Saata - Peta - 6 in Gujarati Classic Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | સાટા - પેટા - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

સાટા - પેટા - 6

મેળે થી આવ્યા બાદ આજે પ્રથમ વખત બંને સહેલીઓ રાધા અને મંગુ એકલી જ વગડામાં ચાર લેવા ગઈ હતી. બંને એ પોતપોતાના વિચારોમાં જ રસ્તો પૂરો કર્યો. અને પછી ખેતરમાં ગયા પછી ચાર લેતાં લેતાં મંગુ જ વાત થઈ શરૂઆત કરી.' રાધા, મેળે થી આવ્યાં ત્યારથી તું આમ ઢીલીઢસ કેમ રહે છે ?'
'તુંય શું, મારી બુન. બધુંય જાણે છે ને,પાછી મારા મોઢે કેવડાવે છે ?'રાધા બોલી. ' એમ તો મારે પણ કયું સુખ ઉભરાય રહ્યું છે ?' પણ એમાં આપણે શું કરી હકં ?' માંગુએ નાડ પારખી હોય તેમ બોલી .
'કરી તો શું શકવાનાં હતાં ?' પણ હે મંગુ, શું વિધાતા આવા પણ લેખ લખતી હશે ?' રાધાએ મણનો નિસાસો નાંખ્યો. 'લેખ ને મેખ ! અલી બુંન, એને જોઈને મને તો હવે ઉચાટ થાય છે, કે 'એ છોકરું ક્યારે આદમી (પુખ્ત) થશે ?'અને મારા મનના ઓરતા પૂરા કરશે ?' મંગુ એ પોતાની ચિંતા કહીં . 'મારી બુંન ,તારી જેમ મારે ભવિષ્યની આશા હોત તો ,પાંચ શું' દસ વર્ષેય આમ મુઠ્ઠીમાં બાંધીને કાઢી નાખત .પણ મારે તો એય ક્યાં આશા છે ?' રાધા એ પોતાની હૈયા વરાળ ઠાલવી .થોડીવાર સુધી ત્યાં ચુપકીદી છવાયેલી રહી. 'રાધા એક વાત કહું ?'શાંતિ ભંગ કરતાં મંગુ ન સમજાય તેવી નજરે રાધા સામે જોઈ રહી. ' એમાં વળી પૂછવાનું શું હોય ?'એક શું એકવીસ કહે ને ?' રાધા બોલી. મંગુ એ વાત કહેતાં થોડો ખચકાટ અનુભવ્યો અને વાત કહેવાની થોડી આના-કાની કરી, તેથી તો રાધા ની તે વાત જાણવાની તલાવેલી ઓર વધી ગઈ. 'ના,ના , હવે તો કહેજ.ના કહે તો મારા સમ ! રાધા એ આખરે સોગંધ આપ્યા . 'અલી મારી બુન હેડને ,આ જોબનિયુ વહી જાય એ પહેલાં એને મન ભરીને માણી લઈએ .' 'એટલે ?' રાધાએ પ્રશ્ન સૂચક દ્રષ્ટિ નાખી. 'એટલુંય ના સમજી પગલી ?'કહીને મંગુએ રાધા ની પીઠ ઉપર લાડ થી ધબ્બો માર્યો. ને આગળ બોલી 'આમેય રૂપમાં અને રંગમાં તું ક્યાં કમ છો? ફક્ત એક ઈશારો કરે તો, એક કહેતાં એકવીસ તૈયાર થઈ જશે !' કહીને મંગુ નફ્ફટાઈ થી હસી પડી . પહેલા તો રાધાને મનમાં થયું કે પોતાના રૂપ પાછળ પાગલ થઈને પાછળ દોડતા કનુભા અને ભારા ની વાત મંગુ ને કહી દે. પરંતુ એ વાતને તેણીએ મનમાં જ દાબી દીધી . ને બોલી 'ના મારી બુંન,આપણાથી એવું પાપમાં પડાતું હશે ?' અને લોકો જાણે તો એનું પરિણામ શું આવે એની ખબર છે ?'
'કોઈ ન જાણે .જો આપણામાં એની આવડત હોય તો !ને ક્ષણેક રહીને મંગુ આગળ બોલી.' રાધા સાચું કહું. ?'આ દુનિયામાં કોણ ક્યારે પાપ નહીં કરતું હોય એ પણ એક સવાલ છે .એના કરતાં તું આ શામજી જેવા રસિયા જીવ માથે મોહિની નાખીને તેને વશમાં કરી લે ને તે, બેડો પાર !કહીને મંગુ ફરી ખંધુ હસી રહી .
