Bhootkhanu - 12 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | ભૂતખાનું - ભાગ 12

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ભૂતખાનું - ભાગ 12

( પ્રકરણ : ૧૨ )

‘લાકડાના મોટા બોકસ-ડિબૂક બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં હિબ્રુ ભાષામાં લખાયેલા શબ્દોનો અર્થ શું છે ?!’ એવા જેકસનના સવાલના જવાબમાં આરોને કહ્યું હતું કે, ‘...આ જે લખાયેલું છે, એનો અર્થ થાય છે, બાળકો ચોરનારી !!!’

અને જેકસન આરોનની આ વાતના જવાબમાં આરોનને કંઈ કહેવા-પૂછવા ગયો ત્યાં જ અત્યારે તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.

‘એક મિનિટ, આરોન !’ કહેતાં જેકસને એ જ રીતના કાર આગળ વધારે રાખતાં ખિસ્સામાંથી

મોબાઈલ ફોન કાઢયો. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો તેની મોટી દીકરી મરીનાનો મોબાઈલ નંબર ઝળકતો હતો.

તેણે મોબાઈલનું બટન દબાવીને મોબાઈલ કાને મૂકતાં કહ્યું : ‘હા, બોલ, બેટા !’

‘ડેડી !’ અને મોબાઈલમાંથી મરીનાનો રડતો અવાજ સંભળાયો : ‘સ્વીટીની તબિયત જરાય સારી નથી ! એને-એને કંઈ થઈ ગયું છે !!’

‘શું થઈ ગયું છે ?!’ જેકસનના ચહેરા પર ચિંતાના વાદળાં ધસી આવવાની સાથે જ તેણે ચિંતાભેર પૂછયું.

‘...કંઈ જ સમજ નથી પડતી, ડેડી !’ જેકસનના કાને મુકાયેલા મોબાઈલમાંથી એ જ રીતનો મરીનાનો રડતો અવાજ સંભળાયો : ‘તમે જલદીથી હોસ્પિટલે આવી જાવ, ડેડી !’

‘તમે લોકો કંઈ હૉસ્પિટલમાં છો !’ જેકસને પૂછયું.

અને મોબાઈલમાં સામેથી મરીનાએ હૉસ્પિટલનું નામ જણાવ્યું, એટલે જેકસને કહ્યું : ‘તું જરાય ફિકર કરીશ નહિ. હું તુરત જ ત્યાં પહોંચું છું !’

‘જલદી આવજો, ડેડી !’ અને આટલું કહેતાં જ સામેથી મરીનાએ કૉલ કટ્‌ કરી દીધો.

જેકસને મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકતાં બાજુની સીટ પર બેઠેલા આરોનને કહ્યું : ‘આરોન ! સ્વીટીની તબિયત બગડી...’

‘...ઈશ્વર બધું સારું કરશે !’ જેકસન પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ આરોને કહ્યું : ‘બસ, સહુએ હિંમત રાખવાની છે !

‘આરોન !’ જેકસનની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે દુઃખી અવાજે આરોનને પૂછયું : ‘મારી સ્વીટીને સારું થઈ જશે ને ?! મારી સ્વીટી એ બૂરી આત્માના પંજામાંથી મુક્ત થઈ જશે ને !’

‘મેં કહ્યું ને, જેકસન !’ આરોને લાગણીભીના અવાજે કહ્યું : ‘ઈશ્વર બધું સારું કરશે, બસ તમારે હિંમત રાખવાની છે.’

‘હા !’ જેકસને આંસુ લુંછ્યા અને હિંમતનો એક શ્વાસ લીધો : ‘ઈશ્વર સારું કરશે ! મેં કે, મારી દીકરી સ્વીટીએ કયાં કદી કોઈનું કંઈ બગાડયું છે ! ઇશ્વર જરૂર સારું કરશે !!’ અને તેણે હૉસ્પિટલ તરફ કાર દોડાવી મૂકી.

હૉસ્પિટલમાં, મરીના બાંકડા પર, તેની મમ્મી પામેલાને વળગીને રડતી બેઠી હતી.

