેશ્યો.

‘કામ થઇ ગયું ત્રિલોક!’ આવતાંવેંત એ પ્રસન્ન અવાજે બોલ્યો. ‘ગજાનન બલિના બકરાને લઈને થોડી વારમાં જ આવે છે.’

‘વેરી ગૂડ. આ વાત જણાવવા માટે જ એણે ફોન કર્યો હતો?’

‘હા.’

ત્યારબાદ બંને વ્હીસ્કીના ઘૂંટડા ભરતા ગજાનન તથા મોહનના આવવાની રાહ જોવા લાગ્યા. 

થોડી વારમાં જ ગજાનન મોહનને લઈને આવી પહોંચ્યો.

મોહન આશરે અઠ્ઠાવીસ વર્ષની વય ધરાવતો તંદુરસ્ત બાંધાનો યુવાન હતો. એની ચામડીનો રંગ ઘઉંવર્ણો હતો અને ઉચાઇ છ ફૂટ! ચહેરા પરથી તે ખૂબ જ ભોળો અને સજ્જન તથા માખી પણ ન મારી શકે એવો લાગતો હતો. પરંતુ વાસ્તવમાં એણે ભૂતકાળમાં જે પરાક્રમો કર્યા હતા એ જોઈ જાણીને ભલભલા માણસો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા હતા.

પરસ્પર એકબીજાનો પરિચય મેળવ્યા પછી ત્રિલોકે મોહનને પોતાની યોજનાની વિગતો જણાવી દીધી.

‘એક વાત પૂછું?’ એની યોજના સાંભળ્યા પછી મોહન ગંભીર અવાજે બોલ્યો.

‘જરૂર, બોલ શું પૂછવું છે તારે?’ કહીને ત્રિલોક પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

‘તમારી પાસે આવી સરસ યોજના છે તો તમે પોતે જ આ કામ શા માટે નથી કરી લેતા? તમે આ લૂંટમાં મને શા માટે ભાગીદાર બનાવવા માગો છો?’

‘એનું પણ એક ખાસ કારણ છે!’

‘શું?’

‘એ તિજોરીના તાળાની પદ્ધતિ એટલી ગૂંચવાડાભરી અને જટિલ છે કે કેમેય કરીને અમને નથી સમજાતી. આજે આખા ભારતમાં જો કોઈ એ તિજોરી ઉઘાડી શકે તેમ હોય તે તે તું એક જ છો. એ તીજોરીનું તાળું એક માત્ર તું જ ઉઘાડી શકે તેમ છો. તારા સિવાય બીજું કોઈ આ કામ કરી શકે તેમ નથી. જો તિજોરીનું તાળું જ ન ઉઘડે તો મારી યોજનાનું કોઈ મહત્વ નથી, એ તિજોરીનો માલ લૂંટી શકાય હોય તો તે તારી મદદથી જ લૂંટી શકાય તેમ છે. તારા વગર આ કામ વિશે વિચારવું એ પણ મૂર્ખાઈભર્યું છે.’

‘ઓહ.’ મોહન બબડ્યો. પછી બોલ્યો, ‘પરંતુ એ તિજોરી માત્ર હું જ ઉઘાડી શું તેમ છું એ વાતની શી ખાતરી છે? આવું તમે કેવી રીતે માની લીધું?’

‘ભાઈ મોહન! ત્રિલોકે ઠાવકા અવાજે કહ્યું, ‘તારી સામે એ તિજોરીની તો કંઈ વિસાત નથી. આ વાતની તો હું તને ખાતરી આપું છું. એ તિજોરી ઉઘાડવી તારા માટે ડાબા હાથનો ખેલ છે. 

‘આ તમારો વહેમ છે!’

‘ના, બિલકુલ વહેમ નથી! તું આવા કામોનો નિષ્ણાત માણસ છો. તું નાહક જ તારી કાબેલિયતને ઓછી આંકે છે.

મોહને વ્યાકુળતાથી ખુરશી પર પાસું બદલ્યું.

‘પરંતુ એ તિજોરીની તાળા પદ્ધતિમાં શું ગૂંચવાડા ભરેલું છે એની તો ખબર પડવી જોઈએ ને? એ તિજોરીમાં એવું તે શું છે કે જેને કારણે સૌ કોઈ તેને ઊઘાડી શકે તેમ નથી?’

‘વાત એમ છે ભાઈ મોહન, કે એ તિજોરીમાં ક્યાંય કી હોલ જ નથી!’

‘આવું કેવી રીતે બને?’ મોહને ચમકીને પૂછ્યું.

‘એ જ તો નથી સમજાતું!’ ત્રિલોક બોલ્યો, ‘જે સ્થળે કી હોલ હોય છે. ત્યાં લોખંડની એક ગોળાકાર ટીકડી છે. નવાઈની વાત તો એ છે કે આ ટીકડી પણ તિજોરીની સપાટી પર કોઈ સ્ક્રૂની મદદથી જકડાયેલી નથી. બસ એમ જ ચોટેલી છે અને તેના ઉપર હિન્દીમાં ‘મેઈડ ઇન  જર્મની’ એમ લખ્યું છે!’    

‘હિન્દીમાં?’ મોહને ચમકીને પૂછ્યું.