રાધા ના મનમાં અચાનક ઝબકારો થયો .શામજી તરફ પોતાને લાગણી છે એવી મંગુને ક્યાંથી ખબર ?'રાધા એ આડુ જોઈને સહેજ હોઠ માં જ હસી લીધું .ને બોલી 'તુંય શું મંગુડી, આવા નવા- નવા તુક્કા લડાવે છે .એના કરતાં તો એના માથે તુ જ ધાબ મારી લે ને ?'
'હું તો એ વેતમાંથી છું .જો એ માને તો !' મંગુ બોલી અને આગળ ઉમેર્યું 'તને ખરું ખરું રાધા ,શામજી મને ખૂબ જ ગમે છે .'કહીને મંગુ શરમથી નીચું જોઈ ગઈ .રાધા નું હૃદય એક ધબકારો ચૂકી ગયું .ને રાધા એ વાત વાળી લીધી 'લે ચાલ હવે, ભારા થઈ રહ્યા છે એટલે ઘેર જઈએ . નહીં તો વાતો તો દી'આથમયે પણ પૂરી નહીં થાય .'બંનેએ ચારના ભારા બાંધ્યા ને ઘેર આવવા રવાના થઈ .એ વાતો કરવાથી માથા ઉપરથી કોઈ બોજ ઉતરી ગયો હોય તેમ બંને સખીઓના દિલ હળવાં ફૂલ હતાં.
---******** ---
હરિયાળી ધરતીનું રૂપ મલકાઈ ઊઠ્યું હતું . શ્રાવણનાં સરવડા ક્યારેક વર્ષી જતાં હતાં ,તે માનવીના હૈયાને અને ઉભેલા પાકને તાજગી અર્પી જતાં હતાં .લોકો ધાન ખર્પવાના કામમાંથી પરવાર્યા હતા ,એટલે નવરાશના દિવસો હતા . ને આ નવરાશના દિવસોમાંય, ચાર લાવવી અને ઢોર ચરાવવા એ આ લોકોનો જીવન ક્રમ હતો.જેઠના હળહળતા તાપમાં હળ હાંકતો ખેડૂત વર્ગ આ શ્રાવણના શીતળ વાતાવરણમાં જંપે ખરો ?'
શામજી નું મોટું ખેતર તો ઠેક રંગપુર અને નેસડાના સીમાડે આવેલ હતું .પરંતુ નાનું ખેતર થોડું ગામની નજીક અને રસ્તા ઉપર જ આવેલ હતું. લોકો બધાં ચાર લઈને ગામ તરફ વળી ગયાં હોવાથી રસ્તામાં માણસોની અવરજવર ઓછી હતી .ને શેઢે થોરની મોટી વાડ હોવાથી રસ્તામાં આવતું જતું કોઈ માણસ દેખાય તેમ ન હતું. શામજી શેઢે બળદ ચારી રહ્યો હતો. વગડો હસી રહ્યો હતો .અને ધરતીના દરેક અંગમાં યૌવન ઉછળતું હતું.આકાશમાં ભૂલી પડેલી એક વાદળી કોઈને મળવા ઝડપી ચાલે દોડી રહી હતી. ને વાતાવરણને વશ શામજીના મોં માંથી ન જાણે કઈ ધૂનમાં ગીત વહેતું થયું.
'વાલો... મારો ,વનમાં ચારે ઘેન .
વગાડે રૂડી વાંસળી રે ...લોલ! 'રાધા...ગોરી ભાતલિયા લઈ આવો .
ગૌ ચારે તારો સાયબો રે ...લોલ .!
'રાધા ...ગોરી ત્રાંબા -પિતળ લોટો હાથ .
હેડયા રે ભાત આલવા રે ....લોલ !'
'વાલા... મારા ક્યાં રે ઉતારૂ ભાત .
ક્યાં બેસી આપણે જમશું રે... લોલ !'
'રાધા ...ગોરી આસોપાલવ ની છાય.
ત્યાં રે બેસી જમશું રે....લોલ..!'
'રાધા ...ગોરી પીરસે પાંચ પકવાન .
