Saata - Peta - 10 in Gujarati Classic Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | સાટા - પેટા - 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સાટા - પેટા - 10

દિવસમાં તો આખા રંગપુરના યુવા વર્ગમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને ' કાંક' છે . કનુભા પાસે વાત ગઈ ત્યારે પ્રથમ તો તે હેબતાઈ ગયો. તે વિચારી રહ્યો. પોતે જેના માટે રાત- દિવસ તડપતો હતો એ રાધા શું ખરેખર આવી હલકટ હતી ?' પોતે જેને અબોટ,ઉઘડતી કળી માનતો હતો એ કોઈનું સુંઘાયેલું ,નકામું થયેલું ફૂલ હતું ? સારું થયું તે પોતાને કોઈ મોકો ન મળ્યો. નહીં તો સાલી કોકનું પાપ પોતાના માથે ઓઢાડી દેતને. તે મનોમન રાજી પણ થયો . 'લેતી જા રાધાડી ! બહુ ગુમાન હતું ને તારી જાત ઉપર .આખરે તો એ બે પૈસાના શામજીડાએજ પટાવી દીધી ને !' આખરે રાધાએ કલ્પના કરી હતી એમ જ બધું થવા લાગ્યું .કનુભાના તેમના ઘર તરફના આંટા ફેરા તદ્દન બંધ થઈ ગયા હતા. ને તેણે રાધા સામે જોવાનું પણ માંડી વાળ્યું હતું. તેના તરફ ભૂખી આંખે જો તો ભારો ભોપો પણ રાધા સામે મળે તો ,હવે નજર ચોરાવી લેતો હતો.ને સડસડાટ નીકળી જતો હતો .રાધા ના રૂપને જોઈને લાળ પાડતા યુવાનીયાઓની લાળ જ જાણે કે સુકાઈ ગઈ હતી. ને તે રાધા ને સામે આરતી જોઈને દૂર -દૂર ભાગતા હતા. રંગપુરના ઘણાં ખરા માણસો હવે રાધા થી દૂર રહેવાની કોશિશ કરતાં હતાં . અરે સ્ત્રીઓ અને બહેનપણીઓ પણ રાધા થી હવે દૂર ભાગતી હતી .બને ત્યાં સુધી તો તેનો સંગાથ જ ટાળતી હતી .તેની હારે ચાલવામાં પણ લોકો જાણે કે હવે પાપ માનતાં હતાં . રાધા આવતી હોય ત્યારે સામેથી આવતું સ્ત્રીઓનું ટોળુ, આંખથી આંખ નો ઈશારો કરી કંઈક ગુસપુસ વાતો કરતું. રાધા પાસેથી પસાર થાય ત્યારે ચૂપ થઈ જતું . ને તેને પસાર થવા દઈને તાળીઓ લઈને મશ્કરી કરતાં એમાંથી એકાદ જણી કહેતી. ' આ જુઓને મારી બૂન ,જાણે કે કોઈ સારું કામ કર્યું હોય તેમ , કેવાં છાતી કાઢીને ફરે છે ?
રાડ લાજીએ મરતી નઈ હોય ? તો બીજી ને વળી રાધા નું પેટ સ્હેજ ઉપસેલું પણ લાગતું .તો ત્રીજી વળી ,ત્રણ- ચાર મહિના હશે.' એવો જ અંદાજેય લગાવી દેતી મૂળાએ જ્યારે આ સમાચાર શામજીને આપ્યા ત્યારે પ્રથમ તો તે વીંછી કરડ્યો હોય તેમ ઉછળી પડ્યો .અને બીજી જ ઘડીએ તો માંડ- માંડ પોતાની જાત ઉપર કાબુ મેળવતાં બોલ્યો .' ના ના મૂળા એવું કદી બને જ નહીં. તારી કંઈક સમજફેર થતી હશે, ને આવડું મોટું ગામ છે કોક બીજી રાધા ની વાત હશે .' 'અરે મારા ભાઈ આખા ગામમાં એક જ વાત છે. કે 'પ્રેમજીની રાધા ને મહિના જાય છે.' મૂળા પાસે પૂરી માહિતી હોય તેમ તે વિશ્વાસથી બોલ્યો. શામજીની આંખે અંધારાં આવી ગયાં. 'ના આ જૂઠું છે--' એવી ચીસ એના મોંમાંથી નીકળે એ પહેલાં જ પરાણે તેને મોં માં દાબી દીધી . 'એમાં તું કેમ આમ સાય -ફાય થઈ ગયો છો. શું કાંઈ --?' મૂળાએ શામજીનો ગભરાટ જોઈને પૂછ્યું. ' ના રે ના ! એમાં આપણે શું ? આ તો થયું કે એની અને સામેવાળાની હવે શી દશા થશે ?' શામજીએ લોચા વાળ્યા .પરંતુ મૂળા ને શામજી નો જવાબ સાચો ન લાગ્યો. ત્યાર પછી નામ પૂરતી બે-ત્રણ બીજી વાતો કરીને બંને છૂટા પડ્યા . મૂળાના ગયા બાદ શામજી બેચેન થઈ ગયો. તેના મગજમાં વિચારોની આંધી ઊઠી.મૂળાએ કહેલી વાત સાચી કેવી રીતે હોઈ શકે ?' પોતે અને રાધા એકબીજાને પ્રેમ કરે છે જરૂર. પરંતુ આજ દિવસ સુધી લક્ષ્મણરેખા તો તેમણે ઓળંગી જ નથી .તો પછી આવું કેવી રીતે બની શકે ?' ને મૂળાના કહેવા પ્રમાણે તો આખા ગામમાં એક વાત છે .આખા ગામમાં ફેલાયેલી વાત સાવ જુઠ્ઠી તો નહીં જ હોય ને ?'