‘હા, હિન્દીમાં!’ ત્રિલોકે હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘સામાન્ય રીતે જો કોઈ ચીજવસ્તુ વિદેશી બનાવટની હોય તો એના ઉપર જે તે કંપનીનો માર્કો ઇંગ્લીશમાં જ હોય છે. પછી એ દેશની રાષ્ટ્રિય ભાષા ગમે તે હોય પરંતુ કંપનીનો માર્કો તો અંગ્રેજીમાં જ હોય છે. એક માત્ર અંગ્રેજી જ એવી ભાષા છે જે દુનિયાના કોઈ પણ દેશમાં બોલીને સમજી શકાય છે. પરંતુ માર્કો તો મેઈડ ઇન જર્મનીનો છે, પરંતુ આ લખાણ હિન્દીમાં લખેલું છે. જર્મનીની રાષ્ટ્રિય ભાષા જર્મની છે, ત્યાં હિન્દી બોલી કે સમજી શકાતી નથી.’

ત્રિલોક હજુ તો પોતાની વાત પણ પૂરી નહોતો કરી શક્યો ત્યાં જ મોહનના દિમાગમાં રંગબેરંગી બલ્બ ઝગમગવા લાગ્યા.

ઉત્તમચંદની તિજોરી કેવી રીતે ઉઘાડી શકાય તેમ છે એ તેને તરત જ યાદ આવી ગયું.

થોડા સમય પહેલાં જ ઈરાક અને અમેરિકાના સહયોગી રાષ્ટ્ર સેનાઓ વચ્ચે ખાડી યુદ્ધ થયું હતું. આ યુદ્ધ સાથે સંકળાયેલા સમાચારો મોટા મોટા હેડીંગો સાથે અખબારમાં છપાયા હતા. ખાસ કરીને સદ્દામ હુસેનની રણનીતિ, અને કાર્યપદ્ધતિનો વિશેષ ઉલ્લેખ થયો હતો.

મોહને આ સમાચારો ખૂબ જ ઉત્સાહ અને ઉત્સુકતાથી વાંચ્યા હતા. આ સમાચારોમાં સદ્દામ હુસેનના એક ખાસ માણસની ચર્ચા પણ થઇ હતી. આ માણસ પાસે એક વિચિત્ર તિજોરી હોવાનો સંકેત કરવામાં આવ્યો હતો. આ માણસે ઈરાકના અમુક ગુપ્ત લશ્કરી દસ્તાવેજો એ તિજોરીમાં રાખ્યા હતા એવો ઉલ્લેખ પણ થયો હતો. આ સમાચાર સામાન્ય ઢબે જ છાપવામાં આવ્યા હતા અને કદાચ વાચકોનું તેના પ્રત્યે બહુ ધ્યાન પણ નહીં ગયું હોય.

પરંતુ મામલો તિજોરીનો હતો એટલે મોહને તો એ સમાચારને ખાસ વાંચ્યા હતા. એક વખત નહીં, અનેક વખત વાંચ્યા હતા. પછી જ્યારે ખાડી યુદ્ધ પૂરું થયું, ત્યારે સદ્દામ હુસેનના એ માણસે તિજોરી ઉઘાડવાની પદ્ધતિ વિશે પણ જણાવ્યું હતું. તેની પદ્ધતિ ખૂબ જ સફળ હતી. જોવા-સાંભળવામાં આ તિજોરી ઉઘાડવાનું કામ ખૂબ જ દુષ્કર લાગતું હતું, પરંતુ વાસ્તવમાં એવું કશું જ નહોતું.

અને ત્યારે ત્રિલોકે ઉત્તમચંદની જે તિજોરી વિશે જણાવ્યું હતું, એની તાળાંની પદ્ધતિ પણ બરાબર તેના જેવી જ હતી. 

અર્થાત મોહન એ તિજોરી ઉઘાડી શકે તેમ હતો.

એ ઉત્સાહમાં આવી ગયો.

પરંતુ વળતી જ પળે એનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો અને એનું સ્થાન નિરાશાએ લઇ લીધું.

એને પોતાની પ્રેમિકા મિનાક્ષીને આપેલું વચન યાદ આવ્યું.

‘ના.’ એ તાબડતોબ નકારાત્મક ઢબે માથું ધુણાવતા બોલ્યો.

‘શું, ના?’ ત્રિલોકે પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

‘હું આ લૂંટમાં ભાગ લઇ શકું તેમ નથી!’ 

‘ઓહ! ત્રિલોકના ચહેરા ઉપર હજાર વોલ્ટના બલ્બની ચમક પથરાઈ ગઈ. ‘તો એ તિજોરી તું તોડી શકે છે, ઉઘાડી શકે છે એ વાત કબૂલ કરે છે એમ ને?’

‘હા, પણ...’

‘પણ, શું?’

‘પણ હું તિજોરી નહીં તોડું.’

‘કેમ?’

‘એટલા માટે કે ભવિષ્યમાં કોઈ ગુનો ન કરવાનું મેં કોઈકને વચન આપ્યું છે.’

‘તેં તારી પ્રેમિકા મિનાક્ષીને જ આવું વચન આપ્યું છે ખરું ને?’

‘તું... તું મિનાક્ષી વિશે કેવી રીતે જાણે છે?’ મોહને ચમકીને ત્રિલોક સામે જોતાં પૂછ્યું.

‘ભાઈ મોહન, હું શું નથી જાણતો એ પૂછ. મને બધી જ ખબર છે. મારી વાત ખોટી હોય તો મને પાછી આપી દે.’ ત્રિલોક શાંત અવાજે બોલ્યો.

‘વાત તો સાચી છે.’

‘તો પછી?’ તેં મિનાક્ષીને આવું વચન આપ્યું જ શા માટે?’