સાથે રે ઘી નું ચુરમુ. રે.....લોલ..!'
'રાધા ...ગોરી સુખી થી જમીએ ભાત .
ગાવલડી પાછી વાળજો રે ...લોલ !'
'વાલા... મારા તમારી ચારેલ ધેન.
અમોથી પાછી નહીં વળે રે ...લોલ !'
'વાલા.... જમતાં ચડિયું રીસ .
ભાણું. રે મેલ્યું ભમતું રે....લોલ !'
'વાલે.‌... મારે લવિંગ લાકડી લીધી હાથ .
દોડ્યા રે ગોરીને મારવા રે ....લોલ !'
'વાલે.....મારે. લગાવી બે ને ચાર .
રાધા રે ચાલ્યાં રીસણે. રે ....લોલ!'

શામજી એ જે વખતે ગીત ઉપાડ્યું એ જ વખતે રાધા ઘાસ નો ભારો લઈને રસ્તામાંથી પસાર થઈ રહી હતી. સુરીલા કંઠે ગવાતા હલક સાથેના ગીત પ્રત્યે તેને એવું આકર્ષણ જાગ્યું કે, તેના પગ ત્યાં જ ચોંટી ગયા. માથા ઉપર ભારો છે તેય સાવ ભૂલી ગઈ, ને ગીત સાંભળવા એકલીન થઈ ગઈ. તો આ બાજુ તેનાથી બે ખબર શામજી આજે પૂરેપૂરો ખીલ્યો હતો. તે પોતાનો સુરીલો કંઠ વહાવ્યે જતો હતો .રાધા ને તો મનમાં એમ જ લાગ્યું કે શામજી આ ગીત પોતાને જોઈને, પોતાને સંભળાવવા જ ગાઈ રહ્યો છે .તેમાંય એ ગીતમાં જ્યારે 'રાધા ગોરી' રાધા ગોરી એ શબ્દો ધૂટીને કંઠને લંબાવતો .ત્યારે તો રાધા ને થતું કે શામજી પોતાને જ સાદ દઈ રહ્યો છે .શામજી સહેજ અટક્યો .ધૂન માં ચડેલો શામજી ન જાણે બીજું ગીત ઉપાડોત કે કેમ, ત્યાં તો -- 'તે ગોરી રીસણે ગયાં પછી, એમને મનાવવા તમે ગયા હતા કે પછી બીજું કોઈ ?'પાસે જ રૂપાની ઘંટડીની જેમ રણકેલા શબ્દોથી શામજી ચમકી ગયો .થોડો શરમિંદા પણ થયો. મનમાં જ વિચાર્યું 'આ કોણ ફૂટી નીકળ્યું ,આટલું પાસે જ !'પાસે થોડા નાના થોર હતા ત્યાં જઈ તેણે માર્ગમાં નજર કરી. રસ્તામાં ચાર નો ભારો ઉપાડીને ઊભેલી રાધા તેના તરફ જોઈને હાસ્ય વેરી રહી હતી . 'એ તો ગયા હશે કરસન ભગવાન મનાવવા. આપણા મનેખ નાં શાં ગજા ?' શામજીએ લોચા વાળ્યા રાધા એ રસ્તાની બંને બાજુ નજર કરી ,ને પછી શામજી ઉપર માદક નજર નાંખતાં બોલી.' ગાતાં તો ગોકળ જેવું આવડે છે હો ! એકલું ગાતાં જ આવડે છે કે પછી બીજું પણ કંઈ -- 'ને અચાનક તેણીએ વાત બદલી દીધી 'મારગમાં હેડયા જતાં માણસોને આવાં ગાણાં સંભળાવતાં થોડું લાજવું જોઈએ .' 'માર્ગમાં જનારને હું ક્યાં બાંધી રાખું છું ?'એમનેય શોખ હશે ત્યારે જ માથેના ભારાનુય ભાન નહીં હોય ને.' શામજીએ નજરથી નજર મેળવીને જવાબ આપ્યો .
'ના જોયા મોટા બાંધનારા ,બાંધવાની પોચ (શક્તિ) છે ?રાધાએ એક ભરપૂર નજર શામજી ઉપર નાખી.અને સ્મિત કરીને ગામ તરફ ચાલતી થઈ .અને એ નજરે તો સાવજીને પૂરેપૂરો હલબલાવી નાખ્યો. ને રાધા થોરની વાડ ની આડે અલટ- ઝલપ દેખાણી ત્યાં સુધી તેની પીઠ તરફ જોતો ઉભો રહ્યોં.