'તો - તો રાધા શું કોઈ બીજા પુરુષથી હળી હશે ?' ને પોતાની સાથે માત્ર પ્રેમનું નાટક જ કરતી હશે ?' એમ જ હોવું જોઈએ .નહીં તો આવી વાત આવે ક્યાંથી ?'શામજી જેમ -જેમ આગળ વિચારતો ગયો તેમ- તેમ પ્રેમના મજબૂત પાયા ઉપર રચાયેલી આ ઈમારત તેને ડગમગતી લાગી .ને રાધા ને પોતાની સાથે છળ કર્યું છે તેઓ અહેસાસ થવા લાગ્યો .ચક્કર આવવાથી સમજીએ માથું પકડી લીધું. તે સ્વગત બબડ્યો 'કાશ ,આ દુનિયામાં પોતે માત્ર એક જ સ્ત્રીને પ્રેમ કરતો હતો .પોતાની પ્રાણ પ્યારી રાધા ને. અને એ જ રાધા આવી બેવફા અને હલકી હશે તેની તો તેને કલ્પના પણ ન હતી. તે જેમ- જેમ આગળ વિચારતો ગયો તેમ- તેમ તેના મગજે રીતસર નો બળવો જ પોકાર્યો. દુનિયાની દરેક રૂપાળી સ્ત્રી શું આવી બેવફા હોતી હશે ?' તેના વિચારો જેમ -જેમ આગળ વધ્યા તેમ- તેમ રાધા તરફનો શામજી નો પ્રેમ , ધ્રુણા માં પલટાતો ગયો ને આવી હલકટના વાદે ચડીને પોતે ,સમાજની અને આબરૂની પરવા કર્યા વગર, તેની સાથે ભાગી જવા સુધી તૈયાર થયો ,તે બદલ તેને પસ્તાવો થવા લાગ્યો . તે મનોબળ બબડ્યો . 'ભગવાનને સારું કર્યું, કે' તે રાત્રે રાધાડી પાદરે ના આવી ,નહીં તો બંને ભાગી ગયો હોત. અને કોકનું પાપ હાહરી પોતાને ગળે વળગાડી દેત ને !'
ને પોતે આ મહા પાપ માંથી બચી ગયો હોય તેમ સામજીએ રાહતનો શ્વાસ લીધો .અને તે રાત્રે તેણી વડ નીચે ન આવવાનું કારણ પણ શામજીને પેલો કોઈ ગુપ્ત પ્રેમી જ દેખાવા લાગ્યું . તેણે મનોમન દાંત કચકચાવયા 'લેતી જા !' હાળી હલકટ,કોક ને ફસાવા નિકળી હતી તે !' અને હવે તો ખાનગીમાં આખા રંગપુરમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને મહિના જાય છે . ને લોકો સામું માણસ માટે જાત -જાતના અનુમાનો કરવા લાગ્યાં .અને તેમાં સૌથી પહેલું નામ છાની છપની રીતે, શામજીનું જ ચર્ચાઈ રહ્યું હતું. આસો સુદ ત્રીજ,આજે ત્રીજું નોરતું હતું .પોતાના ખેતરે માળા ઉપર બેઠેલો શામજી ઊંડા વિચારમાં અટવાયેલો હતો. તે મનોમન બબડ્યો.
'લોકો ભલે ખોટી વાતો કરે. પણ ના ના એવું તો ના જ હોય ,પોતાનું નામ તો આ 'પાપ' માં ના જ આવે .કારણ કે પોતે અને રાધા એ આજ દિવસ સુધી દેહ તો અભડાવ્યા જ નથી. તો પછી પોતાનુ નામ આમાં કેવી રીતે આવે ?
ખેર, કરશે તે ભરશે ,આપણે શાની ચિંતા ?' એમ મનને મનાવી શ્યામજી માળા ઉપરથી નીચે ઉતર્યો .એ જ વખતે મૂળો ગામમાંથી આવતો દેખાયો . તેના મોં ઉપર ચિંતા અને વ્યાકુળતા દેખાતાં હતાં . બંને ભાઈબંધો માળા નીચે બેઠા એટલે મૂળા એ વાત ની શરૂઆત કરી.' શામજી ગજબ થઈ ગયો છે .પેલી રાધા વાળી વાતમાં તારું જ નામ આવે છે .' 'કોણ કહે છે ?' શું છે પુરાવો ?' શામજી થોડો ઉશ્કેરાઈ ગયો. ' ગામ વચ્ચે કનુભા પુરાવો આપવા તૈયાર થયો છે.તે કહેછે , કે 'તને અને રાધા ને ખોટું કરતાં તેણે પોતાની સગી આંખે જોયાં છે .'મૂળાએ ભય ભરેલી નજર આજુબાજુ દોડાવીને ક્હ્યું .
'એ તદ્દન ખોટી વાત છે .પણ એ રાધાડી શું કહે છે ?' શામજીએ બેબાકળા થઈ ને પુછ્યું .
'એને તો ઘરવાળાએ બે ફેરા ,ઢોર માર માર્યો તોય મોઢામાં મગ ભર્યા હોય તેમ, એક અક્ષરેય બોલતી નથી .' મૂળા એ કહ્યું. 'તો -તો નિશ્ચિત રહેજે, આપણા માથે કંઈ નહીં આવે .'શામજી બેફિકર થતાં બોલ્યો.
'જો શામજી ,તું મારો દોસ્ત છે એટલે ચેતવું છું.સામેવાળા તો તારા ઉપર હવે કાવતરાં ઘડી રહ્યા છે .' મૂળો ચિંતિત સાદે બોલ્યો. 'પણ હું ક્યાં એ પાપમાં છું . તે સામેવાળા મને --' શામજી લગભગ ઉશ્કેરાઈ ગયો .
'હોય કે ન હોય, પણ સામે વાળા લોકોએ તો માની જ લીધું છે. કે' આ તારું જ પાપ છે .માટે ચેતતો રહેજે.
એવી ચેતવણી આપીને મૂળો પોતાના ખેતર તરફ ચાલતો થયો ને સમજીને ચિંતામાં નાખતો ગયો.