પામેલાની આંખમાંથી પણ આંસુ સરી રહ્યાં હતાં. પામેલાએ તેના ઘરની બહાર જે રીતના સ્વીટીને તરફડતાં જોઈ હતી, એનાથી પામેલાને આંચકો લાગ્યો હતો અને સ્વીટીને ઍમ્બ્યુલન્સમાં અહીં લાવતી વખતે મરીનાએ તેને કહ્યું હતું કે, ‘‘એણે પેલું મોટી પાંખો, ગોળ-મોટી આંખો ને બે લાંબા તીણાં દાંતવાળું વિચિત્ર અને ભયાનક જીવડું સ્વીટીના મોઢામાંથી નીકળતાં જોયું હતું,’’ ત્યારે જાણે પામેલાનું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું હતું. તેની સાજી-સારી દીકરી સ્વીટીની અચાનક બગડેલી આ હાલત તેની સમજની બહાર હતી.

‘પામેલા !’ પામેલાના કાને ડૉકટર આનંદનો અવાજ પડયો, એટલે તે વિચારોમાંથી બહાર ખેંચાઈ આવી. તે મરીનાને પોતાનાથી અળગી કરતાં બાંકડા પરથી ઊભી થઈ.

‘આપણે તાત્કાલિક સ્વીટીનું એમ. આર. આઈ. કરાવવું પડશે !’ ડૉકટર આનંદે કહ્યું.

‘જી,’ પામેલા આંસુ સારતી આંખે ડૉકટર આનંદ સામે જોઈ રહેતાં બોલી : ‘તમને જેમ ઠીક લાગે એમ !’

અંદર, એમ. આર. આઈ. રૂમમાં ડૉકટર આનંદ પોતાના આસિસ્ટન્ટ સાથે સ્વીટીનો એમ. આર. આઈ. લેવાની કામગીરી શરુ કરવા જઈ રહ્યા હતા.

સ્વીટીને એમ. આર. આઈ. મશીનમાં-પાટ પર લેટાવી દેવામાં આવી હતી. નજીકમાં જ પામેલા ઊભી હતી.

‘સ્વીટી !’ ડૉકટર આનંદે સ્વીટીને કહ્યું : ‘અમે તને આ મશીનની અંદર નાંખીશું. તું એમ સમજ કે, આ એક મોટો કૅમેરા છે, જે તારા શરીરની અંદરની તસ્વીર બતાવશે !’

‘હું..,’ સ્વીટીએ નજીકમાં ઊભેલી તેની મમ્મી પામેલા તરફ નજર ફેરવતાં પૂછયું : ‘હું ઠીક તો છું ને, મમ્મી !’

‘હા, સ્વીટી બેટા ! તું બિલકુલ ઠીક છે !’ પામેલાએ પરાણે આંસુ ખાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું : ‘જો, તું  જરાય ડરીશ નહિ. અમે લોકો બાજુની કેબિનમાં જ હોઈશું. ઑૅ. કે !’

‘હં !’ કહેવાની સાથે સ્વીટીએ હકારમાં ગરદન પણ હલાવી.

‘સ્વીટી !’ ડૉકટર આનંદે  કહ્યું : ‘તને કેટલાંક અવાજો સંભળાશે. પણ તું ગભરાઈશ નહિ, હોં !’

‘હા !’ સ્વીટીએ કહ્યું, એટલે ડૉકટર આનંદે પામેલા સામે જોયું.

પામેલા મશીનથી સહેજ દૂર થઈ.

ડૉકટર આનંદના આસિસ્ટન્ટે સ્વીટીને એમ. આર. આઈ. માટે બિલકુલ તૈયાર કરી, એટલે ડૉકટર આનંદે કહ્યું : ‘હવે તું જરાય હલીશ નહિ, સ્વીટી !’ અને ડૉકટર આનંદ અને એનો આસિસ્ટન્ટ બાજુની કૅબિન તરફ આગળ વધ્યા. સાથે પામેલા પણ ચાલી.

એ કેબિનમાં કાચની બારી હતી, જેમાંથી મશીનમાં લેટેલી સ્વીટી જોઈ શકાતી હતી. બાજુમાં ટેબલ પર કૉમ્પ્યુટર પડયું હતું.

આસિસ્ટન્ટ કૉમ્પ્યુટર સામેની ખુરશી પર બેઠો. મરીના એની બાજુની ખુરશી પર બેસી. પામેલા આસિસ્ટન્ટની ખુરશી પાછળ ઊભી રહી.