‘એટલા માટે કે હવે અમે બંને લગ્ન કરવાના છીએ અને લગ્ન પછી હું આવું કોઈ જોખમી કામ કરું એમ મિનાક્ષી નથી ઈચ્છતી.’

‘તો શું મિનાક્ષી લગ્ન પછી પણ પારકે ઘેર જઈને ઘરકામ કરશે?’

‘ના.’

‘તો પછી?’

‘શું, તો પછી?’

‘તમે બંને તમારા ધંધા છોડી દેશો તો તમારું ગુજરાન કેવી રીતે ચાલશે? પેટ તો એનો સમય થશે ત્યારે ભોજનની માંગણી કરશે જ. આ માંગણી તમે કેવી રીતે પૂરી કરશો? લગ્ન પછી કંઈ તું રિક્ષા તો ચલાવાનો નથી. સિંગ દાળીયાની રેકડી કાઢવાનો નથી. રેલ્વે સ્ટેશને જઈને મજૂરી કરવાનો નથી. ઘડીભર ચાલો માની લઈએ કે તું તારા કાળજા પર પથ્થર મૂકીને આવું કોઈ કામ કરીશ તો પણ તને શું મળશે? તારી આખા દિવસની મજૂરી પછી પણ તમે બંને પેટ ભરીને ભોજન પણ નહીં કરી શકો. તું આવા માણસોની હાલત નથી જોતો? ભાઈ મોહન, જેલનો માલ જમી જમીને આ તારા શરીર ઉપર જે ચરબી ચડી ગઈ છે તે મહિનામાં જ ઉતરી જશે અને તેના સ્થાને હાડકાં દેખાવા લાગશે. તમે બંને તમારી હેકડી ભૂલી જશો. શરીફ જીવન જીવવાનો ભૂત મગજમાંથી કાઢીને તું ફરીથી તારા જૂના ધંધે વળગી જઈશ. તારે માટે આ સોનેરી તક છે. આવી તકો રોજ રોજ નથી મળતી. પહેલાં તું આ લૂંટમાં અમને સાથ આપ, પુષ્કળ પૈસા મેળવ અને પૈસા હાથમાં આવ્યા પછી ગુનાની દુનિયા છોડીને શરીફ જીવન જીવવાનું વિચાર. જો એમ ને એમ જ કોઈ ખોટું પગલું ભરી બેસીશ તો થાપ ખાઈ જઈશ. તેં અત્યાર સુધીમાં આટલાં પરાક્રમો કર્યા છે તો તારું ભવિષ્ય સુખમય બનાવવા ખાતર આ છેલ્લું પરાક્રમ કરી નાખ અને બિઝનેસ જમાવીને આરામથી મિનાક્ષી સાથે લગ્ન કરી લેજે. આ લૂંટમાં મહત્વની વાત તો એ છે કે આમાં પકડાઈ જવાનું જોખમ બિલકુલ નથી.’

મોહન વિચારમાં પડી ગયો.

ત્રિલોકની વાત સાચી હતી.

‘પણ...પણ આ લૂંટ માટે મિનાક્ષી તૈયાર થશે?’ એણે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘તું શું કરવા માંગે છે એ તારે એને શા માટે જણાવવું જોઈએ? તારે તો બસ કામ પત્યા પછી રૂપિયાનો ઢગલો કરીને મિનાક્ષીને તેના ઉપર બેસાડી જ દેવાની છે.’

‘અને મેં તેને જે વચન આપ્યું છે એનું શું?’

‘ભાઈ મોહન, તું કયા જમાનાનો છે એની કાંઈ મને ખબર પડે?’

‘કેમ?’

‘ભલા માણસ, તું ક્યાં મહારાણા પ્રતાપ કે રાજા હરિશ્ચન્દ્રના કુટુંબનો વારસદાર છો કે જેથી કરીને વચનભંગ કરવાથી તારા કુટુંબની આબરૂ પર પાણી ફરી વળવાનું છે? તારા બાપ-દાદાઓ ને વડવાઓનું અપમાન થવાનું છે? વચન અપાય જ છે તોડવા માટે. વચન આપીને નિભાવનાર આ જમાનામાં મહા મૂર્ખ માનવામાં આવે છે.’

ત્રિલોકની આટલી સમજાવટ પછી પણ મોહન તાબડતોબ કોઈ નિર્ણય ન કરી શક્યો.

કોણ જાણે કેમ તેનું મન આ કામ કરવા માટે ના પાડતું હતું.

છેવટે બીજે દિવસે પોતે પોતાનો નિર્ણય જણાવશે એમ કહીને મોહન ચાલ્યો ગયો.

એના ગયા પછી પણ ગજાનન, ત્રિલોક અને દિલાવર કેટલીય વાર સુધી ચર્ચા કરતાં રહ્યાં.

જો તિજોરીની રકમ હાથમાં આવે તો એ કાળા નાણાને સફેદ નાણામાં કેવી રીતે ફેરવવા એની ચર્ચા તેઓ કરતા હતા.

તેમણે એનો ઉપાય પણ વિચારી લીધો હતો.

સવાલ માત્ર મોહનનો જ હતો.

મોહનના જવાબ પર જ તેમની યોજનાનો બધો આધાર હતો.

જો મોહન ના પાડી દે તો તેમની યોજના કોઈ કાળે પૂરી થાય એમ નહોતી.

અઢળક પૈસા મેળવવાનું તેમનું સપનું, સપનું જ રહી જવાનું હતું. 