રાધા અત્યારે પોતાના ઘેર એટલી બેઠી હતી તે વિચારતી હતી .બધું જ પોતાની ધારણા પ્રમાણે થયું હતું. કનુભા કે બીજા યુવાનોનું પોતાની પાસે ફરકવાનું કે જોવાનું તો શું પણ નજર નાખવાનુય બંધ થઈ ગયું હતું. પરંતુ આ વાતથી ન ધારેલી અને કલ્પના બહારની મોટી નવી મુશ્કેલી ઊભી થઈ હતી. એના ઘરવાળાએ આ શામજીવડાનું જ પાપ છે ,એમ માનીને શામજીનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ગોઠવ્યું હતું . મૂંઝાયેલી રાધા એ આંખો મીંચી દીધી .'ઓ ભગવાન કાંક તો રસ્તો સુઝાડ . કેટલોક સમય એ એમ જ વિચારતી રહી .અચાનક એના મગજમાં એક યોજના સુઝી .એ જ યોજના ફરી વિચારી જોઈ. તેમાં જોખમ ઘણું હતું .પણ એ વગર બીજો રસ્તો જ ન હતો. રાધા પાડોશમાં જઈને શંકરના ઘેરથી (શંકરની પત્ની) પસી ને પોતાના ઘેર બોલાવી લાવી .આજુબાજુ ભય ભરેલી નજર દોડાવીને આજીજી ભર્યા સાદે બોલી . 'ભાભી,મારી બૂન ! હવે તો આ દુખ માં થી ફક્ત એક તું જ, છોડાવી શકે એમ છો .' કહેતાં- કહેતાં તો રાધા ની આંખ માંથી દડ-દડ કરતાં આંસુ સરી પડ્યાં .રાધા ની આ હાલત જોઈને પસીનુંય દિલ ભરાઈ આવ્યું .
'શું કરવાનું છે ? બોલો રાધાબુન ! મારાથી થતું બધું જ હું કરી છૂટીશ .'પસી એ દિલાસો આપ્યો .
'કામમાં તો ફક્ત મારો આ એક સંદેશો જ સાંજ પડે એ પહેલાં ,ગમે તે ભોગે શામજીને પહોંચાડવાનો છે .'રાધા રડમસ સાદે બોલી . 'શું સંદેશો પહોંચાડવાનો છે ?કહીને પસી રાધાની આંખમાં જોઈ રહી .
'ભાભી, ગમે ત્યાંથી આકાશ પાતાળ એક કરીનેય એને શોધીને મોઢા મોઢ કહેજે, કે' આજે રાત્રે વાળું ટાણા પછી તમે નક્કી કર્યું હતું એજ વડે નીચે ગમે તે ભોગે આવીને મને મળે.' કહેતાં રાધા રડી પડી .
'તો શું બંનેને ભાગી જવું છે ?' પસી ને ફાળ પડી .
'હા ભાભી, આમેય બેય હવે અવતાય મરેલાં જ છીએ .ને આ છેલ્લો ઉપાય છે .સફળ થયાં તો ઠીક ,ન'કે જીવ્યા મર્યા ના છેલ્લા રામ - રામ --'
પસી એ રાધા ના હોઠ ઉપર આંગળી મૂકી દીધી. ' મારી બુન, એવું કલોયુ શું બોલતાં હશો ?' આજે ત્રીજુ નોરતું છે ને ! માં અંબાજી તમારી જરૂર સહાય કરશે .' પસી શ્રદ્ધાથી બોલી. ને અક્ષેક કટકીને ઉમેર્યું . 'પણ શામજી આવશે તો ખરો ને ?' 'હા, જરૂર આવશે ! રાધા ને પોતાના પ્રેમ ઉપર હજુ વિશ્વાસ હતો.
' સારું ત્યારે, જાઉ હવે . ન જાણે ક્યાં એનો ભેટો થશે.' પસી પગ ઉપાડતાં બોલી. નેં એક ક્ષણ રોકાઈની ઉમેર્યું 'તારી આ ભાભી ઉપર વિશ્વાસ રાખજે, પાતાળમાં હશે તોય શોધીને તારો આ સંદેશો પહોંચી ગયો જ સમજ.' કહીને પસી વાયરાવેગે ત્યાંથી વિદાય થઈ.
શામજી ને શોધવા પસી ચાર લેવાના બહાને વડવાળા ખેતરે ,ને બીજા બહાને બે -ત્રણ તેના ઠેકાણાં હતાં ત્યાં બધે જોઈ વળી .પરંતુ ક્યાંય તેનો પત્તો ખાતો ન હતો. સાંજ પડવા આવી હતી તેથી પસીના મો ઉપર ચિંતા તરી આવી.' ક્યાં અલોપ થઈ ગયો હશે ?'માતાજી કરેને ભેટો થઈ જાય તો તો ઠીક ,નહીં તો વિચારી રાધા નું શું થશે ?સુરજ ડૂબવાની તૈયારીમાં હતો .પસી શામજીને શોધવા જ પાણીના બહાને હાથમાં બેડું લઈને બહાર નીકળી હતી .તે પાણી ભરીને વળતી વળી ,એ જ વખતે શામજીને ઉલટી દિશાના ખેતરેથી માથા ઉપર ઘાસનો ભારો અને હાથમાં લાકડી સાથે આવતો જોયો. માથા ઉપર ભર્યું બેડું હોવા છતાં પસી લગભગ દોડતી હોય તેમ ઝડપી ચાલે ચાલીને શામજીની હારોહાર થઈ ગઈ . અને લગોલગ આવીને બોલી.' રાધા એ કીધું છે કે આજે રાત્રે વાળું ટાણા પછી, ગોદરે વડલા નીચે તૈયાર થઈને જરૂર આવજો .'
ને પસી એક ડગલું આગળ નીકળી ગઈ. શામજી હેબતાઈ ગયો . રોકાઈને પસી એ પાછળ જોયું, ને આંખથી આંખ મિલાવીને બોલી 'સાંભળ્યું ?' ભૂલતા નહીં પાછા. કોકના જીવન -મરણનો સવાલ છે.'