‘ચાલો, તો હવે શરુ કરીએ !’ ડૉકટર આનંદે કહ્યું, એટલે આસિસ્ટન્ટે કૉમ્પ્યુટરમાં કમાન્ડ આપ્યો, અને એ સાથે જ સ્વીટી મશીનમાંની જે પાટ પર લેટેલી હતી એ પાટ મશીનની અંદરની તરફ સરકવા લાગી.

ધીરે-ધીરે પાટ-સ્વીટી મશીનની અંદર ગઈ.

‘ડૉકટર અંકલ !’ પાટ પર લેટેલી સ્વીટીએ પૂછયું : ‘હું આંખો બંધ કરી શકું ?!’

‘હા, સ્વીટી !’ સ્પીકરમાંથી ડૉકટર આનંદનો ધીમો અવાજ સંભળાયો.

સ્વીટીએ આંખો બંધ કરી.

‘સ્વીટી !’ સ્પીકરમાંથી ડૉકટર આનંદનો અવાજ સંભળાયો : ‘અમે તસ્વીરો લેવાની શરૂ કરી રહ્યા છીએ !’

સ્વીટી કંઈ બોલી નહી.

અને આ રૂમની બાજુની કેબિનમાં, કૉમ્પ્યુટર પર બેઠેલા આસિસ્ટન્ટની બાજુમાં ઊભેલા ડૉકટર આનંદે આંખના ઈશારાથી આસિસ્ટન્ટને કામગીરી શરૂ કરવાનો હુકમ આપ્યો.

આસિસ્ટન્ટે કૉમ્પ્યુટરના બટન દબાવીને જાણે સ્વીટીના ફોટા લેવા લાગ્યો. કૉમ્પ્યુટરના સ્ક્રીન પર સ્વીટીના શરીરના અંદરના ભાગ દેખાવા લાગ્યા.

આસિસ્ટન્ટની બાજુની ખુરશી પર બેઠેલી મરીના તેમજ આસિસ્ટન્ટની ખુરશીની પાછળ ઊભેલી પામેલા પણ કૉમ્પ્યુટરના સ્ક્રીન પર ચિંતા સાથે જોઈ રહી.

‘ગુડ..,’ સ્ક્રીનમાં દેખાઈ રહેલા સ્વીટીની શરીરની અંદરના ભાગને જોઈ રહેતાં ડૉકટર આનંદે કહ્યું : ‘..ટિશ્યૂઝ્‌ પણ સારા છે !’

અને આસિસ્ટન્ટે બટન દબાવવા માંડયા. સ્ક્રીન પર ધીમે-ધીમે સ્વીટીના આખાય શરીરના અંદરના ભાગ દેખાવા માંડયા.

‘સ્વીટી !’ ડૉકટર આનંદે કહ્યું : ‘તસ્વીરમાં તું ખૂબ જ હૅલ્ધી અને બ્યુટીફૂલ લાગી રહી છે !’

સ્વીટી તરફથી કોઈ જવાબ આવ્યો નહિ. મશીનની અંદર સ્વીટી બંધ આંખે પડી હતી.

કૉમ્પ્યુટરની સામે બેઠેલા આસિસ્ટન્ટની પાછળ ઊભેલી પામેલાએ બાજુમાં ઊભેલા ડૉકટર આનંદ સામે જોયું, અને તે ‘તમને શું લાગે છે, ડૉકટર !’ એવો સવાલ પૂછવા ગઈ, ત્યાં જ કેબિનની ટયૂબલાઈટો બંધ-ચાલુ થવા લાગી.

પામેલા તેમજ મરીના ‘આ શું થઈ રહ્યું છે ?!’ એ જોવા લાગી, તો આસિસ્ટન્ટ બોલી ઊઠયો : ‘સર ! કંઈક ગરબડ લાગી રહી છે !’

ડૉકટર આનંદે આસિસ્ટન્ટની આ વાતનો જવાબ આપ્યો નહિ. ડૉકટર આનંદનું બધું ધ્યાન કૉમ્પ્યુટરના સ્ક્રીન પર હતું. તેઓ કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીરના અંદરના ભાગને ખૂબ જ ઝીણવટથી જોઈ રહ્યા હતા.