તે આખી રાત શામજીને ઊંઘ ન આવી. તે પડખાં ફેરવતો રહ્યો અને અવનવા વિચાર કરતો રહ્યો .રાધા તરફ પોતાને આટલું ખેંચાણ શાથી થઈ રહ્યું છે .તેની તેને સમજ પડતી ન હતી .એ રાત શામજીએ બેચેનીમાં જ પસાર કરી.
બીજા દિવસે રાધા અને મંગુ હાથમાં દાતરડા અને અછોડા (દોરડું)લઈને ખેતરે ચાર લેવા જઈ રહી હતી .દરરોજના બદલે બીજા રસ્તે જવા તરફ રાધા એ પગ ઉપાડ્યા તેથી મંગુ ને થોડું આશ્ચર્ય થયું .પરંતુ તેણીએ કળાવા ન દીધું. શામજીના ખેતરની ઝાપલી પાસે આવીને તે ઉધાડતા રાધા બોલી .'હેડને મારી બુન,આજ તો આંહીંથીજ ચાર લઈ લઈએ .જોને અહીં ચાર પણ ઘણી એ છે .' ને મંગુ નું પરાણે રોકી રાખેલું હાસ્ય અચાનક વેરાઇ ગયું.અને તે મોટેથી હસી પડી . 'કમ'લી હશે છે ?'રાધા એ પૂછ્યું. 'એ તો આ ચાર- સારી ભાળીને એટલે .'મંગુએ વાત ઉડાવી . 'લુચચી નહીં તો !' રાધા તેના કહેવાનો અર્થ પામી ગઈ હતી. તેથી તેની પીઠ ઉપર લાડથી હળવો ધબ્બો માર્યો.અને બંને સહેલીઓ ચાર લેવા વળગી.
દિવસ થોડો ચડતાં જ શામજી પોતાને ખેતરે પહોંચી ગયો. બળદોને ચરવા માટે શેઢે પળાવ્યા, અને ડોડીયાએલી બાજરીમાં કોઈ ઢોરઢાંખર તો પેસી ગયું નથી ને ?'તે જોવા ખેતર વચ્ચેના માળા ઉપર ચડ્યો. તેણે જોયું તો પોતાના ખેતરમાં બે રાતા રંગ નાં ઢોર નીચાં મોં કરીને ચરી રહ્યાં હતાં. ' અલ્યા અત્યારના પોર માં કોણ પેસી ગયું છે મારા ખેતરમાં ?' શામજીએ માળા ઉપરથી ઉતરતાં બૂમ પાડી .પરંતુ મનમાં તો ખાતરી જ હતી કે, નક્કી એ બે જણીઓ જ હશે. શામજી માળા ઉપરથી નીચે ઉતર્યો .ને પેલી સ્ત્રીઓ તરફ આગળ વધ્યો. પરંતુ પેલી બે જણીઓ એ તો જાણે કે સમજીને જોયો પણ ન હોય, અને કંઈ સાંભળ્યું પણ ન હોય તેમ, ચાર લેવાના કામમાં ગૂંથાયેલી રહી .બીજું કોઈ ન સૂઝતાં શામજીએ સાવ નજીક આવીને ખોખારો ખાધો .તેની પણ પેલી બે સ્ત્રીઓએ નોંધ ન લીધી .'આ કોણ ઘૂસી ગયું છે મારા ખેતરમાં હે...એ..?' તેનોય ઉત્તર ન મળ્યો.કાનોમા પૂમડાં ધાલયા છે કે શું ?'શામજી સાવ પાસે આવી ને બોલ્યો.
'હેડયા આવો ને છાના -માના .જોયા મોટા એ તો ! જવાબ મંગુ એ આપ્યો ,પરંતુ શબ્દો તો રાધા ના ગોખા વેલા જ તે બોલતી હોય તેવું શામજીને લાગ્યું.