શામજી ને પસી ને ઘણા બધા સવાલ પૂછવા હતા. કે ,એ' રાધાડીએ મારું નામ આપ્યું છે તે સાચું ?'બદનામ કરવામાં હવે શું બાકી રાખ્યું છે. તે 'હજીએ કેડો મેલતી નથી.' પરંતુ પસી તો સામેથી ત્રણ- ચાર પનિહારીઓ આવતી હોવાથી સડસડાટ આગળ નીકળી ગઈ હતી .
ઘેર પહોંચતાં સુધીમાં તો શામજીને કેટલાય વિચાર ઘેરી વળ્યા .આ રાધાડીએ હવે પોતાને શું કામ બોલાવ્યો હશે ? કે પસી જૂઠું તો નહીં બોલતી હોય ને ? પરંતુ જૂઠું બોલવાથી એને શો લાભ? ઘેર પહોંચીને માથા ઉપરનો ભારો એક બાજુ નાંખીને શામજી ખાટલા ઉપર બેસી ગયો અને એ જ વિચારોમાં ખોવાઈ ગયો. 'તૈયાર થઈને આવજો.' આનો અર્થ શું સમજવો ? શું ભાગી જવાનો ઈરાદો હશે ? કે પછી પોતાને ફસાવવાનું કોઈ કાવતરું તો નહીં હોય ને ? જવું કે નહીં એની તે મુંઝવણ અનુભવી રહ્યો . ને વિચારોમાં અને વિચારોમાં તેણે પણ મગજમાં એક યોજના બનાવી .તે યોજના વિચારતાં શામજીનો ચહેરો સખ્ત થતો ચાલ્યો. ને પછી મનોમન તે સ્વગત બબડ્યો .'હા ,હા એમ જ કરવું જોઈએ .આવી રૂપાળી અને બેવફા માટે તો એ જ સજા યોગ્ય છે .ભલે ને સાલી આખી ઉંમર મુંબઈની રંડિ બજારમાં સબડયા કરતી .તે આગળ વિચારી રહ્યો.' પોતાની જિંદગી સાથે પણ તેણીએ ક્યાં ઓછી ક્રૂર મજાક કરી છે ? તેને પણ આખી ઉમર યાદ રહે ,કે' એક શામજી માથાનો મળ્યો હતો ખરો .ને હજુએ હાળીનું નાટક તો જુઓ ?' કોકનું પાપ મને ઓઢાડવા તૈયાર થઈ છે .
સમય થોડો હતો. નિર્ણય ઝડપ થી લેવાની જરૂર હતી. ને શામજીએ મનમાં નિર્ણય પાકો કર્યો. ભાઈ-ભાભી ને ખબર ન પડે તેમ ,ફરીથી સોનાનો ઠાંસીયો અને સો રૂપિયા પેટીમાંથી ચોરી લીધા .પોતાના ₹100 તો પહેલેથી ખિસ્સામાં જ હતાઃ અત્યારે સૌ વાળુ -પાણીથી પરવારી ને કોઈ માતાજીનાં દર્શન કરવા, તો કોઈક ગરબી એ રમવા, તો કોઈ વળી રમનારાઓને જોવા ચોરે ભેગાં થયાં હતાં. દરરોજ સવા રોટલો ઝાપટનાર શામજીની ભૂખ આજે પા રોટલામાં જ પૂરી થઈ ગઈ .તેની ભાભી એ તો ટકોર પણ કરી.' કેમ આજે કંઈ ખાધું નહીં ,કંઈ ઉતાવળમાં છો કે કેમ 'ના રે ના ભાભી, આજે ભુખ જ નથી લાગી.' ને શામજી પોતાની મા સરખી ભાભીને જોઈ રહ્યો. ને ખરું કહો તો તેની ભાભી તેની માં સમાન, અને મોટાભાઈ પૂનો તેના બાપ સમાન જ હતા ને ! કારણકે મા-બાપ તો શામજી નાનો હતો ત્યારે જ ગુજરી ગયાં હતાં .ભાઈ -ભાભી એ તે ને લાડકોડ થી ઉછેરીને મોટો કર્યો હતો .અને મા-બાપની ખોટ સાલવા દીધી ન હતી. બહાર આઞણામાં મોટો ભાઈ પૂનો ખાટલા ઉપર બેસીને ચલમનો દમ લઈ રહ્યા હતા. શામજી ઘડીક મોટાભાઈ તરફ ,તો ઘડીક ભાભી તરફ જોતો ઉભો રહ્યો. ને જાણે કે જિંદગીમાં છેલ્લી વખત તેમનાં દર્શન કરતો હોય તેમ ધારી- ધારીને બંનેને જોતો રહ્યો . ને પછી પરાણે નજર ફેરવી લઇને, ખીંટી એ ગોઠવેલી લાકડી લઈને ,ખભે કરીને ચોરા તરફ ચાલતો થયો . શામજી પોતાની શેરી વટાવીને ગામના ચોરા થી થોડે દૂર અંધારામાં આવીને ઉભો રહ્યો. ને ચોરા તરફ નજર દોડાવી . ચોરા વચ્ચે જ ગરબી માંડેલી હતી .તેના ઉપર ચાર ખૂણે ચાર ઘીના દીવા બળતા હતા. વચ્ચેના દીવાની થોડી મોટી જ્યોત પણ પોતાનો પ્રકાશ ફેલાવી રહી હતી. ગરબીની આજુબાજુ અને અંદર પણ કેટલાક દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આઠ-દશ વર્ષથી નાની ઉંમરનાં છોકરાં ગરબીની આજુબાજુ દોડતાં હતાં અને પકડા- પકડીની રમત માં મશગુલ હતાં .તો કોઈ મોટેરાઓ તેમને આધા રમો,આધા રમો.ગરબી પાડશો.'એમ કહીને હાકોટતા પણ હતા . થોડીક સ્ત્રીઓને બાલિકાઓ અને નાનાં છોકરાંઓ એક બાજુ ટોળું વળીને બેઠાં હતાં.તો સામે ભીંત ને અડીને આવેલા ઓટલા ઉપર આધેડો અને યુવાનો બેઠા હતા. તો કોઈક યુવાનો વળી બે -ત્રણ કે પાંચ -સાતના ઝુડમાં મન ફાવે તેમ અલગ- અલગ જગ્યાએ બેઠા હતા .