જોઈએ હવે શું થાય છે!

***

સવારના અગિયાર વાગ્યા હતા.

મોહન અત્યારે ચોપાટી પર બેસીને દૂર દેખાતા સમુદ્ર સામે નજર તાકી રહ્યો હતો. એના ચહેરા પર વિચારના હાવભાવ છવાયા હતા. અત્યારે એ મિનાક્ષીની રાહ જોતો હતો. એણે મિનાક્ષીને બરાબર બાર વાગ્યે ત્યાં મળવા માટે બોલાવી હતી. 

એણે ઉત્તમચંદને ત્યાં લૂંટ ચલાવવામાં ત્રિલોક વિગેરેના ભાગીદાર બનવાનું નક્કી કરી લીધું હતું.

પૈસા હાથમાં આવ્યા પછી એ કોઈક બીજા શહેરમાં સ્થિર થયાં પછી જ મિનાક્ષી સાથે લગ્ન કરીને તેને ત્યાં બોલાવી લેવા માંગતો હતો.

બરાબર બાર વાગ્યે મિનાક્ષી આવી પહોંચી. 

એને જોઇને મોહનના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ આવી ગયા. પરંતુ આજ પછી પોતાને થોડા વખત માટે મિનાક્ષીથી દૂર રહેવું પડશે એ વિચાર મગજમાં આવતાં જ એના ચહેરા ઉપર નિરાશા ફરી વળી. આ વખતે કેટલા દિવસો, અઠવાડીયાઓ અને મહિનાઓ હશે એ તો તે પોતા પણ નહોતો જાણતો.

મિનાક્ષી તેની બાજુમાં બેસી ગઈ.

‘બોલ મોહન, તે મને અહીં શા માટે બોલાવી છે?’ એણે પૂછ્યું.

‘તને મળવું મારા માટે ખૂબ જ જરૂરી હતું, મીનુ!’ મોહને ગંભીર અવાજે કહ્યું. એ સ્નેહથી મિનાક્ષીને મીનુ કહીને જ બોલાવતો હતો.

‘કેમ?’

‘એટલા માટે કે ફરીથી આપણી મુલાકાત ક્યારે થશે એ કંઈ નક્કી નથી!’

‘કાલે રાત્રે પણ તું આમ જ કહેતો હતો. તું શું ક્યાં પરદેશ જાય છે?’ મિનાક્ષીના અવાજમાં મજાકની છાંટ હતી.

‘મજાક છોડ મીનુ, હું  ખરેખર બહારગામ જાઉં છું.’

‘બહારગામ ક્યાં?’

‘એ તો હું પણ નથી જાણતો.’

‘તારું માથું તો  નથી ભમી ગયું ને મોહન? તું બહારગામ જાય છે પણ ક્યાં જાય છે એની તને ખબર નથી?’

‘ના, હું મારા એક મિત્ર સાથે જાઉં છું. એણે મને શહેરનું નામ નથી જણાવ્યું. એ મને બહારગામ લઇ જઈને નોકરી અપાવી દેવાનો છે.’

‘ઈમાનદારીભરી નોકરી?’

‘હા.’ મોહન મક્કમ અવાજે બોલ્યો, ‘હું તારા સોગંદ ખાઈને કહું છું મીનુ, ભવિષ્યમાં હું કોઈ ગેરકાયદેસર કામ નહીં કરું. તને ખૂબ સુખેથી રાખીશ. તારી સાથે લગ્ન કરીને લઇ જઈશ. તારી મમ્મી અને બંને ભાઈઓને પણ મારી સાથે જ રાખીશ અને તેમને ખૂબ ભણાવીશ. તારા કુટુંબને હું કેવી રીતે રાખું છે, એ તું પોતે જ જોઈ લેજે!’

‘મોહન!’ એકએક મિનાક્ષી ગળગળા અવાજે બોલી, ‘મને સપનું ન બતાવ!’

‘હું સાચું જ કહું છું મીનુ.’ મોહન સ્નેહથી એના માથા પર હાથ ફેરવાતાં બોલ્યો, ‘આ સપનું નથી, હું જે કંઈ કહું છું તે કરી બતાવીશ અને થોડા સમયમાં જ કરી  બતાવીશ.’

‘ક્યારે?’

‘કહ્યું તો ખરું કે થોડા સમયમાં જ...!’

‘અને આ થોડો સમય ક્યારે આવશે? દસ વર્ષ પછી? ત્યાં સુધીમાં તો હું ઘરડી થઇ જઈશ!’ 

‘ના...ના...’ મોહને તરતજ નકારમાં માથું હલાવીને બોલ્યો, ‘વધુમાં વધુ બે કે ત્રણ મહીના લાગશે.’

‘ત્રણ મહિનામાં જ તું આ બધું કરી  બતાવીશ?’

‘હા.’

‘તું મકાન પણ બનાવીશ?’

‘હા, કોઈક બીજા શહેરમાં.’

‘અને મારી મમ્મી તથા ભાઈઓને પણ સાથે રાખીશું?’

‘હા.’

‘મને બધું સુખ આપીશ?’

‘હા.’

‘મારા બંને ભાઈઓને ખૂબ ભણાવીશ?’

‘હા, તને મારી વાત પર ભરોસો નથી બેસતો?’

