the warrior in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | યોધ્ધા

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

યોધ્ધા

યોધ્ધા

- રાકેશ ઠક્કર

સિધ્ધાર્થ મલ્હોત્રાએ એવો દાવો કર્યો છે કે શેરશાહ કરતાં યોધ્ધા માં જબરદસ્ત એક્શન છે. એ દાવો સાચો હશે પણ આખી ફિલ્મ શેરશાહ જેવી જબરદસ્ત અને દર્શકોને જકડી રાખે એવી નથી.

સિધ્ધાર્થનો અભિનય અને એક્શન દ્રશ્યો યોધ્ધા ના જમા પાસા ગણી શકાય. સિધ્ધાર્થ એની સોલ્જરની ભૂમિકામાં એકદમ યોગ્ય છે. રોહિત શેટ્ટીની ઇન્ડિયન પુલિસ ફોર્સ માં પણ એવી જ ભૂમિકા હતી. સિધ્ધાર્થે એના કરતાં વધુ મહેનત કરી છે. એક બહાદુર સૈનિક અને એક પરેશાન વ્યક્તિના ઇમોશન તેણે સારી રીતે વ્યક્ત કર્યા છે. એક્શનમાં તે નવી પેઢીના હીરોમાં પ્રથમ સ્થાન ધરાવતો થયો છે. પહેલી વખત બોલિવૂડમાં યુવાનોને એમની ઉંમરનો એક્શન હીરો મળ્યો છે. ટાઈગર અને કાર્તિક આ સ્થાન મેળવી શક્યા નથી. સિધ્ધાર્થે સાબિત કર્યું છે કે એક્શનમાં એ સની દેઓલ કે શાહરૂખ ખાનથી કમ નથી. એક્શન દ્રશ્યો બહુ સરળતાથી અને સહજતાથી કર્યા છે. એન્ટ્રી સીનમાં એક જ વખતમાં શૂટ થયેલા દ્રશ્યોમાં એ કમાલ કરે છે અને ક્લાઇમેક્સમાં વધારે તાળીઓ લઈ જાય છે.

એર હૉસ્ટેસ બનેલી દિશા પટની હવે અભિનયમાં પ્રભાવિત કરવા લાગી છે. સામાન્ય રીતે ફિલ્મોમાં દિશાએ ગ્લેમરસ દેખાવાનું અને ડાન્સ કરવાનું રહ્યું છે. ફિલ્મની શરૂઆતમાં એના ભાગે ખાસ કામ આવ્યું નથી. ઇન્ટરવલ પછી તે નાની ભૂમિકામાં પણ છવાઈ જાય છે. તે વાર્તામાં ખરેખર સરપ્રાઈઝ આપે છે. જે ફિલ્મ પૂરી થયા પછી પણ યાદગાર રહે છે. પહેલી વખત દિશાએ ઓવર એક્ટિંગ કરી નથી. આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય ગણાયો છે. ભાગ્યે જ કોઈને દિશા પાસે આટલા સારા કામની અપેક્ષા હતી. સિધ્ધાર્થ સાથે તે પણ એક્શન કરતી દેખાય છે.

સિધ્ધાર્થની પત્ની પ્રિયમવદા તરીકે રાશી ખન્નાએ સારું કામ કર્યું છે. આવી મજબૂત ભૂમિકા માટે તે યોગ્ય ગણાઈ રહી છે. ધ રેલવે મેન થી નામ કમાનાર સની હિંદુજાનો મુખ્ય ખલનાયકના રૂપમાં જવાબ નથી. આ ફિલ્મથી એની ઓળખ વધશે.

બેકગ્રાઉન્ડ સંગીત એક્શનને વધુ રોમાંચક બનાવવાનું કામ કરે છે. પરંતુ કયા સંગીતકારનું કયું ગીત છે એનો ખ્યાલ આવતો નથી. જિંદગી તેરે નામ અને કિસ્મત બદલ દી જેવા બે-ત્રણ ગીતો સારા છે. બાકી લેખન અને નિર્દેશનમાં ઘણી ખામીઓ રહી ગઈ છે. વળી પાકિસ્તાન અને કાશ્મીરના મુદ્દાને નિર્દેશકો એટલો વાપરી ચૂક્યા છે કે વાર્તામાં આગળ શું થશે એનો દર્શકોને અંદાજ આવી જાય છે. સાથે એવો પ્રશ્ન થશે કે પાકિસ્તાનમાં જઈને જ બધું શા માટે કરવામાં આવે છે?

બોલિવૂડની ફિલ્મોમાં પાકિસ્તાન વગર દેશભક્તિ અધૂરી હોય એવો માહોલ ઊભો કર્યો છે. એ કારણે અંતમાં દ્રશ્યો સારા હોવા છતાં એમાં નવીનતા લાગતી નથી. નિર્દેશક જોડી સાગર-પુષ્કર કાગળ પરની વાર્તાને પહેલી ફિલ્મમાં બહુ વાસ્તવિક બનાવી શક્યા નથી. બહુ ઓછી જગ્યાએ લૉજિક દેખાય છે. ફિલ્મ જોતી વખતે મગજનો ઉપયોગ કરવાથી મનોરંજન મળી શકે એમ નથી.

પહેલા ભાગમાં અડધા કલાક સુધી ખાસ સમજ પડે એવી વાર્તા નથી. દર્શકની ધીરજની પરીક્ષા થાય છે. બીજો ભાગ દેશભક્ત સિધ્ધાર્થને દેશદ્રોહી હોવાની શંકા વ્યક્ત થયા પછી રોમાંચક બન્યો છે. એક્શન દ્રશ્યોને કારણે પડદા પરથી દર્શકોની નજર હટતી નથી.

કેટલીક તકનીકી વાતો દર્શકોને કંટાળો આપી શકે છે. ફ્લાઇટ ઉતારતી વખતે પડકાર ઊભો થાય છે ત્યારે અરુણ અને પાયલટ વચ્ચેની વાતો સમજવાનું સરળ નથી. એ વાત પણ થોડી અજીબ લાગશે કે સિધ્ધાર્થને પરવાનગી મળી ન હોવા છતાં તે આતંકવાદીઓ સાથે હીરોની જેમ લડે છે. એટલું જ નહીં એની મદદે કોઈ સૈનિક આવતો નથી. આતંકવાદના દ્રશ્યોમાં કોઈ નવીનતા દેખાતી નથી. એક-બે પાત્રો એવા છે જેમને શા માટે રાખવામાં આવ્યા હતા એનો જવાબ મળતો નથી. સ્ક્રીનપ્લે પર મહેનત કરવાની જરૂર હતી. એર એક્શન હજુ વધારે રાખવાની જરૂર હતી.

સાગર-પુષ્કરની પહેલી ફિલ્મ હોવાથી નિર્દેશનમાં થોડી કચાશ રહી ગઈ છે. અને નીરજા જેવો હાઈજેકનો અનુભવ આપી શકયા નથી. સંવાદો સારા છે અને હીરો સ્ટાઇલના છે. અગાઉ ક્યારેય જોઈ ના હોય એવી ફિલ્મ બની નથી. જેમને મારધાડ વધુ પસંદ છે અને હાઈજેક ડ્રામાના દિવાના છે એમને એક્શન સાથે સસ્પેન્સ થ્રીલરના ઝોનમાં પણ આવતી યોધ્ધા જોવી જરૂર ગમશે. જે લોકો સિધ્ધાર્થની સૈનિકની ભૂમિકાના ચાહકો છે એમણે અચૂક જોવા જેવી છે.