લોકોનું એકલ-દોકલ ત્યાં આવવાનું ચાલુ હતું. સૌ માતાજીના દર્શન કરીને પોતાને અનુકૂળ હોય તે જગ્યાએ બેસતાં હતાં. છોકરાં ધૂળ ઉડાડતાં હતાં અને આનંદમાં આવીને કિકિયારીઓ ઓ પણ કરતાં હતાં.મોટેરા ગપ્પાં મારવામાં લીન હતાં .આમ વાતાવરણ કોલાહલ ભરેલું હતું . શામજી અંધારામાં થોડે દૂર ઊભો રહીને આ બધું જોતો હતો. ઘણાં માણસો તેની પાસેથી પસાર થતાં હતાં પરંતુ અંધારામાં તેને જોયો ન જોયો કરીને ગરબી તરફ ચાલતાં થતાં હતાં .શામજીની નજર દૂર ચોરામાં ખૂણા તરફ ગઈ. માધો ,કાનજી, શીવો,શંકર વગેરે છ -સાત યુવાનોનું ટોળું હાથમાં લાકડીઓ લઈને ઊભું હતું ને કંઈક ખાનગી ગુશપુશ કરી રહ્યું હતું.શામજીના પેટમાં ધ્રાસકો પડ્યો.મૂળાએ આપેલી ચેતવણી સાચી હોય એનાં એંધાણ આંહીં સ્પષ્ટ દેખાતાં હતાં. અરે, કોઈ દિવસ હાથમાં હથિયાર ન પકડનાર શંકરના હાથમાં પણ આજે કડીયાળી ડાંગ હતી. શામજી મનોમન મૂંઝાયો. પોતાને શું કરવું જોઈએ ? પાછા ઘેર વળી જવું ,ને મોટાભાઈ પુનાને આ બધી વાત કહેવી ? કે પછી આંખો બીડીને સાહસ કરીને ગરબી એ જવું ? તે ક્ષણિક વિચારતો રહ્યોં .'ના ના,એવા બાયલાવેડા તો નથી જ કરવા. ભલેને જે થવાનું હોય તે થાય. ને પોતે મનમાં ધારે છે એવું કદાચ ન પણ હોય . 'જય માતાજી ! મનોમન માતાજી નું સ્મરણ કરીને શામજીએ ગરબી તરફ પગ ઉપાડ્યા .ગરબી સામે આવીને લાકડી બગલમાં જ દબાવીને તેણે માતાજીને પ્રણામ કર્યા .અડધો કોલાહલ તો તેને જોઈને જ શાંત થઈ ગયો .હજારો આંખો ખાનગીમાં તેના ઉપર મંડાઈ રહી વાતાવરણમાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી ગઈ. શામજીએ ઝડપથી ચારે બાજુ નજર દોડાવી .ને પછી ઓટલા ઉપર બેઠેલા દેહળા પાસે જઈને બોલ્યો. ' કેમ દેહળા હજુ ચાલુ નથી કર્યું . કે પછી હજુ રૂપલો (ઢોલી) નથી આવ્યો કે કેમ ?'. 'રૂપલો તો આવ્યો છે .પણ હજુ રમનાર કોઈ નથી આવ્યા.' દૅહળા ને જાણે કે પરાણે જવાબ આપવો પડ્યો હોય તેમ , માંડ -માંડ બોલ્યો. ને તેણે મોં ફેરવી લીધું. શામજીએ તેની પાસે બેસવા તૈયારી કરી એ જ વખતે ચપ દઈને ઉભો થઈને દેહળો થોડે દૂર ઊભેલા ચાર -પાંચ યુવાનો ના ટોળામાં જઈને ભળી ગયો. શામજી ને તેના આ વર્તનથી ક્રોધ ચડ્યો . છતાં ગમ ગળી જઈને બીજા ત્રણ -ચાર યુવાનોના ટોળા પાસે જઈને બોલ્યો.' કેમ ભાણા ,આજે બધું ટાઢું-ટાઢુ કેમ છે ?' પેલા યુવાનોએ શામજીની વાત જાણે કે સાંભળી જ ન હોય તેમ તેમની ની વાતોમાં મશગૂલ રહ્યા .આ ઉપેક્ષાથી શામજી સમસમી ગયો. આ એજ દોસ્તારો હતા. જે પહેલાં નવરાત્રીમાં પોતે ક્યાંક ખૂણે -ખાચરે છુપાઈને બેઠો હોય તોય ,શોધી પાડતા. પરાણે ચોંટા વચ્ચે ખેંચી લાવતા. હસી -હસીને વાતો કરતા અને તાળીઓ લેતા. ને પોતાને આંહીં આવવામાં જો થોડું મોડું થયું હોય તો, ઠેક ઘર સુધી બોલાવવા આવતા. ને પછી ગરબી ગાવાનો આગ્રહ કરતાં કહેતા.'લે ચાલુ કર શામજી. મુરત તો તારી ગરબીથી જ થવું જોઈએ .' ને પોતાના દોસ્તોના આગ્રહ ને વશ થઈ શામજી પોતાના સુરીલા કંઠે ગરબી ઉપાડતો. ને જોત જોતા માં તો આખો ચૌટો માણસોની ભીડ થી ભરાઈ જતો .પરંતુ આજે બધું એનાથી ઉલટું થતું હતું. તે જ્યાં જાય ત્યાં, તેની ઉપેક્ષા થતી હતી. બધા તેનાથી દૂર ભાગતા હતા. જાણે કોઈ અજાણ્યા મુલકમાં, અજાણ્યાં માણસો વચ્ચે આવી પડ્યો હોય તેઓ તેને અહેસાસ થતો હતો. આજે જાણે કે તેની હાજરીની કોઈ નોંધ જ લેતું ન હતું . પરંતુ ખરું પૂછો તો આજે જ તેની ખરી નોંધ લેવાઈ રહી હતી. તે જ્યાં -જ્યાં જતો હતો ત્યાં -ત્યાં હજારો આંખો તેના ઉપર મંડાઇ રહેતી હતી . શામજીનું શું થશે, એ જોવાની લોકોને જાણે કે તાળાવેલી લાગી હતી. શામજી પરિસ્થિતિ પામી ગયો.' ચેતતો રહેજે નકર મર્યો સમજજૅ !' મૂળાના કહેલા શબ્દો યાદ આવ્યા.