' નીકળો કોઈકના ખેતરમાંથી બહાર, રેઢા ખેતરમાં ધૂસી જતા લાજ- શરમ નથી આવતી ?'સામજીએ બનાવટી ગુસ્સો ચાલુ રાખવાની કોશિશ કરી . 'શરમ, શાની શરમ ?'કહેતી રાધા ઊભી થઈ .અને ડોક ફેરવીને શામજી સામે નજર નાખી. ને એ નજરમાં જાણે કે કયો જાદુ હતો કે ,નજરથી નજર મળતો જ શામજીનો એ બનાવટી ગુસ્સો પણ મીણની જેમ ઓગળી ગયો .
'ઓ હો હો !'તો રાધા ગોરીએ ભેગાં છે એમ?' શામજીએ રાધાને ,જાણે કે હવે જ ઓળખી હોય તેવો અભિનય ચાલુ રાખ્યો.પરંતુ મનમાં તો બબડ્યો .'ગોઠવણ જ બધી એની હશે . 'પૂછ્યા વગર જ કોઈના ખેતરમાં ધૂસો છો, તે'ધણીને કાંઈ નહિ જોતું હોય ?'શામજી લોચા મારતો હતો . 'ધણી ? ધણી કોને કહેવાય એ ખબર છે ?'ઘેર ધણિયાણી (પત્ની)હોય એને ધણી (પતિ) કહેવાય.છે ધેર ધણિયાણી ?'કહીને રાધા શામજી સામે જોઈને હસી.
રાધા ના બોલ શામજીને કાળજે લાગ્યા.પણ તેણે તો તેની જૂની રટણ ચાલુ જ રાખી. 'તમે બંને મને ઉલ્લુ બનાવ્યા વગર નીકળજો ખેતરની બહાર .' ને શામજીને રાધા બંને વચ્ચેની વાતો વધતી જોઈ દિલમાં થોડા ચચરાટ સાથે મંગુ ઇરાદાપૂર્વક ત્યાંથી દૂર સરકી ગઈ.
રાધા દાતરડા અને હાથ વડે ઈશારો કરતાં બોલી.' નાના કીકા ખરા ને કે કોઈ બનાવે, અને તમે બની જાઓ.' ને ક્ષણેક અટકીને ઉમેર્યું.' ઊલટાના રસ્તામાં જતાં માણસોને મીઠાં ગાણાં સંભળાવીને, કોકને ભાન ભૂલાવો છો તે શું અમે નથી જાણતાં ?' ને આ વખતે શામજી ઢીલા- ઢીલા સાદે બોલ્યો .'એ આડી વાતો એ ચડ્યા વગર મારા ખેતરમાંથી બહાર નીકળો ને !'
રાધા ચાર લેતાં સ્હેજ ઉભી થઈ ,ને છણકો કરતાં બોલી. 'નથી નીકળવું જાઓ,તમારાથી થાય તે કરી લો !'રાધા ના ચહેરા ઉપર રતાશ તરી આવી, ને ક્ષણમાં અદ્રશ્ય પણ થઈ ગઈ . ને રાધાની આ અદાએ તો શામજીના હૃદયને બમણી ગતિએ ધડકાવી મૂક્યું . રાધા દૂર ચાર લેતી મંગુ તરફ ઈશારો કરીને બોલી .પે'લી મંગુને તો કંઈ કહેતા નથી. ને આંહીં મારી પાસે શું ભાળ્યું છે ?'
'હું તો તમને બંને જણીઓને કહું છું ને !'શામજીએ કહ્યું ને અનાયાસે જ એના હૈયામાંથી શબ્દો સરી પડ્યા ભાળ્યું તો બધુંય આંહીં છે , ત્યારે જ ને !'
'શું ભાળ્યું છે . લ્યો કહેજો ?'એમ કહીને રાધા આંખથી આંખ મિલાવીને શામજીને માપવા મથી રહી .ક્ષણ -બે ક્ષણ , બંને નાં પ્રતિબિંબ એકબીજાની આંખમાં કેદ થઈ ગયાં ને ત્યાંથી જાણે કે હૈયામાં ઉતરી ગયાં . ને ત્રીજી પળે શામજી બોલ્યો.'સાચુ જ કહું છું રાધા ! તે મારામાં જોયું છે, એ જ મેં પણ તારામાં જોયું છે .'
'ના રે બા ,મેં તો કાંઈ નથી જોયું .'કહીને રાધાએ આંખો ચોરાવી લીધી . 'કંઈ નથી જોયું ?' લે ખાજે મારા સમ !'હવે શામજી રાધા ને માપવા મથી રહ્યો.