‘ભરોસો અને એ પણ તારી આ બધી વાતો પર?’ મિનાક્ષી તેની સામે ડોળા તતડાવતી બોલી, ‘તું ત્રણ મહિનામાં આ બધું કરી બતાવીશ? કેવી રીતે કરીશ? શું તને કોઈ લોટરીનું પહેલું ઇનામ લાગવાનું છે? તું કોઈ લૂંટ ચલાવવાનો છે?’

મીનાક્ષીની છેલ્લી વાત સાંભળીને મોહન હેબતાઈ ગયો.

‘અને તું કહે છે કે હું તારી વાત પર ભરોસો કરું? તારો એ  મિત્ર કોણ છે જે નોકરી અપાવવા માટે તને બીજા શહેરમાં લઇ જાય છે?’

‘તું એને નથી ઓળખતી, એ આપણા વિસ્તારમાં નથી રહેતો.’

‘તો પછી ક્યાં રહે છે?’

‘બંદર રોડ પર. તું એની વાત જવા દે. મેં તારા સોગંદ ખાઈને કહ્યું ને કે ભવિષ્યમાં હું  કોઈ ગેરકાયદેસર કામ નથી કરવાનો? હું તમને બધાને સાથે રાખીને ઈમાનદારીપૂર્વક કામ કરીશ. તમારે માટે હું મારા પ્રાણની બાજી પણ લગાવી દઈશ.’

મીનાક્ષીએ ધ્યાનથી મોહનના ગંભીર ચહેરા સામે જોયું. એને મોહન પર ખૂબ જ પ્રેમ ઉભરાયો.

‘મોહન...’ એ તેના ખભા પર માથું ઢાળતાં બોલી, ‘જલદી પાછો આવી જજે. હું તારા વગર નહીં રહી શકું.’

‘હું પણ તારા વગર નહીં રહી શકું મીનુ.’ મોહને કંપતા અવાજે કહ્યું. ‘તારા વગર જીવતા રહેવાની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. કદાચ હું મરી જઈશ તો પણ પાછો આવીશ!’

‘એવું ન બોલ મોહન.’ મિનાક્ષી તરત જ એના હોઠ ઉપર હથેળી મૂકતાં બોલી.

‘ભલે, નથી બોલતો!’ મોહને પૂર્વવત રીતે એના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘ખેર, તું મને યાદ કરીશ ને?’

‘હા, તને તો હું કેવી રીતે ભૂલી શકીશ?’ કહેતા કહેતા અચાનક મિનાક્ષી ચમકીને એનાથી અલગ થઇ ગઈ.

‘શું થયું?’

‘હું તારે માટે એક વસ્તુ લાવી છું.’ કહીને મિનાક્ષીએ પોતાના ગળામાંથી એક લોકેટ કાઢ્યું અને મોહન સામે લંબાવ્યું.

‘આ તું મારે માટે લાવી છો?’

‘હા.’

મોહને એના હાથમાંથી લોકેટ લઈને તેનું નિરીક્ષણ કર્યું.

લોકેટ ઉપર શંકર ભગવાનનું ચિત્ર હતું અને થોડા શબ્દો અંકિત કરેલા હતા.

લખ્યું હતું – મારા મોહનના જન્મદિવસે આપવા માટે શંકર ભગવાનના આશીર્વાદ સિવાય મારી પાસે બીજું કશું જ નથી – મિનાક્ષી.

લખાણ વાંચીને મોહન ગળગળો થઇ ગયો.

એક દિવસ મજાકમાં જ એણે મિનાક્ષીને પોતાની જન્મ તારીખ ૧૧ મી જુલાઈ હોવાનું જણાવ્યું હતું એ વાત તેણે  યાદ આવી ગઈ. આ વાત કહીને એ તો પોતાની જન્મ તારીખ ભૂલી ગયો હતો પરંતુ મિનાક્ષીને હજુ સુધી જન્મ તારીખ યાદ હતી. બાકી વાસ્તવમાં તો પોતાની જન્મ તારીખ કઈ છે, એ બાબતમાં મોહન કશું જ નહોતો જાણતો.

એણે શ્રદ્ધાપૂર્વક લોકેટને પોતાની આંખો ઉપર અડકાવ્યું, ચૂમ્યું અને પછી અશ્રુભરી નજરે મિનાક્ષી સામે જોયું.

‘આ લોકેટ તું મારે માટે લાવી છો ને?’

‘હા.’ મિનાક્ષી હકારાત્મક ઢબે માથું હલાવતાં બોલી.

‘અગિયાર જુલાઈ આવતી કાલે છે, પરંતુ આવતીકાલે તું અહીં હોઈશ નહીં એટલે આ ભેટ આજે જ તને આપવા લાવી છું. પૂરા બાર રૂપિયાનું છે. દસ રૂપિયાનું લોકેટ અને બે રૂપિયા લખાણ લખવાના આપ્યા છે.’

‘મારે માટે તારી આ ભેટ બાર રૂપિયાની નહીં, પણ બાર કરોડની છે મીનુ!’ મોહને લોકેટ પોતાના ગળામાં પહેર્યું અને આંખો લૂછતાં કહ્યું, ‘મારો સારો દિવસ આવશે ત્યારે હું તને સોનાથી મઢી દઈશ.’

‘એ બધી વાતો પછી કરજે, અત્યારે તો જન્મ દિવસની ખુશાલીમાં આઈસ્ક્રીમ ખવડાવી દે, એટલા પૈસા તો છે ને તારી પાસે?’

‘હા, પચાસ રૂપિયા પડ્યા છે! એક નહીં, બે આઈસ્ક્રીમ ખવડાવીશ.’ મોહન ઉભો થતો બોલ્યો.