શામજી એ એક ક્ષણ માં ચારે બાજુ ચકોર નજર ફેરવી લીધી. માધો, કાનજી, શીવો,શંકર વગેરે યુવાનોનું હથિયાર ધારી ટોળું પોતાને ઘેરવા માગતું હોય તેમ ,પોતાની આજુબાજુ થઈને ગોઠવાઈ ગયું હતું. ને એ બધા રાધા ના ઘર તરફ અકળામણ ભરી નજરે કોઈની રાહ જોઈ રહ્યા હતા. કાનજીએ તો દાંત પીસયા. 'આ સોનિયો કેમ ન મર્યો હજી ?' આવો ધા (મોકો ) ફરી -ફરી આવશે ? શામજીની ની પીઠ પાછળ ઉભેલા શંકરે લાકડી ઊંચી કરી. શામજીનું માથું હમણાં જ વધેરાઈ જશે એવું એક પળ સૌને લાગ્યું. પરંતુ એ જ વખતે પાસે ઉભેલા શીવાએ શંકરને કોણી મારી, ને ઈશારો કર્યો ને કાનમાં ક્હ્યું .'શંકર, ઘરધણી વગર આવા કામમાં ઉતાવળ ન થાય. નહીં તો હમણાં શું નું શું ઊભું થઈ રહેશે.' અને પરાણે શંકરે ઉગામેલી લાકડી કોઈને ખબર ના પડે તેમ પાછી જમીન ઉપર ટેકવી દીધી.ને દાંત ભીસતા બોલ્યો. 'આ સોનિયો ખરેટાણે ક્યાં મર્યો ? ને એ હથિયારધારી ટોળાએ આંખોથી આંખો દ્વારા જ કંઈક વાતો કરી લીધી .ને એ બધાય શાણજીના ઘરે તરફ જતા રસ્તા વચ્ચે ભેગા થઈને ઊભા રહ્યા.
શામજી ને હવે એ સમજતાં વાર ન લાગી, કે 'એક ઘાતમાંથી પોતે માંડ બચ્યો છે .ને બીજી ધાત આવે તે પહેલાં તેમાંથી ભાગી છૂટવું જોઈએ. ને બીજી જ પળે તે ખભે લાકડી કરતોક ને ગોદરા (પાદર) તરફ ચાલતો થયો.
'બેટમજી ભલેને ગોંદરે ગયા ,ધેર જવા આવશે તો આંહીં થીજને ?' કહીને પે'લુ ટોળું ઓડો બાંધીને શામજીના ઘર તરફ જવાના રસ્તે જ ઉભું રહ્યું. બરાબર એ જ વખતે હાથમાં લાકડી સાથે ઝડપી ચાલે હાંફળો -ફાફળો સોનો ત્યાં આવ્યો. ' શું અલ્યા સોનિયા,ભલા મ'નેખલઆટલી વાર કરાય ?' શીવાએ કહ્યું . 'અંધારામાં કમ્બખ્ત આ લાકડી જડતી ન હતી.ચેટલા ફાંફાં માર્યા ત્યારે માંડ જડી છે.' સોનાએ હાથ માંની લાકડી બતાવતા કહ્યું.
' શું પૂરો લાગ આવ્યો હતો ભૂંડા .તું હાજર હોત , તો કામ પૂરું થઈ ગયું હોત .' શંકરે આતુરતાથી કહ્યું .
'તો- તો કરી નાખ્યું હતું ને પૂરું કામ, એ તો હું બધુંય મારા માથે ઓઢી લોત .' સોનાએ કહ્યું. તે પછી એ ટોળાએ કેટલીક ખાનગી ગુસપુસ કરી લીધી . એ ગોધરા તરફ ગયો છે. ને ઘેર જવાનો બીજો રસ્તો જ ક્યાં છે ? માટે ધેર જવાતો આંહીં જ પાછો આવશે નેં ? એમ વિચાર કરીને ઓડો બાંધીને એ ટોળાએ ત્યાં જ જમાવી.
પાદર તરફ ડગ માંડતા શામજીના મગજમાં વિચારોની આંધી ઊઠી હતી .એક જીવલેણ હુમલામાં સપડાતાં પોતે માંડ બચ્યો હતો. ને એ બચવાનું કારણ રાધા નો ભાઈ સોનો એ વખતે હાજર ન હતો એ હતું .એ પણ ખ્યાલ આવી ગયો હતો. શામજીને એ પણ સાંભર્યું કે પેલી દુશ્મન ટોળીએ પોતાને ચારે બાજુથી કેવો ધેરી લીધો હતો ? પોતે સામો થાય તો પણ કદાચ પોતાની તાકાત બતાવવાનો મોકો જ ન મળે .ને ચોંટે ગાળેલી એ થોડી ક્ષણમાં તો એણે એ પણ જોઈ લીધું હતું કે,એમના ઝઘડામાં તેને બચાવવા માટે કોઈ વચે પડે તેમ લાગતું ન હતું .જેમને દોસ્તાર -દોસ્તાર કહીને મોં સુકાઈ જતું હતું .એ દોસ્તારોએ પણ મુશ્કેલીમાં મોં ફેરવી લીધું હતું. વિચારોમાં અટવાયેલો શામજી પાદરે આવી પહોંચ્યો. તળાવની પાળ પાસે ઉભેલા મોટા ઘેઘુર વડ પાસે જઈને તેણે નજર સચેત કરી. ત્યાં કાંઈ હિલચાલ ન દેખાણી . 'સાલી !' આવી હશે ,કે અમથા ફસાવી મારવાનું મારવાનું કાવતરું કર્યું હશે .' મનમાં બબડતો શામજી વડની છાય નીચે ગયો. એ જ વખતે વડના થડ પાસેથી વડવાઈઓમાં એક ઓળો હાલતો દેખાણો. શામજીએ લાકડીની પકડ મજબૂત કરી,અને ખાતરી કરવા ધીમેથી પૂછ્યું . 'કોણ છે એ ?