રાધા એ સમ પણ ના ખાધા અને કંઈ જવાબ પણ ન આપ્યો. થોડીવાર ત્યાં ખામોશી છવાઈ રહી .અને પછી રાધા ધીમા સાદે બોલી .'એતો બરાબર, પરંતુ પે'લ મંગુ ની છે એ કાંઈ ખબર છે ?'. 'હે ! હેં !' સાની પે'લ ?શામજી ગોટાળે ચડ્યો. ' એની પે'લ ,જે મંગુ તારી પાસેથી ઝંખે છે એ !'રાધા ગંભીર સાદે બોલી.
શામજીને પહેલી જ વખત ખ્યાલ આવ્યો કે મંગુ પણ પોતાનામાં કંઈક ઝંખે છે. તે કંઈક વિચારી રહ્યો અને પછી બોલ્યો .'એમ થોડી ને કંઈ દરેકની જંખના પૂરી થાય છે. આ તો બધા કિસ્મતના ખેલ છે .'ને નજીક આવીને તેમની તરફ આવતી મંગુ ને જોઈ ને ઉમેર્યું 'મંગુ આવે રી છે.'
મંગુ પાસે આવીને બોલી. 'ભારો થઈ રહ્યો કે નહીં ?'ત્યારે જ આ બંનેને ખ્યાલ આવ્યો કે મંગુ તેમની પાસેથી સરકી ગઈ તે પછી રાધા એ એક કરલોય ચાર લીધી નથી.વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની બંનેને ખબર જ નહોતી રહી . 'હા.. હા ..હે...! ના ...રે ...! મારે તો હજી ભારો પૂરો નથી થયો.' રાધા એ લોચા વાળ્યા . ને મંગુ સામે જોઈને તે હસી પડી . મંગુ પણ સામે હસી પડી. ને બોલી 'આટલો વખત શું કર્યું ત્યારે ?' લે ઝટ ઉતાવળ કર લે હું પણ લેવડાવું છું !'કહેતા મંગુ શામજીના લગોલગ આવીને ચાર લેવા લાગી . મંગુ એ એક ધારદાર નજર શામજી ઉપર નાખી. બંનેની આંખો મળી, ક્ષણ- બે ક્ષણ ને ત્રીજી ક્ષણે મંગુ ની આંખોમાં શામજીને કંઈક સળવળાટ દેખાયો .આક્રમણ અને ઈજન દેખાણું. ને મંગુ ની એ નજર નું તેજ ન ઝીરવી શકવાથી ,શામજીએ આંખો ઢાળી દીધી. મંગુએ પોતાનો વિજય થયો હોય તેમ હાસ્ય વેર્યું. 'અમસ્તા ઉભા છો ,તો કરલો ભરી ચાર લેવડાવશો તો કંઈ તૂટી નથી જાઓ !' મંગુ એ એજ મારકણી નજર શામજી ઉપર નાંખતાં કહ્યું. ' તૂટી તો શું જવાનો હતો ,પણ ખેતર માર્ગ ઉપર જ છે .ને મારાજ ખેતરમાંથી તમને ચાર લેવડાવતા કોઈ ભાળે ,તો લોકો શું ધારે ?'
'આટલા ઘડી (સમય) કોઈ નતું ભાળતું, અને હવે હું અહીં આવી એટલે ભાળી જશે એમને ? મંગુના આ કટાક્ષથી શામજી અને રાધા બેય શરમિંદા થઈ ગયાં .થોડીવારમાં જ એ ત્રણેયે થઈને ચારનો ભારો તૈયાર કર્યો. રાધા એ મંગુના માથા ઉપર ભારો ચડાવ્યો .અને પછી શામજી તરફ જોઈને બોલી 'લ્યો ત્યારે ,ઉપડાવો ભારો.' એટલી વારમાં મંગુ પાંચ -સાત ડગલાં આગળ નીકળી ગઈ હતી. શામજીએ બેકાબુ બનતા હૈયાને માંડમાંડ કાબૂમાં માં રાખ્યું ને અઢી મણના ભારાને,પૂળો ઉંચકે તેમ રાધા ના માથા ઉપર મુક્યો. ને કંઈક અડપલું કરવાના ઇરાદાથી હાથ રાધા તરફ લંબાવ્યો.પરંતુ રાધા ઈરાદો પામી ગઈ હતી . હાથ ત્યાં પહોંચે તે પહેલા જ ત્યાંથી સર્કી ગઈ .અને દશેક ડગલાં આગળ નીકળી જઈએ તેણીએ પાછળ નજર કરી ખાસિયાણુ મોં કરીને ઉભેલા શામજી તરફ હાથનો અંગૂઠો બતાવીને હાસ્ય વેર્યું. શામજીએ ઝડપથી તે બાજુ પગ ઉપાડ્યા. પરંતુ તે પહેલા તો તેનાથી બમણી ચાલે ચાલતી રાધા ને મંગુ રસ્તામાં પણ પહોંચી ચૂકી હતી .