મિનાક્ષી પણ ઊભી થઇ.  

બંને એકબીજાનો હાથ પકડીને એક તરફ આગળ વધી ગયાં.

***

એ જ દિવસે મોહને ત્રિલોક વગેરેને મળીને પોતે લૂંટમાં સાથ આપવા માટે તૈયાર હોવાનું જણાવી દીધું.

એનો નિર્ણય સાંભળીને ત્રિલોક વગેરેના આનંદનો પાર ન રહ્યો.

ત્રણ દિવસ પછી યોજનાનો અમલ કરવાનો નિર્ણય લેવાયો.

એ દિવસે શનિવાર હતો અને શનિવારે ઉત્તમચંદનો શો રૂમ બીજા દિવસો કરતાં બે કલાક વહેલો એટલે કે આઠ વાગ્યે જ બંધ થઇ જતો હતો, જ્યારે રવિવારે રજા રાખવામાં આવતી હતી. આ  કારણસર તિજોરી તોડવા માટે શનિવારનો દિવસ જ તેમને સૌથી વધુ યોગ્ય લાગ્યો હતો.

અત્યારે ફરીથી ચારેય બંદર રોડની એ જ હોટલના રૂમમાં એકઠા થયા હતા.

‘દિલાવર!’ સહસા મોહન દિલાવરને ઉદ્દેશીને  બોલ્યો, ‘તારે જેમ બને તેમ જલ્દીથી અને પૂરેપૂરી સાવચેતી રાખીને એક કામ કરવું પડશે.’

‘શું?’

‘તારે ફરીથી શો રૂમના ભોંયરામાં જવું પડશે!’

‘કેમ?’

‘તિજોરી પર જે ગોળાકાર ટીકડી છે, એનો નમૂનો મારે જોઈએ છે! તારે ટીકડી પર ગરમ મીણ લગાવીને એક આબેહૂબ બીબું મને લાવી આપવાનું છે.’

મોહનની વાત સાંભળીને ત્રણેય એકદમ ચમક્યા.

‘તારે વળી એનું શું કામ છે?’ ત્રિલોકે પૂછ્યું.

‘એના વગર તિજોરી ઉઘડી શકે તેમ નથી!’ મોહને સ્પષ્ટ અવાજે કહ્યું. 

‘આ કામ તો ખૂબ જ જોખમી છે મોહન!’ દિલાવર ભયભીત અવાજે બોલ્યો.

‘એ તો છે,’

‘તો પછી?’

‘તો પછી શું? ભાઈ દિલાવર માત્ર આ જ નહીં બધું કામ જોખમી જ છે. પારકી અનામત લૂંટવાના કામને તું જોખમ ભર્યું નથી માનતો? એ તિજોરી તોડવી હોય, પૈસાદાર બનવું હોય તો આ જોખમ ખેડવું જ પડશે.’

દિલાવર ખચકાયો. 

‘જો તારામાં હિંમત ન હોય તો આ યોજનાને પડતી મૂકી દો, બીજું તો શું થાય?’

‘અરે વાહ!’ ત્રિલોક આંખો પટપટાવીને છણકો કરતો બોલ્યો, ‘એમ કેવી રીતે યોજના પડતી મૂકી દેવી?’ મોહન એક વાતનો જવાબ આપ.’

‘પૂછ!’

‘શું એ બીબા વગર તિજોરી ઊઘડી શકે તેમ નથી?’

‘ના, જો ઊઘડી શકે તેમ હોત તો હું કહેત જ શા માટે?’

‘ઠીક છે. જો એમ જ વાત હોય તો દિલાવર તને એ બીબું લાવી આપશે. બરાબરને દિલાવર?’ કહીને ત્રિલોકે દિલાવર સામે જોયું.

દિલાવરે ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

‘આ બીબું આજે અથવાતો મોડામાં મોડું આવતી કાલ સુધીમાં જરૂર મળી જવું જોઈએ.’ મોહન બોલ્યો, ‘કારણકે મારે એ બીબાના આધારે એક ડાઈ બનાવવાની છે. આ ડાઈ બનાવવાનું કામ પણ કંઈ ઓછું મુશ્કેલ નથી. જો ડાઈ આબેહૂબ નહીં બને અથવા તો તેમાં સહેજ પણ ફર્ક રહી જશે તો છેવટની ઘડીએ આપણી બધી યોજના પર પાણી ફરી વળે તેમ છે.’

‘એ તિજોરી ડાઈ વડે ઊઘડશે?’ ગજાનને પૂછ્યું.

‘ના.’

‘તો પછી?’

‘ડાઈથી તો માત્ર તિજોરી પર જે ટીકડી છે એ જ ખસશે.’

‘એ કઈ રીતે?’

‘વાસ્તવમાં એ ટીકડી એક ચુંબકીય ધાતુની બનેલી છે. તિજોરીની સપાટી લોખંડની હોવાને કારણે એ ટીકડી તેના પર ચોંટી છે. આપણે લોખંડની ડાઈ બનાવીને એ ટીકડી પર મૂકીશું તો તે તિજોરી પરથી ઉખડીને લોખંડની ડાઈ ઉપર ચોંટી જશે.’

ત્રણેયે આશ્ચર્યથી એકબીજાની સામે જોયું.

‘એ ટીકડી ચુંબકની બનેલી છે?’ દિલાવરે પૂછ્યું.

‘હા.’

‘તને આ વાતની કેવી રીતે ખબર?’