પરંતુ પેલો ઓળો કંઈ બોલવાને બદલે ઝડપી પગલે શામજી તરફ આગળ વધ્યો .શામજીના મગજમાં એકી સાથે કેટલાય વિચારો ઝબકી ગયા.' એ આવી હશે ? કે કાંઈ દગો- પ્રપંચ હશે ? કે પછી કોઈ ભૂત -પ્રેત .'
પેલા ઓળા તરફ લાકડી ઉગામી થોડા કડક સાદે તે બોલ્યો.' કોણ છે ? બોલ ઝટ.નકે આ લાકડી -- !'
'એ તો હું રાધા છું !'. 'રાધા !' જેના સમરણ માત્રથી તેનો ચહેરો પ્રફુલિત થઈ જતો. એ જ રાધા ખુદ સામે આવી ઉભી હોવા છતાંય આજે તેને કંઈ ભાવ ન જાગ્યો. ઓળાને જોઈ શામજી વિચારી રહ્યો. પોતાની લાગણીઓ સાથે ક્રૂર મજાક કરનાર, પોતાને દગો દેનાર, ને પોતાને ઉપરથી બદનામ કરનાર ,આજ રાધાડી છે. શું એક જ લાકડીએ ઢાળી દઉ ઢીમ. અને બધો જ ખેલ પૂરો.' મગજમાં ઝબકારો થયો. ' ના ના, એના માટે તો મેં મનમાં નક્કી કરી એ જ સજા યોગ્ય છે . અને શામજીએ પણ નાટક ચાલુ કર્યું . 'તું એકલી ઠેક આંહીં આવી તોય ,બીકેય ના લાગી !' 'એ બધી વાતો પછી ,ચાલો આ ઘડીએ જ ભાગવા માંડીએ . નકર તારું ને મારું બંનેનું પુરું થયું સમજ !' અંધારામાં રાધા નો ચહેરો તો સ્પષ્ટ દેખાતો ન હતો. પરંતુ એના અવાજ ઉપરથી લાગતું હતું કે, તે' ખૂબ જ ગભરાયેલી છે . 'પરંતુ ક્યાં જઈશુ ?' શામજીએ અભિનય ચાલુ રાખ્યો .
'આવડી મોટી દુનિયા પડી છે .તને સુઝે ત્યાં .પણ આંહીંથી ઝટ ભાગીએ ,નકે --' કહેતાં રાધા સાવ પાસે આવી ગઈ .ને શામજીને નહોતું કહેવું છતાં પણ બોલાઈ ગયું. ' તે હજુપણ કંઈ બાકી રહ્યું છે .તે કોકનો જીવ લેવા ઠેઠ અહીં આવી છો ?' 'જીવ હજુ તો નથી ગયા. પરંતુ બંનેના હવે જરૂર જશે .જો પકડાઈ ગયાં તો. માટે ચાલ ઝડપી ભાગવા માંડીએ .' કહેતા રાધાએ શામજી નો હાથ પકડી લીધો.
'પણ મેં તો કામલપુર થી આગળ બીજું કોઈ ગામેય નથી જોયું .ને આવા કામમાં મારી છાતી પણ ચાલતી નથી. તો ક્યાં જઈશું ?' 'મરદ થઈને હોલડાનું કાળજું રાખે છે ?' રાધાએ ટોણો માર્યો.ને ઉમેર્યું . 'લે ચાલ, થા આગળ દાડો ઉગતા સુધીમાં તો મલકના મલક ઉતરી જઈશું.' શામજી મનોમર વિચારી રહ્યો. ઘેરથી તો પોતે બધોય વેત કરીને જ નીકળ્યો છે. ને પાછા જતાં ચોંટે મોત રાહ જોઈને જ ઉભું છે .માટે વધુ નાટક કરવું હવે નકામું પડશે. તેથી તે બોલ્યો .'હા, લે ચાલ ઉપાડ પગ.એ વગર હવે બીજો રસ્તો જ ક્યાં છે ?' કહેતાં તેણે રાધા નો હાથ પકડ્યો અને વગડા ની વાટે ખેંચી.
શામજીને પાદરે ગયા ને ઘણો સમય વીતી ગયો હતો. છતાં હજુ સુધી તે પાછો ફર્યો ન હોવાથી પે'લી ટોળી હવે અકળાતી હતી. 'કેમ હજી પાછો નહિ ફર્યો હોય ?'કે પછી પછવાડે થી વાડા ની વાડ ફાડીને તો ઘેર જતો નહીં રહ્યો હોય ને ?' વગેરે જાત -જાતની ગુસપુસ તેઓ કરતા હતા. ચોરાનું આજનું તંગ વાતાવરણ જોઈને વગર કહ્યે પણ માણસોને ગંધ આવી ગઈ હતી કે, નક્કી આજે કંઈક નવાજૂની થવાની છે .તેથી નવરાત્રી હોવા છતાં ઘણાં ખરાં માણસો વિખરાઈ ગયાં હતાં .