આસિસ્ટન્ટ, પામેલા અને મરીનાએ પણ હવે પાછું કૉમ્પ્યુટરના સ્ક્રીન તરફ જોયું.

‘ડૉકટર !’ પામેલાએ ડૉકટર આનંદને પૂછયું : ‘સ્વીટીના બધાં ઑરગન્સ તો ઠીક છે ને !’

‘એ બધું તો ઠીક છે, પણ..,’ ડૉકટર આનંદે કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીરના અંદરના ભાગને જોઈ રહેતાં કહ્યું : ‘..પણ એના શરીરની અંદર કંઈક દેખાઈ રહ્યું છે !’

પામેલાએ પણ આંખો ઝીણી કરીને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીરને જોઈ રહી.

મરીના અને આસિસ્ટન્ટ પણ જોઈ રહ્યા.

ટયૂબલાઈટ હજુ પણ બંધ-ચાલુ થઈ રહી હતી.

‘આ-આ બધું શું થઈ રહ્યું  છે ?!’ પામેલાએ પૂછયું.

‘કંઈ જ ખબર પડતી નથી !’ ડૉકટર આનંદે સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીરના અંદરના ભાગ તરફ જોઈ રહેતા કહ્યું : ‘સ્વીટીના શરીરની અંદર કંઈક હોય એવું લાગે છે ?!’

મરીના ખળભળી ઊઠી.

‘શું...’ પામેલા કાંપી ઊઠી : ‘...શું છે ?!’

ડૉકટર આનંદે કોઈ જવાબ આપ્યો નહિ. તેઓ કૉમ્પ્યુટરના સ્ક્રીન તરફ તાકી રહ્યા.

પામેલા અને મરીનાએ પણ પાછું સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીર તરફ જોયું.

આસિસ્ટન્ટ પણ સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીરના અંદરના ભાગને પહોળી આંખે જોઈ રહ્યો હતો.

-સ્વીટીના શરીરની અંદર-સ્વીટીના છાતીના જમણા ભાગમાં કંઈક હતું, અને..., અને એ જે કંઈ પણ હતું, એ હલી રહ્યું હતું-સળવળી રહ્યું હતું !!

આસિસ્ટન્ટે કૉમ્પ્યુટરનું બટન દબાવ્યું અને સ્ક્રીન પર સ્વીટીના શરીરનો અંદરનો એ ભાગ વધુ મોટો થયો ને વધુ ચોખ્ખો દેખાયો.

મરીના વધુ ઝડપે ધબકવા માંડેલા હૃદય સાથે સ્વીટીના શરીરના અંદરના એ ભાગને જોઈ રહી.

પામેલા પણ સ્વીટીના શરીરના અંદરના એ ભાગને એકીટશે તાકી રહી. અને...

...અને પામેલાને સ્વીટીના શરીરના અંદરના એ ભાગમાં સળવળી રહેલી વસ્તુ સહેજ ચોખ્ખી દેખાઈ. તેેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ. તેનું હૃદય જાણે બેસવા લાગ્યું. ‘સ્વીટીના શરીરની અંદર કંઈક જીવતી-જાગતી વસ્તુ છે !’ ધ્રુજતા અવાજે તે બોલી અને તેણે ખૂબ જ ધ્યાનથી એ વસ્તુ જોવા માંડી.

અને સ્વીટીના શરીરની અંદર સળવળી રહેલી એ વસ્તુ એકદમ ચોખ્ખી દેખાઈ !

અને પામેલા, મરીના, ડૉકટર આનંદ અને આસિસ્ટન્ટ જાણે પથ્થરના પૂતળાં બની ગયા !

-કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાઈ રહેલા સ્વીટીના શરીરના અંદરના ભાગમાં જે દેખાઈ રહ્યું હતું, એ..., એ કોઈ વ્યક્તિનો ભયાનક ચહેરો હતો !!

-એ ભયાનક ચહેરાવાળી વ્યક્તિ પોતાની જાતને સંકોરીને સ્વીટીના શરીરના અંદરના એ ભાગમાં બેઠી હતી !!!