આગળ જવું વ્યર્થ સમજી ,શામજી પાછો વળી માળા ઉપર ચડ્યો .ને પેલી બેને જતી જોઈ રહ્યો . જાણેકે રાધા પોતાનું કંઈક ચોરીને જતી હોય તેવું તેને લાગ્યું .પરંતુ શું ચોરી જતી હતી તેની તો ખુદ શામજીને પણ ખબર ન હતી ને જ્યાં નાના થોરની વાડ આવી ત્યાં ,મંગુનેય ખબર ન પડે તેમ ,રાધાએ પણ પાછળ નજર કરીને શામજી સામે જોઈ લીધું પણ ખરું.
અને એ દિવસ પછી થી તો રાધા અને શામજીની મુલાકાતો વધતી જ ચાલી .પ્રથમની ચાર -પાંચ મુલાકાતો મંગુની હાજરીમાં જ થઈ .ને હવે તો મંગુ ની હાજરી પણ કોઈને કોઈ બહાને બંને ટાળવા લાગ્યાં . અને બંને એકલાં જ મળવા લાગ્યાં .પ્રથમ તો મંગુએ તેમની સાથે ભળવાની કોશિશ કરી, પરંતુ તેણીની ઉપેક્ષા થતી જોઈએ મંગુ મનોમન સમસમી ગઈ ,ને આ બંનેનો કેડો મૂકી મનમાં નવો ઘાટ ઘડવા લાગી .અને રાધા અને શામજીની મુલાકાતો હવે તો લગભગ દરરોજ થઈ ગઈ હતી.
આખા ગામ વચ્ચે શામજી જીવા ભોપા ની સામે થયો હતો છતાં ભોપાની મૂઠની હજુ સુધી શામજી ઉપર કોઈ અસર થઈ ન હતી. તેથી ભોપાની શક્તિ ઉપરનો માણસોનો વિશ્વાસ થોડો ઘટતો જતો હતો.અધૂરામા પૂરું શામજી પણ હવે ઉઘાડે છોગ કહેતો ફરતો હતો કે, આ ભૂત ને પ્રેત, વળગાડને બાધા ,આ બધાં તો ભોપાએ માતાના નામે પોતાના અંગત સ્વાર્થ માટે ઉભાં કરેલાં તૂત જ છે.ને ગામમાં સમજુ યુવાનોને , શામજીની આ વાત સાચી પણ લાગવા માંડી હતી.
રાધા ને ચુડેલ વળગવાના હજુ સુધી કોઈ લક્ષણ દેખાતાં ન હતાં .તેથી કનુભાનો ભોપાની શક્તિ ઉપરનો વિશ્વાસ ધીમે- ધીમે ઓછો થતો જતો હતો. તો શામજીને મૂઠ મારવાનું ને રાધા ને ચુડેલ વળગાડવાનું જીવા ભોપા , ભાણજી પાવળિયા અને કનુભા ની ત્રિપુટી એ નક્કી કર્યું હતું. એની અસર વર્તાવા ને બદલે ,શામજી અને રાધા ના ચહેરા. હમણાંથી વધુને વધુ ખીલ્યે જતા હતા. તેથી ભોપાને પોતાના દા'ડા ભરાઈ ગયા હોય એવું લાગતું હતું. તેઓ આનો ઉપાય કરવા સધી માતાના મઢે, રાતોની રાતો જાગતા હતા. ભલભલા ગ્રેજ્યુએટ ભણેલા તેમણે નમતા હતા. ત્યારે આ પાંચ ચોપડી ભણેલો શામજી તેમને માથાનો મળ્યો હતો.