'આમ વાટ જોવા કરતાં, હેડોને ગોદરેજ એની પાછળ જઈએ ,ને ત્યાં જ પૂરો કરી નાખીએ .' એ ટોળામાં સોનો હવે અધીરો થયો હતો . 'હા. હા. એમ જ કરીએ.' શંકરે તેની વાતને ટેકો આપ્યો . 'એય, એમ કરનારાઓ. અંધારા નો લાભ લઈને આપણા પહેલાં ક્યાંક એ સબી ગયો તો ,એકાદ બે જણ તો પડ્યા હશો લાંબા સોટ થઈને સમજ્યા ?' માધા એ ચેતવણી આપી.
'હા, એ વાત તો ખરી હો .એમ તો એને પણ ક્યાં ચુડિયો પહેરી છે ?' ને પાસે લાકડી પણ છે.' શીવાએ કહ્યું .ને આગળ ઉમેર્યું . 'શંકર જા તો , દોડતો ઘેર જઈને હાથ બતી (ટોર્ચ) લેતો આવતો .' શંકર દોડતો ઘેર જઈને ટોર્ચ લઈ આવ્યો. ને ટોર્ચ નો પ્રકાશ ફેંકતુ એ ટોળું ગામના પાદર તરફ ચાલતું થયું . ટોર્ચ નો પ્રકાશ નો ફેંકતાં ફેંકતાં પેલું ટોળું આખું પાદર ફરી વળ્યું. પરંતુ શામજી ને જાણે કે પાદર ગળી ગયું હોય તેમ ,તેનો ક્યાંય પતો ન હતો. ગોદરે આવેલાં વડનાં બે -ત્રણ ઝાડ ઉપર તથા તળાવમાં આવેલા કૂવામાં ટોચનો પ્રકાશ ફેંકતાં-ફેંકતાં શંકા-કુશંકા ભરેલી નજરે જોઈ લીધું. પણ ત્યાં પણ કોઈ પતો ન હતો .ક્યાં ગુમ થઈ ગયો હશે ?' દરેકના મોં ઉપર એ જ સવાલ હતો. નિરાશ થઈને ટોળું પાછા ફરવાની તૈયારી કરતું હતું. એ જ વખતે ટોચના પ્રકાશમાં શિવાની નજરે મોજડી નાં તાજાં જ નિશાન પડ્યાં.તેણે બધાને ઉભા રાખ્યા ને બોલ્યો 'આ જુઓ, આ તાજાં જ મોજડી નાં નિશાન છે .'બીજા બે -ત્રણ જણે નીચા નમી -નમી ને પગલાંનું નિરીક્ષણ કર્યું. ને બોલ્યા.' હા ,હા,પગ તો એની જ મોજડીનો છે .'
એ પગલાં નાં નિશાન જોતું -જોતુ એ ટોળું આઠ- દસ ડગલાં આગળ ચાલ્યું. ત્યાં તો અડવાણો (પગરખાં વગરનો) એક બીજો પગ તેની સાથે ભળ્યો .જે 12 -13 વર્ષના છોકરા નો હોય એવું કે પગની છાપ ઉપરથી લાગ્યું. 'શામજી વગર બીજા કોઈને ગોદરા તરફ જાતો જોયો હતો ?' કાનજી એ ટોળાને પૂછ્યું . 'ના બીજું તો કોઈ આજે ગોદરા તરફ ફરક્યું જ નથી .'ટોળાએ કહ્યું.
એ અળવાણો પગ પણ શામજીના મોજડીના પગની સાથે ચાલ્યો હોય તેવું પગના નિશાન ઉપરથી લાગ્યું . સૌ એકબીજાને પૂછતા હતા, કે તો પછી આ બીજો પગ છે કોનો ?'. બરાબર એ જ વખતે ગામ તરફથી કોલાહલ કરતું એક બીજું ટોળું ત્યાં દોડી આવ્યું . 'સોનિયા ...સોનિયા.... ગજબ થઈ ગયો છે . રાધાડી ઘેર નથી !' સૌથી આગળ દોડતા આવતા હાંફતા - હાંફતા પ્રેમજી ડોસો માંડ -માંડ બોલ્યા .એમની પાછળ કેટલાય યુવાનો હાથમાં જે આવ્યું તે લઈને દોડી આવ્યા હતા.
' શું કીધું ..?' રાધાડી ઘેર નથી ?' ક્યારની ?'આ ટોળાએ ઉચાટ અને ક્રોધ મિશ્રિત સાદે પૂછ્યું .
'ક્યારનીયે તો ખબર નથી .પણ બહુ ઢાળીયા માં જોવા ગઈ ,તો ખાટલો ખાલી હતો.' ડોસો માંડ માંડ બોલ્યા. પેલાં બીજાં પગલાંના નિશાન કોનાં હતાં તેનો તાગ આ ટોળાને હવે મળી ગયો હતો. ' નક્કી બંને એ દાડે નક્કી કરી રાખ્યું હશે, ને રાત પડતાં જ લાગ જોઈને હાળા ભાગી ગયાં હશે. એવું અનુમાન કરતાં પણ આ ટોળાને હવે વાર ન લાગી. પૂરેપૂરો મોકો મળ્યો હતો તોય, શામજીને કોરો જવા દીધો એ બદલ શંકર પોતાની જાત ઉપર પસ્તાતો હતો. પરંતુ એમ ક્યાં ઘણી વાર થઈ છે ?ઉપાડો પગ ,અને પકડો પગનાં નિશાન. હમણાં જ આંબી જઈશું.' એમ કહીને ટોળું ટોર્ચ ના પ્રકાશે પગલાં નાં નિશાન જોતું શામજી અને રાધાની પાછળ પડ્યું .
વગડામાં સ્મશાન વત શાંતિ પથરાયેલી હતી .તમરાનો તરૂરૂ...તરૂરૂ...અવાજ નિસ્બધત્તાને ચીરવાની કોશિશ કરતો હતો. તો ક્યારેક શિયાળવાનો.હકાઉ...હકાઉ.... અવાજ શાંતિનો ભંગ કરી લેતો હતો. ને પાછી પૂર્વવત શાંતિ પથરાઈ જતી હતી.