‘બસ ખબર છે! કેવી રીતે ખબર છે એની સાથે તારે શું નિસ્બત છે?’

ત્રિલોકે તરત જ દિલાવરને વધુ દલીલ ન કરવા માટે નેત્ર સંકેત કર્યો.

‘એક વાત મને નથી સમજાતી મોહન!’ એ બોલ્યો.

‘શું?’

‘એ ટીકડી લોખંડની બનેલી છે અને તિજોરીની સપાટી પર પણ ચોંટેલી છે તો તે તિજોરી પરથી ઉખડીને તારી ડાઈ કેવી રીતે ચોંટી જશે? એ ચોંટેલી તો તિજોરીની સપાટી પર પણ છે!’

‘બરાબર છે, ચોંટેલી તો એ તિજોરીની સપાટી પર પણ છે, પરંતુ ટીકડીના ઉપરના ભાગ પર ચુંબકીય ધાતુની માત્ર બે ગણી છે એટલે ડાઈમાં ફસાયા પછી ટીકડીનો પ્રભાવશાળી ભાગ ઉપર જ હશે આ  કારણસર ટીકડી તિજોરી પરથી ઉખડી જશે.’

‘ઓહ!’ ત્રિલોક એનો ઊંડો શ્વાસ લેતાં બબડ્યો.

એના ચહેરા ઉપર રાહતના હાવભાવ છવાઈ ગયા.

‘હવે એક બીજા સવાલનો જવાબ પણ આપી દે!’ છેવટે એણે કહ્યું.

મોહને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘જો એ ટીકડી ચુંબકની જ બનેલી હોય તો તેના પૂર્ણ ભાગમાં ચુંબકીય ધાતુનું પ્રમાણ બે ગણું હોય તો પછી તેને તિજોરી પરથી ઉખેડવા માટે ડાઈ બનાવવાની શું જરૂર છે?’

‘એટલે?’

‘એ ટીકડી તો લોખંડની કોઈ પણ વસ્તુ તેના ઉપર મૂકીને ખસેડી શકાય  તેમ છે.’

‘રાઈટ.’ મોહન બોલ્યો, ‘જરૂર ખસેડી શકાય તેમ છે!’

‘તો પછી?’

‘પરંતુ એ ટીકડી માત્ર ટીકડી જ નથી.’

‘તો શું છે?’

‘તે એક એલાર્મ સિસ્ટમ પણ છે!’

‘એલાર્મ સિસ્ટમ?’

‘હા એલાર્મ સિસ્ટમ.’ મોહન એક એક શબ્દ ઉપર ભાર મૂકતા બોલ્યો. ‘તિજોરી સાથે કોઇપણ જાતની ગેરકાયદેસર છેડછાડ કરવાથી જોખમની ઘંટડી રણકી ઊઠશે અને આપણે રેડ હેન્ડ પકડાઈ જઈશું! લોખંડની ડાઈ ટીકડી ઉપર હિન્દીમાં લખેલા મેઈડ ઇન જર્મની વાળા ખાંચામાં ફીટ થઇ જશે તો તે ટીકડીના એલાર્મ સિસ્ટમને લોક કરી નાખશે. એનું  કનેક્શન કાપી નાખશે. ત્યારબાદ આપણે ખૂબ જ સરળતાથી કોઈ પણ જાતના ભય કે જોખમ વગર ટીકડીને તિજોરીની સપાટીથી અલગ કરી શકીશું. પરંતુ હું અગાઉ કહી ચૂક્યો છું તેમ આ કામ ખૂબ જ સાવચેતીનું છે! જો ડાઈમાં રજ માત્ર પણ ફર્ક હશે તો જોખમની ઘંટડી રણકી ઊઠશે અને આપણે લેવાનાં દેવા થઇ પડશે.’

ત્રિલોક, ગજાનન અને દિલાવર, ત્રણેય મોહનની આ અદ્ભુત માહિતી સાંભળીને સ્તબ્ધ બની ગયા હતા.

‘એક વાત પૂછું?’ સહસા દિલાવર બોલ્યો.

‘પૂછ.’

‘એ ટીકડી ખસેડવાની જરૂર છે ખરી?’

‘હા.’

‘શું જરૂર છે?’

‘કારણકે એ ટીકડીની નીચે જ કી હોલ છે!’ મોહને ધડાકો કર્યો.

‘શું?’ ત્રણે જણા ચમકી ગયા.

‘હા.’

‘ભાઈ મોહન!’ ત્રિલોક બોલ્યો, ‘તું તો જાણે એ તિજોરી જોઈ હોય તે રીતે વાત કરે છે.’

જવાબમાં મોહને હળવું સ્મિત ફરકાવ્યું.

‘ખેર!’ થોડી પળો બાદ એણે કહ્યું, ‘મીણના બીબાંના ઉપયોગ વિશે હું જણાવી ચૂક્યો છું, વિગતવાર જણાવી ચૂક્યો છું. હવે તિજોરી ઉઘડવાનો બધો આધાર મીણનાં બીબાં પર જ છે. દિલાવર આજે અથવાતો મોડામાં મોડું આવતી કાલ સુધીમાં શો રૂમના ભોંયરામાં જઈને મીણ પર ટીકડીનું બીબું લઇ આવશે એવી મને આશા છે.’ 

‘હું પૂરેપૂરા પ્રયાસો કરીશ!’ દિલાવર તરત જ બોલી ઊઠ્યો.