-અને અત્યારે એ ભયાનક વ્યક્તિએ મરીના અને પામેલા તરફ જોઈ રહેતાં પોતાનું મોઢું ફાડ્યું...

...અને એ સાથે જ મરીનાના મોઢેથી ચીસ નીકળી ગઈ.

તો કાચની બારીની પેલી તરફના રૂમમાં એમ. આર. આઈ. મશીનમાં-પાટ પર બંધ આંખે પડેલી સ્વીટીની આંખો ખુલી ગઈ.

અને એ સાથે જ કેબિનમાં, કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાઈ રહેલો એ ભયાનક ચહેરો-સ્વીટીના શરીરના અંદરનો એ ભાગ દેખાવાનો બંધ થઈ ગયો ! કૉમ્પ્યુટર આપમેળે બંધ થઈ  ગયું.

જોકે, હવે જે ટ્યુબલાઈટો ચાલુ-બંધ થઈ રહી હતી, એ બરાબર થઈ ગઈ ! ટ્યૂબલાઈટો એકધારી ચાલુ રહી.

કેબિનમાં એ જ રીતનો સન્નાટો છવાયેલો રહ્યો.

ડૉકટર આનંદ, આસિસ્ટન્ટ, પામેલા અને મરીના પોત-પોતાની જગ્યાએ એજ રીતના થીજેલી હાલતમાં ઊભા રહ્યા.

પળ બે પળ આ રીતના જ વિતી અને પછી પામેલા જ સહુ પહેલી હલબલી.

પામેલા તેને જે જોવા મળ્યું હતું એના આંચકા અને આઘાત સાથે જ કેબિનમાંથી બહાર નીકળી અને એમ. આર. આઈ. મશીન પાસે, પાટ પર સૂતેલી સ્વીટી પાસે પહોંચી.

આસિસ્ટન્ટ તો પોતાની ખુરશી પર જ બેસી રહ્યો.

મરીના ટેબલ પર ચહેરો છુપાવીને રડવા માંડી.

ડૉકટર આનંદે તેમને જે કંઈ જોવા મળ્યું હતું, એના આંચકા અને આશ્ચર્યને પચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં તેઓ સફળ થઈ શક્યા નહિ. તેઓ જાણે પોતાની જાતને પરાણે ખેંચીને ચાલતા હોય એમ બાજુના રૂમ તરફ આગળ વધ્યા.

તેમણે સ્વીટીને મશીનમાંથી બહાર કાઢી.

સ્વીટીની આંખો સ્થિર અને કોરી હતી ! જાણે એ કોઈક બીજી જ દુનિયામાં જોઈ રહી હતી !!

પામેલાએ સ્વીટીને પોતાની છાતી સરસી ચાંપી અને તેના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ. તે સ્વીટીના શરીરમાં રહેલી એ ભયાનક વ્યક્તિની હાજરીને જાણે અનુભવી રહી. તેના મનમાં ભય જાગ્યો, પણ તેણે તુરત જ એ ભયને દબાવ્યો. તેણે હિંમતભેર સ્વીટીને પોતાની છાતી સરસી ચાંપેલી રાખી.

તો ડૉકટર આનંદે હજુ હમણાં જ તેમની બાજુમાં આવીને ઊભેલા અને મુંઝવણ તેમજ ગુંચવણભરી નજરે જોઈ રહેલા તેમના આસિસ્ટન્ટને ધીમા અવાજે સૂચના આપી : ‘સ્વીટીને રૂમમાં શિફટ્‌ કરી દો !’ અને ડૉકટર આનંદ એમ. આર. આઈ. રૂમની બહાર નીકળ્યા અને ધીમી ચાલે પોતાની ઑફિસ તરફ આગળ વધ્યા.

‘હવે સ્વીટીના એમ. આર. આઈ.નો રિપોર્ટ શું આપવો ?

‘તેમને સ્વીટીનો એમ. આર. આઈ. કાઢતી વખતે સ્વીટીના શરીરની અંદર જે કંઈ દેખાયું હતું, એ માનવામાં ન આવે, મગજમાં ન બેસે એવું હતું !

‘સ્વીટીનો આ રોગ એ તેમની સૂઝ-સમજ અને નૉલેજ બહારનો હતો !!!’

(ક્રમશઃ)