‘દિલાવર...’ સહસા ત્રિલોકે કઠોર અવાજે કહ્યું.

દિલાવરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘તારે માત્ર પ્રયાસો જ નથી કરવાના!’

‘તો?’

‘તારે કોઈ પણ ભોગે આ કામ કરવાનું છે.’

‘ભલે થઇ જશે!’ દિલાવરે નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘આ ઉપરાંત તિજોરી ઉઘડવા માટે મને બીજી પણ ચીજ-વસ્તુઓની જરૂર પડશે.’ મોહને ત્રિલોકને ઉદ્દેશની કહ્યું.

‘એ પણ કહી નાખ.’

‘સૌથી પહેલાં તો મને એક એસીટીલીન ટોર્ચની જરૂર પડશે.’

‘એસીટીલીન ટોર્ચ?’

‘હા.’

‘કેમ? એની વળી શું જરૂર છે?’

‘તિજોરીનું તાળું કેવું છે એ બાબતમાં હજી સુધી કોઈ કશું નથી જાણતું. ટીકડી ખસ્યા પછી જ તાળું કઈ જાતનું છે એની આપણને ખબર પડશે.’

‘તાળામાં પણ વળી જાત હોય છે?’ ત્રિલોકે આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘હા.’

‘કેવી જાતો?’

‘બે જાતો તો એકદમ સમાન્ય છે.’

‘કઈ કઈ?’

‘એક તો ચાવીની મદદથી ઉઘડે છે તે અને બીજી આંકડાવાળી. અમુક ગુપ્ત નંબરોના કોમ્બીનેશનથી જ આ તાળું ઉઘડે છે. જો તિજોરીના તાળાની જાત પહેલી અર્થાત ચાવીવાળી હશે તો એને તો હું મારી આંગળીની કરામતથી જ ઉઘાડી નાખીશ. પણ જો તાળું આકંડાવાળું હશે તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કદાચ તાળું ઉઘડે નહીં એ પણ બનવાજોગ છે.’

‘તો શું કરીશું?’ ગજાનને પૂછ્યું.

‘બીજું શું કરવાનું હોય? જો આંકડાવાળું તાળું નહીં ઉઘડે તો આપણે એસીટીલીન ટોર્ચ અને એસીટીલીન ગેસ સિલીન્ડરોની મદદથી તાળાવાળા ભાગને ઓગાળી નાખીશું, બસ તિજોરી આપોઆપ ઉઘડી જશે.’

‘તિજોરીની આટલી જાડી દિવાલ એસીટીલીન ટોર્ચથી ઓગળી જશે?’ દિલાવરે અચરજભર્યા અવાજે પૂછ્યું.

એનો સવાલ સાંભળીને મોહન હસ્યો.

‘તે ક્યારેય એસીટીલીન ટોર્ચ નથી જોઈ?’ એણે પૂછ્યું.

દિલાવરે નીચું જોઇને વ્યાકુળતાથી પાસું બદલ્યું.

મોહને ત્રિલોક તથા ગજાનન સામે જોયું.

એ બંને પણ તરત નીચું જોઈ ગયા.

આનો અર્થ એ થતો હતો કે એસીટીલીન ટોર્ચ વિશે કોઈ નહોતું જાણતું.

‘સાંભળો!’ મોહન બોલ્યો. ‘તો સૌથી પહેલાં હું તમને એસીટીલીન ટોર્ચ વિશે જ જણાવું છું. આ ટોર્ચ વીજળીથી ચાલે છે. એસીટીલીન ગેસના મોટા મોટા સિલીન્ડરો હોય છે. એસીટીલીન ગેસ આ બાટલામાંથી નીકળીને પાઈપ મારફત એસીટીલીન ટોર્ચ સુધી પહોંચે છે. પછી ટોર્ચમાંથી બે હજાર ડિગ્રી જેટલી ઉષ્ણતા ધરાવતો તાપ નીકળે છે. આટલો પ્રભાવશાળી તાપ દુનિયાની કોઇપણ લોખંડી વસ્તુને ઓગાળવા માટે પૂરતો છે. આ પારાવાર ગરમીને કારણે એ વખતે ભોંયરામાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જશે. આ સંજોગોમાં આપણે શ્વાસ લેવા માટે ઓક્સીજનના બાટલા તથા ઓક્સીજન માસ્કની પણ જરૂર પડશે.

ત્રણેય મંત્રમુગ્ધ બનીને મોહનની એક એક વાત સાંભળતા હતા. 

‘હાલ તુર્ત આપણને તિજોરી ઉઘાડવા માટે મીણનું બીબું ઉપરાંત એક એસીટીલીન ટોર્ચ, બે એસીટીલીન ગેસના બાટલા, ચાર ઓક્સિજન માસ્ક, ઓક્સિજન સિલીન્ડરો અને એક ટૂલ બોક્સની જરૂર પડશે.’

‘આ બધી ચીજ-વસ્તુઓની વ્યવસ્થા થઇ જશે. તું આ ચીજ-વસ્તુઓની યાદ બનાવીને અમને આપી દેજે!’ ત્રિલોક બોલ્યો.

‘ભલે.’

ત્યારબાદ થોડીવાર સુધી લૂંટની યોજના વિશે ચર્ચા-વિચારણા થઇ. યોજનાના એક એક પાસા ચકાસવામાં આવ્યા.

છેવટે રાત્રે ફરીથી મળવાનું નક્કી કરીને મિટિંગ બરખાસ્ત કરવામાં આવી.